ચક્રનાં નહાવાના સીનનો પબ્લિસિટીમાં ઉપયોગ કરવાની સ્મિતા પાટીલે ચોખ્ખી ના પાડેલી, પણ...

‘ચક્ર’નાં પોસ્ટર ઠેર-ઠેર લાગ્યાં અને સ્મિતાજીના ગુસ્સાનો પાર નહોતો.

smita

કિનારે-કિનારે - સલિલ દલાલ

તેમને ડિરેક્ટર રવીન્દ્ર ધર્મરાજે સ્ક્રિપ્ટ સંભળાવતાં સમજાવ્યું હતું કે ઝૂંપડપટ્ટીમાં સ્ત્રીઓ ખુલ્લામાં નહાય છે અને લોકો તેમના શરીરને ભુખાળવી નજરે તાકી રહેતા હોય છે એ વાસ્તવિકતા હતી, ત્યાંની મહિલાઓની એ મજબૂરી હોય છે અને એને પરિણામે કશા સ્પર્શ વિનાનો પણ એ એક જાતનો માનસિક અત્યાચાર તેમને સહન કરવો પડતો હોય છે. એ સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી. તેથી સ્મિતા સીન કરવા સંમત થયાં, પણ એક સમજૂતી સાથે કે એ સીનનો પબ્લિસિટીમાં ઉપયોગ નહીં કરાય. કમનસીબે ફિલ્મ પૂરી થતાં સુધીમાં ડિરેક્ટર રવીન્દ્ર ધર્મરાજ અવસાન પામ્યા. રવીન્દ્ર ત્યાં સુધી ઍડ-ફિલ્મો જ બનાવતા હતા. તેમને માટે ફુલ-લેન્ગ્થ પિક્ચર બનાવવાનો એ પ્રથમ અનુભવ હતો. સ્મિતાએ અગાઉ શ્યામ બેનેગલ સાથે કામ કર્યું હતું, જે પણ એ જ ઍડ-ફિલ્મોની દુનિયામાંથી આવ્યા હતા અને અર્થપૂર્ણ કૃતિઓ આપી ચૂક્યા હતા.

પરંતુ સ્મિતાજીને વચન આપનાર રવીન્દ્ર ધર્મરાજ જ દુનિયામાં ન રહ્યા પછી તો આખો મામલો ડિસ્ટ્રિબ્યુટરને હસ્તક પહોંચી ગયો. ત્યાં તો આવો સીન હાથ પર હોય તો પોસ્ટરમાં મૂક્યા વિના કોઈ છોડે કે? સિનેમાના ધંધામાં બે આંખની શરમ ભાગ્યે જ નડે. એ સાવ નાનકડું દૃશ્ય પિક્ચરમાં ઇન્ટરવલ પૂરો થતાં તરત આવે છે અને એથી એની અસર લાંબો સમય નહોતી રહેવાની એટલું જ નહીં, સ્મિતાએ એ અગાઉ પણ ઇન્ટિમેટ કહેવાય એવાં દૃશ્યો કર્યાં જ હતાં. પણ એની મોટા પાયે પબ્લિસિટી કદાચ પહેલી જ વાર થતી હતી. મુંબઈમાં મોટાં-મોટાં હોર્ડિંગ અને પોસ્ટર લાગ્યાં અને દેશભરનાં મૅગેઝિનોમાં આર્ટ- ફિલ્મોના નામે નગ્નતાને પ્રોત્સાહન અપાય છે જેવા વિષયો વિશે પેલો સ્નાન-ફોટો કવર પર મૂકીને ચર્ચાઓ ચાલી. એ અગાઉ રાજ કપૂરની ‘સત્યમ શિવમ સુંદરમ’માં ઝીનત અમાનના દેહનું પ્રદર્શન કરવા બદલ ચાર વર્ષ પહેલાં ટીકાઓ સહન કરનારા કમર્શિયલ સિનેમાને જાણે કે તક મળી ગઈ. સ્મિતા પાટીલ સમાંતર સિનેમાને ફૉર્મ્યુલા ફિલ્મોના રસ્તે લઈ જાય છે કે શું એવા સવાલો થવા માંડ્યા.

એ વાતાવરણમાં ફરિયાદ કરવી તો કોને કરવી? કશું લેખિતમાં હતું નહીં. એ અગાઉની ‘આક્રોશ’ કે ‘ભવની ભવાઈ’ અથવા ‘ગમન’ જેવી ફિલ્મોનું કામ જાણે કે નહાવાના એ સીનમાં વહી જતું હતું. કેટલાક અપવાદને બાદ કરતાં કોઈ ‘ચક્ર’ને એના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા ન માગતું હોય એવો માહોલ હતો. ‘ચક્ર’માં સ્મિતાએ ભજવેલી અમ્માની ભૂમિકાને ઘણાએ ઝૂંપડપટ્ટીની મધર ઇન્ડિયા કહી હતી. એ પાત્રાલેખન મધર ઇન્ડિયામાં માતા રાધા બનતાં નર્ગિસના ઍન્ટિથીસિસ જેવું હતું. પોતાના સંતાન બનવા માટે તમામ બલિદાન આપવા તૈયાર વિધવા અમ્મા દીકરાને કામધંધે લગાડવામાં ઉપયોગી લાગતા લુકા (નસીર) અને પોતાની માલિકીનું ઝૂંપડું કરી આપવા તૈયાર ટ્રક-ડ્રાઇવર અન્ના (કુલભૂષણ ખરબંદા) એમ બબ્બે પુરુષો સાથે નિયમિત શરીરસંબંધ બાંધતાં ખચકાતી નથી. ‘ચક્ર’ના મરાઠી લેખક જયવંત દળવીનું એ ચિત્રણ ૮૦ના દાયકા માટે જ નહીં, આજે પણ સ્ત્રીની પવિત્રતાને તેના શારીરિક સંબંધોથી માપતા સમાજને હચમચાવી નાખી શકે એવું હતું. કોઈએ એ ન જોયું કે ન એ વાતની નોંધ લીધી કે એ જ વર્ષે સ્મિતાએ સત્યજિત રેની ટેલિફિલ્મ ‘સદ્ગતિ’માં પણ કામ કર્યું હતું. છતાં એ વિવાદોને લીધે બૉક્સ-ઑફિસ છલકાઈ ઊઠી એ ચમત્કાર જરૂર થયો.

‘ચક્ર’ની ટિકિટબારીએ સ્મિતાજી માટે કમર્શિયલ સિનેમાનો દરવાજો ખોલી આપ્યો! એ વર્ષ ૧૯૮૧માં સર્જકોને કમાણી કરાવનારી ફિલ્મોમાં ‘ચક્ર’નો સમાવેશ થયો. એ ચમત્કાર સુપરહિટ ફિલ્મોની કેવી ભીડમાં થયો હતો? એ સાલ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મોમાં મનોજકુમારની ‘ક્રાન્તિ’; અમિતાભ બચ્ચનની ‘લાવારિસ’, ‘નસીબ’, ‘યારાના’, ‘કાલિયા’; રાજેશ ખન્નાની ‘કુદરત’, ‘ધનવાન’, ‘દર્દ’, ‘ફિફ્ટી ફિફટી’; કમલ હાસન અને રતિ અગ્નિહોત્રીની ‘એક દૂજે કે લિએ’; કુમાર ગૌરવની પહેલી ફિલ્મ ‘લવ સ્ટોરી’; સંજય દત્તની પ્રથમ ‘રૉકી’; જિતેન્દ્રની ‘એક હી ભૂલ’, ‘મેરી આવાઝ સુનો’, ‘પ્યાસા સાવન’ સહિત ઘણી હતી. એ બધાં ચિત્રોમાં રેખાની ‘ઉમરાવ જાન’ અને સ્મિતા પાટીલની ‘ચક્ર’ એ બે કૃતિઓ એવી હતી જેમાં મહિલા પાત્ર કેન્દ્રમાં હતાં અને બન્નેના કૅશફ્લો માટે એ હિરોઇનોને ક્રેડિટ પણ મળી. ‘ચક્ર’ માટે સ્મિતાજીને ફિલ્મફેર અવૉર્ડ પણ રેખાજીના હસ્તે અપાયો હતો, જે પણ ‘ઉમરાવ જાન’ માટે નૉમિનેટ થયાં હતાં એટલું જ નહીં, સ્મિતા પાટીલના અવસાન પછી ‘વારિસ’ ફિલ્મમાં તેમનું ડબિંગ પણ રેખાએ કરી આપ્યું હતું. ‘ચક્ર’થી સાચા અર્થમાં અભિનેત્રી સ્મિતા પાટીલનો સ્ટાર તરીકે જન્મ થયો એમ કહેવામાં અતિશયોક્તિ નહીં હોય.    

સ્મિતાજી સ્ટાર બનવામાં પોતે કેટલાં રાજી કે નારાજ હશે એ જુદી ચર્ચાનો વિષય થઈ શકે, પરંતુ ‘સ્પર્શ’ સરખી ફિલ્મ ગુમાવવા જેવો અનુભવ હવે નહીં થાય એ સધિયારો ‘ચક્ર’ની આર્થિક સફળતા પછી જરૂર થયો હશે. એના પગલે સ્મિતાજીએ કમર્શિયલ ફિલ્મો માટેનો પોતાનો છોછ ઓછો કરી નાખ્યો અને એનો ખુલાસો એ દિવસોમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ સંભળાય છે. તેમણે પત્રકાર મનોજિત લહિરી સાથેની મુલાકાતમાં આવું કહ્યાનું રેકૉર્ડ પર છે : મને કેટલાક પ્રોજેક્ટ્સમાંથી પડતી મુકાઈ હતી. એ બહુ નાની બાબત હોવા છતાં મને એ ભારે અસર કરી ગઈ. મેં મારી જાતને કહ્યું કે તેં પૈસા કમાવાની ક્યારેય ચિંતા કરી નહીં, નાના સિનેમા પ્રત્યેના તારા કમિટમેન્ટને લીધે તેં મોટી-મોટી કમર્શિયલ ઑફરો ઠુકરાવી, બદલામાં શું મળ્યું? જો તેમને નામ જ જોઈતું હોય તો હવે તું નામ કમાઈને બતાવ...

આ અકળામણ માત્ર સ્મિતાજીની નહીં, નસીરુદ્દીન શાહ અને ઓમ પુરીથી માંડીને સમાંતર સિનેમામાં એ દિવસોમાં કામ કરનારા સૌની હતી. બીજી રીતે જોઈએ તો કોઈ પણ સિસ્ટમ સામે ઊભા થનારાઓને અંતે મોટે ભાગે એ જ વ્યવસ્થાના ભાગ બન્યા વિના છૂટકો નથી હોતો એ વણલખ્યા નિયમનું સ્મિતાજી તાજું ઉદાહરણ માત્ર હતાં (આર્ટ-ફિલ્મોના કલાકારોને દંભી કહેનારા આઇ. એસ. જોહર જેવાઓ એમ સુધ્ધાં કહી ચૂક્યા છે કે એ સૌને પહેલી ફિલ્મમાં ગ્લૅમરસ રોલ કરવા મળે તો કોઈ ગરીબની ભૂમિકા ન કરે).

ગમે તેમ, પણ ‘ચક્ર’થી સ્મિતાજીની કરીઅરનું ચક્કર એવું ચાલ્યું કે સાગર સરહદીની ઑફબીટ ફિલ્મ ‘બાઝાર’ અને સુનીલ દત્તની ‘દર્દ કા રિશ્તા’ તો મળી જ અને સાથે-સાથે રાજકુમાર કોહલીની મલ્ટિસ્ટારર ‘બદલે કી આગ’માં પણ તે આવ્યાં. એ પ્રયોગ બૉક્સ- ઑફિસની રીતે જોકે દઝાડનારો હતો. સ્મિતા પાટીલને મોટા ભાગની કમર્શિયલ ફિલ્મોમાં શોભામાં અભિવૃદ્ધિ કરવા સિવાય અન્ય કશું કરવાનું નહોતું. એ એક જ વર્ષ ૧૯૮૨માં ‘અર્થ’ સહિતનાં દસ ચિત્રો આવ્યાં! જોકે સ્મિતા પાટીલની એન્ટ્રી સ્ટાર-સિસ્ટમમાં થવા છતાં તે ત્યાં કમ્ફર્ટેબલ મહસૂસ નહોતાં કરતાં એ વાતની પુષ્ટિ તેમના ‘નમક હલાલ’ અને ‘શક્તિ’ના હીરો ખુદ અમિતાભ બચ્ચને કરેલી છે. અમિતજીએ કહ્યું છે એ જ સ્મિતા પાટીલનાં મમ્મીએ પણ કહ્યું હતું. વિદ્યાતાઈના જણાવ્યા મુજબ ‘નમક હલાલ’નું ગાયન આજ રપટ જાએં તો હમેં ના ઉઠૈયો...નું શૂટિંગ કર્યા પછી તેમની દીકરી ખૂબ રડી હતી. એ ગાયનના ફોટો પ્રોડ્યુસરે બજારમાં એટલે કે થિયેટરોમાં આગામી આકર્ષણ તરીકે રિલીઝ કર્યા ત્યારે પણ અસલી સ્મિતા ક્યાં છે એવા ર્શીષક સાથેના લેખો ફિલ્મી સામયિકોમાં આવવા માંડ્યા હતા, પરંતુ કમર્શિયલ સિનેમાના નિર્માતાઓ જો સ્ટાર્સ માટે પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકે તો એના બદલામાં ડિમાન્ડ પણ એવી જ ખુલ્લી મૂકતા હોય છે. જેમ કે ‘શક્તિ’ના એક ગાયનમાં અમિતાભ બચ્ચન સાથે ખુલ્લી પીઠે ગરમ ધાબળામાં લપેટાઈને તાપણાને સહારે ગરમાટો લેવાનો હૉટ સીન પણ કરવાનો આવ્યો. એ ગીતના આનંદ બક્ષીએ લખેલા શબ્દો પણ સ્મિતા પાટીલની કરીઅરના એ વળાંકે કેવા સૂચક લાગે છે? જાને કૈસે કબ કહાં ઇકરાર હો ગયા, હમ સોચતે હી રહ ગએ ઔર પ્યાર હો ગયા...

‘શક્તિ’ અને ‘નમક હલાલ’ને સફળતા મળવા છતાં એ અમિતાભ બચ્ચન કે રમેશ સિપ્પીની અથવા તો પ્રકાશ મેહરાની મલ્ટિસ્ટારર ફિલ્મો હતી, પણ પોતે એક હિરોઇન તરીકે હોય અને કોઈ એક જાણીતા સ્ટાર સાથે પોતાની જોડી જામી હોય એવું હજી થતું નહોતું. એવામાં ફિલ્મ મળી ‘ભીગી પલકેં’, જેના હીરો હતા રાજ બબ્બર! જોકે રાજ-સ્મિતાની પ્રથમ રિલીઝ થયેલી ફિલ્મ હતી ‘તઝુર્બા’. પરંતુ બેઉ એકબીજા સાથે પહેલી વાર આમને-સામને થયાં હતાં ‘ભીગી પલકેં’ના નિર્માણ દરમ્યાન. સ્મિતા પાટીલે અંતત: રાજ બબ્બરના સંતાનને જન્મ આપ્યો અને એ ડિલિવરી પછીનાં તબીબી કૉમ્પ્લીકેશન્સમાં અવસાન પામ્યાં એ ખૂબ મોટી ઘટના હતી. એ બન્નેના સંબંધો તથા સ્મિતાની સગર્ભાવસ્થા ફિલ્મી મૅગેઝિનોની હેડલાઇન બન્યા હતા. તેમ છતાં બન્નેના સંવનનકાળની બહુ ઓછી વિગતો હવે ઉપલબ્ધ છે. ઈવન સ્મિતા પાટીલની જીવનકથા આલેખનારાઓએ પણ એ ચૅપ્ટરની ખાસ વિગતો આપી નથી. ત્યારે એ બેઉ પ્રથમ વખત કેવી રીતે મળ્યાં હતાં અને તેમના સંબંધોની શરૂઆત કેવી થઈ હતી એ વિશેના એક દુર્લભ ઇન્ટરવ્યુમાં રાજ બબ્બરે કહ્યું હતું કે અમારી પહેલી મુલાકાત મુંબઈમાં નહોતી થઈ...

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK