એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિfવાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૧૯

‘ન માને તો ફસાવી દો સાલાને...’

નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય

એક સ્ત્રી અને એમાંય પ્રધાનમંત્રીના મોઢે કદીયે ન શોભે એવી માની ગાળ દઈને તેજસ્વિની કૌલે રાડ પાડી, ‘મેં તો છેક સુધી સૂચના આપી હતી; તેને હાથ નહીં લગાડવાનો. આ કેસમાં તેનું નામ પણ ન આવવું જોઈએ એવી સૂચના પણ ગુજરાતના હોમ મિનિસ્ટરને પહોંચાડી હતી.’ તેજસ્વિનીનો અવાજ હજીયે ઊંચો હતો. તેની આંખોમાં ક્રોધની સાથે-સાથે લીલાધર શ્રીવાસ્તવના દીકરાએ કરેલી નાફરમાની-વિદ્રોહને કારણે તેજસ્વિની ધૂંઆપૂંઆ થઈ ગઈ હતી. પ્રાઇમ મિનિસ્ટરની ખુરસી પર બેઠેલી આ બાઈ અત્યંત તુંડમિજાજી અને ધાર્યું કરનારી હતી. તેના પિતા પણ પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂક્યા હતા. તેજસ્વિનીએ બાળપણથી પાવર અને પોઝિશનનો નશો ચાખી લીધો હતો. તેને ‘ના’ સાંભળવાનો પ્રસંગ આવ્યો જ નહોતો, કદાચ. પોતે જેને આંગળીમાંથી હાથ ને હાથમાંથી ખોળો આપ્યો હતો એવો આ ‘પાંચ પૈસાનો’ મિનિસ્ટર અને તેનો ‘બે પૈસાનો’ દીકરો... કોની વાત સાંભળવાની ના પાડતા હતા! તેજસ્વિની કૌલ જેટલું સાંભળી અને સહન કરી શકતી હતી એનાથી ઘણું વધારે કરી ચૂકી હતી.

તેણે લીલાધરને તાત્કાલિક બોલાવ્યો હતો.

મીડિયાને ખબર ન પડે એ માટે લીલાધરને એક ઓળખીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટની પ્રાઇવેટ ગાડી લેવા મોકલી હતી. કાળા કાચ ચડાવેલી એ ગાડીમાં તેમણે લીલાધરને હોટેલની રૂમમાં બોલાવ્યો હતો, ઑફિસમાં નહીં.  તેજસ્વિની આવી બધી બાબતોમાં ખૂબ ચતુર અને વિચક્ષણ હતી. મીડિયાની સામે શરણ શ્રીવાસ્તવનો આ કિસ્સો ઊછળવો ન જોઈએ એવી તેણે ગાંઠ વાળી હતી. આવી રહેલા ઇલેક્શનમાં લીલાધરની ટિકિટ તો કપાઈ જ ગઈ, પણ જરૂર પડે તો તેનું રાજીનામું લઈ લેવાનું પણ તેજસ્વિનીએ નક્કી કરી લીધું હતું.

તેણે ફરીથી રાડ પાડીને લીલાધરને પૂછ્યું, ‘છેલ્લી વાર પૂછું છું. તારો દીકરો તારું માનવાનો છે કે હું પોલીસને છુટ્ટો દોર આપી દઉં?’ તેજસ્વિનીએ પૅનિક બટન દબાવ્યું, ‘એક વાર પોલીસ ધંધે લાગશે પછી તારા છોકરાને વનપીસમાં જોઈ નહીં શકે તું.’ તેજસ્વિનીએ કહ્યું. લીલાધરને આ વાત બરાબર સમજાતી હતી, તેને પોતાની અસહાયતા પર અને દીકરાની આડોડાઈ પર ભયાનક ગુસ્સો આવતો હતો છતાં તેણે નમþતાનો અભિનય ચાલુ રાખ્યો,

‘પણ મૅડમ...’ તેની સામે ઊભેલો લીલાધર શ્રીવાસ્તવ આખેઆખો ધ્રૂજતો હતો. આંખોમાં પાણી અને સૂકાયેલા હોઠ પર વારંવાર જીભ ફેરવતો તે તેજસ્વિનીને વિનંતી કરી રહ્યો હતો, ‘મૅડમ બચ્ચા હૈ... સમઝતા નહીં.’

‘બચ્ચા?’ તેજસ્વિનીની આંખો ગોળ થઈ ગઈ. તેણે ભ્રમર ઊંચકીને કહ્યું, ‘બત્તીસ સાલ કા બચ્ચા અગર નહીં સમઝતા હૈ તો ઉસે સજા મિલની ચાહિએ.’

‘મૈં દે દૂંગા સજા. આપ ઉસે છોડ દીજિએ.’ લીલાધરે બે હાથ જોડ્યા. તેને પોતાના દીકરા પર સખત ગુસ્સો આવતો હતો. તેનું ચાલે તો અત્યારે તેજસ્વિનીની સામે લાવીને તે શરણને ફટકારવા માંડે. તેણે માથું નમાવીને અત્યંત નમþ બનવાના પ્રયત્ન સાથે કહ્યું, ‘ઇસ બાર છોડ દીજિએ.’

‘આ વખતે છોડી દઈશ તો હું માફ કરવા માટે બચીશ જ નહીં’ કહીને તેજસ્વિની ઊભી થઈ ગઈ. કાશ્મીરી પંડિતોની ગોરી ચામડી અને તીખું નાક તેજસ્વિનીને અત્યંત ખૂબસૂરત બનાવતું હતું. લીલાધર તેને પોતાની નજર સામે આંટા મારતી જોઈ રહ્યા. તેજસ્વિની થોડી વાર વિચારતી રહી, પછી તેણે પોતાના ટેબલ પર પડેલી ઇલેક્ટ્રૉનિક વૉકીટૉકી ઉપાડી. અત્યારે હોટેલની રૂમમાં તેજસ્વિની અને લીલાધર બે જ જણ હતાં. તેજસ્વિનીએ તેના સિક્યૉરિટી-સ્ટાફને પણ બહાર ઊભો રાખ્યો હતો. સૂચના આપવા માટે માત્ર રૂમમાં વૉકીટૉકી હતી.

તેજસ્વિની પર આ પહેલાં બે વાર ફાયરિંગ થઈ ચૂક્યું હતું. તેને ઇન્ટેલિજન્સ બ્યુરોની કડક સૂચના હતી કે તેણે કોઈને એકલા, સિક્યૉરિટી વગર મળવું નહીં છતાં લીલાધર સાથેના જૂના અને પારિવારિક સંબંધોને કારણે તેણે આજે આ રિસ્ક લઈ લીધું હતું. તેણે લીલાધરને એ વાતનો ઉપકાર પણ જતાવ્યો, ‘આપકો પતા હૈ ના? મને કોઈને પણ એકલા મળવાની ના પાડી છે છતાં સિક્યૉરિટી-સ્ટાફને મેં બહાર ઊભો રાખ્યો છે. આપણા વચ્ચેની વાતચીત ક્યાંય લીક ન થાય એનો ખ્યાલ મેં રાખ્યો છે.’

‘બહોત મહેરબાની મૅડમ.’ તેજસ્વિની જેમ-જેમ લીલાધરને નીચો પાડવાની, અપમાનિત કરવાની પ્રવૃત્તિ કરી રહી હતી એમ એમ લીલાધરના મનમાં તેના પોતાના દીકરા માટે તિરસ્કાર અને ક્રોધ વધી રહ્યા હતા, ‘મોટું મન રાખો. તમે જ્યાં બેઠા છો ત્યાં...’ તેણે બને એટલો સંયમ રાખીને વિનંતી કરી, ‘હું એક વાર વાત કરી લઉં?’

‘વાત કરીને તમે?’ તેજસ્વિની હવે વળ ખાઈ ગઈ હતી. એક તો તેણે પોતાની દીકરી માટે લીલાધરના દીકરાની પસંદગી કરી હતી, પણ લીલાધરના દીકરાએ તેજસ્વિની કૌલની દીકરીને પરણવાની ના પાડીને પહેલો અને બહુ મોટો ગુનો કર્યો હતો. એ વખતે તેજસ્વિની ગમ ખાઈ ગઈ, કારણ કે લીલાધર તેનો ક્રાઉડ-પુલર હતો. લીલાધરે તેને પાર્ટી-ફન્ડમાં ઘણાં પૈસા અપાવ્યા હતા એટલે તેજસ્વિની કૌલની દીકરીનું માગું નકાર્યું ત્યાં સુધી તો તેણે લીલાધર અને તેના દીકરાને માફ કરી દીધા પણ આજે તો તેણે હદ જ કરી નાખી. જૂનાપુરાણા બધા હિસાબ સેટલ કરી દેવાનું તેજસ્વિનીએ હવે નક્કી કરી લીધું, ‘મારી દીકરી જોડે પરણ્યો હોત તો તમારા દીકરાએ પાછું વળીને જોવાનું નહોતું. મેં તો ત્યારે પણ મોટું મન રાખ્યું હતું.’ તેજસ્વિનીએ ચાબખો મીઠામાં બોળ્યો, ‘અંગત નુકસાન વિશે ફરિયાદ નહીં કરવાની ટેવ છે મને, પણ પાર્ટીની ઇમેજને નુકસાન થાય કે આવી રહેલા ઇલેક્શનમાં આની અસર પડે એ તો ન પોસાય.’ તેણે પૂરી કડવાશથી ઉમેર્યું, ‘તમારે ઠીક છે. છત્તીસગઢ પાછા જતા રહેશો.’ આ એક રીતે ઇશારો હતો કે જો તે દીકરાને કન્ટ્રોલ નહીં કરી શકે તો બિસ્તરા-પોટલાં સાથે છત્તીસગઢભેગા થવું પડશે.

લીલાધર બરાબર સમજી ગયો. બોલ્યો નહીં કંઈ, પણ તેણેય મનમાં નક્કી કરી લીધું. આ બાઈ ફાટીને ધુમાડે ગઈ છે. તેની આ ખુરસી ટકી છે, કારણ કે અમારા જેવા તેના પાયા પકડીને બેઠા છે. કિંમત નથી હરામખોરને. સીધી તો કરવી જ પડશે. પછી તેણે છેલ્લા પ્રયાસ તરીકે કહ્યું, ‘દેખિએ મૅડમ, એકનો કચ્ચો ચિઠ્ઠો ખૂલશે અને મીડિયાને મજા આવી જશે. હું એમ માનું છું કે તમારે મારે માટે નહીં તો પાર્ટીની ઇમેજ માટે પણ મારા દીકરાને ઢાંકવાનો... બચાવવાનો.’

‘શટ અપ,’ તેજસ્વિનીએ તેની વાત કાપી નાખી, પછી જોરથી રાડ પાડી, ‘બહોત હો ગયી યે ભાંડગીરી. કબસે નાચ રહે હો મેરે આગે. દીકરાને એક શબ્દ કહેવાતો નથી તો હું શું કરું?’ તેણે કહ્યું અને પછી ટેબલ પર પડેલી વૉકીટૉકી ઉપાડીને સૂચના આપી દીધી, ‘હેલો, મૈં હૂં.’ તેના આ ‘મૈં’માં પ્રાઇમ મિનિસ્ટરની સત્તાનો હુંકાર તો હતો જ, પણ સાથે-સાથે લીલાધરની કારર્કિદીનો મૃત્યુઘંટ પણ સંભળાયો, ‘ગુજરાત પુલીસ કો બોલ દો કિ શરણ કો ભી હિરાસત મેં લેલે. હવે કોઈ દયા, માયા, ડિસ્કાઉન્ટ નહીં જોઈએ મારે. ઠેકાણે પાડી દો છોકરાને.’ તે વૉકીટૉકીમાં બોલી રહી હતી, પણ તેની નજર લીલાધર તરફ હતી, ‘તેને પણ ખબર પડે કે એક ફાલતુ છોકરી માટે તેણે કેટલો મોટો સોદો કરી નાખ્યો છે.’ પછી પૂર્ણવિરામની જેમ ઉમેર્યું, ‘જરૂર પડે તો તમે જ નિર્ણય લઈ લેજો.’ તેના અવાજમાં ભયાનક ક્રૂરતા હતી. લીલાધરે આ ક્રૂરતા પહેલાં સાંભળી હતી. તેજસ્વિની જેના માથેથી હાથ ખસેડી લેતી તેનું માથું ક્યારે કપાય એની રાહ જોવાતી. હવે આ છેલ્લા વાક્ય પછી લીલાધરને પોતાના દીકરાને માથે તેજસ્વિનીની તલવાર લટકતી દેખાઈ.

આટલું સાંભળતાં લીલાધરના મોતિયા મરી ગયા. તેણે તેજસ્વિનીને કહ્યું, ‘મૅડમ મારી વાત તો સાંભળો...’ તેજસ્વિનીએ તેની સામે જોયું, પહેલી આંગળી ઉઠાવીને માત્ર ઇશારાથી જ લીલાધરને બહાર જવાનું કહી દીધું. લીલાધર નફ્ફટની જેમ ત્યાં જ ઊભા રહ્યા. તેમણે ફરી હાથ જોડ્યા, પણ તેજસ્વિનીએ મોઢું ફેરવી લીધું. હવે બહાર ચાલી ગયા સિવાય લીલાધર પાસે બીજો કોઈ ઉપાય નહોતો. તેઓ બહાર તો નીકળ્યા, પણ તેમના મગજમાં તેજસ્વિનીએ કરેલું અપમાન અને શરણને લીધે તેમને પડેલી તકલીફ બન્ને ફૂંફાડા મારી રહ્યા હતા. તેમણે બહાર નીકળીને શરણને ફોન લગાડવાનો પ્રયત્ન કર્યો, પણ શરણનો ફોન દર્શન પટેલ પાસે હતો.

શરણનો ફોન દર્શન પટેલના ટેબલ પર પડ્યો હતો. તેણે ફોનમાં ‘બાબુજી’ લખેલું વાંચીને ફોન ઉપાડી લીધો, ‘કહિએ બાબુજી...’ દર્શન પટેલના અવાજમાં રહેલી તીખાશ લીલાધરથી છાની ન રહી શકી, ‘આપકા બેટા હમારી હિફાઝત મેં હૈ. કોઈ ચિંતા મત કરના. હમ ઉસે બડે ઇત્મિનાન સે રખેંગે.’

‘કિતના પૈસા ચાહિએ?’ લીલાધરે સીધો જ સવાલ પૂછ્યો, ‘તુમ જિતના બડા મુંહ ખોલ સકતે હો, ખોલ દો.’ લીલાધરે આડીઅવળી વાત કર્યા સિવાય સીધો જ મુદ્દો પકડ્યો, ‘શરણ કો સાફ-સાફ બહાર નિકાલ લો. મૈં તુમ્હેં કુછ ભી દે સકતા હૂં.’

‘મુઝે કુછ નહીં ચાહિએ.’ દર્શને કહ્યું, ‘ઇસ વક્ત તો આપકો ચાહિએ, મુઝસે.’ દર્શને હસીને ઉમેર્યું, ‘ક્યા ઑફર દે રહે હૈં આપ?’

‘દેખો, બહસ કરને કા વક્ત નહીં મેરે પાસ... તું બોલ, એક કલાકમાં મારા છોકરાને બહાર કાઢવાનું શું લઈશ?’

‘એક નોટ લખીને મોકલો સર. તમારા લેટરહેડ પર. જો તમે એક નોંધ લખી આપો તો તરત છોડી દઉં.’

‘તું જાણે છે કે એવું શક્ય નથી.’

‘તો પછી મારાથી પણ કેવી રીતે થાય? તમારો છોકરો કોઈની બૈરી સાથે પથારીમાં હતો અને પછી એ જ ઘરમાં કોઈનું ખૂન થયું છે.’ દર્શને કહ્યું, ‘એમ છોડી નહીં શકું તેને.’

‘એક મિનિસ્ટર તરીકે વાત નથી કરતો.’ લીલાધરે બાજી પલટી. અવાજ ગળગળો કરી નાખ્યો. લગભગ રડતા હોય એ રીતે તેમણે દર્શનને કહ્યું, ‘મારો એકનો એક દીકરો છે. તું મારી મદદ કરી શકે તો...’

સામે બેઠેલો શરણ શ્રીવાસ્તવ બરાબર સમજતો હતો કે આ તેના પિતાનો ફોન છે. દર્શનને જે રીતે દલીલ કરી રહ્યો હતો એ રીતે શરણ એ પણ સમજતો હતો કે લીલાધર શ્રીવાસ્તવના અભિનયના અજવાળામાં દર્શન અંજાઈ જવાનો નથી. સામે બેઠેલા શરણ શ્રીવાસ્તવના ચહેરા પર એક તોફાની સ્મિત જોઈને દર્શનને નવાઈ લાગી. તેનો બાપ તેને બચાવવાનો પ્રયાસ કરે છે અને બીજી તરફ આ છોકરો જરાય ચિંતા વગર, ડર્યા વગર કે કોઈ પણ પ્રકારની કાકલૂદી, વિનંતી કર્યા વગર નિરાંતે બેઠો છે. પોતાનો ગુનો આરામથી સ્વીકારી રહ્યો છે. તેને શરણ શ્રીવાસ્તવના કૅરૅક્ટરમાં રસ પડવા માંડ્યો.

તેની આખી કારર્કિદીમાં આવો કોઈ સસ્પેક્ટ તેને મળ્યો જ નહોતો. માણસ પોલીસ-સ્ટેશનમાં દાખલ થાય ત્યારથી જ ધ્રૂજવા માંડે. શરીરથી નહીં તો મનથી ધ્રૂજવા માંડે. આ તો દાખલ થયો ત્યારથી પૂરી નિરાંતમાં હતો. લીલાધર શ્રીવાસ્તવ સાથે વાત કરતાં-કરતાં દર્શને મનમાં બે ધારણા બાંધી; પહેલી એ કે શરણ બિલકુલ નિર્દોષ છે અને તેને કશાયનો ભય નથી. બીજી અને વધુ મહત્વની વાત એ કે તે એટલો રીઢો ગુનેગાર છે કે તેને આવી કોઈ ચીજની અસર નહીં થાય.

‘સર મુઝે અફસોસ હૈ. મૈં આપકી કુછ મદદ નહીં કર સકૂંગા.’ તેણે છેલ્લું વાક્ય કહી નાખ્યું, ‘પાવર કામ નહીં કરેગા તો પ્રાર્થના કીજિએ.’ તેણે ફોન કાપી નાખ્યો.

તે ઝીણી નજરે શરણ સામે જોતો રહ્યો. શરણ પણ જરાય ઓઝપાયા કે ઝંખવાયા વગર એ જ રીતે તેની સામે જોતો રહ્યો. થોડી વારના આ શાંત તારામૈત્રક પછી દર્શને કહ્યું, ‘મને ઉપરથી ઑર્ડર છે... તમને કોઈ પણ પ્રકારની નોંધ વગર એમ જ છોડી દેવા.’

શરણ ખડખડાટ હસી પડ્યો, ‘થોડી વારમાં એ ઑર્ડર બદલાઈ જશે.’ તેનો આત્મવિશ્વાસ જોઈને દર્શન સહેજ પાછો પડ્યો. શરણે ઉમેર્યું, ‘તમે મને ક્લીન-ચિટ આપીને છોડી પણ દેશો તોય હું અમદાવાદ છોડવાનો નથી.’ દર્શન નવાઈથી જોઈ રહ્યો, ‘જાહ્નવી તરફની મારી જવાબદારી હું ક્યારેય નહીં ચૂકું. શી નીડ્સ મી.’ તેણે કહ્યું.

‘તમે સમજો છો?’ હવે દર્શન ચિડાઈ ગયો, ‘તમે જાહ્નવીને મદદ કરવા આટલા તલપાપડ છો, પણ તેના વરને તમારી મદદ જોઈએ છે?’ તેણે પૂછ્યું, ‘અહીં રહીને તમે પતિ-પત્નીના સંબંધમાં તિરાડ પાડવાના છો. સમસ્યા ઊભી કરવાના છો.’ તેણે બન્ને હાથે શરણના બે ખભા પકડીને હચમચાવી નાખ્યા, ‘જે દિવસે તમારી સાથેના લફરાની ખબર પડશેને એ દિવસે પ્રણવ તેને મદદ કરતો હશે તોય નહીં કરે... કયો પતિ પોતાની બેવફા પત્નીની મદદ કરે? તમે કરો?’ દર્શને પૂછ્યું.

‘કેટલીક વસ્તુઓ કેટલાક લોકોની સમજની બહાર હોય છે.’ શરણે કોઈ ફિલસૂફની અદાથી કહ્યું, ‘પ્રણવ આ સમજી શકશે કે નહીં એની મને ખબર નથી, પણ રાધાએ કોઈ દિવસ કૃષ્ણ પર ક્લેમ નથી કર્યો. દ્રૌપદીએ કોઈ દિવસ એમ નથી કહ્યું કે પાંચ પાંડવની સાથે મને છઠ્ઠો કૃષ્ણ પણ જોઈએ. મીરાએ કૃષ્ણને માપ્યા નથી એટલે જ કદાચ પામ્યા છે...’

‘ભાષણ બંધ કર, ડફોળ,’ દર્શન તેના મૂળ મિજાજમાં આવી ગયો, ‘મને ચૂ... બનાવવાનો પ્રયત્ન નહીં કરતો. તારા જેવા પચાસની મા પરણાવી છે મેં.’ દર્શને સીધો સવાલ પૂછ્યો, ‘આવતી કાલે સવારે જાહ્નવીની બેઇલ માટે એ લોકો પ્રયત્ન કરશે.’ સહેજ લુચ્ચા સ્મિત સાથે તેણે કહ્યું, ‘હું તને બોલાવીશ અને વિટનેસ-બૉક્સમાં ઊભો રાખીને પૂછીશ કે રાત્રે તું ત્યાં હતો કે નહીં?’ તેણે આંખ મારીને પૂછ્યું, ‘શું જવાબ આપીશ?’

‘હા પાડીશ.’ શરણે ખભા ઉલાળ્યા.

‘તું અડધી રાતે કોઈ બાઈના બેડરૂમમાં હતો એવી કબૂલાત કર્યા પછી તેને બેઇલ મળશે?’ દર્શને ઉશ્કેરાઈને શરણનો કૉલર પકડી લીધો, ‘હરામખોર, તું શું ઇચ્છે છે? એ બાઈને ફસાવવા ઇચ્છે છે કે બચાવવા ઇચ્છે છે?’

‘હું તો બચાવવા જ ઇચ્છું છું.’ શરણે કહ્યું, ‘સત્યથી મોટી કોઈ સાબિતી નથી. આવું હું શીખ્યો છું... હું સાચું બોલીશ. મને વિશ્વાસ છે કે મારું સત્ય જ જાહ્નવીને તેની તમામ સમસ્યાઓમાંથી બહાર લઈ આવશે.’

બરાબર એ જ વખતે રઘુવીરસિંહ ઝાલા દર્શનની કૅબિન ખોલીને વગર પરમિશને દાખલ થઈ ગયા. કૅબિનમાં દાખલ થતાંની સાથે તેમણે પૂછ્યું, ‘લીલાધરસાહેબનો ફોન હતો?’

‘હંઅઅઅ,’ દર્શને જરાય ધ્યાન આપ્યા વગર ડોકું ધુણાવી દીધું.

‘તેં શું કર્યું? શું કહ્યું તેમને?’ રઘુવીરે પૂછ્યું. તે અત્યંત બેબાકળો હતો. તેના ચહેરા પર ચિંતા અને ગભરામણ સ્પષ્ટ દેખાઈ આવતાં હતાં, ‘હોમ મિનિસ્ટરનો ફોન હતો.’

‘મને નહીં છોડવાની સૂચના હશે.’ શરણે આરામથી અદબ બીડી અને ખુરસીની પીઠ પર શરીર ટેકવીને પગ લંબાવી દીધા.

શરણની સહજતા અને નિરાંત જોઈને રઘુવીર વધુ ભડક્યો. તેણે શરણની નજીક જઈને કહ્યું, ‘જરૂર પડે તો એન્કાઉન્ટર કરી દેવાની સૂચના છે અમને. આની ગંભીરતા સમજો છો તમે?’ રઘુવીરના કપાળ પર પરસેવો ટપકતો હતો. તેણે શરણને બન્ને ખભેથી પકડ્યો, ‘મરી જઈશ. લાશ પણ રઝળી પડશે તારી.’

‘મર્યા પછી લાશનું શું થાય છે એની ચિંતા શું કામ કરવાની.’ શરણે શાંતિથી કહ્યું, ‘હું આ માણસને ઓળખું છું.’ તેણે દર્શન પટેલ તરફ આંગળી ચીંધી, ‘એમ કારણ વગર એન્કાઉન્ટર નહીં કરે આ.’

‘તું સમજતો નથી.’ રઘુવીર ઝાલાના અવાજમાં એક નિ:સહાય બેચેની હતી, ‘અમારે તો સૂચનાનું પાલન કરવું પડે. નોકરી કરીએ છીએ, વર્દી પહેરીએ છીએ.’

‘સાહેબ.’ હવે શરણ ઊભો થયો. તેના અવાજમાં ન સમજાય એવો ફેરફાર થઈ ગયો, ‘વર્દી મિનિસ્ટર નથી આપતો, જનતા આપે છે... અને તમે નોકરી નથી કરતા, દેશની રક્ષા કરો છો. આઇ હોપ યુ અન્ડરસ્ટૅન્ડ.’

‘જુઓ, બધી દોઢડાહી વાતો કરવાનો અર્થ નથી. મારી તમને દૃઢ સલાહ છે કે તમે અમદાવાદ છોડીને નીકળી જાઓ. અમે બાકીનું અહીં ફોડી લઈશું.’ શરણ ચૂપચાપ તેમની સામે જોતો રહ્યો. પછી તે ઊભો થયો. બે-પાંચ મિનિટ તદ્દન મૌન રહી ખિસ્સામાં હાથ નાખીને આંટા મારતો રહ્યો. જાણે કાંઈક વિચારતો હોય એમ. રઘુવીરને લાગ્યું કે શરણ પર તેની વાતની અસર થઈ છે. એ આશાથી તેની સામે જોવા લાગ્યો.

થોડી વાર ચૂપ રહ્યા પછી શરણે કહ્યું, ‘હું અમદાવાદમાં જ છું. તમારે મને ફસાવવો હોય તો ફસાવો, એન્કાઉન્ટર કરવું હોય તો એન્કાઉન્ટર કરો અને બાકી તમારે જે કરવું હોય તે કરો.’ તેણે વેધક નજરે વારાફરતી બન્ને ઑફિસર્સની આંખમાં જોઈને પૂછી નાખ્યું, ‘એક નિર્દોષને સજા કરાવીને મળેલું પ્રમોશન કે લોહિયાળ મેડલ તમને ગૌરવ અને સુખ આપશેને?’ એ પછી તે શાંતિથી ખુરસી પર બેસી ગયો. તેણે પોતાનું માથું ખુરસીની પીઠ પર ઢાળીને આંખો મીંચી દીધી. રઘુવીર અને દર્શન એકબીજા સામે જોઈ રહ્યા. તેમને શરણના આ સવાલે સાચે જ વિચલિત કરી નાખ્યા હતા.

€ € €

જયેશભાઈના બંગલામાં લટકાવેલી ૭૭ વર્ષ જૂની ઍન્ટિક ઘડિયાળમાં આઠના ટકોરા પડ્યા. છેલ્લાં ૭૭ વર્ષથી આ ઘડિયાળ બગડી નથી, અટકી નથી કે મોડી પડી નથી એવું જયેશભાઈ કહ્યા કરતા. પ્રણવ ક્યારેક તેમની મજાક ઉડાડતો, ‘તમે અટકી જશો, પણ આ ઘડિયાળ તો ચાલ્યા જ કરશે...’

‘સમય ક્યારેય અટકતો નથી.’ જયેશભાઈ ફિલોસૉફી પર ચડી જતા, ‘માણસો આવે છે અને ચાલ્યા જાય છે, પણ સમય આગળ વધતો જ રહે છે. ઘડિયાળનો સમય નહીં, બ્રહ્માંડનો સમય.’

‘પપ્પા! ક્યાંથી ક્યાં પહોંચી જાઓ છો?’ પ્રણવ કહેતો.

‘આમ તો આપણે બધા ક્યાંથી ક્યાં પહોંચી જ જતા હોઈએ છીએ. ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના? કેટલું ટકવાના? આ બધું સમયના ટકોરા પર નિર્ભર છે... આ ઘડિયાળના ટકોરા આપણને યાદ કરાવે છે કે હવે કેટલો સમય બાકી રહ્યો છે.’

પ્રણવ બેસીને આ બધું યાદ કરી રહ્યો હતો... કેટલી સાચી વાત હતી પપ્પાની. અત્યારે, જે ક્ષણે તે અહીં બેઠો છે એ ક્ષણ સમયના ટકોરા વગાડતી ક્ષણ છે. થોડી મિનિટો પછી તેની જિંદગીમાં એક જબરદસ્ત વળાંક આવવાનો છે. એની સમજણ અને થોડાક ભય સાથે તે અંદર મંદિરમાં મૂકેલી ભગવાનની મૂર્તિ તરફ જોઈ રહ્યો હતો.

સોહમની આંખ ઊઘડી ત્યારે પ્રણવ પૂજારૂમની બહાર બેઠો હતો. પૂજારૂમની બારસાખને પીઠ ટેકવીને, તેના પગ બન્ને ઘૂંટણિયેથી વાળીને તે એવી રીતે બેઠો હતો જેથી તેને ભગવાનની મૂર્તિ દેખાય એમ છતાં તેણે અંદર ન જવું પડે. લગભગ આખી રાત એક-એક ઝીણા મુદ્દા પર કામ કરીને સોહમ સવારે ચાર વાગ્યે સૂતો હતો.

સોહમ આવીને પ્રણવની બાજુમાં જમીન પર ગોઠવાઈ ગયો. તેણે પ્રણવના ખભે હાથ મૂક્યો. પ્રણવે હળવેકથી નજર ફેરવીને તેની સામે જોયું. સોહમે કહ્યું, ‘આઠ વાગ્યા છે. આપણે થોડી વારમાં નીકળવું પડશે.’

‘હંઅઅઅ.’ પ્રણવે ડોકું ધુણાવ્યું. તે થોડી વાર ચૂપચાપ મંદિરની મૂર્તિ તરફ જોઈ રહ્યો, પછી તેણે ધીમેથી કહ્યું, ‘તું તૈયાર છે?’

‘હા.’ સોહમે હા તો પાડી પણ તેની ભીતર જ્વાળામુખીના વિસ્ફોટ થઈ રહ્યા હતા. પબ્લિક પ્રોસિક્યુટર શું સવાલ પૂછશે એની સોહમને કલ્પના હતી. પ્રણવની સામે આ સવાલ-જવાબની પ્રણવ પર શું અસર થશે એની પણ તેને કલ્પના હતી. તેની ભીતર ક્યાંક પ્રણવને ચોટ લાગવાનો ભય એટલો બધો મોટો થઈ ગયો હતો કે તેનાથી કહેવાઈ ગયું, ‘તું કોર્ટમાં નહીં આવે તો ચાલશે.’

‘હું શું કામ ન આવું?’ પ્રણવે પૂછ્યું.

સોહમે હિંમત ભેગી કરીને કહ્યું, ‘ત્યાં જે સવાલ-જવાબ થશે એ તારાથી કદાચ સહન નહીં થાય. તું ત્યાં ઉશ્કેરાઈ જઈશ અને કંઈ પણ બોલીશ તો એ જાહ્નવીને નુકસાન કરશે. તેની બેઇલ મેળવવામાં અમને તકલીફ પડશે. જો તું...’

‘હું કંઈ નહીં બોલું.’ પ્રણવે કહ્યું. પછી તેણે નાનકડા બાળકની જેમ કાકલૂદી કરી, ‘મારી જાહ્નવીને મારી જરૂર છે. હું તો આવીશ જ.’

‘જો આવીશ તો એટલું યાદ રાખજે કે ત્યાં જેકંઈ થાય એ તારે મૂંગે મોઢે સાંભળી લેવું પડશે. કોઈ પણ પ્રકારના નૉનસેન્સ નહીં ચાલે ત્યાં...’ સોહમે લગભગ નોટિસ આપતો હોય એમ કહ્યું, ‘જાહ્નવીને બેઇલ અપાવવી હોય તો તારે મન, મગજ અને જીભ પર તદ્દન કાબૂ રાખવો પડશે. ત્યાં કંઈ પણ બને, કંઈ પણ આક્ષેપો કરાય, કોઈ પણ ભાષા વપરાય કે ગમે એટલી નીચલી કક્ષાની વાત થાય... તું મને વચન આપ કે તું ચૂપ રહીશ.’

‘હું વચન આપું છું.’ પ્રણવે કહ્યું. તેણે સોહમનો હાથ એકદમ મજબૂતીથી પકડી લીધો, ‘હું આવીશ તો ખરો જ.’

સોહમે ડોકું ધુણાવી દીધું, પણ તેને ખબર હતી કે આ સ્થિતિમાં પ્રણવને કન્ટ્રોલમાં કરવો જરા અઘરો તો પડશે જ. તેણે પણ પોતાની જાતને આ બેવડી ધારની તલવાર પર ચાલવા માટે તૈયાર કરવા માંડી.

€ € €

વહેલી સવારે અભિષેક ઝવેરી YMCA ક્લબના જિમમાંથી બહાર નીકળીને સ્વિમિંગ-પૂલ તરફ જતો હતો. અભિષેક ઝવેરીનું શરીર અત્યંત ફિટ અને આકર્ષક હતું. તેની ચાલમાં ગજબનો આત્મવિશ્વાસ હતો. અમદાવાદના સૌથી નામી ક્રિમિનલ લૉયર્સમાં તેનું નામ હતું. કોણ જાણે કેમ તેણે પબ્લિક પ્રોસિક્યુટરનું કામ સ્વીકારી લીધું. એક-એક મીટિંગના લાખ રૂપિયા ચાર્જ કરતો આ માણસ અચાનક સરકારી કેસ લડવા તૈયાર થઈ ગયો એ વાતે સૌને નવાઈ લાગી હતી.

‘અરે અભિષેકભાઈ, શું ખબર?’ તેને સ્વિમિંગ-પૂલના કિનારે બેસીને બ્રેકફાસ્ટ કરી રહેલા એક બીજા સરકારી લૉયરે બોલાવ્યો.

‘ખબર તો છાપામાં છપાઈ ચૂક્યા છે. તમે વાંચ્યા જ હશે.’ અભિષેકે કહ્યું.

‘પણ અચાનક આવો નિર્ણય?’ એ વકીલની ક્યુરિયૉસિટી તેના હાથમાં નહોતી રહી, ‘તમે વળી આ કેસમાં ક્યાં પડ્યા?’ તેણે પૂછ્યું.

‘મને આ કેસ રસપ્રદ લાગે છે.’ અભિષેકે કહ્યું, ‘આખી જિંદગી ક્રિમિનલ્સને બચાવ્યા છે. ખોટામાં ખોટા કેસમાંથી માણસને નિર્દોષ બહાર કાઢ્યા છે, તો ક્યારેક સરકારની મદદ પણ કરી દઈએને! થોડાં પાપ ધોવાય...’

‘સવારના પહોરમાં તમને અહીં જોઈને મને તો નવાઈ લાગી.’ વકીલે આગળ ચલાવ્યું, ‘મને તો એમ કે તમે તૈયારીમાં બિઝી હશો.’ અભિષેક હસી પડ્યો. દૂધ જેવા ચોખ્ખા, મોતીની માળાની દાંત અને ચહેરા પર એક નિર્દોષ હાસ્યની ઝલક જોઈને પૂછનાર વકીલને નવાઈ લાગી. અભિષેકના ચહેરા પર ક્યાંય સ્ટ્રેસ કે ચિંતા નહોતાં. આટલા મોટા હાઈ-પ્રોફાઇલ કેસમાં આજે તેણે રિમાન્ડ માગવાના હતા. સામે સુપ્રીમ કોર્ટનો લૉયર હતો એમ છતાં અભિષેક જાણે તદ્દન ઈઝી અને કૅઝ્યુઅલ હતો.

‘તૈયારી તેણે કરવી પડે જેને કશી ખબર ન હોય.’ અભિષેકે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘આ કેસની રજેરજ વિગતની મને ખબર છે.’ તેણે વકીલ સામે જોઈને એકદમ આત્મવિશ્વાસપૂર્ણ સ્મિત કર્યું, ‘આજે જાહ્નવી મજીઠિયાના રિમાન્ડ લઈને જ નીકળીશ હું. ડોન્ટ વરી.’ તે બન્ને પગ સીધા કરીને, બન્ને હાથ ઉપરની તરફ ખેંચીને સ્વિમિંગ-પૂલમાં કૂદી ગયો.

અભિષેકના સીધા સોટા જેવા શરીરને પાણીમાં ડૂબી જતું જોઈ રહેલા વકીલે મનોમન કહ્યું, ‘જાહ્નવી મજીઠિયાનો કેસ હવે ઓપન ઍન્ડ શટ બની જશે. આ અભિષેકને હારવાની ટેવ નથી એટલે તે કાળા-ધોળા, છક્કા-પંજા કરીને પણ જાહ્નવી મજીઠિયાને જનમટીપ કરાવ્યા વિના રહેશે નહીં. આ જુડિશ્યરીનો બ્રિલિયન્ટ મૂવ છે. હવે તો જાહ્નવીને ભગવાન જ બચાવે.’

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK