એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૧૫

‘પોલીસ આવી છે. ભાભીને પકડી લીધાં.’નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય

મજીઠિયાપરિવારના બંગલોની બહાર નીકળીને સુજાતાએ કોઈકને ફોન કર્યો, ‘મને બહુ બીક લાગે છે.’

સામેથી કોઈકે કંઈક કહ્યું. એ સાંભળીને સુજાતાએ જોરથી કહ્યું, ‘એ હું ન જાણું.’

તેના અવાજમાં ડર હતો. તેણે જોરથી કહ્યું, ‘સાહેબ! હું કોઈનાથી ડરતી નથી.’

કહીને તેણે ઉમેર્યું, ‘મારો કોઈ વાંક નથી. હું સાચી છું...’

સુજાતાને ખબર નહોતી, પણ તેની પાછળ-પાછળ બહાર નીકળેલા નાનકે સુજાતાને વાત કરતી સાંભળી. સ્મશાનથી ઘરે આવ્યા પછી નાનકે અચાનક જ પોતાના રડાર ખોલી નાખ્યા હતા. તે ઝીણી-ઝીણી વસ્તુઓ સમજવા અને પકડવા માગતો હતો. અહીં શું બન્યું હશે એની તો ફક્ત કલ્પના જ થઈ શકે, પરંતુ એ પછી બની રહેલી ઘટનાઓને જો ધ્યાનથી જોવામાં આવે તો ઘણી વિગતોની કડીઓ જોડી શકાશે એવું નાનકને સમજાવા લાગ્યું હતું.

સ્મશાનથી આવ્યા પછી નાનક તેના પિતા સાથે વાત કરી રહ્યો હતો. તેને લાગ્યું કે જાહ્નવીની ધરપકડના સમાચાર જો ટીવી કે અખબારો પર ખબર પડશે તો માતા-પિતાને ભયાનક આઘાત લાગશે એટલે તેણે શાંતિથી ટુકડે-ટુકડે બાલચંદ્રભાઈને બધું સમજાવ્યું. તેણે ફોન સ્પીકર પર રાખવાનું કહ્યું હતું એટલે નિત્યાબહેને પણ બધી વાત સાંભળી.

‘હું જાઉં લીલાધરભાઈને મળવા?’ બાલચંદ્રભાઈએ પૂછ્યું તો ખરું, પણ તેમને મનોમન નાનકના જવાબની ખબર હતી.

‘તે કોઈ મદદ નહીં કરે. રાજકારણી છે! આપણી મદદ શું કામ કરે પપ્પા?’ નાનકે કહ્યું.

‘તો પણ...’ નિત્યાબહેને કહ્યું, ‘તેનો દીકરો ફસાયો છે, કંઈક તો કરશેને?’

‘તેના દીકરા માટે ચોક્કસ કરશે.’ કહીને નાનક એક ક્ષણ અચકાયો, પછી હિંમત કરીને કહી જ નાખ્યું, ‘પપ્પા, આ જુદી જાતના લોકો છે. જરૂર પડેને તો તેના દીકરાને બચાવવા માટે તમારી દીકરીને ફસાવતા અચકાશે નહીં.’

તેણે ધીમે રહીને ઉમેર્યું, ‘અત્યારે તો તેમની સાથે વાત પણ નહીં કરતા. શરણ અહીં છે. તેને પણ અટકાવ્યો છે. તેની પૂછપરછ પણ થશે.’

ઊંડો નિ:શ્વાસ નાખીને નાનકે ઉમેર્યું, ‘જુઓ, તે શું જવાબો આપે છે.’

‘અમે આવી જઈએ?’ બાલચંદ્રભાઈને બીજું કંઈ સૂઝ્યું નહીં એટલે તેમણે પૂછ્યું.

‘અહીં આવીને શું કરશો?’ નાનકે પિતાને સમજાવ્યા. પછી સધિયારો આપતાં કહ્યું, ‘અમે બન્ને પણ કાલે તો પાછા જ આવીએ છીએ. જાહ્નવીને હજી તો આરોપી તરીકે પકડી છે. હવે પોલીસ રિમાન્ડ માગશે, આપણે બેઇલ માગીશું. કાયદાનો જંગ શરૂ થશે...’

સહેજ ચૂપ રહીને તેણે ઉમેર્યું, ‘પૈસાની વ્યવસ્થા પણ કરવી પડશેને?’

‘હાસ્તો!’ બાલચંદ્રભાઈએ એક ક્ષણ પણ ગુમાવ્યા વિના જવાબ આપ્યો, ‘જ્યાં ને જેટલી જરૂર પડે એટલા પૈસા આપીશું આપણે. તું કહેજે પ્રણવને...’

‘શું તમે પણ!’ નિત્યાબહેને વાત અડધેથી જ કાપી, ‘આપણે ક્યાંથી આપીશું પૈસા?’

‘અરે! મારી દીકરીને બચાવવા માટે તો હું આ ઘર, ગાડી વેચી નાખીશ. ઇન્વેસ્ટમેન્ટ્સ લિક્વિડ કરી નાખીશ...’

બાલચંદ્રભાઈ આગળ બોલે એ પહેલાં નિત્યાબહેન વચ્ચે જ તાડૂક્યાં, ‘પછી આપણે શું કરીશું? ભીખ માગીશું?’

તેમણે ફોનમાં કહ્યું, ‘હમણાં કોઈ વચન આપતો નહીં. જોઈશું. મદદ થશે એટલી જરૂર કરીશું, પણ...’

‘મમ્મી!’ નાનકના અવાજમાં સહેજ ચીડ ભળી ગઈ, ‘તેમણે પૈસા માગ્યા જ નથી. હું માનું છું ત્યાં સુધી પ્રણવ આપણી પાસે આશા પણ નહીં રાખતો હોય.’

તેણે સહેજ કડક અવાજે ઉમેર્યું, ‘સુપ્રીમ કોર્ટનો લૉયર તેનો બાળપણનો મિત્ર છે. તેને આપણી જરૂર નહીં પડે. પણ મનથી, લાગણીથી તો જોડે રહેવાય કે નહીં?’

તેણે આટલું કહીને ઉમેર્યું, ‘તમને જણાવવા માટે ફોન કર્યો હતો. પછી વાત કરીશ...’ નાનકે ફોન મૂકી દીધો. તે ફોન કરવા માટે બહાર નીકળ્યો હતો. સુજાતાને ઘરની બહાર નીકળતી જોઈ એટલે તે વાત કરતો-કરતો સુજાતાની પાછળ બંગલોનાં પગથિયાં ઊતર્યો. તેણે ધાર્યું પણ નહોતું કે સુજાતા આવી રીતે બહાર નીકળીને તરત જ કોઈને ફોન કરશે.

સુજાતાનું પહેલું વાક્ય સાંભળીને નાનકના કાન સરવા થઈ ગયા. તેણે ‘પછી વાત કરીશ...’ કહીને ફોન ડિસકનેક્ટ કર્યો. સુજાતા પોતાનો ફોન કમરે લટકાવેલી નાનકડી બૅગમાં મૂકી રહી હતી ત્યારે ઉતાવળાં ડગલાં ભરીને નાનક તેની પાસે પહોંચી ગયો.

ફોન પોતાની નાનકડી સ્લિંગ બૅગમાં મૂકવાની મથામણ કરી રહેલી સુજાતાએ ચોંકીને ઊંચું જોયું, ‘ભાઈ!’ જાહ્નવીનાં લગ્ન પછી નાનક અહીં

ચાર-પાંચ વાર આવ્યો હતો. સુજાતા તેને બરાબર ઓળખતી હતી, ‘બોલોને.’ તેણે સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો.

નાનક થોડી ડરેલી, થોડી ઝંખવાઈ ગયેલી સુજાતા સામે ધ્યાનથી જોઈ રહ્યો. પાતળી, રંગે શ્યામ ને તદ્દન સામાન્ય દેખાવની સુજાતા ખૂબ ચોખ્ખી હતી. સવારે સાત વાગ્યે જુઓ તો પણ નાહી-ધોઈને, કચકચાવીને વાળેલા અંબોડા સાથે જોવા મળે. તે સાડી પહેરતી, પણ ઘૂંટીથી સહેજ ઊંચી. છેડો કાયમ કમરમાં ખોસેલો રહેતો, પણ ઘરમાં કોઈ મહેમાન આવે તો બહાર આવતાં પહેલાં અચૂક ખભા પર છેડો લઈને પાણી આપવા કે ચા-નાસ્તો આપવા આવતી. વીરબાળાબહેન તેનાં વખાણ કરતાં થાકતાં નહીં. તેનો પતિ નહોતો. દીકરીને વીરબાળાબહેને હૉસ્ટેલમાં દાખલ કરાવી હતી. સુજાતા અઠવાડિયે એક જ વાર ઘેર જતી. તેનું ઘર બાપુનગરમાં હતું. હવે તેનાં સાસુ સિવાય ત્યાં કોઈ નહોતું તેમ છતાં સુજાતા અઠવાડિયે એક દિવસ રાત્રે સાસુ પાસે જતી ને સવારે આવી જતી.

જાહ્નવી પરણી એનાં કેટલાંય વર્ષો પહેલાંથી સુજાતા આ ઘરમાં જ રહેતી હતી. તેને બધી જ ખબર હતી. ઘરની ઝીણી-ઝીણી બાબતોમાં સુજાતા વગર ક્યારેક કામ અટકી પડતું એટલુંબધું તેણે આ ઘરને સંભાળી લીધું હતું. ઓછું બોલતી, શાંત અને અત્યંત પ્રામાણિક હોવાની તેણે છાપ ઊભી કરી હતી. એવી આ બાઈ ઘરની બહાર નીકળતાંની સાથે કોઈને ફોન કરે એ જરા નવાઈની વાત હતી.

‘કોને ફોન કર્યો તેં?’ નાનકે સીધું જ પૂછી નાખ્યું.

‘હેં?’

સુજાતા સહેજ ગૂંચવાઈ ગઈ, પણ જવાબ આપતાં પહેલાં તેણે આ ‘હેં?’ કહીને વિચારવાનો સમય લઈ લીધો. પછી જવાબ આપ્યો, ‘મારા એક સગાને...’

‘તારા સગાને વળી શું રસ આ બધામાં?’  નાનકે પૂછ્યું.

‘ભાઈ, એ તો બધાયને જાણવું હોયને શું થયું તે...’ સુજાતાએ કહ્યું, ‘છાપામાંય આવી ગયું છે. બધાને ખબર પડી ગઈ છે એટલે પૂછે.’

તેણે સ્માર્ટ બનીને જવાબ આપ્યો તો ખરો, પણ નાનકને આ જવાબ ગળે ઊતર્યો નહીં એ સુજાતાને સમજાયું એટલે તેણે કહ્યું, ‘ભાઈ, હું કંઈ તમારું ખરાબ નહીં કરું. મને આ ઘરની ચિંતા છે.’

‘એમ?’ નાનકે પૂછ્યું. તેની આંખોમાં જે સવાલ હતો એ જોઈને સુજાતા સહેજ હચમચી ગઈ.

‘જો સુજાતા...’ નાનકે કહ્યું, ‘જાહ્નવી ફસાઈ છે એ સાચું, પણ તેને અમે બહાર કાઢી લઈશું એ પણ એટલું જ સાચું છે. તેણે કંઈ નથી કર્યું.’ કહીને તે સહેજ અટક્યો. પછી સુજાતાની આંખોમાં આંખો નાખીને તેણે કહ્યું, ‘પૈસા, પાવર અને પ્રામાણિકતા બધું અમારા પક્ષે છે. તું જેની સાથે વાત કરતી હતી એ કોણ છે એની મને નથી ખબર, પણ એક વાત કહી દઉં સુજાતા, મારી બહેનને જો ક્યાંય પણ તકલીફ પડી તો હું કંઈ પણ કરતાં અચકાઈશ નહીં.’

તેણે સુજાતાના ખભે હાથ મૂકીને સહેજ વજન આપ્યું. પછી કહ્યું, ‘પ્રણવ પણ જાહ્નવી માટે જીવ આપી દેશે એટલું યાદ રાખજે...’

નાનકના અવાજમાં એક ચેતવણી સંભળાઈ સુજાતાને. ‘જાહ્નવી સાથે તો અમે બધા છીએ, પણ તારી સાથે...’ તેણે સહેજ અટકીને કહી દીધું, ‘અમારી સાથે રહીશ તો તારી સાથે બધા જ છે, પણ... સમજે છેને?’ તેણે પૂછ્યું ને પછી ચાલવા માંડ્યો.

સુજાતા ત્યાં જ ઊભી-ઊભી નાનકને જતો જોઈ રહી. તેને બરાબર સમજાઈ ગયું હતું કે તેની વાત સાંભળ્યા પછી નાનકનો તેના વિશેનો આખો અભિપ્રાય બદલાઈ ગયો હતો. સુજાતાએ એ પણ ધારી જ લીધું કે નાનક હવે આ વાત જઈને પોલીસને કહ્યા વગર રહેશે નહીં...

તે ક્ષણભર ઊભી રહીને વિચારવા લાગી. પછી માથું હલાવીને વિચારો ખંર્ખેયા. એક વાર પાછળ ફરીને તેણે બંગલો તરફ જોયું ને ત્યાંથી ચાલી નીકળી.

€ € €

જાહ્નવીની રડારોળ કે પ્રણવના ઉશ્કેરાટ, કશાયની દર્શન પર અસર નહોતી થઈ. તે જાહ્નવીને સાવ શાંતિથી જીપમાં બેસાડીને ચાલ્યો ગયો. જીપ સડસડાટ સોસાયટીના મુખ્ય ગેટની બહાર નીકળી ગઈ. ઘરની બહાર ઊભેલો પ્રણવ હતપ્રભ હતો. તેની અને સોહમ વચ્ચે જે દલીલ થઈ એ પછી સોહમને લાગ્યું કે થોડીક વાર માટે પ્રણવને એકલો છોડી દેવો જ બહેતર છે... સોહમ અંદર ચાલ્યો ગયો.

બહાર બેઠેલો પ્રણવ હજી હમણાં જ, થોડી વાર પહેલાં બેડરૂમમાં ભજવાયેલું દૃશ્ય યાદ કરતો રહ્યો... તેની આંખોમાં પાણી હતાં. તેને ઘરમાં જે કંઈ થયું એ બધું જ ભયાનક રીતે હૉન્ટ કરી રહ્યું હતું.

€ € €

જાહ્નવીની ધરપકડ થશે જ એવો અંદેશો લગભગ સૌને હતો જ. એેટલે કબીરે ઘરમાં પ્રવેશતાંની સાથે જ સોહમને એક ખૂણામાં લઈ જઈને કહ્યું, ‘આપણે આગોતરા જામીનની વ્યવસ્થા...’

‘ખૂનના કેસમાં આગોતરા જામીન ન મળે.’ સોહમે ધીમેથી કહ્યું, ‘અત્યારે તો દર્શન અરેસ્ટ કરશે જ. પોસ્ટમૉર્ટર્મનનો રિપોર્ટ, ખૂનનો સમય વગેરે જાહ્નવીની વિરુદ્ધ છે.’

પછી તેણે દૂર ઊભેલા પ્રણવ તરફ જોઈને ઉમેર્યું, ‘પ્રણવને સાચવવો પડશે.’

સોહમે આવનારા સમયની માનસિક તૈયારી કરવા જ માંડી હતી, પરંતુ તેણે ધાર્યું નહોતું એટલી ઝડપથી બધું બનવા માંડ્યું. સ્મશાનથી આવીને દર્શને કહ્યું હતું, ‘મારે મૅડમને લઈ જવાં પડશે.’

સૌ અવાક હતા.

બધાને સમજાતું હતું કે પોસ્ટમૉર્ટમના રિપોર્ટ પછી દર્શન પૂરી તૈયારી સાથે જ આવ્યો હશે. છતાં પ્રણવે પૂછ્યું, ‘તમારી પાસે અરેસ્ટ વૉરન્ટ છે?’

‘વેલ!’ દર્શને ખભા ઉલાળ્યા, ‘એ વગર હું આટલા હાઇપ્રોફાઇલ કેસમાં અરેસ્ટ કરવાની હિંમત કરું એટલો મૂરખ છું?’

સોહમે આગળ વધીને કહ્યું, ‘હું વૉરન્ટ જોઈ શકું?’

દર્શને હસીને વૉરન્ટ સોહમના હાથમાં મૂક્યું. આમ તો કંઈ બોલવા કે કહેવા જેવું નહોતું. સોહમને પણ ખબર જ હતી કે દર્શન કાચું કામ નહીં કરે તેમ છતાં વૉરન્ટ પર એક નજર નાખીને તેણે કાગળ દર્શનના હાથમાં પાછો આપ્યો.

સોહમે ધીમેથી પ્રણવ પાસે જઈને તેના ખભે હાથ મૂક્યો, ‘દર્શન...’

પ્રણવે તેના તરફ જોયું, ‘જાહ્નવીને અત્યારે તો લઈ જ જશે.’

પ્રણવની આંખોમાં જે પીડા અને જે પ્રશ્નો હતાં એનો સામનો કરવાની સોહમમાં જાણે હિંમત ન હોય એમ તેણે નજર ઝુકાવી દીધી.

‘જાહ્નવીને ફ્રેશ થવાનો સમય આપશો?’

સોહમે પૂછ્યું.

‘શ્યૉર.’ દર્શને કહ્યું, ‘મૅડમ, તમે શાંતિથી કપડાં બદલીને ફ્રેશ થઈને આવો.’

દર્શનના અવાજમાં રહેલી સહાનુભૂતિ સોહમ અનુભવી શક્યો. ‘એક-બે જોડી કપડાં લેવાં હોય તો પણ મને વાંધો નથી.’ કહીને તેણે પ્રણવ તરફ જોયું, ‘ડૉક્ટરસાહેબ, આજે તો મૅડમ કદાચ પાછાં નહીં આવી શકે. કાલે સવારે કોર્ટમાં રજૂ કરીને અમે રિમાન્ડ માગીશું.’ પછી સોહમ તરફ જોઈને તેણે કહ્યું, ‘તમે બેઇલ માટે વાત કરશો, રાઇટ?’

‘યસ.’ સોહમે બાજુમાં ઊભેલા પ્રણવના ખભે હાથ મૂકીને કહ્યું, ‘ડોન્ટ વરી. કાલે સવારે જ બેઇલ લઈ લઈશું.’

તેણે સહેજ ખચકાટ સાથે ઉમેર્યું, ‘ભણેલા-ગણેલા અને હાઇપ્રોફાઇલ લોકોના રિમાન્ડ પણ જરા જુદા હોય.’

ત્યાં ઊભેલી જાહ્નવી બધું સાંભળી રહી હતી. તેની આંખોમાં આતંકની સાથે-સાથે અનેક સવાલો હતા. તે કશું બોલી નહીં, પણ ત્યાં ઊભી-ઊભી જ ધþૂજવા લાગી. દર્શને તેની સામે જોઈને ફરી કહ્યું, ‘મૅડમ, ઉપર જવું હોય તો જઈ આવો. આપણી પાસે બહુ સમય નથી.’ તેણે સોહમ તરફ જોઈને કહ્યું, ‘શરણ શ્રીવાસ્તવને તો સ્મશાનથી સીધા જ લઈ ગયા છે.’

‘તેના નામનું પણ વૉરન્ટ છે?’ સોહમે પૂછ્યું.

‘અત્યારે નથી.’ દર્શને સહેજ આરામથી કહ્યું, ‘પણ જરૂર પડશે તો લઈ લઈશું. હું કોઈનાથી ડરતો નથી.’ કહીને દર્શન સહેજ અટક્યો.

તેણે પ્રણવ તરફ જોયું, ‘પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં એક અજાણી ફિંગરપ્રિન્ટ્સ છે. કોની છે એ ખબર નથી. એ ફિંગરપ્રિન્ટ્સની ખબર પડે તો તમારો કેસ મજબૂત થઈ જાય.’

તેણે સોહમને કહ્યું, ‘અમે પણ કામ કરી રહ્યા છીએ. હું કોઈને ફસાવવા નથી માગતો, પણ...’

તેણે કહી જ નાખ્યું, ‘પ્રાઇમ સસ્પેક્ટ અને ફસ્ર્ટ આરોપી તો જાહ્નવીબહેન જ બને છે. શરણ અહીં હતો એના કોઈ પુરાવા નથી અમારી પાસે...’

તેણે પ્રણવને કહ્યું, ‘મૅડમને ઉપર લઈ જાઓ. મોડું થાય છે.’

પ્રણવને સમજાયું. જાહ્નવી ત્યાંથી એકલી જવા તૈયાર જ નહોતી કદાચ. પ્રણવે આગળ વધીને તેનો હાથ પકડ્યો. ધીમે-ધીમે તેને ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો. જાહ્નવી મહામહેનતે પગથિયાં ચડી રહી હતી. પ્રણવ તેની પાછળ ધીમે-ધીમે ચડતો રહ્યો. જાહ્નવી જ્યાં અટકતી ત્યાં પ્રણવ તેની પીઠ પર હાથ મૂકીને તેને હળવો ધક્કો મારતો ઉપર લઈ ગયો.

જાહ્નવી જેવી બેડરૂમમાં દાખલ થઈ એવું તરત જ તેનું ડૂસકું છૂટી ગયું.

પાછળ દાખલ થયેલા પ્રણવે તેની પીઠ પર હાથ ફેરવીને તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો, પણ જાહ્નવી નાનકડા બાળકની જેમ પ્રણવનું શર્ટ બન્ને કૉલર પાસેથી પકડીને તેને વળગી પડી, ‘મારે નથી જવું... મેં કંઈ નથી કર્યું...’

તે રડતાં-રડતાં બોલતી હતી. પ્રણવ તેની પીઠ પર હાથ ફેરવતો હતો. પ્રણવને પણ ડૂમો ભરાઈ ગયો, ‘હું ખરેખર ગુનેગાર નથી. હું માને શું કામ મારું?’

જાહ્નવી બેબાકળી થઈને રડતી હતી. તેણે મુઠ્ઠીમાં પકડેલું પ્રણવનું શર્ટ એટલા જોરથી પકડ્યું હતું કે પ્રણવ એક તસુ પણ હલી શકે એમ નહોતો.

‘જાનુ!’ પ્રણવના ગળામાંથી મહામહેનતે અવાજ નીકળ્યો, ‘તને શું લાગે છે? તું જાય એ મારાથી સહન થશે? મને ખબર છે કે તેં કંઈ નથી કર્યું...’ તેણે પોતાના બન્ને હાથ જાહ્નવીની આસપાસ લપેટી દીધા, ‘હું મજબૂર છું, લાચાર છું. અત્યારે કંઈ કરી શકું એમ નથી.’

‘મને બચાવ... પ્લીઝ, પ્રણવ...’ રડતાં-રડતાં જાહ્નવી પોતાનું માથું પ્રણવની છાતી પર પછાડતી હતી.

‘હું તને કંઈ નહીં થવા દઉં, ટ્રસ્ટ મી.’ પ્રણવે કહ્યું. તેણે સહેજ હિંમત કરીને જાહ્નવીને કહ્યું, ‘શાવર લઈને, કમ્ફર્ટેબલ કપડાં પહેરીને.. કોણ જાણે હવે પોલીસ-સ્ટેશનમાં કેટલી વાર લાગશે...’ આ કહેતાં તેને ખૂબ તકલીફ પડી.

‘એ લોકો મને અક્યુઝ્ડ તરીકે પકડે છે.’ તેણે પ્રણવની સામે જોયું, ‘હવે કંઈ પાછી નહીં આવવા દે.’

‘જાનુ!’ પ્રણવે સધિયારો આપ્યો, ‘સોહમ અહીં છે. આપણે તરત જ તારા બેઇલની અપીલ કરીશું. યુ ડોન્ટ વરી.’

‘પ્રણવ...’ તે રડતી રહી. પ્રણવ તેને હળવેકથી બાથરૂમ તરફ લઈ ગયો. અંદર મોકલીને તેણે દરવાજો આડો કર્યો. થોડી વાર સુધી જાહ્નવીના રડવાનો અવાજ આવતો રહ્યો એટલે અંદર જઈને પ્રણવે શાવર ચાલુ કર્યો. ગૅસ ગીઝર ઑન થયું. થોડીક વારમાં પાણી ગરમ થયું એટલે પ્રણવે ધીમે-ધીમે નાના બાળકનાં કપડાં કાઢતો હોય એમ જાહ્નવીનાં કપડાં કાઢ્યાં. તેણે નિર્વસ્ત્ર જાહ્નવીને ધીમે રહીને શાવર નીચે ઊભી રાખી.

શાવર નીચે ઊભી રહીને જાહ્નવી પોતાના માથા પર થઈ, ખભે થઈને છાતીને ભીંજવીને છેક પગ સુધી ઊતરતા પાણીના રેલા અનુભવી રહી. હૂંફાળું પાણી તેના શરીરને ભીંજવતું રહ્યું. તે કોઈ પૂતળાની જેમ તદ્દન નિષ્ચેતન ઊભી હતી. અંતે પ્રણવે નજીકમાં પડેલું બૉડી વૉશ લઈને પોતાના પહેરેલાં કપડે જ જાહ્નવીને નવડાવવા માંડી.

રડતી જાહ્નવી અને તેને કાળજીથી નવડાવી રહેલા પ્રણવના સ્નેહનું આ દૃશ્ય ભારતીય લગ્નસંસ્થામાં હચમચી ગયેલો ભરોસો ફરી એક વાર દૃઢ કરી નાખે એવું હતું! જાહ્નવીને ટૉવેલથી લૂછીને તેના શરીરે એ જ ટૉવેલ લપેટીને પ્રણવે કહ્યું, ‘હવે કપડાં પહેરી લે, પ્લીઝ.’

જાહ્નવી કોઈ ચાવી દીધેલા રમકડાની જેમ વૉર્ડરોબ પાસે ગઈ. તેણે લટકતાં સલવાર-કમીઝમાંથી એક લૉન્ગ કુરતી અને પલાઝો કાઢ્યાં. એ પહેરીને ભીના વાળ સાથે તે ફરી એક વાર પલંગ પર બેસી ગઈ. પ્રણવે તેના ભીના વાળ કાળજીથી લૂછવા માંડ્યા. તેની કુરતી પર પડી ગયેલા પાણીના ધબ્બાને પણ પ્રણવે ટૉવેલથી ઘસ્યા.

ત્યાં જ નીચેથી દર્શનની બૂમ સંભળાઈ, ‘મૅડમ... આપણને મોડું થાય છે.’

જાહ્નવીને હાથ પકડીને પ્રણવે ઊભી કરી, ‘મારામાં વિશ્વાસ રાખીને, તારી સચ્ચાઈમાં શ્રદ્ધા રાખીને જા જાહ્નવી! તું નર્દિોષ છે એની તને અને મને ખબર છે એટલી જ ઈશ્વરને પણ ખબર છે.’

તેણે આંખો મીંચી.

તે જાહ્નવીનો હાથ પકડીને નીચે ઊતર્યો ત્યારે પણ તે રડી રહી હતી, ‘પણ મેં કશું નથી કર્યું...’

€ € €

પગથિયાં પર બેસીને આ આખોય ઘટનાક્રમ યાદ કરી રહેલા પ્રણવનું લોહી ગરમ થઈ ગયું. જાહ્નવીને જે રીતે જવું પડ્યું એ પ્રણવને કોઈ રીતે મંજૂર નહોતું, પણ તે મજબૂર હતો. પોલીસની કામગીરીમાં દખલ નહીં કરવાની તેને કડક સૂચના સોહમે વારંવાર આપી હતી. તે પગથિયાં પર બેસીને સામે દેખાતા ખાલી રસ્તાને, નર્જિન સોસાયટીને જોઈને નાના બાળકની જેમ જોર-જોરથી રડવા લાગ્યો.

ગુસ્સામાં અંદર ચાલ્યો ગયેલો સોહમ, નાનક, કબીર અને તેની સાથે કૉન્સ્ટેબલ પણ બહાર આવી ગયા. સૌ પ્રણવની આસપાસ ગોઠવાઈ ગયા. નાનક તેને આશ્વાસન આપવા ગયો, પણ સોહમે ઇશારાથી ના પાડી દીધી. સોહમ ઇચ્છતો હતો કે પ્રણવ મન ખોલીને રડી લે... એક વાર આઘાતમાંથી, પીડામાંથી અને રુદનમાંથી બહાર આવશે તો હવે પછીના યુદ્ધ માટે તેને તૈયાર કરી શકાશે.

સોહમ બાળપણનો મિત્ર હતો પ્રણવનો. તે પ્રણવને બરાબર ઓળખતો હતો. તેની ભીતરની તાકાત, તેની માનસિક સ્વસ્થતા અને તેની હિંમત વિશે સોહમને જાણ હતી. તેને વિશ્વાસ હતો કે એક વાર પ્રણવ આ બધું ખંખેરી નાખશે, કમર કસીને ઊભો થશે એ પછી પ્રણવ પતિ-પ્રેમી મટીને એક યોદ્ધો બની જશે. પૈસા, પરસેવો, પાવર કે પ્રયત્નો કશામાં પાછું વળીને નહીં જુએ તે... રોજેરોજ રડવાનું પોસાય એમ નહોતું, આજે એકસામટું અને પૂરેપૂરું રડી લે એ જરૂરી હતું. છાતીફાટ રડતા પ્રણવને સ્વસ્થ અને શાંતચિત્તે રડી લેવા દીધો સોહમે.

હવે આવતી કાલ સવારથી એક નવો દિવસ ઊગવાનો હતો. સૌએ પોતપોતાની શક્તિ, મતિ અને પ્રકૃતિ અને પ્રવૃત્તિથી એ યુદ્ધમાં ખપી જવું પડશે એ સોહમને સમજાતું હતું. તેણે એની કારર્કિદીમાં આવા ઘણા કિસ્સા અને કેસ જોયા હતા. એ બધા પારકા હતા, પ્રોફેશનલ હતા... આ અંગત હતું, પર્સનલ હતું.

પોતે પણ ભીતરથી ઘણું બદલવું પડશે એ સમજણ સાથે સોહમે મનોમન આવતી કાલ સવારના કેસની તૈયારી કરવા માંડી.

€ € €

આખી રાત પ્રણવ ઊંઘી શક્યો નહીં. તે અને સોહમ જુદી-જુદી બાબતો પર ચર્ચા કરતા રહ્યા. જાહ્નવીને નર્દિોષ સાબિત કરવા માટે કયા અને કેટલા મુદ્દા મહત્વના છે એ વિશે આખી રાત વાતો કરતા રહ્યા બન્ને જણ.

‘જાહ્નવી ઘરમાં હતી. વીરબાળાબહેનની લાશ સૌથી પહેલાં તેણે જોઈ. ફોસ્ર્ડ એન્ટ્રી નથી, દરવાજો ખોલવામાં આવ્યો છે. આ બધા મુદ્દા જાહ્નવીની વિરુદ્ધ જશે.’ સોહમે કહ્યું, ‘પરંતુ તારે કોર્ટમાં કહેવું પડશે કે જાહ્નવી અને તારી મમ્મીના સંબંધો ઉત્તમ હતા. જાહ્નવીએ આવું કંઈ કરવાની જરૂર પડે એવી કોઈ સમસ્યા હતી જ નહીં...’

સોહમ થોડું વિચારતો રહ્યો. પછી તેણે કહ્યું, ‘કબાટ ખુલ્લું હતું એટલે એમાંથી કશું ગાયબ થયું છે એ તારે કહેવું પડશે. ઇરાદો કોઈ મહત્વનાં પેપર ઉઠાવી લેવાનો હતો, પરંતુ વીરબાળાબહેન ઓળખી ગયાં અને તેમણે કાગળ આપવાની ના પાડી એટલે તેમનું ખૂન થયું એ વાત આપણે વારંવાર કહેવી પડશે...’

‘તારે જે કહેવું હોય એ કહેજે. મારી તો એક જ જરૂરિયાત છે, જાહ્નવીને બેઇલ મળવી જોઈએ. એ લોકો જાહ્નવીને વધુ દિવસ રિમાન્ડમાં રાખશે તો જાહ્નવી તૂટી જશે. તે ઇમોશનલ છે. પોલીસવાળા સાથે કામ પાડવું તેને માટે શક્ય નથી, સમજે છે તું?’ પ્રણવે કહ્યું, ‘‘જે રીતે દર્શન પટેલને મેં જોયો અને હું સમજ્યો એના પરથી મને એક વાત સમજાઈ ગઈ છે...’ પ્રણવ ચૂપ થઈ ગયો. પછી થોડીક ક્ષણ રહીને તેણે કહ્યું, ‘તે કોઈ પણ રીતે જાહ્નવીને ફ્રેમ કરવા માગે છે. તેના મનમાં જાહ્નવી અને શરણના સંબંધનો ઍન્ગલ ગોઠવાઈ ગયો છે એટલે તે બીજું કંઈ સાંભળશે નહીં. તેને એ જ વિષય પર વધુ મુદ્દા પુરવાર કરવામાં રસ હશે...’

‘તારી વાત સાચી છે.’ સોહમે કહ્યું, ‘મને પણ એવું જ લાગે છે કે તે કોઈ પણ સંજોગોમાં આ કેસનો નીવેડો લવ-ટ્રાયેન્ગલથી લાવવા મરણિયો થયો છે.’

સોહમ પણ એક ક્ષણ વિચારતો રહ્યો. પછી તેણે કહ્યું, ‘સાચું કહું તો શરણના બયાન પર પણ ઘણો આધાર છે. શરણ શ્રીવાસ્તવ જો કોઈ પણ રીતે એવું સાબિત કરી શકે કે તેની અને જાહ્નવી વચ્ચે કશું નથી તો...’

પ્રણવ કંઈ બોલ્યો નહીં. સોહમે આગળ કહ્યું, ‘યાર, ખોટું નહીં લગાડતો, પણ તારી ગેરહાજરીમાં તારી બૈરી આવી રીતે કોઈકની સાથે ઘરમાં હોય ને એ માણસ તેનો જૂનો બૉયફ્રેન્ડ હોય એ વાત જાણ્યા પછી દર્શન જ શું, બીજો કોઈ પણ સામાન્ય માણસ આવું જ વિચારે...’

સોહમ સામે બેઠેલા પ્રણવની આંખમાં જોઈ રહ્યો. તે ધ્યાનથી પ્રણવના ચહેરાનો અભ્યાસ કરી રહ્યો હતો. પ્રણવના ચહેરા પર આ વાત સાંભળ્યા પછી કોઈ ફેરફાર થાય છે કે નહીં એ સોહમની ઝીણી નજર નોંધી રહી હતી. પ્રણવના ચહેરા પર બહુ હળવો, આછો ફેરફાર થયો. તે કશું બોલવા ગયો, પછી શબ્દો ગળી ગયો. તેણે ક્યાંય સુધી વિચાર્યા કર્યું. સોહમે પણ તેને શાંત ચિત્તે વિચારવા દીધું.

‘તું દોસ્ત છે મારો, તારી સાથે જુઠ્ઠું નહીં બોલું.’ પ્રણવ આખરે બોલ્યો, ‘જુઠ્ઠé બોલવું પણ ન જોઈએ જ્યારે તું મારો કેસ લડી રહ્યો હોય ત્યારે...’ તેણે મનમાં શબ્દો ગોઠવ્યા, વાત કહેવા માટે જાતને તૈયાર કરી અને પછી કહ્યું, ‘શરણના મનમાં જાહ્નવી માટે પ્રેમ છે. હી લવ્ઝ જાહ્નવી. મને ખબર છે. પણ જાહ્નવીના મનમાં...’ અવઢવમાં હોય એમ પ્રણવે વાત અધૂરી છોડી દીધી.

‘સંબંધોમાં ક્યારેક વધુપડતી છૂટછાટ સમસ્યા ઊભી કરતી હોય છે. આપણે બધા મૉડર્ન કહેવડાવવાના અહંકારમાં લગ્નજીવનની મર્યાદાઓને સિરિયસલી લેતા નથી.’ સોહમે લગભગ સ્વગત કહ્યું, ‘તારે જાહ્નવી સાથે આ વાતની ક્લૅરિટી બહુ પહેલાં કરી લેવી જોઈતી હતી.’

સોહમના અવાજમાં સહેજ ફરિયાદ, અજંપો હતાં. ‘કોણ જાણે શરણ તેમના સંબંધને કઈ રીતે ચીતરશે? એ માણસ વેરમાં કે રિજેક્શનના ગુસ્સામાં જાહ્નવીને ફસાવે નહીં તો સારું.’

સોહમની વાત સાંભળીને પ્રણવ પણ બેચેન થઈ ગયો. અત્યારની સ્થિતિમાં શરણ શ્રીવાસ્તવની માનસિકતા જો વેર લેવાની કે ડિસ્ટ્રૉય કરવાની હોય તો તે જાહ્નવી વિશે કંઈ આડીતેડી વાત કરી નાખે એમ બને. જો એમ થાય તો જાહ્નવીનું શું થાય એ વાતની ગંભીરતા હવે પ્રણવને સમજાઈ...

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK