આ દિવસો છે ખજૂર, ધાણી, ચણા અને રેવડી ખાઈને ઉપવાસ કરવાના

એકાદ દિવસ સામાન્ય આહાર છોડીને હોળીની ઉજવણી સાથે સંકળાયેલી આ તમામ ચીજો ખાવાનું રાખશો તો આ સીઝનમાં દેખાતી સૂકી ઉધરસ, કફ, ખાંસી, સુકાયેલા કે ભીના કફની સમસ્યા જડમૂળથી દૂર થશે

dhani

આયુર્વેદનું A ૨ Z - ડૉ. રવિ કોઠારી

આ અઠવાડિયે હોળી-ધુળેટીની ઉજવણી થશે. હોળીની સાંજે હોળિકાનાં દર્શન કરીને અને પ્રહ્લાદની વાર્તા સંભારીને બૂરાઈ પર સારાઈના વિજયની વાતને ફરી એક વાર તાજી કરીશું. જોકે આ દિવસની ઉજવણીમાં આરોગ્યનાં કેટલાંક બહુમૂલ્ય રહસ્યો પણ છુપાયેલાં છે. હોળીનાં દર્શન કરવાથી માંડીને એમાં જુવારની ધાણી, ચણા કે ખજૂર હોમવાની ક્રિયા સુધ્ધાં વૈજ્ઞાનિક છે. આ જ ચીજો હોળી પહેલાં અને પછીના થોડાક દિવસો દરમ્યાન શરીરને આપવાથી એમાં પેદા થયેલા દોષોનું શમન અને શોધન થઈ શકે છે.

તમે જોયું હોય તો આજકાલ બધાને સૂકી ઉધરસ અને કફ ખૂબ થયાં છે. ઋતુસંધિ એનું મૂળ કારણ છે. આપણે બે ઋતુઓની સંધિ સમયે થતા ત્રિદોષ પ્રકોપ વિશે અનેક વાર વાત કરી છે અને વારંવાર કરતા રહીશું, કેમ કે આપણી ખોટી જીવનશૈલીને કારણે હવે આ ઋતુસંધિ દરમ્યાન સ્વાસ્થ્યને કથળતું બચાવી લેવાનું અઘરું બન્યું છે. જ્યારે પણ બે ઋતુઓ બદલાય છે ત્યારે પહેલાંની સીઝન હજી પૂરી થઈ ગઈ નથી હોતી અને આવનારી સીઝન આવું-જઉં કરીને એના ચમકારા બતાવતી રહે છે. હાલમાં ઠંડી જવાનો અને ગરમી આવવાનો સમય છે. એક દિવસ નૉર્મલ જાય છે તો બીજા દિવસે આકરી ગરમી પડે છે. સવારે અને બપોરે હવે આકરો તાપ પરેશાન કરે છે, જ્યારે સાંજના સમયે ઠંડીની લહેર થોડાક સમય માટે ફરી વળે છે.

ઠંડીમાં તો બધું જ પચી જાય એમ માનીને લોકોએ મીઠી, ભારે અને ચીકણી ચીજો સારીએવી માત્રામાં ખાધી હોય છે જેને કારણે કફ શરીરમાં સંચિત થઈ રહે છે. ગરમીની અવરજવર થતી રહેવાથી ન તો એ પીગળે છે કે નથી એ બહાર નીકળતો. જો તમને ભીનો કફ ખૂબ હોય, કફ ગળામાં ખખડતો રહેતો હોય, છાતીમાં ભારે ફીલ થતું હોય તો જુવારની ધાણી અને શેકેલા ચણા આ સીઝનમાં અચૂક ખાવાં. પ્રસાદરૂપે ચપટીક ધાણી-ચણા ખાઈ લેવાનું પૂરતું નથી. બન્નેમાં પૂરતું નમક અને હળદર મેળવીને લેવાં. આયુર્વેદમાં કહેવાયું છે કે ચીકણો, ભારે અને ચોંટી ગયેલો કફ દૂર કરવા માટે એનાથી વિપરીત ગુણધમોર્ ધરાવતી ચીજનું સેવન કરવું. વિપરીત એટલે કે પચવામાં હલકી અને સૂકી ચીજો. ગળામાં સંચિત ગાઢો કફ ખોતરી કાઢવો હોય તો એ માટે આ સીઝનમાં હળદર મેળવેલા શેકેલા ચણા અને લસણથી વઘારેલી જુવારની ધાણી ચાવી-ચાવીને ખાવાનું ઉત્તમ ફળદાયી છે.

આ બન્નેની સાથે ખજૂરનું પણ વિશેષ મહત્વ છે. જો તમને ઑલરેડી કફ સુકાઈ ગયો હોય અને સૂકી ઉધરસ તમારી રાતોની ઊંઘ હરામ કરી રહી હોય તો સુકાઈ ગયેલા કફને ઉખેડવા માટે લેખનદ્રવ્યો લેવાં જોઈએ. એ માટે ગોળ અને ખજૂર એ બે ચીજો સરસ છે.

અલબત્ત, આ બન્ને પ્રકારનાં દ્રવ્યો ત્યારે જ ઉત્તમ પરિણામ આપે જ્યારે તમે લંઘન સાથે એનો ઉપયોગ કરો. લંઘન એટલે ઉપવાસ. હોળીમાં આમેય સવારથી સાંજ ધાણી-ખજૂર, ગોળ-ચણા કે રેવડી ખાવાની અને સાંજે હોળીનાં દર્શન કર્યા પછી જમવાની પ્રથા છે. ગામડાંઓમાં આ પ્રથા હજીયે અકબંધ છે, પરંતુ શહેરોમાં આ પ્રથા ભાગ્યે જ કોઈ ફૉલો કરતું હશે. હું માનું છું કે માત્ર હોળીના દિવસે જ આવું કરવું જરૂરી નથી. ભીના-સૂકા કફની સમસ્યા હોય તો આજકાલમાં ગમે ત્યારે એકાદ દિવસ આવો ધાણી-ખજૂર અને ગોળ-ચણા ખાઈને ઉપવાસ કરી લેવો. અલબત્ત, આ ઉપવાસમાં ભરપૂર દબાવીને આ ચીજો ખાવાની નથી. બને ત્યાં સુધી કોકરવરણું ગરમ પાણી ખૂબ જ પીવું. જ્યારે ખૂબ ભૂખ લાગે ત્યારે થોડીક માત્રામાં ઉપરોક્ત ચીજો લેવી.

આ ચારેય દ્રવ્યોના ગુણ સમજીએ. જુવારને શેકીને બનાવેલી ધાણી અને શેકેલા ચણા ઉત્તમ કહેવાય. આ બન્ને ચીજો કફ સૂકવે છે. ખજૂર પચવામાં ભારે છે જે શરીરને બળ આપે છે એટલે ઉપવાસ દરમ્યાન એનર્જી જળવાઈ રહે છે. આ સીઝનમાં જો રોજ રાતે સૂતા પહેલાં શેકેલા ચણા ચાવી-ચાવીને ખાઈએ અને પછી પાણી પીધા વિના જ સૂઈ જઈએ તો ગળામાં ભરાયેલો કફ છૂટો પડે છે. રૂક્ષ ચીજો ખાવાથી પાચનમાં તકલીફ થઈ શકે છે, પણ એ માટે સાથે ખજૂર ખાવાનું કહેવામાં આવ્યું છે. ખજૂરથી કબજિયાત નથી રહેતી અને પેટ સાફ થાય છે.

ધાણી-ચણાથી છૂટો પડેલો કફ મળ વાટે બહાર કાઢવામાં ખજૂર મદદ કરે છે. ખજૂર ફેફસાં અને હાડકાંને બળ આપે છે. ગોળ શરીરમાં ભરાયેલા કફને ખોતરીને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. ગરમ પાણીથી અપાચિત આમ, મળ, નકામાં દ્રવ્યોનું સરણ સરળ બને છે.

લાંબા ગાળા માટે વધુ મહત્વનું

એક વાત સૌએ યાદ રાખવી જોઈએ કે સંધિકાળની આ સમસ્યાને જડમૂળથી દૂર કરી દેવામાં આવે એ લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે બહુ જ મહત્વનું છે. સંધિકાળ દરમ્યાન સંચિત અને સુકાયેલા કફને દૂર કરવા માટે આવો પ્રયોગ ન કરવાથી કફની અનેક સમસ્યા પેદા થાય છે. નાક, ગળા, શ્વાસનળી અને ફેફસાંમાં કફ ભરાઈ રહેવાથી રોગપ્રતિકારક શક્તિ બગડે છે. શરદી-ખાંસી, ઉધરસ જેવી સામાન્ય જણાતી સમસ્યાઓ વધુ લાંબી ચાલે છે અને વારંવાર ઇન્ફેક્શન થવાની સંભાવના વધે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK