ઘડિયાળ સાચવતાં આવડ્યું, પણ સમય સાચવતાં ન આવડ્યું

જેમ લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય અને બાકી બધા મેળવણથી થાય એમ આયુર્વેદ દુનિયાના ત્રણ મહારથી વૈદ્ય ચરક, ધન્વંતરી અને પતંજલિ, બાકી બધા મેળવણવાળા.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


આ ત્રણ વૈદ્યોએ કોઈ પણ ખતરાથી ડર્યા વગર જાત પર અખતરા કરી પછી જાહેરનામું પ્રગટ કર્યું કે ભોજન અગાઉ પાણી પીવું ખતરનાક છે, રોગોને આમંત્રણ આપે છે. પણ હે ચરકો, ધન્વંતરિયો, પતંજલિઓ... કેટલીયે વાનગીઓની માત્ર તસવીર જોવાથી અમારી સ્વાદેન્દ્રિય પર જે સર-સર કરતો પાણીનો ફુવારો છૂટે એનું શું કરવું? એ તો પીવું જ પડે. તો એના માટે જવાબદાર કોણ? વાનગી, પરમાત્મા કે અમારું મન?

કેટલાક ફેંકુ ખાઉધરા શૂરવીરો ફેંકતા હોય છે : અમને તો ડાઇનિંગ ટેબલ પર જ જમવાનું ફાવે. પણ હે ટોપેશ્વરો, તમારી સત્તરસો પેઢીથી કોઈ ડાઇનિંગ ટેબલ પર બેઠું છે? ડાઇનિંગ ટેબલ પર તો ભોજન બેઠું છે ને તમે ખુરસી પર બેઠા છો. ત્યારે મારી એવી ખચકે કે ત્રીસ ડુંગળી એકસાથે તેના મોઢામાં ભરાવી દઉં. આવું સામાન્ય જ્ઞાન મારે આપવું પડે એ કેટલી શરમજનક વાત છે!

આઇ નો કે આપણું કામ જન્મ્યા પછી જમ્યા સિવાય કંઈ છે જ નઈ. આમ તો જીવન આખું ભોજન માટે જ છે. વારંવાર આપણો જઠરાગ્નિ પ્રદીપ્ત બને એને ઠારવા વારંવાર ભોજનની આહુતિ આપવી પડે. પણ એ હોજરીમાં રોજ કોને, ક્યારે ને કેટલા પ્રમાણમાં હાજર રાખવા એનો કોઈ કથાકારે પોતાની કથામાં, કોઈ નેતાએ પોતાના ભાષણમાં કે કોઈ વૈદ્યોએ પોતાના ગ્રંથમાં ઉલ્લેખ કર્યો નથી. પરિણામે જિંદગીનું કોઈ પ્રિયજન પાત્ર વિદેશ જતું હોય ને ફરી ક્યારેય મળશે કે નઈ, કદાચ આ તેનું અંતિમ મિલન હોય અને આલિંગન આપે એમ થાળીમાં જે ભોજન પીરસાયું છું એ ફરી મળશે કે નઈ એનું કોઈ પંચાંગ નથી. એટલે જીવનના અંતિમ ભોજનની હોજરીમાં ઠાલવતા ગયા. જેમ સીતાજીએ ધરતીને કીધેલું, હે ધરતીમાતા, મારા માટે જગ્યા કર. પછી ધરતી ફાટી ને ધીરે-ધીરે સીતાજી સમાઈ ગયાં એમ ભોજન સમાવા લાગ્યું. પછી વૈકુંઠ નાનું ને ભગત ઝાઝાની જેમ હોજરી નાની ને વાનગી વધુની જેમ લોકલ ટ્રેનની ભીડની જેમ વાનગીઓથી ઠસાઠસ ભરાઈ ગઈ. જેમ ગમે તેટલી પ્રચંડ ભીડથી ટ્રેનનો ડબ્બો ફાટ્યો નથી એમ હોજરી ક્યારેય ફૂટી નથી. પણ આ વર્તમાન ભોજનનો સ્વાદ ભવિષ્યમાં મોટી વેદના બનશે એ વિચારાઈ ગયું. ને હું નહીં જમું તો આ ભોજનનું શું થશે એવા ચિંતાવાળા ભાવ ચહેરા પર અંકિત થયા. સમોસાં, બટાટા વડાં, પાણીપૂરી, પીત્ઝા, બર્ગર, ગાજરનો હલવો જેવાં દૃશ્યમાન થયાં કે મોઢામાં જીભડી નૃત્ય કરવા લાગી ને મન પરનો કાબૂ ગુમાવ્યો. એ વીસરી જ ગયો હું જે ખાઈ રહ્યો છું એ ભવિષ્યમાં મને ખાઈ જશે. અરે, ખાઈ રહ્યું છે.

જિંદગીભર આપણું મન પેટની લાગીણીઓને સમજી ન શક્યું. ને ધીરે-ધીરે શરીરની પથારી ફરતી ગઈ. પેટ બિચારું મનને કરગરતું રહ્યું કે બસ, હવે બહુ થયું; હવે કંઈ ન આવવા દો, હું ભરાઈ ગયો છું. પણ ના, મન ‘હજી વધુ-હજી વધુ’ની ડિમાન્ડ કરતું જ ગયું. અંતે મનમાં ઊભી થયેલી ભૂખનો ભોગ શરીર બનતું ગયું ને જ્યારે શરીર બગડ્યું ત્યારે મનને ખૂબ પસ્તાવો થયો. અરેરેરે જિંદગીભર આ મનની માગણીના કારણે પેટની લાગણી ન સમજાઈ. પર અબ પછતાએ ક્યા જબ ચિડિયા ચુગ ગઈ ખેત. માય ડિયર, તન ક્યારેય નથી ભરાયું ભોજનથી ને મન ક્યારેય નથી ભરાયું ભૌતિક સુખોથી. તન અને મન બન્ને ભુખ્ખડ છે. જુઓ સમજાવું.

‘અરે જલદી મારી થાળી પીરસજો, મારે હજી બહુ કામ પેન્ડિંગ છે, કાલે વહેલા ઉઘરાણી...’ ચંપકલાલે હાકલ કરી.

‘પપ્પા, થાળી તૈયાર જ છે. તમે આવો એટલે બેસી જઈએ.’ રુચિ બોલી.

જેવી ચંપકલાલે થાળી જોઈ તો ડોળા ફાટી ગયા. થાળીમાં ભોજનની જગ્યાએ બે હજારની-પાંચસોની રંગીન નોટોની કડકડતી થોકડી, ચળકતા સિક્કાઓ અને થોડા દાગીના.

‘આ શું? આ ખાવાની ચીજ છે? શરમ નથી આવતી?’ ચંપકલાલનો ગુસ્સો આસમાને પહોંચ્યો.

‘આવે છે પપ્પા, બહુ શરમ આવે છે, કારણ કે અમે ભૂલી ગયેલા કે તમારી દોડ અને ભૂખ આ માટેની જ છે. અરે સૉરી મૉમ પેલી મૂળ વાનગી તો મૂકવાની રહી જ ગઈ.’ 

અને મમ્મીએ થાળીમાં એક મોબાઇલ મૂક્યો. ‘ચાલો, સ્ટાર્ટ કરો પપ્પા.’

‘રુચિ બેટા, આ શું નાટક છે?’

‘અરે પપ્પા, દસ વર્ષથી તમે નાટક કરો છો. દસ વર્ષથી કહો છો આ વેકેશનમાં બહાર જઈશું. પછી બહાનું કાઢી અમને પટાવો છો. આ દસમાના વેકેશનના દસ દિવસ બાકી છે. તમે ક્યારેય અમારી સાથે શાંતિથી જમ્યા છો? અત્યારે પણ રાતના ૧૨-૩૦ થવા આવ્યા. આજે તમે નઈ, અમે તમારી સાથે જમીએ છીએ. મમ્મીએ તો એક ઊંઘ પણ પૂરી કરી લીધી.’

‘હા પણ બેટા, આ બધું તમારા માટે તો...’

‘હા પપ્પા, પણ તમારી ઑફિસના પટાવાળા અંકલ વર્ષમાં પાંચ દિવસ ફૅમિલી સાથે જતા હોય, તમારા અન્ડરમાં ૨૫૦ વર્કર કામ કરતા હોય અમને બહાર જવાનું મન ન થાય? હું એમ નથી કહેતી કે પાંચ દિવસ તમે અમારા માટે કાઢો. એ તો સપનું છે, પણ ઘરે આવી ક્યારેક મોબાઇલને સાઇડમાં મૂકી પૂછો તો ખરા પરીક્ષામાં કેટલા ટકા આવ્યા? અરે તમારાં મમ્મી-પપ્પા ને અમારાં દાદા-દાદીનો સમય સાચવવા દિન-રાત સેવા કરીએ છીએ. મમ્મીને તાવ આવે છે. કબૂલ કે બધું અમારા માટે ભેગું કરો છો, પણ અમારી સાથે રહેવાનો સમય તો બહુ આગળ નીકળતો જાય છે ને તમે બહુ પાછળ ને દૂર ચાલ્યા જાઓ છો. યુ નો? મમ્મીએ કીધું, પપ્પાને બહુ કામ રહે છે એટલે સમય નથી આપી શકતા. તમારી ફેવર એટલા માટે કરી કે તે મારી મા છે. તે પહેલાં તમારી પત્ની છે. તે એ આશા સાથે જીવી રહી છે કે ક્યારેક તો તમે સમજશો. તમને ઘડિયાળને સાચવતાં આવડ્યું, પણ સમય ન સાચવી શક્યા.’

રુચિ આજે દાવાનળની જેમ ઊકળી હતી. ‘પપ્પા, તમે જમી લો.’ બોલી રુચિ તેની રૂમમાં ચાલી ગઈ.

બીજા દિવસે સવારે ચંપકલાલ વહેલી સવારે કાંપતાં-કાંપતાં બાપુજીને કહ્યું, ‘બાપુજી, તૈયાર થઈ જાઓ.’ રુચિને હગ કરી બોલ્યા, ‘મારી આ દાદી ફરી ગુસ્સો કરશે. યુ નો બાપુજી, જે કામ તમે ન કરી શક્યા એ તમારી લાડકી રુચિએ કરી બતાવ્યું. આજે મારી આંખો ખૂલી. આજે મને ખ્યાલ આવી ગયો કે દીકરી મોટી થઈ ગઈ છે.’

ચંપકલાલ ઍન્ડ ફૅમિલી મજા માણવા બહાર નીકળી ગયું છે. હવે તમારા ઘરમાં કોઈ ચંપકલાલ હોય તો સમજાવશો?

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK