સ્મિતા પાટીલ જ્યારે ગર્ભમાં હતાં ત્યારે તેમનાં મમ્મી પ્રેગ્નન્ટ થવા નહોતાં માગતાં

‘આરોહણ’ના કલાકારો જ્યાં ઊતર્યા હતા એ હોટેલમાં સ્મિતા અને શબાનાને મૃણાલ સેનનો ક્રૉસ-કનેક્શન કરેલો અળવીતરો પત્ર મળ્યો હતો.

amita

કિનારે-કિનારે - સલિલ દલાલ

સ્મિતા પાટીલ બહુત ખૂબસૂરત મગર સાંવલી સી - ૨


‘આરોહણ’ના કલાકારો જ્યાં ઊતર્યા હતા એ હોટેલમાં સ્મિતા અને શબાનાને મૃણાલ સેનનો ક્રૉસ-કનેક્શન કરેલો અળવીતરો પત્ર મળ્યો હતો. ત્યાં બીજી સવારે ચા-નાસ્તાના ટેબલ પર શબાના આઝમી ઊતરેલા ચહેરે આવ્યાં અને પોતાના કવરમાંનો ડિયર સ્મિતા સંબોધન લખેલો પત્ર સ્મિતાને આપ્યો. એટલે સ્મિતાએ પણ પોતાના પર્સમાંથી કાઢીને શબાનાને તેના નામે લખાયેલો કાગળ આપ્યો અને પછી બેઉ જે ખડખડાટ હસ્યાં હતાં! પરિણામ એ કે મૃણાલ સેનની બંગાળી ફિલ્મ ‘અકાલેર સંધાને’માં સ્મિતા પાટીલની પસંદગી થઈ અને ‘ખંડહર’ માટે શબાનાની. મૃણાલદાએ કાસ્ટિંગની મજા એ કરી હતી કે ‘અકાલેર...’માં ૪૦ના દાયકામાં પડેલા બંગાળના દુષ્કાળની વાર્તા હતી અને એમાં સ્મિતાનો રોલ એક ફિલ્મ-અભિનેત્રીનો હતો. બલકે તેમણે સ્મિતા પાટીલ જ બનવાનું હતું! મૃણાલદાના પત્રો એકબીજા સાથે અદલાબદલી કરતાં બન્ને જણ હસ્યાં હોવા છતાં એ ફિલ્મ માટે સ્મિતાની પસંદગી શબાનાને ગમે એવી નહોતી. કારણ?

કેમ કે એનાથી સ્મિતાને મૃણાલ સેન તરફથી એક વિશિક્ટ સ્ટૅમ્પ લાગવાનો હતો. બંગાળી સમાંતર ફિલ્મોના અભ્યાસીઓ જાણે છે એમ ‘અકાલેર...’ની વાર્તા એક ફિલ્મના શૂટિંગની આસપાસ છે. પિક્ચરમાં પિક્ચર એવી સ્ટોરીમાં આપણા પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ની માફક દુષ્કાળની પૃષ્ઠભૂમિ રખાઈ હતી અને વાસ્તવિકતાના આગ્રહી નર્દિેશક ૪૦ના દાયકાના દુકાળિયા ગામનું જ લોકેશન પસંદ કરે છે. એમાં સ્મિતાની ભૂમિકા સમાંતર સિનેમાની એક એવી અભિનેત્રી સ્મિતા પાટીલ તરીકેની હતી જે પોતાના રોલ માટે સંશોધન કરે. એવા રિસર્ચ દરમ્યાન તે ફિલ્મી હિરોઇનના કશા તામઝામ સિવાય સામાન્ય વ્યક્તિની માફક ગ્રામજનો સાથે સંપર્ક કરે છે અને તેને સમજાય છે કે ખેડૂતોની સ્થિતિ જેવી ૧૯૪૩માં હતી એવી જ ૮૦ના દાયકામાં હતી, કશો ફરક પડ્યો નહોતો. આમ વાસ્તવિકતાની ધરતી પર રહી સ્ટારગીરીનાં નખરાં કર્યા વગર રિયલિસ્ટિક સિનેમામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર ઍક્ટ્રેસ તરીકેની ભૂમિકામાં મૃણાલ સેને શબાનાને નહીં પણ સ્મિતાને પસંદ કરી એ વાતનો ખટકો કઈ હરીફ અભિનેત્રીને ન રહી જાય? જોકે શબાનાજી માટે આશ્વાસન લેવા જેવી હકીકત એ હતી કે મૃણાલ સેનની હિન્દી ફિલ્મ ‘ખંડહર’ માટે તેમને પોતાને ૧૯૮૪નો નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. સામે પક્ષે સ્મિતા પાટીલ બંગાળી ‘અકાલેર સંધાને’ માટે એ પુરસ્કાર એટલા માટે ચૂકી ગયાં હતાં કે તેમના સંવાદો ડબ થયેલા હતા!

પણ સ્મિતા માટે ‘અકાલેર...’માં વાસ્તવિકતાની ધરાતલ પર રહેતી પૅરેલલ સિનેમાની ઍક્ટ્રેસ બનવું એ અભિનય નહોતો. ખરેખર જ તેમની લાઇફ-સ્ટાઇલ હતી, તેમના સંસ્કાર હતા ઠેઠ શરૂઆતથી. કેમ કે માતાપિતા બન્ને સમાજવાદી વિચારસરણીને વરેલાં હતાં. એટલે આપવડાઈ નહીં પણ સાદગી કૌટુંબિક સ્વભાવ હતી. એ બન્નેનાં લગ્ન પણ સામાજિક રીતરિવાજો સામે બગાવત જેવાં હતાં. સ્મિતાનાં મમ્મી વિદ્યાતાઈની સગાઈ માબાપે અન્ય વ્યક્તિ સાથે કરી હતી, પરંતુ આઝાદીની લડતની સાથોસાથ દેશ આખામાં ચાલતી સામાજિક સુધારાની ચળવળમાં મહારાષ્ટ્રનો ખાનદેશ તરીકે ઓળખાતો નંદુરબાર, જલગાંવ, ધુલિયા જેવા જિલ્લાઓનો વિસ્તાર પણ એવો જ અગ્રેસર હતો. ખાનદેશમાં યોજાયેલી એક સભામાં યુવાન વક્તા શિવાજીરાવનું જોરદાર ભાષણ સાંભળ્યા પછી યંગ વિદ્યાએ પત્ર લખીને સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. એ દિવસોમાં એક કુંવારી છોકરી આ રીતે કોઈ યુવાનને કાગળ લખે એ જ કેવું ક્રાન્તિકારી પગલું હતું! છેવટે પરિવારે નક્કી કરેલા મુરતિયા સાથેની સગાઈ તોડીને આ તરવરિયા જુવાન સાથે લગ્ન પણ કર્યાં અને તે નવપરિણીત યુગલને સાને ગુરુજી સરખા સામાજિક સુધારકે આર્શીવાદ પણ આપ્યા. ગમ્મતની વાત એ છે કે ઇચ્છા ન હોય તોય સ્મિતા અને શબાનાની સરખામણી માતા-પિતાના જીવન સંદર્ભે પણ થઈ જ જાય એવો વિધિનો ખેલ છે.

શબાનાનાં મમ્મી શૌકતજીએ પણ હૈદરાબાદના એક મુશાયરામાં પોતાની કવિતા બુલંદ અવાજે પેશ કરતા શાયર કૈફી આઝમીને દિલ દઈ દીધું હતું! એ દંપતી પણ સમાજને બદલવાના રાહ પર નીકળી પડેલા જુવાનિયાઓની બિરાદરીમાં સામેલ થયું હતું. ફરક માત્ર એટલો હતો કે એ આઝમી કમ્યુનિસ્ટ પાર્ટીના કૉમરેડ હતા, જ્યારે શિવાજીરાવ અને વિદ્યાતાઈ પ્રજા સમાજવાદી પક્ષના કાર્યકરો હતા. જો કૈફી અને શૌકત સામ્યવાદી કૉમ્યુનમાં રહીને સમૂહજીવન વિતાવતાં હતાં તો સ્મિતાનાં મમ્મી-પપ્પા પણ અશોક મહેતાએ સોશ્યલિસ્ટ અને ટેક્સ્ટાઇલ વર્કર્સના યુનિયનના નેતાઓ માટે રાખેલા એક વિશાળ હૉલમાં એક સમૂહ તરીકે રહેતાં હતાં, જ્યાં વિદ્યાજી એકમાત્ર મહિલા અંતેવાસી હતાં! સ્મિતાને શ્રદ્ધાંજલિના એક કાર્યક્રમમાં ખુદ શબાનાએ આ કહ્યું છે કે તે બન્નેના બૅકગ્રાઉન્ડમાં જે સમાનતા હતી એને લીધે તે બન્ને ગાઢ દોસ્ત થવી જોઈતી હતી. જાવેદ અખ્તર તો શબાનાને ત્યાં સુધી કહે છે કે તમે બન્ને બહેનો હોવી જોઈતી હતી!

સ્મિતાનાં મમ્મી-પપ્પાનાં લગ્ન થયા પછી આદેશ થયો કે દીકરાને પાર્ટીનું કામ કરવા મુંબઈ જવું હોય તો જાય, પણ વહુજી (વિદ્યા) તો વતન ખાનદેશમાં જ રહેશે. પણ માને કોણ? બન્ને શરૂઆતની જુદાઈ પછી એકસાથે જ રહ્યાં અને એ પણ પાર્ટી તરફથી મળતા માસિક ત્રીસ રૂપિયાના પગારમાં. એ પેમેન્ટ પણ નિયમિત ન મળે. સ્મિતાનાં સૌથી મોટાં બહેન અનીતાજીના જન્મ પછી એ વધીને ૭૫ રૂપિયા થયો હતો. મોટા ભાગના એમ જાણે છે કે પાટીલ દંપતીનાં સ્મિતા, અનીતા અને સૌથી નાની બહેન માન્યા એમ ત્રણ જ સંતાનો હતાં. પરંતુ અનીતા અગાઉ પ્રથમ ડિલિવરીમાં એક પુત્ર પણ થયો હતો જે શિશુ અવસ્થામાં જ ગુજરી ગયો હતો. આર્થિક તાણાતૂસીના એ દિવસોમાં વિદ્યાતાઈએ કૉર્પોરેશનના ક્લિનિકમાં છૂટીછવાઈ રોજમદાર (ડેઇલી વેજ)ની નોકરી શરૂ કરી હતી. ત્યાંના એક ડૉક્ટરે સલાહ આપી કે વિદ્યાજી નર્સની તાલીમ લે તો એ નોકરીની એક માફકસરની સ્થાયી આવક તો હોય. એ દિવસોમાં વિદ્યાતાઈ ગર્ભમાં સ્મિતા સાથે પ્રેગ્નન્ટ હતાં. વિદ્યાજીએ ૨૦૦૮માં DNA અખબારને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સ્મિતાને કન્સીવ કરી ત્યારે પોતે પ્રેગ્નન્ટ થવા નહોતાં માગતાં. એ રીતે જોઈએ તો સ્મિતા પાટીલ એક અનવૉન્ટેડ બેબી કહી શકાય?

સગર્ભાવસ્થા છતાં વિદ્યાબાઈ ઘરકામ, કૉર્પોરેશનની અસ્થાયી નોકરી, દીકરી અનીતાની સારસંભાળ એ બધું કરવામાં સમયની તંગી ન પડે એ માટે સાઇકલ ચલાવીને ટ્રેઇનિંગ લેવા રોજ જાય. સાઇક્લિંગ ગર્ભવતી મહિલા માટે સારી કસરત કહેવાતી હોય તો પણ વિદ્યાતાઈ માટે એ એક્સરસાઇઝ સંજોગોની આવશ્યકતા વધારે હતી. એમ કરતાં-કરતાં જ્યારે તેમને સાતમો મહિનો જતો હતો ત્યારે સવારે ઘરમાં ઉતાવળે કામ કરતાં તે પડી ગયાં અને ગાયનેકોલૉજિસ્ટની ભાષામાં જેને વૉટર્સ બૅગ કહે છે એ બાળકને સાચવતું કુદરતી જળઆવરણ તૂટી ગયું હતું. પણ નોકરી પર ન જાય તો રોજ પડે અને એ કોને પોસાય? વિદ્યાજી તો સાઇકલ ચલાવી ઝટ-ઝટ કૉર્પોરેશન પહોંચ્યાં. ત્યાં ૧૭ ઑક્ટોબર, ૧૯૫૫ના એ દિવસની હાજરી પુરાવી, પણ જ્યારે

સાથી-કર્મચારીઓએ જાણ્યું કે તે પડી ગયાં હતાં અને ગામડામાં જેને સગર્ભાની પાણીની કોથળી કહે છે એ તૂટવાથી થયેલાં ભીનાં કપડાં જોયાં એટલે ક્લિનિકના અનુભવીઓએ કહ્યું કે આજની નોકરી ભૂલીને તાત્કાલિક  પ્રસૂતિગૃહે પહોંચી જા, હવે ડિલિવરી ગમે ત્યારે થઈ જશે. પણ મુશ્કેલી એક જ હતી, વિદ્યાતાઈએ સુવાવડ માટે પોતાનું નામ કોઈ હૉસ્પિટલમાં લખાવ્યું નહોતું. હવે શું? ક્યાં જવું?

(ક્રમશ:) 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK