એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૧૪

સિવિલ હૉસ્પિટલની બહાર ચાવાળો પ્રાઇમસને પમ્પ મારી રહ્યો હતો.

નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય

આખી રાત જાગીને દર્શન જરા આરામથી ગાડીમાં બેઠો ત્યાં તેની આંખો ભારે થવા લાગી. દર્શન પટેલની આ જૂની ટેવ હતી. તેને કામ હોય તો તે ચોવીસ કે અડતાલીસ કલાક પણ જાગી શકતો, પરંતુ જેવો કામમાં સહેજ આરામ મળે કે તે ૧૫ મિનિટની ‘પાવરનૅપ’ ખેંચી લેતો. આ પાવરનૅપ દર્શનને આવનારા બીજા દસ કલાક કામ કરવાની શક્તિ આપી દેતી. દર્શને ડ્રાઇવિંગ સીટની બૅકરેસ્ટ ઢાળી દીધી. સીટ પાછળ લીધી. પગ લાંબા કરીને આંખો મીંચીને તેણે પોતાની ઊંઘ પાકી કરી લીધી. તેની આંખો મીંચાઈ એ પહેલાં તેના મનમાં ગઈ કાલે રાત્રે અઢી વાગ્યાથી અત્યાર સુધીમાં તેણે જોયેલાં દૃશ્યો, સાંભળેલાં વાક્યો પડઘાતાં રહ્યાં.

‘મારાં મધર-ઇન-લૉ...’ જાહ્નવીનો અવાજ રીતસર ધ્રૂજતો હતો, ‘મારાં સાસુને ચપ્પુ વાગ્યાં છે. તે બેભાન થઈ ગયાં છે...’

તેને સમજાતું નહોતું કે પોતાની વાત કઈ રીતે કહેવી. દર્શનને અત્યારે પણ જાહ્નવીનો એ ધ્રૂજતો-ગભરાયેલો અવાજ સંભળાયો.

‘ચપ્પુ વાગ્યાં છે?’ તેણે જાહ્નવીને પૂછ્યું હતું, ‘હાથમાં?’

‘ના, પેટમાં...’ જાહ્નવીએ કહ્યું ત્યારે દર્શનને ખ્યાલ આવ્યો હતો કે એ ખૂન અથવા અટેમ્પ્ટ ઑફ મર્ડરની ફરિયાદ કરી રહી હતી. ‘કોઈ ભાગી ગયું.’ જાહ્નવીએ ત્રુટક વાક્યોમાં ફરિયાદ કરી હતી, ‘હું નીચે આવી ત્યારે મેં અવાજ સાંભળ્યો. મમ્મીની રૂમમાંથી ફ્રેન્ચ વિન્ડો ખોલીને કોઈ ભાગ્યું...’

‘ઍડ્રેસ બોલો.’ દર્શનને સમજાયું હતું કે જાહ્નવી એટલીબધી ડરી ગઈ હતી કે તે પોતાની ફરિયાદ પણ બરાબર કરી શકતી નહોતી. તેણે ઍડ્રેસ અને લૅન્ડમાર્ક લખી લીધા પછી તરત જ પોતાના કૉન્સ્ટેબલને ગાડી બહાર કાઢવાનું કહ્યું હતું. પોલીસ-જીપમાં એક રાઇટર અને કૉન્સ્ટેબલને લઈને તે જ્યારે જાહ્નવીના ઘેર પહોંચ્યો ત્યારે જાહ્નવી માથું પછાડીને રડી રહી હતી. દર્શનને જોતાં જ તે નાના બાળકની જેમ દોડીને દર્શનને વળગી પડી હતી. તે આખી ધ્રૂજતી હતી.

દર્શને માંડ-માંડ તેને શાંત પાડીને વીરબાળાબહેનના રૂમમાં બેઝિક તપાસ કરવા માંડી હતી. તેણે જાહ્નવીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને તેની પાસેથી મળેલા જવાબોના આધારે રાઇટરને લખવાની સૂચના આપી હતી. તેણે પોતાના ફૉરેન્સિક ડિપાર્ટમેન્ટના ફોટોગ્રાફરને ફોન કરીને આ ઍડ્રેસ પર બોલાવ્યા હતા. તેનું કામ શરૂ થઈ ગયું હતું.

પહેલાં માથાં પછાડીને રડી રહેલી જાહ્નવી હવે અવાક્ થઈ ગઈ હતી. દર્શને પૂરી તપાસ કરી હતી. બારીમાંથી કોઈ કૂદીને ભાગ્યું હોય તો બગીચાની માટીમાં બૂટનાં નિશાન હોવાં જોઈએ, પણ તેને મYયાં નહોતાં. ઘરમાં કોઈની ફોર્સ્ડ એન્ટ્રી નહોતી. કબાટનું લૉક તોડેલું હતું, પણ એમાંથી શું ગયું છે અથવા એમાં શું હતું એ વિશે જાહ્નવીને કંઈ ખબર નહોતી એ સાંભળીને દર્શનને બહુ નવાઈ લાગેલી.

એ પછી બાકીની પ્રાથમિક તપાસમાં દર્શનને લાગ્યું કે જાહ્નવી નાટક કરે છે. તેનું રડવું, કકળવું, માથાં પછાડવાં અને ડરી જવાની આખીયે પરિસ્થિતિ દર્શનને અભિનય જ લાગેલો. અત્યારે આંખો ઘેરાતી હતી ત્યારે દર્શનને એક વિચાર આવ્યો, જાહ્નવી કદાચ સાચી હોય... જેણે પણ વીરબાળાબહેનને મારી નાખ્યાં છે એ માણસ પાસે તેમના ઘરની, જાહ્નવીના સ્વભાવની અને પ્રણવની ગેરહાજરીની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. એ માણસનો ઇરાદો જ કદાચ એવો હશે કે પ્રાથમિક તપાસમાં જાહ્નવી પર શંકા જાય...

દર્શનની આંખો મીંચાઈ ગઈ. તે કેટલી વાર ઊંઘ્યો એ તેને ખબર નહોતી, પણ ચાવાળાએ ગાડીની વિન્ડોના કાચ પર હાથ પછાડીને તેને જગાડ્યો. જ્યારે દર્શનના હાથમાં ગરમ- ગરમ ચા ભરીને કાચનો કપ પકડાવ્યો ત્યારે દર્શનની ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ હતી. સારીએવી ઊંઘ પછી તેને અત્યારે એકદમ તાજગી વરતાઈ રહી હતી. તેણે ઘડિયાળમાં જોયું. સવાસાત થયા હતા.

ઘેર જઈને સ્મશાને આવવું કે સીધા જ પહોંચી જવું એ બેની વચ્ચે નિર્ણય કરવાનો તેણે સમય લીધો. પછી ચાનો કપ અને વીસ રૂપિયાની નોટ ચાવાળાને આપીને તેણે ગાડી સ્ટાર્ટ કરી. ચાવાળો દસ રૂપિયા પાછા આપવા આવ્યો ત્યારે દર્શને કહ્યું, ‘નથી જોઈતા. અમારા કોઈ પોલીસવાળા મફત પી ગયા હોય તો જમા લઈ લેજે.’

તે નીકળી ગયો પછી ચાવાળો હસ્યો.

દર્શન ઘરે પહોંચ્યો ત્યારે લગભગ પોણાઆઠ થયા હતા. તેના ઘરમાં બધા જ જાગી ગયા હતા. તેનાં મમ્મી, ભાઈ-ભાભી ડાઇનિંગ ટેબલ પર ચા-નાસ્તો કરી રહ્યાં હતાં. ભાઈનાં બન્ને સંતાનો હજી હમણાં જ સ્કૂલ જવા નીકYયાં હતાં.

‘છેક અત્યારે આવ્યો?’ તેનાં મમ્મી બકુલાબહેને પૂછ્યું, ‘ચા પીવી છે?’

‘પીને આવ્યો.’ કહીને દર્શન સીધો પોતાની રૂમમાં ગયો. દર્શનના પરિવારમાં સહુ જાણતા કે એ જ્યારે કોઈક કેસની ગંભીર તપાસમાં ફસાયેલો હોય ત્યારે ઓછામાં ઓછું બોલતો. તે જ્યારે ચૂપ રહેવા માગે ત્યારે તેને ભાગ્યે જ કોઈ ડિસ્ટર્બ કરતું. આઠ જણનો મોટો પરિવાર, દર્શનના ઘરમાં હજીયે જૉઇન્ટ ફૅમિલી હતી. પિતાના મૃત્યુ પછી બે મોટા ભાઈઓ, તેમની પત્નીઓ અને મોટા ભાઈનાં બે સંતાનો સાથે સહુ એક છત નીચે રહેતાં હતાં. દર્શનનાં મમ્મી સ્કૂલમાં ટીચર હતાં. દર્શન જ્યારે એચ. એલ. કૉમર્સ કૉલેજમાંથી પાસ થયો ત્યારે તેણે MBA કરવું કે વિદેશ જવું એવી ચર્ચા ચાલી... દર્શને જ્યારે ત્ભ્લ્ની પરીક્ષા આપવાની ઇચ્છા જાહેર કરી ત્યારે તેનાં મમ્મી સિવાય કોઈએ બહુ ઉત્સાહ બતાવ્યો નહોતો. તેના બન્ને ભાઈઓ કન્સ્ટ્રક્શન લાઇનમાં હતા. ખાધેપીધે સુખી અને મોટો બંગલો ધરાવતા આ પરિવારમાં નાનો ભાઈ બિઝનેસમાં જોડાઈ જાય એવી બન્ને ભાઈઓની ઇચ્છા હતી. દર્શને કહેલું, ‘બધા જ જો પોલીસખાતાને કે સરકારી નોકરીને ખરાબ માનીને નહીં જોડાય તો સારા માણસો કોઈ દિવસ આવા ડિપાર્ટમેન્ટમાં આવશે જ નહીં. હું પોલીસમાં જવા માગું છું, કારણ કે મારા પર કોઈ જવાબદારી નથી. મને ભ્રષ્ટાચાર કરવાની જરૂર જ નહીં પડે...’

આ વાત સાંભળ્યા પછી તેના બન્ને ભાઈઓએ દર્શન માટે એટલા પૈસા સાઇડમાં મૂકી દીધા જેથી તેને ભવિષ્યમાં કદીયે તકલીફ ન પડે. અંતે દર્શન પોલીસખાતામાં જોડાયો...

દર્શન માટે પોલીસખાતું માત્ર ‘નોકરી’ નહોતી; તે ખૂબ કમિટેડ, જવાબદાર અને હોશિયાર પોલીસ-ઑફિસર પુરવાર થયો હતો. છ વર્ષની તેની પોલીસ-કારર્કિદી દરમ્યાન તેણે આવો કેસ જોયો નહોતો. બધા પર જ શંકા પડે ને કોઈ પણ હાથમાં ન આવે!

દર્શન પોતાની રૂમમાં ગયો. તેનું આખું સ્ટડી-ટેબલ ધૂળ ખાતાં અવૉર્ડ, ટ્રોફી અને મેડલ્સથી ભરેલું હતું. દીવાલો ખાલી હતી તેમ છતાં આ બધું ત્યાં ગોઠવવાનું દર્શનને ગમતું નહીં. એક કબાટ હતું જેમાં તેનાં કપડાં રહેતાં. એની બાજુમાં એક કાચના દરવાજાવાળું ઍન્ટિક કબાટ હતું; જેમાં દર્શનની ફાઇલો, કાગળિયાં અને બીજી જરૂરી સામગ્રી રહેતી. દર્શન કપડાંનું કબાટ કોઈ દિવસ લૉક કરતો નહીં, કાચના દરવાજાવાળું ઍન્ટિક કબાટ હંમેશાં લૉક રહેતું.

રૂમમાં જઈને દર્શન પલંગ પર આડો પડ્યો. આંખો ફરી ઘેરાવા લાગી. તેને અચાનક ખ્યાલ આવ્યો કે તેણે સ્મશાન જવું પડશે એટલે તે ઝટકાથી ઊભો થયો. બાથરૂમમાં જઈને તેણે સવારના નિત્યક્રમ પતાવવા માંડ્યા.

દાઢી કરીને, નહાઈને તે બહાર નીકળ્યો ત્યારે તેણે ઘડિયાળ જોઈ. સ્મશાન જવાનો સમય થઈ ગયો હતો. બહાર નીકળીને તેણે યુનિફૉર્મને બદલે સાદાં જ કપડાં પહેર્યાં. સફેદ શર્ટ અને ગ્રે ટ્રાઉઝર. એક જોડી ઇસ્ત્રીવાળો યુનિફૉર્મ બહાર કાઢીને તેણે ગાડીમાં મૂકી દીધો. તે સ્મશાન પહોંચ્યો ત્યારે તેણે સામે ઊભેલા શરણ શ્રીવાસ્તવને જોયો. અહીંથી શરણને પણ પોલીસ-સ્ટેશન લઈ જવાનો હતો. દર્શન ધીમેથી દાખલ થયો. શરણની બાજુમાં જઈને ઊભો રહી ગયો.

સ્મશાનનું વાતાવરણ વિચિત્ર હતું.

પ્રણવના ચહેરા પર ન સમજાય એવું ટેન્શન હતું. તે દુ:ખી કરતાં ચિડાયેલો વધુ લાગતો હતો. દર્શનને નવાઈ લાગી. તેને સમજાયું નહીં કે પ્રણવને આટલોબધો ગુસ્સો કઈ વાતનો છે! તેને મળવા આવતાં કે આશ્વાસન આપવા નજીક આવતાં સગાંઓને તે દૂરથી જ ખસેડી દેતો હતો. તેમ છતાં જો કોઈ નજીક આવી જાય તો લગભગ તોછડો કહી શકાય એવો જવાબ આપીને પ્રણવ તેમને ટાળી રહ્યો હતો. દર્શને ધ્યાનથી જોયું. પરિવારના હવે એકમાત્ર વડીલ કહી શકાય એવા પ્રણવના કાકા દૂર જ ઊભા હતા. તેમની આસપાસ બેચાર પુરુષો ઊભા હતા જે પ્રણવના પરિવારના કે નિકટનાં સગાં હશે એવું દર્શન સમજી શક્યો. પ્રણવ અદબ વાળીને એકલો જ ઊભો હતો. સોહમ તેનો અંગત મિત્ર હોવા છતાં તેનાથી થોડે દૂર ઊભો હતો.

‘આટલો બધો ગુસ્સે થઈને, ચિડાઈને કેમ વર્તે છે?’ સોહમે નજીક જઈને ધીમેથી પૂછ્યું. એ બન્નેની તરફ જોઈ રહેલા દર્શનને હોઠના ફફડાટ પરથી સોહમનો સવાલ સમજાયો. પ્રણવે જે રીતે સોહમ સામે જોયું એ પછી સોહમ પણ કશું બોલ્યો નહીં એ વાત દર્શનની નજર બહાર ન રહી.

કદાચ બહારગામથી આવ્યાં હશે એવાં થોડાંક સગાંઓ જ્યારે પ્રણવની નજીક ગયાં ત્યારે પ્રણવે એકદમ જોરથી કહ્યું, ‘માઇન્ડ યૉર ઑન બિઝનેસ, આઘા રહો બધાં.’

સૌ સહેમીને નવાઈથી દૂર થઈ ગયાં.

‘આ શું કરે છે?’ સોહમે ફરી એક વાર હિંમત કરી.

‘આ બધાં અમારા પૈસાનાં સગાં છે. આટલા દિવસ આમાંનું કોઈ મારી માની ખબર પૂછવા નથી આવ્યું.’ પ્રણવે કડવાશથી કહ્યું, ‘મારા પિતા ગુજરી ગયા એ પછી એકલી ઝઝૂમતી મારી માની કોઈએ ચિંતા નથી કરી. આજે શું કામ આવ્યાં છે આ બધાં?’

‘શું સ્ટુપિડ જેવી વાત કરે છે?’ પ્રણવના ખભે હાથ મૂકીને સોહમે તેને ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો, ‘તેમને તારા પૈસામાં શું રસ હોય? એ બધાં વીરાઆન્ટીના ડેથ પછી તને મળવા આવ્યા છે. બી નાઇસ.’ સોહમે કહ્યું.

‘મળવા?’ પ્રણવે ઘૂરકિયું કર્યું, ‘આ બધા ભ્ફ્ભ્ઘ્ છે.’  કહેતાં-કહેતાં તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, ‘મારી મા કહેતી, પરનિંદા, પરચર્ચા.’ કહેતાં-કહેતાં વળી તે ઉશ્કેરાઈ ગયો, ‘આ બધાં જાણવા આવ્યાં છે. મારી મા કઈ રીતે મરી...’ કહીને તેણે મોઢું ફેરવી લીધું, ‘તેમના અહીં હોવા કે નહીં હોવાથી મારી મા પાછી નથી આવવાની. આઇ ડોન્ટ કૅર.’

કહીને તે બે ડગલાં દૂર જતો રહ્યો. તેણે ફરી અદબ એવી રીતે ભીડી દીધી જાણે હવે તે સોહમ સાથે પણ વાત ન કરવા માગતો હોય.

દર્શને આ બધું જ નોંધ્યું. તેને સમજાયું કે પ્રણવના સંબંધો તેનાં સગાંઓ કે કાકા સાથે બિલકુલ સારા નથી. આનું કારણ શું હોઈ શકે એ વિશે વિચારવાનો સમય હજી કદાચ નહોતો આવ્યો એવું દર્શનને લાગ્યું. તેણે ચૂપચાપ શરણની બાજુમાં ઊભા રહીને તમાશો જોયા કર્યો.

તેણે બરાબર નોંધ્યું કે પ્રણવ અને શરણ વચ્ચે કોઈ જ વાત થઈ નહીં. શરણે કદાચ સ્મશાનમાં દાખલ થતાંની સાથે પ્રણવ પાસે જઈને આશ્વાસન આપ્યું હશે. પણ જો એ ખરેખર જાહ્નવીનો આટલો સારો મિત્ર હોય, પ્રણવ પણ બધું જાણતો અને સ્વીકારતો હોય તો એ બે જણ વચ્ચે કેમ મિત્રતા નથી એ વિચાર દર્શનને આવ્યા વગર રહ્યો નહીં.

‘તું કેમ નથી જતો પ્રણવ પાસે?’ તેણે પૂછ્યું.

‘પ્રણવ સાથે હું એટલો ફ્રેન્ડ્લી નથી.’ શરણે જરાક પણ અચકાયા વગર કહ્યું, ‘હું જાહ્નવીનો મિત્ર છું. પ્રણવ માટે વાઇફનો ફ્રેન્ડ...’ દર્શને ઝીણી નજરે શરણના ચહેરા પર આ વાક્યનો અર્થ શોધવાનો પ્રયાસ કર્યો. શરણના ચહેરા પર આ કહ્યા પછી કોઈ જ ભાવ બદલાયા નહીં. તેને સમજાયું કે કાં તો શરણ ખૂબ જ ચાલાક અને શિયાળ જેવો લુચ્ચો હતો ને કાં તો તદ્દન પારદર્શક, સરળ!

તેને એ જ વખતે યાદ આવ્યું કે પ્રણવના કાકા જિગિશભાઈ સાથે પ્રણવ જે રીતે વત્ર્યો એ બહુ આનંદદાયક કે સારું વર્તન નહોતું. તે ધીમેથી સરકીને જિગિશભાઈ પાસે પહોંચ્યો. પરિવારના કે જ્ઞાતિના બીજા ત્રણ પુરુષો જિગિશભાઈ પાસે ઊભા હતા. જિગિશભાઈ કોઈને પણ નવાઈ લાગે એવી રીતે પોતાના સગા ભત્રીજા તરફ પીઠ કરીને ઊભા હતા. દર્શન ત્યાં જઈને ઊભો રહ્યો. સ્વાભાવિક રીતે જ જિગિશભાઈ અને ત્યાં ઊભેલા ત્રણ પુરુષો સહેજ સભાન થઈ ગયા. દર્શને ‘નમસ્તે’ કર્યા પછી કશું જ બોલ્યા વિના તે તેમની સાથે ત્યાં જ ઊભો રહ્યો. દર્શનનો અનુભવ હતો કે અણગમતી કે અગવડભરી હાજરી ને એમાંય જો એ વ્યક્તિ તદ્દન મૌન રહે તો જેને અકળામણ થતી હોય એ બોલ્યા વિના રહેતા નથી, રહી શકતા નથી!

‘જુઓને! કેવું થઈ ગયું નહીં!’ ત્યાં ઊભેલા એક ભાઈએ કરવા ખાતર વાત શરૂ કરી.

‘શું લાગે છે? કોણે કર્યું હશે?’ બીજા એક ભાઈએ દર્શનને સવાલ પૂછ્યો.

‘તમને શું લાગે છે?’ દર્શને સામે પૂછ્યું. ચારે જણ એકબીજા સામે જોવા લાગ્યા. જિગિશકાકાએ માત્ર આંખોથી આગળ વાત નહીં કરવાની સૂચના આપી, જે દર્શને જોયું એટલે તેણે સીધું જિગિશકાકાને પૂછ્યું, ‘તમને પ્રણવ સાથે બહુ ફાવતું નથી નહીં?’

જિગિશકાકા છંછેડાઈ ગયા, ‘પ્રણવને મારી સાથે નથી ફાવતું એમ કહો! આમ તો તેને કોની સાથે ફાવે છે એ સવાલ છે.’ કહીને તેમણે ઉમેર્યું, ‘તેને તો તેની મા સાથે પણ પ્રૉબ્લેમ હતા.’

તે ચૂપ થઈ ગયા.

‘મા સાથે?’ દર્શને તદ્દન ભોળાભાવે પૂછ્યું, ‘વીરબાળાબહેન સાથે પ્રણવને ક્યાં પ્રોબ્લેમ હતો?’

‘પ્રણવ સાથે નહીં, જાહ્નવી સાથે.’ જિગિશકાકાએ કહ્યું, ‘પ્લીઝ, મને નહીં પૂછો, મારાથી સાચું બોલાઈ જશે.’

સાંભળતાં જ દર્શનના મગજમાં ઘંટડી વાગવા માંડી. તેણે આગળ પૂછ્યું, ‘એટલે ટિપિકલ સાસુ-વહુ?’

‘ના.’ જિગિશકાકાએ સમજણપૂર્વક એક-એક શબ્દ ગોઠવીને કહ્યું, ‘એવાં તો ભાભી હતાં જ નહીં...’ તે થોડીક ક્ષણ ગણતરીપૂર્વક ચૂપ રહ્યા. પછી કહ્યું, ‘જાહ્નવી પરણી તો પ્રણવને, પણ તેનું રિમોટ કન્ટ્રોલ દિલ્હીમાં જ ભૂલી આવી.’

સહેજ કડવું, સહેજ લુચ્ચું હસીને તેમણે ઉમેર્યું, ‘આ સામે ઊભો છેને તે. જાહ્નવીનાં સુખ-દુ:ખનાં બટન શરણ શ્રીવાસ્તવ દબાવે એમ દબાતાં...’ પછી તે કશું બોલ્યા નહીં એટલે દર્શન પણ થોડી વાર ચૂપ રહ્યો. તેમને આશા હતી કે દર્શન આગળ પૂછશે, પણ દર્શન તો આવા અનેક લોકો સાથે રોજ કામ પાડતો. તેને ખાતરી હતી કે જિગિશકાકા બોલ્યા વગર રહેશે નહીં. તેમણે થોડીક ક્ષણ રાહ જોઈને કહ્યું, ‘પ્રણવને સમજાય કે નહીં, પણ ભાભીને આ સમજાઈ ગયું હતું.’

કોઈ કશું બોલ્યું નહીં. દર્શન પણ અદબ વાળીને ચૂપચાપ ઊભો રહ્યો. આટલી માહિતી તેને માટે ઘણા દરવાજા ખોલશે એવી જિગિશકાકાને ખબર હતી અને દર્શન માટે હજી આ માહિતીની સચ્ચાઈ ચકાસવાની બાકી હતી એટલે તેણે માહિતીને ગડી વાળીને મનના ખિસ્સામાં મૂકી દીધી.

એ પછીનો સમય સૌ માટે અઘરો હતો. ઘરે પહોંચીને પ્રણવ એવી રીતે સોફા પર પછડાયો જાણે તેના શરીરમાંથી તમામ શક્તિ કોઈકે હણી લીધી હોય. જાહ્નવી પણ ચૂપચાપ કશું બોલ્યા વગર ખાસ્સી વાર સુધી સોફા પર બેસી રહી. બધા જ સમજતા હતા કે હવે થોડી વારમાં દર્શન અહીં આવશે. સોહમ પણ આખીયે પરિસ્થિતિને કોઈ રીતે બદલી નહીં શકવાની પોતાની અસહાયતા પર અકળાતો હતો. બરાબર એ જ વખતે ઘરમાં સુજાતા દાખલ થઈ. તેણે ઘરમાં દાખલ થઈને ચારે બાજુ જોયું. ઘર શાંત અને ભેંકાર લાગતું હતું. આટલાબધા માણસોના હોવા છતાં અકળાવનારું મૌન અને બેચેની આખા ઘરને ઘેરી વYયાં હતાં જાણે. સુજાતા દાખલ થઈને સીધી પ્રણવ પાસે ગઈ. સોફા પર બેસેલા પ્રણવના પગ પાસે નીચે બેસીને તેણે કહ્યું, ‘ભાઈ!’ પછી સાડીનો છેડો મોઢે દબાવીને તે અવાજ વગર રડવા લાગી. પ્રણવ થોડી વાર સુધી તેની સામે જોઈ રહ્યો, કશું બોલ્યો નહીં. પછી તેણે એકદમ ધીમા, પણ કડવાશભર્યા અવાજે સુજાતાને પૂછ્યું, ‘ગઈ કાલે જ રજા લેવાનું સૂઝ્યું તને, કેમ? કોને ઇન્ફર્મેશન આપી હતી કે મારી મા એકલી છે, બોલ?’ તેણે સુજાતાને પૂછ્યું.

સુજાતા સહેજ ડઘાઈ. તેણે પ્રણવ સામે અવિશ્વાસથી જોયું, પછી પ્રણવની કડવાશ સમજીને તેને લગભગ માફ કરતી હોય એમ તેણે ડોકું ધુણાવીને સહેજ આંખો મીંચી જાતને જ આશ્વાસન આપ્યું હોય એમ થોડીક ક્ષણ ચૂપ રહ્યા પછી તેણે પ્રણવ સામે જોયું, ‘તમારી જગ્યાએ હું હોઉં તો મને પણ આવો વિચાર આવે. કંઈ વાંધો નહીં. ભાઈ, મને ખોટું નથી લાગ્યું.’

આ સાંભળીને પ્રણવ વધારે ઉશ્કેરાયો. તેણે સુજાતાને એક બાવડેથી પકડીને ઊભી કરી, ‘જતી રે, અમારે તારી કોઈ જરૂર નથી. જ્યારે મારી માનું ધ્યાન રાખવાનું હતું ત્યારે તો તું હતી નહીં.’ પ્રણવે કહ્યું.

સુજાતા હલી પણ નહીં. તે ત્યાં જ, પોતાની જગ્યાએ જ સ્થિર ઊભી રહી. પછી તેણે પ્રણવ સામે જોયું. ઘડીભર પહેલાંની દુ:ખી, હેબતાયેલી સુજાતાની આંખો બદલાઈ ગઈ. તેણે ખુમારીથી પ્રણવની આંખમાં આંખ પરોવી. પછી કહ્યું, ‘કાઢી મૂકો, જતી રહીશ. પણ એક વાત યાદ રાખજો. મેં બાને ક્યારનું કહ્યું હતું, તેમના માથે મોત ભમતું હતું.’

‘બકવાસ બંધ કર.’ પ્રણવે કહ્યું, ‘તને જાણે બધી ખબર હોય એમ.’

‘મને નહીં તો કોને? કોને ખબર હોય?’ સુજાતાએ પ્રણવને સામો સવાલ કર્યો, ‘હું ચોવીસ કલાક આ ઘરમાં રહેતી હતી. કોના ફોન આવે છે ત્યાંથી શરૂ કરીને બાને શું ગમે છે ને શું નહીં, બધી ખબર હતી મને.’ કહેતાં-કહેતાં અનાયાસ તેનાથી જાહ્નવી તરફ જોવાઈ ગયું. થૂંક ગળીને, હોઠ પર જીભ ફેરવીને જાહ્નવી તરફથી મોઢું તેણે પ્રણવ તરફ ફેરવ્યું. પછી કહ્યું, ‘તમે તો આખો દિવસ હૉસ્પિટલમાં રહેતા હતા. આ ઘરમાં શું ચાલતું હતું એની મને જ ખબર છે...’

‘શું ખબર છે તને?’ પ્રણવે ફરી તેને બાવડાંમાંથી પકડીને હચમચાવી, ‘ખબર હતી તો કહ્યું કેમ નહીં કોઈ દિવસ?’

‘મેં કહ્યું હતું બાને... તેમને બરાબર ખબર હતી કે...’ તેનાથી ફરી જાહ્નવી તરફ જોવાઈ ગયું. જાહ્નવી પહોળી આંખે, પરસેવો નીતરતા કપાળે સુજાતા સામે જોઈ રહી હતી. પ્રણવની નજર સુજાતા તરફ હતી એટલે તેને આ ન દેખાયું, પણ સોહમની વિચક્ષણ નજરથી આ છુપાઈ શક્યું નહીં. જાહ્નવી અને સુજાતાની નજરો મળી. જાહ્નવીએ ડોકું ધુણાવીને સુજાતાને આગળ નહીં બોલવાનો ઇશારો કર્યો. સુજાતા સમજી તેમ છતાં તેણે નજર ફેરવી લીધી. પછી પ્રણવ સામે જોઈને છેલ્લું વાક્ય કહેતી હોય એમ બોલી, ‘તમારા દુશ્મન બહાર નથી સાહેબ, તમારી આસપાસ જ છે. બાના દુશ્મન પણ...’ કહીને તેણે નીચે લટકતો સાડીનો પાલવ ઉઠાવી ખભાની આસપાસ લપેટ્યો. બે હાથે ‘નમસ્તે’ કરીને તેણે કહી નાખ્યું, ‘ભલે સાહેબ! હું જાઉં. મારી કંઈ પણ જરૂર હોય તો બોલાવજો. આ ઘરનું નમક ખાધું છે મેં. બાએ ખૂબ સાચવી છે મને એટલે જ્યારે કામ હશે ત્યારે આવી જઈશ.’ તે બહાર જવા લાગી. સોહમે એક વાર તેને રોકવાનો વિચાર કર્યો. પછી તેને લાગ્યું કે આ યોગ્ય સમય નથી એટલે તે ચૂપ થઈ ગયો. સુજાતાની બૉડી-લૅન્ગ્વેજમાં અને આખીયે વર્તણૂકમાં સોહમને ક્યાંય ગુનેગાર હોવાનો ભાવ દેખાયો નહીં બલકે તેણે તો પ્રણવને પણ ચેતવણી આપી... સુજાતા ઘરના દરવાજાની બહાર નીકળતી હતી કે સામે ઘરમાં દાખલ થઈ રહેલા દર્શનને જોઈને તે અટકી. સાદાં કપડાંમાં હોવા છતાં દર્શનની સાથે આવેલા કૉન્સ્ટેબલને જોઈને સુજાતા સમજી ગઈ કે આ પોલીસ છે. તેણે હાથ જોડીને દર્શનને પણ ‘નમસ્તે’ કર્યા. દર્શન કંઈ બોલે એ પહેલાં સુજાતાએ કહ્યું, ‘નમસ્તે સાહેબ! હું સુજાતા છું. આ ઘરમાં કામ કરું છું.’ પછી તરત જ સુધાર્યું, ‘કરતી હતી.’

પ્રણવનો તમતમી ગયેલો ચહેરો અને સુજાતાના વાક્યનો મેળ બેસાડીને અહીં બની ગયેલી ઘટના દર્શનને તરત સમજાઈ ગઈ. તેણે અત્યંત સૌજન્યથી સુજાતા સામે બે હાથ જોડીને ‘નમસ્તે’ કર્યા. પછી કહ્યું, ‘થોડા સવાલ પૂછવા છે.’

‘જી સાહેબ!’ સુજાતાએ નમþતાથી ડોકું ધુણાવીને હા પાડી, પણ ઘરના દરવાજામાં જ ઊભી રહી.

દર્શને કહ્યું, ‘આવોને અંદર’.

સુજાતા સહેજ સંકોચાઈ, પછી હિંમત અને આત્મવિશ્વાસથી ફરી પાછી ઘરમાં દાખલ થઈ.

દર્શને ઘરમાં દાખલ થઈને ચારે તરફ જોયું. વાતાવરણ તંગ હતું એ દર્શનને સમજાઈ ગયું. ત્યાં બેઠેલી જાહ્નવી ઊભી થઈને ઉપર જવા લાગી એટલે દર્શને કહ્યું, ‘આપ તૈયાર થઈ જાઓ મૅડમ, હું આપને લેવા જ આવ્યો છું.’ જાહ્નવીએ કશું બોલ્યા વિના પ્રણવ અને સોહમ તરફ વારાફરતી જોયું. તેની નજરમાં આજીજી હતી કે ફરિયાદ એ બહુ સ્પષ્ટ સમજાયું નહીં, પણ સોહમની નજર નીચી થઈ ગઈ. પ્રણવ પહેલાં કશું બોલવા ગયો, પરંતુ પછી કશું બોલ્યા વગર જ તે જાહ્નવીની સાથે ઉપર જવા લાગ્યો. દર્શને ફરી જરા દૃઢતાથી અને કડક અવાજમાં કહ્યું, ‘મૅડમ, આપણે પંદર-વીસ મિનિટમાં નીકળીશું.’

જાહ્નવી કંઈ બોલી નહીં, ચૂપચાપ પગથિયાં ચડી ગઈ. જાહ્નવીના ગયા પછી દર્શને સુજાતાને સવાલ પૂછવાની તૈયારી કરવા માંડી.

તેને અચાનક શું વિચાર આવ્યો કે તેણે સુજાતાને કહ્યું, ‘અત્યારે જવા દોને. હું તમને પોલીસ-સ્ટેશન બોલાવીશ.’

સુજાતા પણ જાણે દર્શનના મનમાં ચાલી રહેલો વિચાર સમજી હોય એમ તેણે ડોકું ધુણાવીને કહ્યું, ‘એ જ સારું સાહેબ.’ બે ક્ષણ ઊભા રહીને તેણે પૂછ્યું, ‘હું જાઉં?’

દર્શને ‘હા’નો ઇશારો કર્યો એટલે સુજાતા જાણે જીવ બચ્યો હોય એમ ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ. દર્શને બહાર જવાની તેની ઉતાવળ અને આ ઘરમાં ઊભા રહેવાની તેની અકળામણ બન્ને વાતની નોંધ લીધી. બહાર જતાં સુજાતાએ સોહમને ‘નમસ્તે’ કર્યા.

સોહમે ‘નમસ્તે’નો જવાબ વાળીને ધીમેથી કહ્યું, ‘પ્રણવનું ખોટું ન લગાડતી, તેનું મગજ ઠેકાણે નથી.’

‘સમજું છું સાહેબ.’ કહીને સુજાતાએ બોલવું કે નહીં એવો સહેજ વિચાર કર્યો પછી કહી નાખ્યું, ‘તમે તો દોસ્ત છો તેમના... તેમને સમજાવજો. તેમના માથે પણ ખતરો છે...’ કહીને સુજાતાએ દર્શન તરફ જોયું, ‘સાહેબ! બાને ખબર હતી. આ પહેલાં પણ એક દિવસ...’ કહીને તેણે વાત બંધ કરી દીધી.

દર્શને આંખોથી જ તેને વાત નહીં કરવાનો ઇશારો કરીને કહ્યું, ‘આપણે પોલીસ-સ્ટેશનમાં મળીશુંને નિરાંતે.’

સુજાતા ઝટપટ બહાર નીકળી ગઈ.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK