મેરા મુઝ મેં કુછ નહીં, જો કુછ હૈ સો તેરા

પ્રિય ભગવાન,

ranbir

ભગવાનને પત્ર - રુચિતા શાહ

એક જગ્યા તો એવી હોવી જ જોઈએ જ્યાં કોઈ આડંબર વિના કે કોઈ ટાપટીપ વિના જેવા છીએ એવા ઊભા રહી શકાય. પણ ના, ક્યારેક અહમ્નો નશો એવો તીવ્ર હોય છે કે તારી સામે પણ એ માથું બહાર કાઢીને ઊભો રહે છે. પણ તું, તું તો એ જ નેહનીતરતાં નયને અમને નિહાળ્યા કરે છે.

અમારી આ બાલિશ લીલાઓ જોઈને તને મનોમન કેટલી ગમ્મત થતી હશેને? પ્રભુ, ખરેખર તારાં જ બાળકો હોવા છતાં તારાથી ઘણા જુદા પાકી રહ્યા છીએ એનો વસવસો તને મનમાં થતો હશેને?

સાચું કહું, સમજવાની કોશિશ કરીએ છીએ દુનિયાને અને ફાંકો રાખીએ છીએ કે અમને બધી જ ખબર છે, પણ ખરેખર કંઈ જ ખબર નથી. ક્યાં કશું જાણીએ છીએ?

તારા ગુણોની વિરાટતા સામે અમે ધૂળના એક રજકણ કરતાં પણ નાના છીએ, પણ છતાંય અમારો અહમ તો તેં જોઈ જ લીધો છે. જાણે આખી દુનિયાની ખબર પડતી હોય એ રીતે માથું ઊંચું કરીને ચાલીએ છીએ. આ ચાલમાં ક્યારેક રસ્તામાં પડેલો દસ ગ્રામનો કાંકરો અમારા આખેઆખા સંતુલનને હચમચાવી દે છે છતાં અહંકાર અકબંધ રહે છે. પ્રભુ, આવનારી ક્ષણમાં મારો શ્વાસ મને સાથ આપશે કે નહીં અને કઈ ઘડીએ આ દુનિયાને અલવિદા કહેવાનું બની જશે એની પણ ખબર નથી તો શેની અહમ્ની અટારીઓને પોષણ આપવાનું અવિરત ચાલુ રાખ્યું છે? ક્યાં નથી ખબર કે ઘડીમાં આ આખા અસ્તિત્વને ચકનાચૂર કરી દેવાની ક્ષમતા આ કુદરતમાં છે, ઈશ્વર તારામાં છે. એક ક્ષણમાં વર્ષોથી ભેગી કરેલી અસ્ક્યામતોને ધૂળધાણી કરી દેવાની ક્ષમતા તારામાં છે. એક ક્ષણમાં સદીઓથી ઇતિહાસની વિજયપતાકા ઝુલાવતી ઇમારતોને ઊંડા ખાડામાં ઉતારી દેવાની ક્ષમતા તારામાં છે.

પ્રભુ, તારી આટલી વિશાળતા, તારી અગાધ ક્ષમતાઓ અને શક્તિઓ સામે હું શું છું? છટ્, કંઈ જ નથી. એક કણ જેટલું પણ વજૂદ નથી, પરંતુ ગુમાન તો એનું એ જ છે.

એક વાત હું બહુ સારી રીતે જાણું છું અને સ્વીકારું પણ છું કે મારું ત્યારે જ કોઈ વજૂદ રહે છે જ્યારે તું છે મારી સાથે. મારું વજૂદ ત્યારે જ બળવાન બને છે જ્યારે તારો સાથ મને મળે છે. બાકી હું કંઈ નથી, કંઈ જ નહીં. તો પછી રુઆબમાં રાચવાનો કોઈ અર્થ પણ ક્યાં રહે છે.

ભગવાન, અત્યાર સુધી સાચવેલો બધો અહમ અહીં વિસર્જિત કરવાનો આ સમય છે. પ્રભુ, હું કંઈ જ નથી; પણ તું છે ત્યારે મારું વજૂદ હિમાલય જેટલું ઊંચું થઈ જાય છે એ સ્વીકારેલા સત્યને પગલે ચાલવાનો આ સમય છે.

કબીરજી યાદ આવી ગયા. મેરા મુઝ મેં કુછ નહીં, જો કુછ હૈ સો તેરાï; તેરા તુઝ કો સૌંપ દિયા, ક્યા લાગે ફિર મેરા. ખરેખર, મારું કંઈ રહેતું નથી. જે છે એ તારું છે. તારા માટે હું અહમ્નાં પોટલાં માથે લઈને ફરું એ તો યોગ્ય નથીને? હું વિસર્જિત થઈ ગઈ, હું સમાપ્ત થઈ ગઈ, હું બસ વિલીન થઈ ગઈ અને છતાંય આનંદ અને ઉત્સાહનો કોઈ અનેરો રણકો મારા હૃદયમાં ઘૂઘવાઈ રહ્યો છે. જે ક્ષણે મારું તારામાં વિલીન થવું શરૂ થયું છે એ ક્ષણથી જીવન પ્રત્યેનો રણકાર બદલાયો છે. આસપાસના એકેય માહોલની કોઈ અસર હૃદય કે માનસ પર થતી નથી, કારણ કે સર્વત્ર તું જ તું છે. કોઈ આક્રોશ નથી રહેતો, કોઈ આગ્રહ નથી રહેતો, કોઈ દુરાગ્રહ નથી રહેતો. રહે છે તો બસ તું અને હું. બીજું બધું જ આપણા બેના અસ્તિત્વને, આપણા બેના પ્રેમને ટકાવી રાખવા માટે થઈ રહેલા આ જગના કણ-કણના પ્રયત્નો દેખાય છે.

આપણું હોવું એ આપણો અને આ બ્રહ્માંડ આખા માટે ઉત્સવ છે. પળેપળ હું એક નાનકડું અસ્તિત્વ એ વાતનો આનંદ મનાવી રહી છું કે હવે હું તારો હિસ્સો બની રહી છું. હું તારા વિરાટ અસ્તિત્વનો એક નાનકડો ભાગ બની રહી છું અને હું વર્ણવી નથી શકતી એનો આનંદ, એનો ઉમળકો.

મારા પ્યારા પ્રભુ, એ ભાવ વધુ ને વધુ દૃઢ થતો જાય છે કે જે કંઈ મારાથી સારું થઈ રહ્યું છે એ કરાવનારો તું છે. બાકી મારી કોઈ વિસાત નથી કંઈક પણ સારું કરવાની. મારી ત્રેવડ વધી જાય છે જ્યારે તારું અસ્તિત્વ મારો રાહબર હોય છે. મારામાં ગજબ સાહસ જન્મે છે જ્યારે તું પીઠબળ હોય છે. જોયુંને, જે છે એ તું છે તો હું શેનું ગુમાન કરું?

અત્યાર સુધી આ નિરર્થક ગુમાન સાથે ખૂબ જીવી લીધું, હવે નહીં. બસ, તું છેને બસ છે. આમ જ રહેજે હંમેશાં મારી સાથે. જાતને તારામાં વિલીન કર્યા પછી હવે મારામાં મારું કંઈ રહ્યું જ નથી. એટલે જ તો કહું છું કે તું છે ત્યાં સુધી જ હું છું...

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK