ચેરી બ્લૉસમ સીઝન, ટેક્નૉલૉજીનો તરખાટ ને હા, ત્યાંનાં ટૉઇલેટ્સ પણ

કેમ જપાન?ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

આ સવાલના બે જવાબ હતા - એક જતાં પહેલાંનો જવાબ અને બીજો જઈ આવ્યા પછીનો.

જતાં પહેલાંનાં કારણો આપણે ગયા રવિવારે જાણ્યાં, આજે વારો જઈ આવ્યા પછીનાં કારણોનો.

અપેક્ષા પ્રમાણે જપાન એવો જ વિસ્મયભર્યો પ્રદેશ નીકળ્યો જેવી મેં એના વિશે કલ્પના કરેલી.

આ રહ્યાં જપાન જવાનાં કેટલાંક પૉપ્યુલર કારણો...

જપાન બ્યુટિફુલ છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી.

cherry4

હોર્ડિંગ્સ, બસ, ટૅક્સી - બધે ઍનિમે કૅરૅક્ટર્સની બોલબાલા.

cherry1

ઓસાકાનું ગેટ ટાવર બિલ્ડિંગ, જેના પાંચમા માળમાંથી હાઇવે પસાર થાય છે.

cherry2

ટોક્યોની રોબો રેસ્ટોરાંનું મેકૅનિક્લ એન્ટરટેઇનમેન્ટ.

cherry3

બહુમાળી માંગા અને ઍનિમે લાઇબ્રેરીઓ.


જપાનમાં વસંત ઋતુમાં વૃક્ષો પર છવાઈ જતાં ચેરી બ્લૉસમ ફૂલો આખા દેશને રમણીય બનાવી દે છે. કઠણમાં કઠણ કાળજાનો માણસ પણ આ ઋતુએ બિછાવેલી નજાકતને પગલે પીગળી જાય એની ગૅરન્ટી.

આ દેશ પરંપરા અને આધુનિકતાના તંગ દોર પર એટલી અદ્ભુત રીતે ચાલે છે કે આપણને એક જ પ્રદેશના આ અનોખા સમન્વય વિશે વિસ્મય થયા વિના ન રહે.

ધર્મની વાત કરીએ તો શિન્તો, બુદ્ધિસ્ટ અને ક્રિશ્ચિયન ધર્મો એકબીજામાં એવાં ભળી ગયાં છે કે ખબર જ ન પડે કે ક્યાં એક પૂરો થાય અને બીજો શરૂ થાય. એક પ્રસિદ્ધ કહેવત છે કે જૅપનીઝ વ્યક્તિ જન્મે ત્યારે શિન્તો વિધિઓ થાય છે, પરણે ત્યારે ક્રિશ્ચિયન વિધિઓ થાય છે અને તેને દફનાવવામાં આવે ત્યારે બુદ્ધિસ્ટ વિધિઓ કરવામાં આવે છે.

જપાનમાં મશીનનું રાજ છે. તમે કલ્પના ન કરી શકો એવાં ગૅજેટ્સ તમે કલ્પના ન કરી શકો એવાં કાર્યો કરે છે. ત્યાં એવી હોટેલો છે જે સંપૂર્ણપણે રોબો દ્વારા ચાલે છે. ટોક્યોમાં અખિયાબારા નામનો એક વિસ્તાર છે એ ઇલેક્ટ્રૉનિક્સ ટાઉન કહેવાય છે, કારણ કે ત્યાં અજબગજબનાં ગૅજેટ્સ મળે છે.

જપાનમાં ટેક્નૉલૉજીનું એ હદે રાજ છે કે એક ગગનચુંબી બિલ્ડિંગના પાંચમા માળમાંથી રીતસરનો એક્સપ્રેસવે પસાર થાય છે. ત્યાં એવી ટનલો છે જે પહાડોની વચ્ચેથી નહીં પણ પહાડોમાં ઉપર અને નીચે લઈ જાય છે.

cherry

રીતસર આખો દેશ જાતજાતનાં કૅરૅક્ટર્સનો દીવાનો છે. ડોરેમૉન, શિનચૅન, હેલો કિટી અને બીજાં સેંકડો-હજારો કાલ્પનિક કૅરૅક્ટર્સનું જન્મસ્થાન છે જપાન. મને લાગે છે કે જપાની લોકોને કૅરૅક્ટર્સ પ્રત્યેના તેમના વળગણને પગલે પોતાનું બાળપણ એક્સટેન્ડ કરવાનું ગમે છે. ફક્ત બાળકો કે યુવાનો કે લવ-બડ્ર્સમાં જ નહીં; બિઝનેસમાં, સામાજિક જીવનમાં અને સરકારી ખાતાંઓમાં પણ કૅરૅક્ટર્સ અને પ્રતીકોની બોલબાલા છે. દરેક નાના-મોટા ટાઉનનું પોતાનું કૅરૅક્ટર કે પ્રતીક હોય છે અને આખા નગરમાં ઠેકઠેકાણે તમને એની હાજરી વર્તાય. જે-તે ટાઉનમાં બનતી ચૉક્લેટ્સ અને મીઠાઈઓમાં પણ એ ટાઉનના કૅરૅક્ટરની હાજરી હોય. તાકાયામા નામના નાનકડા ક્યુટ ટાઉનમાં તો એક ટેડી બેઅર મ્યુઝિયમ પણ છે.

કૉમિક્સની શૈલીમાં, ગ્રાફિક્સ સાથેની સ્ટોરીનો પ્રકાર આપવા બદલ આખા જગતના યુવાનો જપાનના આભારી છે - કૉમિક્સની આ સ્ટાઇલને માંગા કહેવાય છે. આ માંગા કૉમિક્સ પરથી ઍનિમેશન શોઝ બન્યા જે ખૂબ પૉપ્યુલર થયા. ઍનિમે કૅરૅક્ટર્સ તરીકે ઓળખાતાં એનાં પાત્રોનો ક્રેઝ એટલો ફેલાયો કે ન પૂછો વાત - સુપરસ્ટાર ઍક્ટરો કે રમતવીરોની લોકપ્રિયતા પણ કેટલાંક ઍનિમે કૅરૅક્ટર્સ સામે ઝાંખી પડે. જપાનમાં ઠેકઠેકાણે માંગા કૅફે, ઍનિમે મ્યુઝિયમ, બહુમાળી માંગા અને ઍનિમે લાઇબ્રેરીઓ છે.

આ લિસ્ટ હજી ઘણું લાંબું થઈ શકે એમ છે, પણ આપણે જપાનનાં ટૉઇલેટ્સની વાત સાથે એના પર પૂર્ણવિરામ મૂકીએ. યસ, તમે બરાબર વાંચ્યું - જપાનનાં ટૉઇલેટ્સની વાત કરીએ. જપાનનાં ટૉઇલેટ્સની વાત જ નિરાળી છે - ત્યાંની જોવા જેવી ચીજોમાં એનું નામ ઍક્ચ્યુઅલી તો પહેલું આવવું જોઈએ. માણસની રોજિંદી જિંદગીની સૌથી મૂળભૂત ક્રિયા માટે પણ અહીં જે ધ્યાન આપવામાં આવ્યું છે એ જોઈને મોઢામાં આંગળાં નાખી જવાય. એટલે જ આગામી પ્રકરણોમાં જૅપનીઝ ટૉઇલેટ્સ વિશે વિગતવાર વાત કરીશું.

વેલ, આ રહ્યાં જપાન જવાનાં કારણો, પણ હું કહીશ કે માત્ર આ કારણોસર જપાન ન જાઓ. આ બધાં તો આંખોનાં આકર્ષણો છે.

ટૂરિસ્ટોને આકર્ષિત કરતી કોઈ ઍડમાં કે માર્કેટિંગ કરતી કોઈ ફિલ્મમાં જપાન જવા માટેના જે મુખ્ય કારણનો ઉલ્લેખ જોવા નહીં મïળે એ છે આ દેશનો આત્મા.

શું છે જપાનનો આત્મા?

એના વિશે જાણીશું આવતા રવિવારે.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK