વધારે મહત્વનું શું છે એ જાણવું વધારે મહત્વનું છે

મનુષ્ય અન્ય પ્રાણીઓથી અલગ પડે છે એમાંની એક બાબત તેની વાચા છે.

મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

આપણે બોલચાલ, લખાણ કે ઇશારા દ્વારા સંવાદ સાધી શકીએ છે. પણ શું તમને ખબર છે કે અન્ય લોકો સાથેના સંવાદ પહેલાં પણ એક ઘણું જ મહત્વપૂર્ણ ચરણ આવતું હોય છે? એ ચરણ છે જાત સાથેનો સંવાદ.

તમે બાહ્ય જગતમાં કંઈ પણ કરો એ પહેલાં માહિતી પર આંતરિક જગતમાં પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. ઘણા લોકો આ અગત્યનું ચરણ ભૂલી જાય છે. આવા લોકોને આપણે અવિચારી કહીએ છીએ.

મેં આવા અનેક લોકો જોયા છે. આપણને તેમના પર દયા આવે, કારણ કે તેઓ વાતચીતમાં હંમેશાં ભોઠા પડતા હોય છે. આવા લોકો પહેલાં બોલી નાખે અને પછી વિચાર કરે. ખરેખર તો બોલતાં પહેલાં વિચાર કરવો જરૂરી છે.

બિઝનેસમાં ટર્નઓવર કે સેલ્સનું મહત્વ હોય છે. ટર્નઓવર જેટલું વધારે હોય એટલો નફો પણ વધારે હોવો જોઈએ. જોકે ઘણી વાર એવું થતું નથી. આજકાલની ઈ-કૉમર્સ કંપનીઓ વિવિધ કારણોસર ખોટ કરીને પણ ધંધો કરે છે. ક્યારેક ગ્રાહકોની પસંદગી બદલાઈ જવાને લીધે (મોબાઇલ અને મહિલાઓનાં વસ્ત્રોમાં આવું ખાસ જોવા મળે છે), માલ બગડી જાય એવો અર્થાત્ નાશવંત હોવાને લીધે (ફળ, શાકભાજી, દૂધ), આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી ગયા હોવાથી (દાખલા તરીકે ચા, કૉફી, સોનું, ધાતુ વગેરે) ખોટ કરીને પણ માલ વેચવો પડે છે.

બિઝનેસમાં બે પ્રકારના ખર્ચ હોય છે : સ્થિર અને અસ્થિર. સ્થિર ખર્ચમાં પગાર, ભાડું, ટેલિફોન બિલ, વીજળીનું બિલ, વ્યાજની ચુકવણી વગેરે આવે છે. તમારું ટર્નઓવર ઓછું હોય કે વધારે હોય, આ નિશ્ચિત ખર્ચ કરવા જ પડતા હોય છે. અનિશ્ચિત અથવા તો અસ્થિર ખર્ચ ટર્નઓવરની સાથે વધતા-ઘટતા હોય છે. કાચા માલનો ખર્ચ ઉત્પાદન પ્રમાણે વધતો-ઘટતો હોય છે. અમુક ક્ષમતા કરતાં વધારે માલનું ઉત્પાદન કરવું પડે એ સ્થિતિમાં વધુ કર્મચારીઓ રાખવા પડે એ પણ શક્ય છે. બૅન્કિંગ અને નાણાકીય સેવાઓ, સૉફ્ટવેર જેવાં ક્ષેત્રોમાં કર્મચારીઓનો ખર્ચ અસ્થિર હોય છે.

માલ વેચવામાં આવે ત્યારે પહેલાં અસ્થિર ખર્ચ નીકળવો જોઈએ અને પછી સ્થિર ખર્ચનો અમુક હિસ્સો નીકળવો જોઈએ. જો આ બન્ને પ્રકારના ખર્ચ નીકળ્યા પછી રકમ બચી હોય તો એ નફો કહેવાય અન્યથા ખોટ કહેવાય. આમ વેચાણ કે આવક કરતાં નફો કમાવો એ વધારે મહત્વનું છે.

નફો કર્યા પછી કે આવક રળ્યા પછી પણ બધા પૈસા ખર્ચાઈ જાય નહીં એ અગત્યનું છે. માણસે મોટી બીમારીનો ખર્ચ આવી જાય, નોકરી જતી રહે વગેરે જેવી તાકીદની સ્થિતિ માટે પૈસા બચાવી રાખવા જોઈએ. આ ઉપરાંત સંતાનોના ઉચ્ચાભ્યાસ, તેમનાં લગ્ન, પરિવાર માટે ઘર-કારની ખરીદી, વિદેશપ્રવાસનો ખર્ચ, નિવૃત્ત જીવનનો ખર્ચ વગેરે માટે જોઈતા પૈસા પણ જમા કરવાની જરૂર હોય છે.

વર્તમાન યુગમાં આવરદા વધી છે, પરંતુ દવાઓના સહારે જીવન ટકે છે. આમ નિવૃત્તિ બાદ દવાઓનો અને જીવનનિર્વાહનો એમ બે પ્રકારના ખર્ચ કરવા પડે છે. આમ બચત જેટલી વધારે રહે એટલું સારું કહેવાય.

આ ઉપરાંતનું ઘણું મોટું જોખમ ફુગાવાનું એટલે કે મોંઘવારીનું હોય છે. જો આપણે સેવિંગ્સ અકાઉન્ટમાં કે ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રાખીએ અને આવકવેરાના લાગુ પડતા સ્લૅબ પ્રમાણે વેરો ચૂકવીએ તો ફુગાવાને પહોંચી વળવાનું શક્ય બનતું નથી, કારણ કે આપણાં પરંપરાગત રોકાણો પર મળતા વળતર કરતાં મોંઘવારી વધારે હોય છે.

કહેવા માટે તમારા પૈસા વધતા હોય છે, પરંતુ ફુગાવાને ગણતરીમાં લીધા બાદ ખરી રીતે પૈસા ઘટતા હોય છે. ધારો કે તમે ફિક્સ્ડ ડિપોઝિટ પર ૭ ટકા વ્યાજ કમાઓ છો. જો તમે આવકવેરાના સૌથી ઉપલા સ્લૅબમાં આવતા હો તો તમારી વ્યાજની ખરી આવક ૭ને બદલે ૪.૭૫ ટકા જેટલી જ થાય, જ્યારે ફુગાવાના સરેરાશ ૬ ટકાના દર કરતાં ઓછી થાય.

જો તમે બચતનો અમુક હિસ્સો ઇક્વિટીમાં રોકતા જાઓ તો લાંબા ગાળે ફુગાવાને પહોંચી વળવાનું શક્ય બને છે. તેજી-મંદી બન્નેને ધ્યાનમાં લીધા બાદ લાંબા ગાળે ઇક્વિટીમાં ૧૨થી ૧૫ ટકાનું વળતર મળતું આવ્યું છે.

મ્યુચ્યુઅલ ફન્ડ મારફત ડેટ સાધનોમાં રોકાણ કરો તો કરવેરામાં મળતી છૂટને લીધે એનું વળતર પણ થોડું વધારે જ મળ્યું કહેવાય. આ રોકાણમાં કૅપિટલ ગેઇન્સ ટૅક્સ તમારા આવકવેરાના સ્લૅબ કરતાં ઘણો ઓછો જતો હોય છે. એટલું જ નહીં, તમે કરવેરાની લાયબિલિટી પાછળ ઠેલી શકો છો; કારણ કે તમે ફન્ડનું રિડમ્પશન કરાવો એ જ રકમ પર કરવેરો લાગુ પડે છે, રકમ વધતી જાય ત્યારે નહીં.

ઇક્વિટીઝમાં પણ હવે સરકારે ૧૦ ટકાનો કૅપિટલ ગેઇન્સ ટૅક્સ નાખ્યો છે. અત્યાર સુધી આ ટૅક્સ શૂન્ય હતો. આમ ૧૨ મહિનાના રોકાણ બાદ નફા પર ૧૦ ટકાના દરે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ભરવો પડે છે. જો દર દસ વર્ષે (અંદાજે ૭.૨૦ ટકાના વાર્ષિક દરે) એક રૂપિયો જો બમણો થાય તો ૪૦ વર્ષે એ ૧૬ રૂપિયા સુધી પહોંચી જાય. જો એ દર પાંચ વર્ષે બમણો થાય (આશરે ૧૪.૪૦ ટકાના દરે) તો ૪૦ વર્ષે ૨૫૬ રૂપિયા સુધી પહોંચી જાય. આમ ફક્ત બચત કરવાથી કંઈ થતું નથી, પૈસાને વધારવાનું પણ જરૂરી હોય છે.

આપણે ઉપર કરેલી વાતનો સાર એટલો જ છે કે...

ફક્ત ટર્નઓવર વધારવા કરતાં નફો કમાવાનું વધારે મહત્વનું હોય છે.

કમાણી પૂરેપૂરી ખર્ચી નાખવી જોઈએ નહીં.

માત્ર બચત કરવાને બદલે પૈસા વધે એ રીતનું રોકાણ કરવું.

વગર વિચાર્યે બોલવું નહીં.

આપણે નાણાકીય વર્ષના છેલ્લા સપ્તાહમાં છીએ. તમારા સ્લૅબ પ્રમાણે અને આવક પ્રમાણે આવતો કરવેરો ભરો, કલમ ૮૦C અને ૮૦D હેઠળ કરબચત માટે મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ જેવી સ્કીમનો લાભ લો, PPFમાં પૈસા રોકો, જીવનવીમો લો અને મેડિક્લેમ કરાવો. તમે કોઈ દાન-ધર્મ કર્યો હોય તો એને ૮૦G હેઠળ કરબચતનો લાભ મળે છે કે નહીં એ પણ તપાસી લેવું.

જો તમે ડેટ સાધનોમાં મોટી રકમ રોકવા માગતા હો તો ડેટ મ્યુચ્યુઅલ ફન્ડમાં ૩૧ માર્ચ પહેલાં રોકાણ કરી લો (ખરી રીતે તો ૨૮ માર્ચનો દિવસ જ નાણાકીય વ્યવહારો માટેનો છેલ્લો વર્કિંગ ડે છે), જેથી એક વધુ વર્ષ માટે ઇન્ડેક્સેશન બેનિફિટ પ્રાપ્ત કરી શકાય.

(લેખક CA, CPF અને FRM છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK