પોતાના વહેલા મોતના અંદેશાને લીધે સ્મિતા પાટીલે ફીની ચિંતા કર્યા વગર સારા-સારા ડિરેક્ટરો સાથે કામ કરવાની ઉતાવળ કરી હશે?

સામી વ્યક્તિ પ્રેમ ન કરે તો પણ તમે એ વ્યક્તિને ચાહી શકો છો એવા સ્મિતા પાટીલે પૂછેલા સવાલના જવાબમાં મહેશ ભટ્ટે નિખાલસતાથી કહ્યું કે ‘કદી નહીં.

smita

કિનારે-કિનારે - સલિલ દલાલ

હું એવો દેખાડો જરૂર કરું છું કે હું નિસ્વાર્થી છું, પણ હું નથી. મેં ધ્યાન કરવાથી માંડીને રજનીશજી સહિત તમામની અજમાઇશ કરી જોઈ છે, પણ સ્વાર્થીપણું નથી જ ગયું.’

રજનીશજી જે જમાનામાં હજી ભગવાન રજનીશ કે ઓશો નહોતા કહેવાતા ત્યારે સિનેમાજગતના વિજય આનંદ અને મહેશ ભટ્ટ જેવા નિર્દેશકોની જેમ ઍક્ટર વિનોદ ખન્ના પણ સામેલ હતા, જેમનું નામ સ્મિતા પાટીલ સાથે જોડાયું હતું. (મહેશ ભટ્ટે તો પછી એક સનસનીખેજ ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે નિરાશ થઈને રજનીશજીની માળા પોતે ટૉઇલેટમાં ફ્લશ કરી દીધી હતી!) વિનોદ ખન્નાએ એક તબક્કે ફિલ્મોમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી અને રિટાયર થઈને પાંચેક વરસ અમેરિકામાં સ્થપાયેલા રજનીશપુરમ કૉમ્યુનમાં રહ્યા પણ હતા. તેમની સાથે શરૂઆતના દિવસોમાં રજનીશજીનાં પ્રવચન સાંભળવા સ્મિતા પાટીલ જતાં અને ત્યારે નાનાં બાળકો એવા અક્ષય ખન્ના અને રાહુલ ખન્નાને સ્મિતા પાટીલ સાચવતાં એવું સિનિયર એડિટર ભારતી એસ. પ્રધાને નોંધ્યું છે.

ભારતીજી એ દિવસોમાં ‘સ્ટાર ઍન્ડ સ્ટાઇલ મૅગેઝિન’નાં પત્રકાર હતાં, શત્રુઘ્ન સિંહાની બાયોગ્રાફી ‘ખામોશ’ તેમણે લખી છે. તેમની દલીલ એવી રહી છે કે સ્મિતા પાટીલને પરિણીત પુરુષ સાથે

હરવા-ફરવામાં પહેલેથી જ સંકોચ નહોતો. તે નવા જમાનાની સ્વતંત્ર મિજાજી છોકરી છે એવું સૌ જાણતા હતા. એટલે રાજ બબ્બર જોડેના સંબંધો ચર્ચામાં આવ્યા ત્યારે શરૂઆતમાં પરિવાર સહિતના કોઈને એ પ્રેગ્નન્સી સુધી પહોંચશે એવા ગંભીર થશે એની કલ્પના નહીં હોય. બાળક પ્રતીકના પ્રfને પાટીલ અને બબ્બર પરિવારના જે મતભેદ રહ્યા હોય એ અને પ્રતીક તથા આર્ય બબ્બર વચ્ચે ૨૦૧૧માં અખબારોનાં પાને જે બોલાચાલી થઈ હોય એ ખરી, પણ આજે સ્થિતિ સાવ જુદી છે. ૨૦૧૬ની પહેલી ઑક્ટોબરે પ્રતીકે પત્રકાર સુભાષ કે. ઝા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આજે તે પોતાના પિતા રાજ બબ્બર સાથે ઘણી નિકટતા અનુભવે છે એટલું જ નહીં, એમ પણ કહ્યું કે હવે મને સમજાય છે કે મારા ડૅડીની ફૅમિલી પણ મારાં મમ્મીના કુટુંબ જેટલું જ મારું કુટુંબ છે.

સ્મિતા પાટીલની માત્ર બાર જ વર્ષની કરીઅરમાં આવેલી સંખ્યાબંધ અર્થપૂર્ણ ફિલ્મો જુઓ તો જે-તે સમયકાળની વિવિધ શોષિત વર્ગોની મહિલાઓની સ્થિતિનો ગ્રાફ મળી શકે. એમાં ગામડાંની, આદિવાસી, હરિજન તેમ જ અન્ય દલિત કચડાયેલા વર્ગથી માંડીને શહેરી તથા દેહના વ્યાપારમાંની સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તાઓ હતી. એ ફિલ્મોમાં સામંતશાહી અને રાજાશાહીનો વારસો છેલ્લા તબક્કામાં હોય, પુરુષપ્રધાન કુટુંબવ્યવસ્થા તેમ જ જાતિ આધારિત સામાજિક માળખાની સાથે રીતરિવાજો જેવી વિવિધ સ્તરની જટિલતાઓથી ભરપૂર એવા ભારતીય સમાજમાં મહિલાઓના સ્થાનનો જે સંક્રાન્તિકાળ હતો એનાં કેટકેટલાં પાત્રોને સ્મિતાએ પડદા પર જીવંત કર્યાં હતાં!

સ્મિતા પાટીલે એક પછી એક વાસ્તવિક ગ્રામ્ય મહિલાનાં પાત્રો ભજવીને કમર્શિયલ સિનેમાએ ઊભી કરેલી ગાંવ કી ગોરીની ગ્લૅમરસ ઇમેજને બેરહમીથી તોડી નાખી હતી. ગામડાની સ્ત્રીના ટિકિટબારીએ ઊભા કરેલા કન્સેપ્ટમાં એકસરખાં ડિઝાઇનર બેડાં લઈને તે સખીઓ સાથે ગીતો ગાતી હોય અને વિલન તેની ઇજ્જત લૂંટે તો હીરો બચાવે અને બધાએ સાથે મળીને ખાધું, પીધું અને રાજ કર્યું એમ હોય. જ્યારે સ્મિતાની સમાંતર ફિલ્મોની હિરોઇનની જાતિ કે વર્ગ નક્કી હોય, ગરીબ કી બેટી એવું કશું મોઘમ નહીં. એ ‘ભવની ભવાઈ’માં હરિજન બને તો ‘આક્રોશ’માં આદિવાસી અને મુઝફ્ફર અલીની પ્રથમ ફિલ્મ ‘ગમન’માં મુંબઈમાં ટૅક્સી ચલાવતા પતિ (ફારુક શેખ)ની નવોઢા મુસ્લિમ મહિલા ખૈરુન્નિસા. (અહીં સ્મિતાની ફિલ્મો એમ ઇરાદાપૂર્વક કહ્યું છે. એક અભિનેત્રીના નિષ્ઠાપૂર્વકના કમિટમેન્ટ વગર સતત આવી જ ફિલ્મોની પસંદગી શક્ય નથી.) કોઈ આર્ય નહોતું કે તેમની હયાતીમાં જ ભારત સરકારના ફેસ્ટિવલ ડિરેક્ટરેટ દ્વારા ન્યુ યૉર્કમાં આયોજિત ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં મોકલવામાં આવેલી ફિલ્મોમાં પ્રવર્તમાન ફિલ્મોના વિભાગમાંની ૧૯ પૈકીની ૭ તો સ્મિતાજીની જ હતી. એ સેક્શનનું નામ નવી પેઢી (ન્યુ જનરેશન) રાખવામાં આવ્યું હતું અને એમાં ૧૯૬૦થી ૮૦ સુધીના સમયકાળમાં આવેલી કૃતિઓનો સમાવેશ હતો.

એ યાદીમાં ‘ભવની ભવાઈ’ (ગુજરાતી), ‘ચક્ર’, ‘મંથન’, ‘અકાલેર સંધાને’ (બંગાળી), ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ?’, ‘આક્રોશ’ અને ‘ભૂમિકા’ જેવી ફિલ્મો હતી. એ ફેસ્ટિવલમાં જવા માટેની ફ્લાઇટ પકડવાની હતી અને છતાં લીક સે હટકર ફિલ્મો માટેનું કમિટમેન્ટ એવું કે આગલા દિવસ સુધી રાયપુરમાં શૂટિંગ કર્યું; એ પણ સત્યજિત રે જેવા સમાંતર સિનેમાના એવરેસ્ટસમા દિગ્દર્શક સાથે, તેમની ટેલિફિલ્મ ‘સદગતિ’ માટે. શૂટિંગ પતાવીને સ્મિતાને નાગપુર જવાનું હતું, ત્યાંથી મુંબઈની ફ્લાઇટ પકડવાની અને ન્યુ યૉર્ક રવાના થવાનું હતું. ‘સદગતિ’ દૂરદર્શન પર પ્રસારિત થનારી લગભગ અડધા કલાકની કૃતિ હતી. એમાં સ્મિતા પાટીલની ભૂમિકા પંડિત દ્વારા શોષિત દુખિયા ચમારની પત્ની ઝુરિયાની હતી. બધી તૈયારીઓ થઈ ચૂકી હતી અને વરસાદ ઘેરાયો. સત્યજિત રેએ પ્લાન બદલી નાખ્યો અને ક્લોઝઅપ કે મિડ શૉટ કશું લીધા વગર વરસતા વરસાદમાં (જાણે કે પ્રકૃતિ પણ રડતી હોય એવા સિમ્બૉલિક હવામાનમાં) સ્મિતાનો એક સળંગ લાંબો શૉટ લીધો. પતિના મૃત્યુ બદલ તે બ્રાહ્મણને કોસે છે... મહારાજ ઉસને આપકા ક્યા બિગાડા થા, જો આપ ઇતને નિર્દયી હો ગએ? એમ બોલતી ઝુરિયા ચોધાર આંસુએ રડતી-રડતી છેલ્લે પંડિતના બારણે બેસી પડે છે. એક જ ટેકમાં શૉટ ઓકે અને ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા માટે રવાના.

ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા ભારતનો હતો માટે સ્મિતાની ફિલ્મોને મહત્વ મળ્યું એવું નહોતું. ૧૯૮૫માં ફ્રાન્સમાં સ્મિતા પાટીલની ફિલ્મોનો રેટ્રોસ્પેક્ટિવ (ફિલ્મોત્સવ) યોજાયો હતો. આ કેટલું મોટું બહુમાન હતું! સિનેમાના ક્ષેત્રમાં સત્યજિત રે, રાજ કપૂર, વી. શાંતારામ કે શ્યામ બેનેગલ જેવા સર્જકોના ફિલ્મોત્સવ ઊજવાતા હોય છે, પરંતુ કોઈ એક ભારતીય અભિનેત્રીની હયાતીમાં, માત્ર ૩૦ જ વર્ષની ઉંમરે, તેમની જ ફિલ્મોને દર્શાવતો રેટ્રોસ્પેક્ટિવ યોજાયો હોય અને એ પણ કળાના પાટનગર જેવા પૅરિસમાં? એ સ્મિતા પાટીલને એક અલગ જ કૅટેગરીમાં મૂકે છે. એ અગાઉ ૧૯૮૨માં શિકાગોની આર્ટ ઍકૅડેમીએ પણ એ જ પ્રકારે સ્મિતા ફિલ્મોત્સવ કર્યો હતો. ત્યારે સ્મિતાની વય હતી ફક્ત ૨૭ વરસ! શું સાવ નાની ઉંમરે મૃત્યુ થવાના પોતાના અંદેશાને લીધે તેમણે ફીની ચિંતા કર્યા વગર સારા-સારા નિર્દેશકો સાથે કામ કરવાની ઉતાવળ કરી હશે? પૈસા નહીં પણ એક ચોક્કસ પ્રકારની ફિલ્મો માટેની પ્રતિબદ્ધતા જ હતીને? એવી ફિલ્મોમાં પબ્લિસિટી પણ ક્યાં મળવાની હતી? વિવેચકો અને ફિલ્મ-ફેસ્ટિવલ્સમાં કે પછી મોટાં શહેરોમાં સ્થપાયેલી ફિલ્મ-સોસાયટીઓમાં ગણતરીના પ્રેક્ષકો દ્વારા જ જોવાતી હોવા છતાં એવી ફિલ્મો માટે આટલી બધી નિષ્ઠા! એ જમાનામાં આજની જેમ ફિલ્મો પ્રદર્શિત કરવાના ઇન્ટરનેટ અને યુટ્યુબ જેવા વિકલ્પો ક્યાં હતા કે સર્જકો અન્ય રીતે પણ કમાઈ શકે? પિક્ચર પ્રોડ્યુસ કરવાના પૈસા સરકારી સંસ્થા નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (NFDC) આપે અને એમાં પણ ઍક્ટરો માટે પાંચ કે દસ હજાર રૂપિયા જેવી, ઈવન એ દિવસોની પણ, મામૂલી રકમ! એ તો ભલું થજો હૃષીકેશ મુખરજીનું કે NFDCના ચૅરમૅન તરીકે તે હતા ત્યારે તેમણે પહેલી વાર ‘મિર્ચ મસાલા’ના બજેટમાં એ ફી પંચોતેર હજાર કરી આપી હતી.

‘મિર્ચ મસાલા’ રજૂ થઈ સ્મિતાજીના અવસાન પછી અને એ રીતે જુઓ તો ભાવ વધ્યા ખરા, પણ સમાંતર સિનેમાની એ તેમની અંતિમ કૃતિ સાબિત થઈ. એથી એનો લાભ સ્મિતાજીને ન મળ્યો. ‘મિર્ચ મસાલા’ આપણા કેતન મહેતાની ફિલ્મ, જેમાં સ્મિતા પાટીલ ફરી એક વાર, મરચાંના વ્યવસાયનાં શ્રમજીવી સોનબાઈ બને છે. એનો અર્થ એ કે ‘ચટપટી’, ‘ડાન્સ-ડાન્સ’ અને ‘શપથ’ કે પછી ‘ગલિયોં કા બાદશાહ’ જેવી કમર્શિયલ પ્રપોઝલો સ્વીકારવાની સાથે એ જ દિવસોમાં તે ‘સૂત્રધાર’, ‘દેબશિશુ’ (બંગાળી), ‘ગીધ’ અને ‘ચિદમ્બરમ’ (મલયાલમ) જેવી ફિલ્મો પણ કરતાં જ હતાં. એટલે જ કદાચ ‘માધુરી’ જેવી શિક્ટ ફિલ્મપત્રિકાના શ્રદ્ધાંજલિ-અંકમાં એ મૅગેઝિનના એ સમયના સંપાદક વિનોદ તિવારીએ તેમના માટે કર્મઠ અભિનેત્રી એવો શબ્દપ્રયોગ પોતાના સંપાદકીયમાં કર્યો હતો. તેમણે સ્મિતા પાટીલના અવસાન પછીના એ વિશેષ અંકમાં છેલ્લા દિવસોની વિગતો આપી હતી અને અંકના ટાઇટલ કવર પર ર્શીષક કર્યું હતું... એક તુમ હી નહીં દિખ રહીં.  એમાં ‘માધુરી’ના પત્રકાર મિથિલેશ સિંહાએ બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના મૅટરનિટી હોમના રૂમ-નંબર ૧૦૪માં પ્રતીકનો જન્મ થયાના દિવસે જ અભિનંદન આપવા મુલાકાત કરી એેનો રર્પિોટ પણ હતો. મિથિલેશે પૂછ્યું, શું નામ રાખવાનું વિચાર્યું છે? સ્મિતાએ લાડુ આપતાં રાજ બબ્બર તરફ ઇશારો કરી જવાબ આપ્યો, આમને પૂછો... મને તો એમ હતું કે દીકરી આવશે અને મેં તો તેના માટે નામ પણ વિચારી રાખ્યું હતું...

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK