જીવન રમી ગયા

આજે કાંદિવલી રેક્રીએશન ક્લબ અને ‘મિડ-ડે’ આયોજિત કાર્યક્રમમાં સૂફી મિજાજ ધરાવતાં કેટલાંક ગીતો રજૂ થવાનાં છે.


અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

સૂફી એક એવો રહસ્યવાદી સંપ્રદાય છે જેમાં તપસ્યા અને પ્રેમને ઈશ્વરપ્રાપ્તિનું માધ્યમ ગણવામાં આવ્યું છે. ઇરાકના બસરામાં લગભગ એક હજાર વર્ષ પૂર્વે એનો પ્રારંભ થયો. રાબિયા, અલ અદહમ, મન્સૂર જેવા સાધકો એના પ્રણેતા છે. કવિ રૂમીએ તો પોતાનાં કાવ્યો દ્વારા સૂફીઝમને સુપેરે રજૂ કર્યું છે. આજે ગઝલમાં આધ્યાત્મવાદની છાંટ ધરાવતા ને  મર્મસભર વાત છેડતા કેટલાક વિચારોને વહેતા કરવા છે. મરીઝ જિંદગીને સદીઓ લાંબી દૃષ્ટિએ નિહાળે છે...

ન જીતમાં મજા છે, ન નાનમ છે હારમાં

નવરાશનો સમય હતો, જીવન રમી ગયા


જિંદગી હાર-જીતનું નામ નથી, જિંદગી પ્રવાસનું ધામ છે. પ્રવાસમાં ઉતારચડાવ આવતા જ રહે. આપણને શ્વાસની એક ઇનિંગ્સ રમવા મળી છે. એમાં જીતીએ તો અહંકાર ન હોય અને હારીએ તો નાનમ ન હોય, માત્ર ખેલદિલીથી રમવાનું છે. ગની દહીંવાલા એ રહસ્ય તરફ આંગળી ચીંધે છે જે સર્વત્ર છે, છતાં ઓળખાતું નથી.

સદા ચાલ્યા કરે છે શ્વાસ કોઈના ઇશારા પર

જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર


સ્કૂલમાં વિદ્યાર્થી યસ સર કહીને પત્રકમાં હાજરી પુરાવે એ રીતે ઈશ્વર હાજરી પુરાવતો નથી. આપણે ઈશ્વરને એક ચહેરો એટલા માટે આપ્યો છે કે એને સ્મૃતિબદ્ધ કરી શકીએ. નિરાકારને જોઈ શકાતો નથી કે યાદ રાખી શકાતો નથી, એટલે આપણને મૂર્તિની જરૂર પડી. કુદરતના અનેક રૂપમાં પણ ઈશ્વર વિખરાયેલો છે. મનહરલાલ ચોકસી એમાંથી એક તરફ આંગળી ચીંધે છે...

વાદળોને જોઈ પુલકિત થાઉં છું

એ જ છે ભગવાનના હસ્તાક્ષર


આ હસ્તાક્ષર ઘણી વાર એટલા નૅનો લેવલ પર હોય કે બિલોરી કાચ તો શું અદ્યતન સૂક્ષ્મદર્શક યંત્રથી પણ નજર ન આવે. ફૂલોમાં ખુશ્બૂ કોઈ કૉપી-પેસ્ટ નથી કરતું, એ એની ભીતરથી પ્રગટે છે. પતંગિયાની પાંખોને કોઈ રંગારો રંગવા નથી આવતો છતાં જાતજાતની ભાત એમાં ઊપસી આવે છે. પક્ષીજગતનો અભ્યાસ કરીએ તો ટહુકાઓના તોરણથી સૃષ્ટિ નાદબ્રહ્મ ઊજવે છે. પ્રાણીસૃષ્ટિનું વૈવિધ્ય જોઈને લાગે કે લાખો જાતિ-પ્રજાતિના સર્જન પાછળ કોની કરામત છે. આ યાદી અસીમ છે. અમૃત ઘાયલ કરે છે એવી માગણી આપણે મનોમન કરતા જ હોઈએ છીએ.

એની કોર, આની કોર, કોની કોર?

ક્યાં છે તું? તું જ હાથ ઝાલી દોર


કોઈનો હાથ પકડી રસ્તો ક્રૉસ કરીએ એટલી સહજતાથી ઈશ્વરનો હાથ મળતો નથી. એ હાથ આપતો હશે તોય આપણે એને ઓળખી ક્યાં શકીએ છીએ? દૈવી મદદ કોઈ માધ્યમ દ્વારા આવતી હોય છે. એ માધ્યમ ઓળખાય તો પરમનિયંતાની અનુભૂતિ થાય. સૈફ પાલનપુરી ઐક્યની વિભાવના નિરૂપે છે...

હું તો તારો ખયાલ હતો, હું તો તું હતો

તારો ખયાલ રાખી, જગે આવવું પડ્યું


સૂફી કવિ રૂમીએ ઈશ્વરમાં પ્રેમનો ભાવ પ્રસ્થાપિત કર્યો. તેમની બે રુબાઈનો સુરેશ દલાલે કરેલો અનુવાદ વાંચશો તો શાંત સ્વરે છેડાતી સિતાર જેવો લાગશે.

તારા હૃદયથી મારા હૃદય સુધીનો એક રસ્તો છે અને મારું હૃદય એ જાણે છે, કારણ કે એ જળ જેવું સ્વચ્છ અને શુદ્ધ છે. જ્યારે જળ દર્પણ જેવું સ્થિર હોય ત્યારે જ એ ચંદ્રને જોઈ શકે, ઝીલી શકે પ્રેમ, એક એવી જ્વાળા છે કે જ્યારે એ પ્રકટે છે ત્યારે બધું જ બાળી નાખે છે. કેવળ રહે છે ઈશ્વર.

બેફામસાહેબ દુનિયાદારીને વટાવી ઊભરતા ઈશ્વરની વાત કરે છે...

દુનિયાનું દર્દ, યાદ સનમની, સમયનો ભય

એ બાદ જે બચે એ ખુદાનો ખયાલ છે


ઈશ્વર નામનું એક અજવાળું બધાના હૃદયમાં ઢંકાયેલું છે. આ અજવાળું બહાર આવવા તત્પર હોય છે, પણ આપણા અહમના દરવાજા એને રોકી રાખે છે. સૃષ્ટિને વરસોના વરસો સુધી ધ્યાનથી માત્ર નીરખ્યા જ કરો તો કદાચ ઘાયલ કહે છે એ વાત સમજી શકાશે...

નથી બહારનું કોઈ બધાં જ ઘરનાં છે

તું તારી દૃષ્ટિની સીમા જરી વધારી જો


આપણે એટલા બધા ભેદ પાડ્યા છે કે મૂળ વાત શું હતી એ જ ભુલાઈ જાય. ધર્મના ભેદ એટલા બળવત્તર છે કે ધર્મનો મર્મ જ વીસરાઈ જાય. શૂન્ય પાલનપુરી સો ટચના સોના જેવી સમજણ આપે છે...

કાબા ને સોમનાથના પાષાણ ભિન્ન છે

સમજી શકો તો એથી વધુ ફેર કૈં નથી


યુગોથી ધબકતી આ પૃથ્વીમાં આપણી એંસી-સો વર્ષની હયાતી નાની ગણાય, પણ નાનીસૂની ન ગણાય. પ્રત્યેક જન્મની પોતાની કેફિયત અને પોતાનું કૌતુક હોય છે. મનોજ ખંડેરિયા શ્વાસના વિરામને અલગ રીતે જુએ છે...

એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ

અલગ થઈ જતી મારી કાયા ને હું


અંત આરંભ તરફ દોરી જાય છે. ગની દહીંવાલાનો શેર અગમનિગમનો સૂર છેડે છે...

અહીં શ્વાસ છોડ્યા કે બીજી જ ક્ષણમાં

લપેટાઈ જશું નવા આવરણમાં


ક્યા બાત હૈ


સાધો, હરિવરના હલકારા

સાંઢણીએ ચઢી હલકથી આવે,

લઈ ચલે બાવન બ્હારા

અમે સંતના સોબતિયા

નહીં જાદુગર કે જોશી,

ગુજરાતી ભાષાના નાતે

નરસિંહના પાડોશી;

એની સંગે પરમસ્નેહથી

વાડકીના વ્યવહારા 

સાધો, હરિવરના હલકારા

ભાષા તો પળમાં જોગણ

ને પળમાં ભયી સુહાગી

શબદ એક અંતર ઝકઝોરે

ગયાં અમે પણ જાગી;

જાગીને જોઉં તો

જગત દિસે નહીં રે દોબારા 

સાધો, હરિવરના હલકારા

- હરીશ મીનાશ્રુ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK