ચાલ્યો જાઉં છું, મિત્રો!

૧૯૯૫ની ૨૯ માર્ચના દિવસે હરીન્દ્ર દવેએ વિદાય લીધી.અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

૧૯૯૫ની ૨૯ માર્ચના દિવસે હરીન્દ્ર દવેએ વિદાય લીધી. તેમનું સર્જન હજી પણ એટલું જ લોકપ્રિય રહ્યું છે. તેમના નામે અપાતા હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક દ્વારા તેઓ અનેક સર્જકોમાં વિલસ્યા છે. ગાયકો હજી પણ તેમનાં ગીતો ગાઈને સુગમ સંગીતની મહેફિલ જમાવે છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના અદ્ભુત સ્વરાંકનને કારણે વધારે હરિયાળું બનેલું પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં ગીત ખરા અર્થમાં એવરગ્રીન છે. આજે ઓછા જાણીતા શેર દ્વારા તેમના શબ્દદેહને વંદન કરીએ.

મારા પ્રણયમાં ક્યાંય કશીયે કમી નથી

તારી જ ભૂલ લાગે છે મારા હિસાબમાં

શુદ્ધિનાં સાધનોથી ન સૌંદર્ય શોભતું

ઝાકળ પડે તો દાગ રહે છે ગુલાબમાં


માર્ચ મહિનો એટલે આમ પણ હિસાબનો મહિનો. લેખાંજોખાં તારવીને ખાતાવહી સમીસૂતરી કરવાની હોય. પ્રેમ ઍસેટ છે અને ઍસેટ તરીકે જ રહેવો જોઈએ. એમાં જો ઓછપ ઉમેરાતી રહે તો એ ધીરે-ધીરે લાયબિલિટી બની જાય. આપણે કોઈ માટે બધું જ કરી છૂટતા હોય અને એ પાત્રને હંમેશાં એમાં કમી વર્તાતી રહે ત્યારે રંજ થાય. કોઈ પણ અપેક્ષા શતપ્રતિશત પૂરી થતી નથી. આશાનો ઓવરડોઝ અપેક્ષાભંગમાં પરિણમે. આ અપેક્ષાભંગ હતાશા તરફ દોરી જાય છે.

પાલવમાં તેં સમેટયો સખી, એ સમય હતો

મુજ પ્રેમને તો અંત નહીં, આવરણ નહીં

કોઈની શૂન્ય આંખોમાં જોયા કર્યું હતું

ઊગ્યો દિવસ કે રાત થઈ એ સ્મરણ નહીં


શૂન્યને આકાર હોય છે. શૂન્યતાને ધાર હોય છે. શૂન્યમનસ્ક જોયા કરવું સહેલું નથી. આંખનો ખાલીપો ભેંકાર હોય. એમાં સન્નાટો ઠાંસોઠાંસ ભરેલો હોય. એ શેના કારણે હોઈ શકે એના મૂળ સુધી જવું પડે તો જ એનો ઇલાજ મળે. એક જવાબ કવિની આ પંક્તિઓમાં મળે છે...

વિરહની રાતે બીડાઈ નથી એ આંખોમાં

જે લાલ રંગ થયા છે એ કોનાં ખ્વાબ હશે?

હૃદયથી એટલું કહી દે કે મને ચાહે છે?

તને સવાલ જે પૂછuો છે એ જવાબ હશે?

કેટલાક સવાલનો જવાબ તરત નથી મળતો. સમય અને સંજોગોને આધીન એની પ્રતીક્ષા કરવાની હોય. કેટલીક વાર પ્રતીક્ષામાં દાયકાઓ વીતી જાય. પછી જે મિલન થાય એમાં સ્વાદ પણ નથી હોતો અને ઉમળકો પણ ઓસરી ગયો હોય છે. સમયસર મળે એની મહત્તા છે. કવિ એવી સ્થિતિની વાત કરે છે જેમાં હોવું અને ન હોવું એક જ સપાટીએ આવી જાય છે.

હો ઇમારતની એ પગથી કે હો દરિયાનો કિનાર

એમ ચાલું છું કે જાણે કોઈ આધાર નથી

તમે ન હો તો ઉદાસીન રહું છું અહીંયાં

તમે મળો મને ત્યારે હું ખુશગવાર નથી


જેની તમન્ના કરી હોય તેણે જ મના કરી હોય. કેટલીક વાર પ્રીત પડછાયા સુધી જ સીમિત રહી જાય, કારણ કે કાયા તો ઓસરી ગઈ હોય.

મેં જેના કેફમાં જ વિતાવી છે જિંદગી

એ આપનો ખયાલ હતો, આપ ક્યાં હતાં?


હરીન્દ્રભાઈએ પ્રેમ અને મૃત્યુને સરખાં લાડ લડાવ્યાં છે. બે બીમારીઓ પછી તેમણે લખ્યું હતું : મૃત્યુના દ્વારને ખટખટાવી હું હમણાં જ પાછો ફર્યો છું. આ વિષય અવારનવાર તેમની કવિતામાં ઊભરી આવે છે. 

હું ઝંખું કે સમેટી લઉં મિલનની આ ક્ષણો હમણાં

જરા અડકું છું ત્યાં નાજુક સમય વિખરાઈ જાયે છે

હવે લાગે છે બાકી જિંદગીનો રાહ ટૂંકો છે

કે હમણાં હમણાં લાંબા શ્વાસ બહુ લેવાઈ જાયે છે


શ્વાસની રમત જિંદગીએ રમવાની હોય છે. એમાં અનેક ઉતારચડાવ આવતા રહે. અનેક સંબંધો આવે અને વિદાય લે. કવિ શ્વાસના વિરામને પાછલા જન્મથી ઓળખતા હોય એટલી આત્મીયતાથી વાત કરે છે. 

એ મંઝિલ પર મિલનનો કોલ

હું આપી નથી શકતો

હજી તો માર્ગમાં મૃત્યુ સમો

મોહક ઉતારો છે


આ ઉતારો મોહક ત્યારે લાગે જ્યારે જિંદગીનો સૂર્યાસ્ત નજીક આવ્યો હોય, આપણી ઈનિંગ પૂરી થવા આવી હોય. એક્ઝિટ કઈ રીતે લેવી એની ચૉઇસ જો ઈશ્વર આપે તો કવિ કહે છે એવી સ્થિતિ માગવાનું મન થાય. 

તમે બોલ્યા કરો, હું સાંભળું, બસ સાંભળું કાયમ

પછી જંપી જઉં એ નીંદમાં, જ્યાં કોઈ ના જાગે!


ક્યા બાત હૈ


મૈત્રી મારું પરમ ધન છે : માણસાઈ મારી પ્રથમ કસોટી છે. કવિ તરીકે હું ક્યાં છું એનો નિર્ણય તો સમય કરશે, પણ મિત્ર કે માણસ તરીકે હું ક્યાં છું એનો નિર્ણય તો આજે, અત્તરઘડીએ - એટલે કે જિવાતા જીવનની પ્રત્યેક ક્ષણે થતો હોય છે. એટલે જ મારી કવિતા કે મારી સર્જનપ્રક્રિયા વિશે કંઈ પણ કહું એ પહેલાં થોડાક મીઠા-ઉષ્માભર્યા માનવસંબંધોએ મને સમૃદ્ધ કર્યો છે અને આ સંબંધો હજી મને સમૃદ્ધ કરી રહ્યા છે. એ માટે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. પ્રેમના અમૃતના બળે તો ક્યારેક વાટમાં પીવા પડેલા ઝેરને પચાવી શક્યો છું. જે મને ચાહે છે તેમનો તો ઋણી છું જ, પણ જે મને ચાહી શકતા નથી તેમનુંય ઋણ અટ્ટ જીવનના રસ્તે માથા પર ચડાવ્યું છે.

€ € €

જીવનની અગ્નિપરીક્ષામાંથી પસાર થતાં અનુભવોની જે ઝલક મળી તેનાથી ક્યારેક ઉષ્મા મળી છે, ક્યારેક દાઝ્યો છું. તો ક્યારેક દાઝવાના ભય સાથે ફંફોસવા ગયો છું ત્યાં કેવળ ઠંડીગાર રાખ જ હાથમાં આવી છે. કૃષ્ણ મારા રથમાં છે એની પ્રતીતિ છે છતાં ક્યારેક મારાથી ગવાઈ ગયું છે :

મને રથમાંથી નીચે

ઉતાર્યા વિના શ્યામ

તમે ઊતર્યા ને આગ

કેવી લાગી હો રામ!


પણ પછીથી જાણે પ્રતીતિ થઈ છે કે આ આગમાંથી અણિશુદ્ધ બહાર આણનારા પણ શ્યામ છે. કૃષ્ણ મારે માટે સર્જનનો વિષય નથી, સર્જનહાર સ્વયં છે.

- હરીન્દ્ર દવે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK