રામ એટલે જગતના બે મહાગ્રંથ રા છે રામાયણનો, મ છે મહાભારતનો

આમ તો મારે બધા ભગવાનો સાથે સંબંધો સરખા.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


અને મને તો જરાય એવું અભિમાન પણ નઈ કે કોઈ ભગવાન આપણા હૅપી બર્થ-ડેમાં ન આવ્યો તો આપણે શું કામ જવાનું? આપણે તો HP આઇ મીન હરખપદૂડા થઈ ફૂલ લઈ પહોંચી જ જવાનું. ઍક્ચ્યુઅલી હી નોઝ કે પહેલાં ફૂલ આપે ને પછી ફૂલ (મૂરખ) બનાવે... પછી તેના બર્થ-ડેની મહેફિલમાં પ્રભુ લલકારે આ તો સુગંધનો મોહ જરા નડી ગયો નઈતર કાગળનાં ફૂલ જીવનભર સાથ આપવા તૈયાર હતાં. બોલો બધા વાહ-વાહ વાહ-વાહ. પછી તેના આગ્રહથી તેના જેવી જ શાયરી મેં પણ ફેંકી. આમ તો આ સંસારનો મોહ જરાક નડી ગયો, નઈતર અમે પણ તારી જેમ ઈશ્વર બનવા તૈયાર હતા (તાળીઓ). ક્યા બાત હૈ. હવે ગૂંચ ત્યાં પડી કે શુભેચ્છાઓ કેમ આપવી? એમ તો કહેવાય નઈ કે પ્રભુ તારા આયખામાં વધારો થાય (જનરલ નૉલેજ : આયખામાં વધારો થાય જ નઈ જે વધે એ ઉંમર, આયુષ્ય નઈ) કારણ કે તે આપણે નહોતા ત્યારે પણ હતો, અત્યારે પણ છે ને આપણે નઈ હોઈએ તો પણ અડીખમ શાશ્વત રહેવાનો? લોચા નંબર બે એ છે કે આપણે તો એકબીજાને કહીએ કે પ્રભુ મારાં સુખ- સમૃદ્ધિમાં વધારો કરે, પણ જે સુખ-સમૃદ્ધિમાં જ છે તે ઈશ્વરને કેમ કહેવાય કે માણસ તારાં સુખ-સમૃદ્ધિમાં વધારો કરે તો મંડળી મારે શું કરવું? અહીં લેખક મૂંઝાયો છે. આપણને એમ કે ચાલો, તે સુખી છે તો આપણે તેની પાસે માગીએ. પણ પછી થાય કે જો તેની પાસે હોય તો આપણા આંગણે આવી શું કામ ગાય કે તેરે દ્વાર ખડા ભગવાન ભજન ભર દે ઝોલી...  હવે ભિક્ષુક કોણ, આપણે કે ઈશ્વર? તેને બિચારાને ખબર જ નથી આ ભગત નથી, પણ ઠગભગત છે... તે તારાં ચરણોમાં સાક્ટાંગ કરશે, મસકા મારશે ને બરાડશે - મને વહાલું લાગે પ્રભુ (શંકર, ગણપતિ, મહાવીર કે રામ... મંદિર પ્રમાણે નામ બદલાય) તારું નામ. તન, મન, ધન, પ્રભુ તારાં ચરણોમાં... ટોપા, તું કોને ઉલ્લુ બનાવે છે? હજી પહેલી એપ્રિલને વાર છે. તેને આપેલું તેને જ અર્પણ? વૉટ અ ટ્રૅજેડી! તારું પોતાનું છે શું? તારે તો ગાવું જોઈએ મને વહાલું લાગે ટચસ્ક્રીન તારું નામ તન, મન, ધન મોબાઇલ તારાં ચરણોમાં...

એટલામાં હે રામ જગમાં સાચું તારું નામના રિંગટોનવાળો મોબાઇલ રણક્યો. ‘હેલો કોણ?’

‘બસને? ભૂલી ગયોને? મારો નંબર સેવ નથી કર્યો? કોઈ બાત નહીં. હવે અવાજ ઉપરથી ઓળખ, કોણ હોઈશ...’

‘અલ્યા ભૈ રોજના કેટલાય મોબાઇલનો ઢગલો થાય એમ બધાના અવાજને ઓળખવા બેસું તો મારા જ અવાજને ન ઓળખી શકું. યુ નો? અવાજ ઓળખવામાં જ મોટો લોચો વાગેલો. તારી જેમ જ કીધું કે અવાજ ઉપરથી ઓળખો કોણ હોઈશ? મગજમાં કલ્પનાનું ચક્કર ચલાવી કીધું, અરે હા, ભાનુબહેન બોલો છોને? હવે ભાનુબહેનની સગલી, ભાનુભાઈ બોલું છું. શરદીમાં અવાજ કુકરની સીટી જેવો થઈ ગયો છે. અચ્છા, હવે તમે તો બોલો કોણ?’

‘અલ્યા ડોબા, રિંગટોન રાખ્યો છે હે રામ જગમાં સાચું તારું નામ... વર્ષોથી ગાય છે ખરા કે રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે... ને એ તારા પ્રોડ્યુસરને જ ભૂલી ગયો? ને એ પણ મારા જન્મદિવસે જ...’

‘એટલે? શું વાત કરો છો?’

હું ભાવવિભોર થઈ ગયો, ‘પ્રભુ રામ બોલો છો?’

‘હા વહાલા, ખુદ રામપ્રસાદ દશરથલાલ અયોધ્યાવાળા ઉર્ફે સીતાના પતિ ઉર્ફે લવ-કુશના ફાધર ઉર્ફે લક્ષ્મણ-શત્રુઘ્ન-ભરતના મોટા ભાઈ તે... હવે પહેલાં મારો નંબર સેવ કર.’

‘અરે પ્રભુ, અમે ગુજરાતી ખાલી સેવ નઈ, પણ સેવમમરા, સેવગાંઠિયા, સેવબુંદી, સેવપાપડી બધું સેવ કરી દઉં; બસ? સૉરી પ્રભુ, વેરી સૉરી આપનો મોબાઇલ મારા પર... સાલું કલ્પના પણ નથી થઈ શકતી. નંબર જવા દો પ્રભુ, તમે ખુદ મારા દિલમાં સેવ થઈને બેઠા છો. અરે હા પ્રભુ, આજે રામનવમી આપનો જન્મદિવસ. આજ આપ આઠમીમાંથી નવમીમાં આવેલા. રાઇટ? આ તો વૉટ્સઍપ પર આવેલી મજાક શૅર કરું છું. મૅની મૅની હૅપી રિટન્ર્સ ઑફ ધ ડે... અહીં અમે ચૉકલેટ ડે, ટેડીબેર ડે, ફ્રેન્ડશિપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, સિસ્ટર્સ ડે, વિમેન્સ ડે, વાઇફ્સ ડે... કેટલા ડે ઊજવીએ છીએ. આજે તારો હૅપી બર્થ-ડે...’

‘આ બધા દિવસોમાં માણસાઈ ડે ઊજવવાનું કેમ ભૂલી જાઓ છો? ક્યારેક હૅપી માણસાઈ ડે ઊજવો... દર વર્ષે મારા જનમદિને મને રામમંદિરની લૉલીપૉપ પકડાવો છો, પણ હજી પાશેરામાં પહેલી પૂણી પણ નથી નાખી. મંદિર વગર મારે હૅપી રહેવું કેમ?

બર્થ-ડે ઊજવવો ક્યાં?’

‘ક્ષમા પ્રભુ, ક્ષમા. અમે મુંબઈમાં જોગેશ્વરી-ગોરેગામ વચ્ચે રામમંદિર તો બનાવ્યું ને કેટલાય ભક્તો આઇ મીન પૅસેન્જરો એનો લાભ લઈ રહ્યા છે ને તમે...’

‘શાંત વત્સ, શાંત. તું મારી નસ ન ખેંચ. શિખર, ધજા કે ઘંટ વગરનું કોઈ ભગવાનનું મંદિર જોયું? અરે ડોબા, તમે રોજ કૂદી-કૂદીને ગાઓ છો કે તું નથી તો તારો ફોટો પણ ચાલશે, તારો ફોટો નથી.. નથી.. નથી.. તો ફોટોકૉપી પણ ચાલશે. અહીં અમલમાં મૂકી ગાવા માંડ કે તું નથી તો તારી મૂર્તિ પણ ચાલશે, તારી મૂર્તિ નથી.. નથી.. નથી.. તો તારું કૅલેન્ડર પણ ચાલશે... પ્લૅટફૉર્મ પર મારું એકાદ કૅલેન્ડર તો લટકાવ... એ રામમંદિરને મંદિર કેમ માનું? મારું મંદિર ન હોય તો બધા ભગવાનોને બોલાવી મારો બર્થ-ડે ક્યાં ઊજવું?

કેક-કટિંગ ક્યાં કરું? અહીં અમે તમારી જેમ ભાગલા પાડ્યા નથી. બધાને બોલાવવા પડે. તું હિન્દુ, હું વાણિયો, તું મુસલમાન, હું ખ્રિસ્તી... તમે ભલે એક થયા નથી, પણ અમે જુદા થયા નથી. સમજ્યો?’

‘એટલે તો તમે ભગવાન છો. તમારી તોલે કોઈ ન આવે.’

‘પણ તોયે હું સીતાજીની તોલે ન આવ્યો... સાલું જિંદગીનાં મહામૂલાં ૧૪ વર્ષ વનમાં કાઢ્યાં. જંગલમાં ખાવા-પીવાનાં ફાંફાં, જંગલી પ્રાણીઓનો ત્રાસ એટલે મેં તારી સીતાભાભીને સમજાવ્યાં કે તમે રહેવા દો, મારા લીધે આપ શું કામ કષ્ટ સહન કરો? ૧૪ વર્ષ તો ચપટી વગાડતાં પસાર થઈ જશે તો જીદે ચડ્યાં, હું તો આવીશ જ; ઊર્મિલાથી ત્રણ સાસુનો ત્રાસ ભલે સહન થાય, પણ મારાથી તેમનો ત્રાસ સહન કરવો એના કરતાં તમારો ત્રાસ સહન કરવો સારો, હું તમને અને લક્ષ્મણભાઈને એકલા નઈ જવા દઉં... હવે જંગલી પ્રાણીઓને ખબર નથી કે તમે ભગવાન છો, એ તો ખાઈ જાય. હવે સીતાને લઈ ગયા એટલે સાચવવાં તો પડે. આપણે કંઈ મોદી નથી કે દેશને સાચવવામાં જશોદાને પડતાં મૂક્યાં એમ હું સીતાને પડતી મૂકું. મને આવો વ્યવહાર ન ગમે. હું મર્યાદા પુરુષોત્તમ છું. એ ૧૪ વર્ષમાં લક્ષ્મણ વારંવાર ગરમ થાય, હનુમાનજીની સેવા લેવાની, રાવણ સાથે યુદ્ધ જીતી સીતાને પાછાં લાવવાનાં... આટઆટલું કર્યું હોવા છતાં તમે ગાઓ કે રામ, તમે સીતાજીની તોલે ન આવો તો દુ:ખ

ન થાય? ક્યાંય જશ જ નઈ? કદર જ નઈ?’

‘એવું નથી પ્રભુ, બધું મન પર ન લેવાય. બધાના સ્વભાવ સરખા ન હોય. શબરીએ બોર ખવડાવવા તમારી કેવી ધીરજપૂર્વક પ્રતીક્ષા કરી કે નઈ?’

‘ઍગ્રી, પણ એ શબરીને ખબર હતી કે સારો સમય જોવો હોય તો થોડા ખરાબ સમયનો સામનો કરવો પડે. ભલે શબરીનાં બોર એઠાં હતાં, પણ તેની ધીરજનાં ફળ મીઠાં હતાં.  શબરી માટે તપ જીવન હતું, જ્યારે મારે માટે જીવન તપ હતું. દોસ્ત, આખી વાતમાં તું ચમકે એવું સસ્પેન્સ કઉં? રામ તો મારું લાડકું નામ છે. મારું મૂળ નામ જ્ઞાન છે. સીતાનું મૂળ નામ ભક્તિ છે. ત્રણ સાસુનો ત્રાસ એટલે ચિંતાઓ સંબંધોની, વેલ્થની (સંપત્તિ) અને હેલ્થની (તંદુરસ્તી). પણ જ્ઞાન (રામ) અને ભક્તિ (સીતા) સાથે હશે તો કોઈ ત્રાસ સહન નઈ કરવો પડે. લક્ષ્મણનું મૂળ નામ વૈરાગ્ય છે. રાવણનું મૂળ નામ અહંકાર છે. અહંકારે જ ભક્તિનું અપહરણ કયુર્ંપ છે. એ ભક્તિને પાછી મેળવવા જ્ઞાન અને અહંકાર યુદ્ધે ચડ્યાં છે.’

‘પ્રભુ, જન્મદિને મારી એક રિક્વેસ્ટ છે. મારી જિંદગીના રામ રમી જાય એ પહેલાં રામરાજ્ય આવશે કે જ્ઞાન અને અહંકાર લડ્યા જ કરશે?’

‘અરે આજે પણ રામરાજ્ય છે, પણ જાત સાથે યુદ્ધ લડવું જ પડે છે. તું જ તારા પ્રિય કવિ સુરેશ દલાલે શું કીધું એ યાદ કર. તું જ કૌરવ તું જ પાંડવ મનવા તું જ રાવણ તું રામ તારા જ હૈયામાં ખેલાતો આ પળ-પળનો સંગ્રામ... બહારના યુદ્ધ કરતાં અંદરનું યુદ્ધ ખતરનાક છે. એ માટે જગતના બે મહાગ્રંથને સમજજે, જે મારા નામમાં છુપાયેલા છે. રામ શબ્દમાં રા છે રામાયણનો, મ છે મહાભારતનો. રા છે રાધાનો ને મ છે મધુસૂદનનો.’

‘સમજ્યો. પ્રભુ, બીજાં કોઈ ધન મળે કે ન મળે, પણ આજ પાયોજી મંૈને રામ રતન ધન પાયો. એ માટે હૅપી બર્થ-ડે તારો, પણ તેં મને હૅપી કરી દીધો ડિયર રામ...’

મેં મોબાઇલ બંધ કરી દીધો.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK