મળીએ રિયલ પૅડમૅનને

અક્ષયકુમારની ફિલ્મ ‘પૅડમૅન’ના ઓરિજિનલ પૅડમૅન પદ્મશ્રી અરુણાચલમ મુરુગનંથમનું નામ ‘ટાઇમ’ મૅગેઝિનના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં આવ્યું એ પછી ભારતીય મીડિયાથી લઈને તમામ અગ્રણી સંસ્થાઓનું તેમના તરફ ધ્યાન ગયું.

padman1


રુચિતા શાહ

દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ વાત બીજા કોઈ પુરુષોના જીવનમાં સાચી હોય કે ન હોય, પણ ‘પૅડમૅન’ ફિલ્મના જીવતા જાગતા પ્રેરણાસ્રોત અરુણાચલમ મુરુગનંથમની બાબતમાં આ વાત એકસો ને એક ટકા સાચી છે. હવે તો તે એવા સોશ્યલ ઑન્ટ્રપ્રનર બની ગયા છે જેણે સૅનિટરી પૅડ્સ બનાવવાનું એક સસ્તું મશીન બનાવીને દેશભરમાં

પૅડ-ક્રાન્તિ કરી છે. તામિલનાડુના કોઇમ્બતુરના અરુણાચલમ મુરુગનંથમને તેમના નજીકના લોકો મુરુગન કહીને બોલાવે છે. આ એ વ્યક્તિ છે જેણે કરોડોના ખર્ચે બનતા સૅનિટરી નૅપ્કિન્સનું મશીન માત્ર બે લાખ રૂપિયાની લાગતે બનાવ્યું છે. બજારમાં જે કંપનીઓ એક પૅડના સરેરાશ સાત રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયા સુધીનો ચાર્જ લે છે એવાં પૅડ આ પૅડમૅને માત્ર બે રૂપિયામાં ઉપલબ્ધ કરી દીધાં છે એટલું જ નહીં, મહિલાઓ જ મહિલાઓ માટે આ કાર્ય કરીને એમાંથી થોડીક આવક પણ રળી શકે એવું પ્લૅટફૉર્મ મુરુગને ઊભું કરી દીધું છે. દેશભરમાં લગભગ ૫૦૦૦ જેટલાં મશીનો તેણે પહોંચાડ્યાં છે, જેમાંથી લગભગ ચાર કરોડ મહિલાઓને રોજગાર પૂરો પાડ્યો છે. આ અનૂઠી ઉપલબ્ધિ બદલ મુરુગનને ૨૦૦૬માં ‘બેસ્ટ ઇનોવેશન ફૉર ધ બેટરમેન્ટ ઑફ ધ સોસાયટી’નો પુરસ્કાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, ચેન્નઈ તરફથી મળ્યો. સમાજોપયોગી શોધ બદલ મુરુગનને રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી પણ મળી ચૂક્યો છે. ૨૦૧૪માં ‘ટાઇમ’ મૅગેઝિનના ‘૧૦૦ મોસ્ટ ઇન્ફ્લુઅન્શલ પીપલ’ના લિસ્ટમાં પણ મુરુગનનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. એક સામાન્ય ઘરનો અને પિતાના નિધન પછી નવમા ધોરણમાં જ ભણવાનું છોડી દેનારો માણસ આ સ્તર સુધી કેમ કરી પહોંચ્યો અને તેમના પર ફિલ્મ બનવા સુધીની યાત્રા કઈ રીતે શરૂ થઈ એ વાતો રૂંવાડાં ઊભાં કરી દે એટલી રોમાંચક અને રસપ્રદ છે.

ભારતમાં જ નહીં, પણ વિશ્વભરમાં સ્ત્રીઓના માસિક ચક્રને અળખામણી નજરે જોવામાં આવ્યું છે. એટલે સ્વાભાવિક રીતે જ એના વિશે વાત કરવાનું બને જ નહીં. સ્ત્રીઓએ ભોગવવી પડતી મહિનાના ત્રણથી સાત દિવસની ઋતુચક્રની વર્જિત, પ્રતિબંધિત, શાપિત એવી પરંપરાને પડદા પાછળ રાખવાનું સૌથી મોટું દુષ્પરિણામ એ આવ્યું કે એ દિવસોમાં તેમના હાઇજીન વિશે પણ ખાસ કોઈ વાત થઈ શકી નહીં. આ દિવસોમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા જેવો વિચાર કરવાનો કોઈ અવકાશ જ ન રહ્યો; જેને કારણે ભારતની લગભગ ૯૫ ટકા મહિલાઓ માસિકના દિવસો દરમ્યાન કપડું, ઘાસ, સમાચારપત્રો, માટી, રાખ, સૂકાં પાંદડાં જેવી વસ્તુઓનો ઉપયોગ કરતી. આ વાત મુરુગનના ધ્યાનમાં છેક ૧૯૯૮માં આવી જ્યારે તેનાં લગ્ન થયા પછી પહેલી વાર પત્નીના માસિકચક્ર દરમ્યાન તેણે કંઈ ઑબ્ઝર્વ કર્યું. એક ઇન્ટરવ્યુમાં મુરુગન કહે છે, ‘મારી પત્ની એક ગંદું કપડું લઈને રૂમમાંથી પસાર થઈ ગઈ. મેં તેને શું લઈ જાય છે એવું પૂછ્યું ત્યારે જાણે કોઈ બહુ મોટો ગુનો કરી દીધો હોય એટલી તે અકળાયેલી હતી. કપડું મેં જોયું હતું અને એટલું ગંદું હતું કે એનાથી હું મારું સ્કૂટર પણ સાફ ન કરું.’

આ ઘટના મુરુગનની લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ હતી. આ ખબર પડ્યા પછી લગભગ ૧૬ કિલોમીટર ટ્રાવેલ કરીને ગામડાથી થોડે દૂર આવેલા મેડિકલ સ્ટોરમાં જઈને મુરુગને સૅનિટરી પૅડનું પૅકેટ ખરીદ્યું. તે કહે છે, ‘મને મેડિકલ શૉપવાળો પૂછે કે કઈ બ્રૅન્ડ જોઈએ છે તો મને પાછો આંચકો લાગ્યો. મને તો બ્રૅન્ડ વિશે કંઈ જ ખબર નહોતી. સૌથી ઉપર અને આકર્ષક કાગળમાં હતું એ પૅકેટ મેં લઈ લીધું. જોકે એ પૅકેટ પણ તેણે એટલી ચોરીછૂપીથી આપ્યું કે હું પોતે અંદરથી ગિલ્ટ ફીલ કરી રહ્યો હતો કે જાણે મેં બહુ મોટું પાપ કરી લીધું છે એ ખરીદીને. છાપામાં વીંટાળીને એકદમ છૂપી રીતે તેણે મને પૅકેટ પકડાવ્યું. ત્યાંથી ફરી સાઇકલ લઈને ૧૫ કિલોમીટરનું અંતર કાપીને મારા ઘરે પહોંચ્યો. નવાં-નવાં લગ્ન થયાં હતાં એટલે પત્નીને રીઝવવા માટે હું ઘણા અખતરા કરતો હતો. ક્યારેક તેની આંખ બંધ કરીને ખોટી વીંટી તો ક્યારેક ગુલાબનું ફૂલ આપીને તેને ખુશ કરી લેતો. આ વખતે પણ તેને આ પૅડનું પૅકેટ આપતી વખતે આવો જ ખેલ કર્યો. તેની આંખો બંધ કરી અને તેને ગિફ્ટ આપી. પત્નીને હું આવું કંઈ આપીશ એની કલ્પના પણ નહોતી. મેં તેને કહ્યું કે હવેથી તું તારા એ ત્રણ દિવસ દરમ્યાન આ વાપરજે. તો તે છણકો કરીને બોલી, તમને શું એમ છે કે મને પૅડ વિશે નથી ખબર? હું પણ ટીવી જોઉં છું, પણ આપણા પરિવારની બધી જ મહિલાઓ જો પૅડનો ઉપયોગ કરશે તો ઘરમાં દૂધનું બજેટ કાપવુંં પડશે અને મને ઝટકો લાગ્યો.’

મુરુગનમાંથી પૅડમૅન બનવાની યાત્રાનો આરંભ પણ અહીંથી જ થયો. તેણે જિંદગીમાં પહેલી વાર સૅનિટરી નૅપ્કિન હાથમાં લીધું અને એને અંદરથી ખોલીને જોયું. ૧૦ ગ્રામ કરતાં પણ ઓછા ગ્રામનું આટલું રૂ આ લોકો છ રૂપિયામાં શું કામ વેચે છે? આવું તો હું પણ બનાવી શકું છું એમ વિચારીને તેણે પ્રયોગો શરૂ કર્યા, જેમાં તેણે પોતાના પરિવારથી પણ હાથ ધોવો પડ્યો. એ દાસ્તાન વિશે તે કહે છે, ‘પહેલી નજરે પૅડ બનાવવાનું મને ખૂબ સરળ લાગ્યું. મારા પિતાજી કાપડ વણવાનું કામ જ કરતા હતા. એટલે રૂને એક સાઇઝમાં કઈ રીતે લાવવું એની મને ખબર પડતી હતી. મેં એ બનાવીને મારી પત્નીને આપ્યું. લગભગ બટાટા જેવો એ રૂના દડાનો આકાર હતો. મારી પત્ની સહેજ હરખાઈ અને સહેજ અકળાઈ. જોકે હવે મારે તેનો અભિપ્રાય જાણવા માટે બીજો એક મહિનો રાહ જોવાની હતી. મારી ખાતર એક વાર તેણે એનો ઉપયોગ કર્યો અને બે જ કલાકમાં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે આના કરતાં મારું મેલું કપડું હજારગણું સારું છે. ફરી ક્યારેય મારી સાથે આવા અખતરા કરવા નહીં. મને નવાઈ લાગી કે શું થયું આમાં. મેં ફરી વાર પ્રયત્ન કર્યો અને આ વખતે મારી બહેનને પૂછ્યું. તે પણ મને મારવા દોડી. તેમણે તો મારી માતાને કહી દીધેલું કે અન્નાને અમારા ઘરે નહીં આવવા દેતા.’

મહિલા સિવાય મુરુગનની પ્રોડક્ટનો રિવ્યુ કોઈ આપી શકે એવું નહોતું. ઘરની સ્ત્રીઓએ તો તેને જાકારો આપી દીધો હતો. બીજા કોઈને કહેવાય એવું નહોતું. એ દરમ્યાન મેડિકલ કૉલેજની કન્યાઓને પોતાની પ્રોડક્ટ આપીને એના રિવ્યુ વિશે મુરુગને રિક્વેસ્ટ કરી. એનો રસપ્રદ કિસ્સો વર્ણવતાં મુરુગન કહે છે, ‘કૉલેજની છોકરીઓ પાસે જઈને તેમના પિરિયડ્સ વિશે વાત કરવી અને એમાંય તેમના હાથમાં સૅનિટરી નૅપ્કિન પકડાવીને એનો ઉપયોગ કરવા સૂચવવું એ બહુ મોટું સાહસ હતું. મને મનમાં ડર તો હતો જ કે ક્યાંક લાફો ન પડે. કૉલેજ-સ્ટુડન્ટ માટેય આવું કામ તો જોખમી ગણાય. એમાં હું તો એક વેલ્ડિંગનું કામ કરનારો સામાન્ય માણસ હતો. જોકે મેડિકલની વિદ્યાર્થીઓ હોવાને કારણે તેઓ મારું કારણ સમજી ગઈ. એ પછીયે એ વિશે બોલવામાં તેમને મારી સાથે સંકોચ થતો હતો એટલે મેં વચ્ચેનો રસ્તો કાઢીને તેમને એક ફીડબૅક ફૉર્મ આપી દીધું. દરેક યુવતીને વિનંતી કરી કે તમારા એ દિવસોમાં આ વસ્તુનો ઉપયોગ કરીને તમારો પ્રતિભાવ લખી આપજો. મારી પાસે એના માટે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નહોતો. એક જ મહિલાના રિવ્યુ પર નિર્ભર રહું તો-તો દસ વર્ષે પણ કોઈ ખાસ પરિણામ નહીં મળે, કારણ કે આ તો દર મહિને થતી પ્રોસેસ છે. એક નિષ્ફળતા પછી નવી પ્રોડક્ટ સાથે ફરી મહિનો તો રાહ ન જોઈ શકાયને. જોકે આ ફીડબૅક ફૉર્મ ભરવામાં પણ મેડિકલ સ્ટુડન્ટની વિદ્યાર્થિનીઓને અકળામણ થતી હોય એમ મારી આંખ સામે એક જ છોકરી જલદી-જલદી બધાનાં ફૉર્મ ભરી રહી હતી.’

જોકે આ ગાંડપણથી ત્રાસીને મુરુગનની પત્ની તેમને છોડીને ચાલી ગઈ હતી. એટલે સુધી કે તેણે છૂટાછેડાના કાગળ પણ મોકલી આપ્યા હતા. બીજી બાજુ મેડિકલ કૉલેજની વિદ્યાર્થિનીઓના રવૈયાથી પણ મુરુગન માટે પ્રામાણિક પ્રતિભાવ આપી શકે એવો છેલ્લો દરવાજો પણ બંધ થઈ ગયો. હવે શું કરવું એના વિચાર વચ્ચે મુરુગને એક આઇડિયા અજમાવ્યો. એ વિશે તે કહે છે, ‘મેં રબ્બરના ફુટબૉલથી એક કૃત્રિમ ગર્ભાશય બનાવ્યું અને એમાં બકરીનું લોહી ભર્યું. એની સાથે એક પાઇપ રાખી; જેનાથી હું બેસું, ઊઠું, સાઇકલ ચલાવું એટલે લોહી બહાર ફેંકાય. મેં નક્કી કર્યું કે હું જ મારી પ્રોડક્ટનો રિવ્યુઅર બનીશ. એ મુજબ પોતાના આંતરવસ્ત્રોમાં પણ ફેરફાર કરીને એમાં સૅનિટરી પૅડ લગાવીને આ પ્રયોગ કર્યો. લગભગ ત્રણ અઠવાડિયાં સુધી હું આ જ રીતે રહ્યો. એક જ દિવસમાં મને મહિલાઓ આ દિવસ દરમ્યાન કેવા દોજખમાંથી પસાર થાય છે એની ખબર પડી ગઈ. લોહીમાં ક્લૉટિંગ ન થાય એટલે એમાં મેં કેટલાંક કેમિકલ મિક્સ કર્યાં હતાં, પરંતુ એની બદબૂ હું છુપાવી નહોતો શક્યો. આ પહેરીને હું જ્યાં પણ જતો ત્યાં લોકો મારાથી દૂર ભાગતા. મારા આ પ્રયોગને કારણે ઘણા લોકોએ મને વિકૃત કહ્યો તો ઘણાએ મારું ચસકી ગયું છે એવું ધારી લીધું હતું.’

જોકે આ પ્રયોગ પણ ફેલ જ થયો. મુરુગનને સમજાયું નહીં કે બન્નેમાં કૉટન હોવા છતા તેના બનાવેલા પૅડથી લોહી ઍબ્સૉર્બ કેમ નથી થતું. હવે શું કરુંના વિચાર ચાલતા હતા ત્યાં જ તેને એક વધુ ખતરનાક વિચાર આવ્યો, જેના અમલ પછી તો તેની પત્નીની જેમ તેની માતાએ પણ તેની સાથે રહેવાનું બંધ કરી દીધું. મુરુગન કહે છે, ‘મને થયું કે યુઝ કરેલાં સૅનિટરી પૅડ્સ જો મળે તો જ એમાં વપરાયેલી ટેક્નૉલૉજીનો ફોડ પાડી શકાય. પત્ની કે બહેન તો આમાં મદદ કરવાના નહોતાં. કૉલેજની છોકરીઓ પાસે વપરાયેલાં પૅડની ડિમાન્ડ કરવી એ બહુ મોટું જોખમ હતું. ક્યાંક હું તેમને વશ કરવા માટે કોઈ કાળો જાદુ તો નથી કરી રહ્યોને એવી શંકા ગામના લોકો કરે એ શક્ય હતું. છેલ્લે કચરામાંથી મેં વપરાયેલાં સૅનિટરી નૅપ્કિન શોધીને ભેગાં કર્યાં. એની એક-એક પરત ખોલીને એમાં કઈ ટેક્નૉલૉજી વપરાઈ છે એ સમજવાની કોશિશ કરતો હતો. એક વાર હું અમારા મકાનના પાછળના ભાગમાં આ બધાં જ પૅડ લઈને બેઠો હતો અને મારી મા ર્તીથયાત્રા પરથી આવી. તેમને પહેલાં તો થયું કે આ ચિકન છે, પણ જ્યારે મેં હકીકત કહી તો તેમનો અવાજ ચિરાઈ જાય એ હદે તેમણે રાડ પાડી. તેમની અકળામણ એ હદની હતી કે તેમણે એક મિનિટ પણ મારી સાથે નહીં રહે એમ કહીને ત્યારે ને ત્યારે ઘરેથી નીકળી ગયાં. હવે હું, મારું રિસર્ચ અને ઘરની જવાબદારી હતી. જાતે જમવાનું બનાવું અને સમય મળે ત્યારે રિસર્ચ કરું. જોકે આ છેલ્લો પ્રયોગ કામ લાગ્યો. એ પ્રયોગ દરમ્યાન મને સમજાયુ કે આ ટેક્નૉલૉજી પાછળનું રહસ્ય શું છે. કોટનને ફાઇબરમાં કન્વર્ટ કેવી રીતે કન્વર્ટ કરાય છે એ સમજાયું.’

આટલી સમજ જોકે પૂરતી નહોતી, કારણ કે મુરુગનને જે સમજાયું હતું એ પછી પણ એ મશીન બનાવવામાં કરોડોનો ખર્ચ થવાનો હતો. લગભગ આઠ વર્ષના પ્રયત્ન પછી તેને એક લો-બજેટ સૅનિટરી પૅડ બનાવી શકતું મશીન બનાવવામાં સફળતા મળી, જે મશીને આજે આખા વિશ્વમાં તેના નામનો ડંકો વગાડ્યો છે. સાથે જ મુરુગને પર્યાવરણની દૃષ્ટિએ પણ એમાં વપરાતા કાચા માલમાં ઝાડમાંથી નીકળતી વસ્તુઓનો ઉપયોગ કરીને એને પર્યાવરણને અનુકૂળ બનાવવાના પ્રયત્નો પણ કર્યા છે. આગળ કહ્યું એમ તેણે બનાવેલું મશીન વાપરવામાં એટલું સરળ છે કે લગભગ ચાર કરોડ જેટલી મહિલાઓને તો એના દ્વારા રોજગાર મળી ગયો છે. મુરુગને પહેલાં પોતાની પ્રોડક્ટ બિહારમાં લૉન્ચ કરેલી. તેને ભરોસો હતો કે જો ત્યાંની જનતાને તે સમજાવી શક્યો તો તે બીજે ક્યાંય પાછો નહીં પડે. અત્યારે તેનાં મશીન માત્ર ભારતમાં જ નહીં; વિશ્વના ૧૦૬ દેશોમાં છે જેમાં કેન્યા, બાંગલા દેશ, નાઇજિરિયા જેવા ગરીબ દેશો પણ આવી ગયા. ભારતનાં ઘણાં રિમોટ ગામડાંઓની સ્કૂલમાં પણ તેણે પોતાનાં મશીન ઇન્સ્ટૉલ કર્યાં છે અને એની ટ્રેઇનિંગ આપી છે જેથી માસિક ચક્ર શરૂ થયા પછી ભણવાનું છોડી દેતી કન્યાઓનો અભ્યાસ ચાલુ રહે.

મુરુગન વિશે ટીવીમાં જોયા પછી તેની પત્ની પણ તેની સાથે રહેવા લાગી. એટલે જ તે કહે છે, ‘પહેલાં મશીન આવ્યું, પછી મારી દીકરી.’

લગ્નનાં દસ વર્ષ પછી મુરુગનના ઘરે દીકરીનો જન્મ થયો. પત્નીના સ્વાસ્થ્યની ચિંતા આખા ભારતની મહિલાઓના જીવનને બહેતર દિશામાં લઈ જવાનું અભિયાન બની ગઈ છે. તે કહે છે, ‘ઉત્તરાખંડમાં આ મશીન આપ્યું ત્યારે ૭૦ વર્ષનાં એક દાદીએ મને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે ખરેખર અમે તારા આભારી છીએ કે તેં મહિલાઓને મહિનાના એ ત્રણ દિવસની પીડામાંથી થોડીક રાહત આપવાનું કામ કર્યું છે.’  તેનું લક્ષ્ય છે કે દેશના દરેકે દરેક ગામડાની મહિલાઓ સૅનિટરી પૅડ્સનો વપરાશ કરતી થઈ જાય. દેશની મહિલાઓની પિરિયડ્સ દરમ્યાન વાપરવામાં આવતી અનહાઇજિનિક મેથડને કારણે જ આપણા દેશમાં સર્વાઇકલ કૅન્સરના કિસ્સાઓ આટલા વધી રહ્યા છે. હજીયે દેશના ઘણા હિસ્સામાં સૅનિટરી પૅડના ઉપયોગમાં લોકોની અજ્ઞાનતા બરકરાર છે. આ અવેરનેસ લાવવામાં ‘પૅડમૅન’ ફિલ્મ બહુ મોટો ભાગ ભજવશે એવું મુરુગનનું માનવું છે.

padman

માસિકને લગતી વિશ્વમાં પ્રવર્તી રહેલી કેટલીક ખોટી માન્યતાઓ

આપણા દેશના કેટલાક હિસ્સામાં એવું માનવામાં આવે છે કે નવપરિણીત મહિલાઓના વાપરેલા સૅનિટરી પૅડ પર જો કોઈનો પગ પડી જાય તો તેની સાસુનું મૃત્યુ થાય.

કુંવારી છોકરીએ વાપરેલા સૅનિટરી પૅડને જો કોઈ કૂતરો સૂંઘી લે તો તેનાં ક્યારેય લગ્ન ન થાય એવી માન્યતા પણ ભારતના કેટલાક હિસ્સામાં પ્રવર્તે છે.

ઈરાનમાં સ્ત્રીઓના ઋતુચક્રને એક રોગની જેમ જોવામાં આવે છે.

વાપરવામાં આવેલા સૅનિટરી પૅડને જો સાપ જોઈ લે કે એના પરથી સાપ પસાર થાય તો નેક્સ્ટ જન્મમાં વ્યક્તિ દૃષ્ટિહીન થાય.

નેપાળમાં ચૌપદી નામની એક પરંપરા પ્રમાણે માસિક ધર્મ દરમ્યાન મહિલાઓને એક અલગ જગ્યાએ આહાર અને પાણી વિના રહેવાની ફરજ પાડવામાં આવે છે. પશુઓના તબેલામાં અથવા તો ઝૂંપડામાં આ મહિલાઓને પિરિયડના ત્રણ દિવસ સૂવાની પણ પરમિશન નથી હોતી.

અફઘાનિસ્તાનમાં માસિક ધર્મ દરમ્યાન મહિલાઓને પોતાના પ્રાઇવેટ પાર્ટ સાફ કરવાની મનાઈ છે, કારણ કે તેમનું એવું માનવું છે કે આમ કરવાથી તેમની ફર્ટિલિટી સમાપ્ત થઈ જાય.

અમેરિકા અને લંડનમાં પણ એવી માન્યતા છે કે જો મહિલા માસિક ધર્મ દરમ્યાન અથાણાને અડે તો અથાણું ખરાબ થાય. તેમ જ આ દિવસોમાં કૅમ્પ માટે જંગલમાં ન જવું, કારણ કે રીંછ સ્ત્રીઓની આ અવસ્થાની ગંધને આસાનીથી પારખી શકે છે. આ દિવસોમાં સ્ત્રીઓએ નહાવું નહીં એવું પણ આ દેશના કેટલાક લોકો માને છે.

ઇઝરાયલમાં કન્યા પહેલી વાર માસિકમાં આવે ત્યારે તેના ગાલમાં લાફા મારવાનો રિવાજ છે જેથી તેના ગાલ હંમેશાં ગુલાબી અને સુંદર રહે.

કોલંબિયાની માન્યતા પ્રમાણે માસિક ચક્ર દરમ્યાન મહિલાઓએ વાળ કપાય પણ નહીં અને ધોવાય પણ નહીં.

રોમાનિયાની માન્યતા પ્રમાણે માસિક ધર્મ દરમ્યાન જો સ્ત્રીઓ ફૂલને અડે તો એ જલદી મુરઝાઈ જાય.

ફિલિપીન્સમાં સૌથી વિચિત્ર માન્યતા છે. પહેલી વાર માસિક ધર્મમાં આવનારી યુવતીએ એ સમયે થતા બ્લીડિંગથી ફેસ ધોવો જોઈએ જેથી તેમનો ચહેરો વધુ ક્લિયર અને સુંદર બને.

ઇટલીના કેટલાક લોકોમાં પણ એવી માન્યતા પ્રવર્તે છે કે માસિક ધર્મમાં રહેલી સ્ત્રી જો ખાવાનું બનાવે તો એ ખરાબ થઈ જાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK