ઘરમાં શેર માટીની ખોટ હોય, પરંતુ શૅરબજારની મૂડીથી એ પૂરી ન શકાય

‘સૉરી બકા, મારાથી વિસ્મરણ થઈ ગયેલું કે ઈશ્વરે તને બુદ્ધિ મૂક્યા વગરનું મગજ આપ્યું છે.મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


‘ચંબુડા, આ ઈશ્વર મને આળસુનો પીર લાગે છે.’

‘ઠાકર, ઈશ્વરની દુનિયામાં પીર માત્ર રામદેવ પીર છે અને તેં આળસુનો પીર કયા તગારામાંથી કાઢ્યો?’

‘સૉરી બકા, મારાથી વિસ્મરણ થઈ ગયેલું કે ઈશ્વરે તને બુદ્ધિ મૂક્યા વગરનું મગજ આપ્યું છે. અરે ડોબા, આળસુ એટલે એદી, ધીમી ગતિના સમાચાર જેવું. આટલાં વર્ષોથી પ્રાર્થના કરું છું, પણ તેના કાનપુરમાં હડતાળ છે, સાંભળતો જ નથી. આ તો બાપુજીએ શીખવાડેલું કે કોઈની પાસે કંઈ ન રાખ આશ, એટલો પ્રભુ પર રાખ વિશ્વાસ એટલે રાખું. પણ ક્યાં સુધી? મારે પેલા ભાઈએ અચ્છે દિન આએંગેની લૉલીપૉપની લાલચ આપી એમ રાહ જોવાની? અરે એમ તો આખી જિંદગી પ્રાર્થના કરવામાં જ કાઢી નાખવાની? મને પ્રાર્થનાનું ફળ ક્યારે મળશે...’

‘ધીરજ બકા ધીરજ,’ ચંબુ ઉવાચ, ‘આ હરિ છે. સ્ટેશન પરના વજન કરવાનું મશીન નથી કે સિક્કો નાખ્યો ને ટિકિટ બહાર. રાહ જોવાની... હરિને મળવામાં પણ બહુ હરી (ઉતાવળ) નઈ કરવાની. તેની પાસે આપણા જેવા કેટલાયની ફાઇલ પેન્ડિંગ પડી હોય. સાચું કઉં ઠાકર તો કહેવાય પ્રાર્થના, પણ અંતે તો એ ગર્ભિત ભીખ છે. કેટલા ભિખારી લાઇનમાં ઊભા છે. કબૂલ કે એ પ્રાર્થનાનું ફળ તરત જ નથી આપતો, તો ગુનાઓની સજા પણ ક્યાં તરત જ આપે છે.’

‘અરે પણ ચંબુડા, તે ફળ પણ તરત જ આપે અને સજા પણ તરત જ આપે તો તેનું જાય છે શું? નો પેન્ડિંગ વર્ક...’

‘ના બકા, એ માટે બધા ભગવાનો મળીને પેન્ડિંગ ફાઇલો તપાસે પછી શાંતિથી નિર્ણય લે કે કોને શું ફળ આપવું ને કોને કઈ સજા...’

‘અરે બાપરે... ઉપર આપણા જેવું જ ચાલે છે. ભારત સરકારે શીખવાડ્યું કે શું? અહીં પણ આઠ-આઠ, નવ-નવ વર્ષ સુધી ગુનાઓનું કૌભાંડ ચાલ્યા કરે પણ સજા તો... ચંબુ અહીં તો નથી જ્વેલર પૂછતા કે નથી રાજકારણીઓ, નથી વેપારીઓ પૂછતા નથી કે હીરાવાળા, માત્ર ને માત્ર એક પાનવાળો જ પૂછે કે ચૂનો કેટલો લગાડું? આ ભારત છે અને જોયું આ બધાએ આખા દેશને ચૂનો લગાડ્યો. લાલુ જેવા સંસ્કારી દેશભક્તે દેશ ન છોડ્યો. સુબ્રત રૉય પ્રત્યે પણ મારી શ્રદ્ધા વધી ગઈ, ખુદની ઍરલાઇન હોવા છતાં બંદો ભાગ્યો નઈ. ધન્યવાદ. પણ બાકીનાઓને ધીરે-ધીરે પ્રેમથી સહીસલામત બહાર મોકલી દીધા. જાઓ વિથ ફેમિલી, જલસા કરો. પહેલાં લલિતભાઈ, પછી માલ્યાભાઈ હવે નીરવભાઈ... એક ખાનગી વાત કઉં? ભઈ નીરવે મને સમજાવેલો કે ઠાકર, બૅન્કમાં તારા ખાતામાં આધાર કાર્ડની લિન્ક નઈ મળે તો ચાલશે પણ બકા, બૅન્કના અધિકારી સાથે લિન્ક મળવી જોઈએ, પછી ભયો ભયો; પેઢીઓ સુધી ટેન્શન નઈ, પછી તું કરોડોનો માલિક. મારો પ્લાન તો ૨૦,૦૦૦ કરોડ સુધી ખેંચવાનો હતો, પણ મને બહુ દુ:ખ થયું કે એક મોદીએ બીજા મોદીને ઠેઠ સુધી સહકાર ન આપ્યો... ને હલવાડી દીધો. તને ખાસ વાત કઉં કે કાયદો બદલાય કે પાસપોર્ટ નઈ હોય તો જ લોન મળશે એ પહેલાં લોન લઈ લે અને આવી જા અહીં... જાણી લે. ભલે લોકો કહેતા ‘ભારત છોડો’નું સૂત્ર ગાંધીજીનું હતું પણ હવે ખબર પડી કે ભારત છોડો આંદોલનની સાચી શરૂઆત તો વિજય માલ્યાએ કરી...’

‘ના નીરુ ના,’ મેં કીધું, ‘પરદેશ જવા નીકળું તો બધાને શંકા જાય. મારી તપાસ થાય તો થોડી બચેલી ઇજ્જત પણ ચાલી જાય એટલે મેં ટિકિટ કૅન્સલ કરાવી, કારણ વગર હલવાઈ જવાય. મેં તો નીરવને સમજાવ્યો કે આપણાથી આવું ન કરાય; લાખ છુપાઓ છુપ ન સકેગા રાઝ હો કિતના ગહરા, દિલ કી બાત બતા દેતા હૈ અસલી નકલી ચેહરા. ખરાબ કાર્યોનું ફળ આજે નઈ તો કાલે મળે જ છે...’ તો મને કહે, ‘કાલ કોણે જોઈ છે? કર્મનું ફળ મળે કે ન મળે, હમણાં સીતાફળની સીઝન છે. ખાઈને સૂઈ જા.. સાલા ડરપોક, બીકણ.’ ફોન કર્યો કટ.

‘ચંબુડા, આ નરેન્દ્ર મોદીએ ૧૫ લાખ આપવાનું વચન પાળ્યું હોત તો આ દિવસો જોવાનો  કે જોવડાવવાનો વારો ન આવત. ખેર હરિઇચ્છા બળવાન.. સૉરી મોદીઇચ્છા બળવાન... સુદામાથી નીરવ મોદી ને નીરવ મોદીથી નરેન્દ્ર મોદી સુધી ક્યારેય કોઈ ગુજરાતી પાછો પડ્યો નથી. ગોટાળો કરવાવાળો ગુજરાતી, તપાસ કરવાવાળો ગુજરાતી, રિઝર્વ બૅન્કનો ગવર્નર ગુજરાતી, સૌથી મોટો ધંધાદારી ગુજરાતી... મામાને ત્યાં જમવાનું ને મા પીરસનારી હોય પછી જોઈએ શું? ચંબુ, ખલીલ ધનતેજવીનો એક શેર છે.’

‘એમાં શું વળે? મારી પાસે તાતાના ૫૦, રિલાયન્સના ૧૦૦ અને કોલગેટ કંપનીના ૨૦૦ શેર પડ્યા છે. આ ધનતેજવી નવી કંપની લાગે છે. ક્યારે આવી માર્કેટમાં? શું ભાવ છે શેરનો?’

એના જવાબથી મને ૪૫૦ વૉલ્ટેજનો ચમકારો થયો. મેં મનોમન ગણેશને વંદન કર્યાં અને પ્રાર્થના કરી, ‘હે પ્રભુ, હું ક્યારેય કોઈની જેમ તારી પાસે નઈ માગું, રિદ્ધિ દે સિદ્ધિ દે... કારણ કે તારી પત્નીઓ છે, પણ તારી ઇચ્છા હોય તો ઘરવાળી સીધી દે અને તારા સ્ટૉકમાંથી ચંબુડાને થોડી બુદ્ધિ દે... અરે શેર છે એટલે કે શાયરી છે. તેઓ મોટા શાયર છે અને માતૃભાષા ગુજરાતી માટે એ દિવસે સુંદર બોલ્યા કે હું બોલું છતાં મારી વાત જેને સમજાતી નથી તે ગમે તે હોય, પણ પાકો ગુજરાતી નથી. કોઈ પણ ભાષા પાંખ બની શકે, પણ આંખ જ માતૃભાષા બની શકે.’

‘ચંબુડા, આ માતૃભાષા દિવસે મારો દીકરો મને કહે, ‘ડૅડી, આજે મધરટંગ ડે છે એટલે ઍટલીસ્ટ વન ડે તો ગુજરાતીમાં સ્પીક કરવું પડે. વૉટ ડુ યુ સે ડૅડી...’ મેં ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો ત્યારે શિક્ષકે પૂછેલું, ‘શિવાજી લડતાં-લડતાં રંગમાં આવી ગયા’નું ઇંગ્લિશ શું થાય તો બોલ્યો, ‘શિવાજી

ફાઇટિંગ-ફાઇટિંગ કેમ ઇન ટુ કલર્સ.’ એ દિવસે તરત જ શિક્ષક ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી રાજીનામું આપીને કાયમ માટે હરિદ્વાર ચાલ્યા ગયા. અરે હા, હવે તું મને એ સમજાવ કે શૅરબજારમાં જિંદગીમાં બાવળનું દાંતણ કરી શકે એટલી હેસિયત નથી તો કોલગેટના ૨૦૦ શૅર કેવી રીતે ખરીદ્યા?’

‘અરે યાર, મેં બધાનો એઠો મેસેજ ફૉર્વર્ડ કર્યો કે બૅન્કમાં પૈસા મૂકવાથી નીરવ મોદીનો ડર હોય, ઘરમાં પૈસા હોય તો નરેન્દ્ર મોદીનો ડર હોય તો મારા ઘરે મૂકી જવા. લોકોને બૅન્ક અને નમો કરતાં મારા પર વધુ વિશ્વાસ બેઠો ને રૂપિયાના ઢગલા થયા. મેં એ રૂપિયા લગાડ્યા શૅરબજારમાં. ઠાકર, મારે કોઈ સંતાન નથી. સાલું રોજ બધા શૅર હું ભગવાન પાસે મૂકીને વિનંતી કરતો કે પ્રભુ, જો તું મને બાળક આપીશ તો આ શૅરની કમાણી અનાથાશ્રમ માટે વાપરીશ, પણ શૅરબજાર બની ગયું બકરીબજાર.’

‘જો ચંબુ, એમ મફતની કમાણી પર ડોળો ન રખાય, કમાણી મહેનતની જ કરાય. ઘરમાં શેર માટીની ખોટ હોય, પણ શૅરબજારની મૂડીથી એ પૂરી ન શકાય. મહુડીની સુખડી અને શૅરબજારની મૂડી ક્યારેય ઘરમાં પાછી આવી નથી... તારા રવાડે હું ચડ્યો એમાં હું પણ શ્વેતામ્બર થઈને ગયો ને દિગંબર થઈને બહાર આવ્યો...’

‘ચંબુડા, આપણે બજારમાં જઈએ તો પ્રયોજન છે જાણીએ છીએ કે શું કામ જઈએ છીએ, હૉસ્પિટલ જઈએ તો ખબર છે કે કોઈની ખબર પૂછવા, હોટેલમાં જવાનુ કારણ પણ જમવાનું છે અને થિયેટરમાં પિક્ચર જોવાનું. આ બધી ખબર છે ક્યાં શું કામ જવાનું છે પણ આપણને એ અંત સુધી ખબર ન પડી કે આપણે શું કામ પૃથ્વી પર આવ્યા. આ બધું ભ્રમિક સુખ-દુ:ખ એક દિવસ છીનવાઈ જવાનું, કોઈ નઈ તો છેવટે મોત છીનવી લેવાનું. એકાંતમાં જઈને વિચારજે કે ખુશીઓ બધી આમ જુઓ તો કેવળ મોહમાયા છે અને જીવતર તમે આમ જુઓ તો મુઠ્ઠીભરની કાયા છે. આ કાયા માટે આટલી દોડધામ?’

‘આવડો મોટો પથારો? પથારો સંકેલતાં છેલ્લે ખૂબ ભારે પડશે પછી કહેતા નઈ કે ભગો બોલ્યો નઈ.’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK