ક્યોં જાના થા જપાન?

બહુ જ ઓછા લોકો જાય છે અહીં, આ દેશ ખૂબ મોંઘો છે એવી પણ છાપ છે; પણ ત્યાં શા માટે જવું એનાં ઘણાં કારણો છે અને બરાબર પ્લાનિંગ કરો તો તમારા બજેટમાં પણ જઈ શકાય છે

japan

ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

કેમ જપાન?

હું જપાન જઈ રહી હતી ત્યારે અને જઈને પાછી આવી ગઈ એ પછી પણ લગભગ દરેકના મોઢે આ જ સવાલ હતો. અને મારી પાસે બે જવાબ છે - એક જતાં પહેલાંના સવાલ માટે અને બીજો જઈ આવ્યા પછીના સવાલ માટે.

બહુ ફૉરેન-ટ્રાવેલ ન કરતી હોય એવી મારા જેવી વ્યક્તિ માટે સામાન્ય રીતે કોઈ યુરોપિયન દેશ કે અમેરિકા અને બજેટનો પ્રૉબ્લેમ હોય તો કોઈ સાઉથ ઈસ્ટ એશિયન દેશ માટેનું પ્લાનિંગ થાય.

એટલે મારી પાસે ચૉઇસ વિશાળ હતી અને એ છતાંય મેં એવી જગ્યા પસંદ કરી જે બહુ ઓછા લોકોના વિશ-લિસ્ટમાં હોય છે. કેમ?

જપાન માટે થયેલા આકર્ષણનું પહેલું કારણ હતું ડિઝનીલૅન્ડ.

મારી ઇચ્છા હતી કે આ ફૉરેન-વેકેશન હું મારી આઠ વર્ષની ડૉટર જિયાને ધ્યાનમાં રાખીને પ્લાન કરું. પહેલાં અમેરિકા જવાનું પ્લાનિંગ હતું, પણ મિત્રોએ સજેસ્ટ કર્યું કે જિયા દસ-બાર વર્ષની થઈ જાય ત્યારે તેના માટે અમેરિકન ડિઝની-ટ્રિપ યોગ્ય રહેશે.

પણ એક મમ્મીએ દીકરીને આપેલું ફૉરેન લઈ જવાનું પ્રૉમિસ તો પૂરું કરવાનું જ હતું.

આ પ્રૉમિસ પૂરું કરવાના નિર્ધારે મને જપાન વિશે વધુ રિસર્ચ કરવા પ્રેરી. મને ખબર નહોતી કે આ રિસર્ચ મારા માટે એક વન્ડરલૅન્ડના દરવાજા ખોલી નાખશે.

સૌથી પહેલું વન્ડર એ જાણવા મળ્યું કે જપાનમાં એક નહીં પણ બબ્બે ડિઝની-પાર્ક છે - ડિઝનીલૅન્ડ અને ડિઝનીસી. ડિઝનીલૅન્ડ તો દુનિયામાં ઘણે ઠેકાણે છે, પણ ડિઝનીસી નામનો દરિયાઈ પાર્ક તો એકલા જપાનમાં જ છે.

વિઝિટર્સની સંખ્યાના હિસાબે સમગ્ર વિશ્વના અમ્યુઝમેન્ટ પાક્ર્સમાં ડિઝનીસી ત્રીજા નંબરે છે. સાહજિક સવાલ થાય જ કે શું ખાસ છે આ દરિયાઈ પાર્કમાં?

માનવ, એમાં પણ જૅપનીઝ ધારે તો શું કરી શકે એનું જ્વલંત ઉદાહરણ છે આ પાર્ક. પૅસિફિક મહાસાગરનો એક ફાંટો અખાતમાં પરિવર્તન પામે છે અને ત્રણે બાજુથી જમીનથી ઘેરાઈને કહેવાય છે ‘આંતરિક’ સમુદ્ર. ત્રણે બાજુથી ઘેરાયેલો હોવાને કારણે એકંદરે દરિયો શાંત જ રહે છે. હવે આ આંતરિક સમુદ્રનો પૂરેપૂરો લાભ લીધો આધુનિક વિજ્ઞાન એટલે કે ઇજનેરી કૌશલે. અને ટોક્યો બે તરીકે ઓળખાતા આ શાંત દરિયામાં નિર્માણ થયું ડિઝની દરિયાઈ પાર્કનું.

ડિઝનીસી દુનિયાભરની દરિયાઈ દંતકથાઓ પરથી પ્રેરિત છે, જેમાં સાત ‘પોર્ટ્સ ઑફ કૉલ’નો પણ સમાવેશ છે. એમાંથી કેટલાંક બંદરો સાચકલાં છે અને કેટલાંક કાલ્પનિક. તમને અહીં વીસમી સદીનું ન્યુ યૉર્કનું તત્કાલીન દરિયાઈ બારું પણ મળશે અને અત્યારના વેનિસની ઝાંખી પણ મળશે જેમાં પલાઝો કનૅલ્સની એટલે કે વેનિસ શહેરના જળમાર્ગોની ઝાંખી કરાવતા ગોન્ડોલા જોવા મળશે. એક પોર્ટમાં તમને પ્રખ્યાત ઇન્ડિયાના જોન્સનાં સાહસોનો અનુભવ થશે તો એવાં પણ ફ્યુચરિસ્ટિક અને ફૅન્ટૅસ્ટિક પોર્ટ્સ જોવા મળશે જેની રોમાંચક રાઇડ્સ તમને ધરતીના પેટાળમાં લઈ જશે. અને આ બધાની વચ્ચે ઊભો છે એક રહસ્યમય ટાપુ જેનું નામ છે માઉન્ટ પ્રોમેથસ, જે દર થોડા કલાકે લાવારસ ઓકે છે અને તમને સતત યાદ કરાવ્યે રાખે છે કે તમે જ્વાળામુખીના દેશમાં ફરી રહ્યા છો. આ દરિયાઈ પાર્કનો અનુભવ ભલભલાને રોમાંચિત કરી મૂકે છે.

ઘણાબધા બ્લૉગ્સ વાંચ્યા પછી અને કેટલીયે વેબસાઇટ્સ ફંફોળ્યા પછી માન્ગા કૉમિક્સ, બુલેટ ટ્રેન્સ અને ટેક્નૉલૉજીમાં ડૂબેલો આ અદ્ïભુત દેશ બોલાવતો તો હતો જ; પણ એ છતાંય કંઈક ખૂટી રહ્યું હતું - એવું કોઈ તત્વ જે મને જપાન-પ્રવાસને ગ્રીન સિગ્નલ આપવા માટે મજબૂર કરી દે. મને ખાતરી તો હતી જ કે એવું કંઈક હશે જરૂર; પણ એ સામે આવે, મને જકડી લે અને મને વળગી પડે તો બાત બને.

અને એવું થયું. મારા લૅપટૉપ પર ખોલી રાખેલા અનેક ટૅબ્સ અને વિન્ડોઝમાંથી અચાનક એવી એક જગ્યાએ દર્શન દીધાં જે બરફથી છવાયેલી હતી.

જપાન વિશેના કેટલાય ટ્રિપ-રિવ્યુ અને બ્લૉગ્સ મેં વાંચી કાઢેલા, પણ એમાં ક્યાંય મને આ જગ્યાનો ઉલ્લેખ જોવા નહોતો મળ્યો. અથવા ઉલ્લેખ હોય તો મેં કદાચ મિસ કર્યો હોય એવું પણ બને.

જકડી લે, વળગી પડે એવી એ જગ્યા એટલે જૅપનીઝ ઍલ્પ્સ.

ઍલ્પ્સ...? જપાનમાં?

જપાનમાં બરફની પર્વતમાળાઓ હોય એવી તો ખબર જ નહોતી. સામાન્ય રીતે ઍલ્પ્સ સાથે આપણે જાણતાં-અજાણતાં યુરોપને જોડી દેતા હોઈએ છીએ.

એક દેશના આવડા મોટા ઇન્ટરેસ્ટિંગ ફૅક્ટર વિશે આપણે કેટલા અજાણ. બીજી મહત્વની વાત એ પણ છે કે જપાન વિશે કેટલું ઓછું અને કેટલું ટિપિકલ લખાય છે એ પણ અહીં સાબિત થાય છે.

જૅપનીઝ ઍલ્પ્સ વિશે જાણીને મારી ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ગઈ અને એ સીમા પર મારો પરિચય થયો સ્વપ્નનગરી જેવા ૯૦ કિલોમીટરના જૅપનીઝ ઍલ્પ્સના પટ્ટા સાથે, જે ઓળખાય છે તાતેયામા કુરોબે ઍલ્પેન રૂટ તરીકે.

અને આ ઍલ્પેન રૂટ બન્યો એ તત્વ જેણે મને જપાન-ટ્રિપ પર જવા ઉત્સાહિત કરી મૂકી.

આ જૅપનીઝ ઍલ્પ્સ જપાનની મધ્યમાં સ્થિત છે એટલે એમ કહી શકાય કે જપાનને બે ભાગમાં વહેંચે છે આ પર્વતમાળા. ૯૦ કિલોમીટરનો આ ચુબુ પ્રાંત આવરી લે છે આજુબાજુનાં ગામડાંઓને. મુખ્યત્વે સાત સુંદરતમ ગામડાંઓને. દરેક બદલાતી ઋતુમાં આ ચુબુ પ્રદેશનું સૌંદર્ય વિધવિધ વેશ ધારણ કરે છે. શિયાïળાની શુભ્ર બર્ફીલી ચાદરમાંથી વસંત ઋતુનાં કૂણાં વધામણાં જાણે પ્રગટે છે. વસંત પછી કહેવાતા ‘ઉનાળા’ની હરિયાળી અને પછી પાનખરનું કેસરી લાલાશ પડતું સૌંદર્ય.

અહીં તમને દીદાર થાય છે યુકી-નો-ઓહતાનીના, જેનો મતલબ છે બરફની તોતિંગ દીવાલ. વસંતઋતુમાં રસ્તાઓને મોટરેબલ બનાવવા બરફની જે દીવાલોને કોતરવામાં આવે છે એ વીસેક મીટર જેટલી ઊંચી હોય છે, મતલબ કે ૧૦ માળનું બિલ્ડિંગ. આ ઉપરાંત વિશેષ આકર્ષણ એ કે ઍલ્પેન રૂટના પ્રવાસમાં ટ્રાન્સપોર્ટના પાંચ પ્રકારનો ઉપયોગ થાય છે. માત્ર સાત મીટરથી ચોવીસસો પચાસ મીટરની ઊંચાઈ આવરી લેતા આ માર્ગ દરમ્યાન તમે બોગદાંઓ પસાર કરો છો, ટ્રૉલીમાં બેસી રોપવેનો લહાવો લો છો, પૈડાં પર ચાલતાં વાહનો તો ખરાં જ, એટલે કે બસ; પરંતુ એકાદ જગ્યાએ તો આખેઆખી બસ જ ટ્રૉલી બની જાય છે એને કહેવાય છે ટ્રૉલીબસ. જૅપનીઝ ટેક્નૉલૉજીની સર્વોપરિતાનો ઉત્કૃષ્ટ ઉદ્ઘોષ એટલે આ ઍલ્પેન માર્ગ કહેવાય. જરાપણ અતિશયોક્તિ નથી.

જપાનના દંતકથા સમાન માઉન્ટ ફિજી ઉપરાંત આ દેશ માટેની બીજી એક દંતકથા એ છે કે એ ખૂબ મોંઘો છે.

અને અમે તો અમેરિકા જવાનું એટલે ટાળી રહ્યા હતા કે ત્યાં જવું ખૂબ મોંઘું છે.

પણ જપાને હવે મન-મસ્તિષ્ક પર કબજો જમાવી લીધો હતો એટલે એને સિસ્ટમમાંથી બહાર કાઢવા ત્યાં જવા સિવાય છૂટકો નહોતો.

ટ્રાવેલ-બિઝનેસમાં હોય એવા કેટલાક ફ્રેન્ડ્સ પાસેથી થોડાંક એસ્ટિમેટ્સ મળ્યાં - જે આંકડા આવ્યા એ હતાશ કરી મૂકે એવા હતા. એટલું ઓછું હોય એમ આ મિત્રોએ આપેલાં બજેટ્સમાં મેં પ્લાન કરેલી અડધી જગ્યાઓ તો હતી જ નહીં.

મેં નાનામાં નાની વિગત ભેગી કરવાના નિર્ધાર સાથે વધુ ને વધુ વાંચવાનું શરૂ કર્યું. જપાન જઈ આવેલા લોકોને મળી - આવા લોકો મળ્યા જોકે માંડ-માંડ. અને મારા મનમાં જે જગ્યાઓ હતી ત્યાં તો તેઓ ગયા જ નહોતા. ઍલ્પેન રૂટની ચિંતા મને સૌથી વધુ હતી; કારણ કે ત્યાં પર્ફેક્ટ ટાઇમ-મૅનેજમેન્ટની જરૂર હતી, એના વિશે માહિતી બહુ નહોતી અને ત્યાંનું હવામાન પણ કઠોર હતું.

મેં મારી કૉસ્ટ ઘટાડવાના અને સ્માર્ટ્લી ટ્રાવેલ કરવાના રસ્તાઓ શોધવાના શરૂ કર્યા. ધીમે-ધીમે બધું ગોઠવાતું ગયું અને જપાન જઈ શકાશે એવો વિશ્વાસ આવતો ગયો.

એટલે હા, જપાન મોંઘું તો છે પણ એટલુંય નહીં કે તમને ખંખેરી લે. યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા કે ન્યુ ઝીલૅન્ડ સાથે સરખામણી થઈ શકે એટલું જ મોંઘું છે જપાન - વધુ નહીં. અફ ર્કોસ, એટલા બજેટમાં તમે સાઉથ ઈસ્ટ એશિયન દેશની બે ટ્રિપ કરી શકો.

જપાનની બીજી ખાસિયત એ છે કે આ દેશ ફૉરેનના ટૂરિસ્ટો માટે લાલ જાજમ પાથરીને નથી બેઠો એ છતાંય એ ગજબનો ટૂરિસ્ટ-ફ્રેન્ડ્લી દેશ છે. ત્યાં એટલા બધા ટ્રાવેલ-પાસ અને પ્લાન્સ છે જે ખરેખર કૉસ્ટ-ઇફેક્ટિવ છે - એમાંના કેટલાક તો ત્યાંના નાગરિકો માટે પણ ઉપલબ્ધ નથી. સૌથી મોટી બચત જપાન રેલ પાસમાં થાય છે, જે બુલેટ ટ્રેનમાં અને અન્ય સંલગ્ન ટ્રેનો, બસો અને ફેરીઝમાં અનલિમિટેડ ટ્રાવેલ કરાવે છે. તમે ૭ કે ૧૪ દિવસનો પાસ લઈ શકો છો.

આખી વાર્તાનો સાર એ કે તમે તમારા પ્રવાસનું બરાબર અને ઝીણવટપૂર્વક પ્લાનિંગ કરો તો જપાન પણ જઈ શકાય છે.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK