ઝાળ અને ઝાકળ

વડોદરામાં રહેતા વરિષ્ઠ શાયર રશીદ મીરનો આઠમો ગઝલસંગ્રહ ‘ઝાળ અને ઝાકળ’ પ્રકાશિત થયો છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

સર્જક તરીકે તેમણે ગઝલને મન મૂકીને ચાહી છે અને સંશોધક તરીકે એની બારીકીઓનો વિશદ અભ્યાસ પણ કર્યો છે. ૨૭ વર્ષથી ચાલતા ગઝલ ત્રૈમાસિક ‘ધબક’ના સંપાદક તરીકે તેમણે અનેક કલમોને ઉજાગર કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમના સંગ્રહમાંથી થોડું ઝાકળ આ પાના પર છાંટીએ.

સાંજની વેળા છે, ઉપવનમાં નિરાંત

મીર પાછા બેસી જઈએ બાંકડે


નિરાંત ચાર આનાની જેમ ગુમાઈ ગઈ છે. વીસ પૈસા, દસ પૈસા જેમ ઓઝલ થયા એમ આપણી જિંદગીમાંથી ફુરસદ અને નિરાંત પણ ઓઝલ થઈ રહ્યાં છે. કામનું દબાણ બ્લડ- પ્રેશર કરતાં પણ વધારે મૂંઝવે. એમાં પણ ઘણી વેળા ડગલે ને પગલે એવા અનુભવ થયા હોય કે આવો શેર સરી પડે...

મારી સામે છે મારો પડછાયો

યા ઇલાહી! મદદ વધારી દે

મેંય માથું ઝુકાવી દીધું છે

તુંય કૃપા વરદ વધારી દે


પરમશક્તિને સમર્પણ જ હોય. એ પણ શંકાભર્યું નહીં, શ્રદ્ધાભર્યું. સૃષ્ટિને નીરખશો તો કેટલાક ઉકેલ આપોઆપ મળી આવશે. એક ઝબકારો થવાની વાત છે. એ એમનેમ નથી થતો. આપણી ભીતર જ કોઈ ટહુકતું ન હોય તો આપણા સાદમાં પણ રણકો નહીં પ્રગટે...

હું ઘણી વાર ગયો છું ચોંકી

મારો પોતાનો સાદ છે તો પણ

હું જ સંવાદ માટે છું તત્પર

મારી સામે જેહાદ છે તો પણ


જાત સાથેની લડાઈ કારગિલ યુદ્ધ કરતાં પણ કપરી છે. એમાં લોહી નથી વહેતું છતાં હયાતી દાવ પર મુકાય છે. ત્વચા પર દેખાય એવા જખમો નથી થતા, પણ તળમાં એવો અંગારો ચંપાય કે જેની ઝાળ બીજા કોઈને દેખાય નહીં. કશુંક અગમ્ય, કશુંક આપણી પહોંચ બહારનું બનતું હોય છે જેનો અણસાર આવે પણ આકાર ન મળે.

ઝાલીને હાથ ફેરવ્યો મુજને ગલી ગલી

શેરીમાં એની એ મને રઝળાવતો હતો

પડછાયો બની જાય તો પકડાય શી રીતે?

એ રૂબરૂ હતો અને ભરમાવતો હતો


જિંદગી ભાવ અને ભરમ બન્ને ઑફર કરે છે. આપણી પાસે કોઈ પર્યાય નથી. આપણા ફાળે આવેલો હિસ્સો સ્વીકારી લેવો પડે. એક્સપ્રેસવે માઇલોના માઇલો સીધી લીટીમાં જાય એ રીતે જિંદગી વરસોના વરસો ગતિ કરતી નથી. કેટલીક વાર તો રસ્તા કરતાં સ્પીડબ્રેકર વધારે આવે. બધી સ્થિતિમાંથી રાહતનો કોઈ માર્ગ આપણે ગોતી લેવો પડે નહીંતર મનોચિકિત્સકના પેશન્ટ બનતાં વાર ન લાગે. શાયર એક વિચારશૈલી દર્શાવે છે... 

તળેટીમાં ઊભા રહીને

મજા શિખરની માણી છે

અમે ઊંડાણ ને ઊંચાઈને

સાથે પ્રમાણી છે


સારપ-ખોટપ, સત્ય-અસત્ય, કુમાશ-ક્રૂરતા, સાદગી-આડંબર, નિર્દોષતા-મુત્સદ્દી વગેરે સંવેદનો વચ્ચેનો સંઘર્ષ સતત ચાલતો જ હોય છે. એક જ સોસાયટીમાં રહેતા પંદર-વીસ ભાડૂતોના સ્વભાવનો અભ્યાસ કરો તો આવા વિવિધ ભાવો તમે તારવી શકશો. સોસાયટીની મીટિંગ હોય કે વિધાનસભા-લોકસભાનું સત્ર હોય, તમને બધી જગ્યાએ વિસંવાદિતાનાં નાનાં-મોટાં વર્ઝન જોવા મળશે. શાયર બન્ને પલ્લાંને સમતોલ રાખતા કહે છે... 

જેટલા ભીંત પર અરીસા છે

એટલા આદમીને ચહેરા છે

કૈં ના માગે અને દુવા આપે

મેંય એવા ફકીર દીઠા છે


એક અરીસો અનેક પ્રતિબિંબોને સાચવી જાણે છે. એ કોઈની સાથે ભેદભાવ કરતો નથી. એની ફરજ છે આપણા સ્વ-રૂપનું દર્શન કરાવવાની. એના માટે આનંદ અને ઉદાસી બન્ને સરખાં, પણ આપણા માટે એમાં ફરક રહેવાનો. 

યાદ એવી રીતે મનમાં કોઈની લાવે નહીં

સાંજની ઘેરી ઉદાસી પાનમાં ચાવે નહીં

શક્ય હો તો બે ઘડી ખીલવું ગુલાબોના સમું

આંસુઓને કોઈ કૂંડામાં અહીં વાવે નહીં


કાંટા વગર ગુલાબ ન હોય એમ દુ:ખ વગર સુખ ન હોય. કેટલીક વાર આવી ક્ષણો આપણે શોધી કાઢવાની હોય. રોજ સવારે છાપું આવે એમ કોઈ સુખ બારણાની તિરાડમાંથી સરકાવતું નથી. શાયર કહે છે એવી અનુભૂતિ આપણને વધારે આર્દ્ર અને પ્રેમાળ બનાવશે.

એની શેરીમાં થઈને નીકળીએ

ચાલ જન્નતની કામના કરીએ

ચાંદની રાત છે, અગાશી છે

આપ આવો તો જાગરણ કરીએ


ક્યા બાત હૈ


એથી બીજું શું આ ઇચ્છા હોય છે?

જે નથી એની અભિપ્સા હોય છે

તું ભલે એને કહે માધુકરી

યાચવું અંતે તો ભિક્ષા હોય છે

આપને દુનિયા બધી જોતી રહી

રૂપના એવા કરિશ્મા હોય છે

લાખ ઉપાડો છતાં ઊપડે નહીં

પગ ઘણી વેળાએ શિલા હોય છે

પ્રશ્ન હું એ કારણે કરતો નથી

એમાં ઉત્તરની અપેક્ષા હોય છે

સીધા રસ્તે આપણે ચાલ્યા હતા

શું ખબર કે વચ્ચે ફાંટા હોય છે

મૌન જો રાખો તો રુંંધામણ વધે

ને કશું બોલો તો વાંધા હોય છે

રેતનો વંટોળ ને આ કાફલો

મીરની અગ્નિપરીક્ષા હોય છે

- રશીદ મીર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK