૩ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા શાકની થેલીમાં મૂકવાનું રહસ્ય શું હોઈ શકે?

મારી અને સંજય ગોરડિયાની દોસ્તી C વૉર્ડથી છે એમ જણાવતાં રાજેશ જોશી કહે છે, ‘સંજય સાથેનો એક બહુ જ રમૂજી કિસ્સો છે.

rajesh

રાજેશ જોશી - રાઇટર, ડિરેક્ટર, ઍક્ટર

સેજલ પોન્દા - પ્રકરણ ૪


લેખક પ્રકાશ કાપડિયા અને ડિરેક્ટર રાજેશ જોશીની જોડીએ ઇન્ટરકૉલેજિએટ નાટકોમાં ધૂમ મચાવી હતી, પણ વ્યાવસાયિક રંગભૂમિ પર ડિરેક્ટર તરીકે રાજેશભાઈનું પ્રથમ નાટક ‘શત્રુઓથી સ્વજન સુધી’ અસફળ રહ્યું. વ્યાવસાયિક રંગભૂમિ પર તેમણે જે બીજું નાટક ડિરેક્ટ કર્યું એ નાટક ૧૪મા શોમાં બંધ થઈ ગયું. ૩૨ કલાકારોની ટીમ સહિતનું એ નાટક એટલે ‘ફતેહચંદનું ફુલેકું’.

C વૉર્ડની દોસ્તી

મારી અને સંજય ગોરડિયાની દોસ્તી C વૉર્ડથી છે એમ જણાવતાં રાજેશ જોશી કહે છે, ‘સંજય સાથેનો એક બહુ જ રમૂજી કિસ્સો છે. સંજય ‘બા રિટાયર થાય છે’ નાટક પ્રોડ્યુસ કરી રહ્યો હતો. સાથે-સાથે મારા નાટક ‘ફતેહચંદનું ફુલેકું’માં અભિનય કરી રહ્યો હતો. સંજયને એમ હતું કે ‘બા રિટાયર થાય છે’ નાટક કદાચ સફળ નહીં થાય તો ફતેહચંદવાળા નાટકમાં તે ઍક્ટર તરીકે કમાઈ લેશે, પણ થયું ઊંધું. ‘બા રિટાયર થાય છે’ સુપરડુપર હિટ ગયું અને ‘ફતેહચંદનું ફુલેકું’ ફ્લૉપ ગયું. એ વખતે નવરાત્રિ ચાલતી હતી. હું અને સંજય ઘાટકોપર જૉલી જિમખાનામાં દાંડિયા રમવા ગયા. ત્યાં સંજયના નાટક ‘બા રિટાયર થાય છે’નાં બૅનર લાગ્યાં હતાં. સંજયે તેની ટીખળી અદાથી કહ્યું, જો મારું નામ કેટલું મોટું છે, બધે જ મારા નાટકનાં બૅનર લગાડ્યાં છે. ત્યાં થોડેક દૂર ઊભેલાં છોકરા-છોકરીઓના ગ્રુપમાંથી કોઈએ સંજયને જોઈ બૂમ પાડી કે અરે આ તો ફતિયો! કેમ છો ફતેહચંદભાઈ? પછી તો મેં પણ ટીખળ કરતાં સંજયને કહ્યું કે જો મારા ફ્લૉપ નાટકનું એક પણ બૅનર નથી લગાડ્યું તો પણ ફતેહચંદ વધુ પૉપ્યુલર છે. હું અને સંજય આ કિસ્સો યાદ કરતાં આજે પણ હસી પડીએ છીએ.

મારે પણ એક ફ્લૅટ હોય

જીવનના કોઈક તબક્કે આપણા અમુક અંગત નિર્ણયોમાં નજીકના મિત્રો બહુ મોટો ભાગ ભજવે છે. રાજેશભાઈ આવા જ એક મિત્રની વાત શૅર કરે છે, ‘મુંબઈ જેવા મેટ્રો સિટીમાં ખુદનો એક ફ્લૅટ હોય એ સપનું મમ્મીની સાથે-સાથે મેં અને સુરાલીએ પણ જોયું હતું. CP ટૅન્કના મારા મિત્ર રાજેશ વ્યાસના ભાઈ રશ્મિકાન્તે (લાલો) કાંદિવલીમાં જગ્યા લીધી. હું પણ કાંદિવલી શિફ્ટ થાઉં એવી તેની ઇચ્છા હતી. રશ્મિકાન્તના આગ્રહથી હું અને સુરાલી કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં ફ્લૅટ જોવા ગયાં. જગ્યા જોઈ મને અને સુરાલીને થયું, આવો ચાન્સ છોડાય નહીં. ફ્લૅટ બુક કરાવવા ટોકનરૂપે ૫૦૦૦ રૂપિયા આપવાના હતા, પણ અમે તો પૈસા લીધા વગર નીકYયાં હતાં. શું કરવું એની મૂંઝવણ અનુભવતાં હતાં. ત્યાં જ રશ્મિકાન્તે ટોકનના ૫૦૦૦ રૂપિયા આપી દીધા અને બિલ્ડરે અમારું નામ નોંધી લીધું. ફ્લૅટ બુક કરાવવા અમારે તરત બીજા ૪૫,૦૦૦ ભરવાના હતા. ઑફિસમાંથી મને ૫૦,૦૦૦ની લોન મળી ગઈ. એમાંથી ૫૦૦૦ રૂપિયા રશ્મિકાન્તને આપી બાકીના બિલ્ડરને આપ્યા અને અમારા નામે ફ્લૅટ બુક થઈ ગયો. અમારી લાઇફનું એ પ્રથમ મોટું ઍડ્વેન્ચર. એ નિર્ણય લેવામાં રશ્મિકાન્તનો મોટો ફાળો છે.’

બ્રાઉન પેપર, પેટી અને બરણી

રાજેશભાઈએ કાંદિવલીમાં જે ફ્લૅટ બુક કરાવ્યો હતો ત્યાંથી ફોન આવ્યો કે તાત્કાલિક ત્રણ લાખ અઠ્ઠાવન હજાર ભરવા પડશે નહીં તો ફ્લૅટ હાથમાંથી જતો રહેશે. તેઓ કહે છે, ‘મને અને સુરાલીને અમારું સપનું તૂટતું લાગ્યું. એ સમયે રશ્મિકાન્તે અર્જન્ટ પૈસા કાઢી આપ્યા. હું અને સુરાલી રશ્મિકાન્ત પાસેથી ત્રણ લાખ અઠ્ઠાવન હજાર કૅશ લઈ એ ચોરાઈ ન જાય એ ડર સાથે કાંદિવલીથી CP ટૅન્ક જવા નીકYયાં. બીજા દિવસે સુરાલીએ રૂપિયા થેલીમાં મૂકી એના પર શાક નાખ્યું અને ઘરેથી નીકળી. ત્રણ લાખ અઠ્ઠાવન હજાર કોઈ શાકની થેલીમાં શું કામ મૂકે? આ રહસ્ય જાણવાની બધાને ઇચ્છા થાય. જોકે એની પાછળ રહસ્ય કરતાં આટલાબધા રૂપિયા બૅન્કમાં ભરવા જતાં ચોરાઈ ન જાય એનો ડર જ હતો. આખરે બધું પાર પડ્યું. અમે CP ટૅન્ક છોડી કાંદિવલી શિફ્ટ થયાં. કાંદિવલીના ફ્લૅટમાં આવ્યા બાદ પૈસાના અભાવે બારીઓને પડદાની જગ્યાએ બ્રાઉન પેપરથી ઢાંકી. ફર્નિચર બનાવવાની સગવડ ન હોવાને કારણે જે થોડીઘણી ઘરવખરી હતી એને જેમતેમ ગોઠવી. કપડાં પેટીમાં મૂક્યાં અને સંસાર શરૂ કર્યો.’

અકાઉન્ટ-ગુરુ

MJ ગ્રુપની બીજી શાખા MJ ફાર્મામાં રાજેશભાઈએ નોકરી લઈ લીધી. રાજેશભાઈ કહે છે, ‘MJ ફાર્મામાં શરદ જરીવાલા મારા અકાઉન્ટ-ગુરુ. તેમના હાથ નીચે મારું ખૂબ ગ્રૂમિંગ થયું. શરદ જરીવાલાના માર્ગદર્શન હેઠળ હું ચીફ અકાઉન્ટન્ટ બની ગયો હતો. એ સમય દરમ્યાન મને નાટક ‘હસતાં રમતાં સાવ અચાનક’ ડિરેક્ટ કરવાની ઑફર આવી. રિહર્સલ માટે નોકરીમાંથી વીસ દિવસની રજા જોઈતી હતી. મારી ૨૮ દિવસની લીવ બાકી હતી. બૉસ પાસે જઈ મેં સાચેસાચું કહી દીધું કે વ્યાવસાયિક નાટક માટે વીસ દિવસની રજા જોઈએ છે. શરદભાઈએ તરત હા પાડી. ઑફિસ હોય કે નાટકો, તેમણે ક્યારેય મારા પ્રોગેસને અટકાવ્યો નહીં.’

હર્ષિતનો હર્ષ

૧૯૯૪માં રાજેશ જોશીના બીજા દીકરા હર્ષિતનો જન્મ થયો. ડૉક્ટરે બહાર આવી ખુશખબર આપતાં કહ્યું કે દીકરો જન્મ્યો છે, પણ આ સાંભળી સુરાલી રડવા લાગી. હકીકતમાં સુરાલીને દીકરીની બહુ જ ઝંખના હતી એટલે સુરાલીએ નિહાર અને હર્ષિત નાના હતા ત્યારે તેમને ઘણી વાર છોકરીની જેમ તૈયાર કરી પોતાના શોખ પૂરા કરી લીધા.

કરો કંકુના ‘ફતેહચંદનું ફુલેકું’ નાટક ‘કરો કંકુના’ નામે રિવાઇવ થયું ત્યારે ખૂબ સફળરહ્યું. રાજેશભાઈ કહે છે, ‘કૌસ્તુભ ત્રિવેદી-સંજય ગોરડિયા પ્રોડક્શનમાં ‘કરો કંકુના’ ખૂબ ચાલ્યું. ડિરેક્ટર તરીકે મારી લાઇફનું બેસ્ટ કૉમેડી નાટક. દિનુ ત્રિવેદી, નારાયણ રાજગોર, રાજેશ મહેતા, અનિલ ઉપાધ્યાય આ કલાકારો સાથે કામ કરવાની મજા પડી. આજે આ ચારેય હયાત નથી, પણ તેમની હયાતી હૃદયસ્થ છે.’

નિર્ણય સાચો કે ખોટો?

કૌસ્તુભ ત્રિવેદી અને મયંક મહેતા નિર્મિત નાટક ‘હસતાં રમતાં સાવ અચાનક’ એઇડ્સ અવેરનેસ પર આધારિત હતું એટલે ગુજરાત રાજ્ય તરફથી આ નાટકના ૩૦૦ શો કરવાનો કૉન્ટ્રૅક્ટ મળી રહ્યો હતો. રાજેશભાઈ કહે છે, ‘વિપુલ અમૃતલાલ શાહ, સંજય ગોરડિયા વારંવાર મને જૉબ છોડી ફુલટાઇમ નાટકો કરવાની સલાહ આપતા હતા. આખરે મેં હિંમત કરી નોકરી છોડવાનો નિર્ણય લઈ લીધો. સુરાલી મારા નિર્ણય સાથે ખુશ હતી. બૉસ શરદભાઈએ પણ મોટું દિલ રાખી સહમતી આપી. નોકરી છોડ્યા પછી મેં ‘પ્રેમઘેરૈયા’ નાટક ડિરેક્ટ કર્યું જે એકત્રીસ શોમાં બંધ થઈ ગયું. ગુજરાત રાજ્ય તરફથી ‘હસતાં રમતાં સાવ અચાનક’ નાટકના ૩૦૦ શો મળવાના હતા એનો વિરોધ થયો કે મુંબઈવાળાને ૩૦૦ શો કેમ? અને અમને ત્યાં માત્ર ૩૦ શો કરવાની પરમિશન મળી. નોકરી છોડવાનો નિર્ણય ખોટો હતો કે સાચો એ વિશે હું મૂંઝાઈ ગયો.’

ઍક્સિડન્ટ હો ગયા રબ્બા રબ્બા

રાજેશભાઈ વિપુલ મહેતાનાં ઇન્ટરકૉલેજિએટ નાટકોમાં લાઇટ ડિઝાઇન અને મ્યુઝિક પણ ઑપરેટ કરતા. રાજેશભાઈ કહે છે, ‘વિપુલ મહેતા અને સોનાલી ત્રિવેદીના ઇન્ટરકૉલેજિએટ વનઍક્ટ ‘મને ભીંજવે તું’માં લાઇટ ઑપરેટ કરવા હું ગિરીશ જૈન સાથે સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે હાઇવે પર મારો ઍક્સિડન્ટ થયો. હું રીતસરનો ઘસડાયો. થોડી વાર પછી મેં સુરાલીને ફોન કર્યો કે મારો ઍક્સિડન્ટ થયો છે. સુરાલીએ જરા પણ પૅનિક થયા વગર કહ્યું : હું આવું છું. મને હાથ-પગમાં ફ્રૅક્ચર આવ્યું. એ સમયે જૉબ નહીં, નાટકના શો નહીં અને પૈસાની અગવડ. પણ સુરાલીની હિંમતને દાદ આપવી પડે. આવા કપરા સમયે તે એકદમ સ્વસ્થ હતી. આટલી અગવડમાં સુરાલીએ બધું કઈ રીતે મૅનેજ કર્યું એની મને આજ સુધી ખબર નથી.’

સંજીવની મંત્ર


ભારતીય વિદ્યા ભવનના પ્રણેતા ગિરેશ દેસાઈ એટલે કે ભાઉસાહેબના નાટક ‘પુત્રસમોવડી’નો એક સંજીવની કિસ્સો રાજેશભાઈ શૅર કરે છે, ‘આ નાટકમાં ભાઉસાહેબે મને પીયૂષ કનોજિયા સાથે સંગીત સંભાળવાની જવાબદારી સોંપી હતી. સંજીવની મંત્ર બોલતાં જ પાત્ર સજીવન થાય એવો એક સીન હતો એટલે ભાઉસાહેબે મને સંજીવની મંત્ર મ્યુઝિક સાથે તૈયાર કરવા કહ્યો. સંજીવની મંત્ર મને ક્યાંય મળ્યો નહીં એટલે મંત્રમાં છેલ્લે ‘મ્’ આવે એ આઇડિયા સાથે મેં ‘ભૃગ્રમ્, ભૃગુરિત, નમસ્તુરિમ ૐ’ આવી રીતે કંઈ ભળતું લખી નાખ્યું અને પીયૂષે એને કમ્પોઝ પણ કરી નાખ્યું. ભાઉસાહેબને મેં એ મંત્ર સંભળાવ્યો. મારી સામે જોઈ તે બોલ્યા : આ સંજીવની મંત્ર તને અને મને બેને જ ખબર છે એવું જ રાખજે.  મેં કહ્યું કે શું કરું ભાઉસાહેબ, મારી પાસે સંજીવની મંત્ર નહોતો. તો ભાઉસાહેબ બોલ્યા કે ખબર છે મને, મારી પાસે પણ નહોતો. અને અમે બન્ને હસી પડ્યા. આજે દરરોજ હું મારા ગુરુ ભાઉસાહેબને કોઈ ને કોઈ રૂપે યાદ કરી લઉં છું.’

હું, ઇન્દ્ર અને મચ્છર


ભાઉસાહેબ દ્વારા ડિરેક્ટેડ ‘પુત્રસમોવડી’ નાટકમાં હું દેવગુરુ બૃહસ્પતિનો રોલ કરતો એમ જણાવતાં રાજેશભાઈ કહે છે, ‘એક શો વખતે ઇન્દ્ર બનતા કમલેશ દરુ શો દરમ્યાન હાજર નહોતા રહી શકવાના એટલે ઇમર્જન્સીમાં ભાઉસાહેબે તુષારને ઇન્દ્રનો રોલ કરવા કહ્યું. તુષારે ડાયલૉગ કરી નાખ્યા. મેં તુષારને કહ્યું કે તું ચિંતા નહીં કર, તારી એન્ટ્રી-એક્ઝિટ હું તને સમજાવી દઈશ. ઇન્દ્રના પાત્રએ શર્ટ પહેરવાનું ન હોય. શિયાળાનો વખત એટલે ભયંકર મચ્છર. અને સીન દરમ્યાન ચાલીસ મિનિટ સુધી તુષારે ઇન્દ્રના વેશમાંમારી બાજુમાં જ બેસવાનું હતું. તુષાર બાજુમાં બેસી ધીમેથી મને મચ્છર કરડવાની વાત કરતાં-કરતાં ગુસ્સે થયા કરતો. આમ ચાલીસ મિનિટ સુધી મચ્છરે ઇન્દ્રને ત્રાસ આપ્યો. અને તુષારે મને.’

હવે પછી રાજેશભાઈના પ્રોફેશનલ જીવનમાં એક બહુ મોટો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો એની વાત આવતા રવિવારે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK