જલનનું જિગર મળે

શાયર જલન માતરીએ દુનિયાની મહેફિલમાંથી વિદાય લીધી.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


તેમનું મૂળ નામ અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન. ૧૯૩૪ની પહેલી સપ્ટેમ્બરથી આરંભાયેલી જીવનસફર ૨૦૧૮ની ૨૫ જાન્યુઆરીએ વિરામ પામી. ‘ઊર્મિની ઓળખ’ અને ‘જલન’ તેમના ગઝલસંગ્રહો. ગુજરાત સરકારે વલી ગુજરાતી ગઝલ અવૉર્ડ આપી તેમની ગઝલસાધનાને બિરદાવી હતી. મુશાયરામાં તેમનું નામ બોલાય અને તાળીઓના સિક્કા પડે. ખુમારી અને ખુદ્દારીથી પોતાની વાતને વહેતી કરનાર આ શાયરે ૮૩ વર્ષે જિંદગીને અલવિદા કરી. તેમના શેરોથી જ જલનાંજલિ આપીએ.

પૂરી શક્યું ના એને કફન આભ એટલે

તારાની લાશ આવીને ધરતી ઉપર પડી

પૂરી શક્યું ના કોઈ પણ, તારા ગયા પછી

મુજને જે ખોટ તારા વગર ઉમ્રભર પડી


હુકમના એક્કાઓ આપણે ધીરે-ધીરે ગુમાવી ચૂક્યા છીએ. હજી દસ મહિના પહેલાં જ ચિનુ મોદીએ મૃત્યુને ઇર્શાદ કરી દીધું. એક સિક્કાની બે બાજુની જેમ જન્મ સાથે મૃત્યુ જોડાયેલું જ છે.   

મોતની જામીનગીરીની છે જરૂરત એટલે

જિંદગાની કેદ છે દુનિયાના કારાગારમાં


જલનસાહેબનો જન્મ ખેડા જિલ્લાના માતર ગામે થયેલો. તેમના પિતા ધર્મગુરુ હતા અને અરબી ભણેલા હતા. ચાર ભાઈઓમાં જલન સૌથી નાના એટલે પિતાનો વિશેષ પ્રેમ પામ્યા. પરિવારમાં સર્જનાત્મક માહોલ હતો એટલે આ સંસ્કાર તેમની કલમમાં ઊતર્યા અને ગઝલના સ્વરૂપમાં ગતિ કરી.

અમારા હાલ પર ઉપહાસ કરનારાને કહી દેજો

વિચારોમાં જમાનાથી છે શાયર બે કદમ આગળ


પ્રત્યેક શાયરને એક વેદના હોય છે. ડગલે ને પગલે જોવા મળતા વિરોધાભાસમાંથી આ વેદના પ્રગટતી હોય છે. જલનસાહેબે ખુદાને ઉદ્દેશીને પોતાનો આક્રોશ ગઝલમાં ઠાલવ્યો. 

નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે

તુજ મેરબાનીના ખુદા આવા પ્રકાર કેમ?

ઈમાનદારી છોડવાનો છે સમય હવે

આવે છે રાત-દી મને આવા વિચાર કેમ?


કારર્કિદીના પ્રારંભના તબક્કામાં તેમણે કન્સ્ટ્રક્શન અને એસ. ટી. વિભાગમાં કામ કર્યું. બન્ને તંત્રમાં ચાલતો ભ્રષ્ટાચાર શાયરને માફક ન આવ્યો એટલે તેમણે પ્રારંભની આ બન્ને નોકરીઓ છોડી હતી. સમાજમાં ચાલતો વિસંવાદ ધર્મના નામે શાયરને ઓર બેચેન કરતો ગયો.   

દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે

કરે છે ધમપછાડા લોક જીવન જીવવા માટે

બધા ઝઘડાની જડ પણ તું જ, જિમ્મેદાર તું ઈશ્વર

તું ધારત તો ન હોતે ધર્મ અહીં એક જ બધા માટે?


સૃષ્ટિનું અફાટ વૈવિધ્ય શું પૂરતું નહોતું કે ધર્મના વૈવિધ્યની જરૂર પડી? આ સવાલ પીડામાંથી જન્મ્યો છે. ધર્મનું કામ જોડવાનું હોય, પણ જ્યારે એક ધર્મ બીજા ધર્મ સાથે બાખડે ત્યારે થાય કે ધર્મગ્રંથોનાં પાનાંમાં ઊધઈ લાગી ગઈ છે. 

એને ખુદા કહીને જગત માનતું રહ્યું

મારા સ્વમાન પર જે પ્રહારો કરી ગયો


જલનસાહેબની ગઝલમાં ખુદા સાથે પ્રેમ અને તિરસ્કારનો સંબંધ રહ્યો છે. કોઈ અંગત સ્વજન સાથે હોય એવી આ કશ્મકશ નિરંતર ચાલે છે અને એ જ સંવાદનું મુખર માધ્યમ બને છે.

હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો

અલ્લાહ હશે તો કોઈ દિવસ કામ આવશે


સર્જકના આક્રોશને એક પાયો હોય છે. સંજોગો, પરિસ્થિતિ, ઘટના-દુઘર્ટનાના આધારે આ પાયો ઘડાય છે.

ઠરેલ આક્રોશને આસ્થામાં વિરમતાં પણ આવડે છે.   

મોડી પડી નથી હજુ સંધ્યા અને ઉષા

તોપણ ઘણા કહે છે કે ઈશ્વર મરી ગયો


ઈશ્વર હોવા છતાં એનો પ્રભાવ વર્તાય નહીં ત્યારે અનેક શંકાઓ પ્રવર્તે. હાથ પર હાથ ધરીને બેઠા રહેવાના બદલે શાયર એક સમાધાન સૂચવે છે.

દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બે ચાર સંખ્યામાં

ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો

જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે


દુ:ખ અને સુખની ગડમથલ યુગો જૂની છે. શરીરની પ્રતિકારક શક્તિ વિકસાવવા રોગ જરૂરી છે. એવી જ રીતે આપણું સામથ્યર્‍ ચકાસવા તમે ઇચ્છો કે ન ઇચ્છો, દુ:ખના ક્લાસ ભરવા જ પડે. સાઇકલ ચલાવતાં શીખીએ ત્યારે પડવું સ્વાભાવિક છે. શીખી ગયા પછી સંતુલન આપોઆપ આવતું જાય. આવી જ કંઈક વાત જલનસાહેબ કરે છે...

ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવાં

જાણે કે એને પકડીને હું પી જનાર છું

એ પણ હતો સમય, હતાં મુજ પર દુ:ખો સવાર

આ પણ સમય છે, પોતે દુ:ખો પર સવાર છું

ક્યા બાત હૈ


મઝહબની એટલે તો ઇમારત બળી નથી

શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી

સારું થયું કે કોઈ મનુજે લખી નથી

ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં

મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી

કેવા શુકનમાં પવર્તેવ આપી હશે વિદાય

નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

કુરઆનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી

હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનોએ કહ્યું

લાગે છે આ રમત કોઈ શયતાનની નથી

ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને

મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી

ઊઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે

એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન

જીવનની ઠેસની તો હજી કળ વળી નથી

- જલન માતરી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK