ભાવનગરનો ગઝલ-ભાવ

ભાવનગર સાહિત્યકારો અને પથદર્શકોથી સમૃદ્ધ રહ્યું છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


ગિજુભાઈ, નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ વગેરે શિક્ષણ-પુરુષોએ સાહિત્ય-સંસ્કારનું સિંચન કર્યું. ગિજુભાઈનું રસભર અને માતબર બાળસાહિત્ય, નાનાભાઈ ભટ્ટ રચિત રામાયણનાં પાત્રો અને મહાભારતનાં પાત્રો, પુસ્તકો; શિક્ષક-અનુવાદક મૂળશંકર ભટ્ટ અનુવાદિત પાાત્ય વિજ્ઞાનકથાઓએ ગુજરાતી સાહિત્યમાં મહત્વનું પ્રદાન કર્યું છે. નાનાભાઈ ભટ્ટે ગ્રામશિક્ષણ અને ગ્રામોત્કર્ષના પ્રયોગો આંબલામાં કર્યા હતા. દક્ષિણામૂર્તિ, ઘરશાળા અને સંસ્કાર સાહિત્ય મંદિર જેવી શૈક્ષણિક સંસ્થાઓએ પાયાનું કામ કરી આ ધરતીની છબી ઊજળી કરી. ભાવનગરની શામળદાસ કૉલેજ ગુજરાતની જૂની કૉલેજોમાંની એક છે.

અનેક કલાકારો-સર્જકોથી ભાવનગર રળિયાત છે. એક અંદાજ પ્રમાણે ચારસોથી વધુ કવિઓએ પોતાના શબ્દોનું અજવાળું અહીંની હવામાં પાથર્યું છે. ગાયક પાર્થિવ ગોહિલે દેશ-વિદેશમાં અપાર લોકપ્રિયતા હાંસલ કરી છે. કવિ વિનોદ જોષીએ આપણાં ગીતોને સૂરમયી કુમાશ બક્ષી છે. આવી વિવિધ પ્રતિભાઓનો માત્ર નામોલ્લેખ કરીએ તોય આ કૉલમ ભરાઈ જાય. આપણે વાત કરવી છે ગઝલની.

ભાવનગરની સાહિત્યપ્રદાનની પરંપરાને આગળ વધારતાં ગદ્ય અને પદ્ય બન્ને ક્ષેત્રે કાર્યરત પરેશ કળસરિયાનો પ્રથમ ગઝલસંગ્રહ ‘રામ’ પ્રકાશિત થયો છે. એમાંથી થોડા શેર તારવી શિયાળાને વહાલ કરીએ.

સૂરજ બિચારો ગોદડું ઓઢી પડ્યો રહે

મોડેથી એ ઊઠે છે શિયાળાની ટાઢમાં

મમ્મી! તું એને મારો જૂનો કોટ આપને

તડકોય થરથરે છે શિયાળાની ટાઢમાં


પ્રત્યેક ઋતુનું આગવું રૂપ હોય છે. દર વરસે આવે છતાં એ જૂની નથી થતી. કુદરત પાસે પુનરાવર્તન અને પુનરુક્તિ છે છતાં નાવીન્ય અને તાજગી બરકરાર રહે છે. એ જ દિવસ ને એ જ રાતનું ચક્ર તો ચાલ્યા કરે, બસ એને જોનાર અને જાણનાર બદલાતા રહે. શાયર આ શક્તિનો મહિમા કરે છે...

સમયની પાર પ્હોંચવું યદિ અશક્ય હોય તો

હવે જવું છે જાતમાંથી આરપાર આપણે

અદીઠ કોઈ આંખ, જો! તિરાડમાંથી તાકતી

ભલે કર્યા છે ઓરડાનાં બંધ દ્વાર આપણે


દ્વાર બંધ કરી દેવાનાં કારણ ઘણાં હોઈ શકે. સલામતી માટે દ્વાર બંધ થાય એ રૂટીન છે, પણ જિંદગીથી હતાશ થઈને સૂરજને ઘરમાં આવતો રોકી દઈએ ત્યારે કારણો તપાસવાં પડે. અનેક અનુભવો આપણા નિષ્કર્ષોને ઘડતા હોય છે.

કોઈ તકલીફ દે ને કોઈ દિલાસો આપે

કોઈ દે અશ્રુઓ ને કોઈ રૂમાલો આપે

કોઈ પ્રશ્નો ન કરે તોય જવાબો આપે

કોઈ માગે એ છતાં પણ ન ખુલાસો આપે


કેટલીક વાર ખુલાસાઓ આપ્યા પહેલાં જ સમજાઈ જાય તો કેટલીક વાર ખુલાસાઓ અપાયા પછીય ગળે ન ઊતરે. સત્યને પક્ષે હોવા છતાં કોઈ નવોસવો વકીલ કોર્ટમાં થોથવાઈ જાય અને અસત્યને ઓવારતો પીઢ વકીલ પોતાની મુત્સદ્દીથી બાજી મારી લે ત્યારે રંજ થાય. વીસ વર્ષની નોકરી હોવા છતાં એક વર્ષથી આવેલા કર્મચારીને પ્રમોશન મળે ત્યારે એક ટીસ ઉદ્ભવે. પ્રામાણિકતાથી શિક્ષકધર્મ નિભાવતા શિક્ષકનો કોઈ ગણ જ ન થાય ત્યારે હૈયામાં ફાંસ વાગે. આવા અનેક કિસ્સાએમાં મનોવેદના શું હોઈ શકે એનો અંદાજ આ શેરમાંથી મળે છે...

પ્યાલા ભરીને પીધી હશે ચાંદની તમે!

ચમચી ભરીને કોઈ દી ચાખ્યો છે અંધકાર?


અંધકારને જીરવવો સહેલો નથી. આ અંધકારમાં એકલતા ઉમેરાય ત્યારે એ વધારે કરપીણ બને. રાતનાં ડૂસકાંઓ તમરાંની ત્રમત્રમમાં દબાઈ જતાં હોય છે. જિંદગી અટકી ગઈ હોય અને અધવચ્ચે જ લટકી ગઈ હોય એવી અનુભૂતિ થાય. આપણામાંથી કશું બાદ થતું રહે, પણ ઉમેરાય નહીં.

આપણે સૌ આપણામાં એમ ઓગળતા રહ્યા

કંઈ યુગોથી ઓગળે છે જેમ ધરતીનું ઉદર

આયનો ભટકે ભલેને ઓરડે એકાંતના

લો, હું ટિંગાઈ જઉં એની જગાએ ભીંત પર


આધુનિક નગરશૈલીએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. સંબંધોમાં જરૂરી આધારશિલાનું સ્થાન સ્વાર્થલીલા લઈ લે અને સમીકરણો બદલાઈ જાય. સરકાર તમને ખપમાં ન લાગે તો એ સમજી શકાય, કારણ કે એની પાસે હજારો-કરોડોની ફરિયાદો હોય, પણ સ્વજન જ્યારે ખપમાં ન લાગે ત્યારે કોની પાસે જવું? વકરી રહેલી એક સમસ્યા તરફ શાયર આંગળી ચીંધે છે...

એક વૃદ્ધ મા ને બાપ હજી ઘરડાઘરની બ્હાર

પૂછ્યા કરે બધાને શ્રવણની દશા વિશે


વૃદ્ધત્વ પાસે સંજોગોને સ્વીકારવા સિવાય છૂટકો નથી હોતો. સ્ફૂર્તિનું સ્થાન શિથિલતાએ લઈ લીધું હોય ત્યારે અણગમતાં સમાધાનો પણ કરવાં પડે. કોઈ આપવીતી પૂછે ત્યારે વીતેલો સમય સોયની અણી બનીને ભોંકાય. કેટલાક પ્રશ્નો પીડાને જન્મ આપવામાં પાવરધા છે. 

જેના ખયાલમાં ન રહ્યો કોઈનો ખયાલ

કોનો હતો એ ખ્યાલ? કોઈ પૂછશો નહીં

જે થઈ ગયું એ થઈ ગયું, ભૂલી ગયો છું હું

તો શું થયુંતું કાલ? કોઈ પૂછશો નહીં


ક્યા બાત હૈ


એના પ્રણય સમાસની પીડા મને મળે

પારો ને દેવદાસની પીડા મને મળે

સાંધી નહીં શકું હું ચિરાયુનું વસ્ત્ર, પણ

ફાટેલ એ લિબાસની પીડા મને મળે

ભમરાની જેમ કેદ કમળમાં થઈ શકું

ને તીવ્રતમ સુવાસની પીડા મને મળે

એ કહી શકું, હું તો જ છું હકદાર સ્વર્ગનો

કોઈના નર્કવાસની પીડા મને મળે

ઝાકળ બનીને હુંય હવામાં ભળી શકું

એ વિસ્તરણ, એ હાસની પીડા પીડા મને મળે

ખુદમાં સમાવ્યું જેણે ઉદાસીના દૃશ્યને

મૂંગા એ કૅન્વસની પીડા મને મળે

- પરેશ કળસરિયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK