સ્મિતા પાટીલ બહુત ખૂબસૂરત મગર સાંવલી સી

હિન્દી ફિલ્મોની હિરોઇનની વ્યાખ્યાને ધરમૂળથી બદલી નાખનાર આ અભિનેત્રી ૧૯૮૬માં માત્ર ૩૧ વર્ષની ઉંમરે આ દુનિયામાંથી વિદાય લઈ જાય ત્યારે ચાહકોને કેવો આંચકો લાગ્યો હશે એની કલ્પના આજે કેટલા કરી શકતા હશે?

smita

કિનારે-કિનારે - સલિલ દલાલ

છાલક...

અબ એક રાત અગર કમ જિએ તો કમ હી સહી

યહી બહોત હૈ કિ હમ મશાલેં જલા કર જિએ


પ્રિય શાયર સાહિર લુધિયાનવીનો આ બહુ ગમતો શેર હિન્દી ફિલ્મોની એક યા બીજા કારણે અકાળ અવસાન પામનાર સ્મિતા પાટીલથી માંડીને મધુબાલા, મીનાકુમારી અને ઠેઠ દિવ્યા ભારતી જેવી અભિનેત્રીઓના જીવન સંદર્ભે સહજ યાદ આવી જાય. આ લેખમાળામાં પોતાની કરીઅરમાં વીજળીના ઝબકારે મોતીડાં પરોવી જનાર એ સૌને, તેમની ટૅલન્ટને અને તેમના જીવનને અંજલિ આપવાનું આયોજન છે.

શ્રેણીનું નામ કિનારે-કિનારે રાખ્યું છે. શાથી કિનારે-કિનારે? એનો પણ ખુલાસો કરતા ચાલીએ. એક તો આ શ્રેણીમાં જેમની જીવનકથાઓ વણવાની છે તેમાંનાં એક મીનાકુમારીની દેવ આનંદ સાથેની એક ફિલ્મનું નામ ‘કિનારે કિનારે’ છે. એ ફિલ્મ માટે મુકેશનું ગાયેલું પેલું ગાયન જબ ગમે ઇશ્ક સતાતા હૈ તો હંસ લેતા હૂં... પડદા પર ગાતા ચેતન આનંદ અને તલત મેહમૂદના મખમલી અવાજનું અમર ગીત દેખ લી તેરી ખુદાઈ, બસ મેરા દિલ ભર ગયા... યાદ છે? બીજું કે આ સૌ કલાકારો જીવનના કિનારે-કિનારે ચાલીને જતા રહ્યા, પણ સૌથી મોટું કારણ એ કે આ લેખમાળા આ ટૅલન્ટેડ પણ કમનસીબ આર્ટિસ્ટ્સની જિંદગી અને તેમના સર્જનાત્મક ફાળા (ક્રીએટિવ કૉન્ટ્રિબ્યુશન)ને કિનારે- કિનારે જોશે. એને સંપૂર્ણપણે આલેખવાનો કોઈ દાવો નહીં કરવાનું પણ આ ર્શીષકમાં અભિપ્રેત છે.

આ જાઓ મૈં બના દૂં પલકોં કા શામિયાના... એમ ‘પાકીઝા’ના ગીત મૌસમ હૈ આશિકાના...માં સાંભળ્યું ત્યારે એ લખનાર શાયરનું નામ શોધવાની ફરજ પડી હતી.  કોની કલ્પનાશક્તિમાં પ્રિયતમ માટે આંખોની પલકોનો શમિયાણો બનાવવાનો વિચાર આવ્યો હોય? પહેલી શંકા પડી મજરૂહ સુલતાનપુરી પર. તેમણે ‘બહારોં કે સપને’ના એક ગીત આજા પિયા તોહે પ્યાર દૂં...ના અંતરાની પંક્તિમાં પલકોં સે ચુન ડાલુંગી મૈં, કાંટે તેરે પાંવ કે... એવી નાજુક કલ્પના કરી જ હતી. સ્ત્રીની આંખોની નમણાશનો વિચાર કરીએ અને એના વડે તીક્ષ્ણ કંટક પ્રિયપાત્રના રસ્તેથી ઉઠાવવાની કલ્પનાને જોડીએ તો એ અલ્ફાઝ વાહ કવિ! એમ બોલાવી જ દે. એ જ મજરૂહ ‘પાકીઝા’ના ગીતકાર પણ હતા જ, પણ સાથે કૈફ ભોપાલી પણ હતા. પરંતુ એ આશિકાના મૌસમના શાયર તો નીકળ્યા ‘પાકીઝા’ના ડિરેક્ટર ખુદ કમાલ અમરોહી!

એવા કમાલ અમરોહીએ પોતાની ફિલ્મ ‘શંકર હુસૈન’ના એક ગીતમાં લખેલા શબ્દો કહીં એક માસૂમ નાઝુક સી લડકી, બહોત ખૂબસૂરત મગર સાંવલી સી... સ્મિતા પાટીલને જોઈને જ લખ્યા હશે એવું લાગે. કારણ કે ‘શંકર હુસૈન’ રિલીઝ થઈ હતી ૧૯૭૭માં અને ત્યાં સુધીમાં સ્મિતાની ‘નિશાંત’ અને ‘મંથન’ આવી ચૂકી હતી. તેથી શ્યામળા રંગની અથવા તો ગુજરાતીમાં મીઠાશથી કહેવું હોય તો ભીનેવાન યુવતી પણ ખૂબસૂરત હોઈ શકે એ વાસ્તવિકતાનો સ્વીકાર સિનેમા જેવા ગ્લૅમરના માધ્યમને પણ કરી દેવો પડ્યો હતો. ઑલ ક્રેડિટ ગોઝ ટુ સ્મિતા પાટીલ! તેના ચહેરાનું ઘાટીલાપણું રૂપ માટે ગોરા રંગની પ્રાથમિકતાને કોરાણે મુકાવી દે એવું આકર્ષક હતું અને આ સુનીસુનાયી બાત નથી, જાતે અનુભવ કર્યો હતો કેતન મહેતાની ક્લાસિક ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ના શૂટિંગ વખતે. એ દિવસોમાં અડાલજની વાવ ખાતેના આઉટડોરમાં સ્મિતા પાટીલનાં સન્મુખ દર્શનનો લહાવો મળ્યો હતો વડીલ પત્રકાર તારકનાથ ગાંધીના સૌજન્યથી.

તારકનાથ ગાંધી એટલે એક સમયે મુંબઈના ફિલ્મઉદ્યોગમાં રાજેશ ખન્ના અને હેમા માલિનીથી માંડીને અનેક સ્ટાર્સનાં નિકટનાં વર્તુળોમાં બેસતા-ઊઠતા સિનિયર મીડિયાકર્મી. અંગત રીતે પણ તેમનું મહત્વ ખાસું કહી શકાય, કેમ કે ‘સંદેશ’માંથી તેમના ગયા પછી જ મારી કૉલમ શરૂ થઈ હતી અને એ રીતે ગુજરાતવ્યાપી કૉલમલેખનમાં તે મારા સૌથી નિકટના પૂવર્જા કહી શકાય. તેમને ખબર હતી કે મારી કૉલમ ‘ફિલમની ચિલમ’ આણંદ જેવા નાના શહેરના નાનકડા સાપ્તાહિકમાંથી ‘સંદેશ’ દ્વારા ગુજરાત-મુંબઈ કક્ષાએ આવીને માફકસરની લોકપ્રિયતા મેળવી રહી છે. એટલે મારો સંપર્ક આણંદમાં કરીને તે આગ્રહપૂર્વક પોતાની સાથે ‘ભવની ભવાઈ’નું શૂટિંગ જોવા અડાલજની વાવ લઈ ગયા હતા. એ વખતે સ્મિતા પાટીલને રૂબરૂ જોવાની તક મળી અને કમાલ અમરોહીની પંક્તિ જેવો જ પહેલો ભાવ મનમાં જાગ્યો, બહુત ખૂબસૂરત મગર સાંવલી સી...

એ દિવસોમાં સ્મિતાનું નામ વિનોદ ખન્ના સાથે ગૉસિપ-કૉલમોમાં ચમકવું શરૂ થયું હતું અને આ અભિનેત્રીને આમને-સામને જોતાં સમજાય કે એ સમયના એ હૅન્ડસમ પંજાબી ઍક્ટર વિનોદ ખન્ના સાથે એ ભીનેવાન હિરોઇનનું નામ જોડવાનું મન કોઈ પણ ગૉસિપ-કૉલમનિસ્ટને શાથી થઈ શકે? એ પર્સનાલિટીમાં ગજબનું ચુંબકત્વ હતું, જે ફિલ્મના વિશાળ પડદા અગાઉ ટેલિવિઝનની નાની સ્ક્રીન પર લાખો લોકોએ અનુભવ્યું હતું. સ્મિતાનું નામ, સૌ જાણે છે એમ દૂરદર્શન પર કૅઝ્યુઅલ ન્યુઝરીડર તરીકે અન્ય સમાચાર-વાચકો સાથે લિસ્ટમાં હતું. પરંતુ કેટલાય દર્શકોનો એ અનુભવ હતો કે મરાઠી સમાચારમાં પંતપ્રધાન મ્હણાલે કિ... (પ્રધાનમંત્રીને કહા હૈ કિ...)થી શરૂ થતાં વક્તવ્યો કે એવી જ સરકારી પ્રેસનોટો સિવાય કશું સાંભળવાનું નહીં હોવા છતાં સ્ક્રીન પર સ્મિતાને જોતાંવેંત જ ઘરની બહાર જવા નીકળતા લોકોના પગ ટીવી સામે જડાઈ જતા. એ જ કારણસર સ્મિતા પાટીલના વ્યક્તિત્વને અમુક લોકો અરેસ્ટિંગ પર્સનાલિટી કહેતા હશેને?

આમ ટીવીના પડદેથી દર્શકોને નજરકેદ (હાઉસ-અરેસ્ટ) કરી શકે એવી પર્સનાલિટી ધરાવનાર અને હિન્દી ફિલ્મોની હિરોઇનની વ્યાખ્યાને ધરમૂળથી બદલી નાખનાર આ અભિનેત્રી ૧૯૮૬માં માત્ર ૩૧ વર્ષની ઉંમરે આ દુનિયામાંથી વિદાય લઈ જાય ત્યારે ચાહકોને કેવો આંચકો લાગ્યો હશે એની કલ્પના આજે કેટલા કરી શકતા હશે? સ્મિતા પાટીલના આગમન અગાઉ હિરોઇન એટલે રંગેરૂપે રૂપાળી ઢીંગલી જેવી તો હોવી જ જોઈએ, ભલેને તે ખેતરમાં કામ કરતી મજૂરણની ભૂમિકા કરતી હોય! તે લજામણીના છોડની માફક શરમાઈ શકતી હોય તો ઔર ભી અચ્છા. વાર્તાની નાયિકા એ સમાજના કોઈ પણ તબક્કામાંથી આવતી હોય, તે રૂપ-રૂપનો અંબાર તો હોવી જ ખપે. કેસ ઇન પૉઇન્ટ, ‘અછૂત કન્યા’ને યાદ કરીએ તો? ફિલ્મમાં અછૂત બનેલાં દેવિકારાણીનું રૂપ અને તેમની નમણાશ કોઈ ઉચ્ચ વર્ણની મહિલાને શરમાવે એવાં હતાં. એમાં ક્યાંય સમાજના મહેનતકશ વર્ગની મહિલાની છાંટ નહોતી. 

છતાં એ તો હજી માફ થઈ શકે, કેમ કે ‘અછૂત કન્યા’ આવી એ ૧૯૩૬ તો હજી સિનેમાની પા-પા પગલીનું વર્ષ હતું જ્યારે અભિનેત્રીઓ મળતી નહોતી. પુરુષોને સ્ત્રીઓની ભૂમિકાઓ કરવી પડતી. પરંતુ ૧૯૭૦માં આવેલી ‘નયા રાસ્તા’માં પણ નાયિકા સમાજના પિછડા વર્ગની હતી, (એના ગીત પોંછ કર અશ્ક અપની આંખોં સે મુસ્કુરાઓ તો કોઈ બાત બને...માંના સાહિરના આ શબ્દો યાદ છેને? સર ઝુકાને સે કુછ નહીં હોતા, સર ઉઠાઓ તો કોઈ બાત બને...) છતાં એ ભૂમિકા માટે એ દિવસોમાં ગ્લૅમર-ગર્લ કહેવાતાં આશા પારેખને જ પસંદ કરવામાં આવ્યાં હતાં, જેમની શારીરિક નાજુકાઈ મહેનતથી કસાયેલાં શરીરોવાળી મહિલાઓના સીધા વિરોધાભાસ જેવી હતી. હિરોઇનને શ્યામરંગી બતાવવાનો રડ્યો-ખડ્યો પ્રયોગ ‘મૈં ભી લડકી હૂં’માં કરવામાં આવ્યો હતો, જ્યારે મીનાકુમારીને તેમના ફૂલગુલાબી ચહેરા પર વાદળ છવાયું હોય એવો રંગ કરીને ભૂમિકા કરવાની હતી. એમાં મીનાજીએ ભગવાન શ્રીકૃષ્ણને ફરિયાદનું ગીત પડદા પર ગાયું હતું. ક્રિષ્ના ઓ કાલે ક્રિષ્ના, તૂને યે ક્યા કિયા, કૈસા બદલા લિયા, રંગ દેકે મુઝે અપના...! આવી બધી પૂવર્ભૂનમિકાનો સંદર્ભ સ્મિતા પાટીલની વાત કરતાં અગાઉ હંમેશાં યાદ રાખવો ઘટે.

સ્મિતાજીના આગમન અગાઉ ઈવન શબાના આઝમીના કિસ્સામાં પણ મહેનતકશ મહિલાના પાત્રને યોગ્ય શરીરનાં કદ-કાઠી અને રંગનું સુયોગ્ય સંમિશ્રણ સિનેમાના સર્જકોને ઉપલબ્ધ નહોતું. સ્મિતા પાટીલની ફિલ્મોની યાદી જોનાર કોઈ પણ ભાવકને એ સમજાય કે તેમના જેવી દુર્લભ પર્સનાલિટી માટે ભારતભરના ફિલ્મમેકર્સ કેવા તડપતા હશે! તેમણે ૧૯૭૪માં એન્ટ્રી કરી અને ૧૯૮૬માં ચિરવિદાય લીધી એટલે સિનેમાના પડદે અભિનય કરવા મળેલાં માત્ર ૧૨ વર્ષના ગાળામાં હિન્દી ઉપરાંત મરાઠી, ગુજરાતી, કન્નડ, પંજાબી, બંગાળી, મલયાલમ એમ ભારતની વિવિધ પ્રાદેશિક ફિલ્મોના સમાંતર પ્રવાહના નિર્દેશકોએ સ્મિતાને લઈને પોતપોતાની કૃતિઓને સજાવી હતી. એ સૌને સ્મિતા અને શબાનાની હરીફાઈનો લાભ પણ સારો મળતો. એ બન્ને અભિનેત્રીઓ એવા ડિરેક્ટરોના પ્રોજેક્ટ લેવા અત્યંત આતુર રહેતી. શબાના આઝમી વિશેનું અમારું એક નિરીક્ષણ વર્ષોથી રહ્યું છે કે સ્મિતા પાટીલના અવસાન પછી સ્પર્ધાનું તત્વ જતું રહેતાં શબાનાને વન હૉર્સ રેસમાં કોઈને પાછળ પાડી દેવાની એવી તડપ રહી નહોતી. બાકી એક સમય હતો જ્યારે મૃણાલ સેન જેવા સર્જકની એક ફિલ્મ માટે બન્ને જીતોડ પ્રયત્નમાં લાગેલાં હતાં. બેઉ એ વખતે શ્યામ બેનેગલની ‘મંડી’માં કામ કરતાં હતાં. ‘મંડી’માં દેહના વેપારમાં સંકળાયેલી મહિલાઓની વાર્તા હતી અને શબાના એ હાઉસની મૅડમની ભૂમિકા કરે, જ્યારે સ્મિતા એ ઘરની તેમની સૌથી વહાલસોયી છોકરી!

એ બન્ને અભિનેત્રીઓને ખબર પડી કે મૃણાલદા નવી ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. તેમને જાણ થવાનું એક કારણ ‘મંડી’ની અન્ય એક મજબૂત અભિનેત્રી શ્રીલા મજુમદાર હતી જેણે પણ પોતાની ઉમેદવારી મૃણાલ સેન પાસે નોંધાવી હતી. દાદા ધર્મસંકટમાં મુકાયા! પણ તેમણે ઉકેલ પત્રલેખનથી કાઢ્યો. મૃણાલદાએ શબાના અને સ્મિતા બન્નેને પત્ર મોકલ્યા. એમાં તેમણે એ બેઉ ટૅલન્ટેડ ઍક્ટ્રેસને અલગ-અલગ પત્રો પર ડિયર શબાના અને ડિયર સ્મિતા એમ સંબોધન કર્યું અને પછીનું લખાણ બન્નેમાં એકસરખું લખ્યું, ‘ડિયર......, તું મારી આગામી ફિલ્મમાં ચોક્કસપણે છે જ, પરંતુ શ્યામ (બેનેગલ) મોગલ બાદશાહની માફક એકત્ર કરે છે એવું મહિલાઓનું જનાનખાનું લઈને હું હરીફરી ન શકું. તે એક જ સમયે બહુ બધી સ્ત્રીઓને (ફિલ્મમાં) લઈ શકે, પણ હું એક વખતે એકથી વધુ મહિલાને નહીં લઈ શકું. હું તારી સાથે આ ફિલ્મ કરીશ. એ પછીના પ્રોજેક્ટમાં હું અન્ય અભિનેત્રીને લઈશ. તું ગ્રેટ ઍક્ટ્રેસ છે તો બીજી પણ મહાન જ છે.’

બેઉને આવો એક જ લખાણવાળો કાગળ લખ્યો અને પછી મૃણાલ સેને કારીગરી કરી. જે પત્રમાં અંદર ડિયર શબાના લખ્યું હતું એના કવર પર સ્મિતાનું નામ લખ્યું અને ડિયર સ્મિતા લખેલો ખત શબાના આઝમીને મળે એમ લખેલા પરબીડિયામાં બીડીને શ્યામ બેનેગલની એ સમયે કલકત્તામાં જ બની રહેલી ‘આરોહણ’ ફિલ્મના યુનિટ પર બેઉ પત્ર મોકલ્યા!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK