વિશ્વની સૌથી મોટી ગટર બન્યું સોશ્યલ મીડિયા?

ફેસબુક માટે ૨૦૧૮નું વર્ષ ટેન્શનવાળું જાય એવી અટકળો વૈશ્વિક સ્તરે લગાડવામાં આવી રહી છે.

social

રુચિતા શાહ

૨૦૧૭નું વર્ષ પણ પ્રૉફિટની દૃષ્ટિએ ખૂબ સારું ગયું હોવા છતાં કાયદાની દૃષ્ટિએ અને વિવિધ દેશની સરકારોના સોશ્યલ મીડિયા પ્રત્યેના બદલાઈ રહેલા દૃષ્ટિકોણને કારણે ઘણું ચિંતાજનક રહ્યું છે. આવનારા વર્ષમાં ફેસબુક અને એના જેવી બીજી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર ઘણા નવા પ્રતિબંધો આવી શકે છે એવું ટેક્નૉલૉજીના નિષ્ણાતો માની રહ્યા છે. ફેસબુક શરૂ થયું ત્યારે એનો મુખ્ય ફન્ડા હતો ગ્લોબલ કમ્યુનિટીને કનેક્ટ કરવાનો. જોકે લોકો દ્વારા જે રીતે એનો વપરાશ થઈ રહ્યો છે અને બાળકો તથા યંગસ્ટર્સના માનસ પર આ સોશ્યલ સાઇટની જે નકારાત્મક અસર જોવા મળી રહી છે એ વાતે આજે ઘણા દેશોના અગ્રણીઓના ઍન્ટેના ઊભા કરવાનું કામ કરી લીધું છે. ફેસબુકના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટે તાજેતરમાં આપેલું એક સ્ટેટમેન્ટ જાણવા જેવું છે. ફેસબુકમાં ૨૦૧૧ સુધી કામ કરી ચૂકેલા આ મહાનુભાવે પોતાનાં બાળકોને ફેસબુકથી દૂર રાખ્યાં છે. શું કામ? કારણ કે તેઓ ફેસબુકના માધ્યમે પોતાના બાળકને મળતા ઇન્સ્ટન્ટ પ્રશસ્તિના ગુલામ બનાવવા નહોતા માગતા.

આવું જ વલણ ફેસબુકના એક્સ-પ્રેસિડન્ટ સીન પાર્કરે રાખ્યું હતું. તેમના મતે ‘આવા પ્લૅટફૉર્મનો વધુપડતો ઉપયોગ તમારા સમાજ સાથેના સંબંધોને અને એકબીજા સાથેના સંબંધોને ખતરનાક રીતે બદલી નાખે છે. ભગવાન જ જાણે છે કે એ બાળકોના મગજને કઈ રીતે અસર પહોંચાડતું હશે.’

નક્કર પગલાં


આગળ કહ્યું એમ છેલ્લા કેટલાક અરસામાં આ અવેરનેસ વધી છે અને લોકોનો સોશ્યલ મીડિયા પ્રત્યેનો લગાવ ઘટ્યો છે. ખાસ કરીને હાયર ઑથોરિટીમાં સોશ્યલ મીડિયાના ઉપયોગ કરતાં દુરુપયોગની બાબતમાં ચિંતા વધી છે. એટલે સુધી કે ફ્રાન્સ, જર્મની, ઇટલી અને સ્પેન જેવા દેશોએ તો ફેસબુકના માલિકની ટૅક્સની બાબતમાં ઝાટકણી કાઢી લીધી. આર્થિક રીતે મજબૂત એવા અગ્રણી દેશોએ હવે સોશ્યલ મીડિયા પર લગામ તાણવા માટેના યેન કેન પ્રકારેણ રસ્તાઓ અપનાવવા શરૂ કરી લીધા છે જેમાં એક રસ્તો છે ડિજિટલ ઍડ્વર્ટાઇઝિંગના ટૅક્સ-દર ઊંચા કરવાનો અને સોશ્યલ એક્સપ્રેશનના નિયમો થોડા આકરા બનાવવાનો. એ દિશામાં ઑલરેડી ઘણા દેશોએ ઝંપલાવી દીધું છે. જેમ કે તાજેતરમાં લંડનની એક ગવર્નમેન્ટ કમિટીમાં પબ્લિક લાઇફ અને સોશ્યલ લાઇફને અસર કરતા કેટલાક મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા. ઉચ્ચસ્તરીય આ બેઠકમાં ડિસ્કસ થયું કે ફેસબુક સમાજની હેલ્થ માટે જોખમી છે અને અબ્યુઝ અને અગ્રેશનમાં વધારો કરવાનું કામ એ કરી રહ્યું છે. આ મીટિંગ વિશે પ્રકાશિત અહેવાલમાં કમિટી-મેમ્બરોએ ભેગા થઈને બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર સમક્ષ સોશ્યલ મીડિયા પર આવતી ઇલીગલ કૉન્ટેન્ટની જવાબદારી એ કંપનીઓ પર જ લાદવામાં આવે એવી રજૂઆત કરી હતી. તાજેતરમાં બ્રિટનની સંસદમાં ૧૩ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ફેસબુક કે ટ્વિટર પર જોડાવા પર પ્રતિબંધ મૂકવા પર ચર્ચા થઈ હતી એની વાત કરતાં એની પાછળનું કારણ જાણવા જેવું છે. એક આંકડા મુજબ ૨૦૧૩થી લઈને ૨૦૧૭ દરમ્યાન બાળકોના અશ્લીલ ફોટોગ્રાફની સંખ્યામાં ૭૦૦ ટકાનો વધારો થયો છે. અશ્લીલ ફોટોગ્રાફના ગુનામાં દર મહિને ૭૦૦ બાળકોને અટકમાં લેવાય છે. 

ભારત સરકાર પણ સોશ્યલ મીડિયાના ખરા વિલનને સીધાદોર કરવાના મૂડમાં છે અને એના અંતર્ગત કાયદામાં કેટલાક ફેરફાર કરવાની દિશામાં છે. ખોટી અને અપમાનજનક વાતો કરનારા જ નહીં, એવી વાતોને સ્પ્રેડ કરતાં પણ કોઈ પકડાશે તો તેને ત્રણ વર્ષની જેલની સજાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડે એવી જોગવાઈ થઈ રહી છે. ઇન્ડિયન પીનલ કોડમાં આ બદલાવને સરકારે મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં કૅબિનેટ મંજૂરી મળે એ પછી એનું અમલીકરણ શરૂ થઈ જશે. ગયા વર્ષે આપણા ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ પણ આ જ બાબત પર એક મહત્વનું નિવેદન આપ્યું હતું : ટૅક્સ-રેવન્યુ વધારવા માટે સરકારે સોશ્યલ મીડિયાની ઍપ્લિકેશન્સ અને સાઇટ્સ ચાર્જેબલ કરવી જોઈએ જેથી એનો બેફામ ઉપયોગ અટકે અને ટૅક્સેબલ આવક પણ વધે. બદલાઈ રહેલી આ હવા જ કહે છે કે આવનારો સમય સોશ્યલ મીડિયા માટે ગંભીર ફેરફાર કરાવે એવું બની શકે છે.

સોશ્યલ મીડિયા પર આવી રહેલા આ રડાર પાછળ સૌથી મોટી ભૂમિકા કોઈએ ભજવી હોય તો એ છે સોશ્યલ મીડિયા ટ્રોલિંગે. યસ, છેલ્લા થોડાક સમયમાં ઇન્ટરનેટની દુનિયામાં આ ‘ટ્રોલિંગ’ નામનો શબ્દ બહુ પૉપ્યુલર થઈ રહ્યો છે. આ શબ્દની વ્યાખ્યા કરવી હોય તો એવું કહેવાય કે જો કોઈ વ્યક્તિ ટ્વિટર, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર સંઘર્ષ જાગે અથવા લોકોની લાગણી દુભાય એવો પર્સનલ અટૅક કોઈ વ્યક્તિ, સંસ્થા કે સરકાર માટે કરે અથવા લોકોને ખોટી રીતે ઉશ્કેરવાની હરકત કરે જે મૂળ મુદ્દાથી ધ્યાન હટાવનારી હોય તો એ સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગ થયું ગણાય. સેલિબ્રિટીઝ સાથે આવું અવારનવાર થતું હોય છે, જેમાં તેમણે કરેલી પોસ્ટ પર લોકો સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ પર આડેધડ ભાષામાં તેમનું અપમાન કરતા શબ્દો વાપરી કાઢે. જેમ કે પ્રિયંકા ચોપડાએ સ્વાતંત્ર્યદિવસ નિમિત્તે તિરંગાના રંગોવાળા દુપટ્ટા સાથે પોતાનો એક ફોટો ટ્વિટર પર મૂક્યો હતો અને આ તો દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન છે એમ ગણાવીને ઘણા લોકો તેના પર તૂટી પડ્યા હતા અને ન ગમે એવી તુચ્છ ભાષાનો પ્રયોગ કરતાં પણ સોશ્યલ પ્લૅટફૉર્મ પર લોકો અચકાયા નહોતા. એવી જ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બર્લિનમાં મળેલી પ્રિયંકાનો ટૂંકો ડ્રેસ ટ્વિટર પર ચર્ચાનું કારણ બન્યો હતો.

social1

રાજકીય પક્ષોનો વપરાશ

મજાની વાત તો એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજકીય પક્ષોએ ચૂંટણી દરમ્યાન આ ટ્રોલિંગનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે. તમને યાદ હોય તો અમેરિકાની ચૂંટણીનાં પરિણામો પર ટ્રોલ-આર્મી દ્વારા સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલી હરકતોએ બહુ મોટી ભૂમિકા ભજવી હોવાનું મનાય છે. યસ, ટ્રોલ-આર્મી. હજારો લોકોનું એક એવું ગ્રુપ જેમણે અમુક વ્યક્તિને વિજયી બનાવવાની હવા ઊભી કરવાની. એનો આક્ષેપ રશિયા પર મૂકવામાં આવેલો. જોકે એ પણ સોશ્યલ મીડિયા પર જ. હકીકત છે કે સોશ્યલ મીડિયા એક એવું પ્લૅટફૉર્મ બનતું ચાલ્યું છે જ્યાં સેંકડો વાર ખોટી અફવાઓ પણ ઝડપથી વાઇરલ થઈ જાય છે અને સાવ નજીવા વિષય પર પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ટ્રોલ કરવાની તક લઈ લે છે. ભારતીય રાજકારણમાં પણ વિરોધી પક્ષને પછાડવા માટે અને તેમના વિરોધી સંદેશ વહેતા કરીને લોકોને ઉશ્કેરવા માટે સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાત ઇલેક્શન એનું તાજું ઉદાહરણ છે. તમારા ફોનમાં આવેલા કૉન્ગ્રેસવિરોધી,  ગ્થ્ભ્વિરોધી, હાર્દિક પટેલવિરોધી મેસેજ, વિડિયો અને ફોટોઝ યાદ કરશો એટલે આ વાત સાથે સહમત થશો જ. કૉન્ગ્રેસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર જે રીતે ગુજરાત ઇલેક્શન દરમ્યાન સવાલોનો મારો ચલાવ્યો હતો એ પણ તમે ભૂલ્યા તો નહીં જ હો. આ સતત થતું આવ્યું છે. સરકાર, સામાજિક હસ્તીઓએ સોશ્યલ મીડિયાને પોતાની અભિવ્યક્તિનું સાધન બનાવ્યું છે; જેમાં સામાન્ય લોકોએ વહેતી નદીમાં હાથ ધોવા જેવો ચીલો અપનાવ્યો છે.

થૂંકેલું ચાટવાની નીતિ

સોશ્યલ મીડિયાની લાઇક્સ અને કમેન્ટ્સ પરથી વ્યક્તિની પૉપ્યુલરિટી નક્કી કરવામાં આવે છે. આજે ટ્વિટર પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સ, લાઇક્સ અને કમેન્ટ્સ ખરીદવાનો એક અલાયદો બિઝનેસ શરૂ થયો છે. તો બીજી બાજુ ટૅલન્ટ વિના હથોડાછાપ લોકો પણ સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મને કારણે લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી જાય છે. ઢિનચાક પૂજા એનું લાઇવ એક્ઝામ્પલ છે. લોકો દ્વારા થતી જાહેર નિંદા અને આકરી ટીકા પછી ઘણા લોકોએ પોતાના ટ્વીટ કે પોતાની ફેસબુક-પોસ્ટ પાછા ખેંચ્યા હોવાના અઢળક કિસ્સાઓ તમને મળી આવશે. તમને યાદ હોય તો ૨૧ નવેમ્બરે ઍક્ટર અને રાજકારણી પરેશ રાવલે એક ટ્વીટ કરેલું, જેમાં તેમણે જે લખ્યું હતું એનું ગુજરાતી ભાષાંતર કંઈક આ મુજબનું હતું, ‘અમારો ચાવાળો ઘણો બહેતર છે તમારા બાર-વાળા કરતાં.’ પરેશ રાવલના આ ટ્વીટ પર એટલી બબાલ થઈ અને ટ્વિટર પર ચારેય બાજુથી એને વખોડવામાં આવ્યું કે છેલ્લે પરેશ રાવલે એ ટ્વીટને હટાવવું પડ્યું હતું. સાથે જ હવે દેશના નેતાઓ પોતાના પ્રધાનો, કાર્યકારી અધિકારીઓ અને ચળવળકારોને હાથ જોડીને વિનંતી કરતા થઈ ગયા છે કે સોશ્યલ મીડિયા પર મનફાવે એવો બફાટ ન કરો. બૉલીવુડની સેલિબ્રિટીઝના આવા ગણ્યા ગણાય નહીં એવા કિસ્સાઓ તમને મળી રહેશે. એવી જ રીતે વિરાટ કોહલીએ અનુષ્કાને વૅલેન્ટાઇન્સ ડે વિશ કરતું ટ્વીટ લોકોની કમેન્ટ પછી ડિલીટ કયુંર્ હતું. શોભા ડેએ ઑલિમ્પિક્સ દરમ્યાન કરેલું ટ્વીટ અને એક જાડા પોલીસ-અધિકારી માટે કરેલા ટ્વીટની કન્ટ્રોવર્સી યાદ છે? એવી જ રીતે સિંગર અભિજિત ભટ્ટાચાર્યએ મહિલાના મૉલેસ્ટેશન સંદર્ભમાં લોકોના પ્રતિભાવથી અકળાઈને ખૂબ જ ગંદી ભાષામાં મહિલા જર્નલિસ્ટને ટ્વીટ કર્યું હતું. એ દરમ્યાન તેણે વાપરેલા અપશબ્દોને એવિડન્સ બનાવી પોલીસે તેની ધરપકડ કરી હતી અને ટ્વિટરે તેનું અકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરી દીધું હતું. કૉમેડી-કિંગ ગણાતા કપિલ શર્માના ટ્વીટે પણ આવો જ હેવૉક સજ્યોર્ હતો. પોતે ટૅક્સ ભરે છે છતાં તેણે લાંચ ચૂકવવી પડે છે અને અચ્છે દિન માટે તેણે ટ્વીટના માધ્યમે ઉઠાવેલા પ્રfનાર્થે તેના માટે જીવવું અઘરું કરી મૂક્યું હતું. ત્યાં સુધી કે તેના આ ટ્વીટ પર મુંબઈ મહાનગરપાલિકાએ તેનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં પણ તત્પરતા દેખાડી દીધી હતી. બીજો એક સેન્સિટિવ કિસ્સો છે જેમાં નરેન્દ્ર મોદી જેને ફૉલો કરે છે એવા નિખિલ દધિચે ગૌરી લંકેશ નામની સિનિયર જર્નલિસ્ટના મૃત્યુ બાબતે ખૂબ જ અભદ્ર ભાષામાં એક ટ્વીટ પોસ્ટ કયુંર્ હતું, જેનો તો તીવ્ર વિરોધ થયો જ પણ સાથે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને પણ અસર થઈ હતી, જેમાં લોકોએ મોદીના અકાઉન્ટને બ્લૉક કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ પેલા શખ્સને અનફૉલો કરવાની ડિમાન્ડ પણ મૂકી હતી. પણ જ્યારે બે દિવસ સુધી મોદી તરફથી કોઈ રીઍક્શન ન આવ્યું એ વખતે ટ્વિટર પર ‘બ્લૉકનરેન્દ્રમોદી’ હૅશટૅગ સાથે ટ્રેન્ડિંગ લિસ્ટમાં ટૉપ પર હતું. આખરે પેલા તોફાની તત્વને અનફૉલો કર્યા પછી મોદીની ટીમની એક વ્યક્તિએ ઑફિશ્યલ સ્ટેટમેન્ટ આપવું પડ્યું હતું કે મોદીજી જો કોઈને ફૉલો કરે છે તો એ વ્યક્તિ ખૂબ જ સજ્જન છે એવું કૅરૅક્ટર સર્ટિફિકેટ નથી મળી જતું. એ પછી પણ આ મુદ્દો ‘ગાર્ડિયન’ અને ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ જેવાં અખબાર સુધી પહોંચ્યો હતો, જેમાં મોદીની આકરી ટીકા કરવામાં આવી હતી.

કંપનીઓની ભૂમિકા

ફ્રીડમ ઑફ સ્પીચ દુનિયાના ઘણા દેશના બંધારણમાં માનવ-અધિકાર મનાય છે, પરંતુ સોશ્યલ મીડિયાના માધ્યમે આ ફ્રીડમ ઑફ સ્પીચના અધિકારોનો મોટા પાયે દુરુપયોગ થયો છે. ખોટા પ્રોફાઇલ બનાવીને કોઈ પણ વ્યક્તિને અપમાનજનક શબ્દો કહેવા કે તેની હલકી ભાષામાં નિંદા કરવાનું ચલણ એટલુંબધું વધ્યું કે હવે એ મુદ્દો અતિ સેન્સિટિવ ગણવામાં આવી રહ્યો છે. લાયકાત ન ધરાવતા લોકો અને એકેય પાત્રતા વિનાના લોકો લાઇમલાઇટમાં આવીને જાણીજોઈને પણ ઍન્ટિસોશ્યલ કમેન્ટ કરતા અચકાતા નથી હોતા. મોટે ભાગે સોશ્યલ મીડિયા પર ઓકાત વિના બોલતા લોકો પોતાની મહત્તા સાબિત કરવા બેમતલબનું અગ્રેશન ઠાલવીને પોતાની બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરી દેતા હોય છે, જે બદલ હવે સોશ્યલ મીડિયા કંપનીઓ પણ અલર્ટ થઈ ગઈ છે. યુનિવર્સલ ધોરણે લોકોના આ બદલાઈ રહેલા તેવર બદલ ફેસબુકના માર્ક ઝકરબર્ગે તો કેટલાક પ્રિકૉશનરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જેમ કે ગયા વર્ષે ફેસબુકે ૧૦૦૦ નવા રિવ્યુઅર અપૉઇન્ટ કર્યા, જેમનું કામ છે તેમની સાઇટ પર પોસ્ટ થકી પ્રૉબ્લેમૅટિક જાહેરખબરો, હેટ એટલે કે નફરત ફેલાવતી અને કોઈકને ઠેસ પહોંચાડતી પોસ્ટ પર નજર રાખીને તાત્કાલિક એને રિમૂવ કરીને એ વ્યક્તિને પણ ફેસબુક પરથી જાકારો આપી દેવો. ટ્વિટર પર પણ આ બાબત હવે ગંભીરતાથી લેવામાં આવે છે, જેમ કે એક રિપોર્ટ મુજબ ફેસબુક દર અઠવાડિયે ૬૬,૦૦૦ પોસ્ટ સાઇટ પરથી રિમૂવ કરે છે.

૨૦૧૭ના છેલ્લા આંકડા મુજબ વિશ્વભરમાં ૨૦૦ કરોડ લોકો ફેસબુક પર ઍક્ટિવ છે. ઍક્ટિવ લોકો એટલે એવા લોકો જેમણે ૩૦ દિવસમાં એક વાર કમસે કમ ફેસબુક પર લૉગ ઇન કર્યું હોય. જુલાઈમાં જાહેર થયેલા આંકડા મુજબ આખા વિશ્વમાંથી ભારતમાં સૌથી વધુ લોકો ફેસબુક પર છે. એટલે કે અત્યાર સુધી પહેલા અને બીજા નંબર પર રહેલા અમેરિકા અને બ્રાઝિલને આપણે બધાએ પાછળ મૂકી દીધા છે. સોશ્યલ મીડિયાનો જો સારો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો જાગૃતિ લાવવા માટેનું એ શ્રેષ્ઠ માધ્યમ બની શક્યું હોત, પરંતુ થયું ઊંધું છે. જે માધ્યમે એક સામાન્ય વ્યક્તિને અન્ય અનેક મોટા ગજાની વ્યક્તિ સાથે જોડવાનું કામ કર્યું છે એ જ માધ્યમ અત્યારે બિનજરૂરી અને વાહિયાત વાતોના અતિરેકને કારણે ઉકરડાનું રૂપ ધારણ કરી રહ્યું છે એ વાત સાથે હવે દુનિયાના દેશો સહમત થઈને એને રેગ્યુલેટ કરવા માટે આકરા નિયમો બનાવવાના મૂડમાં છે. સાવ તો એવું ન કહી શકાય કે ફેસબુક, ટ્વિટર કે બીજાં સોશ્યલ પ્લૅટફૉર્મ બંધ થઈ જશે; પરંતુ એમાં લગામ તણાવવાથી એના વપરાશને થોડીક બ્રેક તો લાગશે જ એ નિãત છે.

સેલિબ્રિટીઝ સાથે આવું અવારનવાર થતું હોય છે, જેમાં તેમણે કરેલી પોસ્ટ પર લોકો સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ પર આડેધડ ભાષામાં તેમનું અપમાન કરતા શબ્દો વાપરી કાઢે. જેમ કે પ્રિયંકા ચોપડાએ સ્વાતંત્ર્યદિવસ નિમિત્તે તિરંગાના રંગોવાળા દુપટ્ટા સાથે પોતાનો એક ફોટો ટ્વિટર પર મૂક્યો હતો અને આ તો દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન છે એમ ગણાવીને ઘણા લોકો તેના પર તૂટી પડ્યા હતા અને ન ગમે એવી તુચ્છ ભાષાનો પ્રયોગ કરતાં પણ સોશ્યલ પ્લૅટફૉર્મ પર લોકો અચકાયા નહોતા. એવી જ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બર્લિનમાં મળેલી પ્રિયંકાનો ટૂંકો ડ્રેસ ટ્વિટર પર ચર્ચાનું કારણ બન્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK