લિંગાયતને અલગ ધર્મ તરીકેની માન્યતા આઝાદી પછી ઓળખનું અને સંખ્યાનું રાજકારણ વકર્યું છે

આજકાલ ભારતમાં ઉદારમતવાદી હિન્દુ નામની જમાત ક્ષીણ થઈ રહી છે અને સરેરાશ હિન્દુ ઓળખઆગ્રહી હિન્દુ બની રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોના નેતાઓ ધર્મની બાબતમાં પ્રગતિશીલ ભૂમિકા લેતાં ડરે છે. હિન્દુ નેતાઓ બીજે જાય કે ન જાય, હિન્દુ મંદિરોમાં જરૂર જાય છે

ramesh

નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

કર્ણાટકની કૉન્ગ્રેસ સરકારે લિંગાયતોને હિન્દુ કરતાં અલગ ધર્માનુયાયીનો દરજ્જો આપ્યો છે. ઇરાદો દેખીતી રીતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીતવાનો છે અને આ વખતની ચૂંટણી ખરાખરીની છે. કર્ણાટકમાં લિંગાયત કોમનું પ્રમાણ ૧૧ ટકાથી લઈને ૨૦ ટકા હોવાનું માનવામાં આવે છે. અહીં પ્રશ્ન થશે કે આવું તે કંઈ હોય? વસ્તીના પ્રમાણમાં ટકો-બે ટકાનો ફરક સમજી શકાય છે, નવ ટકાનો ફરક હોય? કર્ણાટકનું રાજકીય રહસ્ય આ વાતે છે અને એટલે તો લિંગાયતોને આપવામાં આવેલો લઘુમતી ધર્મનો દરજ્જો કર્ણાટકમાં કૉન્ગ્રેસને કેટલી હદે ફળશે એ વિશે કોઈ ખાતરીપૂર્વક કંઈ કહી શકે એમ નથી. કૉન્ગ્રેસ અને ગ્થ્ભ્ સહિત બધા જ ડરેલા છે, કારણ કે લિંગાયતોની સંખ્યા અને અલગ ધર્મ વિશેનું તેમનું વલણ ભરેલા નારિયેળ જેવું છે.

લિંગાયતોની ધર્મશ્રદ્ધાની ચિંતા કરનારા કર્ણાટકના મુખ્ય પ્રધાન નાસ્તિક છે. એક સમયે તેમણે રેકૉર્ડ પર આમ કહ્યું હતું જ્યારે તેઓ પ્રગતિશીલ સમાજવાદી હતા અને જનતા પાર્ટીના સભ્ય હતા. અત્યારે તેઓ કહે છે કે તેઓ આધ્યાત્મિકતામાં માને છે અને એ અર્થમાં આસ્તિક છે, પણ ધાર્મિક અંધશ્રદ્ધામાં નથી માનતા. આજકાલ ભારતમાં ઉદારમતવાદી હિન્દુ નામની જમાત ક્ષીણ થઈ રહી છે અને સરેરાશ હિન્દુ ઓળખઆગ્રહી હિન્દુ બની રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોના નેતાઓ ધર્મની બાબતમાં પ્રગતિશીલ ભૂમિકા લેતાં ડરે છે. હિન્દુ નેતાઓ બીજે જાય કે ન જાય, હિન્દુ મંદિરોમાં જરૂર જાય છે.

પહેલાં હિન્દુઓ આવો આગ્રહ રાખતા નહોતા. આ દેખાદેખીનું પરિણામ છે. જેરુસલેમમાં જેની સ્થાપના થઈ હતી એવા સેમીટિક ધર્મોનો હિન્દુ ધર્મ પર વિજય થઈ રહ્યો છે જેની ચર્ચા આ લેખમાં આગળ જતાં કરવામાં આવશે. આ હિન્દુ માટે ગર્વ લેવા જેવી વાત છે કે શરમાવા જેવી એનો નિર્ણય તમારે કરવાનો છે. મારી જાણકારી મુજબ આજે શરદ પવાર અને એમ. કરુણાનિધિ એમ બે જ નેતા બચ્યા છે જે વોટ મેળવવા માટે કોઈ પણ ધર્મનાં ધર્મસ્થળોએ જતા નથી કે ધર્મગુરુઓને ઘાસ નાખતા નથી.

તો કર્ણાટકમાં લિંગાયતોની વસ્તી ૧૧ ટકાથી લઈને ૨૦ ટકા સુધી લાંબે પને શા માટે છે અને કૉન્ગ્રેસને લિંગાયતોને રાજી કરીને પણ તેમના મત મેળવવાની ખાતરી શા માટે નથી એ સમજી લઈએ. કર્ણાટકમાં વીરશૈવ અને લિંગાયત વચ્ચે ઓળખની સમસ્યા છે. તમામ વીરશૈવ લિંગાયત નથી અને તમામ લિંગાયત વીરશૈવ નથી, પરંતુ વીરશૈવ મઠ અને કેટલાક લિંગાયતો દાવો કરે છે કે તમામ લિંગાયતો વીરશૈવ છે. વીરશૈવ ભગવાન શંકરને માને છે અને લિંગપૂજા કરે છે. લિંગાયતો પણ શિવને માને છે અને લિંગની આરાધના કરે છે. ભારતમાં અનેક શિવભક્તો છે એમાં એક લિંગાયત છે એમ વીરશૈવ આચાર્યો અને કેટલાક લિંગાયતો કહે છે. બીજી બાજુ લિંગાયતો શિવની આરાધના કરતા હોવા છતાં વીરશૈવથી અલગ છે અને માટે હિન્દુ સનાતન ધર્મથી અગલ છે એવો દાવો કરનારાઓ કહે છે કે લિંગાયતો વેદ, પુર્નજન્મ અને જ્ઞાતિપ્રથામાં માનતા નથી જે હિન્દુ ધર્મનાં મૂળ તkવો છે. આ સિવાય પણ બીજા ભેદ છે જે મુખ્યત્વે આ મુજબ છે:

૧. વીરશૈવ સંપ્રદાય એમ માને છે કે એના સ્થાપક પાંચ આચાર્યો હતા, જ્યારે લિંગાયતો એમ માને છે કે લિંગાયત સંપ્રદાયના સ્થાપક બાસવન્ના નામના એક જ આચાર્ય હતા.

૨. વીરશૈવો વેદ, આગમ અને સિદ્ધાંત શિક્ષામણિ નામના ધર્મગ્રંથોમાં માને છે, જ્યારે લિંગાયતો માત્ર બાસવન્નાના વચન-સાહિત્યમાં માને છે.

૩. વીરશૈવો સામાજિક અને લૈંગિક સમાનતામાં માનતા નથી. તેઓ જ્ઞાતિમાં માને છે અને સામાજિક નિસરણી પર તેઓ આરાધ્યને સર્વોચ્ચ સ્થાને મૂકે છે અને એ પછી બીજી જ્ઞાતિઓને ઊતરતા ક્રમે મૂકે છે. આની સામે લિંગાયતો સંપૂર્ણપણે સામાજિક અને લૈંગિક સમાનતામાં માને છે.

૪. વીરશૈવ લિંગપૂજા કરે છે એટલે કે લિંગની મૂર્તિની પૂજા કરે છે. તેઓ કંઠ પર નાગધારી શિવને વેદ માને છે. લિંગાયતો ઇક્ટલિંગની આરાધના કરે છે, પ્રત્યક્ષ પૂજા નથી કરતા; કારણ કે તેમના શિવ નિરાકાર છે. જોકે તેઓ ગળામાં હારની જેમ શિવલિંગનું લૉકેટ પહેરે છે, પણ સ્થૂળ અર્થમાં જેને પૂજા કહેવામાં આવે છે એવી પૂજા નથી કરતા.

૫. વીરશૈવોનાં મંદિર છે, તેમના મઠ છે, આચાર્યો છે અને પૂજારીઓ છે. લિંગાયતોનાં મંદિરો જ નથી. તેઓ જે સ્થળે સત્સંગ માટે ભેગા થાય છે એને અનુભવ મંડપ તરીકે ઓળખવામાં આવે છે. અનુભવ મંડપમાં આધ્યાત્મિકતાનો અનુભવ કરવાનો હોય છે, કોઈ ધાર્મિક ક્રિયાકાંડ કરવામાં નથી આવતા. અનુભવ મંડપમાં ભજન-સત્સંગ-પ્રવચનો વગેરે થાય છે.

૬. વીરશૈવોના મૃતદેહને બાળવામાં આવે છે, જ્યારે લિંગાયતો મૃતદેહની દફનવિધિ કરે છે.

શિવની આરાધના કૉમન હોવાથી વીરશૈવ અને લિંગાયત એક જ છે અને હિન્દુઓના બીજા અનેક સંપ્રદાયોમાં જોવા મળે છે એમ મામૂલી ફરક છે એટલે લિંગાયત હિન્દુ શૈવ છે એવી માન્યતા દૃઢ થતી રહી છે. ભારતમાં જ્યાં સુધી વસ્તીગણતરી શરૂ નહોતી થઈ ત્યાં સુધી કોણ શું છે એની ખાસ ચિંતા કરવામાં નહોતી આવતી. ઓળખના પૃથકતાવાદી રાજકારણની શરૂઆત બે કારણે થઈ : એક પાશ્ચત્ય શિક્ષણ જેણે પ્રજાને પોતાની ઓળખ વિશે સભાનતા આપી અને બીજું કારણ હતું વસ્તીગણતરી. આ બન્ને કારણે સંખ્યાની શક્તિનો ભારતની પ્રજાને પરિચય થયો. ૧૮૮૧ની પહેલી સંપૂર્ણ વસ્તીગણતરી વખતે મૈસૂર રાજ્યના બ્રાહ્મણ દીવાન સી. રંગાચારાલુએ લિંગાયતોની ગણના શૂદ્ર હિદુ તરીકે કરાવી હતી. ભારતને આઝાદી મળી ત્યાં સુધી સત્તાવારપણે લિંગાયતોની હિન્દુ તરીકેની ઓળખ કાયમ રહી હતી.

વીરશૈવ અને લિંગાયતો વચ્ચે ઉપર જે છ ભેદ ગણાવ્યા એ શિવ આરાધનાના એક કૉમન તત્વને છોડી દો તો બાકી આચાર-વિચારમાં ફરક ઘણો મોટો છે. અહીં સવાલ એ આવે છે કે કોણ કોને મહત્વ આપે છે એનો. એ. કે. રામાનુજથી લઈને બીજા અનેક વિદ્વાનો લિંગાયતોનાં ધાર્મિક લક્ષણોને ધ્યાનમાં લઈને એને વીરશૈવ અથવા હિન્દુ સંપ્રદાય ગણાવે છે તો બીજા કેટલાક વિદ્વાનો સામાજિક લક્ષણોને ધ્યાનમાં લઈને હિન્દુ કરતાં અલગ ગણાવે છે. જેમની હત્યા કરવામાં આવી હતી એ કન્નડ સાહિત્યકાર એમ. એમ. કાલબુર્ગી અને પત્રકાર ગૌરી લંકેશ આમ માનતાં હતાં. તેમની હત્યા લિંગાયત ગેરહિન્દુ છે અને તેમને એવી માન્યતા મળવી જોઈએ એવા આગ્રહના કારણે કરવામાં આવી હતી એમ માનવામાં આવે છે.

જે લિંગાયતો પોતાને હિન્દુ ધર્મથી અલગ કરવા માગતા નથી તેઓ પોતાને ધરાર વીરશૈવ તરીકે ઓળખાવે છે. કેટલાક લિંગાયતો પોતાને વીરશૈવ તરીકે ઓળખાવતા નથી, લિંગાયત તરીકે ઓળખાવવાનો આગ્રહ રાખે છે; પરંતુ તેમને હિન્દુ હોવાપણા સામે વાંધો નથી. કેટલાક લિંગાયતો પોતાને આગ્રહપૂર્વક ગેરહિન્દુ લિંગાયત તરીકે ઓળખાવે છે. કેટલાક લિંગાયતો (અને તેમની સંખ્યા કદાચ બહુ મોટી છે) આ બધા ઓળખના ભેદ સમજતા નથી અથવા એને બહુ મહત્વ આપતા નથી. આમ કર્ણાટકમાં વીરશૈવ અને લિંગાયત વચ્ચે ઓળખની મોટી ભેળસેળ છે એટલે ૧૧થી ૨૦ ટકાનો સંખ્યાનો મોટો પનો છે. એટલે તો કૉન્ગ્રેસે લિંગાયતોને અલગ ધર્મની માન્યતા આપી હોવા છતાં તમામ લિંગાયતો રાજીના રેડ થઈને કૉન્ગ્રેસને મત આપશે જ એની ખાતરી નથી.

BJPના નેતા એસ. યેદિયુરપ્પા પોતે લિંગાયત છે. તેઓ કર્ણાટક સરકારના પગલાને લિંગાયતોના તુક્ટીકરણ તરીકે ઓળખાવી રહ્યા છે. ૨૦૧૩માં તેઓ જ્યારે BJPથી નારાજ હતા અને અલગ પક્ષની સ્થાપના કરી હતી ત્યારે તેમણે લિંગાયતોને ધાર્મિક લઘુમતી તરીકેનો દરજ્જો આપવામાં આવે એવી માગણી કરી હતી જેને કેન્દ્ર સરકારે ફગાવી દીધી હતી. કર્ણાટક સરકારને ખબર છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના નિર્ણયને માન્ય રાખવાની નથી. જો માન્ય રાખે તો પણ સર્વોચ્ચ અદાલત એને માન્ય રાખશે એની કોઈ ખાતરી નથી. આગળ જતાં લિંગાયતોના ધાર્મિક દરજ્જાનું જે થવાનું હોય એ થાય, અત્યારે મળે એટલા મત કબજે કરી લેવા એ ગણતરી છે.

આ લેખના પ્રારંભમાં મેં લખ્યું છે કે જેરુસલેમમાં જેની સ્થાપના થઈ હતી એવા સેમીટિક ધર્મોનો હિન્દુ ધર્મ પર વિજય થઈ રહ્યો છે. એ કઈ રીતે એ જોઈએ. યહલદીઓનો ધર્મ, ઈસાઈ ધર્મ અને ઇસ્લામની સ્થાપના એક જ પ્રદેશમાં થઈ હતી. આ ત્રણેય ધર્મોનું સ્વરૂપ લગભગ એકસરખું છે. એક ઈશ્વર, એક ગ્રંથ અને એક પયગંબર. આ ત્રણેય ધર્મો આગ્રહી છે અને ઈસાઈ અને ઇસ્લામ વિસ્તારવાદી છે. માત્ર ને માત્ર અમારો ધર્મ અપનાવવાથી જ મોક્ષ મળી શકે એવો આ ત્રણેય ધર્મના અનુયાયીઓ આગ્રહ રાખે છે. આવા આગ્રહથી પ્રેરાઈને તેઓ ધર્મપ્રચાર કરે છે અને વિધર્મીઓનું ધર્માંતરણ કરે છે. આમાંથી ધર્માનુયાયીઓની સંખ્યાનું રાજકારણ શરૂ થયું જે ક્રુઝેડ અને જેહાદમાં પરિણમ્યું હતું. ખબર નહીં કેટલા લાખ માણસો ધર્મની ખપ્પર પર હોમાઈ ગયા હશે.

આનાથી ઊલટું હિન્દુઓની શ્રદ્ધાનું સ્વરૂપ જુદું છે. હિન્દુ ધર્મ એ રૂઢ અર્થમાં ધર્મ જ નથી. દરેકની શ્રદ્ધા એની અંગત બાબત છે એટલે પ્રત્યેક હિન્દુ શ્રદ્ધાની સ્વતંત્રતા ધરાવે છે. હિન્દુઓમાં ધાર્મિક આગ્રહ નથી, જ્ઞાતિના સામાજિક આગ્રહો છે. હિન્દુ સંપ્રદાય બદલી શકે, પરંતુ જન્મ સાથે મળતી જ્ઞાતિ ન બદલી શકે. આને કારણે જે જ્ઞાતિઓનું શોષણ થતું હતું તેમણે ધર્મ બદલીને જ્ઞાતિકીય શોષણથી મુક્તિ મેળવી હતી.

દયાનંદ સરસ્વતી પહેલાં માણસ હતા જેમણે હિન્દુઓની સંખ્યામાં રસ લીધો હતો. હિન્દુઓની સંખ્યા જળવાઈ રહેવી જોઈએ એટલું જ નહીં, વધવી જોઈએ. જે લોકો ખ્રિસ્તી કે મુસલમાન થઈ ગયા છે તેમનું પુન: ધર્માંતરણ (શુદ્ધીકરણ) કરીને હિન્દુ બનાવવા જોઈએ. એ માટે દયાનંદ સરસ્વતીએ હિન્દુ ધર્મને સેમીટિક ધર્મોની જેમ ઢાંચાબંધ કરવાની કોશિશ કરી હતી. આર્ય સમાજ પાશ્ચત્ય ધર્મોની નકલ છે. એટલે તો શરૂઆતનાં વર્ષોમાં આર્ય સમાજીઓનાં મંદિરો ચર્ચ તરીકે ઓળખાતાં હતાં. ભારતના ઇતિહાસમાં પહેલી વાર શ્રદ્ધાવાન હિન્દુને ઘેટાની સંખ્યામાં સમાવવાનો પ્રયાસ શરૂ થયો.

૧૮૭૫માં આર્ય સમાજની સ્થાપના થઈ અને ૧૮૮૧માં પહેલી સંપૂર્ણ વસ્તીગણતરી થઈ ત્યારથી કેટલાક લોકો સંખ્યામાં જ અટવાયેલા રહે છે. દેશ આઝાદીની લડત લડતો હતો, માનવમુક્તિના વિવિધ સંઘર્ષ ચાલતા હતા, માનવને ગરિમા આપનારી સંસ્થાઓ સ્થપાતી હતી, છેવાડાના માણસને રોટલો મળે એનો સંઘર્ષ ચાલતો હતો, સ્ત્રીઓને ન્યાય મળે એ માટે સ્ત્રી લડત આપી રહી હતી ત્યારે કેટલાક લોકો હિન્દુઓની સંખ્યામાં જ અટવાયેલા હતા. તેમણે આમાંના કોઈ ચિરંજીવ અને પવિત્ર કામમાં રસ નહોતો લીધો.

તમે ખબર છે કે સર્વોચ્ચ અદાલતમાં ચુકાદાની રાહ જોતી જૂનામાં જૂની પિટિશન કોની છે? આર્ય સમાજની. આર્ય સમાજને ગેરહિન્દુ તરીકે લઘુમતી ધર્મની માન્યતા જોઈએ છે, કારણ કે તેઓ ચાતુવર્ણ્ય માં નથી માનતા અને સનાતન ધર્મમાં ચાર વર્ણો શાસ્ત્રમાન્ય છે. જેમણે હિન્દુઓને સંખ્યાની સભાનતા આપી તેમના અનુયાયીઓને પોતાની અલગ ઓળખ અને સંખ્યા જોઈએ છે.

તો આવો છે હિન્દુ સમાજ. આઝાદી પછી ઓળખનું અને સંખ્યાનું રાજકારણ વકર્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK