એક આગ એકલતા

એક ચેપી રોગની જેમ પ્રસરી રહી છે એકલતા. વિશ્વના ધનવાન દેશોમાં સૌથી વધુ વકરી છે આ સમસ્યા. બ્રિટને તાજેતરમાં લોન્લીનેસ મિનિસ્ટરની નિમણૂક કરીને એક નવા અધ્યાયનો આરંભ કર્યો છે. કનેક્ટિવિટીનાં આટલાં સાધનો વધ્યા પછી પણ શું કામ ભરડો લઈ રહી છે એકલતા?

alone1

રુચિતા શાહ

જો હુઆ વો અચ્છા હુઆ, જો હો રહા હૈ વો ભી અચ્છા હો રહા હૈ, જો હોગા વો ભી અચ્છા હોગા. તુમ્હારા ક્યા ગયા જો તુમ રોતે હો, તુમ ક્યા લાએ થે જો તુમને ખો દિયા, તુમને ક્યા પૈદા કિયા જો નષ્ટ હો ગયા, તુમને જો લિયા યહીં સે લિયા, જો દિયા યહીં પર દિયા, જો આજ તુમ્હારા હૈ વો કલ કિસી ઔર કા થા, કલ કિસી ઔર કા હોગા

વાતને આગળ વધારીએ એ પહેલાં એક સ્પષ્ટતા કરી દઈએ કે આ લેખ કોઈ ધાર્મિક લેખ નથી તેમ છતાં આ લેખની શરૂઆત શ્રીમદ્ ભગવદ્ગીતાના ખૂબ પ્રખ્યાત એવા આ સંદેશથી કરવામાં આવી છે, કારણ કે વાત કરવાની છે એકલતાની. આજે વિશ્વભરમાં આ અવસ્થા એક ચેપી રોગચાળાની જેમ પ્રસરી રહી છે. એકલતા એક ચેપી રોગ સમાન છે એવું સંશોધકોનું કહેવું છે. આજે દરેક ઉંમરના, દરેક સ્તરના અને દરેક કમ્યુનિટીના લોકો ક્યાંક ને ક્યાંક એકલતાથી ગ્રસ્ત છે, એકલતાથી ત્રસ્ત છે. ટેક્નૉલૉજીની કૃપાથી વિશ્વ નાનું થયું છે અને એકબીજા સાથે કનેક્ટિવિટી વધી છે, પરંતુ વચ્યુર્અલી કનેક્ટ થયેલા લોકો લાગણીની બાબતોમાં માઇલો દૂર છે. સંબંધોમાં ફેલાઈ રહેલો શૂન્યાવકાશ વ્યક્તિઓમાં શૂળની જેમ ભોંકાઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ લિસ્ટમાં સેંકડો ફ્રેન્ડ પછી પણ એક ફ્રેન્ડ સાથે સહૃદયતાનો અભાવ છે. વિશ્વભરમાં ઊભા થયેલા આ સિનારિયોને બ્રિટનની સરકારે ઓળખીને પોતાને ત્યાં એનો ઉકેલ લાવવાની દિશામાં ઝંપલાવી દીધું છે અને એટલે જ લોન્લીએસ્ટ કૅપિટલ ઑફ યુરોપ તરીકે ઊભરી રહેલા બ્રિટનમાં પહેલી વાર મિનિસ્ટર ફૉર લોન્લીનેસની નિમણૂક થઈ છે. બ્રિટિશ રેડ ક્રૉસના આંકડા મુજબ લગભગ સાડાછ કરોડની બ્રિટનની વસ્તીમાં લગભગ નેવું લાખ લોકો હંમેશાં અથવા તો ક્યારેક એકલતાનો અનુભવ કરતા રહે છે. ‘લોન્લીનેસ ઇઝ ધ સૅડ રિયલિટી ઑફ મૉડર્ન લાઇફ’ કહેનારાં બ્રિટનનાં પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને બ્રિટનનાં અત્યારનાં સ્પોર્ટ્સ તથા સિવિલ સોસાયટી ખાતાનાં મિનિસ્ટર ટ્રેસી ક્રાઉચને મિનિસ્ટર ઑફ લોન્લીનેસનો કાર્યભાર સોંપ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં શરૂ થયેલા આ નવા મંત્રાલયનાં મૂળિયાં સંસદસભ્ય જો કૉક્સે નાખ્યાં હતાં. જોકે બ્રિટનની આ નેતાની યુરોપિય સંઘના જનમત પહેલાં જ હત્યા કરવામાં આવી હતી. જો કૉક્સે પોતાના જીવનમાં કૉલેજકાળ દરમ્યાન એકલતાનો સામનો કર્યો હતો એટલે તેમણે બ્રિટનમાં એકલતા અનુભવતા લોકોનો ડેટા-બેઝ તૈયાર કરીને તેમને મદદ કરવાના પ્રયત્ન કર્યા હતા. હવે આ વારસો ટ્રેસી ક્રાઉચ સંભાળશે. તેઓ કહે છે, ‘એકલતા એક છૂપો જ્વર છે, જે દરેક વ્યક્તિ જીવનના અમુક તબક્કાઓમાં અનુભવતી જ હોય છે. રિટાયરમેન્ટ, પ્રિયજનનું મૃત્યુ, છૂટાછેડા જેવા પ્રસંગો વ્યક્તિને એકલતાનો એહસાસ આપતા હોય છે. હવે એની સામે પદ્ધતિસર ફાઇટ આપવા માટે અમે તૈયાર છીએ.’

આ જ દિશામાં થોડાક સમય પહેલાં સ્કૉટલૅન્ડની સરકારે તેમના દેશના નાગરિકોને પોતાના પાડોશીઓ સાથે અવારનવાર વાત કરવાની અને પોતાના જૂના મિત્રો સાથે મળવાની બાબત પર ભાર મૂકીને એકલતાની અસરને ઓછી કરવાની દિશામાં એક ડગલું માંડ્યું હતું. આ પ્રકારના વર્તનને ‘ઍક્ટ ઑફ કાઇન્ડનેસ’ તરીકે જાહેર કરીને રચનાત્મક રીતે લોકોની એકલતા ઓછી કરવામાં આગળ આવનારો સ્કૉટલૅન્ડ પહેલો દેશ છે. અત્યારે સ્કૉટલૅન્ડમાં દર દસમાંથી એક વ્યક્તિ એકલતાનો શિકાર બનેલી છે. આ આલમ અમેરિકાનો પણ છે. આવનારા સમયમાં અમેરિકા અને ન્યુ ઝીલૅન્ડમાં પણ મિનિસ્ટર ઑફ લોન્લીનેસની નિમણૂક થાય એવી પૂરી સંભાવના છે. ચીન, જપાન જેવા કેટલાક એશિયાઈ દેશોમાં પણ આ જ ઘાટ ઘડાઈ રહ્યો છે. જોકે પશ્ચિમના ધનવાન દેશોમાં આ અવસ્થા વધુ સઘન રીતે પકડમાં આવી રહી છે.

ઘરડા લોકો લોન્લીનેસનો સૌથી વધુ શિકાર બની રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજિંગના આંકડાઓ મુજબ અમેરિકામાં અત્યારે ૪ કરોડ લોકો ૬૫ અથવા એનાથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનો છે. દેશની ટોટલ વસ્તીમાંથી લગભગ પાંચ ટકા પૉપ્યુલેશન થયું. લંડનમાં દેશની કુલ જનતામાંથી લગભગ વીસ ટકા લોકો ૬૫ અથવા એથી મોટી ઉંમરના છે. કેટલાક સર્વે દ્વારા એ વાતને પણ પુષ્ટિ મળી છે કે માત્ર પાકટ વયે જ એકલતા ઘેરી વળે છે સાવ એવું નથી. બલકે આજના યુવાનો પણ એકલતાનો અધિક શિકાર બની રહ્યા છે. ૨૦૧૬ના આંકડાઓ કહે છે કે દર ત્રીજી યુવાન વ્યક્તિ પણ અઠવાડિયામાં એક વાર એકલતાનો અનુભવ કરતી હોય છે. બ્રિટિશ મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશનનો રિપોર્ટ કહે છે કે ૧૮થી ૩૪ વર્ષના યુવાનો વધુ લોન્લી ફીલ કરતા હોય છે.

સતત વધી રહેલા મહત્વના પબ્લિક હેલ્થ પ્રૉબ્લેમ તરીકે પ્રસ્થાપિત એકલતાને આટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે એની પાછળનું કારણ છે એની સાથે આવતા અન્ય હેલ્થ-પ્રૉબ્લેમ્સ. એકલતા ડિપ્રેશન આપે છે. દિવસો ખાલીપાથી ભરેલા છે. જાણે કંઈ બની જ નથી રહ્યું એ શૂન્યતા છે એકલતા. ન્યુ યૉર્કનો રિસર્ચર ડૉ. ધ્રુવ ખુલ્લર પોતાના ઑબ્ઝર્વેશન પરથી ન્યુ યૉર્ક ટાઇમ્સમાં એક આર્ટિકલના માધ્યમે કહે છે કે સમાજ સાથેનો નાતો તૂટ્યો હોય ત્યારે વ્યક્તિની સ્લીપ-પૅટર્ન ડિસ્ટર્બ થાય, તેની રોગપ્રતિકારક શક્તિ પર એની નકારાત્મક અસર પડે અને શરીરમાં સ્ટ્રેસ-હૉમોર્નનું પ્રમાણ વધે. એક સર્વે મુજબ એકલતાને કારણે વ્યક્તિમાં હૃદયરોગની શક્યતા ૨૯ ટકા અને સ્ટ્રોકની શક્યતા ૩૨ ટકા વધતી હોય છે. અન્ય ૭૦ ટકા અભ્યાસો પરથી અન્ય એક અભ્યાસ થયો, જેનું ઍનૅલિસિસ કહે છે કે સમાજથી વિખૂટી પડેલી વ્યક્તિના મૃત્યુની આવનારાં સાત વષોર્માં શક્યતા ૩૦ ટકા વધી જાય છે. બીજો એક અભ્યાસ કહે છે કે દિવસમાં ૧૫ સિગારેટ ફૂંકતી વ્યક્તિ કરતાં એકલતા સાથે ઝૂઝતા માણસ સામે મૃત્યુનું જોખમ વધારે હોય છે. સ્થૂળતા અને ધૂમþપાન કરતાં પણ એકલતાને વૈજ્ઞાનિકો વધુ જોખમી ગણાવી રહ્યા છે. એકલતાને કારણે મૃત્યુની શક્યતા ૨૬ ટકા વધી જાય છે એવું કહેનારા સંશોધકો એ પણ સ્પષ્ટતા કરે છે કે એકલતાને કારણે વ્યક્તિ નથી મરતી; એકલતાને કારણે શરીરમાં કૅન્સર, હૃદયરોગ, ડાયાબિટીઝ જેવી જે શારીરિક સ્થિતિ ઊભી થાય છે એ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે. આજે વિશ્વભરમાં વધી રહેલા ડિપ્રેશનના પ્રમાણ પાછળ પણ એકલતા મૂળ કારણ હોવાનું મનાય છે. આ દિશામાં વધુ એક ચોંકાવનારા સર્વે વિશે પણ જાણવા જેવું છે જે સર્વે અમેરિકામાં કરવામાં આવેલો. એ મુજબ ૧૯૮૫થી લઈને આજ દિવસ સુધી નજીકના મિત્ર ન ધરાવતા અમેરિકનોની સંખ્યા ત્રણગણી વધી છે. એનું કારણ જાણવા એક જનરલ સોશ્યલ સર્વેમાં લગભગ પાંચ હજાર લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો. એમાં જે એકલતાથી પીડાઈ રહ્યા છે તે અને તેમની નજીકના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું કે એકલતા ચેપી અવસ્થા છે. એટલે કે લોન્લીનેસ અનુભવતી વ્યક્તિ તેની આસપાસના વતુર્ળને પણ લોન્લી કરી મૂકશે. મતલબ એવો કે લોન્લી વ્યક્તિની નજીકના મિત્રો, સંબંધીઓ કે પરિજનો પણ લોન્લીનેસનો અનુભવ કરે અને સમાજથી કટ ઑફ થઈ જાય એની સંભાવના બાવન ટકા વધી જાય છે. આ સર્વેના મુખ્ય સૂત્રધાર ડૉ. નિકોલસે કહ્યું હતું કે જેમ સ્વેટરમાંથી એક પણ દોરો જો નીકળી જાય તો એ આખા સ્વેટર પર એની છાપ છોડે છે એ જ રીતે એક લોન્લી વ્યક્તિ આખા સોશ્યલ નેટવર્કને ડિસ્ટર્બ કરવાનું કામ કરી શકે છે. એકલતાથી પીડાતી એક વ્યક્તિએ સમાજ સાથે નાતો કાપવાનું શરૂ કર્યું અને તેની આ એકલતા તેની સૌથી નજીકની વ્યક્તિમાં ટ્રાન્સમિટ થઈ. એ સાંકળ પછી આગળ ને આગળ ચાલુ રહે, જે સમયાંતરે આખા સમાજને એકબીજાથી વિભાજિત કરવાનું કામ કરે છે. 

થોડાક સમય પહેલાં અમેરિકન કૉમેડી આર્ટિસ્ટ સારા મિલિકને એકલતા સાથે ઝૂઝી રહેલા લોકોને સપોર્ટ આપવા માટે #JOININ કૅમ્પેન શરૂ કરીને લોકોને ક્રિસમસનું સેલિબ્રેશન કરવાની અપીલ કરી હતી. એકબીજા સાથે સહયોગ કરવાની આ અપીલને લોકોએ બે હાથે વધાવી હતી. જોકે સોશ્યલ મીડિયાનો ઉપયોગ જ લોકોની એકલતાના મૂળમાં છે એ વાત પણ એટલી જ સજ્જડતાથી સમજવાની જરૂર છે. અમેરિકન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ મેડિસિનનો એક સર્વે કહે છે કે સોશ્યલ મીડિયા પણ ઓછો સમય પસાર કરનારા લોકોની તુલનાએ સોશ્યલ મીડિયા પર વધુ સમય પસાર કરનારા લોકો વધુ એકલતા અને આઇસોલેટેડ ફીલ કરે છે. સોશ્યલ મીડિયાની કનેક્ટિવિટી વિશે કોઈકે સાચું જ કહ્યું છે, પોતાની કડકડતી એકલતા લઈને સહુ બેઠા છે ટોળાના તાપણે.

ન્યુ ઝીલૅન્ડનો રગ્બી-જર્નલિસ્ટ, ઑથર, સ્પીકર અને જૂતાં તથા શર્ટની પોપ નામની બ્રૅન્ડનો માલિક પંચાવન વર્ષનો બ્રેન્ટ પોપ એક અમેરિકન જર્નલિસ્ટ સામે આ વાત સ્વીકારી ચૂક્યો છે કે આખા વિશ્વના લોકો ક્રિસમસનું સેલિબ્રેશન ધામધૂમથી કરશે, પરંતુ મારા માટે આ ઉત્સવ એકલતા અને દુ:ખથી ભરેલો છે. બધી રીતે સંપન્ન એવા બ્રેન્ટ પોપ જેવા લોકોને પણ એ વાત લાગુ પડી રહી છે એ વાત જ દર્શાવે છે કે એકલતા હવે નાની બાબત રહી નથી. છેલ્લાં વીસ વર્ષથી માત્ર એકલતા પર જ દુનિયાભરનો અભ્યાસ કરનારા યુનિવર્સિટી ઑફ શિકાગોના સંશોધક કેસિઓપ્પો પોતાના અભ્યાસમાંથી તારવે છે કે માનવજાત એકલી રહેવા માટે કેળવાઈ નથી. આદિમાનવ કાળથી લઈને આજ સુધી આપણે જૂથ, કબીલો, જ્ઞાતિ, જાતિ, સમાજ અને છેલ્લે પરિવારથી જોડાયેલા રહ્યા છીએ; કારણ કે સમૂહમાં રહેવું એ જ આપણો મૂળભૂત સ્વભાવ છે. આપણું જિનેટિક બંધારણ જ એ ઘાટનું છે કે અન્ય સાથે જોડાયા વિના, ઇન્ટરૅક્ટ કર્યા વિના આપણને ચાલતું જ નથી. આ જ કારણ છે કે ભૂખ, તરસ અને અન્ય શારીરિક પીડાની જેમ જ સોશ્યલ કનેક્શનનો અભાવ વરતાય ત્યારે આપણે બેબાકળા બની જઈએ છીએ. આ જ કારણ છે કે સમાજ સાથેનો છેડો છૂટી જાય કે તૂટી જાય તો એની ઘેરી અસર આપણા મગજ અને શરીર પર પડે છે. સંશોધકોએ તો ત્યાં સુધી સાબિત કરી દીધું છે કે શારીરિક પીડા વખતે મગજનો જે ભાગ ઉત્તેજિત થાય છે એ જ મગજનો હિસ્સો ઍક્ટિવેટ થાય છે એકલતા ભોગવનારી વ્યક્તિનો. એટલે કે શરીરમાં શૂળ ઊપડે ત્યારે જે વેદનામાંથી માણસ પસાર થાય છે એવી જ વેદના એકલતા અનુભવતી વ્યક્તિ પણ ભોગવે છે. એકલતાને અભિવ્યક્ત કરતા વડોદરાનાં કવયિત્રી અરુણા ચોકસીના એક સુંદર કાવ્યની કેટલીક પંક્તિઓ જ પૂરતી છે.

alone

એકલતા એટલે...

આપણા પાળેલા આપણને ટાળે તે

આપણા સીંચેલા આપણને બાળે તે

આપણે વાવેલાં વર્ષોને પાછાં ન વાળે તે

એમના જીવનની ચાળણીમાંથી આપણને ચાળે તે

એમના સમયની ગળણીમાંથી આપણને ગાળે તે..

એકલતા એટલે...

જીવતરની મટુકીમાંથી

હોવાપણાના માખણનું ઝૂંટાવું

અમરતની ખાલી કુપ્પીમાં

વેદનાના વખનું ઘૂંટાવું


ચંદ્રકાન્ત બક્ષીએ એકલતાના સંદર્ભમાં લખ્યું છે કે અંગ્રેજી ભાષામાં એકલતાને લઈને બે શબ્દો છે. લોન્લીનેસ અને અલોનનેસ. આ બે શબ્દો વચ્ચે તાત્વિક ફરક છે. જ્યારે તમે બારી બંધ કરીને દુનિયાને બહાર ફેંકી દો છો ત્યારે તમે એકલા છો, અલોન છો. દુનિયાની દયા ઉપર નથી, તમે ખુદ મુખ્તાર છો. તમે તમારા બંધ સામ્રાજ્યના સમ્રાટ છો. તમારી હવેની જિંદગીનો ગ્રાફ તમે નક્કી કરો છો. તમારી હથેળીની રેખાઓ પર તમારો અખ્તિયાર સંપૂર્ણ છે. પરંતુ જ્યારે દુનિયા તમને ફેંકી દે છે અને તમે તલસો છો કે કોઈક પાસે જોડે પડખે હોવું જોઈએ. તમે લાચાર અને મોહતાજ બની જાઓ છો. દયા એક સહારો બની જાય છે. મોહબ્બત નહીં, પણ મહેરબાનીની દિશામાં તમારી આંખો અપલક તાકી રહે છે ત્યારે તમે લોન્લી બની જાઓ છો.

બક્ષીસાહેબ વર્ષો પહેલાં એકલતાને ભયાનક દુ:સ્થિતિ અને પુરુષત્વની અગ્નિપરીક્ષા તરીકે ઓળખાવી ચૂક્યા છે. એ જ એકલતાને, જેનાથી હવે વિશ્વના સુપરપાવર દેશો ફફડી રહ્યા છે.

તમને ખબર છે?

- ઇઝરાયલની એક કંપની ઇન્ટ્યુશન રોબોટિક્સે સિનિયર સિટિઝનની એકલતાને નિવારવા માટે ‘ઍક્ટિવ એજિંગ કમ્પૅન્યન’ તરીકે સાથ આપી શકે એવો એક એલિક્સ નામનો રોબો બનાવ્યો છે.

- અમેરિકાની બ્રિગહેપ યંગ યુનિવર્સિટીનું સંશોધન કહે છે કે એકલતા અનુભવતા લોકોમાં પ્રીમૅચ્યોર ડેથની સંભાવના ૫૦ ટકા જેટલી વધી જાય છે. વિશ્વભરમાં મહામારી તરીકે પ્રસરી રહેલી આ અવસ્થા સ્થૂળતા કે દિવસની ૧૫ સિગારેટ ફૂંકવા કરતાં વધારે જોખમી છે.

- ધનવાન દેશો અને ઊંચું સ્ટાર્ન્ડ ઑફ લિવિંગ ધરાવતા દેશોમાં એકલતાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.

- એક સર્વે મુજબ એકલતાને કારણે વ્યક્તિમાં હૃદયરોગની શક્યતા ૨૯ ટકા અને સ્ટ્રોકની શક્યતા ૩૨ ટકા વધતી હોય છે. અન્ય ૭૦ ટકા અભ્યાસો પરથી અન્ય એક અભ્યાસ થયો, જેનું ઍનૅલિસિસ કહે છે કે સમાજથી વિખૂટી પડેલી વ્યક્તિના મૃત્યુની આવનારાં સાત વષોર્માં શક્યતા ૩૦ ટકા વધી જાય છે.        

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK