૨૬ વર્ષમાં ૨૬ પ્રયત્નો પછી પણ હજીયે બારમામાં નાપાસ આ ભાઈ PhD થઈ ગયા

જોકે અભ્યાસના આ સ્તર સુધી સફળતા મેળવ્યા પછીયે બારમા ધોરણમાં પાસ થવાનું બાકી જ છે. ફેલ્યરની આ પરંપરા આટલી લાંબી શું કામ ચાલી એ વિશે તેમની સાથે થયેલી રસપ્રદ વાતો અહીં પ્રસ્તુત છે

nil

રુચિતા શાહ

કોઈ પણ ઘટના ઐતિહાસિક રૂપ ત્યારે લેતી હોય છે જ્યારે એમાં સંકળાયેલી વ્યક્તિ મક્કમતા અને સાતત્ય સાથે સક્રિય હોય. સમાજનો વિરોધ કરીને વાતને પડતી મૂકનારા ક્યારેય ઇતિહાસ નથી રચી શકતા, પણ વિરોધ સાથે પોતાના લક્ષ્યને વળગી રહેનારા જ ક્યાંક પહોંચતા હોય છે. ગુજરાતના ઉમરગામ નજીકના ગામમાં રહેતા ૪૪ વર્ષના નીલ દેસાઈ એમાંના એક છે. ૧૭ વર્ષની ઉંમરે વિજ્ઞાન પ્રવાહમાં બારમા ધોરણમાં ભણતા નીલ દેસાઈએ એ સમયે સાયન્સના વિદ્યાર્થીઓએ કમ્પલ્સરી કરવા પડતા ડિસેક્શનનો (અભ્યાસ માટે દેડકાના શરીરને ચીરવાની પ્રક્રિયાનો) સ્પષ્ટ વિરોધ કર્યો. વિરોધનું કારણ આપતાં નીલ કહે છે, ‘મારે પહેલેથી જ એન્જિનિયરિંગમાં જવું છે તો આ પ્રકારની વાઢકાપના પ્રયોગની મારે માટે કોઈ જરૂર નહોતી. કારણ વગર દેડકાઓને કાપવાની વાત મને ગળે નહોતી ઊતરતી. મેં મારા શિક્ષકોથી લઈને મારા પ્રોફેસરોને પણ કહી રાખ્યું હતું કે જો હું મેડિકલમાં જવાનો હોઉં તો મારે માણસના શરીરને કાપીને અભ્યાસ કરવાનો હોય તો એ પણ મને મંજૂર છે, પણ અહીં એન્જિનિયરિંગ માટે એની કોઈ જરૂર ન દેખાતાં મેં એની ના પાડી.’

જોકે એ વર્ષે પાસ થવા માટે અનિવાર્યપણે દરેક વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં એ બાબત હતી એટલે નીલની વાત સાંભળનાર કોઈ નહોતું. પરિણામ એ આવ્યું કે બારમાની પરીક્ષામાં નાપાસ થયા. ૧૯૯૧માં શરૂ થયેલો એ સિલસિલો આજ સુધી અકબંધ છે. છેલ્લાં ૨૬ વર્ષમાં આજ સુધી નીલ દેસાઈ કુલ ૨૬ વાર બારમાની પરીક્ષા આપી ચૂક્યા છે, પણ તે એમાં પાસ નથી થયા. જોકે એ દરમ્યાન ડિપ્લોમા કોર્સ જૉઇન કરીને ઇલેક્ટિÿકલ એન્જિનિયરિંગ તો તેમણે કરી લીધું, પણ ડિગ્રીનો અભ્યાસ બાકી હતો. એ દરમ્યાન કેટલાક નિયમો બદલાવાને કારણે તેમને ડિગ્રી કૉલેજના પ્રથમ વર્ષમાં ઍડ્મિશન મળી ગયું, પણ બારમામાં પાસ થવાનું બાકી જ રહ્યું. અત્યારે સ્થિતિ એ છે કે ગ્રૅજ્યુએશન, પોસ્ટ-ગ્રૅજ્યુએશન અને ડૉક્ટરેટ સુધીનો અભ્યાસ પતી ગયો છે પણ બારમામાં પાસ થવાનું બાકી છે.

આવું તો કેવી રીતે બને એવું નીલને પૂછતાં તે કહે છે, ‘પહેલી વાર પરીક્ષા આપી ત્યારે ૧૭ વર્ષની ઉંમરે નિયમ મુજબ ડિસેક્શન કરવું કમ્પલ્સરી હતું. એમાં ફેલ થયા પછી મેં સાઇડમાં ઇલેક્ટિÿકલ એન્જિનિયરિંગનો ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ જૉઇન કર્યો. ૧૯૯૩માં નિયમ બદલાયો અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે ડિસેક્શન કમ્પલ્સરી ન રહ્યું. જોકે એ પછી પણ મારું બીજું ભણવાનું ચાલુ હોય અને સાથે બોર્ડની એક્ઝામ આવે એટલે ભણી ન શકાય. બીજું, ડિસેક્શનનો એક ડર જ મારી અંદર બેસી ગયો હતો. એને કારણે હું ઘણીબધી વાર બીમાર પડ્યો. લગભગ પાંચ વાર મલેરિયા અને ત્રણ વાર ટાઇફૉઇડ થયો. ખૂબ નબળાઈને કારણે પણ ભણી ન શક્યો અને એક્ઝામ આપી. બીજું, વચ્ચે ત્રણેક વાર સિલેબસ બદલાયો એટલે પણ ફરી નવેસરથી નવા અભ્યાસક્રમ માટે પ્રિપેર કરવાનું બન્યું.’

નીલ માટે પોતાના ડિપ્લોમાના અભ્યાસ સાથે બારમાની બોર્ડની એક્ઝામ આપવાનું થોડું વધુ પડકારજનક હતું. છતાં બારમાની પરીક્ષા પાસ કરવાની ધૂન તેમના પર સવાર હતી જ. આ દરમ્યાન વચ્ચે વધુ એક નિયમ બદલાયો, જેમાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ડિગ્રી કૉલેજમાં ડાયરેક્ટ ઍડ્મિશન મળતું થયું. એ નિયમ પછી ૨૦૦૫માં નીલે બૅચલર ઑફ સાયન્સના ડિગ્રી કૉલેજના પ્રથમ વર્ષમાં એટલે કે FYBScમાં ઍડ્મિશન લીધું. એ વિશે વાત કરતાં નીલ કહે છે, ‘એ સમયે હું ૩૧ વર્ષનો હતો. મારી સાથે ભણનારા વિદ્યાર્થીઓ મારાથી ૧૦થી ૧૫ વર્ષ નાના હતા. પહેલી વાર ક્લાસમાં ગયો તો છોકરાઓ સમજ્યા કે પ્રોફેસર આવ્યા અને એમ ધારીને તેમણે ઊભા થઈને ગુડ મૉર્નિંગ સર કહી દીધું હતું. જોકે હું તેમની સાથે જઈને તેમની જ સીટ પર જઈને બેઠો ત્યારે તેમને ભારે મજા પડી ગઈ હતી. કાકા, એલિયન, પપ્પુ પાસ હો ગયા જેવા શબ્દો વાપરીને તેમણે મારી ભારે મશ્કરી પણ કરી હતી. શરૂઆતમાં તકલીફ પણ પડી. એકાદ વાર થયું પણ ખરું કે છોડી દઉં બધું જ, પણ પછી નક્કી કર્યું કે અહીં હિંમત હારીશ તો આગળ નહીં ટકી શકું. બેશક, હું જ્યારે બપોરે બારથી સાંજે પાંચ સુધી બેસતો ત્યારે મને મહેસૂસ થઈ ગયું હતું કે અઘરું પડવાનું છે. બે પેઢીઓ બદલાઈ ગઈ હતી. મારી સાથે ભણનારા વિદ્યાર્થીઓ પ્રોફેસર તરીકે મને જ ભણાવી રહ્યા હતા. આ બહુ મોટો ચેન્જ હતો.’

ઉલ્લેખનીય છે કે નીલ દેસાઈ જ્યારે પોતે કૉલેજમાં ભણતા હતા એ સમયથી જ તેમણે પોતાનો ઇલેક્ટિÿકનો બિઝનેસ શરૂ કરી દીધો હતો. બારમામાં ફેલ થયેલા નીલે ગ્રૅજ્યુએશન અને પોસ્ટગ્રૅજ્યુએશન ડિસ્ટિંક્શન સાથે પાસ કર્યું. આ અભ્યાસ દરમ્યાન તેમણે કોઈ ક્લાસિસ કે ટ્યુશનનો સહારો લીધો નથી. એ પછી ડૉક્ટરેટની ડિગ્રી બે વર્ષની મહેનત પછી મેળવી લીધી છે. છતાં આવતા વર્ષે ફરી એક વાર બારમાની પરીક્ષા આપીને એમાં પાસ થવાની તેમની મહેચ્છા જેમની તેમ રહી છે. તેઓ કહે છે, ‘મારા પરિવારમાંથી મને વિદ્યાનો વારસો મળ્યો છે. મારાં માતા-પિતા-બહેન બધાં જ શિક્ષક છે. આટલાં વર્ષની આ સફરમાં એવું કહેનારા લોકો પણ મળ્યા જેમાં તેમણે મને પીછેહઠ થવાની સલાહ આપી હોય. પણ મારા મિત્ર, સ્નેહી અને પરિવારના સભ્યોએ મને ક્યારેય પાછો પડવા દીધો નથી. મારા ભણવાના દરેક નિર્ણયમાં તેમણે મને સાથ આપ્યો છે. ૧૭ વર્ષની ઉંમરે ડિસેક્શન નહીં કરવાની મારી જીદ એ આખી શિક્ષણવ્યવસ્થા સામે બાથ ભરવા જેવું પગલું હતું. એ સમયે મેં એવા વિદ્યાર્થીઓ પણ જોયા હતા જેઓ દેડકાનું હૃદય કાપે અને એમાંથી લોહીની પિચકારી છૂટે એટલે ખુશખુશાલ થઈ જાય. હું મારા ક્લાસ પહેલાં પટાવાળાને કહી દેતો કે ભાઈ પ્રયોગશાળામાં મારા ભાગના દેડકાને બેભાન નહીં કરતો. એ સમયે પણ મને એટલું સમજાતું હતું કે કારણ વગર દેડકાને ચીરીને એને મારનારા લોકો પ્રકૃતિના ચક્રને ખતમ કરી રહ્યા છે. અમારે ત્યાં ૧૫થી ૨૦ રૂપિયે દેડકા વેચાતા. લોકો રીતસર દેડકા ખરીદવાનું કામ કરતા, કારણ કે કૉલેજો અને સ્કૂલો પ્રયોગના નામે મારી નખાતા દેડકાને ખરીદી લેતી. દેડકા મચ્છરને ખાય, દેડકાને સાપ ખાય. દેડકાને ખતમ કરીને મચ્છરો વધારવાનું કામ આપણે કર્યું અને સામે ચાલીને મચ્છરોથી ફેલાતા રોગોને આમંત્રણ આપ્યું છે. આ બધી બાબતોનો એકલપંડો વિરોધ કરતા હો તો તમારે આ વિલંબને સ્વીકારવો જ પડે. હું નસીબદાર છું કે આ આખા જંગમાં મને મારા પરિવારે ખૂબ સાથ આપ્યો છે.’

નીલ દેસાઈ હવે અનેક કૉલેજોમાં ગેસ્ટ-લેક્ચરર છે અને પોતાનોબિઝનેસ પણ સંભાળે છે. જોકે એ બધા વચ્ચે હજીયે બારમાની પરીક્ષા આપીને એમાં પાસ થવાનું તેમનું ઝનૂન અકબંધ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK