એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૨૩

‘મને એક વાતનો જવાબ આપો.’નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય


 અભિષેક ઝવેરીએ ડૉ. પ્રણવ મજીઠિયાને પૂછ્યું હતું, ‘તમે તમારી પ્રતિષ્ઠા બચાવવા માટે તમારી પત્નીનો સાથ આપવા માગો છો કે પછી તમને એવો દૃઢ વિશ્વાસ છે કે તમારી પત્ની ખૂન ન કરી શકે.’

પ્રણવ ક્ષણેક માટે વિચારતો રહ્યો. તેણે ન્યાયાધીશ સામે જોઈને જવાબ આપ્યો, ‘મિલૉર્ડ, મને ગળા સુધીનો વિશ્વાસ છે કે જાહ્નવી મારી માનું તો શું કોઈનુંય ખૂન કરી ન શકે.’

અભિષેક ઝવેરી ઝનૂનમાં આવી ગયો. તેણે પૂછ્યું, ‘અડધી રાત્રે એક પુરુષ તમારા ઘરમાં છે. તમારી પત્ની પોતે સ્વીકારે છે કે તે તમારાં મમ્મીનું શબ જોઈને તમારાં પત્નીને એકલાં મૂકીને ભાગી ગયો એમ છતાં તમે...’

અભિષેકનું વાક્ય પૂરું થાય એ પહેલાં પ્રણવે કહ્યું, ‘મિલૉર્ડ, હું એક ડૉક્ટર છું. અમે જ્યારે પેશન્ટને કૅન્સર ડિટેક્ટ કરીએ ત્યારે તેને અને તેના પરિવારને જણાવવાનું કામ સૌથી અઘરું હોય છે.’

‘એને આ વાત સાથે શું નિસબત છે?’ અભિષેક જરા ઉતાવળો થઈ ગયો, ‘હું તમારાં મધરના...’

અભિષેકનું વાક્ય ફરી અડધેથી કાપીને પ્રણવે કહ્યું, ‘હું એ વાત પર આવું છું. વ્યક્તિને તેના મૃત્યુ વિશે જણાવીએ ત્યારે બે રીઍક્શન હોય. કાં તો તે ડિનાયલ સ્ટેટમાં આવી જાય અને કાં તો જીવી લેવા માટે મરણિયો થઈ જાય.’

અભિષેક વચ્ચે કંઈ બોલવા જતો હતો, પરંતુ ન્યાયાધીશે હાથ ઊંચો કરીને તેને રોક્યો. તેમણે ઇશારાથી જ પ્રણવને પોતાની વાત આગળ કહેવાની સૂચના આપી, ‘શરણ શ્રીવાસ્તવ રાતના મારા ઘરે હતા એ અમારી અંગત બાબત છે.’

છેલ્લી ઘડી સુધી અપસેટ અને ગૂંચવાયેલા લાગતા પ્રણવને આટલી સ્પષ્ટતાથી જવાબ આપતો જોઈને સોહમને રાહત થઈ. તેની સામે જોવાનું ટાળી રહેલી જાહ્નવીએ એક વાર ઊંચું જોયું ત્યારે તેની આંખમાં પ્રણવ માટેનું ભારોભાર સન્માન છલકાયું. શરણ શ્રીવાસ્તવે સાક્ષીના કઠેડામાં ઊભેલા પ્રણવ સામે જોયું ખરું, પણ પ્રણવે તેની સામે જોવાનું ટાળ્યું, ‘મારી માનું મૃત્યુ ન થયું હોત તો શરણ શ્રીવાસ્તવ મારા ઘરમાં હતા કે નહીં એ વિશે ચર્ચા કરવાનું કોઈ કારણ નહોતું. મારી પત્ની તેની સાથે અડધી રાત્રે શું કરતી હતી એ સવાલ પૂછવાનો અધિકાર મારા સિવાય કોઈને નથી.’ પ્રણવે કહ્યું. તેની આંખોમાં વારંવાર મોત જોઈ ચૂકેલા એક ડૉક્ટરનો આત્મવિશ્વાસ અને દૃઢતા દેખાતાં હતાં, ‘બદનસીબ વાત એ છે કે મારી માનું ખૂન થયું. ૭૮ વર્ષની તે સ્ત્રી બે-ચાર-પાંચ વર્ષમાં મૃત્યુ પામી જ હોત. અભિષેક ઝવેરીએ પૂછ્યું કે પેશન્ટના કૅન્સર નિદાન સાથે આ વાતને શું સંબંધ છે? હું સમજાવું છું. અમને મારી માના મૃત્યુથી આઘાત ન લાગ્યો હોત, પરંતુ મારી માનું લોહીમાં લથપથ શરીર જોયું હશે ને ત્યારે મારી પત્ની ડિનાયલ સ્ટેટમાં આવી ગઈ હશે. તેને લાગ્યું હશે કે ચપ્પુના બે-ચાર ઘા મારી દેવાથી વીરબાળા મજીઠિયા મૃત્યુ નહીં પામ્યાં હોય.’ અભિષેક કંઈ બોલવા જતો હતો, પરંતુ પ્રણવે તેને રોક્યો, ‘જાહ્નવીની જગ્યાએ કોઈ પણ હોત તો તેણે આવી જ રિફ્લેક્સ ઍક્શન લીધી હોત. ડૉક્ટર આવે, પાડોશી આવે કે પોલીસ આવે તો શરણ ત્યાં ન હોવો જોઈએ એ વિચાર સ્વાભાવિક છે. મને એમાં કંઈ નવાઈ નથી લાગતી ને બીજી મહત્વની વાત, આ કોર્ટ પુરાવા પર ભરોસો કરશે... પુરાવા કદાચ મારી પત્નીની વિરુદ્ધમાં પણ હોય. આપ શું જજમેન્ટ આપો છો એની સાથે મારા વિશ્વાસને બહુ નિસબત નથી મિલૉર્ડ.’ પ્રણવ જ્યારે કહી રહ્યો હતો ત્યારે તેની આંખોમાં એની સચ્ચાઈ એટલી તો તેજસ્વી દેખાતી હતી કે આ કેસ સાંભળવા બેઠેલા બધા જ એક વાર ભીતરથી હચમચી ગયા. પ્રણવે કહ્યું, ‘જગતના કોઈ પણ આરોપો કે પુરાવા મારી પત્ની સાથેના મારા હૃદયના સંબંધથી વધુ નથી. મારા માટે મારા હૃદયમાંથી આવતો અવાજ અને મારી પત્ની જાહ્નવી સાથે જિવાયેલાં મારાં ત્રણ વર્ષ અહીં ચાલતી દલીલો અને રજૂ થનારા પુરાવા કરતાં વધુ મહત્વનાં છે એટલું તો હું આપની સમક્ષ જરૂર કહીશ મિલૉર્ડ.’ કહેતાં-કહેતાં પ્રણવની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, ‘હું જાહ્નવીને પ્રેમ કરીને પરણ્યો છું. જાહ્નવી નહીં મળે તો જીવી નહીં શકું એવું લાગ્યું હતું એક સમયે.’ તેણે ગળું ખોંખારીને આંસુને પાછાં ધકેલ્યાં અને પછી કહ્યું, ‘હું કોર્ટનો સમય બગાડવા નથી માગતો, પરંતુ મને પુછાયેલા પ્રશ્નના જવાબમાં એટલું ચોક્કસ કહીશ કે હું મારી પત્ની જાહ્નવીને નિર્દોષ માનું છું. હું જીવિત હોઈશ ત્યાં સુધી તેને નિર્દોષ જ માનીશ. સુપ્રીમ કોર્ટ તેને ગુનેગાર ઠેરવે તો પણ...’ પ્રણવે ઊંડો શ્વાસ લઈને છેલ્લું વાક્ય કહ્યું, ‘જેમ સ્ત્રી પુરુષનું પડખું સેવે એ પછી પોતાના પુરુષને નખશિખ ઓળખે છે એમ પુરુષ પણ પોતાની પત્નીને, પ્રેમિકાને છઠ્ઠી ઇન્દ્રિયથી ઓળખતો હોય છે. મારી સિક્સ્થ સેન્સ અને ગટ ફીલિંગ કહે છે કે આ ખૂન જાહ્નવીએ નથી કર્યું. થૅન્ક યુ મિલૉર્ડ. મને સાંભળવા બદલ આભાર.’ પ્રણવે બે હાથ જોડીને નમ્રતા અને આદરથી આભાર માન્યો.

ઊંચી ખુરસીમાં બેઠેલા ન્યાયાધીશે ડોકું નમાવીને પ્રણવનો આદર સ્વીકાર્યો, ‘ડૉ. પ્રણવ, હું તમારી લાગણીની કદર કરું છું. વચન આપું છું કે હું તમારી રીતે વિચારવાનો પ્રયત્ન પણ કરી જોઈશ. કેટલીક વાર એવું બનતું હોય છે કે આપણી નજર સામે દેખાતા પુરાવા આપણને છેતરતા હોય. ભારતનું બંધારણ કહે છે કે ભલે સો ગુનેગાર છટકી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. હું આ વાત પૂરેપૂરી ધ્યાનમાં રાખીશ એવું વચન આપું છું.’

ન્યાયાધીશની આ વાત સાંભળીને સૌથી પહેલાં શરણ શ્રીવાસ્તવે તાળી પાડી. તેની તાળી સાંભળીને કેસ સાંભળવા આવેલા બધા લોકોએ તાળીઓ પાડી. વાતાવરણ ઇમોશનલ થઈ ગયું. સોહમે પ્રણવ સામે જોઈને એક અંગૂઠો ઊંચો કરીને તેની આ વાત બદલ તેને બિરદાવ્યો.

પ્રણવ ચૂપચાપ પોતાની ખુરસીમાં જઈને બેસી ગયો. જાહ્નવીની આંખોમાં શ્રદ્ધાના દીવા ઝળહળવા લાગ્યા. તે કંઈ બોલી નહીં, પણ આ આખાય કેસમાં પ્રણવના સ્ટેટમેન્ટથી એક નવો જ વળાંક આવી ગયો એટલું તો સૌને સમજાયું.

આ બધું કહ્યા છતાં જ્યારે ન્યાયાધીશે જાહ્નવીની કસ્ટડી પોલીસને સોંપી દીધી ત્યારે પ્રણવ નિરાશ થઈ ગયો. તેનો ચહેરો સાવ નિસ્તેજ થઈ ગયો. ચુકાદો સાંભળ્યા પછી સૌ ધીમે-ધીમે કોર્ટરૂમમાંથી બહાર નીકળવા લાગ્યા, પરંતુ પ્રણવ પોતાની ખુરસી પર બન્ને હથેળીમાં પોતાનો ચહેરો છુપાવીને બેસી રહ્યો. આખો કોર્ટરૂમ ખાલી થઈ ગયો એ પછી સોહમે ધીમેથી પ્રણવના ખભે હાથ મૂકીને કહ્યું, ‘ચાલ! ઊભો થા પ્રણવ.’

પ્રણવે પોતાના ચહેરા પરથી બન્ને હથેળીઓ હટાવી. તેણે સોહમ તરફ જોયું, ‘હવે?’ પ્રણવે પૂછ્યું.

‘કોને ખબર!’ સોહમનું મન એકદમ ઉદાસ થઈ ગયું હતું. છેલ્લા ચાર દિવસથી સોહમ અમદાવાદમાં રોકાયો હતો. તેને દિલ્હીનાં કામો અને કેસિસ પણ હવે પજવવા લાગ્યાં હતાં. સોહમ માટે વધુ સમય અહીં રહેવું અઘરું હતું ને બીજી તરફ પ્રણવને એકલો છોડવાની તૈયારી કે ઇચ્છા નહોતી.

કોર્ટમાંથી બહાર નીકળી રહેલા પ્રણવે રઘુવીરસિંહને સામે ઊભેલો જોયો. પ્રણવ તેની

પાસે ગયો. ‘હું એક વાર જાહ્નવીને મળી શકું?’ પ્રણવે પૂછ્યું.

 રઘુવીરસિંહ પણ થોડા ગૂંચવાયેલા હતા. એક તરફથી તેજસ્વિની કૌલનું દબાણ અને બીજી તરફ દર્શન પટેલની પ્રામાણિક આડોડાઈ... આવનારા દિવસોમાં આ કેસ ઘણી ગૂંચવણો ઊભી કરશે એવું તેમને સમજાઈ ગયું હતું.

‘સૉરી.’ તેમણે કહ્યું, ‘હવે હું તમારી મદદ નહીં કરી શકું.’

‘પ્લીઝ!’ પ્રણવના અવાજમાં આજીજી હતી.

‘સૉરી ડૉક્ટર પ્રણવ.’ કહીને રઘુવીરસિંહે ચાલવા માંડ્યું. પ્રણવ રસ્તા પરના ભિખારીની જેમ તેની પાછળ દોડ્યો, પણ રઘુવીરસિંહે ચાલવાની ઝડપ વધારી દીધી. આ આખું દૃશ્ય જોઈ રહેલા સોહમને દયા આવી. તેણે દોડી રહેલા પ્રણવનો હાથ પકડી લીધો. પ્રણવે હાથ છોડાવવાની કોશિશ કરી, પણ સોહમે છોડ્યો નહીં.

‘પ્રણવ! શું કરે છે?’ સોહમે કહ્યું. તે પ્રણવનો હાથ પકડીને ઊંધી દિશામાં ચાલવા માંડ્યો. પ્રણવ તેની સાથે ચાલ્યો તો ખરો, પણ તેની નજર ફરી-ફરીને રઘુવીરસિંહ તરફ વળતી હતી, ‘છોડ હવે.’ સોહમે કહ્યું, ‘જાહ્નવી પોલીસ-કસ્ટડીમાં છે. તેને મળવું હોય તો પરમિશન લેવી પડશે. અનઑફિશ્યલી નહીં મળવા દે હવે તેને.’ પ્રણવ કમને તેની સાથે કોર્ટના બિલ્ડિંગની બહાર નીકળ્યો. તેણે જાહ્નવીને બે મહિલા પોલીસ સાથે બહાર નીકળતી જોઈ. કોઈ કશું સમજે એ પહેલાં તે સોહમનો હાથ છોડાવીને દોડ્યો.

જાહ્નવી મહિલા કૉન્સ્ટેબલની સાથે વૅનમાં બેસવા જતી હતી ત્યાં પ્રણવ પહોંચી ગયો. તેણે જોરથી બૂમ પાડી, ‘જાહ્નવી!’

જાહ્નવીએ ચોંકીને જોયું. તે પણ કોઈનીયે પરવા કર્યા વગર દોડી. તેની સાથે ઊભેલી બે મહિલા કૉન્સ્ટેબલ તેને રોકે એ પહેલાં જાહ્નવી દોડીને આવેલા પ્રણવની બાંહોમાં સમાઈ ગઈ હતી. બન્ને જણ એકબીજાને ભેટીને એવી રીતે ઊભાં હતાં જાણે કોર્ટરૂમના પ્રાંગણમાં નહીં પણ આઇફલ ટાવર પર ઊભાં હોય! જાહ્નવીની આંખો કોરી હતી, પ્રણવની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતાં.

સોહમ દોડીને પ્રણવને અટકાવવા જતો હતો, પણ પછી કંઈક વિચારીને તે ત્યાં જ અટકી ગયો. દૂર ઊભેલા દર્શન અને સોહમની આંખો એકબીજા સાથે ટકરાઈ ત્યારે બન્ને જણના ચહેરા પર સ્મિત આવી ગયું. બન્ને સમજતા હતા કે આ અટકાવી શકાય, પણ બન્નેએ પતિ-પત્નીને થોડીક ક્ષણોનું એકાંત મળી રહે એવી છૂટ આપી એ વાતે બન્ને એકબીજાને સમજી શક્યા.

‘તું ડરતી નહીં.’ પ્રણવે કહ્યું. આ વાત જાહ્નવીને કોણ જાણે કેટલામી વાર કહી હતી!

જાહ્નવીએ કહ્યું, ‘શું કામ માફ કરે છે મને? મેં ગુનો કર્યો છે. આઇ ચીટેડ ઑન યુ.’

‘હવે કંઈ નહીં કહેતી.’ પ્રણવે કહ્યું. તેની આંગળીઓ ધીમે-ધીમે જાહ્નવીના વાળમાં ફરી રહી હતી. તેણે સ્નેહથી કહ્યું, ‘તું આટલી બધી સ્ટ્રેસમાં હતી એની મને કેમ ખબર ન પડી?’ લગભગ સ્વગત કહેતો હોય એમ પ્રણવે કહ્યું, ‘તારો વાંક નથી જાહ્નવી. મારે જ તારી સાથે બધી વાત કરવી જોઈતી હતી. મેં સાચું કહ્યું હોત તો કદાચ આ દિવસ ન આવ્યો હોત. હું તારાથી છુપાવવા ગયો એમાં...’ તે અટકી ગયો.

દૂર ઊભેલો દર્શન આ દૃશ્ય જોઈ રહ્યો હતો. તેને નવાઈ લાગી, સાથે જ વિચાર આવ્યો. પત્ની સ્વીકારી લે કે તે કોઈની સાથે પતિના જ બેડરૂમમાં રાત વિતાવી ચૂકી છે એમ છતાં કોઈ માણસ આટલો ઉદાર કેવી રીતે હોઈ શકે? આ પ્રણવ સાચો હશે કે પછી આની પાછળ કોઈ ભયાનક રહસ્ય છે? તેનું મગજ કામે લાગ્યું હતું ત્યાં જ તેણે જોયું કે પ્રણવ કંઈક કહી રહ્યો છે.

‘તું શરણ સાથે હતી એમાં મને બહુ તકલીફ નથી થઈ જાનુ.’ પ્રણવ બોલ્યો, ‘પણ એ ફાઇલ તેં ડુપ્લિકેટ ચાવી કરાવીને જોઈ લીધી એ વાત મને કહી હોત તો સારું થાત.’ પ્રણવે કહ્યું, ‘જે વાત તું શરણને કહી શકે એ મને ન કહી શકે તો ક્યાંક આપણી રિલેશનશિપમાં પ્રૉબ્લેમ છે. હું તને એ વિશ્વાસ કેમ ન આપી શક્યો?’ તેણે પૂછ્યું. જાહ્નવી કંઈ બોલવા જતી હતી, પણ તે બોલી નહીં. દર્શને આટલે દૂરથી પણ એ નોંધ્યું.

દરમ્યાન બે મહિલા કૉન્સ્ટેબલ આવીને જાહ્નવીની આજુબાજુમાં ઊભી રહી ગઈ. આગળ નીકળી ગયેલા રઘુવીરસિંહ પણ પાછા ફર્યા. જાહ્નવી અને પ્રણવને એકમેકને વળગીને ઊભેલાં જોઈને જાહ્નવીનાં બાવડાં પકડવા જતી મહિલા કૉન્સ્ટેબલને દર્શને હાથથી જ પાંચ મિનિટ રાહ જોવાનો ઇશારો કર્યો. દર્શનની સિક્સ્થ સેન્સ કહેતી હતી કે અત્યારે જાહ્નવી અને પ્રણવ વચ્ચે એવી કંઈક વાત થવાની છે જે તેના કેસમાં ખૂબ મહત્વની કડી પુરવાર થશે. તેણે નજરથી જ જાહ્નવીની બિલકુલ પાછળ ઊભેલી મહિલા કૉન્સ્ટેબલને જાહ્નવીની વાત ધ્યાનથી સાંભળવાની સૂચના આપી. બેમાંથી એક કૉન્સ્ટેબલ સાવધાનીપૂર્વક દોઢેક પગલું આગળ વધીને જાહ્નવીની એકદમ નજીક ઊભી રહી. તેણે ધ્યાનથી સાંભળવા માંડ્યું. એકમેકને વળગીને ઊભેલાં જાહ્નવી કે પ્રણવને નજીક આવી ગયેલી મહિલા કૉન્સ્ટેબલની હાજરીનો ખ્યાલ જ ન આવ્યો.

‘જાનુ, આ ફાઇલ વિશે શરણ શું જાણે છે?’ પ્રણવે પૂછ્યું, ‘મને સાચું કહી દે, પ્લીઝ!’

જાહ્નવીને લાગ્યું કે આ જ તક છે. તેણે ધીમેથી કહ્યું, ‘શરણ ફાઇલ જુએ એ પહેલાં જ બધું ગૂંચવાઈ ગયું.’ જાહ્નવીએ સહેજ અચકાઈને કહ્યું, ‘મમ્મી બોલ્યાં હતાં, ત્રીજા માણસની હાજરીમાં વાત નથી કરવી. મને લાગ્યું કે તે શરણ માટે...’ તે એક ક્ષણ ચૂપ રહી. પછી તેણે કહ્યું, ‘એ રાત્રે ઘરમાં અમે ત્રણજણ નહીં, ચાર જણ હતા. મને ખાતરી છે. અમે બહારથી આવ્યાં એ પહેલાં જ તે માણસ ઘરમાં દાખલ થઈ ગયો હતો. તે માણસ મમ્મીને ઓળખતો હતો પ્રણવ.’ એકશ્વાસે બોલી રહી હતી જાહ્નવી, ‘મમ્મીએ જ તેને ફોન કરીને બોલાવ્યો હતો. સુજાતા પણ ઓળખતી હતી તે માણસને. મારી ગેરહાજરીમાં તે માણસ આપણા ઘરમાં આવી ચૂક્યો હતો. આઇ ઍમ શ્યૉર.’

જાહ્નવીની પાછળ ઊભેલી મહિલા કૉન્સ્ટેબલની આંખો આ સાંભળીને ચમકી. દર્શનને ખ્યાલ આવી ગયો કે જાહ્નવી કંઈક એવું કહી રહી હતી જે તેણે દર્શનને નહોતું કહ્યું. પ્રણવ આગળ કંઈ બોલે એ પહેલાં જાહ્નવીએ લગભગ તેના કાનમાં કહ્યું, ‘મેં જોઈ છે એ ફાઇલ. એકસો ત્રીસ કરોડની એ જમીન...’

‘શ્શ્સસ...’ પ્રણવે માત્ર અવાજથી જ જાહ્નવીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો, ‘હું જાણું છું. એ જમીન મારા પિતાના મૃત્યુનું કારણ બની.’

‘પ્રસાદ કોણ છે?’ જાહ્નવીએ સીધું જ પૂછ્યું.

‘તું પોલીસ સાથે વાત કરે ત્યારે પ્રસાદનો ઉલ્લેખ નહીં કરતી.’ સવાલ સાંભળીને પ્રણવનો અવાજ બદલાઈ ગયો હતો. તેણે જાહ્નવીનો સવાલ ટાળ્યો, જવાબમાં તેણે માત્ર સૂચના આપી, ‘પોલીસને જો પ્રસાદ વિશે ખબર પડશે તો બીજું ઘણું ખૂલશે. તું એમાં નહીં પડતી.’

‘પણ...’ જાહ્નવી આગળ કંઈ બોલવા જાય એ પહેલાં પ્રણવે કોર્ટના પ્રાંગણમાં તેને ચુંબન કરી લીધું. જાહ્નવી આગળ બોલી શકી નહીં.

કોર્ટમાં હાજર મીડિયા અને પ્રેસને આ દૃશ્યમાં મસાલો જડી ગયો. ફટાફટ ફ્લૅશ-લાઇટો થવા લાગી. ટીવી-કૅમેરાના રેકૉર્ડિંગ ઑન થઈ ગયા. થોડીક ક્ષણો માટે તો દર્શન પણ આ દૃશ્યમાં ખોવાઈ ગયો. પછી તેનું પોલીસ-દિમાગ કામે લાગ્યું. તેણે ધ્યાનથી જોયું, આ કદાચ પ્રેમનું નહીં પણ ચેતવણીનું ચુંબન હતું. જાહ્નવીને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યો હશે કદાચ.

પ્રણવ ધીમેથી છૂટો પડ્યો, ‘જાનુ! જે છે એ આપણી ફૅમિલી-મૅટર છે. કરોડોનો સવાલ છે...’

‘કરોડો જીવથી વધુ અગત્યના છે?’ જાહ્નવીએ માંડ પોતાની જાતને છોડાવી. પછી પૂછ્યું, ‘પપ્પાનો જીવ ગયો, મમ્મીને ખોયાં; હજી પણ તારે...’

‘જાહ્નવી... સાચું કહું?’ પ્રણવે તેની આંખમાં જોયું. પછી કહ્યું, ‘સવાલ એક્સો ત્રીસ કરોડનો નથી. એ ફાઇલમાં ઘણાં રહસ્યો બંધ છે.’

હવે પાછળ ઊભેલી મહિલા કૉન્સ્ટેબલ આગળ વધી, ‘મૅડમ! હવે ચલો.’ તેણે સૌજન્યથી કહ્યું, ‘મારે તમને પરાણે લઈ જવાં પડે એના કરતાં...’

‘મારી વાત પર વિચાર કરજે પ્રણવ.’ છૂટા પડતાં જાહ્નવીએ કહ્યું, ‘મારી અને તારી જિંદગીથી વધારે કંઈ નથી. પૈસા પણ નહીં અને પ્રતિષ્ઠા પણ નહીં જ.’ જાહ્નવી બોલી. પછી સહેજ અટકીને તેણે ઉમેર્યું, ‘જે હકીકત છે એને તું નકારી તો નહીં જ શકે.’ પ્રણવનો ચહેરો બદલાઈ ગયો. એમ છતાં જાહ્નવીએ કહ્યું, ‘પ્રસાદનું અસ્તિત્વ એ તારી જિંદગીનું સત્ય છે. તું અને મમ્મી એનાથી આંખો બંધ કરીને જીવવાનો પ્રયત્ન કરતાં રહ્યાં, પણ...’

દર્શને દૂરથી જોયું કે જાહ્નવી કશુંક બોલી, પ્રણવે તેની વાત સાંભળીને તેને લગભગ ધક્કો મારીને પોતાનાથી દૂર કરી. જાહ્નવી એ ધક્કો અનુભવી શકી. એમ છતાં તેણે ત્યાં જ ઊભા રહીને પ્રણવને કંઈક કહ્યું. પ્રણવ તેની વાત પૂરી સાંભળ્યા વગર ઊંધો ફરીને ત્યાંથી ચાલવા લાગ્યો એ દર્શનની નજરથી છાનું ન રહી શક્યું.

પ્રણવે સહેજ ધક્કો મારીને જાહ્નવીને પોતાનાથી દૂર કરી એ પછી પણ જાહ્નવીએ કહ્યું, ‘આપણે બન્ને જાણીએ છીએ કે સત્ય શું છે.’ તે મહિલા કૉન્સ્ટેબલ સાથે ચાલવા લાગી, પણ ત્યાં ઊભેલા પ્રણવના ચહેરા પર જે હાવભાવ આવ્યા એ જોઈને દર્શનને એટલું તો સમજાઈ જ ગયું કે પ્રણવથી છૂટી પડી રહેલી જાહ્નવી પાસે એક રહસ્ય છે જે પ્રણવને બેચેન કરી ગયું છે. જાહ્નવી જઈને વૅનમાં બેઠી.

પ્રણવ સાથે વાત થયા પછી જાહ્નવીના ચહેરા પર એક અજબ જેવી નિરાંત આવી ગઈ. ક્યારના આવીને વૅનમાં ગોઠવાઈ ગયેલા શરણના મગજમાં પણ ઘણુંબધું ચાલી રહ્યું હતું. જાહ્નવી જેવી આવીને તેની સામે બેઠી કે શરણે ભ્રમર ઉલાળીને તેને કંઈક પૂછ્યું. જાહ્નવીએ ડોકું ધુણાવીને એવી રીતે હા પાડી જાણે તેમની વચ્ચે કોઈક વાત પ્રણવ સુધી પહોંચાડવાની હતી જે પહોંચી ગયાનો સંદેશો આપતી હોય!

€ € €

દિલ્હીમાં PM હાઉસની એક રૂમમાં બે જણ બેઠા હતા. એક હતી તેજસ્વિની કૌલ અને બીજી અત્યંત સુંદર અને મૉડર્ન દેખાતી યુવાન છોકરી હતી. તેજસ્વિનીના ચહેરા પર તિરસ્કાર અને અહંકાર એકસાથે પ્રજ્વલિત હતા. તેની સામે બેઠેલી છોકરીનો ચહેરો સહેજ નિસ્તેજ હતો. તેના ચહેરા પર વિનંતી-આજીજીના ભાવ સ્પષ્ટ હતા.

‘તેણે તને રિજેક્ટ કરી દીધી એમ છતાં તું તેનો પક્ષ લે છે?’ તેજસ્વિનીએ ગુસ્સામાં કહ્યું, ‘તેને તો હું છઠ્ઠીનંસ ધાવણ યાદ કરાવી દઈશ. તું હજી તારી માને ઓળખતી નથી.’

‘ઓળખું છું એટલે જ કહું છું.’ છોકરીએ ધીમા અવાજે કહ્યું, ‘મૉમ! તમારા પ્રેશર નીચે તેણે મારી સાથે લગ્ન કર્યાં હોત તો અમે બન્ને દુ:ખી થયાં હોત. શરણ સારો માણસ કહેવાય કે તેણે ચોખ્ખી ના પાડી.’ છોકરીની આંખોમાં સચ્ચાઈ હતી.

તે છોકરીની ઉંમર પચીસથી સત્યાવીસની વચ્ચે લાગતી હતી. એકદમ ગોરી ત્વચા અને નમણું નાક તેને પોતાની મા પાસેથી વારસામાં મળ્યાં હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. તેની આંખો ભૂરી હતી. માત્ર આંખોને કારણે કોઈ વિદેશી છોકરી જેવી દેખાતી હતી તે. તેના ટૂંકા વાળ કાનથી સહેજ જ નીચા, બ્લન્ટ કટમાં કાપેલા હતા. ઊંચી અને પાતળી તે છોકરીએ બાંય વગરનું ગંજી જેવું ટી-શર્ટ અને ટ્રૅક-પૅન્ટ પહેર્યાં હતાં. ગંજીના સ્ટ્રૅપમાંથી સ્ર્પોટ્સ-બ્રાના સ્ટ્રૅપ ડોકિયાં કરતા હતા. તે છોકરી તેજસ્વિનીની દીકરી રાહત કૌલ હતી. તેના પિતા મોહમ્મદ વઝીર ખાન લગ્નનાં ત્રણ જ વર્ષ પછી મૃત્યુ પામ્યા હતા. રાહત ત્યારે એક વર્ષની હતી. તેજસ્વિનીની રાજકીય મહkવાકાંક્ષા એટલી બધી હતી કે અંગત વર્તુળોમાં એવી ચર્ચા ચાલતી હતી કે તેજસ્વિનીએ પોતે જ તેના પતિને મરાવી નાખ્યો હતો. મોહમ્મદ ખાન મુસ્લિમ હતો. કાશ્મીરી ઍક્ટિવિસ્ટ પણ હતો. કાશ્મીરના ઇલેક્શન દરમ્યાન પ્રચાર કરવા ગયેલી તેજસ્વિની અને મોહમ્મદ ખાન એકબીજાને મળ્યાં હતાં. જે ઝડપથી તેમની વચ્ચે પ્રેમ થયો અને જે ઝડપથી તેજસ્વિનીએ મોહમ્મદ ખાન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો એ બન્ને વાતો નવાઈ પમાડે એવી હતી. વળી ચુસ્ત કાશ્મીરી પંડિત પરિવારમાં એક મુસ્લિમ ઍક્ટિવિસ્ટ જમાઈ તરીકે સ્વીકારી લેવાય એ વાત પ્રેસ અને રાજકીય વર્તુળોને ગળે ઊતરી નહોતી. તેજસ્વિનીનાં લગ્નનો નિર્ણય તેના પિતાને ગમ્યો નહોતો એવું અખબારોએ ચગાવ્યું હતું, પરંતુ અંગત વર્તુળો કહેતાં હતાં કે તેજસ્વિનીના પિતા રામેશ્વર કૌલે દીકરીને હની-ટ્રૅપ બનાવીને કાશ્મીરના ઇલેક્શનમાં પાર્ટીને નડી શકે એવા એક મજબૂત માણસને ખતમ કરવાનું કામ કર્યું હતું.

જે હોય તે, મોહમ્મદ વઝીર ખાનના કાર-ઍક્સિડન્ટ પછી તેજસ્વિનીના પિતા રામેશ્વર કૌલ પણ ઝાઝું જીવ્યા નહીં. તેજસ્વિનીને ભ્પ્ની ખુરસી જનતાની સહાનુભૂતિએ જિતાડી આપી ને તેણે પણ બાકી બધો ઇતિહાસ ભૂંસી નાખીને પાર્ટી, દેશ, રાજકારણ અને રાહતમાં મન પરોવી દીધું.

‘રાહત, તું સમજતી નથી.’ તેજસ્વિની હજી ગુસ્સામાં હતી, ‘તેણે તને હા પાડી કે ના એ મુદ્દો તો પછી આવે છે, પણ આ છોકરો પાર્ટીની ઇમેજને નુકસાન કરશે.’

‘મૉમ, એક વાત કહું?’ રાહતની ભૂરી આંખોમાં તેની બુદ્ધિનો ચમકારો સ્પષ્ટ દેખાતો હતો, ‘તું અત્યારે તેને મારી નાખીશ તો પાર્ટીની ઇમેજને વધારે નુકસાન થશે.’ આ સાંભળીને તેજસ્વિનીની આંખો સહેજ એક ક્ષણ માટે બદલાઈ. દીકરી પાસે રાજકારણની સમજ છે એ વાતે તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેણે આગળ વધીને દીકરીના ગાલ પર હળવી વહાલભરી ટપલી મારી. માનો મિજાજ બદલાયો છે એ જોઈને રાહતે કહી નાખ્યું, ‘હું ઓળખું છું શરણને. તે કંઈ જ એવું નહીં કરે જેનાથી તમારી પાર્ટીને કે તમને કોઈ અંગત નુકસાન થાય.’

‘તને બહુ ચિંતા છે તેની...’ તેજસ્વિનીના ચહેરા પર સ્મિત થોડું વધુ ફેલાયું, ‘આ તો ભતૃર્હેરિ જેવી કથા થઈ ગઈ. પિંગળાએ ફળ અશ્વપાલને આપ્યું... અશ્વપાલે વેશ્યાને... ને વેશ્યા વળી રાજા પાસે લઈ આવી.’ તે હસવા લાગી, ‘પેલી છોકરીને બચાવવા તેનો વર મથે છે, તારો શરણ છોકરીના ચક્કરમાં છે અને તું શરણના...’

‘મમ્મી, હું ચક્કર-બક્કરમાં નથી.’ રાહતે કહ્યું. તે ઊભી થઈ ગઈ, ‘હી ઇઝ અ નાઇસ ગાય.’ કહીને તે બહાર જવા લાગી. જતાં-જતાં એક ક્ષણ અટકીને તેણે ઉમેર્યું, ‘મને કંઈ ફરક નથી પડતો.’ તેણે થોડાક તિરસ્કાર સાથે કહ્યું, ‘ઇલેક્શન સામે છે. તમારે મિનિસ્ટરના દીકરાના ખૂનનો આક્ષેપ તમારા માથે લેવો છે?’ કહીને તે બહાર નીકળી ગઈ.

તેની લચકતી કમર અને એનર્જીથી ભરપૂર ચાલને તેજસ્વિની થોડી વાર જોતી રહી, પછી તેણે સ્વગત કહ્યું, ‘બ્રિલિયન્ટ! ઇઝન્ટ શી?’

બહાર નીકળી રહેલી રાહતે માની આ કમેન્ટ સાંભળી, છતાં ન સાંભળી હોય એમ જ તે રૂમની બહાર નીકળી ગઈ. બહાર નીકળીને તેણે પોતાના ટ્રૅક-પૅન્ટના ખિસ્સામાંથી સેલફોન કાઢ્યો. એક નંબર ડાયલ કરીને તે રિંગ સાંભળતી રહી. સામેથી કોઈકે ફોન ઉપાડ્યો એટલે રાહતે કહ્યું, ‘મેં મારાથી થાય એટલું કર્યું ને કહેવાય એ કહી દીધું છે.’ સામેથી કોઈકે જવાબ આપ્યો એ સાંભળીને રાહતે ફરી કહ્યું, ‘મને નથી ખબર મૉમ શું કરશે, પણ... તમે કંઈ પણ જાણવા મળે તો મને ઇન્ફૉર્મ કરજો, પ્લીઝ.’

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK