આપણાં શાસ્ત્રો ફક્ત મનની શાંતિ માટે નથી, વ્યવહારમાં અમલી બનાવાય એવાં પણ છે

વસવાટના સ્થળે કોઈ શત્રુ કે રાજા હેરાન કરતો હોય અથવા ખરાબ સમય ચાલી રહ્યો હોય અને એને લીધે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પછી પોતાના પ્રાણનો નાશ થવાનું જોખમ હોય એવા સ્થળનો સત્સંગી ગૃહસ્થે તરત જ ત્યાગ કરી દેવો.લક્ષ્મી ચંચળ છે કે આપણે? - ગૌરવ મશરૂવાળા

 એ સ્થળ પોતાના મૂળ ગરાસનું હોય કે વતનનું હોય તો પણ વિવેકબુદ્ધિ વાપરીને ગૃહસ્થે ત્યાંથી નીકળી જવું અને એવા દેશ કે પ્રદેશમાં જવું જ્યાં સુખેથી રહી શકાતું હોય. શિક્ષાપત્રીના ૧૫૩મા અને ૧૫૪મા શ્લોકનો આ સાર છે.

આ શ્લોક પરથી ‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મ યાદ આવે છે. ભારતના ભાગલા વખતે મિલ્ખાના પરિવારે પાકિસ્તાનના ભાગે આવેલા વિસ્તારમાં રહેવાનું પસંદ કર્યું અને મિલ્ખાનાં બહેન-બનેવી તથા જે લોકો ત્યાંથી નીકળી ગયા એ બધા ભારતમાં આવીને બચી ગયા. ૧૯૭૨માં યુગાન્ડાથી યુનાઇટેડ કિંગડમમાં સ્થળાંતર કરી ગયેલા મૂળ ભારતીય પરિવારોના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું.

ઉપરોક્ત બન્ને કિસ્સાઓમાં કારણ રાજકીય પરિસ્થિતિનું હતું. આમ એ ઘટનાઓ માનવસર્જિત હતી. કેટલીક વાર કોઈક કુદરતી આફત આવવાનું જોખમ હોય અથવા તો આફત આવી રહી હોય એવા સમયે પણ લોકોએ સ્થળાંતર કરી લેવું જરૂરી બને છે.

ગુજરાતમાં સરદાર સરોવર બંધ બંધાતી વખતે ઘણા ગ્રામવાસીઓ પાણીને કારણે સર્જા‍નારી આફતનો તાગ પામીને વતન છોડીને બીજે જતા રહ્યા હતા.

સ્થળાંતર કાયમી કે કામચલાઉ હોઈ શકે છે.

જે. પી. દત્તાની ફિલ્મ ‘બૉર્ડર’માં પાકિસ્તાની હુમલાથી તારાજ થવાનું જોખમ ધરાવતા વિસ્તારમાંથી ગ્રામવાસીઓને દૂર મોકલી દેવાયા હતા, જેથી જાનહાનિ ન થાય. આ સ્થળાંતર કામચલાઉ સ્વરૂપનું કહેવાય.

આ બધાં શિક્ષાપત્રીમાં કહેલી વાતને લાગુ પડતાં ઉદાહરણો છે. જ્યાં માનવસર્જિત કે કુદરતી આપદાઓ હોય ત્યાંથી પોતાના પરિવાર સાથે તથા સંપત્તિ સાથે સ્થળાંતર કરી લેવું જોઈએ.

આ તો મારું જન્મસ્થળ છે, હું અહીંથી ક્યાંય જઈશ નહીં એવી જીદ કરીને સ્થળાંતર કરવાનું ટાળવાની માનસિકતા પણ જોવા મળી શકે છે. આથી જ શિક્ષાપત્રીમાં બોધ આપવામાં આવ્યો છે કે પોતાના જન્મસ્થળની કે વતનની પ્રીત છોડીને પણ બીજે ચાલ્યા જવું જરૂરી છે. એવા સમયે લાગણીશીલ બનવાને બદલે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનું કહેવામાંઆવ્યું છે.

આપણે યાદ રાખવું જોઈએ કે મોટા ભાગની મનુષ્યજાતિઓ પહેલેથી ભટકતી જાતિઓ જ રહી છે. આપણા પૂર્વજો મધ્ય એશિયાથી આવ્યા હતા. પારસીઓ છેક ઈરાનથી ગુજરાતના સંજાણમાં આવીને વસ્યા હતા. આર્યો અને મુગલો પણ બીજેથી જ આવ્યા હતા. ફક્ત ભારતમાં આવું થયું છે એમ નથી. અમેરિકા તો આખેઆખું વસાહતીઓથી જ ભરેલું છે. મૂળ અમેરિકન લોકો તો ઘણા ઓછા છે.

આપણા વડવાઓએ પોતપોતાનું જન્મસ્થળ છોડીને સ્થળાંતર કર્યું એનાં ફળ આજે આપણે ચાખી રહ્યા છીએ.

શિક્ષાપત્રીની આ બાબત નાણાકીય ક્ષેત્રે કઈ રીતે લાગુ પડે છે એ હવે જોઈએ. ફાઇનૅન્શ્યલ પ્લાનરો હંમેશાં કન્ટિન્જન્સી ફન્ડ રાખવાનું કહેતા હોય છે. તાકીદના સમયે કામ આવે એવું આ ભંડોળ હોય છે. આપણે પહેલેથી નક્કી કરીને કે પછી અચાનક સ્થળાંતર કરી જવું હોય ત્યારે રોજિંદા ખર્ચ પૂરા કરવા માટે એ રકમ ઉપયોગી થાય છે.

સામાન્ય રીતે ત્રણથી પાંચ મહિનાનો ઘરખર્ચ નીકળી જાય એટલું ભંડોળ રાખવાની ભલામણ કરવામાં આવે છે. કોઈ પણ આફતને પહોંચી વળવા કે એમાંથી કળ વળવા માટે ૯૦ દિવસનો સમય પૂરતો હોય છે.

અંગ્રેજીમાં કહેવત છે કે ટાઇમ ઇઝ ધ ગ્રેટ હીલર અર્થાત્ સમય જતાં ઘા રુઝાઈ જાય છે. કોઈ પણ મોટી દુર્ઘટના બને ત્યારે તત્કાળ વ્યવહારુ નિર્ણય લઈ નથી શકાતા. ૯૦ દિવસની અંદર કળ વળે પછી માણસ વ્યવહારુ-તર્કબદ્ધ નિર્ણય લેવાની સ્થિતિમાં આવી જાય છે.

તાકીદના ભંડોળમાં ઘરમાં એક અઠવાડિયું ચાલે એટલી રોકડ રાખવી અને બાકીની રકમ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે સંકળાયેલા સેવિંગ્સ બૅન્ક-અકાઉન્ટમાં રાખવી. આ પૈસા સહેલાઈથી મળી શકવા જોઈએ. પરિવારના સભ્યોને ATM કે ડેબિટ કાર્ડની સુવિધાની જાણ હોવી જોઈએ તથા તેમને એનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ.

ઘણા લોકોને રિયલ એસ્ટેટ પ્રત્યે ઘણી પ્રીતિ હોય છે. અહીં એ યાદ રાખવું કે રિયલ એસ્ટેટ સ્થાયી સંપત્તિ છે. વખાના માર્યા બીજે ક્યાંય જવું પડે તો રિયલ એસ્ટેટ સાથે લઈને જવાનું શક્ય હોતું નથી. આથી ફક્ત રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા જવાનું હિતાવહ નથી. અલગ-અલગ પ્રકારની ઍસેટ્સમાં રોકાણ કરવાની સલાહ આપવા પાછળનું આ પણ એક કારણ છે.

કપરો સમય દરેક મનુષ્યના જીવનમાં આવતો જ હોય છે. એવા વખતે માણસ લાગણીઓમાં તણાઈ જાય છે. આથી જ શાસ્ત્રોમાં કહેલી વાતને ધ્યાનમાં લઈને આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. આપણાં શાસ્ત્રો ફક્ત મનની શાંતિ માટે નથી, વ્યવહારમાં અમલી બનાવાય એવાં પણ છે. ઉક્ત શ્લોક દ્વારા શિક્ષાપત્રી સર સલામત તો પગડી હઝારનો બોધ આપે છે.

(લેખક વિખ્યાત ફાઇનૅન્શિયલ પ્લાનર છે અને તેમણે ‘યોગિક વેલ્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK