હંમેશાં ઈશ્વરનું ધારેલું જ થાય છે માત્ર દુ:ખ વખતે જ એ સમજાય છે

‘યુ નો?’ ચંપા બોલી, ‘મારા ઘરમાં, મંડળમાં, સમાજમાં હું જે ધારું એ જ થાય. ફક્ત મારે શું ધારવું એ મારો ધણી નક્કી કરે.’

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


કેવો ભ્રમ? અલ્યા ભૈ, આપણે બધા ચંપા જ છીએ. આપણને પણ એવો ભ્રમ છે કે હું જે ધારું એ જ થાય છે, પણ ઍક્ચ્યુઅલી આપણે શું ધારવાનું એ તો ઉપરવાળો નક્કી કરે છે. તે આખા જગતનો સરમુખત્યાર છે એટલે કહેવું પણ પડે કે ધાર્યું ધણીનું થાય. ઍગ્રી કે ઘણી વાર થાય કે જો બધું તારું જ ધારેલું કરવાનું હોય તો અમારા મગજને ટેનિસ બૉલ તરીકે રમવા આપ્યો છે? તેને મગજ આપ્યું એટલે ઘણી વાર વિચાર જનમ લે કે સાલું પ્રભુ આપણા માટે આવું શું કામ ધારતો હશે? અને આપણને સાલી એક પળની ખબર નથી કે શું થશે એટલે મંડી પડ્યા કે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. પણ મિસ્ટર ટોપેશ્વર, સવારની ક્યાં માંડો છો? અહીં તો આગળની પળની જાનકીનાથને તો શું; પાર્વતી, લક્ષ્મી કે કોઈ ચંપાના નાથને પણ ખબર નથી કે પળ પછી શું થવાનું છે. તે પોતે પણ કોઈ જબરાં રહસ્યોના પડદામાં છુપાઈને બેઠો છે. ખબર નથી કે કોની બીક લાગતી હશે. રાત્રે સૂતા પછી બીજા દિવસે પથારીમાંથી ઊઠીશું કે કાયમ માટે ઊઠી જઈશું એની ખાતરી નથી ને આપણે મૂરખો મૃત્યુ સિવાયના ભવિષ્યના પ્લાનો બનાવવા મંડી પડીએ છીએ. વૉટ અ ટ્રૅજેડી? બરાબર કે નઈ? ખોટેખોટી હા ન પાડતા.

ભૂલી જ ગયા કે ઘડિયાળમાં બારના ટકોરા પડે એ પહેલાં તારા શરીરના બાર વાગી જશે, ટપકી પડીશ. ચેક પર સહી કરવા માટે હાથ લંબાવ્યો હોય એ હાથ કદાચ સીધા ઠાઠડીમાં પણ બંધાઈ જાય. બે આંગળીની વચ્ચે સિગારેટ સળગતી રહે ને આપણે ઓલવાઈ જવું પડે, રાત્રે સૂવા માટે પથારીમાં લંબાવ્યું હોય એ જ પથારી કદાચ અંતિમ પથારી પણ બની જાય. કાંદિવલીથી ચર્ચગેટ જવા ટ્રેન પકડો એ પહેલાં ઉપરવાળાની ટ્રેન પકડી લેવી પડે... આ હું લખી રહ્યો છું ને તમે વાંચી રહ્યા છો ને હમણાં અબઘડી હૃદય બંધ પડી જાય ને કૉલમ વાંચવાની અધૂરી રહી જાય ને તમે પૂરા થઈ જાઓ. હમેં ખબર નહીં હૈ પલ કી, હમ બાત કરતે હૈં કલ કી...

જે શરીરથી છૂટા પડ્યા એમાં કોઈ શ્રીજીચરણ, કોઈ અરિહંતશરણ, કોઈ કૈલાસવાસી, કોઈ સ્વર્ગવાસી. આતંકવાદીને ગોળી વાગે તો ઠાર ને જુવાનને ગોળી વાગે તો શહીદ. પણ જિંદગીની અંતિમ યાત્રાને મંઝિલ એક જ છે. લોચો એ છે કે જવું ગમશે નહીં અને સ્મશાન ગમે એટલું વૉકિંગ ડિસ્ટન્સ પર હશે તો પણ બીજા ચાર ખભા પર લઈ જશે. ગુસ્સો તો આવે કે મેં તમને આમ ઊંચકવા મારા પોતાના બનાવ્યા હતા?

દુ:ખ તો મને એ વાતનું છે વહાલા કે આપણે જો ‘સ્વ’માંથી સ્વર્ગીય બનીએ તો ઉપરથી કોઈ ભગવાન પૃથ્વીસ્થ કે ધરતીસ્થ નઈ થતા હોય. જેમ આપણે અહીં ‘પ્રભુને ગમ્યું એ ખરું’ બોલતા હોઈએ તો એ ભગવાનોમાં ‘માણસને ગમ્યું એ ખરું’ એવું નઈ બોલાતું હોય. આપણે જેમ બોલીએ કે બધું ઉપરવાળાના હાથમાં એમ એ ભગવાનો પણ ક્યારેક બોલતા જ હશેને બધું નીચેવાળાના હાથમાં છે. વ્યવહાર તો બે બાજુ હોવો જોઈએને? આ તો એક વિચાર છે.

બાકી નથી જનમ આપણા હાથમાં, નથી જીવન આપણા હાથમાં કે નથી મરણ આપણા હાથમાં. આપણા હાથમાં જો કંઈ હોય તો માત્ર આપણો મોબાઇલ. ભલે લોકો કહેતા કે જીવંત લાગણીઓને જડ મોબાઇલમાં કેદ કરી. પણ યુ નો? નગ્ન સત્ય એ છે કે મોબાઇલ ન હોત તો આજે હું જ ન હોતને! આ કૉલમની જગ્યાએ આજુબાજુ દોરેલી અગરબત્તી વચ્ચે મારો હારવાળો ફોટો જોતા હોત ને મારા નામની આગïળ ‘સ્વ.’ વાંચવા મળ્યું હોત. કેટલાકના મનમાં એવો વિચાર પણ આવતો હોત હવેથી આવતા રવિવારથી અહીં કોની કૉલમ આવશે? બૉસ, તમારા મોઢામાંથી ઊંહકારો નીકળી ગયો હોત. અરે બાપરે...  પણ હજી આપણી લેણદેણ બાકી હશે.

બન્યું એવું કે મંગળવારે રસ્તા પરથી પૂરપાટ જતી ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર મિરરમાં પાછળ જોવામાં આગળનું ભૂલી ગયો ને મિરર મારા માથે જોરથી અથડાયો. હું ફંગોળાયો. મને બાળપણ યાદ દેવડાવવા શરીરે મને બે-ત્રણ ગડથોલિયાં ખવડાવ્યાં, પણ તરત જ વાઇફે મારા આ શરીરના પોટલાને એ જ ઍમ્બ્યુલન્સમાં નાખ્યું ને પેલા ટોપા ડ્રાઇવરે પૂછ્યું, હૉસ્પિટલ જવું છે કે સીધા સ્મશાને?

ઍમ્બ્યુલન્સમાં જ ચંબુએ કહ્યું, ‘અલ્યા જે નજીક પડે ત્યાં લઈ જાને યાર... હમણાં હૉસ્પિટલ જઈએ. પછી જો એવું લાગશે કે હવે...’

ડ્રાઇવરે ઍમ્બ્યુલન્સ ભગાવી.

ફટાફટ હૉસ્પિટલમાં. ડૉ. કેતન પંચમિયા અને ડૉ. પટેલે કીધું, ઘ્વ્ સ્કૅન કરવું પડશે, મગજનું બૅલૅન્સ ગયું લાગે છે.

ધનનું બૅલૅન્સ જાય એ પોસાય, પણ જે મગજ મને ચાલીસ વર્ષથી સહકાર આપતું હોય એ બૅલૅન્સ ગુમાવે એ કેમ પોસાય? અરે મગજ ચાલે છે તો ઘર ચાલે છે ને તમે...

‘કબૂલ, પણ મગજ પર પ્લૉટ હોવાની શક્યતા છે.’

મને થયું સાલું મુંબઈની જગ્યાની તંગીમાં લોકોને રહેવાની તકલીફ પડે છે ને હું આ રીતે મગજમાં પ્લૉટ રાખી ફરું તો લોકો ભડકે કે નઈ? પણ આઇ નો કે અહીં આવેલું શરીર બચે તો ઘરે નઈતર સીધું સ્મશાને...

ભલે હું ઘરનો પ્લૉટ ન કાઢી શક્યો, પણ ડૉક્ટર પંચમિયાએ મારા મગજનો પ્લૉટ કાઢી નાખ્યો. ને ત્યાં યમરાજ આવી મારા કાનમાં બોલ્યા, ‘ઠાકર, તું અહીં બેઠાં-બેઠાં પૈસા-સંપત્તિ ગણતો ગયો. કાલે આટલી હતી ને આજે આટલી વધી ને અમારો બૉસ ઈશ્વર ઉપરવાળો હસે છે ને તારા શ્વાસ ગણે છે કે કાલે આટલા હતા ને આજે આટલા ઓછા થયા... જો ભૈ ઈશ્વર હંમેશાં ઑનલાઇન જ છે.’

એટલું બોલી યમરાજ નીકળી ગયા. પણ પાર્કિંગમાંથી તેમનો પાડો ટો થઈ ગયો કે કોઈ દેખાવડી ભેંસ જોડે ભાગી ગયો એની ગડમથલમાં પડી ગયા.

ને આ બાજુ તમારા જેવા ચાહકોએ અહીં રોકવા ઈશ્વરને પ્રાર્થના કરી, પણ આજે એક વાત પાકી સમજાઈ ગઈ કે હંમેશાં ઈશ્વરનું ધારેલું જ થાય છે. પણ માત્ર દુ:ખ વખતે જ આ સમજાય છે. આપણે તો અહીં ચેકાચેક ને ભૂંસાભૂંસ કરવાના, બાકી તેના વર્ચસ્વ આગળ આપણું સર્વસ્વ નકામું.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK