૧૨ વર્ષની ઉંમરે દીકરીને હિરોઇન બનાવવા મધુબાલાના પપ્પાએ પત્નીને તલાક આપ્યા

મધુબાલાને એટલે કે રૂપાળી બેબી મુમતાઝને જોઈને એક નજૂમી (ફકીર જ્યોતિષી)એ આગાહી કરી કે આ છોકરી આગળ જતાં યશ, કીર્તિ અને ધન કમાશે... પરંતુ તેનું આયુષ્ય લાંબું નહીં હોય!

madhubala

કિનારે-કિનારે - સલિલ દલાલ

ઘરમાં સૌ આંચકો ખાઈ ગયા. પરિવારમાં નિયમિત થતાં બાળમરણની પરંપરામાંથી ઊગરેલી આ પરી જેવી છોકરી કેટલું જીવશે એની ચિંતા ભારે હતી. પણ તે પ્રસિદ્ધ થવાની છે અને પૈસા કમાવાની છે એ વાત પિતાને મનમાં બેસી ગઈ એટલું જ નહીં, એના માટે કયો રસ્તો અપનાવવો એ પણ બાળકી મુમતાઝે દેખાડવા માંડ્યું હતું. એ દિવસોમાં રેડિયો પર ગાયન વાગે અને બેબી ડોલવા માંડે. આ વાત મધુબાલાનાં બહેન મધુર ભૂષણે સિને બ્લિટ્ઝના પૅટ્રિક બિસ્વાસને એ સામયિકની સિરીઝ ‘અનફર્ગેટેબલ’માં કહી હતી. આ મધુરે એક જમાનામાં રેડિયો, જાહેરાતો અને ફિલ્મોમાં ભારેખમ અવાજથી અનાઉન્સર તરીકે આગવું નામ કાઢનાર બ્રિજ સાથે લગ્ન કયાર઼્ હતાં. બ્રિજનું મૂળ નામ તો બ્રિજભૂષણ અને મધુબાલાના પિતા અતાઉલ્લા ખાન બનાવવાના હતા એ ફિલ્મ ‘પઠાણ’ના એક સંગીતકાર તરીકે તેઓ પસંદ થયા હતા.

‘પઠાણ’ ફિલ્મ તો બની નહીં, પણ એના સર્જન દરમ્યાન મધુર અને બ્રિજનો સંબંધ ગાઢ થયો અને આગળ જતાં જીવનસાથી બન્યાં હતાં. એ મધુરના કહેવા પ્રમાણે તેમના પિતાએ દીકરી મુમતાઝને ઍક્ટ્રેસ બનાવવા પોતાની મરજી ઠોકી બેસાડી હોવાની વાત સાચી નહોતી, પિતા અતાઉલ્લાએ તો પુત્રીની ઇચ્છાને જ પ્રોત્સાહન આપ્યું હતું એમ કહેતાં મધુરે કહ્યું હતું કે ગાયનો વાગે અને નાચવા માંડતી બેબી મુમતાઝને પહેલેથી જ ઍક્ટ્રેસ બનવું હતું. આવા ખુલાસા સામાન્ય રીતે પોતાનાં સદ્ગત માતા-પિતા માટે થવા સ્વાભાવિક છે અને એની સચ્ચાઈને ચકાસવાનું કોઈ સાધન ઉપલબ્ધ હોતું નથી. એટલે મધુબાલા પોતાની ઇચ્છાથી બાળકલાકાર તરીકે ફિલ્મોમાં આવ્યાં કે ઘરના આર્થિક સંજોગોમાં પુત્ર વિનાના પરિવારમાં પુત્રી પાસે કામ કરાવવાના પિતાના નિર્ણયને તાબે થઈને કૅમેરા સામે પ્રસ્તુત થયાં એ વિવાદ કરતાં આપણા માટે વધારે અગત્યની વાત એ છે કે સાત-આઠ વરસની ઉંમરે ‘બસંત’ પિક્ચરમાં બેબી મુમતાઝની સ્ક્રીન પર એન્ટ્રી થઈ ચૂકી હતી એટલું જ નહીં, પહેલી જ ફિલ્મમાં ગીત પણ ગાયું; મેરે છોટે સે મન મેં છોટી સી દુનિયા રે...! 

એ ગાયન આજે તો યુટ્યુબ પર જોવાની સવલત છે અને એમાં કોઈ રીતે તે એક બાળકલાકાર તરીકે પહેલી વખત કૅમેરા સામે આવ્યાંનો આભાસ પણ થતો નથી. એક જન્મજાત અભિનેત્રીની માફક બેબી મુમતાઝ એ ગીતને જે રીતે ભજવી બતાવે છે એ જોતાં હિન્દીમાં હોનહાર બિરવાન કે હોત ચિકને પાત અથવા તો ગુજરાતીમાં પુત્રનાં લક્ષણ પારણામાંથી જેવા વાક્યપ્રયોગો યાદ આવી જાય. બેબી મુમતાઝની એ પ્રથમ ફિલ્મ ‘બસંત’ સુપરહિટ થઈ અને સાથે-સાથે એ ચાઇલ્ડ આર્ટિસ્ટ પણ! એ દિવસોમાં કલાકારોને સ્ટુડિયો માસિક પગારથી નોકરીએ રાખતા. એટલે સફળ આર્ટિસ્ટને ઝડપવા હરીફ કંપનીઓ ટાંપીને જ બેઠી હોય. બેબી મુમતાઝ માટે પણ માર્કેટ ખૂલ્યું હતું અને અબ્બાજાને એનો લાભ લીધો. અતાઉલ્લા ખાને વધારે પગારથી દીકરીની નોકરી અન્ય જાણીતી નિર્માણસંસ્થા રણજિત મૂવીટોન સાથે નક્કી કરી. ત્યાં બનેલી ફિલ્મ ‘મુમતાઝ મહલ’ના ડિરેક્ટર કેદાર શર્માની પારખુ નજરે બાળકી મધુબાલામાં ઝડપથી શીખવાની અને નિષ્ઠાપૂર્વક કામ કરવાની કાબેલિયત જોઈ લીધી, જે ભવિષ્યમાં જુદો રંગ લાવવાની હતી. એ કેદાર શર્માને હિન્દી સિનેમાના કોલંબસ પણ કહે છે.

કેદાર શર્માએ રાજ કપૂર, મધુબાલા અને ગીતા બાલી જેવા ત્રણ-ત્રણ સરસ કલાકારો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને શોધી આપ્યા હતા. રાજ કપૂર યુવાનીમાં પગ મૂકતા હતા ત્યારે તેમના પિતા પૃથ્વીરાજ કપૂરે પારકી મા જ કાન વીંધે એ ન્યાયે દીકરાને ડિરેક્શન શીખવા આ જ કેદાર શર્મા પાસે મૂક્યા હતા. રાજ કપૂરે અસિસ્ટન્ટ તરીકે પડદા પાછળ રહીને ક્લૅપ આપવા સહિતનાં કામ કરવાનાં હોવા છતાં તે વારેઘડીએ કૅમેરાના લેન્સમાં જોઈને પોતાના વાળ ઓળ્યા કરે અને હીરો હોય એમ જુદા-જુદા પોઝ આપ્યા કરે. કેદાર શર્માના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘વિષકન્યા’ના એક સીનમાં રાજ કપૂરથી લોચો વાગ્યો અને અકળાઈ ઊઠેલા શર્માજીએ પૃથ્વીરાજ જેવા તે સમયના સફળ કલાકારના આ પુત્રને તમાચો ચોડી દીધો હતો! (મજાની વાત એ હતી કે પોતાના દીકરાને આખા યુનિટ સામે થપ્પડ મારનાર કેદાર શર્માને પાપાજીએ ઠપકો આપવાને બદલે શાબાશી આપી હતી.) એવા કડક ટાસ્ક-માસ્ટર કેદાર શર્માએ ‘મુમતાઝ મહલ’ પછીની ‘ધન્ના ભગત’માં પણ બેબી મુમતાઝને રિપીટ કરી. પરંતુ એ પહેલાં ‘મુમતાઝ મહલ’ના દિવસોમાં એક ભયંકર અકસ્માતમાં અતાઉલ્લાનો આખો પરિવાર બાલ-બાલ બચી ગયો હતો. ઇતિહાસમાં ૧૯૪૪ના બૉમ્બ-વિસ્ફોટ તરીકે જાણીતા એ ધડાકા પછી અંગ્રેજોએ દેશ છોડવાનું ગંભીર રીતે વિચારવા માંડ્યું હતું એટલી જાણીતી એ ઘટના હતી.

એ વિસ્ફોટ ૧૯૪૪ની ૧૪ એપ્રિલે થયો ત્યારે મુંબઈના પરા વિસ્તારના હજાર ઉપરાંત લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં મધુબાલાનો પરિવાર પણ આવી જાત; પરંતુ ભલું થજો સિનેમાના માધ્યમનું કે એ દિવસે ખાનપરિવાર એક પિક્ચર જોવા થિયેટરમાં હતો અને તેથી બચી ગયો. જે શિપમાં વિસ્ફોટ થયા એમાં ટનબંધ સોનું હતું અને અમારા પૂજ્ય પિતાશ્રી એ ધડાકાની વાત કરતાં કાયમ કહેતા કે વજનદાર સોનાની પાટો ઊછળીને વાગવાથી પણ ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતાં! એને લીધે એ દિવસોમાં કંઈકેટલાયની અગાસીઓમાં સુવર્ણવર્ષા થઈ હતી અને એ સૌ રાતોરાત માલદાર થઈ ગયા હતા. અંગ્રેજોએ એને અકસ્માત કહ્યો હતો, પરંતુ આઝાદીના લડવૈયાઓ એને નૌકાદળના વિપ્લવ તરીકે પણ ઓળખે છે. એ સ્ટીમરમાં સોનાની સાથે એટલોબધો દારૂગોળો પણ હતો કે જ્યારે આગ લાગી અને એક પછી એક ધડાકા થયા ત્યારે એના અવાજ લગભગ સો કિલોમીટર સુધી સંભળાયા હતા એટલું જ નહીં, એનાથી ઉત્તર ભારતના શિમલા સુધીના કેટલાય વિસ્તારોમાં ધરતીકંપ થયો હોય એમ ધરતી ધ્રૂજી હતી. એ બ્લાસ્ટથી નાશ પામેલાં હજારો ઘરોમાં અતાઉલ્લાની મલાડમાં આવેલી નાનકડી ખોલી પણ હતી. તેમનો આખો પરિવાર રસ્તા પર આવી ગયો હતો.

છતાં જાન બચી તો લાખોં પાએની જેમ ખાનકુટુંબ એક મિત્રને ઘેર સાત મહિના સુધી રહ્યું. પછીના વર્ષે આવેલા ‘ધન્ના ભગત’ પિક્ચર સુધીમાં બેબી બાર વરસની થઈ ગઈ હતી અને પરિવારને તેની કમાણીથી જ રહેવાની નવી જગ્યા મળી હતી. તેનો કરાર રણજિત મૂવીટોન સાથે હોઈ ૪૬માં ‘ફુલવારી’ અને ‘રાજપૂતાની’માં પણ બેબી મુમતાઝની ભૂમિકા હતી. પરંતુ નાનપણથી તંદુરસ્ત મુમતાઝ એ ઉંમરે પણ આકર્ષક લાગતી હોઈ કેદાર શર્માએ તેને હિરોઇન બનાવવાના ઇરાદા સાથે અતાઉલ્લાને દરખાસ્ત કરી કે પોતે બેબીને લૉન્ચ કરવા તૈયાર છે. હવે વાંધો એ હતો કે સગીર ઉંમરની મુમતાઝ માટે વાલી તરીકે પિતાએ તેની નોકરીનો કરાર કરેલો હતો. આ બાજુ કેદાર શર્મા પણ લોકો માટે ડિરેક્શન કરવા કરતાં પોતાનું પ્રોડક્શન-હાઉસ ખોલીને પિક્ચર બનાવવા માગતા હતા. પરંતુ દરેક નવા પ્રોડ્યુસરની માફક શર્માજીને પણ પૈસા તો ઊભા કરવાના જ હતા. તેમણે પોતાના અસિસ્ટન્ટ રાજ કપૂરને હીરો અને બેબી મુમતાઝને હિરોઇન લઈને ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કર્યું. કેદાર શર્માની એક સફળ ડિરેક્ટર તરીકેની પ્રસિદ્ધિ જોતાં અતાઉલ્લાએ પેલી કંપની સાથેના કરારમાંથી નીકળી જવા એક અસાધારણ પગલું ભર્યું.

અતાઉલ્લા ખાને તેમની પત્નીને તલાક આપ્યા અને બેબી મુમતાઝનો હવાલો હક્કે મેહરની અવેજમાં તેની અમ્મી આઈશા બેગમ પાસે રખાવ્યો. આ ઘટસ્ફોટ ૧૯૭૮ના મે મહિનાના સુપર મૅગેઝિનમાં ખુદ કેદાર શર્માએ પત્રકાર સુષમા પાસે કર્યો હતો. હવે મુમતાઝના કરાર માટે પોતે જવાબદાર નથી એમ કહેતા અતાઉલ્લા સામે કંપનીએ ર્કોટમાં કેસ પણ કર્યો, પરંતુ પેલી બાજુ મુમતાઝ સામે રાજ કપૂરને હીરો લઈને બનનારી ‘નીલકમલ’ ફિલ્મની વાતો ચર્ચાવા લાગી હતી. એમાં પૃથ્વીરાજ કપૂરના દીકરા સામે મુમતાઝ છે એમ કહેતાં લાખ રૂપિયા ધીરનાર સરદાર ચંદુલાલ શાહ મળી ગયા. પણ થોડા વખત પછી સરદાર સાહેબને ખબર પડી કે હિરોઇન ‘કિસ્મત’ જેવી રેકૉર્ડ બ્રેક કરનારી ફિલ્મની નાયિકા મુમતાઝ શાન્તિ નહીં પણ તેર વરસની બેબી મુમતાઝ હતી! શર્માજીએ યુધિષ્ઠિરની અદામાં નરો વા કુંજરો વા કહ્યું હોઈ દેખીતી રીતે વાંકમાં નહોતા. પણ પૈસાનો પ્રવાહ અટકી ગયો. કેદારજીએ સુપરના એ જ ઇન્ટરવ્યુમાં જણાવ્યા પ્રમાણે એટલી નાની ઉંમર હોઈ મુમતાઝનું ફિગર પણ એક સ્ત્રી જેવું નહોતું થયું.

એટલે કેદાર શર્માના કહેવા પ્રમાણે રબરના એક બૉલને બે ભાગમાં કાપીને હિરોઇનની ચોલીનું પૅડિંગ કરવામાં આવ્યું હતું. અત્યારે આવા પ્રશ્નો નડતા નથી, કારણ કે હવે તો જોઈએ એ સાઇઝની અને ફિગરની પૅડેડ બ્રા હિરોઇનોને મળી શકે છે. પણ રણજિત મૂવીટોન સાથેની કાનૂની લડાઈમાં બેએક વરસનો ગાળો વીતી ગયો અને ત્યાં સુધીમાં મુમતાઝને વધારાના કશા ટેકાની જરૂર ન પડે એવો શારીરિક વિકાસ થઈ ચૂક્યો હતો. જો ‘નીલકમલ’ આજે જુઓ તો રાજ કપૂર તો પૂર્ણવિકસિત હીરો જરૂર લાગે, પણ મધુબાલા મોટી ઉંમરની બાળકલાકારથી વધુ ન લાગે. પિક્ચરના ટાઇટલમાં નામ મુમતાઝ જ હતું. તો પછી મધુબાલા નામ ક્યારે અને કોણે પાડ્યું?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK