એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૧૮

‘જો પ્રણવ, આવતી કાલે તો આપણે જામીન માગવાથી શરૂઆત કરવી પડશે.’નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય

સોહમ એકદમ ગંભીરતાથી પ્રણવને સમજાવી રહ્યો હતો, પણ પ્રણવનું કોઈ વાતમાં ધ્યાન જ નહોતું. તે ક્યાંક દૂર જોઈ રહ્યો હતો. તેની નજર પણ સોહમ સામે નહોતી. સોહમે તેનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો, ‘સમજે છેને? અત્યારે જાહ્નવી ગુનેગાર છે કે નહીં એની ચર્ચામાં પડ્યા વગર આપણે તેને એક વાર લૉક-અપમાંથી બહાર લઈ આવવી છે.’ પ્રણવ જાણે ત્યાં હોય જ નહીં એમ ઊંડા વિચારમાં ગરકાવ હતો. સોહમ કહેતો રહ્યો, ‘ઘરમાં મૃત્યુ થયું છે, તેને આઘાત લાગ્યો છે અને એક ભણેલી-ગણેલી વ્યક્તિ આવી રીતે પોતાની સાસુનું ખૂન ન જ કરી શકે. બસ, એટલી જ દલીલ પર આપણે જાહ્નવીના જામીન લેવાના છે.’ સોહમ તેને સમજાવવાનો, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો; પણ સોહમને લાગ્યું કે પ્રણવ જાણે ફક્ત શરીરથી અહીં બેઠો છે, તે મનથી અહીં છે જ નહીં, ‘હલો!’ પ્રણવની દૂર જોઈ રહેલી આંખો સામે સોહમે પોતાની હથેળી હલાવી.

પ્રણવ ચોંક્યો, ‘હેં?!’ પ્રણવે સામે બેઠેલા સોહમને પૂછ્યું.

‘શું વિચારે છે?’ સોહમે પૂછતાં તો પૂછી નાખ્યું, પણ તે સમજી શકતો હતો કે પ્રણવ માત્ર જાહ્નવી વિશે જ વિચારતો હશે.

સોહમનો સવાલ સાંભળીને પ્રણવની આંખો ભરાઈ આવી, ‘શું કરતી હશે જાહ્નવી? જમી હશે કે નહીં? પેલો દર્શન...’ પ્રણવ આગળના શબ્દો ખાઈ ગયો, પણ સોહમ સમજી શક્યો કે પ્રણવ તે પોલીસ-ઇન્સ્પેક્ટરને ગાળ દેવા માગતો હતો. સોહમ કંઈ બોલ્યો નહીં. તે પ્રણવ સામે જોઈ રહ્યો. પ્રણવ બેચેનીમાં ઊભો થઈ ગયો. ખિસ્સામાં હાથ નાખીને આંટા મારવા માંડ્યો, ‘આપણે જાહ્નવીને ટિફિન આપી આવીએ, ચલ.’ પ્રણવે કહ્યું. કોઈ વિક્ષિપ્તની જેમ, મગજ ઠેકાણે ન હોય એ રીતે સોહમની રાહ જોયા વિના જ પ્રણવ ચાલવા લાગ્યો.

‘એક મિનિટ...’ સોહમે આગળ વધીને પ્રણવનો હાથ પકડી લીધો, ‘આપણે અત્યારે ત્યાં નહીં જઈ શકીએ.’

‘કેમ?’ પ્રણવની આંખોમાં કોઈ નાના બાળકની જીદ હતી, ‘એ લોકો તેનું ઇન્ટરોગેશન કરતા હોય ત્યારે જમવા તો આપશેને? તને ખબર છેને, જાહ્નવીને બહારનું નથી ભાવતું, તે કાંદા-લસણ નથી ખાતી. ભૂખી રહેશે બિચારી.’ પ્રણવે હાથ છોડાવ્યો, ‘ચાલ, આપણે જઈ આવીએ.’ તે ફરી ચાલવા લાગ્યો. સોહમ તેને જતો જોઈ રહ્યો. સોહમની આંખોમાં પાણી આવી ગયાં. તે પ્રણવનો બાળપણનો મિત્ર હતો. પ્રણવની જિંદગીમાં આવેલી આ પહેલી છોકરી હતી એ વાતની સોહમને ખબર હતી. પહેલાં ભણવામાં ને પછી ઘર સેટલ કરવામાં પ્રણવને પોતાની અંગત જિંદગી વિશે વિચારવાનો સમય જ નહોતો મળ્યો. જાહ્નવીને જોતાં જ પ્રણવ જે રીતે ઊંધેકાંધ પ્રેમમાં પડ્યો હતો એ સોહમને આજે પણ

યાદ હતું.

પ્રણવ દિલ્હી હતો એક લગ્નમાં... એ સાંજે તેણે સોહમને કહેલું, ‘યાર, જબરદસ્ત છોકરી છે.’ નિકુંજ અને સોહમ પ્રણવને વેદિયો કહેતા. એ બન્ને જણ પોતાના કૉલેજકાળ દરમ્યાન નાની-મોટી મજા કરી લેતા, પણ પ્રણવે તો આંખ ઉઠાવીને કોઈ છોકરીને જોઈ પણ નહોતી. ત્રણેય મિત્રોમાં પ્રણવ સૌથી દેખાવડો અને સૌથી ચાર્મિંગ હતો છતાં તેનું કોઈ દિવસ અફેર થયું જ નહીં, પણ જાહ્નવીને પહેલી વાર જોઈ ત્યારથી જ જાણે પ્રણવે મનોમન નક્કી કરી લીધેલું કે તે જાહ્નવી જોડે જ લગ્ન કરશે.

તે જ્યારે પહેલી વાર જાહ્નવીને મળ્યો ત્યારે તેને જાહ્નવીની દરેક વાત ગમી ગયેલી... ઘરે આવીને તે સોહમ સાથે ક્યાંય સુધી જાહ્નવી વિશે વાતો કરતો રહેલો. અંતે સોહમે તેને કહેલું, ‘છેલ્લા પોણાબે કલાકથી તું એવી છોકરી વિશે વાત કરે છે જેને મેં જોઈ નથી.’

‘યાર સોહમ!’ પ્રણવે તકિયો છાતી પાસે ભીંસીને કહેલું, ‘સારું થયું તેં ન જોઈ. બાકી, સૌથી પહેલો તું જ નડી જાત મને!’ બન્ને મિત્રો હસી પડેલા... અત્યારે પણ સોહમને એ પળ યાદ આવી. તેના ચહેરા પર સ્મિત આવી ગયું. સોહમે તો ૧૯-૨૦ વર્ષની ઉંમરે જ નક્કી કરી લીધેલું કે તે લગ્ન કરવા માગતો જ નથી. શરૂઆતમાં તેનાં માતા-પિતાને અને પરિવારના બીજા લોકોને આ ટીનેજનું ફિતૂર લાગેલું. સૌને હતું કે પચીસેક વર્ષનો થતાં સુધીમાં સોહમ લગ્ન માટે તૈયાર થઈ જશે, પણ અત્યારે પાંત્રીસ વર્ષનો થઈ ગયો હોવા છતાં સોહમ લગ્ન કર્યા વગર જ ખુશ હતો. દેખાવડો, સારું કમાતો અને વેલ-સેટલ્ડ હોવાને કારણે સોહમને બહુ માગાં આવતાં રહ્યાં. તેના મમ્મી કહેતાં, ‘એક વાર છોકરી જોઈ તો લે.’

‘પરણવું જ નથી તો શું કામ જોઉં?’ સોહમ જવાબ આપતો, ‘આ કંઈ મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ છે તે કંઈ જોવાની હોય? છોકરી છે તેનાં માબાપની... ખોટો તેનો અને મારો બેઉનો ટાઇમ બગાડું.’ પહેલાં અતિ આગ્રહ, પછી ધીમે-ધીમે સમજાવટ ને છેલ્લે બધાએે સોહમને પડતો મૂકી દીધો.

હવે સોહમનાં માતા-પિતા સહિત સૌએ સ્વીકારી લીધું હતું કે સોહમ લગ્ન નહીં કરે...

સોહમ અત્યારે પણ પ્રણવના એ દિવસોની ઘેલછા યાદ કરતો હતો ત્યારે તેને પ્રણવના લાંબા-લાંબા ફોન અને કોઈ પણ રીતે જાહ્નવીની મનાવી લેવાની વિનંતીઓ યાદ આવતાં રહ્યાં. જાહ્નવી પ્રમાણમાં ઘણી ફોકસ્ડ હતી એ દિવસોમાં. તે પ્રણવને મળતી, તેની સાથે ફોન પર વાતો કરતી; પણ તેને લગ્ન કરવાં કે નહીં એ સમજાતું નહોતું. પ્રણવને મળી એ પહેલાં જાહ્નવી બે સંબંધોમાંથી પસાર થઈ હતી. તેનાં બે એન્ગેજમેન્ટ તૂટ્યાં હતાં એટલે કદાચ ત્રીજી વાર તે ફૂંકી-ફૂંકીને છાશ પીતી હતી, જ્યારે પ્રણવ ત્રીસી વટાવ્યા પછી પહેલી વાર પ્રેમમાં પડ્યો હતો. તેનું મન, શરીર, આત્મા અને બુદ્ધિ બધું જાણે જાહ્નવીની આસપાસ ગોળ-ગોળ ફરતું હતું.

સોહમને યાદ આવ્યું કે એક વાર પ્રણવ અમદાવાદમાં વીરબાળાબહેનને કહ્યા વગર જ દિલ્હીની ફ્લાઇટ લઈને સવારે આવી ગયેલો. જાહ્નવી સાથે લંચ કરીને રાત્રે ઘરે પાછો પહોંચી ગયેલો...

સોહમને આ જાણીને આઘાત લાગેલો, ‘ગધેડા! ખાલી લંચ ખાવા આવ્યો? પ્લેનમાં? મગજ ઠેકાણે છેને?’ તેને વિશ્વાસ જ નહોતો આવતો. તેણે પૂછેલું, ‘તારી ડ્રીમગર્લને ખબર છે કે તું તેની સાથે લંચ ખાવા દિલ્હી આવેલો?’

‘ના રે.’ એ દિવસે તેણે સોહમને ફોન પર કહેલું, ‘જાહ્નવીને તો મેં ગપ્પું મારેલું કે હું દિલ્હીમાં જ છું. કામે આવ્યો છું...’

‘તું તો ગયો કામથી...’ સોહમે એ રાત્રે પ્રણવને કહેલું, ‘આ મહામાયાએ જબરો લપેટuો છે તને.’ એ દિવસથી સોહમને આ મજનૂની ચિંતા થવા લાગેલી. તેણે જાહ્નવીની પૂરી તપાસ કરાવી હતી. સોહમને ખબર પડેલી કે જાહ્નવીના બે વિવાહ તૂટી ગયા છે એટલું જ નહીં, શરણ શ્રીવાસ્તવ સાથેની તેની દોસ્તી વિશે પણ સોહમે જ પ્રણવને કહેલું. દિલ્હીના એલીટ યુવા સર્કલમાં લોકો જાહ્નવીને શરણ શ્રીવાસ્તવની બહેનપણી, મિનિસ્ટરના દીકરાની ગર્લફ્રેન્ડ તરીકે જ ઓળખતા એ વાતની સોહમને ખબર પડી હતી. એ પછી બે-ચાર પાર્ટીમાં અને એક-બે સોશ્યલ ફંક્શનમાં પણ સોહમે બરાબર તપાસ કરી હતી, જાહ્નવી આવતી પણ શરણ સાથે અને જતી પણ શરણ સાથે...

સોહમે પોતાની આસપાસનાં રાજકીય વતુર્ળોસમાં પણ શરણ શ્રીવાસ્તવ અને લીલાધર વિશે તપાસ કરાવેલી. તેને જે જવાબ મળ્યા એ પછી સોહમે ખૂબ ગંભીરતાથી પ્રણવને આ દોસ્તી, કમ રિલેશનશિપ, કમ ફ્રેન્ડશિપ, કમ લફરાં વિશે વાત કરેલી, ડરતાં-ડરતાં!

‘ખબર છે મને!’ પ્રણવે એટલી સ્વાભાવિકતાથી કહેલું કે સોહમ બેભાન થવાની તૈયારીમાં હતો, ‘એ લોકો બહુ સારાં ફ્રેન્ડ્સ છે. અફેર નથી. મને જાહ્નવીએ જ કહ્યું છે.’

અત્યારે પ્રણવ કોઈનું નહીં સાંભળે એવું સમજાઈ ગયા પછી સોહમે તેને સલાહ આપવાનું બંધ કરેલું. હવે જે થાય એની રાહ જોયા સિવાય કોઈ રસ્તો નથી એ સોહમને સમજાઈ ગયેલું.

અત્યારે પણ સોહમ આ ઘાંઘા થઈ ગયેલા પ્રણવને જોઈને એ જ મન:સ્થિતિમાં આવી ગયો.

પ્રણવ રસોડામાં જઈને વાસણો ઉપર-નીચે કરવા લાગ્યો. સુજાતા હતી નહીં એટલે પ્રણવ અને સોહમ પણ શું ખાશે એ નક્કી નહોતું... નાનક અને કબીર દિલ્હીની ફ્લાઇટ માટે નીકળી ચૂક્યા હતા. ઢળતી સાંજે પ્રણવનો આ બંગલો સામાન્ય રીતે બહુ રળિયામણો લાગતો. પિમનો આથમતો સૂરજ રસોડામાં થઈને ડ્રૉઇંગરૂમ સુધી કેસરી પ્રકાશનો પટ્ટો પાથરી દેતો. અમદાવાદની ઉનાળુ કે શિયાળુ સાંજની પ્રમાણમાં ઠંડી થઈ ગયેલી હવા સાથે કેટલીયે જાંબુડી સાંજો પ્રણવ, સોહમ અને નિકુંજે આ ઘરના ધાબે, પ્રણવના બેડરૂમની બહાર પડતી ગૅલરીમાં વિતાવી હતી. અત્યારે એ જ કેસરી પ્રકાશ અને આથમતી સાંજ એકદમ એકલવાયાં અને ભયાવહ લાગતાં હતાં. બંગલાનો ખાલી ડ્રૉઇંગરૂમ જાણે ખાવા દોડતો હતો. આખા ઘરમાં વ્યાપી ગયેલો સન્નાટો ભીતર પણ કશુંક કોરી નાખતો હતો.

પોતે આજે તો છે, પરંતુ કાલ કે પરમ દિવસે... અઠવાડિયા કે દસ દિવસ પછી જ્યારે પોતે ચાલી જશે ત્યારે પ્રણવ આ ઘરમાં કેવી રીતે રહેશે એ વિચારીને સોહમને સાચે જ પ્રણવની દયા આવી ગઈ. તે રસોડામાં ગયો. પ્રણવ ડબ્બા ખોલ-બંધ કરતો હતો. સોહમે તેને કહ્યું, ‘ચાલ, આપણે રેસ્ટોરાંમાંથી ખાવાનું

પિક-અપ કરીને જાહ્નવીને આપી આવીએ અને આપણે પણ કંઈ ખાતા આવીએ.’

‘હં!’ પ્રણવે નાના બાળકની જેમ ડોકું ધુણાવ્યું, ‘મને ભૂખ લાગી છે.’ તેણે કહ્યું, ‘તને નથી લાગી?’

‘મને પણ ભૂખ લાગી છે.’ કહેતાં-કહેતાં સોહમને ડૂમો ભરાઈ ગયો. ત્રણ મિત્રોમાં સૌથી સ્ટ્રૉન્ગ, સૌથી ફોકસ્ડ અને સૌથી શાર્પ એવો આ પ્રણવ આજે કોઈ દાધારંગા, ખસી ગયેલા મગજવાળા માણસની જેમ વર્તતો હતો એ જોઈને સોહમનું હૃદય વલોવાઈ ગયું. આવતી કાલે કોર્ટમાં પ્રણવ પોતાની જાતને સંભાળી શકશે કે નહીં એ પણ હવે સોહમને કોરી ખાતો સવાલ બની ગયો.

‘જો!’ સોહમે ફરીથી કહેવાનું શરૂ કર્યું, ‘આવતી કાલે સવારે એ લોકો કંઈ પણ કહે, તારે એક જ વાત કહેવાની...’

‘મને જાહ્નવી પર વિશ્વાસ છે.’ પ્રણવે વચ્ચે જ કહ્યું, ‘મારી જાહ્નવી કોઈનું ખૂન કરે જ નહીં.’

સોહમ સામે ઊભેલા પ્રણવની આંખોમાં જોઈ રહ્યો. સ્વચ્છ, નિર્દોષ અને આછી કથ્થાઈ ઝાંય ધરાવતી પ્રણવની આંખો પર બહારના સોેનેરી તડકાની સીધી લાઇટ આવતી હતી. એ તડકામાં તેની ત્વચા પણ સોનેરી લાગતી હતી. સોહમના મગજમાં અચાનક ઝબકારો થયો. તેણે પોતાના બન્ને હાથની હથેળીની વચ્ચે પ્રણવનો ચહેરો પકડી લીધો, ‘બસ આ જ! આ જ કહ્યા કરજે તું.’

‘એટલે? શું?’ પ્રણવે પૂછ્યું. તે સમજ્યો નહીં કે સોહમ શું કહી રહ્યો છે, ‘ક્યાં કહું?’

‘કોર્ટમાં. પબ્લિક પ્રોસિક્યુટર કંઈ પણ કહે, જજ કંઈ પણ પૂછે; તારે કૉન્સ્ટન્ટ એક જ વાત કહ્યા કરવાની. તું હમણાં જે બોલ્યો એ.’ પ્રણવ આર્યચકિત આંખે સોહમની સામે જોતો રહ્યો. સોહમે ફરી કહ્યું, ‘તારી પત્નીમાં તારો વિશ્વાસ અને તમારા સંબંધની શ્રદ્ધા એ આપણું વિનિંગ કાર્ડ છે. તું આ જ કહેતો રહેજે...’ તેણે પ્રણવનો ચહેરો છોડી દીધો, પણ તેની આંખોમાં જોઈને ઉમેર્યું, ‘કહેજે કે જાહ્નવીમાં તને પૂરી શ્રદ્ધા છે. કોઈ કંઈ પણ માને, તું જે માને છે એ જ તને જિતાડશે.’ તેણે પોતાના ડાબા હાથની હથેળીમાં જમણા હાથનો મુક્કો માર્યો, ‘યસ! આપણો કાળીનો એક્કો એ જ છે કે તને જાહ્નવી પર વિશ્વાસ છે.’

એ પછી આખી સાંજ બેસીને સોહમ બીજા દિવસે કોર્ટમાં હાજર થવા માટે તૈયારી કરતો રહ્યો...

‘આ અટકમાં લીધાનું ફૉર્મ છે.’ દર્શન પટેલે ટેબલ પર ફૉર્મ મૂક્યું, ‘ફૉર્મ વાંચી જાઓ, ભરી દો અને આજની તારીખ નાખીને સહી કરો.’ તેણે જાહ્નવીને કહ્યું. જાહ્નવી તેની સામે જોઈ રહી. દર્શને કહ્યું, ‘સ્લેટ લઈને તમારા ફોટા પાડવા પડશે. આરોપી તરીકે જાણવાજોગ અને કાચી નોંધ લખાઈ ચૂકી છે.’ તેણે ફૉર્મ પર હથેળી પછાડી, ‘પોલીસ ચોપડે તો ચડી જ ગયાં મૅડમ.’

‘તો?’ જાહ્નવીએ સહજતાથી પૂછ્યું.

‘તો શું?’ દર્શન પટેલે કહ્યું, ‘કાલે કોર્ટમાંથી રિમાન્ડ મળે એટલી વાર છે. અઠવાડિયાની અંદર-અંદર ચાર્જશીટ તૈયાર કરી નાખીશ હું.’ કહીને તેણે સ્મિત કર્યું, ‘હવે તમને ભગવાન પણ નહીં બચાવી શકે.’

‘ભગવાનની જરૂર જ નથી મારે.’ જાહ્નવીની આંખોમાં આ બધું સાંભળ્યા પછી પણ અજબ જેવી શ્રદ્ધા હતી, ‘મને પ્રણવ જ બચાવશે.’

‘તમે તમારા બૉયફ્રેન્ડ સાથે તેના જ ઘરમાં, તેના જ બેડરૂમમાં...’ દર્શન આગળના શબ્દો ગળી ગયો, પણ તેની આંખોમાં જાહ્નવીને ઘૃણાની એક નાનકડી લકીર દેખાઈ. તે સમજી શકી કે દર્શન શું કહેવા માગતો હતો, ‘એ પછી પણ બચાવશે એવું માનો છો તમે? ફની!’ દર્શને ખભા ઉલાળ્યા.

‘તમે જે સમજતા જ નથી એ વિશે તમારી સાથે વાત કરવાનો કોઈ અર્થ જ નથી.’ જાહ્નવીએ કહ્યું, ‘અહીં સવાલ તેની માના ખૂનનો છે. મારા અને શરણના સંબંધનો નથી.’

‘પણ એ સંબંધ સાથે ખૂનને સંબંધ છે.’ દર્શને કહ્યું.

‘નથી.’ જાહ્નવીએ કહ્યું. આગળ વાત ન કરવા માગતી હોય એમ તે નીચું જોઈને ચૂપચાપ ફૉર્મ ભરવા લાગી. દર્શન થોડી મિનિટો ત્યાં ઊભો રહ્યો. પછી પોતાની કૅબિનનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો.

તેણે બહાર નીકળીને આળસ મરડી. બન્ને હાથ પહોળા કરીને શરીરને ઝટકોર્યું. તેના હિસાબે કેસ પતી ગયો હતો. આવતી કાલે સવારે કોર્ટમાં જરૂરી પુરાવા રજૂ કરીને રિમાન્ડ મળી જાય એટલે શરણ અને જાહ્નવીને ઠેકાણે પાડી દેવાનું તેને ઝનૂન ચડી આવ્યું હતું. તે આળસ મરડતો હતો ત્યાં તેના ખિસ્સામાં પડેલા સેલફોનની રિંગ વાગી. તેણે ફોન ઉપાડ્યો, રઘુવીર ઝાલાનો ફોન હતો. દર્શને એકદમ ઉત્સાહપૂર્વક કહ્યું, ‘સાહેબ, ક્રિસ્ટલ ક્લિયર કેસ છે.’ તેણે કહ્યું, ‘આપણને લાગ્યું હતું એ સાચું જ છે. પેલો શ્રીવાસ્તવ તેની સાથે બેડરૂમમાં હતો. સૂતાં હતાં બે જણ...’

‘તને કોણે કહ્યું?’ રઘુવીર ઝાલાએ પૂછ્યું.

‘દર્શન પટેલ ઇન્ટરોગેશન કરે એટલે ભલભલા બોલવા માંડે સાહેબ... જાહ્નવી મજીઠિયા પણ ગુટરગૂં કરવા લાગી છે. તેણે પોતે જ સ્વીકાર્યું.’ દર્શને પોરસાઈને કહ્યું, ‘થોડી મિનિટોમાં તો આખી વિગત બહાર આવી જશે. પછી પેલા હરામખોરને પણ જરા ઠમઠોરીશ એટલે તે પણ ઓકવા માંડશે.’

‘તેને હમણાં હાથ નહીં લગાડતો.’ રઘુવીરે કહ્યું, ‘માર્યો તો નથીને તેં?’ તેણે ચિંતાતુર અવાજે પૂછ્યું.

‘હજી તો નથી માર્યો.’ દર્શને કહ્યું, ‘કાલે એક વાર રિમાન્ડ મળે એટલે પછી...’

‘અડતો નહીં તેને.’ રઘુવીર ઝાલાએ કડક અવાજે ચેતવણીની જેમ કહ્યું, ‘શરણ તારા પોલીસ-સ્ટેશનમાં બેઠો છે એ વાત છેક PMની ઑફિસ સુધી પહોંચી ગઈ છે. હોમ મિનિસ્ટરનો ફોન હતો મારા પર.’ રઘુવીરે ઊંડો શ્વાસ લીધો.

‘શું કહે છે ગૃહપ્રધાન?’ રઘુવીરની વાત સાંભળ્યા પછી પણ દર્શનના અવાજમાં કે વાતમાં કોઈ ફેર પડ્યો નહીં, ‘તેમને તો ક્લિયોપેટ્રાએ તતડાવ્યા હશે!’ તે હળવું હસ્યો.

‘શટ્ અપ.’ રઘુવીરે કહ્યું, પછી ઉમેર્યું, ‘કડક સૂચના છે કે શરણને જવા દેવો. આવતી કાલે બને તો કોર્ટમાં શરણનો ઉલ્લેખ ન કરવો.’ સહેજ અટકીને તેણે કહ્યું, ‘આ કેસ સાથે શરણ શ્રીવાસ્તવને કોઈ પણ રીતે જોડવો નહીં એ કહેવા જ મેં તને ફોન કર્યો છે.’

‘આવું કોઈ વચન હું આપી શકું એમ નથી.’ દર્શન પટેલ માથાનો ફરેલો માણસ હતો એની રઘુવીરને ખબર હતી, પણ દર્શન આવી રીતે પોતાને પણ ચોખ્ખી ના પાડી દેશે એવી રઘુવીરને કલ્પના નહોતી.

‘તું સમજતો નથી... આમાં તારે કોઈ વચન નથી આપવાનું, માત્ર સૂચનાનું પાલન કરવાનું છે.’ રઘુવીરે કહ્યું, ‘હોમ મિનિસ્ટરની ઇન્સ્ક્ટ્રક્શન છે.’ રઘુવીર સહેજ અટક્યો, પછી તેણે ઉમેર્યું, ‘ને તેમને તેજસ્વિની કૌલની સૂચના છે... છેક ઉપરથી!’ તેણે કહ્યું, ‘હાઈ કમાન્ડને વચન ન આપવાનું હોય, એ કહે એ સાંભળવાનું હોય.’

‘તો સાંભળ્યુંને મેં?’ દર્શને કહ્યું, ‘સાંભળી તો લીધું...’ તે હસ્યો, ‘પોલીસની નોકરી મેં એટલા માટે નથી લીધી કે હાઈ કમાન્ડની સૂચનાઓ પ્રમાણે આરોપીઓને પકડતો ને છોડતો રહું.’ દર્શનના અવાજમાં ધાર નીકળી આવી, ‘ઇફ શરણ ઇઝ ગિલ્ટી, શરણ વિલ બી બિહાઇન્ડ ધ બાર્સ.’ તે આગળ કંઈ બોલ્યો નહીં, પણ રઘુવીરને તેનો જવાબ તીરની જેમ ખૂંચી ગયો.

‘ગિલ્ટી ઓર નો ગિલ્ટી...’ રઘુવીરે કહ્યું, ‘ PMની ઇન્સ્ટ્રક્શન છે કે પાર્ટીની ઇમેજને છાંટો ઊડે એવું ન થવું જોઈએ.’

‘પાર્ટી?’ દર્શન ખડખડાટ હસ્યો, ‘પાર્ટીમાં એક માણસ તો એવો બતાવો કે જેનો ક્રિમિનલ રેકૉર્ડ ન હોય...’ રઘુવીર કંઈ બોલવા જાય એ પહેલાં જ દર્શને કહ્યું, ‘જેટલાં ધોળાં કપડાં પહેરે છેને એટલાં જ કાળાં કામ કરે છે આ બધા. કહી દેજો તેજસ્વિનીને...’

‘શટ અપ.’ રઘુવીરે વચ્ચે જ કહ્યું. હવે તે સહેજ અકળાયો હતો, ‘લુક દર્શન, તને તારી નોકરી વહાલી છે કે નહીં એ મને ખબર નથી, પણ મારે ઍકૅડેમીમાં કે ટ્રાફિકમાં પોસ્ટિંગ નથી જોઈતું...’ તે ચૂપ થઈ ગયો, પણ તેણે મનોમન ગાંઠ વાળી લીધી કે દર્શનનો આ જવાબ તે હોમ મિનિસ્ટર સુધી પહોંચાડ્યા વગર નહીં રહે, ‘આઇ ઍમ યૉર સિનિયર. હું કહું એમ કર. મારે દલીલ નથી જોઈતી.’

‘યસ સર.’ દર્શને એકદમ ડિસિપ્લિન્ડ અવાજમાં કહ્યું, ‘મને તમારી સૂચના લેખિતમાં મોકલી આપજો, તમે જે કહેશો એ થઈ જશે.’

રઘુવીરસિંહ ઝાલા સહેજ ઝંખવાઈ ગયો, ‘રબિશ, આવી સૂચનાઓ લેખિતમાં નથી હોતી. ખબર નથી તને?’

‘તો પછી આવી સૂચનાઓનું પાલન ન પણ થાય એની તમને પણ ખબર હોવી જ જોઈએ.’

‘તને શું આટલો બધો પ્રૉબ્લેમ છે?’ રઘુવીરસિંહ ઝાલાનો અવાજ ઊંચો થઈ ગયો, ‘સત્તરસો લોકો ગુના કરીને છટકી જાય છે... એક શરણ શ્રીવાસ્તવ કે જાહ્નવી મજીઠિયા છૂટી જશે તો શું ફરક પડશે?’ તેણે પૂછ્યું.

‘સવાલ જાહ્નવી મજીઠિયા કે શરણ શ્રીવાસ્તવનો નથી...’ કહીને તેણે નીચે લીટી દોરતો હોય એમ ઉમેર્યું, ‘સર...’ એક ક્ષણ ચુપ રહીને તેણે ઉમેર્યું, ‘સવાલ મારી પ્રામાણિકતાનો છે, આ યુનિફૉર્મનો છે ને સૌથી વધારે... સ્વમાનનો છે. પોલીસ-ડિપાર્ટમેન્ટ PM કે ગૃહપ્રધાનની ઇચ્છા પ્રમાણે ન ચાલે, આ દેશના કાયદા પ્રમાણે ચાલે...’ કહીને તેણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. રઘુવીર ઝાલા જબરદસ્ત અકળાયો.

બીજી તરફ દર્શન પણ મનોમન એટલો ધૂંધવાયો કે શરણ શ્રીવાસ્તવને જે રૂમમાં બેસાડ્યો હતો એ રૂમના દરવાજાને લાત મારીને દાખલ થયો, ‘તારો બાપ શું સમજે છે એની જાતને?’ તેણે દાખલ થતાંની સાથે પૂછ્યું.

‘તે શું સમજે છે એ મને નથી ખબર...’ શરણ હસ્યો, ‘પણ છે એક નંબરનો બેવકૂફ.’ તેણે કહ્યુંં, પછી ઊભો થયો. દર્શનની નજીક જઈને તેણે દર્શનના ખભે હાથ મૂક્યો, ‘કોઈ કંઈ પણ કહે, તમે તમારી ડ્યુટી કરજો. મારા બાપને તેની સત્તાની ફિકર છે એટલે તે બધું કરી છૂટશે.’

‘આ તમે કહો છો?’ દર્શન જે ધૂંધવાટ અને ગુસ્સામાં દાખલ થયેલો એ બન્ને શરણનો જવાબ સાંભળીને સાવ તળિયે બેસી ગયાં. તેને નવાઈ લાગી, ‘તમારા ફાધર તમને બચાવવાની વાત કરે છે. કોઈ પણ સવાલ-જવાબ કર્યા વગર તમને જવા દેવા એવી સૂચના છે મને.’

‘પણ મારે નથી જવું.’ શરણ ફરી આરામથી ખુરસી પર બેસી ગયો, ‘મૈં ગલત નહીં હૂં ફિર ક્યોં ભાગદૌડ કરું?’ તેણે કહ્યું, પછી બન્ને હાથ છાતી પર આરામથી અદબમાં ગોઠવીને તેણે કહ્યું, ‘મૈં બેઠા હૂં ઇત્મિનાન સે...’

‘મને એક વાતનો જવાબ આપો.’ હવે દર્શનનું કુતૂહલ સળવળી ઊઠuું, ‘એ રાત્રે તમારી અને જાહ્નવી વચ્ચે જે કંઈ થયું...’ તેણે પૂછી જ નાખ્યું, ‘જે કંઈ...’ કહીને તે સહેજ અટક્યો, તેણે શરણની આંખોમાં જોયું. કોઈ અપરાધનો ભાવ નહોતો. એટલું જ નહીં, દર્શન તેમની વચ્ચે એ રાત્રે થયેલી નિકટતાની વાત જાણ છે એ સાંભળી લીધા પછી પણ શરણ ચોંક્યો નહીં કે ડર્યો પણ નહીં. દર્શને આ બધું નોંધીને પૂછ્યું, ‘તમે તેની સાથે પથારીમાં હતા એ સમય અને વીરબાળાબહેનના ખૂનના સમય વચ્ચે ઝાઝું અંતર નથી એ જાણ્યા પછી પોલીસ તમને સીધા ગુનેગાર તરીકે સંડોવી દેશે એવું સમજો છો, એ પછી પણ તમને ડર નથી લાગતો?’

‘લુક!’ શરણે એમ જ અદબ વાળેલી રાખી, ‘અમારી વચ્ચે એ પહેલી વાર નથી થયું. જાહ્નવી અને મારી વચ્ચે ઘણાં વર્ષો સુધી શારીરિક સંબંધો હતા.’ શરણ સહેજ અટક્યો, ‘તેનાં લગ્ન થયાં એ પછી અમે બન્ને એકાંતમાં મળવાનું ટાળતાં રહ્યાં.’ શરણે કહ્યું, ‘અમારી વચ્ચે આકર્ષણ ઘટ્યું નહોતું... બસ, રાખ નીચે દબાયેલા અગ્નિને હવા ન મળે એવો પ્રયત્ન કરતાં હતાં અમે બન્ને જણ.’ તેની આંખો તરલ થઈ ગઈ, ‘ઉસ દિન પતા નહીં ક્યા હો ગયા? જાહ્નવીએ પહેલ કરી ને હું મારી જાતને રોકી ન શક્યો...’ તેણે અદબ છોડીને ખભા ઉલાળ્યા, ‘ઇટ હૅપન્ડ.’ સહેજ અટકીને તેણે ઉમેર્યું, ‘બધું અકસ્માત એક પછી એક બન્યું અને એકબીજા સાથે જોડાઈ ગયું, પણ સાચું કહું તો એ દિવસે રાત્રે ન થયું હોત તો પછી ક્યારેય પણ થયું જ હોત. જાહ્નવી મારાથી અને હું જાહ્નવીથી દૂર રહી શકીએ એમ નથી.’ કહીને શરણ ચૂપ થઈ ગયો.

‘પણ પરણ્યા કેમ નહીં તમે બે જણ?’ દર્શને સહેજ અકળામણમાં પૂછ્યું.

‘એ વિશે આપણે વાત નહીં કરીએ.’ શરણે કહ્યું, ‘પર્સનલ કારણો છે.’

‘ઓ મિસ્ટર!’ દર્શને જરા જોરથી કહ્યું, ‘હવે કશું પર્સનલ નહીં રહે. બધું ખૂલીને બજારમાં આવશે. ધજાગરા થશે, લીરેલીરા ઊડી જશે દરેક વાતના. બેટર એ છે કે મને સાચેસાચી વાત કહી દો બન્ને જણ. આમ ટુકડે-ટુકડે જિગ્સૉ જોડવાનો મનેય કંટાળો આવે છે. બંધબેસતા ટુકડા ગોઠવવા માંડીશને હું મારી જાતે...’ તેણે કહ્યું, ‘તો તમારી જનમટીપ પાકી કરાવી દઈશ.’

‘જનમટીપ તો પાકી જ છે મારી.’ શરણે કહ્યું, ‘જાહ્નવી વિનાની જિંદગી એ જનમટીપથી ઓછી નથી. તમે એનાથી વધારે સજા નહીં કરાવી શકો મને.’ કહીને તેણે ઉમેર્યું, ‘શું જાણવું છે તમારે? અમે કેમ ન પરણ્યા એનું કારણ?’ તે ઊભો થયો. દર્શનની નજીક આવ્યો. પછી કહ્યું, ‘મારા બાપે ધમકી આપી હતી. જાહ્નવીના આખા ખાનદાનને બરબાદ કરી નાખત તે માણસ...’ શરણે ઊંડો નિ:શ્વાસ નાખ્યો, ‘જાહ્નવીના ભાઈને સરકારી કૉન્ટ્રૅક્ટ બદલ જેલમાં નાખત... તેના બાપને ઍક્સિડન્ટમાં ઉડાડત ને...’ તેણે દર્શનની આંખમાં જોયું, ‘મારો પ્રેમ એટલો સ્વાર્થી નથી કે જાહ્નવીને પરણવા માટે થઈને હું આખા પરિવારને...’

‘પણ એવું શું કામ કરે તમારા ફાધર?’ દર્શને પૂછ્યું.

‘કારણ કે તે મારાં લગ્ન તેજસ્વિની કૌલની દીકરી સાથે કરવા માગે છે. PMની દીકરી... યુ નો વૉટ આઇ મીન?’ કહીને તે હસ્યો, ‘હાઈ કમાન્ડની દીકરીને ના પાડી મેં!’ તેના હાસ્યમાં કડવાશની છાલક હતી, ‘આ જાહ્નવીને ખાતર... તમને શું લાગે છે? લીલાધર શ્રીવાસ્તવ છોડે કોઈને?’

‘અને જાહ્નવી...’ દર્શને તરત જિગ્સૉનો ટુકડો જોડ્યો, ‘પ્રણવ સાથે એટલા માટે પરણી ગઈ...’

‘... કારણ કે તેણે લગ્ન કરીને દિલ્હી છોડી દેવું એવું મારા બાપનું ફરમાન હતું.’ શરણે ડોકું ધુણાવીને કહ્યું, ‘યુ આર રાઇટ.’

દર્શન ડઘાઈ ગયો. તે આગળ કશું બોલી ન શક્યો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK