એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિfવાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૨૭

‘મારે તમારા ઘરમાં તપાસ કરવી છે.’

નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય

પ્રણવે દરવાજો ખોલ્યો ત્યારે સામે ઊભેલા PI દર્શન પટેલને જોઈને તે સહેજ અકળાયો. તેના ચહેરા પર અકળામણ જોયા છતાં દર્શને કહી નાખ્યું, ‘જાહ્નવીબહેનનું કબાટ બતાવશો મને?’

‘જાહ્નવીના કબાટમાં શું છે?’ પ્રણવ હજી દરવાજાની વચ્ચે ઊભો હતો. તે દર્શનને અંદર દાખલ થવા દેવા તૈયાર નહોતો. દર્શને હાથ લંબાવીને તેને ખસેડ્યો, ‘તમે આવી રીતે મારા ઘરમાં દાખલ ન થઈ શકો.’

‘વૉરન્ટ છે મારી પાસે. હવે હું ઓળખું છું તમને. વૉરન્ટ વગર તમારા ઘરમાં દાખલ થાઉં એટલો ડફોળ નથી યાર.’ તે હસ્યો, ‘ડફોળ દેખાતો હોઈશ, છું નહીં.’ તેણે કહ્યું, ‘જોવું છે વૉરન્ટ?’ ખરેખર દર્શન પાસે વૉરન્ટ નહોતું. તે વૉરન્ટ કઢાવવાનો સમય બગાડવાને બદલે સીધો અહીં આવ્યો હતો. સર્ચ-વૉરન્ટ વગર આવી રીતે દાખલ થવું એ કાયદાકીય રીતે ખોટું હતું એની તેને ખબર હતી છતાં તેણે આ ખતરો ઉઠાવી લીધો હતો. દર્શનને કોઈ પણ રીતે આ ગૂંચવણના તળિયે પહોંચીને સત્ય શોધી કાઢવું હતું. તે હસીને આગળ વધ્યો, પ્રણવને ખસેડીને દર્શન ઘરમાં દાખલ થયો, તેણે સીધા ઉપરની તરફ જતા દાદરા તરફ ડગલાં માંડ્યાં, ‘તમારા કાબિલ વકીલ દોસ્ત દેખાતા નથી!’ તેણે પૂછ્યું.

‘તે દિલ્હી ગયો છે.’ પ્રણવે કહ્યું.

‘આમ કરેક્ટ છે... હવે અઠવાડિયું તો તેમનું કંઈ કામ જ નથીને.’ દર્શન વાત કરતાં-કરતાં ઘરમાં ચારે તરફ જોઈ રહ્યો હતો. તેની ચકોર નજર ફરી એક વાર આ ઘરમાં ઝીણી વિગતો તપાસી રહી હતી. કંઈક છૂટી તો નથી ગયુંને એ શોધવા માટે તે ચારે તરફ જોઈ રહ્યો હતો. જાહ્નવી પાસેથી મળેલી માહિતીના આધારે તે જાહ્નવીના કબાટમાંથી બ્લુ ફાઇલ અને ડુપ્લિકેટ ચાવી શોધવા આવ્યો હતો.

‘શું જોઈએ છે તમને?’ પ્રણવ વધુ ઝડપથી દાદરા ચડીને દર્શનથી એક પગથિયું આગળ થઈ ગયો, ‘જાહ્નવીના કબાટમાં શું છે?’

‘તમે કબાટ ખોલી આપો અને જુઓ કે હું શું લઈ રહ્યો છું. રૂપિયા લેવા તો નહીં જ આવ્યો હોઉં.’ દર્શન સાવ શાંત અને કન્ટ્રોલમાં હતો. તેને ખાતરી હતી કે પ્રણવ મગજ ગુમાવવાનો છે એટલે પોતે એ વિશે જરાય નહીં અકળાય કે રીઍક્ટ નહીં થાય એવું તે નક્કી કરીને જ અહીં આવ્યો હતો, ‘આ બાજુ?’ તેને જાહ્નવી અને પ્રણવનો બેડરૂમ ખબર હતો છતાં તેણે પૂછ્યું.

કશું બોલ્યા વગર પ્રણવ તેની આગળ થઈ ગયો. પ્રણવના રોમૅન્ટિક, અદ્ભુત બેડરૂમ સાથે જોડાયેલા ડ્રેસરમાં દાખલ થઈને દર્શને અકળાયેલા પ્રણવ તરફ જોયું, ‘જાહ્નવીબહેનનું વૉર્ડરોબ ક્યાં છે?’

‘આ...’ પ્રણવે કમને કંટાળા સાથે, થોડા ઉશ્કેરાટ સાથે બતાવ્યું. દર્શને એ કબાટની પાસે જઈને પ્રણવ તરફ જોયું. પ્રણવ સમજી ગયો. તે ઝડપથી બહાર ગયો, ચાવી લઈને અંદર આવ્યો. તદ્દન અનિચ્છાએ તેણે જાહ્નવીનું કબાટ ખોલ્યું. હવે દર્શનની સામે જાહ્નવીનું કબાટ ખુલ્લું હતું. લટકતાં સિલ્કનાં સલવાર-કમીઝ, લેગિંગ્સની થપ્પીઓ, સિલ્કની સાડીઓનાં પ્લાસ્ટિકનાં કવર્સ, ડ્રૉઅર્સમાં મૂકેલા સાચા-ખોટા દાગીના, પર્સ નીચે એકસરખાં ગોઠવાયેલાં જૂતાં... દર્શન જાહ્નવીના કબાટ સામે જોઈ રહ્યો. તેને જાહ્નવીના શબ્દો યાદ આવ્યા, ‘મારા ડ્રેસરમાં જે વૉર્ડરોબ છે એના ત્રીજા ખાનામાં મારી લેગિંગ્સ મૂકી છે. બધી લેગિંગ્સની થપ્પીમાં નીચેની ત્રણ લેગિંગ્સ છોડીને બાકીની થપ્પી ઊંચી કરશો તો તમને મમ્મીના કબાટની ડુપ્લિકેટ ચાવી મળી જશે. બ્લુ ફાઇલ એની નીચેના ખાનામાં, મારી સિલ્કની સાડીઓના પ્લાસ્ટિકનાં કવર્સમાંથી પહેલાં બે કવર છોડીને ત્રીજા કવરની બીજી સાડી નીચે મૂકી છે.’

દર્શને લેગિંગ્સની થપ્પીઓ તરફ હાથ લંબાવ્યો, પહેલું, બીજું અને ત્રીજું... સફેદ, ઑફ વાઇટ અને ક્રીમ કલરનું લેગિંગ્સ ઊંચું થયું. દર્શનના હૃદયની ધડકન વધી ગઈ. બાજુમાં ઊભેલો પ્રણવ અદબ વાળીને ભીંસેલા જડબા સાથે દર્શનને જોઈ રહ્યો હતો. ત્રીજા લેગિંગ્સની નીચે ચાવી નહોતી. દર્શન ગૂંચવાયો. તે એક પછી એક બધાં લેગિંગ્સ ઊંચાં કરીને જોવા માંડ્યો પણ ચાવી ત્યાં નહોતી. તેણે ફરી-ફરીને બધાં લેગિંગ્સ ફેંદ્યાં. બહાર કાઢી નાખ્યાં... જમીન પર બેસીને એક-એક પીસ છૂટો પાડીને તે ખંખેરવા માંડ્યો, પણ ચાવી ત્યાં નહોતી.

દર્શન ઊભો થયો. તેણે સિલ્કની સાડીઓનાં પ્લાસ્ટિકનાં કવર ઊંચાં કયાર઼્, પહેલું, બીજું અને ત્રીજા કવરની નીચે ફાઇલ નહોતી. દર્શન એકેએક સાડીનાં પ્લાસ્ટિકનાં કવરને ઊંચાં કરીને જોવા માંડ્યો. હવે તે અકળાઈ ગયો. આ તપાસ કરવા માટે સાથે કોઈ કૉન્સ્ટેબલને લાવવો જોઈતો હતો, પણ કોણ જાણે શું વિચારીને તે એકલો જ આવ્યો હતો. તેણે પ્રણવ સામે જોયું, ‘જાહ્નવીબહેનના કબાટને કોઈ બીજું અડ્યું છે?’ તેણે પૂછ્યું.

‘ના.’ પ્રણવે ડોકું ધુણાવ્યું.

‘મને હજી એક કલાક પહેલાં જાહ્નવીબહેને જે માહિતી આપી એ પ્રમાણે અહીં ડુપ્લિકેટ ચાવી અને બ્લુ ફાઇલ હોવી જોઈએ, પણ એ નથી.’ દર્શને કહ્યું, ‘એનો અર્થ એ થયો કે કોઈકે આ કબાટમાંથી એ વસ્તુઓ કાઢી લીધી છે.’

‘આ કબાટને કોઈ અડ્યું જ નથી.’ પ્રણવે કહ્યું.

‘જુઓ પ્રણવભાઈ, એ ચાવી અને બ્લુ ફાઇલ બહુ જ મહત્વનાં એવિડન્સિસ છે. તેની સાથે કોઈએ પણ છેડખાની કરી હશે તો તે વ્યક્તિ ગુનેગાર બનશે.’ દર્શનની આંખો બદલાઈ ગઈ, ‘તમે તમારી પત્નીની મદદ કરવા માટે આવું કરતા હો તો ન કરતા એવી મારી સલાહ છે, કારણ કે તમે તેને મદદ નથી કરી રહ્યા, તેનું નુકસાન કરી રહ્યા છો. જુઓ, તેણે આપેલી માહિતી મુજબની વસ્તુઓ નહીં મળે તો તમારી પત્ની પર પોલીસને ગુમરાહ કરવાનો એક નવો ચાર્જ લાગશે...’ દર્શને સહેજ ડરાવવાનો પ્રયત્ન કર્યો.

‘મેં કશું કર્યું નથી.’ પ્રણવે કહ્યું. તેના ચહેરા પર કોઈ ભાવ બદલાયા નહીં એ વાત દર્શને બરાબર નોંધી.

એ કશું બોલ્યા વગર બધું એમ જ મૂકીને બેડરૂમની બહાર નીકળી ગયો. બહાર નીકળતાં પહેલાં સહેજ અટકીને પ્રણવ તરફ ફર્યા વગર તેણે કહ્યું, ‘ડૉ. પ્રણવ, મને સમજાતું નથી કે તમારી પત્ની તમને ફસાવી રહી છે કે તમે તમારી પત્નીને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો.’ પ્રણવ કશું જ બોલ્યો નહીં એટલે દર્શને છેલ્લું વાક્ય કહ્યું, ‘ને કાં તો કોઈ ત્રીજી વ્યક્તિ તમને બધાને ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે. પોલીસની મદદ કરશો તો બધા સાંગોપાંગ બહાર નીકળી જશો. મને ગૂંચવવાનો કે મારી સાથે રમત રમવાનો પ્રયત્ન કરશો તો છેલ્લે એવી પરિસ્થિતિ આવશે કે હું પણ તમારી મદદ નહીં કરી શકું.’ એટલું કહીને દર્શન સડસડાટ બહાર નીકળી ગયો.

€ € €

જિંદગીનાં કોઈ પણ સત્યો ધીમે-ધીમે ડાઇલ્યુટ થઈ જતાં હોય છે. ગમે એટલાં ભયાનક સત્યો પણ સમય જતાં સહજ સ્વીકાર્ય બનવા માંડે છે. પ્રશ્ન એ છે કે માણસ એ સત્યને કઈ અને કેવી રીતે સ્વીકારે છે... કેટલાંક સત્યો અંધકારમાં હોય છે. એ અજવાળામાં આવે તો આંખો અંજાઈ જાય એવું પણ બને. PI દર્શન પટેલની પરિસ્થિતિ અત્યારે એવી જ હતી. તેણે જે સત્ય શોધવાની તપાસ આદરી હતી એ સત્યના એની સામે

ધીમે-ધીમે ખૂલી રહેલા પડને કારણે તેની આંખો અંજાઈ રહી હતી. તેણે કોઈ દિવસ નહોતું ધાર્યું એવાં સત્યો તેની સામે ખૂલીને આવી રહ્યાં હતાં. દર્શનને સમજાતું નહોતું કે તેને જે દેખાઈ રહ્યાં હતાં એ સત્યો હતાં કે પછી તેની ધારણાઓ, તેની માન્યતાઓ અને તેણે માંડેલી ગણતરીઓ સાચી પુરવાર થવાની હતી.

જાહ્નવી અને શરણને લૉક-અપમાં મૂકીને તે ઘરે જતો રહ્યો. તેણે આજનો દિવસ તેમને આપવાનું નક્કી કર્યું હતું. દર્શનનો આટલાં વર્ષનો અનુભવ એમ કહેતો હતો કે રિમાન્ડ શરૂ કરતાં પહેલાં આરોપીને થોડો સમય આપવામાં આવે તો તેના મગજમાં ચાલી રહેલી ઊથલપાથલને સેટલ થવાનો થોડો સમય મળે. આ સેટલ થયેલી ઊથલપાથલ કેટલીક વાર આરોપીને પોતાની ભૂલ કબૂલી લેવામાં મદદરૂપ પુરવાર થતી હોય છે. દર્શન યુવાન હતો. સ્વતંત્ર રીતે કેસ હૅન્ડલ કરવાનો કદાચ તેને એટલો અનુભવ નહોતો, પરંતુ જુનિયર તરીકે તેણે બહુ બધા કેસનાં ઇન્વેસ્ટિગેશન જોયાં હતાં, કયાર઼્ હતાં. આમ પણ સિનિયર પોસ્ટ પર હોય એના કરતાં વધારે અનુભવ અને મહેનત જુનિયર લેવલ પર કામ કરતા લોકોના ભાગે આવે છે. દર્શન પણ આવા અનુભવમાંથી પસાર થઈને બરાબર ટિપાયો હતો, ઘડાયો હતો. આજે તેણે પોતાના બધા અનુભવોને કામે લગાડવાનું નક્કી કરી લીધું હતું. સિનિયર તરીકે આ પહેલો કેસ જો સૉલ્વ ન થાય તો દર્શન પટેલ માટે આ મોટી હાર હતી.

દર્શનને બરાબર ખબર હતી પોલીસખાતાના રાજકારણ વિશે. અહીં અંદરોઅંદર ઈગો-પ્રૉબ્લેમથી શરૂ કરીને એકબીજાને ‘પાડી દેવાના’ પેંતરા સતત ચાલતા રહેતા. રઘુવીર આમ બધી રીતે દર્શનને મદદ કરી રહ્યો હતો અને દિલનો પણ સારો માણસ હતો. તેણે કોઈને સીધું નુકસાન નહોતું કર્યું, પરંતુ તેને નડેલા કે તેના રસ્તામાં આવેલા કોઈ પણ માણસને રઘુવીરસિંહ ઝાલાએ છોડ્યો નહોતો એ ઇતિહાસથી દર્શન પૂરેપૂરો વાકેફ હતો. એક સિનિયર તરીકે તેનું કહ્યું માનવું, તેના ઑર્ડર્સ ફૉલો કરવા સિવાય તે બીજું કંઈ કરી શકે એમ નહોતો, પણ તેણે આજના શૂટઆઉટ પછી રઘુવીરને આ કેસની બધી વિગતો નહીં આપવાનું નક્કી કરી લીધું.

દર્શનને વિશ્વાસ હતો કે જાહ્નવી અને શરણને મળેલો આ સમય તેમના મનોમંથન માટે, તેમની જાત સાથે વાત કરવા માટે મહત્વનો પુરવાર થશે. જો તેઓ જુઠ્ઠéં બોલતાં હશે તો આ શૂટઆઉટ અને દર્શન પટેલની ઇન્ટરોગેશનની પદ્ધતિ તેમની પાસે સત્ય ઓકાવી લેશે, પણ જો તેઓ સાચાં હોય અને ગભરાટમાં, ઉશ્કેરાટમાં કદાચ વિગતો આપવાની રહી ગઈ હોય તો પણ આ એકાંતનો સમય તેમને ફરી એક વાર આખી ઘટના પર નજર નાખવા માટે પૂરતો થઈ પડશે. ગુનેગાર હશે તો ગુનો કબૂલી લેશે એમાં દર્શનને શંકા નહોતી, પણ નિર્દોષ હોય તો તેમની પાસેથી એવી કોઈક વિગત મેળવવી જરૂરી હતી જે કહેવાનું, આપવાનું તેઓ ભૂલી ગયાં હોય!

આપણે બધા જ, ક્યારેક અજાણતાં તો ક્યારેક જાણીને આપણી ભૂલ કે ગુનો કબૂલતાં ભયાનક ખચકાટ અનુભવીએ છીએ. જાહ્નવી અને શરણનો કિસ્સો જરા વધુ અઘરો એટલા માટે હતો કે તેમના પર ખૂનનો આરોપ હતો. તેઓ જો જરાક ઢીલાં પડે તો તેમને માટે ફાંસી કે જનમટીપ નિિત હતાં. દર્શન બન્નેને સમય આપવા માગતો હતો અને સાથે-સાથે પોતે પણ સમય લેવા માગતો હતો. તેણે જે રીતે આ બન્નેને ડરાવ્યાં, શૂટઆઉટ થયું એ પછી પણ બેમાંથી કોઈએ ગુનેગાર હોવાની દિશામાં નિર્દેશ સુધ્ધાં કર્યો નહીં એ વાતે દર્શન સહેજ હચમચી ગયો હતો.

તેણે જ્યારે બન્નેને પૂછ્યું કે ‘કોઈક તમને ફસાવવા માગતું હોય તો તે કોણ હોઈ શકે?’ ત્યારે બેમાંથી કોઈએ જવાબ નહોતો આપ્યો એ વાતે પણ દર્શનને સહેજ ગૂંચવી નાખ્યો હતો. પોલીસની નોકરી સ્વીકારતી વખતે દર્શને મનોમન ગાંઠ વાળી લીધી હતી કે ગુનેગારને છોડીશ નહીં અને નિર્દોષને ફસાવા નહીં દઉં... તેનો આ નિર્ણય, ગાંઠ કે દૃઢ નિય હવે તેને બેચેન કરી રહ્યો હતો.

જાહ્નવી અને શરણને એકલાં છોડીને દર્શન ઘરે ચાલી ગયો. તે ઘેર પહોંચ્યો ત્યારે મોડી સાંજ થવા આવી હતી. ઘેર જઈને જમ્યા વગર દર્શન સીધો પોતાની રૂમમાં જઈને પલંગ પર આડો પડ્યો. મહત્વના કેસની તપાસ ચાલતી હોય કે ચાર્જશીટ બનાવવાનો સમય હોય ત્યારે દર્શન દિવસો સુધી ઘરે ન આવે એ વાતથી તેનો પરિવાર ટેવાઈ ગયો હતો. ક્યારેક ચોવીસ કલાકથી વધારે ઊંઘ્યા કરે તો પણ તેના ઘરમાં કોઈને નવાઈ લાગતી નહીં. આજે દર્શન જે રીતે આવીને સીધો પોતાની રૂમમાં જતો રહ્યો હતો એ દર્શનના પરિવારના લોકો માટે બહુ નવાઈની ઘટના નહોતી છતાં તેની મમ્મી અચૂક તેની આવી મન:સ્થિતિમાં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતી.

પલંગ પર આડો પડેલો દર્શન અપલક છત તરફ જોઈ રહ્યો હતો. તેને માટે આ કેસ ખૂબ ગૂંચવણભર્યો પુરવાર થઈ રહ્યો હતો. બારણાને ટકોરા પડ્યા, દર્શન જવાબ આપે એ પહેલાં તેની મમ્મી દરવાજો ખોેલીને દાખલ થઈ. બકુલાબહેન સ્કૂલમાં ટીચર હતાં. તેમની કારર્કિદીના હવે છેલ્લાં બે વર્ષ બાકી હતાં. આટલાં વર્ષોના શિક્ષક તરીકેના અનુભવમાં બકુલાબહેન એવું શીખ્યાં હતાં કે સામાન્ય રીતે કાઉન્સેલિંગ એ કોઈની પાસે વિગતો કઢાવવાની રીત નથી. ધીમે-ધીમે ઊઘડી રહેલો માણસ પોતે જ પોતાની જાતે વિચારતો થાય છે. તે જ્યારે પોતાની વાત કહી રહ્યો હોય ત્યારે માત્ર શાંતિથી સાંભળવાની પ્રવૃત્તિ પણ એ ગૂંચવાયેલા માણસને પોતાના અનેક સવાલના જવાબ જાતે શોધવામાં મદદ કરતી હોય છે.

દર્શનને છતમાં અપલક તાકી રહેલો જોઈને બકુલાબહેનને સમજાઈ ગયું કે દર્શન કોઈક બાબતે ખૂબ ગૂંચવાયેલો અને અકળાયેલો છે. તેમણે રૂમમાં દાખલ થઈને કહ્યું, ‘થાક્યો છે?’ દર્શને જવાબ આપ્યા વગર માની સામે જોઈને હળવેકથી ડોકું ‘હા’માં  ધુણાવી દીધું, ‘જમીને સૂઈ જજે.’ માએ કહ્યું, ‘છેલ્લા ત્રણ દિવસથી તેં ધરાઈને ધાન ખાધું નથી.’

‘મા!’ દર્શન માટે પોતાની આસપાસનાં સત્યોમાંથી દોરા છૂટા પાડીને છેડા પકડવાનો સમય શરૂ થયો હતો કદાચ. તેને બકુલાબહેનમાં બહુ શ્રદ્ધા હતી. તેની જિંદગીની અનેક ગૂંચવણોમાં બકુલાબહેને પ્રત્યક્ષ રીતે કોઈ મદદ કરી હોય કે નહીં પણ પરોક્ષ રીતે રસ્તો શોધવામાં તેઓ હંમેશાં મદદરૂપ થયાં હતાં, ‘મને એક વાત કહે...’ દર્શન બેઠો થયો, ‘આ જાહ્નવીના કેસની વિગતો તો છાપામાં તેં વાંચી જ છે. તને શું લાગે છે?’

બકુલાબહેન હસી પડ્યાં, ‘મને એ છોકરી નિર્દોષ લાગે છે. ભણેલીગણેલી, બુદ્ધિશાળી છોકરી જે કમાઈ શકે છે તે શા માટે ખૂન કરવાનું રિસ્ક લે?’ તેમની આંખોમાં જે સ્વચ્છતા અને સ્પક્ટતા હતી એનાથી દર્શન હંમેશાં અભિભૂત થઈ જતો. આજે પણ થઈ રહ્યો હતો, ‘તારી ભાભીને બધી વાતમાં મારી સાથે બને છે એવું તો નથી...’ તેમણે ઘરનો જ દાખલો આપ્યો, ‘તે તેના વરને ફરિયાદ કરે, વર ન સાંભળે તો મારી સાથે સીધો ઝઘડો કરે, એ પછી પણ કંઈ ન થાય તો પોતાને ઘેર જતી રહે. ખૂન થોડી કરે?’ બકુલાબહેને કહ્યું.

‘બસ, આ એક જ વાત તેના પક્ષમાં છે.’ દર્શને કહ્યું, ‘તેનો એક બૉયફ્રેન્ડ છે. રાત્રે તે તેના ઘરમાં હતો.’ દર્શને સહેજ અચકાઈને કહ્યું, ‘કદાચ... પથારીમાં.’

‘તો?’ બકુલાબહેન ખૂબ મૉડર્ન હતાં. ગુજરાતી સાડી પહેરેલી, સાદો ચોટલો વાળતી, પતિના મૃત્યુ પછી ચાંદલો ન કરતી સ્ત્રી પોતાના અંગત જીવનમાં કદાચ રૂઢિચુસ્ત વિચારોને છોડી ન શકી હોય તો પણ તેણે આજની દુનિયા સાથે કદમ મિલાવવાનો માનસિક રીતે અથાક પ્રયાસ કર્યો હતો, ‘એને કારણે ખૂન નથી થયું.’ તેમણે કોઈક જજની જેમ ફેંસલો આપ્યો, ‘કદાચ જાહનવી પકડાઈ પણ ગઈ હોય તો રડી-કકળીને ફરી નહીં કરવાનાં વચનો સાથે પહેલી વાર તો દુનિયાની કોઈ પણ સ્ત્રી માફી જ માગે, બેટા.’ તેમણે ઊંડો શ્વાસ લઈને ધીમેકથી કહ્યું, ‘ને દુનિયાની કોઈ પણ સ્ત્રી આવો પહેલો ગુનો માફ પણ કરી જ દે.’ દર્શન નવાઈથી સાંભળી રહ્યો, ‘તને એક વાત કહું બેટા? કોઈ મા એવું ન ઇચ્છે કે તેનાં દીકરા-વહુ વચ્ચે પ્રૉબ્લેમ થાય. એકાદ-બે વાર વહુના નાના-મોટા ગુના કોઈ પણ સાસુ માફ કરે.’ દર્શન માટે આ કેસની એક તદ્દન ઘરેલુ છતાં જુદી જ દિશા ઊઘડી રહી હતી, ‘હું બહુ જાણતી નથી, પણ તને ખાતરીથી કહી શકું કે જાહ્નવી આ માણસને સૂવા માટે પોતાના ઘરે નહીં લાવી હોય.’

‘એવું તું કેવી રીતે કહી શકે?’ દર્શને પૂછ્યું, ‘તે તેનો જૂનો બૉયફ્રેન્ડ છે, અવારનવાર તેને મળવા જ અમદાવાદ આવતો હતો. જાહ્નવીને કારણે હજી પરણ્યો નથી તે માણસ. ભ્પ્ની દીકરીને ના પાડી, સમજે છે તું? કેટલો પાગલ હશે આની પાછળ...’

દર્શન આગળ બોલે એ પહેલાં બકુલાબહેને વચ્ચે જ કહ્યું, ‘હશે.’ તે થોડીક ક્ષણ દર્શન સામે જોઈ રહ્યાં, પછી તેમણે વેધક રીતે પૂછ્યું, ‘મારે તને એક સવાલ પૂછવો છે. આ તારો...’ તેઓ નામ ભૂલી ગયાં.

તેમને નામ યાદ કરવાની કોશિશ કરતાં જોઈને દર્શને કહ્યું, ‘શરણ શ્રીવાસ્તવ?’

‘હા... શરણ.’ તેમણે કહ્યું, ‘એ શરણ હોટેલમાં ઊતરતો હશેને?’

‘હંઅઅઅ...’ દર્શને ડોકું ધુણાવ્યું, ‘રાજપથ ક્લબમાં રહે છે.’

‘તો તો ઓર સહેલું પડે. રિસેપ્શન પરથી પસાર જ ન થવું પડે.’ બકુલાબહેને કહ્યું. માને ક્લબની સિસ્ટમની આ ઝીણી વિગત સમજાઈ અને પોતાનું એ તરફ કેમ ધ્યાન જ ન પડ્યું એ વાતની દર્શનને નવાઈ લાગી. તે વચ્ચે બોલ્યો નહીં, તેણે માને કહેવા દીધું, ‘જાહ્નવીને તેની સાથે લફરાં કરવાં જ હોય, સૂવંટ જ હોય તો તે ઘરે બોલાવે એટલી મૂરખ તો નહીં જ હોય, એવું મને લાગે છે. તે રાજપથ ક્લબમાં જઈને તેને જે કરવું હોય તે કરી જ શકે, ખરું કે નહીં?’ દર્શનની આંખો ચમકી. બકુલાબહેન કહેતાં રહ્યાં, ‘જે કામ સરળતાથી બહાર થઈ શકે એમ હોય એને માટે પોતાના બૉયફ્રેન્ડને ઘરે બોલાવે એટલી મૂરખ તો નહીં જ હોય આ છોકરી. સાસુને ખબર ન પડે તો પાડોશીઓ જુએ, પાડોશીઓ ન જુએ તો સોસાયટીના વૉચમૅનને ખબર પડે. ઘરમાં નોકર-ચાકર હશે. તેમને પણ કદાચ...’ બકુલાબહેને આંખો મીંચીને ફરી એક ઊંડો શ્વાસ લીધો, ‘આટલું મોટું રિસ્ક લઈને એક પરણેલી, સુખી-સંપન્ન ઘરની સ્ત્રી લફરું ન કરે.’

દર્શન માટે આ આંખ ઉઘાડનારી માહિતી હતી. અત્યાર સુધી તે જે દિશામાં વિચારતો હતો એનાથી તદ્દન જુદી, ઊંધી દિશામાં તેની માએ તેને માટે એક દરવાજો ખોલી આપ્યો હતો.

‘પણ તો પછી...’

‘જો બેટા, હું તારા જેટલું નથી સમજતી, પણ તને એક વાત કહી શકું કે તે માણસ રાત્રે તેના ઘરમાં હતો એ વાત કાં તો તદ્દન ઉપજાવી કાઢેલી છે. જાહ્નવીને કોઈક આ કહેવા માટે મજબૂર કરી રહ્યું છે. જો એમ નથી અને ખરેખર તે છોકરો તેના ઘરમાં હતો તો એનાં કારણો કંઈક જુદાં છે, પ્રેમપ્રકરણ તો ન જ હોઈ શકે.’

‘તું અમેઝિંગ છે મા.’ દર્શને કહ્યું.

‘લગભગ દરેક મા અમેઝિંગ જ હોય.’ બકુલાબહેને સ્માઇલ કરી. તે અત્યાર સુધી ઊભાં રહીને વાત કરતાં હતાં, હવે તે દર્શનની બાજુમાં બેસી ગયાં. તેના સુક્કા-બરડ થઈ ગયેલા વાળમાં હાથ ફેરવીને તેમણે દર્શનના માથામાં ટપલી મારી, ‘ચલ, તેલ નાખી આપું. તારા જટિયા જો.’ પછી આટલા મોટા, પુરુષ થઈ ગયેલા દીકરાને ગાલ પર હળવી પપ્પી કરીને તેમણે કહ્યું, ‘માથામાં તેલ નાખીને, જમીને સૂઈ જા. વઘારેલી ખીચડી કરી છે. પેટ ભરાશે ને માથું ઠંડુ થશે અને તો સવારે આપોઆપ તને સૂઝવા માંડશે. ગૂંચ આપોઆપ ઉકેલાવા માંડશે. ભૂખ્યા પેટે અને કોરા વાળ સાથે રાત માથે લઈને ચોરની જેમ ફરે છે આખા ગામમાં...’ દર્શને માની સામે જોયું. તેને લાગ્યું કે માની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં છે. તે કંઈ બોલ્યો નહીં. બન્ને જણ થોડી ક્ષણ  સુધી એકબીજા સામે જોતાં રહ્યાં, પછી બકુલાબહેને ભરાયેલા ગળે કહ્યું, ‘પ્રેમ તો તેં પણ કર્યો છે, પણ તે પરણી ગઈ પછી...’તેઓ આગળ બોલ્યાં નહીં, દર્શન પણ કંઈ બોલ્યો નહીં. બકુલાબહેન ગળું ખોંખારીને, અવાજ સાફ કરીને કહ્યું, ‘તેની જિંદગીમાં કોઈ તકલીફ હોય તો તું દોડી જાય છેને? એમ છતાં તેની જિંદગીમાં કંઈ નુકસાન થાય, મુશ્કેલી ઊભી થાય એવું કરે તું? જો આ સવાલનો જવાબ તને ખબર હોય તો તને એ પણ સમજાશે કે આ છોકરો શું કરી શકે અને શું ન કરી શકે...’ કહીને બકુલાબહેન ઊભાં થઈ ગયાં. બહાર જતાં-જતાં તેમણે ઉમેર્યું, ‘ચાલ, જમી લે... બધા તારી રાહ જુએ છે.’

દર્શન ઊભો થયો. બન્ને હાથ ઊંચા કરીને તેણે જોરથી આળસ મરડી. તેને અત્યાર સુધી બેચેન કરી રહેલી ગૂંચવણ અને મૂંઝવણ ઉકેલવાનો રસ્તો જડ્યો એને કારણે તેના ચહેરા પર અજબ નિરાંત પથરાઈ ગઈ. તેણે પોલીસની વર્દી ઉતારી, કપડાંના કબાટમાંથી ખાદીનો સદરો અને લેંઘો કાઢ્યાં. ઇસ્ત્રી કરેલાં સરસ સફેદ કપડાં પહેરી, મોઢા પર પાણી છાંટી, વાળમાં ભીનાં આંગળાં ફેરવી, ફ્રેશ થઈને તે રૂમની બહાર નીકળ્યો ત્યારે તેની પાસે એક નવી લીડ હતી. તેણે હવે પોતાની તપાસ આ નવા વિચારને કેન્દ્રમાં રાખીને કરવાની હતી.

€ € €

અમદાવાદના ઍરપોર્ટ પરથી સોહમ જે ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થયો એ જ ફ્લાઇટ દિલ્હીથી લેન્ડ થઈ એમાં શરણની મા સીમા અને રઘુનાથ અમદાવાદ પહોંચ્યાં.

અમદાવાદ ઍરપોર્ટના ગ્લાસડોર્સમાંથી બહાર જોઈ રહેલો સોહમ દિલ્હીથી આવેલી ફ્લાઇટમાંથી ઊતરતા પૅસેન્જર્સને જોઈ રહ્યો હતો. અમદાવાદથી જે પૅસેન્જર્સ દિલ્હી જવા પ્રતીક્ષા કરી રહ્યા હતા તેઓ હવે બોર્ડિંગ માટેની લાઇનમાં ઊભા રહી ગયા હતા. સોહમને કોઈ ઉતાવળ નહોતી. તે આરામથી ખુરસીમાં બેસીને ફ્લાઇટમાંથી ઊતરીને પૅસેજમાંથી પસાર થઈને બહારની તરફ જઈ રહેલા પ્રવાસીઓને જોઈ રહ્યો હતો.

સોહમની નજર સામેથી સીમા અને રઘુનાથ પસાર થયાં, પણ સોહમે બન્નેને પહેલાં કોઈ દિવસ જોયાં નહોતાં, તે તેમને ઓળખતો નહોતો. સીમા અને રઘુનાથ બોર્ડિંગ પ્રતીક્ષા કરી રહેલા સોહમની નજર સામેથી પસાર થયા, પણ સોહમને એવી ખબર ન પડી કે આ શરણની મા અને લીલાધર શ્રીવાસ્તવનો ખાસ માણસ છે!

જો સોહમને કદાચ ખબર પડી ગઈ હોત કે આ લોકો શરણની મદદ કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યાં છે તો સોહમ પોતાનો બોર્ડિંગ પાસ પાછો આપીને, દિલ્હી જવાનું કૅન્સલ કરીને સીધો પ્રણવ પાસે પહોંચ્યો હોત.

(ક્રમશ:)

Comments (1)Add Comment
...
written by HIREN SHAH, April 25, 2018
what about after this episodes
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK