બિટકૉઇન નામની બલાએ ભલભલાને વિચારતા અને ચર્ચા કરતા કરી દીધા છે

સામાન્ય રોકાણકારો પણ બિટકૉઇનમાં રોકાણ કરવાના વિચારો કરવા લાગ્યા છે: વિભિન્ન દેશોમાં અને એક્સપર્ટ વચ્ચે પણ આ વિષયમાં ભિન્ન મતો પ્રવર્તે છે : આ કોઈ પૉન્ઝી સ્કીમ કે પિરામિડ સ્કીમ હોવાનો સંદેહ પણ વ્યક્ત થાય છે : ભારતે આ કરન્સી પર કોઈ અંકુશો મૂક્યા નથી અને એને માન્યતા પણ આપી નથી

bitcoin

જયેશ ચિતલિયા

શૅર, મ્યુચ્યુઅલ ફન્ડ બહુ થયું, હવે થોડું બિટકૉઇન વિશે પણ વિચારીએ; બિટકૉઇનમાં પણ રોકાણ કરવું જોઈએ, જેના ભાવ આટલી હદ સુધી ઊંચે જાય છે એમાં આપણે પણ રોકાણ કરવું જોઈએ એવા વિચાર સાથે ઘણાને બિટકૉઇન એક્ઝૅક્ટ્લી શું છે એની પણ ખબર નહીં હોવા છતાં એમાં રોકાણ કરવાનું મન થવા લાગ્યું છે. આવું મન ધરાવનારાઓની સંખ્યા પણ સતત વધવા લાગી છે અને તેમનું રોકાણ પણ આવી ક્રિપ્ટોકરન્સીમાં વધી રહ્યું છે. આ સાથે બિટકૉઇન ઉપરાંતના વિવિધ નવા કૉઇન પણ કરન્સી તરીકે બજારમાં આવી ગયા છે અને આવી રહ્યા છે. ચાલો જોઈએ, ક્રિપ્ટોકરન્સી તરીકે ઓળખાતી આ કરન્સીમાં અચાનક આટલોબધો રસ કેમ વધવા લાગ્યો છે? કેમ લોકો આવી કરન્સીમાં જોખમ હોવા છતાં એના પ્રત્યે આકર્ષાવા લાગ્યા છે? લોકોએ આમ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?  

યે બિટકૉઇન બિટકૉઇન ક્યા હૈ?

શું છે ભાઈ આ બિટકૉઇન? કેમ આટલાબધા ભાવ એના વધતા જાય છે? ભારતમાં એક બિટકૉઇનનો લેટેસ્ટ ભાવ ૭.૯૦ લાખ રૂપિયા ચાલી રહ્યો છે. આમ તો આ એક ઇન્ટરનૅશનલ વર્ચ્યુઅલ કરન્સી છે એ ઘણાખરા લોકો જાણતા થઈ ગયા છે. જોકે મોટા ભાગનો વર્ગ આટલું પણ જાણતો નથી, પરંતુ રોજેરોજ છાપાંઓમાં અને ટીવીમાં એના ભાવોની હરણફાળ અને વાતો સાંભળી-વાંચીને લોકોમાં એના વિશે સતત ઉત્સુકતા વધતી જાય છે. અગાઉ બિટકૉઇન વિશે ‘મિડ-ડે’માં ચર્ચા થઈ હતી, પણ હવે છેલ્લા ત્રણ-છ મહિનામાં તો પાનના ગલ્લે, ટ્રેનોમાં પણ આ વિશે વાતો થવા લાગી છે. જેમ એક સમયે હર્ષદ મહેતાની તેજીમાં સેન્સેક્સને રોજ વધતો જોઈ લોકો એમ કહેતા થયા હતા કે ચાલો, આ સેન્સેક્સને જ ખરીદી લઈએ એમ હવે બિટકૉઇન ખરીદવા માટેની ઇચ્છા રોકાણકાર વર્ગમાં વધતી ચાલી છે. શૅર, બૉન્ડ્સ, સોના-ચાંદી, રિયલ એસ્ટેટ, મ્યુચ્યુઅલ ફન્ડ સહિત હવે બિટકૉઇન પણ રોકાણનું સાધન બનવા લાગ્યું છે.  બિટકૉઇન પાર્ટમાં પણ મળતા હોવાથી સામાન્ય રોકાણકારોને પણ એમાં રોકાણનું મન થવા લાગ્યું છે, જ્યારે બિટકૉઇનની કાયદેસરતા સામે ભારતમાં હજી ઘણા સવાલો અધ્ધર છે. સરકારે કે રિઝર્વ બૅન્કે આને માન્યતા આપી નથી અને ઉપરથી લોકોને ચેતવણી આપી છે.

ક્રિપ્ટોકરન્સી સામે કોની નજર?


બિટકૉઇન સમાન ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ પર ઇન્કમ-ટૅક્સ વિભાગની નજર છે અને આ નજર વ્યાપક બની વધુ તપાસ પણ કરશે, જ્યારે કે હવે આ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ સામે પણ સત્તાવાળાઓને સવાલો થવા લાગ્યા છે. રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (ROC) આવા બિટ, ક્રિપ્ટો, કૉઇન, વર્ચ્યુઅલ વગેરેï જેવાં નામ ધરાવતી કંપનીઓની પણ તપાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. કંપનીઝ ઍક્ટ હેઠળ આવાં નામવાળી કંપનીઓનાં રજિસ્ટ્રેશન પણï બંધ કરાયાં છે એટલું જ નહીં, સૉફ્ટવેર ડેવલપમેન્ટ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપનીઓ પાસેથી પોતે બિટકૉઇન સમાન કોઈ પણ ક્રિપ્ટોકરન્સીમાં ભાગ નથી લઈ રહી એવી અન્ડરટેકિંગ (ખાતરી) પણ ROC માગી રહ્યું છે. આવા એક્સચેન્જમાં મહિને અબજો રૂપિયાનાં કામકાજ થાય છે. આ એક એવું ઑનલાઇન પ્લૅટફૉર્મ છે જેના પર વર્ચ્યુઅલ કરન્સીના વ્યવહાર થાય છે. આમાં તમે રૂપિયા કે ડૉલર સમાન કરન્સી સામે વર્ચ્યુઅલ કરન્સીનું અકાઉન્ટ ખોલી એમાં રોકાણ કરી શકો છો. ભારતમાં આવા એક્સચેન્જિસ અને કરન્સીમાં કૉઇનસિક્યૉર, ઝેબપે, યુનોકૉઇન, કૉઇનેક્સ, કૉઇનડેલ્ટા, બાયયુકૉઇન, ઇથરિયન, લિટકૉઇન, રિપ્પલ વગેરે જેવાં નવાં વર્ચ્યુઅલ ચલણ આવી ગયાં છે. વિશ્વમાં આનાથી પણ વધુ હોઈ શકે છે.

યુવાનો અને વિદ્યાર્થીઓ પણ


નવાઈની વાત એ છે કે આ બિટકૉઇન નામ વિદ્યાર્થી જગતમાં પણ જાણીતું થઈ ગયું છે, ઉચ્ચ અભ્યાસ કરતા યુવાનો સુધ્ધાં આ કૉઇનમાં ઑનલાઇન રોકાણ કરતા થઈ ગયા છે. આ એક નવો ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે. આ એક જોખમી ટ્રેન્ડ હોવા છતાં એના અધધધ વળતરને જોઈને લોકો એમાં પોતાની ગણતરી મુજબનું જોખમ લઈ રહ્યા છે. યુવાનો સહિતના ઘણા ઇન્વેસ્ટરો બિટકૉઇન એક્સચેન્જ ઍપ પોતાના ફોનમાં ડાઉનલોડ કરે છે.

આ કરન્સીમાં શું થાય છે કે થઈ શકે?


આ વર્ચ્યુઅલ કરન્સીના ભાવ શા માટે વધે છે એવા સવાલના જવાબો જુદા-જુદા છે, એમાં દરેકે પોતાની વિવેકબુદ્ધિ મુજબ એને મૂલવવા જોઈએ. એક તો આ એક વૈશ્વિક ક્રેઝ છે, એનું વધી રહેલું ચલણ જોઈ એમાં સતત રસ વધી રહ્યો છે અને એના ભાવોના ઉછાળાને જોઈ અમિતાભ બચ્ચન પણ એમાં રોકાણ કરવાથી દૂર રહી શક્યા નથી. આ હવે એક જાહેર સત્ય છે. વધુમાં હવે અમુક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં (વિદેશોમાં) બિટકૉઇન સ્વરૂપે ફી પણ લેવાવાની શરૂ થઈ છે. જપાનની એક કંપનીએ તો તાજેતરમાં એના કર્મચારીઓને આંશિક પગાર બિટકૉઇનમાં ચૂકવવાની ઑફર કરી હતી. અલબત્ત, કર્મચારીઓ રાજી હોય તો. આ કંપની પોતે બિટકૉઇનના માઇનિંગમાં ઝંપલાવવા પણ માગે છે. આ કરન્સી મારફત મની-ટ્રાન્સફર થાય છે, મની-લૉન્ડરિંગ પણ થઈ શકે છે યા થઈ રહ્યું હોય તો નવાઈ નહીં. આ માર્ગે  ભારતીય રૂપિયા બહાર જવાનું સરળ થઈ શકે છે યા જવાનું શરૂ પણ થઈ ગયું હોઈ શકે.

કરન્સી સામે મસમોટો સવાલ


આ મામલે સૌથી ગંભીર બાબત એ છે કે આ વર્ચ્યુઅલ કરન્સી પર કોઈનું નિયમન છે કે કેમ એ મસમોટો સવાલ છે, જ્યારે કે એને રેગ્યુલરાઇઝ કરવાની તાતી જરૂર છે. પરંતુ આ  ગ્લોબલ કરન્સી બની રહી છે, તેથી એનું રેગ્યુલેશન કોણ કરે? વિવિધ દેશોની કંપનીઓ  એને પોતાની રીતે નામ આપી લૉન્ચ કરી રહી છે. આ બિઝનેસ ઑનલાઇન ચાલી રહ્યો હોવાથી એનું નિરીક્ષણ તેમ જ નિયમન મુશ્કેલ બને છે, જ્યારે કે આ વિશે કોઈ સ્પષ્ટ કાનૂન પણ છે કે કેમ એ સવાલ છે. ઇન શૉર્ટ, આ એક જુદા-જુદા નામે ચાલતી અથવા  ચાલી ગયેલી ક્રિપ્ટોકરન્સી છે, જે આગળ જતાં ફુગ્ગાની જેમ ફૂટી પણ શકે અને ઉછાળા સાથે વધે ને લોકોને કમાણી પણ કરાવી શકે, પરંતુ ક્યાં સુધી? કારણ કે આ એક એવી મની-ચેઇન યા સાઇકલ છે જે ક્યાંક કોઈ કારણસર રોકાઈ ગઈ તો છેલ્લા હોલ્ડરોનું શું થશે એનું અત્યારે કોઈ કહી શકે એમ નથી.

પૉન્ઝી સ્કીમ?


અનેક લોકો આ ક્રિપ્ટોકરન્સીને એક પ્રકારની પૉન્ઝી સ્કીમ પણ માને છે, જેમ સહારા અને શારદા સ્કીમ ચાલતી હતી. આ કરન્સી સંબંધી અગાઉ IT સર્વે પણ થયા હતા, ઇન્કમ-ટૅક્સની નજર વધુ બારીક પણ બની રહી  છે. જે. પી. મૉર્ગને આ એક બોગસ બાબત છે જેનો ફુગ્ગો ફૂટશે એવું નિવેદન પણ કર્યું હતું. વિશ્વના ભલભલા નિષ્ણાતો આ કરન્સી વિશે ભિન્ન મત ધરાવે છે. 

શું કહે છે ભારત અને અન્ય દેશો?


ભારત સરકારે હજી સુધી આ ક્રિપ્ટોકરન્સી પર કોઈ અંકુશ મૂક્યા નથી, પરંતુ ચેતવણી ચોક્કસ આપી છે. આ અલર્ટ આપવાનું કાર્ય રિઝર્વ બૅન્કે પણ કર્યું છે.  રિઝર્વ બૅન્કે બૅન્કોને આ કરન્સીમાં સોદા કરતા એક્સચેન્જ અને ઇન્વેસ્ટરોના વ્યવહારોની બારીક જાણકારી મેળવવાની અને એનું જોખમ સમજવાની સૂચના આપી છે. અમુક દેશે એના પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે અમુક દેશો એના માટે રેગ્યુલેશન ઘડી રહ્યા છે. જે. પી. મૉર્ગનના ચીફ જેમી ડિમોન અને વૉરેન બફેટ જેવી હસ્તીઓએ બિટકૉઇન સામે શંકા ઊભી કરી એ બબલ થઈ શકે એવો સંદેહ પણ વ્યક્ત કર્યો છે, જ્યારે બિલ ગેટ્સે એને કરન્સી કરતાં બહેતર કહી છે. આમ ભારતમાં કે વિશ્વમાં બિટકૉઇન જેવી ક્રિપ્ટોકરન્સી માટે ભિન્ન મત પ્રવર્તે છે. કહેવાય છે કે બિટકૉઇન ન તો કરન્સી છે, ન કૉઇન. એને કોઈ લીગલ ટેકો નથી, વાસ્તે આગળ જતાં એની અનિશ્ચિતતા અને જોખમ ઊભાં રહેશે.

બજેટમાં સ્પષ્ટતાની આશા


ભારત સરકાર આપણે ત્યાં લક્ષ્મી નામે વર્ચ્યુઅલ કરન્સી લાવે એવી વાતો થઈ રહી છે.  રિઝર્વ બૅન્ક આ ક્રિપ્ટોકરન્સી વિશે ચેતવણી આપી રહી છે, બાકી સ્પષ્ટ કંઈ કહી શકતી નથી. જોકે આ વખતના બજેટમાં અથવા બજેટસત્રમાં નાણાપ્રધાન આ વિષયમાં કોઈ સચોટ સ્પષ્ટતા કરે અને મગનું નામ મરી પાડે કે પછી ક્રિપ્ટોકરન્સીની કાયદેસરતા વિશે પોતાનું વલણ ક્લિયર કરે એવી ધારણા છે, કારણ કે ભારતમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે જે યોગ્ય નિયમન વિના જોખમો ઊભાં કરી શકે છે.  

ગોલ્ડ સામે બિટકૉઇનનો પડકાર

ગ્લોબલ ફાઇનૅન્શિયલ એક્સપર્ટ નિગમ અરોરાના મત મુજબ બિટકૉઇનના ભાવ અને ચાલની અસર ગોલ્ડના ભાવિ પર પણ થઈ શકે છે, કારણ કે મોટા ઇન્વેસ્ટરો બિટકૉઇનને એક ઍસેટ તરીકે જોવા લાગ્યા છે અને એમાં રોકાણ કરતા થઈ ગયા છે. એમાં ટ્રેડિંગ પણ કરવા લાગ્યા છે. નિગમ અરોરાના અભ્યાસ મુજબ જે નાણાં અત્યાર સુધી સોના-ચાંદીમાં રોકાતાં હતાં એમાંથી અમુક હિસ્સો બિટકૉઇન તરફ વળવા લાગ્યો છે. જોકે એના ભાવોમાં જબરી ચડઊતર પણ થઈ રહી છે. એક સમયે એનું માર્કેટ ૬૦૦ અબજ ડૉલરનું થઈ ગયું હતું, જ્યારે ભાવ વીસ હજાર ડૉલરથી ૧૧ હજાર ડૉલર સુધી આવી પછી રિકવર થઈને ૧૪ હજાર ડૉલર પણ થયા હતા. આ કરન્સી ગોલ્ડ સામે હરીફ બને તો નવાઈ નહીં.

બિટકૉઇન ઇન્વેસ્ટરોની સંખ્યામાં સતત વૃદ્ધિ


બિટકૉઇનના ઇન્વેસ્ટર્સ ભારતમાં ૩૦ લાખ જેટલા છે, જ્યારે સક્રિય ઇન્વેસ્ટર્સ ૧૭ લાખ છે. છેલ્લા ત્રણ મહિનામાં ૧૫ લાખ ઇન્વેસ્ટર્સ જોડાયા છે. માર્ચ ૨૦૧૭ના અંતે ગ્લોબલ સ્તરે સક્રિય રોકાણકારોની સંખ્યા ૫૮ લાખ હતી, જે હવે વધીને એક કરોડ વીસ લાખ જેટલી થઈ હોવાનો અંદાજ છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં આ સંખ્યા વીસ કરોડ સુધી પહોંચી જવાની શક્યતા મુકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK