વિયેટનામ જવાનો ક્રેઝ કેમ વધી રહ્યો છે?

જેમ કલ્પવૃક્ષ નીચે બેસો અને ઇચ્છો એ બધું જ મળે એવાં જ ફિતરત અને દીદાર છે એશિયા ખંડમાં આવેલા આ નાનકડા પણ અતિશય સુંદર દેશનાં. નેચર અને ઍડ્વેન્ચરના અદ્ભુત સમન્વયથી સુશોભિત એવા વિયેટનામની મુલાકાત શું કામ લેવી જ જોઈએ એ જાણી લો



ચાલો રે ફરવા - રુચિતા શાહ

ફૉરેન ટૂરમાં આજકાલ વિયેટનામ ઘણા ટૂરિસ્ટોના હૉટ-લિસ્ટમાં છે. એશિયાઈ દેશોમાં થાઇલૅન્ડ, સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયાની બોલબાલા રહી છે; પરંતુ છેલ્લા કેટલાક અરસામાં આ તમામ જાણીતી જગ્યાઓ કરતાં આગળ છે વિયેટનામ. છોટા પૅકેટ બડા ધમાકા જેવો આ દેશ છે પણ એવો જ્યાં જવા માટેનાં અઢળક કારણો આ લેખમાં આગળ તમને વાંચવા મળશે. વર્ષો સુધી સતત વૉર-ઝોનમાં રહેલા આ દેશમાં છેલ્લાં ચાલીસ વર્ષથી થોડી શાંતિ છે અને મજાની વાત તો એ છે કે એ લબકારા મારતા સંહારક ઇતિહાસને પણ આ દેશની જનતાએ સાચવી રાખ્યો છે. એ યુદ્ધ જરૂરી હતું વિકાસની દિશામાં આગળ વધવા માટે એ અભિગમ સાથે સતત પરિશ્રમથી આગળ વધી રહેલા આ દેશના લોકો પણ ખરેખર તેમની માતૃભૂમિ જેટલા જ સુંદર અને સોહામણા છે.

કહેવાય છે કે લગભગ ૧૦૦૦ વર્ષ સુધી આ દેશ પર ચીનાઓએ રાજ કર્યું. લગભગ એક સૈકા સુધી ફ્રાન્સના તાબામાં રહ્યું અને દસ વર્ષ અમેરિકાએ એને ગુલામી હેઠળ રાખ્યું. આ દેશની પ્રજામાં ચીનાઓ પ્રત્યેનો આંતરિક દ્રોહ પણ ક્યાંક ડોકાયા કરે છે, જેનો લાભ લેવાની પેરવી અત્યારે અમેરિકાએ કરી છે. એ જ અમેરિકા જેણે કમ્યુનિઝમને કાબૂમાં લેવા માટે વિયેટનામના આંતરયુદ્ધનો લાભ લઈને એમાં ઝંપલાવ્યું. ૧૯૫૫થી લઈને ૧૯૭૫ સુધી ચાલેલા આ યુદ્ધમાં લગભગ ત્રીસ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં લગભગ ૫૮,૦૦૦ અમેરિકન હતા. એ અરસામાં લગભગ અડધોઅડધ ઉત્તર અને દક્ષિણ વિયેટનામના નાગરિકોનો ખાતમો બોલાઈ ગયો હતો. આટલાબધા કારમા ઘા ઝીલનારો આ દેશ એ પછીયે અડીખમ ઊભો છે અને આજે પોતાના સૌંદર્યથી વર્ષોથી હજારો સહેલાણીઓને રીઝવી રહ્યો છે. પર્વતોમાં માઇલો સુધી પ્રસરેલા રાઇસના બગીચા, વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા ટાપુઓ, જંગલો, પ્રાણીસંગ્રહાલયો, યુદ્ધ વખતે દેશે અનેુભવેલા ચિત્કારને સંગ્રહીને ઊભેલાં મ્યુઝિયમો, બૌદ્ધ મંદિરો, સ્તૂપો, અલભ્ય દરિયાકિનારાઓથી છલોછલ છે આ દેશ.

કુદરતી સૌંદર્યનું સુલભ સંતુલન જો કોઈ દેશમાં જળવાયેલું હોય અને એ છતાં ટેક્નૉલૉજીની બાબતમાં પછાત હોવાનો એકેય અનુભવ તમને ન થાય એ આ દેશનું મહત્વનું આકર્ષણ. તમે અત્યાર સુધી કુદરતી સૌંદર્યને લગતાં જેટલાં પણ વૉલપેપર જ્યાં પણ જોયાં હોય એમાંનું લગભગ દરેક દૃશ્ય વિયેટનામમાં તમને રૂબરૂ જોવા મળશે. મોટે ભાગે ટૂરિસ્ટો પોતાના પ્રવાસની શરૂઆત વિયેટનામની રાજધાની હેનોયથી કરતા હોય છે. વર્ષો સુધી સાપા કે હાલૉન્ગ બે નામનાં બે મહત્વનાં ટૂરિસ્ટ આકર્ષણની જગ્યાઓએ જવા માટે હેનોય હૉલ્ટ-પૉઇન્ટ હતું, પરંતુ છેલ્લા કેટલાક અરસામાં આ સ્થળ પણ અતુલ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. સંસ્કૃતિ, ઇતિહાસ અને મૉડર્ન ડેવલપમેન્ટનું અનોખું ફ્યુઝન આ રાજધાની શહેરમાં નજરે પડશે. હાઓ કિમ લેક, ઓપન ઍર મ્યુઝિયમ, એશિયન અને ફ્રેન્ચ આર્કિટેક્ચરની ચાદર ઓઢેલા આ શહેરમાં તમને વિયેટનામે વૉર સમયે જોયેલા વિધ્વંસની અનેક ઝાંકીઓ જોવા મળશે. અહીંનો ગ્રૅન્ડ ઑપેરા, સૅન્ટ કથીડ્રલ ચર્ચ અચાનક તમને યુરોપની યાદ અપાવી દે.

વિયેટનામનું સ્વર્ગ એટલે બીજાં બે સ્થળો, જેનો ઉલ્લેખ આપણે આગળ કરી ચૂક્યા છીએ. હાલૉન્ગ બે અને સાપા. એક પાણી અને બીજો પહાડ. વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામેલો હાલૉન્ગ બે એટલે સી-ગ્રીન રંગના લીલાશવાળા પાણી વચ્ચે પ્રસરેલા ટાપુઓની નગરી. નાના-નાના લાઇમસ્ટોન ખડકો કુદરતી રીતે જ એવા આકારમાં ઢળાઈ ગયા છે કે તમને કોઈ પરીઓની કથા સાંભળતી વખતે કરેલી કલ્પનાઓનું સ્વર્ગ યાદ આવી જાય. એમાં ક્યાંક કુદરતી રીતે બનેલી અનેક ગુફાઓ છે. દરિયામાં તરતા આકર્ષક ખડકોના નગર વચ્ચે લોકો ઓવરનાઇટ ક્રૂઝની મજા માણતા હોય છે. આંખ મીંચીને કલ્પના કરો એ ક્ષણની: ચારેય બાજુ પાણી, લીલુંછમ પાણી, કોઈ આર્ટ-ગૅલેરીમાં મહાન આર્ટિસ્ટ દ્વારા કોતરીને કોઈ અગોચર આકૃતિમાં ઢાળવામાં આવેલા ખડકો, માદકતાથી ભરેલો ઠંડો પવન, આકાશમાં ટમટમતા તારા અને ચંદ્રના મીઠા પ્રકાશનો આછેરો ઉજાસ. કદાચ આ અનૂઠા અનુભવને કારણે જ પ્રવાસીઓ હાલૉન્ગ બેના પ્રેમમાં પડીને ત્યાં જ રહી જવાની તીવþ ઇચ્છા કરી બેસતા હોય છે. આ જ અનુભવને આગળ વધારવો હોય તો સાપા જવાનું. અહીં તમારી શારીરિક ક્ષમતાની પણ નાનીઅમથી કસોટી થઈ જાય જો તમે લગભગ સાડાચાર કલાકનું ટ્રેકિંગ કરો. જોકે આ ટ્રેકિંગ તમારે ચારેય બાજુ ઊભેલા પહાડો અને એના પર સુંદર દૃશ્ય સર્જતી ડાંગરની ખેતીમાંથી નીકળતા નાનકડા રસ્તામાંથી કરવાનું હોય. વચ્ચે નાનાં-નાનાં ગામડાં આવે, ઝરણાં આવે, ખીણો આવે અને સાથે જ સ્થાનિક લોકોના જીવનને નજીકથી જોવાનો લહાવો મળે. જ્યાં ટ્રેકિંગ પૂરું થાય ત્યાં ઘણા સ્થાનિક લોકો સાથે તેમના જ ઘરે રહેવાનો હોમ-સ્ટેનો ઑપ્શન પણ અવેલેબલ હોય.

મધ્ય વિયેટનામમાં પરફ્યુમ નદીના કિનારે આવેલી હુએ નામની અન્ય એક જગ્યા છે, જે વિયેટનામની સોળમી સદીના ઇતિહાસની ઝાંકી પૂરે છે. વિશાળ મહેલો, દીવાલો, મંદિરોનો અનોખો મેળાવડો આ સ્થળે તમને જોવા મળશે. હોઈ આન, હો ચી મિન્હ સિટી જેવાં બીજાં કેટલાંક શહેરો છે જે વિયેટનામના કલ્ચરલ વારસાની શાખ પૂરે છે. બીજું એક મહત્વનું સ્થળ છે મિકોંગ ડેલ્ટા. નારિયેળીથી વ્યાપ્ત ગામડાંઓ અને વર્ષો જૂની પરંપરાઓ સાથે જીવતા અહીંના સ્થાનિક લોકો તમને ઓરિજિનલ અને ઑથેન્ટિક વિયેટનામ કેવું છે, તેમની ખાણીપીણી, રહેણીકરણી એમ બધાંનો જ કમાલનો પરિચય આપશે. આ નાનકડા અમથા દેશમાં કુલ આઠ હેરિટેજ સાઇટ છે. ૨૦૦૦થી વધુ આઇલૅન્ડ છે. નૅશનલ પાર્ક અને રૅર એવી કુદરતી ગુફાઓ છે. વેજિટેરિયન અને નૉન-વેજિટેરિયન એમ બન્નેને અપીલ કરે એવી તેમની મસ્તમજાની ઑથેન્ટિક ખાણીપીણીની વરાઇટી છે. લૅન્ટનïર્ના ઝગમગાટમાં ધમધમતી નાઇટલાઇફ છે. સૌથી મહત્વની વાત એ કે આ એક પૉકેટ- ફ્રેન્ડ્લી દેશ છે. મિનિમમ બજેટમાં મૅક્સિમમ મજા માણી શકાય એ એની લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટવાળી ખૂબી છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ


ક્યારે જવું? : ઑક્ટોબરથી લઈને ફેબ્રુઆરી દરમ્યાન

કરન્સી-રેટ? : આપણા એક રૂપિયા બરાબર વિયેટનામના લગભગ ૩૫૭ ડૉન્ગ થાય. વિયેટનામ કરન્સી વિયેટનામ ડૉન્ગ તરીકે ઓળખાય છે

ખર્ચ કેટલો? : વ્યક્તિદીઠ લગભગ એક લાખ રૂપિયાની આસપાસ

કેટલા દિવસ? : ઓછામાં ઓછા દસ દિવસ

તમને ખબર છે?

ટૂ-વ્હીલર જાણે વિયેટનામનું રાષ્ટ્રીય વાહન હોય એ રીતે આ પ્રજા એનો ઉપયોગ કરે છે. રોજનાં એક કરોડથી વધુ સ્કૂટર વિયેટનામની સડકો પર દોડતાં હોય છે. વિયેટનામમાં દર આઠમાંથી એક વ્યક્તિ પાસે બાઇક છે. ૯૦ ટકા પબ્લિક માટે ટૂ- વ્હીલર છે અને માત્ર પાંચ ટકા લોકો જ ફોર-વ્હીલર ધરાવે છે.

વિયેટનામમાં લોકો ડુક્કરને પોતાના પાળતુ પ્રાણી તરીકે ઘરમાં રાખતા હોય છે.

કાજુ અને મરીની નિકાસમાં વિયેટનામ વિશ્વમાં પહેલા ક્રમે અને ચોખાની નિકાસમાં બીજા ક્રમે છે.

સ્નેક વાઇન વિયેટનામની સ્પેશ્યલિટી છે. ચોખામાંથી બનેલા વાઇનની બૉટલમાં ઝેરી કોબ્રાને ભરી રાખવામાં આવે છે. કેમિકલ પ્રોસેસથી ઝેરની ઘાતકતા નિãષ્ક્રય કરીને ખૂબ રસપૂર્વક આ વાઇનપાન કરવામાં આવે છે. મહેમાનો સમક્ષ પોતાનો ઠસ્સો દેખાડવા માટે તો ખાસ આ વાઇન પીરસવાની પરંપરા છે અને એનાથી રોગો છેટા રહે એવી માન્યતા પણ છે.

વિયેટનામના લોકો છ પ્રકારના ટોનમાં વાત કરે છે. જુદા ટોનનો મતલબ જુદો.

national


ફૉન્ગ ના કી બૅન્ગ નૅશનલ પાર્ક : આ માત્ર નૅશનલ પાર્ક નથી, એક અનોખી દુનિયા છે. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતા આ સ્થળે લગભગ ૩૦૦ જેટલી ગુફાઓ છે. વિશ્વની સૌથી મોટી ગુફા હંગ સન ડુંગ કેવ પણ અહીં છે જે ૭૦ કિલોમીટર લાંબી છે. કુદરતી વૈભવથી તરબતર એવા ૨૦૦૦ કિલોમીટરના આ વિસ્તારમાં અનેક લુપ્ત થતાં પશુપક્ષીઓ વસવાટ કરી રહ્યાં છે.

halong


હાલૉન્ગ બે : વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી આ જગ્યા છે વિયેટનામને કુદરતે આપેલી ભેટ. ઉત્તર વિયેટનામમાં આવેલા આ સ્થળે લગભગ બે હજાર જેટલા લાઇમસ્ટોનના ટાપુઓ છે. કોઈ નખશિખ કલાકારના હાથે અગમ આકારની ખડકોની નગરી અને લીલાશ પડતા દરિયાના પાણીમાં બે દિવસની ક્રૂઝ-ટૂરનો અનુભવ શબ્દોમાં સમજાવી નહીં શકાય. જોકે આ ટૂર દરમ્યાન તમને તરતાં ગામડાંઓ પણ જોવા મળશે.

ci chu


ચુ ચી ટનલ્સ : હો ચી મિન્હ શહેરમાં આવેલા વૉર-મ્યુઝિયમની અંદર ૧૨૦ કિલોમીટરની અન્ડરગ્રાઉન્ડ ટનલ જોવી પણ એક અલગ અનુભવ બની રહેશે. ટનલની અંદર દરવાજા, લિવિંગ એરિયા, હૉસ્પિટલ અને કમાન્ડ-સેન્ટર જેવી સંરચના કાબિલેદાદ છે.

mekon


ધ મેકૉન્ગ ડેલ્ટા : સાઉથ વિયેટનામમાં આવેલા આ સ્થળે નદી દરિયામાં ભળે છે અને અનોખી બોટિંગ-રાઇડ કુદરતી ઍડ્વેન્ચર બની શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK