સાંકડું પણ ફાંકડું ટોક્યો

એનું સ્ટેશન, એની રેલવેલાઇનો, એની હોટેલોની એક અલગ જ દુનિયા છે

tokyo

ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

આ વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી સરસ હોય છે કે એની વાતો કરતી વખતે અહોભાવ મનમાં છલકાયા જ કરે. આવું એક સ્થળ છે ટોક્યો સ્ટેશન. એને ટોક્યો શહેરનું મુખ્ય રેલવે-સ્ટેશન કહેવાને બદલે શહેર જ કહો તો ચાલે એવું છે!

સમગ્ર વિશ્વમાં આ એકમાત્ર સ્ટેશન-શહેર છે. આ સ્ટેશન પર જ ટોક્યો સ્ટેશન હોટેલ, શૉપિંગ મૉલ્સ, મ્યુઝિયમ અને બીજું ઘણુંબધું છે. અદ્ભુત કહેવાય, નહીં? રેલવે-સ્ટેશનની અંદર જ રસ્તાઓની નીચે રસ્તા છે અને એના પર એટલીબધી બજારો ભરાય છે કે ન પૂછો વાત.

અહીંની રામેન સ્ટ્રીટ પર ટોક્યોનાં શ્રેષ્ઠ નૂડલ્સ પીરસતી જૅપનીઝ નૂડલ્સ રામેનની દુકાનો છે. ટોક્યો સ્ટેશન પર શહેરની ટોચની સાત રેસ્ટોરાંને ખાસ નિમંત્રિત કરીને એમનાં આઉટલેટ્સ ખોલવામાં આવ્યાં છે. આમ આ સ્ટેશન-શહેર દુનિયામાં અપ્રતિમ છે.

tokyo1

અહીં એક કિચન સ્ટ્રીટ છે જેમાં લાઇનબંધ રેસ્ટોરાં છે, જેમાં બેન્ટો બૉક્સ (પરવડે એવાં ભાવનાં લંચ-બૉક્સ)થી માંડીને વિશ્વભરની તમામ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે.

એટલું જ નહીં, મીઠાઈનું જાણે સામ્રાજ્ય હોય એવી ઓકાશી લૅન્ડ પણ છે. પરિવારજનો માટે યાદગીરીરૂપે અહીંથી ટોક્યો બનાના કે ટોક્યો સ્ટ્રૉબેરી નામની મીઠાઈઓનાં બૉક્સ ખરીદી શકાય છે અને વિવિધ પ્રકારનાં ડિઝર્ટ, કેક તથા બેકરી-પ્રોડક્ટ્સ દ્વારા પોતાનો સ્વાદનો શોખ પૂરો પણ કરી શકાય છે.

એક લેવલ નીચે જાઓ એટલે બીજી એક સ્ટ્રીટ તમને અચરજ પમાડે એવી છે. એ કૅરૅક્ટર સ્ટ્રીટ છે. તમને પ્રિય એવા ડોરેમોન, શિનચૅન, હેલો કિટી, માય લિટલ પોની, સુપરમૅન, બૅટમૅન, પોકેમોન વગેરે કાટૂર્નર-કૅરૅક્ટરને લગતી અલાયદી દુકાનો છે. પેરન્ટ્સનાં ખિસ્સાં ખાલી થઈ જાય એટલીબધી ચૉઇસ અહીં બાળકોને મળે છે જેમાં વિવિધ ઍક્સેસરીઝ, રમકડાં, સુવેનિયર અને બીજું ઘણુંબધું જુદાં-જુદાં કૅરૅક્ટર્સના સ્વરૂપમાં હોય છે.

અહીંનો દાયમારુ ડિપાર્ટમેન્ટલ સુપર સ્ટોર તમારી શૉપિંગની તમામ જરૂરિયાતો સંતોષે છે. તમને બ્રૅન્ડેડ કપડાં જોઈતાં હોય તો એ અને ઇલેક્ટ્રૉનિક વસ્તુઓ જોઈતી હોય તો એ અને એના સિવાયનું બીજું ઘણુંબધું.

આ બધી વાતો પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે ટોક્યો સ્ટેશન મોટા ટૂરિસ્ટ-ઍટ્રૅક્શનથી જરાય કમ નથી. તમે થોડા કલાકોથી માંડીને થોડા દિવસ સુધી અહીંની અજાયબીઓ માણી શકો છો. આ એવું સ્ટેશન છે જેના વિશે એક આખું પુસ્તક લખી શકાય.

tokyo2

અમે જ્યારે પહેલી વાર ટોક્યો સ્ટેશનમાં પ્રવેશ્યા ત્યારે યેસુ એક્ઝિટથી એન્ટર થયા હતા. ત્યાં લોકોનો ધસમસતો પ્રવાહ જોઈને અમે દંગ રહી ગયા. અમે કંઈક પૂછવા જઈએ તો જવાબ મળે પણ એમાં કંઈ ખબર ન પડે, કારણ કે જપાનીઓ ઘણું ઓછું અંગ્રેજી જાણે છે.

જપાનમાં હજી તો અમારો આ પહેલો દિવસ અને પહેલો કલાક હતો, પણ અમે તો જાણે ત્યાં ખોવાઈ જ ગયા. મેં હોટેલ સુધી પહોંચવા કઈ ટ્રેન પકડવી અને કઈ દિશામાં ચાલવું એ બધા સહિતની વિગતો નોંધી રાખી હતી, છતાં એ રેલવેલાઇન સુધી કેવી રીતે જવું એની ગતાગમ નહોતી પડતી!

ટોક્યો સ્ટેશનથી અવરજવર માટે કુલ ૧૪ રેલવેલાઇન છે. એમાં શિન્કાન્સેન (બુલેટ ટ્રેન) માટેની લાઇન પણ છે. જપાનના કોઈ પણ ખૂણે ગણતરીના કલાકોમાં જવા માટે આ બુલેટ ટ્રેનનો ઉપયોગ કરી શકાય છે. અહીંની મુખ્ય સ્થાનિક રેલવેલાઇનનું નામ JR યામાનોતે લાન છે, જે ટોક્યોનાં મુખ્ય સ્થાનિક સ્થળોને સાંકળતી સર્ક્યુલર લાઇન છે.

આ ઉપરાંત ટોક્યોમાં તથા એનાં ઉપનગરોમાં અવરજવર માટે બીજી ડઝનેક સ્થાનિક રેલવેલાઇન છે, જે એકબીજા પરથી આડીઅવળી પસાર થાય છે. એમાંથી અમુકને સબવે અને અમુકને મેટ્રોલાઇન કહેવાય છે. આ લોકલ ટ્રેનોનું સંચાલન બે કંપનીઓ કરે છે અને ટ્રેનો શહેરના કોઈ પણ ભાગથી મુકામની નજીક સુધી પહોંચાડે છે. ઓઝાનોમિચુ વિસ્તારમાં અમારી હોટેલથી પાંચથી સાત મિનિટના અંતરમાં ત્રણ સ્ટેશન હતાં. હવે તમે જ કહો, ટોક્યોની રેલવેલાઇનનો નકશો જોતી વખતે અમારી શું હાલત થઈ હશે!

અમે લગભગ દસ મિનિટ સુધી તો એમ ને એમ ઊભા રહ્યા, બાઘા બનીને. મેં પહેલેથી ટોક્યોનો અભ્યાસ કર્યો હતો એ મદદરૂપ થયો. મને યાદ આવ્યું કે અહીંની બધી મેટ્રોલાઇનોને અલગ-અલગ રંગથી ઓળખાવાય છે. વિશ્વની સૌથી મોટી પૅસેન્જર રેલવે કંપની - JR ઈસ્ટને JRના ટૂંકા નામે ઓળખાવાય છે. અમારી હોટેલ સુધી જનારી મરૂનોચી લાઇન માટે અમારે લાલ રંગના વર્તુળમાં M લખાયું હોય એ ચિહ્ન શોધવાનું હતું.

અલગ-અલગ રેલવેલાઇનોને સાંકળતા કૉરિડોર ઘણા જ લાંબા છે. ચાલતા જઈએ તો એમાંથી અમુક તો નજીક-નજીક આવેલાં ત્રણ રેલવે-સ્ટેશનોને સાંકળે છે. એથી અમારે બે મોટી બૅગો ખેંચતાં-ખેંચતાં અને ખભે હૅવરસૅક લટકાવીને ટાંટિયાની કઢી થઈ જાય એટલું અંતર કાપવું પડ્યું.

ટૂંકમાં કહીએ તો ભારે ઉચાટ સાથે હોટેલ પહોંચ્યા.

અહીં જપાનની હોટેલોની સિસ્ટમ વિશે થોડું કહેવું જરૂરી છે. અહીંની મોટા ભાગની હોટેલોમાં બપોરે ત્રણ વાગ્યાનું ચેક-ઇન હોય છે. એથી ચેક-ઇનનો સમય થાય નહીં ત્યાં સુધી રિસેપ્શનમાં સામાન મૂકીને આસપાસ ફરીને આવી શકાય છે. નસીબજોગે અમારી હોટેલનો એક કર્મચારી નેપાલી હતો. તેણે અમને વહેલું ચેક-ઇન કરવામાં મદદ કરી. નેપાલીના કહેવાથી રિસેપ્શનિસ્ટે મીઠા સ્વરે ‘કોનિશિવા’ કહીને અમને આવકાર આપ્યો અને રૂમ આપી દીધી.

હોટેલની અમારી રૂમ પણ જાણે મિની ટોક્યો! સ્મૉલ, બિઝી અને કમ્પ્લીટ.

ટોક્યોની આ હોટેલની ભંડકિયા જેવી રૂમમાં કેટલી જગ્યા હશે એનો અંદાજ આપવો હોય તો કહી શકાય કે ATMની બે કૅબિનો ભેગી કરો એટલી જ જગ્યા એમાં હતી. એક દીવાલને અડીને પલંગ રાખ્યો હતો અને એની બાજુમાં બૅગ મૂકી એટલે પછી પગ રાખવા માટેનીયે જગ્યા બચી નહોતી. આ અતિશયોક્તિ જરાય નથી! જોકે આ રૂમમાં અમને જોઈતી તમામ વસ્તુઓ હાજર હતી. લૅમ્પ અને સ્ટેશનરી સાથેનું સ્ટડી-ટેબલ, કૉફીના મગ રાખવા માટેનાં સ્ટૅન્ડ, આઇસ-ટબ, મિની ફ્રિજ, ઇસ્ત્રી કરવા માટેનું ફોલ્ડિંગ પાટિયું, નાનકડું વૉશબેસિન અને પૅસેજમાં વૉર્ડરોબ જેમાં અમારા બાથરોબ, નાઇટરોબ વગેરે હતા. નાનકડા બાથરૂમમાં બાથટબ પણ હતું. એમાં ત્રણ પ્રકારનાં શાવર, વૉશબેસિન, કમોડ અને હાઇજીન માટેની બીજી નાની-નાની જરૂરિયાતો જેવું બધું જ હતું.

ટોક્યો એની હોટેલોની રૂમ જેવડું જ સાંકડું, પણ એમાં જોઈએ એ બધું જ મળી રહે એવું શહેર છે. અમુક વસ્તુઓ તો એવી છે જેની આપણે ક્યારેય કલ્પના કરી ન હોય. સૌથી મોટું, સૌથી વિશાળ, સૌથી વ્યસ્ત, સૌથી ઘેલું વગેરે વિશેષણો ધરાવતું ટોક્યો અંતિમો અને ગાંડપણનું શહેર છે.

હોટેલમાં ગોઠવાયા પછીના દિવસોમાં અમે એશિયાના આ સૌથી વ્યસ્ત અને વિલક્ષણ શહેરનો પરિચય કરતા ગયા.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK