જીવનરૂપી પ્રકરણમાં સુખદુ:ખની અનુક્રમણિકા પ્રમાણે જીવવાનું હોય છે

રાજેશ જોશીના પિતા મનસુખ જોશીએ રિસર્ચ-ડિરેક્ટર તરીકે ત્ફ્વ્નાં ઘણા નાટકો કર્યાં.

સીુ1

જીવન ડાયરી - રાજેશ જોશી - રાઇટર, ડિરેક્ટર, ઍક્ટર

સેજલ પોન્દા - પ્રકરણ ૩


જન્મદિવસે ઇનામ


રાજેશ જોશીના પિતા મનસુખ જોશીએ રિસર્ચ-ડિરેક્ટર તરીકે ત્ફ્વ્નાં ઘણા નાટકો કર્યાં. નાના ભાઈ તુષાર વ્યાવસાયિક નાટકોમાં એન્ટર થઈ ગયા હતા. રાજેશભાઈનું મન પણ નાટકો તરફ ખેંચાતું હતું. વિલ્સન કૉલેજમાં ગુજરાતી ભાષાને ધબકતી રાખનાર પ્રિન્સિપાલ અનસૂયા કાપડિયા તરફથી ઇન્ટરકૉલેજિએટ ડ્રામાના ડિરેક્શન માટે રાજેશભાઈને મિત્ર સતીશ રાણા સાથે આમંત્રણ મળ્યું. સુરેશ જોશીની વાર્તા પરથી પ્રબોધ જોશી રૂપાંતરિત એ નાટક એટલે ‘જન્મોત્સવ’. અનેક ઇનામો સાથે બેસ્ટ ડિરેક્ટરનું ઇનામ રાજેશ જોશી અને સતીશ રાણાના ફાળે ગયું. ઇનામનો દિવસ ડબલ સેલિબ્રેશનનો હતો, કારણ કે એ દિવસે જ રાજેશભાઈનો જન્મદિવસ પણ હતો. ડિરેક્ટર તરીકેનો પ્રથમ પ્રયાસ સફળ પુરવાર થયો. અહીંથી ઇન્ટરકૉલેજિએટ નાટકોમાં રાજેશભાઈની ડિરેક્શનની શરૂઆત થઈ.

નિર્દોષ નિખાલસતા

એક એવી વાત જે સતત કુતૂહલ નિર્માણ કરે કે રાજેશભાઈના મિત્ર ઉમેશે સુરાલી ઢેબરના ઘરે જઈને એવું તે શું કહ્યું હશે? એ દિલચસ્પ કિસ્સો રાજેશભાઈ શૅર કરે છે, ‘હું અને ઉમેશ સુરાલીના ઘરે મળવા ગયા. ઔપચારિક વાતો પછી સુરાલીના પેરન્ટ્સે વિગતવાર મારી ડીટેલ્સ જાણી. દરેક દીકરીનાં માતા-પિતા તેમની દીકરીને સારામાં સારું સાસરું મળે એવી ઇચ્છા રાખતાં હોય એ સ્વાભાવિક છે. મેં જ્યારે મારાં અને સુરાલીનાં લગ્નની વાત કરી ત્યારે તેમણે મને પૂછ્યું કે લગ્નની આટલી ઉતાવળ કેમ છે? ત્યાં ઉમેશથી બોલાઈ ગયું કે લગ્ન થઈ જાય તો રાજેશની મમ્મીને કંપની મળી જાય. ઉમેશ એવું કહેવા માગતો હતો કે મારી મમ્મી અને સુરાલી વચ્ચે સારું બૉન્ડિંગ જામશે. લગ્ન જેવી વ્યાવહારિક વાતો માટે હું અને ઉમેશ નાદાન હતા. બસ, અહીં ટ્વિસ્ટ આવ્યો. સુરાલીને અંદાજ આવી ગયો કે તેનાં મમ્મી-પપ્પા હવે હા નહીં પાડે. ‘પછી જોઈશું’ એમ કહી સુરાલીના પેરન્ટ્સે લગ્નની વાત ટાળી દીધી.’

એક દૂજે કે લિએ


છોકરા-છોકરી વચ્ચે પ્રેમ હોય અને પરિવાર તરફથી હા થશે કે નહીં એ વિશે શંકા હોય ત્યારે ફિલ્મી સ્ટોરી જેવો વળાંક રિયલ લાઇફમાં સરજાતો હોય છે. રાજેશભાઈ કહે છે, ‘હું અને સુરાલી એકબીજા વગર જિંદગીની કલ્પના કરી શકીએ એમ નહોતાં અને સુરાલીના પેરન્ટ્સ માટે મહિને સાઠ રૂપિયા કમાતા છોકરા સાથે દીકરી પરણાવવાનો નિર્ણય લેવો કઠિન હતો. અમે બધા પોતપોતાની જગ્યાએ સાવ સાચા હતા. જોકે સુરાલીને એક વાતનો ગજબ આત્મવિશ્વાસ હતો કે એક વખત અમારા બન્નેનાં લગ્ન થઈ જાય તો તેના પેરન્ટ્સ લગ્ન સ્વીકારી લેશે. મેં સુરાલીના આત્મવિશ્વાસ પર વિશ્વાસ મૂક્યો અને અમે બન્નેએ રજિસ્ટર્ડ મૅરેજ કરવાનું નક્કી કર્ય઼ું.’

દસ જણની હાજરીમાં લગ્ન


રજિસ્ટર્ડ મૅરેજ થઈ ગયા પછી ૧૯૮૨ની ૮ એપ્રિલે સુરાલી મારા ઘરે આવી ગઈ એમ જણાવતાં રાજેશભાઈ કહે છે, ‘મેં મમ્મીને આખી વાત સમજાવી. સિક્કાનગરની આર્યસમાજની વાડીમાં ભાડાના ૩૫૦ રૂપિયા ચૂકવી દસ જણની હાજરીમાં મારાં અને સુરાલીનાં લગ્ન થયાં.  મમ્મી, અજિત, ધર્મેશ, લતા, રાજેશ વ્યાસ, રૂપેન, વિદ્યામાસી, મુકુંદમાસા લગ્નમાં વહેલી તકે પહોંચી ગયાં. તુષાર નાટકના શો માટે બહારગામ ગયો હતો એટલે તેનું પહોંચવું શક્ય નહોતું. ઉમેશ પણ કોઈ કારણસર પહોંચી શકે એમ નહોતો. પપ્પા જયપુર જવા નીકળી ગયા હતા, પણ અમને આર્શીવાદ આપતા ગયા. અને અમે નવા અધ્યાયનો આરંભ કર્યો.’

ટેકો આપવા ટેકાનો સહારો


કટોકટીના સમયની ટેકણલાકડી સમા મિત્રો જીવનમાં મળે તો સમજી લો તમે સૌથી નસીબદાર છો. રાજેશભાઈ કહે છે, ‘જે દિવસે મારાં લગ્ન હતાં એના પંદર દિવસ પહેલાં જ ક્રિકેટ રમતાં અજિતના પગે ફ્રૅક્ચર થયું હતું. અસહ્ય દુખાવો અને ચાલવામાં તકલીફ હોવા છતાં મારો ખાસમખાસ દોસ્ત અજિત ટેકણલાકડીના સહારે મને સહારો આપવા લગ્નમાં પહોંચી ગયો. દોસ્તની દરિયાદિલી કોઈની તોલે ન આવે.’

mrg

બે પરિવારનું મિલન

રાજેશભાઈ કહે છે, ‘સુરાલીના ઘરે લગ્નની જાણ કરવાનો સમય આવી ગયો. અમારાં લગ્નની જાણ કરવા મારા મિત્ર રાજેશ જોશીએ (મારો ક્રિકેટ-મિત્ર) ચિઠ્ઠી લખી સુરાલીના ઘરે મોકલી. લગ્નની વાત સાંભળી થોડીક વાર માટે બધાં સ્તબ્ધ હતાં, પણ સુરાલીનો આત્મવિશ્વાસ જીત્યો. સુરાલીનો પરિવાર અત્યંત લાગણીશીલ અને ભાવુક. દીકરીની ખુશીને હોંશે-હોંશે વધાવી અને મારા મનમાં છુપાયેલા ડરનું સમાધાન થઈ ગયું. સુરાલીનાં મમ્મી-પપ્પાએ અમારાં લગ્નનો સહર્ષ સ્વીકાર કર્યો. પછી તો બન્ને પરિવારની હાજરીમાં અમારું રિસેપ્શન ગોઠવાયું. અહીંથી સદાય માટે અમારા બન્ને પરિવારના લાગણીભર્યા સુમધુર સંબંધના શ્રીગણેશ થયા.’

થોડા ફિલ્મી હૈ...

અમુક ઘટના જીવનના કોઈ પણ તબક્કે વાગોળી શકાય એમ કહેતાં રાજેશભાઈના જીવનનો એક ફિલ્મી કિસ્સો જાણવા જેવો છે: ‘લગ્ન પછી છેડાછેડી છોડવા અમે રાજકોટ ગયાં હતાં. વિધિ પતાવ્યા બાદ રાજકોટમાં સમય પસાર કરવા હું અને સુરાલી ગુજરાતી મૂવી જોવા ગયાં. ૩થી ૬ના શોમાં અમે ‘દી વાળે ઈ દીકરા’ અને ૬થી ૯ના શોમાં ‘દુ:ખડાં ખમે ઈ દીકરી’ ફિલ્મ જોઈ. એ પણ હોંશે-હોંશે!’

પ્રકાશનો પ્રભાવ


ઇન્ટરકૉલેજિએટ નાટકો માટે વિલ્સન કૉલેજનાં પ્રિન્સિપાલ અનસૂયાબહેનના સતત પીઠબળને લીધે રાજેશભાઈએ વિલ્સન કૉલેજ તરફથી ઇન્ટરકૉલેજિએટ એકાંકી નાટકોનું ડિરેક્શન શરૂ કરી દીધું હતું. એમાંય ભાઈ તુષાર ભવન્સ કૉલેજનાં નાટકો ડિરેક્ટ કરતા હોય. કૉમ્પિટિશનમાં બન્ને ભાઈઓ આમનેસામને હોય, પણ જરૂર પડે એટલે એકબીજાનાં નાટકોમાં લાઇટ-મ્યુઝિક ઑપરેટ કરવાનું કામ સંભાળી લે. રાજેશભાઈ કહે છે, ‘કૉમ્પિટિશનમાં અમે બન્ને ભાઈઓ વચ્ચે હેલ્ધી હરીફાઈ હોય. જીતની ટ્રોફી ક્યારેક મારી પાસે તો ક્યારેક તુષાર પાસે હોય, પણ ઘરે પહોંચતાં જ હાર-જીતનો આનંદ સહિયારો બની જતો. તુષારના ફ્રેન્ડ પ્રકાશ કાપડિયાને લખવાનો શોખ. તેણે ‘ગ્રહણ’ નામનું એકાંકી નાટક લખ્યું, જેને મેં વિલ્સન કૉલેજ તરફથી ડિરેક્ટ કર્યું અને અમે ટ્રોફી જીત્યા (એમાં જિતેન્દ્ર મ્હાત્રે લીડ રોલ કરતો હતો, જે અત્યારનો RJ જિતુરાજ છે). પ્રકાશ કાપડિયાનું લેખક તરીકેનું એ પ્રથમ એકાંકી અને રાઇટર-ડિરેક્ટર તરીકેનું અમારું પ્રથમ જોડાણ.’

હસતાં રમતાં સાવ અચાનક

લાગણીભર્યા સંબંધનો સાથ છૂટે એટલે મનના ખૂણે હંમેશ માટે એક ખાલીપો રહી જાય છે. મા પાસે દરેક સંબંધ જીતી જાય, પણ મૃત્યુ સામે મા પણ હારી જાય છે. રાજેશભાઈ કહે છે, ‘મમ્મી શરદભાઈની નાદુરસ્ત તબિયત જોવા રાજકોટ ગઈ હતી. પાછા ફર્યા બાદ થોડા સમયમાં મમ્મીની તબિયત લથડી. મમ્મી માસીને મળવા વિક્રોલી ગઈ હતી. ત્યાં જ તેને અટૅક આવ્યો. અને ૧૯૮૬ની ૨૫ સપ્ટેમ્બર અમારા જીવનમાં જીવનભરનો ખાલીપો લઈ આવી. હૉસ્પિટલના બિછાનેથી મમ્મીએ સુરાલીને કહ્યું, મારા નાનકાનું એટલે કે તુષારનું ધ્યાન રાખજે. અમારા જીવન-પ્રકરણમાં મમ્મીની આકસ્મિક વિદાયથી અવકાશ પડી ગયો.’ 

નવી નોકરી


રાજેશભાઈએ CAનો અભ્યાસ, નોકરી અને ઘરની જવાબદારીને લીધે નાટકોને શોખ પૂરતું જ પ્રાધાન્ય આપ્યું. રાજેશભાઈ કહે છે, ‘ઘર, ભણતર, નોકરી કે નાટકો દરેકેદરેક તબક્કે સુરાલીનો મૉરલ સપોર્ટ મળતો રહેતો. સુરાલી નાટકો વખતે મને બનતી બધી જ મદદ કરતી. મારું નાટક હોય ત્યારે મહાલક્ષ્મી મંદિરે જઈ ફૂલહાર ચડાવે અને એ હાર પછી નાટકની શરૂઆતમાં પૂજા દરમ્યાન મૂકે. CAનું એક ગ્રુપ પાસ કરતાં જ મને MJ  ગ્રુપ ઑફ કંપનીઝમાં અસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી. હું ઑફિસનું અને સુરાલી ઘરનું અકાઉન્ટ સંભાળતી.’

દીકરો અમારો લાડકવાયો

૧૯૮૮ની ૭ એપ્રિલે અમારા પ્રથમ સંતાન તરીકે નિહારનો જન્મ થયો એમ જણાવતાં રાજેશભાઈ કહે છે, ‘અમારા બન્ને પરિવારમાં અવસર જેવો માહોલ. અમારા બધાની જ પદવીઓનું પ્રમોશન થઈ ગયું હતું. બસ, મમ્મી નિહારને જોઈ ન શકી એનો અમને બધાને અફસોસ હતો. નિહાર ઘરમાં સહુનો લાડકો. નાના-નાની તેને બહુ લાડ લડાવતાં અને આ તરફ નિહારને તેના તુષારકાકા વગર ચાલતું નહીં. એક દિવસ અમે એક વર્ષના નિહારને લઈ તુષારનું ‘મનુસ્મૃતિ’ નાટક જોવા ગયાં હતાં. સ્ટેજ પર સીન દરમ્યાન ધુમાડો છોડવામાં આવતાં તુષાર દેખાયો નહીં. બસ, પછી તો નિહાર રડતાં-રડતાં બોલ્યો કે તુષારકાકા બળી ગયા. અમે તેને માંડ સમજાવ્યો કે તુષારકાકાને કંઈ થયું નથી.’ 

સૂર્યવંશી


પ્રકાશ કાપડિયા લિખિત એકાંકી ‘ગ્રહણ’ પરથી તેમણે જ ‘સૂર્યવંશી’ નામનું ફુલલેન્ગ્થ નાટક લખ્યું, જેનું ડિરેક્શન કર્યું તુષાર જોશીએ. પ્રોડ્યુસર તરીકે પોતાના પ્રથમ ઍડ્વેન્ચરની વાત કરતાં રાજેશભાઈ કહે છે, ‘મોટા-મોટા પ્રોડ્યુસરે આ નાટક પ્રોડ્યુસ કરવાની ના પાડી, કારણ કે નાટકનો અંત જરા બોલ્ડ હતો. પછી અમે ઇન્ટરકૉલેજિએટ ટીમમાંથી જ ગ્રુપ બનાવી નવ મિત્રોએ ભેગા મળી ‘સૂર્યવંશી’ નાટક પ્રોડ્યુસ કર્યું. જે. ડી. મજીઠિયા લીડ રોલ કરતા હતા. આ નાટકને શરૂઆતમાં બહુ સારો પ્રતિસાદ મળ્યો નહીં. બધાએ નાટક બંધ કરવાની સલાહ આપી, પણ અમે મક્કમ હતા કે નાટક ચલાવીશું. ૩૮મા શો વખતે અમે આ નાટક ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીની કૉમ્પિટિશનમાં મૂક્યું. આ નાટકને અગિયાર પારિતોષિક મYયાં અને પછી નાટકે એવી ધૂમ મચાવી કે અમે આ નાટકના ૧૫૮ શો કર્યા.’

વી મિસ યુ શરદભાઈ           


આત્મીયતા હોય ત્યાં વિદાય આકરી લાગે. રાજેશભાઈ કહે છે, ‘શરદભાઈની દીકરી કુંજલ દોઢ વર્ષની હતી ત્યારથી અમારે ત્યાં જ ઊછરી હતી. મમ્મીના મૃત્યુ બાદ તે રાજકોટ રહેવા ગઈ હતી. મારી અને સુરાલી સાથે કુંજલનો અત્યંત લગાવ. માની વસમી વિદાય બાદ ૧૯૯૦માં શરદભાઈ ૪૨ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. શરદભાઈના આકસ્મિક મૃત્યુથી અમને બધાને આંચકો લાગ્યો હતો, પણ મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે.’

આગળ શું થવાનું છે એનાથી બેખબર આપણે સપનાં જરૂર ઉછેરીએ છીએ. ૧૮૦ સ્ક્વેર ફીટની ચાલીની રૂમમાંથી નીકળી એક મોટા ફ્લૅટમાં જવાની રાજેશભાઈનાં મમ્મીની પ્રબળ ઇચ્છા હતી. ખિસ્સામાં પૈસા ન હોય, પણ આંખોમાં સપનાં હોય ત્યારે કોની જીત થાય? એ જવાબ સાથે આવતા રવિવારે રૂબરૂ થઈશું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK