કંઈ જ કહ્યા વિના બસ, વહ્યા કરવાની અવસ્થા

પ્રિય ભગવાન,

joy

ભગવાનને પત્ર - રુચિતા શાહ

બોલતાં આવડે છે એટલે બોલી જ લેવું અને લખતાં આવડે છે એટલે લખી જ લેવું એવો આગ્રહ જરાય જરૂરી નથી. આવો દુરાગ્રહ હંમેશાં સહજ સૌંદર્યને સમાપ્ત કરી નાખતો હોય છે. ક્યારેક જરૂરી હોય છે નિ:શબ્દ અવસ્થા. ક્યારેક અનિવાર્ય હોય છે કંઈ જ ન કહ્યા વિના બસ, વહ્યા કરવાની અવસ્થા. બિલકુલ તમારી જેમ. તમે ક્યાં કઈ બોલો છો... તમારી વાણીને નામે આખું વિશ્વ કંઈ ને કંઈ બોલીને પોતાની પંડિતાઈ દેખાડ્યા કરે છે. પણ તમે? એકદમ મૌન. સાવ નિ:શબ્દ.

તમને ખબર છે, જ્યારે-જ્યારે ખુલ્લા મેદાનમાં મુક્ત રીતે ફેલાયેલા આકાશમાં તમને શોધવાની કોશિશ કરી છે ત્યારે વિશાળ આકાશની પ્રગાઢ શૂન્યતામાં કોઈક ખાસ સંગીતનો અનુભવ મેં કર્યો છે. જાણે તમે કંઈ પણ બોલ્યા વિના કહી ન રહ્યા હો કે જો, જરા જો, આટલી વિશાળતા છતાં શૂન્યતા. આટલો વ્યાપ છતાં કોઈ અહંકાર આકાશને નથી આવ્યો. કંઈ કહ્યા વિના આકાશમાં વ્યાપ્ત થઈને તમે કહી દીધું કે વત્સ, વિશાળતા અને ઉધ્ર્વતામાં હળવાશ હોય, ભાર વિનાની હળવાશ. પણ ત્યારેય તમે કંઈ બોલ્યા નથી પણ છતાં મેં સાંભળ્યું છે. નિ:શબ્દ રહીને પોતાની વાત કહી દેવાની એ નોખી રીતના તમે બેતાજ બાદશાહ બની ગયા છો પ્રભુ.

તમને ખબર છે, જ્યારે-જ્યારે દરિયાકિનારે ગઈ છું અને અસીમ સમંદરની સંગતમાં રહી છું ત્યાં પણ તમારી કેટલીયે વાતો મેં સાંભળી છે. બેશક, તમે બોલ્યા નથી. છતાં કહ્યા વિના કહી દેવાની તમારી સ્ટાઇલ ત્યાં પણ અકબંધ રહી છે. ઘુઘવાટ, તરવરાટ અને ઉત્સાહના અતિરેક સાથે નાના બાળકની જેમ ભેટવા આવતાં પાણીનાં મોજાં વચ્ચે જ્યારે ભીનાશભર્યા પવનનો સ્પર્શ થયો છે ત્યારે એમ જ લાગ્યું છે કે આ અલૌકિક છે કંઈક અને આ અલૌકિકપણું તમારી જ હાજરીનું પ્રતિબિંબ છે. શરીરના પ્રત્યેક અણુને ઝંકૃત કરીને જાણે તમે કહી દીધું હોય કે બેટા, મર્યાદામાં રહેજે; ઉત્સાહના અતિરેકમાં પણ ક્યારેય તારા અસ્તિત્વની ગરિમાને ઠેસ ન પહોંચાડીશ, જે ક્ષણે તારું કતૃર્ત્વ મર્યાદા લાંઘશે એ દિવસે દરિયાની જેમ જ સુનામી લાવશે. તમે કહી દીધું કે માનવ તરીકે તારી તમામ ક્ષમતાઓનો ગેરલાભ નહીં ઉઠાવીશ, તમે કહી દીધું કે તારી સક્ષમતા કોઈની લાચારીનું કારણ ન બને અને તમે કહી દીધું કે તારો આવેશ મર્યાદા લાંઘીને કોઈના હૃદયને વીંધી ન નાખે. આ બધું કહીને પણ તમે હતા તદ્દન નિ:શબ્દ.

તમને ખબર છે, જ્યારે-જ્યારે તમારાં દર્શન માટે કોઈ પહાડ ચડી છું ત્યારે વચ્ચે આવતા પ્રત્યેક વૃક્ષે પોતાની ડાળીઓને હવામાં ઝુલાવીને સ્વાગત કરવાનું અને અભિવાદન કરવાનું કામ કર્યું હોય એવો જ અનુભવ સેંકડો વાર થયો છે. એ નિર્ણય તો આજે પણ નથી લઈ શકાયો કે એ અભિવાદન ખરેખર એ વૃક્ષોનું હતું કે પ્રભુ, તમારું. એ લીલીછમ વનરાઈના માધ્યમે તમે કરેલા સ્વાગતે હૃદયમાં પ્રેમનું ઘોડાપૂર દોડાવ્યું છે અને દરેક વખતે સવાસો શેર લોહી ઉમેરીને યાત્રાના થાકને વરાળ બનાવીને ઉડાવી દીધો છે. જોકે એ સમયે પણ કંઈ બોલ્યા વિના તમે એક વાત કહી છે, ઊંચે ચડીશ એમ થાક લાગશે; પણ એ સ્નેહસભર હશે તો એકેય પ્રવાસ આકરો નહીં રહે. પ્રેમસભર રહીશ તો જે કરીશ એમાં આનંદ ભળશે. ભાર વિનાનું જીવન માત્ર સ્નેહાળ બનીને જ જીવી શકાશે. સાવ અજાણ્યાં વૃક્ષો પણ જો તારા પ્રયાસને આનંદથી વધાવી લેતાં હોય તો એ કરતબ તારે પણ કેળવવું જોઈશે. તમે કહી દીધું કે જ્યાં અસ્તિત્વ ચૂર-ચૂર થશે ત્યાં જ સ્નેહનો વિસ્ફોટ થશે અને પછી તો જિંદગીનાં ગમેએટલાં આકરાં ચડાણ તું પલકવારમાં પાર કરી દઈશ. આટલુંબધું કહ્યું, પણ તમે તો મૌન જ રહ્યા... એટલા જ મૌન અને નિ:શબ્દ જેટલી કોઈ શિખરની ટોચ મૌન છતાં જેટલી બોલકી હોય છે...

ઈશ્વર, તમારી નિ:શબ્દતાની ઈર્ષ્યા મને આવે છે. બક-બક કરનારાઓનો કાફલો સતત ફરતો હોય છે અને છતાંય કંઈ જ મૌલિક કહી શકાય એવું સાંપડતું નથી ત્યારે તમે બોલ્યા વિના આખો ખજાનો સામે મૂકી દો છો. શીખવાના કોઈ ભાર વિના શીખવી દેવાની, જિંદગીના પાઠ ભણાવવાની આ કળા તું અમને શીખવશે એ હવે કહી દે. પ્રભુ, તમારા જેવી જ્ઞાન પીરસવાની રીત જો દુનિયાના તમામ ગુરુઓ અપનાવી લે તો ખરેખર આ જગમાં કોઈ નિરક્ષર રહી જ ન શકે. આજે બસ, મારે પણ કંઈ ખાસ કહેવું નથી બસ, વહ્યા કરવું છે તારી નિ:શબ્દ ભાષાના લય સાથે. તું મને જોયા કર, હું તને જોયા કરું અને એ શૂન્યાવકાશ ક્ષણ વચ્ચે પ્રેમપૂર્ણ ભાવોની એક મીઠી પરંપરા રચીએ આજે...

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK