ઉછીનો આત્મવિશ્વાસ આપવાનો બિઝનેસ પુરજોશમાં છે

મોટિવેશનલ ગુરુઓ માને છે કે આ તો હજી શરૂઆત છે, આવતાં વષોર્માં એની ડિમાન્ડ હજી મોટી થવાની છે. આ આશાવાદમાં તથ્ય કેટલું એ જોવા જેવું છે

public

રશ્મિન શાહ

સૌથી પહેલાં આંકડાઓ જોઈ લઈએ. એક સમય હતો જ્યારે ગુજરાતી મોટિવેશનલ ગુરુ ડૉ. જિતેન્દ્ર અઢિયા મહિનામાં ત્રણથી ચાર સેમિનાર કરતા, પણ આજે એવી સિચુએશન છે કે તેમની પાસે આવતા ત્રણ મહિના સુધી કોઈ ડેટ ખાલી નથી.

‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ અને જાણીતા મોટિવેશનલ ગુરુ સંજય રાવલની હાલત તો તેમનાથી પણ ખરાબ છે. સંજય રાવલના મોટિવેશનલ ફંક્શન માટે જો તમે ડેટ માગો અને તમારી પાસે ઓળખાણ હોય તો તમને ઑગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાની ડેટ મળે. નહીં તો તમારે ડિસેમ્બરની ડેટથી ચલાવી લેવું પડે. સંદીપ મહેશ્વરીની હાલત તો આ બધાથી પણ ખરાબ છે. સંદીપ મહેશ્વરી અને શિવ ખેરા પાસે આ વર્ષમાં કોઈ સમય જ નથી. કૉર્પોરેટ ટ્રેઇનિંગ આપતા આ બન્ને મોટિવેશનલ ગુરુની ફી છ આંકડામાં છે અને એ પછી પણ તેમની પાસે અત્યારે જરાય સમય નથી. માત્ર મોટિવેશનલ સ્પીકર્સની જ આ હાલત છે એવું નથી. મોટિવેશનલ બુક્સનું માર્કેટ પણ જબરદસ્ત બૂમ થયું છે અને આ સિનારિયો છેલ્લાં ચાર વર્ષથી એકધારો ચાલતો આવ્યો છે.

નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્ર શાહ અને આર. આર. શેઠની કંપનીના માલિક ચિંતન શેઠ એકસૂરે સ્વીકારે છે કે છેલ્લાં થોડાં વષોર્થી મોટિવેશનલ બુક્સનું સેલ સૌથી વધારે થાય છે અને બુકસ્ટોરમાં મોટિવેશનલ બુક્સ હાઇએસ્ટ વેચાણમાં છે. ચિંતન શેઠ કહે છે, ‘એક સમયે નૉવેલ સૌથી વધારે વેચાતી અને વંચાતી, પણ હવે એવું નથી રહ્યું. હવે મોટિવેશનલ બુક્સ સૌથી વધારે વેચાય અને વંચાય છે. માત્ર ગુજરાતીમાં જ નહીં, અંગ્રેજીમાં અને હિન્દીમાં પણ આ જ સિનારિયો છે. મોટિવેશનલ બુક્સની ડિમાન્ડ મોટી હોવાથી બીજું લિટરેચર લખનારા રાઇટર્સ પણ મોટિવેશનલ લખવા તરફ વળ્યા છે અને તેમને પણ સારો રિસ્પૉન્સ મળ્યો છે.’

૨૦૦૬માં પ્રકાશિત થયેલા ‘સીક્રેટ’ નામના પુસ્તકે આખા વિશ્વમાં દેકારો બોલાવી દીધેલો. આ પુસ્તકની લાખો કૉપી વેચાયા ઉપરાંત એની ઑડિયો CD અને ફિલ્મ માટે પણ લોકોએ ગજબ રસ દેખાડ્યો હતો. આખેઆખા પુસ્તકમાં એક જ વાત પર લેખકે ભાર મૂકેલો અને એ હતી ‘લૉ ઑફ અટ્રૅક્શન’. તમારા વિચારોની આકર્ષણશક્તિ કેવાં પરિણામો સર્જી શકે છે એ વાત અનેક દાખલાઓ સાથે મૂકવામાં આવી અને લોકોને સંદેશ આપવામાં આવ્યો કે તમે ઇચ્છા રાખતા હો એ તમામ બાબતોને હકારાત્મકતા સાથે વિચારોમાં લાવો, વિઝ્યુઅલાઇશનમાં લાવો અને પછી જુઓ ચમત્કાર; એ તમામ બાબતો હકીકત બની જશે. સેલ્ફ-ઇન્ડસ્ટ્રીને આ એક પુસ્તકે જોરદાર બૂસ્ટ આપેલો. લોકોને એકાએક પોતાનાં સપનાંઓ સાકાર કરવા માટેની ગુરુચાવી મળી હોય એવું આકર્ષણ જગાડવામાં આ પુસ્તકનો બહુ મોટો ફાળો છે. એ જ પરંપરાને અનુસરીને આ પ્રકારનાં હજારો પુસ્તકો પ્રકાશિત થયાં છે.

૨૦૧૭માં ગુજરાતી ભાષામાં અંદાજે બાવીસ જેટલી મોટિવેશનલ બુક્સ આવી, જે તમામ બુક્સ વેચાણમાં ટૉપ ટેનમાં રહી. ગુજરાતી ભાષાના પબ્લિશર્સ આ વર્ષે લગભગ ચાલીસ જેટલી આ જ વિષયની બુક્સ પબ્લિશ કરવાના છે. મોટિવેશનલ ગુરુ સંદીપ મહેશ્વરી કહે છે, ‘આ ટૉપિકની જરૂરિયાત દરેકેદરેક વ્યક્તિને છે અને એટલે જ તે કોઈ પણ રીતે મોટિવેશન મેળવવાની દિશામાં આગળ વધે છે. સેમિનાર અટેન્ડ કર્યા પછી પણ આ પ્રકારની બુક્સ વાંચવાની આદત હવે લાઇફ-સ્ટાઇલ બની ગઈ છે અને મોટા ભાગના લોકો આ બુક્સ વાંચે છે. નેવુંના દશકમાં પણ આ પ્રકારની બુક્સનું માર્કેટ હતું. એ સમયે મોટા ભાગના ફૉરેન મોટિવેશનલ ગુરુઓની બુક્સ આપણે ત્યાં મળતી, પણ ઇન્ડિયન ગુરુઓ અને ઇન્ડિયન ઑથર્સની શરૂઆત એ પછી થઈ અને દીપક ચોપડા તથા શિવ ખેરા જેવા રાઇટર્સ આવવાના શરૂ થયા એટલે માર્કેટમાં એ રીતે પણ વધારો થયો.’

મોટિવેશનની દુનિયામાં એ હદે બૂમ છે કે જરાઅમસ્તું મોટિવેશનલ કે પછી પ્રેરણાત્મક લખી શકનારા લોકોની પણ ડિમાન્ડ નીકળી છે અને એને લીધે અનેક લેખકો પણ આ દિશામાં આગળ વધી ગયા છે. આજે મોટિવેશનલ ગુરુ, જે ટ્રેઇનિંગ આપવાનું કામ કરી શકે છે અને જે માત્ર ને માત્ર આ જ ફીલ્ડમાં છે એવી વ્યક્તિઓ આખા દેશમાં રોકડી સોથી દોઢસો છે, પણ એમના કરતાં લગભગ સોગણા વધારે એવા લોકો આ લાઇનમાં છે જે મૂળભૂત પત્રકાર કે લેખક હોય અને મોટિવેશનલ સ્પીચ આપવાનું કામ કરવા માંડ્યા હોય. રાઇટર ચેતન રાવલ કહે છે, ‘મેં ક્યારેય મારી જાતને મોટિવેશનલ ગુરુ નથી ગણાવી, પણ લોકો એવું માને તો મને વાંધો પણ નથી અને મારો વિરોધ પણ નથી. પ્રેરણા આપવાનું કામ જે કોઈ કરી શકે તે મોટિવેશનલ ગુરુ જ ગણાય અને આ કામ વધતું જ રહેવાનું છે.’

સૌથી પહેલો પ્રશ્ન એ છે કે મોટિવેશન-માર્કેટ આ સ્તર સુધી પહોંચ્યું કઈ રીતે? આ પ્રશ્નની વાત કરતાં પહેલાં આપણે જાણી લેવું જોઈએ કે મોટિવેશન-માર્કેટ પહેલાં કેવું હતું, અત્યારે કેવડું છે અને આવતા સમયમાં કયા સ્તર પર પહોંચશે. એક સમય હતો જ્યારે પ્રેરણાઓનાં પડીકાં અને ચેતનાઓનો ચકડોળ ચલાવવા માટે કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નહોતો, પણ એની શરૂઆત દીપક ચોપડા અને શિવ ખેરાએ કરી અને આ આખી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ. એંસીના દશકમાં આ માર્કેટ લાખો રૂપિયાનું હતું અને મોટિવેશનના ફીલ્ડ સાથે સંકળાયેલા લોકો હજારો રૂપિયામાં ફી લેતા હતા, પણ હવે એવું રહ્યું નથી. ગયા વર્ષે ઇન્ડિયામાં આ માર્કેટ ૨૪૦ કરોડને ટચ કરી ગયું છે અને આવતા વર્ષે એટલે કે ૨૦૧૯માં આ જ માર્કેટ ૫૦૦ કરોડના ફિગરને આંબે એવી પૂરી શક્યતા છે. એક સમય હતો કે પ્રેરણા લેવાનું કામ લોકો જાતે કરી લેતા કે પછી પ્રેરણામૂર્તિ પોતે જ જ્ઞાન આપી દેતા, પણ હવે એવું રહ્યું નથી. હવે પ્રેરણા જોઈતી હોય તો મોંઘીદાટ ગુરુદક્ષિણા ચૂકવવી પડે છે અને એ માટે લોકો પણ માનસિક રીતે તૈયાર થઈ ગયા છે. આવું થવાનું જો કોઈ સૌથી મહત્વનું કારણ હોય તો એ છે આત્મવિશ્વાસનો અભાવ. જાણીતા સાઇકોલૉજિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘સેલ્ફ-કૉન્ફિડન્સનો અભાવ હોય તેમને મોટિવેશનની સતત જરૂર પડતી હોય છે. આ જ વાતનો લાભ લેવામાં આવ્યો. એ પછી હવે આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ અને આ બિઝનેસ બની ગયો. આ બિઝનેસ ક્યારેય અટકે એવું લાગતું નથી અને એનું કારણ પણ છે. મોટિવેશનની આવશ્યકતા દરેકને પોતપોતાના સ્તર પર પડતી જ હતી, પણ એની ફી લેવામાં નહોતી આવતી. હવે એની ફી લેવામાં આવે છે અને હવે બન્યું પણ એવું છે કે મોટિવેશનના ઇન્જેક્શન વિના સેલ્ફ-કૉન્ફિડન્સ જાગતો નથી.’

જાણીતા મોટિવેશનલ ગુરુ સંજય રાવલ પણ આ જ વાત કહે છે. સંજય રાવલની સૌથી મોટી ખૂબી એ છે કે તેઓ મોટિવેશનના પ્રોગ્રામ માટે એક પણ રૂપિયો ચાર્જ નથી કરતા. તેમને માત્ર ટ્રાવેલિંગ અને હોટેલ-સ્ટે જ આપવાનો હોય છે. સંજય રાવલ કહે છે, ‘મોટિવેશનના ફંક્શનમાં ગયા પછી લોકોને એનર્જી આવી જાય છે, જે કાયમ રહેવી જોઈએ. જોકે એવું બનતું નથી અને આ ડોઝ સતત લેવો પડે છે. સતત લેવાનો હોવાથી આ ડોઝ ધીમે-ધીમે મોંઘો પણ થતો જાય છે અને એ માટેના જાતજાતના રસ્તાઓ પણ ખૂલતા જાય છે. હું માનું છું કે અત્યારે હજી મોટિવેશનના ફીલ્ડમાં ઇન્ટરનેટ ઉમેરાયું નથી અને ઇન્ટરનેટનો ઉપયોગ માત્ર પ્રમોશન માટે કરવામાં આવે છે. જોકે આગળ જતાં એવું નહીં રહે અને વિડિયો જોવા કે પછી બીજા આર્ટિકલ વાંચવા કે ટિપ્સ જોવા કે પછી મનમાં જો કોઈ ક્વેરી હોય તો એના જવાબો મેળવવા જેવી બાબતો ઑનલાઇન થઈ જશે. એ માટે ચાર્જ લેવામાં આવશે અને એક નવું માર્કેટ શરૂ થશે. પર્સનલી મને લાગે છે કે જે સમયે મોટિવેશન ઑનલાઇન થશે એ સમયે એ માર્કેટ સાચા અર્થમાં બૂમ થશે અને અત્યારે છે એના કરતાં ડબલ લેવલ પર પહોંચી જશે.’

દીપક ચોપડા પણ આ વાત સ્વીકારે છે, પરંતુ તેઓ મની-માઇન્ડ થઈને વાત નથી કરી રહ્યા. તેઓ તો મોટિવેશનલ ફીલ્ડને લીધે થયેલા બેનિફિટની વાત કરે છે. દીપક ચોપડા કહે છે, ‘છેલ્લાં દસ વર્ષથી જે લોકો આ પ્રકારના સેમિનાર અટેન્ડ કરે છે તેઓ હવે બહાર આવી ગયા છે અને તેમની સક્સેસ-સ્ટોરી પણ હવે ફીલ્ડમાં છે. પહેલાં એવું હતું કે સારી વાતો સાંભળવા અને પ્રેરણાની વાતોને જીવનમાં ઉતારવી જોઈએ એવા હેતુથી એ બધું સાંભળવામાં આવતું, પણ આ દસ વર્ષ પછી એવી સિચુએશન છે કે એ ઉતારનારા લોકોને કેટલો બેનિફિટ થયો એ લોકોની આંખ સામે છે, જેને લીધે હવે જેઓ આ પ્રકારના સેમિનારમાં જોવા મળે છે એ સેકન્ડ અને થર્ડ જનરેશન છે અને તેમની ફૅમિલીને એનો ઍડ્વાન્ટેજ પણ મળી ચૂક્યો છે. નૅચરલી બેનિફિટ ઘરમાં જ થયો હોય તો આ રસ્તે ચાલનારા લોકોની સંખ્યા પણ વધવાની અને એ લોકોના ટ્રસ્ટમાં પૉઝિટિવિટી પણ જુદા પ્રકારની રહેવાની.’

વાત જરાય ખોટી નથી. જે રીતે આ વાત ખોટી નથી એવી જ રીતે ડૉ. મુકુલ ચોકસીએ કહ્યું એ પણ જરાય ખોટું નથી. ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘પહેલાંના અને આજના સમયમાં આત્મવિશ્વાસની બાબતમાં ઘણો મોટો ફરક આવ્યો છે. આજે તમે જોશો તો દેખાશે કે ચાળીસી વટાવી ચૂકેલા એંસી ટકાને આ પ્રકારના બાહ્ય મોટિવેશનની જરૂર નથી અને એ માટે કારણો પણ છે. એ ઉંમરના લોકો ભણતરની સાથોસાથ ગણતર પણ પામ્યા છે. જોકે હવે એનો મોટો અભાવ છે. આજની ટીનેજ અને યંગ જનરેશન પાસે અમુક બાબતોનું એક્સપોઝર રહ્યું નથી, જેને લીધે સેલ્ફ-કૉન્ફિડન્સનો અભાવ છે અને એ અભાવને લીધે જ તેમને આ પ્રકારના મોટિવેશનની જરૂર પડે છે. આમાં હજી વધારો થવાનો છે અને એ વધારા માટે ક્યાંક ને ક્યાંક પેરન્ટ્સ પણ જવાબદાર છે, પણ તેમની પાસે આ વાત વિચારવાનો સમય નથી અને સમય છે તો આ જે કમી છે એ કમી દૂર કરવાની ક્ષમતા નથી.’

પરિણામ એ આવ્યું કે આત્મવિશ્વાસ શોધવાનું કામ જાતે જ શરૂ કરી દેવામાં આવ્યું અને એક આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ. સેલ્ફ-હેલ્પ સેક્ટરના અને છેલ્લાં ૪૫ વર્ષથી લોકોને પૉઝિટિવિટી અને પ્રેરણાનો પાવરડોઝ પૂરો પાડનારા ભારતીય મૂળના અમેરિકન સ્પીકર શિવ ખેરા આ વાત સાથે સહમત થતા નથી. શિવ ખેરા માને છે કે મોટિવેશન હમણાં કે બે-ચાર દશકથી ડેવલપ નથી થયું, પણ હજારો વષોર્થી ચાલતું આવે છે. શિવ ખેરા કહે છે, ‘ભગવાન કૃષ્ણે યુદ્ધભૂમિ પર પોતાના લોકો પર વાર કેમ કરાય એવું વિચારીને હાર માનીને પીછેહઠ કરવા માગતા અજુર્નને જે કંઈ કહ્યું એ મોટિવેશન જ હતું. શ્રીમદ્ ભગવદગીતા મોટિવેશનનું, પ્રેરણાનું અને શું કરવું યોગ્ય છે અને શું નહીં એની વાત કરે છે. આજે લોકોને મોટિવેશનની જરૂર સૌથી વધારે પડી રહી છે અને પહેલાં બિલકુલ નહોતી એ વાત સાચી નથી. હકીકત એ છે કે આજે લોકોને પ્રોફેશનલ લોકો દ્વારા મોટિવેશન મળે એ બાબત વધુ ગમે છે. એની તેઓ કદર કરે છે. પૈસા ખર્ચીને શીખેલી સારી અને સાચી વાતનું પાલન તેઓ કરશે એવો તેમનો અભિગમ બનતો જાય છે. બીજું, પ્રોફેશનલ ટ્રેઇનર અને સ્પીકર અમુક ખાસ એરિયાને ફોકસ કરીને એ જ દિશામાં કેમ આગળ વધવું એનો રોડ-મૅપ વધુ બહેતર રીતે આપવા માટેની તૈયારીઓ પહેલાં પોતે કરતા હોય છે. પહેલાંના સમયમાં પરિવારના જ વડીલો, મિત્રો અને સંબંધીઓ પ્રેરણા આપવાની ભૂમિકામાં હતા, જેમાં કોઈ સિસ્ટમ નહોતી પણ પોતાના અનુભવોનો નિચોડ હતો. આજે પરિવારોની ઘનિષ્ઠતા ઘટી છે એટલે આંતરવિશ્વમાં ખાલીપો છે તો બીજી બાજુ બહારનું વિશ્વ અકલ્પનીય રીતે ઝડપી બન્યું છે. બધાને આગળ વધવું છે, બધાને નંબર વન બનીને દુનિયા પર રાજ કરવું છે એનો લોભ અને મહkવાકાંક્ષાઓ વધી છે. મોટા ભાગના લોકો વિચારે છે કે મોટિવેશનલ સ્પીચ અને સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટનાં લેક્ચર્સમાં તેમને આ બધાનો શૉર્ટકટ મળી જશે એટલે તેમનો આ દિશામાં ધસારો વધ્યો છે. હકીકત એ છે કે અમે શૉïર્ટકટ નથી આપતા, પણ પ્રયત્ન કરીએ છીએ કે સાચી રીત અપનાવીને જાતને પોતાના ધ્યેય માટે તૈયાર કરવાની દિશામાં લોકો ચાલતા થાય.’

અત્યાર સુધીમાં લગભગ દોઢેક કરોડ લોકો જેમને સેમિનારના માધ્યમથી સાંભળી ચૂક્યા છે એ શિવ ખેરાના ૧૯૯૮માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘યુ કૅન વિન’ દ્વારા સેલ્ફ હેલ્પ બુકની ઇન્ડસ્ટ્રીનું મંગલાચરણ થયું હતું એમ કહીએ તો પણ ચાલે. આખા વિશ્વમાં આજ સુધીમાં એની ૩૫ લાખ કરતાં વધુ કૉપી વેચાઈ છે. મોટિવેશન અનિવાર્ય અને સતત મળતું રહેવું જોઈએ એવી બાબત છે. શિવ ખેરા એનું લૉજિક આપતાં કહે છે, ‘દરેકના જીવનમાં એવી ક્ષણો આવતી જ હોય છે જ્યારે નિરાશા, હતાશા અને નિષ્ફળતાઓને કારણે વ્યક્તિ ઢીલી પડી જાય. તેને પોતે ઊંડી ખીણમાં હોવાનો આભાસ થાય. આવા સમયે ચાર વાસ્તવિક ચિત્ર સાથેની મોટિવેશનલ વાતો ખરેખર મિરૅકલ સર્જી શકે છે. એ મિરૅકલ સર્જાયાં છે જે મેં મારા અનુભવોમાંથી અને લોકો સાથેના આટલાં વષોર્ના પરિચયોમાંથી શીખ્યું છે. હું પોતે દસમું ફેઇલ હતો અને અમુક સંજોગોને કારણે અમેરિકા જવાનો અવસર મળ્યો. ત્યાં જઈને લોકોની ગાડી સાફ કરવા જેવાં કામ કરીને હું ત્યાં સર્વાઇવ થયેલો. હકારાત્મક વિચારો અને એ વિચારો સાથે જાતમાં સતત બદલાવ લાવવાની ધગશ બધું જ શક્ય બનાવી શકે એ વાત હું મારા જીવનમાંથી શીખ્યો છું. મારા સેમિનાર પછી મને એવા લોકો પણ મળ્યા છે જેમણે મને પાછળથી પત્ર લખીને જણાવ્યું હોય કે તમારા સેમિનારની એક બાબત જીવનમાં ઉતારી છે અને જીવનમાં બદલાવ અમે જોઈ રહ્યા છીએ.’

દિવસના લગભગ સો જેટલા પત્રો તથા ઈ-મેઇલ આ પ્રકારની સંવેદના સાથે શિવ ખેરાને મળતાં રહે છે. જોકે આવા સેમિનાર એક વાર અટેન્ડ કર્યા પછી પણ લોકોનો એના માટેનો ક્રેઝ જતો નથી. શિવ ખેરા કહે છે, ‘આપણે ત્યાં આજે લોકો દવા નહીં પણ ડૉક્ટર બદલતા થયા છે. ભારતમાં ૩૫ વર્ષ પહેલાં એક સેમિનાર મેં કરેલો અને આજે પણ એ કરું છું. જનતામાં મેં બેઝિક ડિફરન્સ જોયો છે કે હવે તેઓ સેમિનારમાં સાંભળેલી અને અનુકરણ કરવા જેવી વાતને ફૉલો નથી કરતા. તેમને તો એમ જ છે કે સાંભળી લીધું એટલે કામ પતી ગયું. જોકે કોઈ પણ વાત જ્યાં સુધી અમલમાં ન મુકાય ત્યાં સુધી પરિણામ નથી આવતું. દવા લીધા વિના બીમારીનો ઇલાજ ન થાય એ જ રીતે. જોકે એના પર વિચાર કર્યા વિના લોકો ડૉક્ટર બરાબર નથી એવી ધારણા બાંધીને નવા ડૉક્ટર પાસે જાય છે એ ભૂલીને કે નવો ડૉક્ટર પણ એ જ દવા આપશે. આજે સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આ જ ઘાટ ઘડાયો છે. લોકોને મોટિવેશનલ વાતો સાંભળવી છે, એના માટે પૈસા ખર્ચવા છે પણ એનું પાલન નથી કરવું અને પછી બીજા સેમિનારમાં જવાનું. બસ, આ સિલસિલો ચાલ્યા કરે છે અને એ જ કારણ છે કે હવે લોકોને દર ત્રીજા દિવસે મોટિવેશનનું પુસ્તક વાંચવાની અને એ પ્રકારના સેમિનાર્સ અટેન્ડ કરવાની જરૂર પડે છે. આ જ કારણ છે કે આજે દર ત્રીજી વ્યક્તિ લોકોને પ્રેરણા આપવા માટે ઊભી થઈ જાય છે.’

સરવાળે એટલું તો પુરવાર થાય જ છે કે મોટિવેશનની આ ઇન્ડસ્ટ્રીમાં આવતાં વષોર્માં જરાય મંદી નથી આવવાની અને એટલે જ સફળતાની ગુરુચાવી આપવાનો દાવો કરતી આ ઇન્ડસ્ટ્રી એકધારી ધીકતો ધંધો કરતી રહેવાની છે. આ બિઝનેસની સૌથી મોટી ખાસિયત પકડી પાડનારા સંજય રાવલ કહે છે, ‘મોટિવેશનલ ફંક્શન કે સેમિનારમાં હજી પણ મહિલાઓની સંખ્યા ઓછી જોવા મળે છે. તેઓ ધીમે-ધીમે આ દિશામાં ડાઇવર્ટ થઈ રહી છે. તમે મહિલા અને પુરુષના ૧:૧ રેશિયોથી વાતને વિચારો તો પણ કહેવું પડે કે આપણે ત્યાં હજી માંડ દસથી બાર ટકા પુરુષો જ આ પ્રકારના સેમિનારમાં જતા થયા છે. બાકીનો આખો વર્ગ બાકી છે અને એ વર્ગ જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં ઉમેરાશે ત્યારે સાચી રીતે મોટિવેશનલ માર્કેટનું બૂમ દેખાશે.’

આ ટૉપિકની જરૂરિયાત દરેકેદરેક વ્યક્તિને છે અને એટલે જ તે કોઈ પણ રીતે મોટિવેશન મેળવવાની દિશામાં આગળ વધે છે. સેમિનાર અટેન્ડ કર્યા પછી પણ આ પ્રકારની બુક્સ વાંચવાની આદત હવે લાઇફ-સ્ટાઇલ બની ગઈ છે અને મોટા ભાગના લોકો આ બુક્સ વાંચે છે.

- મોટિવેશનલ ગુરુ સંદીપ મહેશ્વરી

આજે લોકોને મોટિવેશનની જરૂર સૌથી વધારે પડી રહી છે અને પહેલાં બિલકુલ નહોતી એ વાત સાચી નથી. હકીકત એ છે કે આજે લોકોને પ્રોફેશનલ લોકો દ્વારા મોટિવેશન મળે એ બાબત વધુ ગમે છે. એની તેઓ કદર કરે છે. પૈસા ખર્ચીને શીખેલી સારી અને સાચી વાતનું પાલન તેઓ કરશે એવો તેમનો અભિગમ બનતો જાય છે.

- શિવ ખેરા

હવે જેઓ આ પ્રકારના સેમિનારમાં જોવા મળે છે એ સેકન્ડ અને થર્ડ જનરેશન છે અને તેમની ફૅમિલીને એનો ઍડ્વાન્ટેજ પણ મળી ચૂક્યો છે. નૅચરલી બેનિફિટ ઘરમાં જ થયો હોય તો આ રસ્તે ચાલનારા લોકોની સંખ્યા પણ વધવાની અને એ લોકોના ટ્રસ્ટમાં પૉઝિટિવિટી પણ જુદા પ્રકારની રહેવાની.

- દીપક ચોપડા

સેલ્ફ-કૉન્ફિડન્સનો અભાવ હોય તેમને મોટિવેશનની સતત જરૂર પડતી હોય છે. આ જ વાતનો લાભ લેવામાં આવ્યો. એ પછી હવે આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ અને આ બિઝનેસ બની ગયો. આ બિઝનેસ ક્યારેય અટકે એવું લાગતું નથી.

- સાઇકોલૉજિસ્ટ ડૉ. મુકુલ ચોકસી


મોટિવેશનના ફંક્શનમાં ગયા પછી લોકોને એનર્જી આવી જાય છે, જે કાયમ રહેવી જોઈએ. જોકે એવું બનતું નથી અને આ ડોઝ સતત લેવો પડે છે. સતત લેવાનો હોવાથી આ ડોઝ ધીમે-ધીમે મોંઘો પણ થતો જાય છે અને એ માટેના જાતજાતના રસ્તાઓ પણ ખૂલતા જાય છે.

- મોટિવેશનલ ગુરુ સંજય રાવલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK