ધીમેથી બોલું છું, સંભળાશે જોરથી

કર્ણાટકના બીજાપુરમાં આવેલા અજાયબી જેવા ગોલ ગુંબજમાં આવેલી વિસ્પરિંગ ગૅલરી પણ એક અજાયબી જેવી જ છે

gol

અતુલ્ય ભારત - ચંદ્રહાસ હાલાઈ

જય શ્રીકૃષ્ણ મનીષાબહેન! ધીમા ગુસપુસ અવાજે મેં તેમને કહ્યું.

જય શ્રીકૃષ્ણ ચંદ્રહાસ! ધીમા ગુસપુસ અવાજે મનીષાબહેને મને જવાબ આપ્યો

તમે વિચારતા હશો કે હું આ શું કામ લખી રહ્યો છું? આમાં અજુગતું શું છે?

અજુગતું એ છે કે અમે એકબીજાથી લગભગ ૧૨૦ ફીટ દૂર ઊભા છીએ છતાં એકબીજાનો અવાજ એકદમ ચોખ્ખી અને સ્પષ્ટ રીતે સાંભળી શકીએ છીએ. બીજી અજાયબી એ છે કે અમારા બીજા પ્રવાસી મિત્રો જેઓ મારાથી ફક્ત અઢારથી વીસ ફીટ દૂર ઊભા છે તેઓ અમારો વાર્તાલાપ નથી સાંભળી શકતા. તમે વિચારતા હશો કે આ કઈ રીતે સંભવિત છે? આ એટલે સંભવિત છે કારણ કે અમે બધા ત્યારે ગોલ ગુંબજની અનોખી અજાયબ વિસ્પરિંગ ગૅલરીમાં હતા.

થોડા વખત પહેલાં હું મારાં મિત્ર મનીષા ગાંધી જેઓ પ્રવાસનાં ગજબનાં શોખીન છે અને બીજા મિત્રો જોડે ઉત્તર કર્ણાટકના પ્રવાસ પર ગયો હતો. ત્યારે મુંબઈના વળતા પ્રવાસ માટેની બસ અમારે બીજાપુરથી પકડવાની હતી. અમે બીજાપુરમાં હોઈએ અને વિશ્વવિખ્યાત ગોલ ગુંબજ જોયા વગર પાછા આવીએ એવું તો બને જ નહીં.

બહમન શાહી સલ્તનતના બીજાપુરના તુર્કીવંશી સૂબા યુસુફ આદિલ શાહે ૧૪૯૦માં બંડ પોકારીને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ૧૬૮૬ સુધી બીજાપુરમાં તેના વંશજોએ રાજ કર્યું. આદિલશાહી સુલતાનોએ બીજાપુરમાં અતિ સુંદર અને ભવ્ય ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું. આ બધામાં સૌથી અનોખી અને અજાયબ ઇમારત હોય તો એ છે ગોલ ગુંબજ. આખા જગતમાં આની તુલનામાં આવે એવી બીજી કોઈ ઇમારત નથી.

૧૬૨૭માં સુલતાન ઇબ્રાહિમ આદિલ શાહના અવસાન પછી તેમનો ૧૬ વર્ષનો પુત્ર મોહમ્મદ આદિલ શાહ બીજાપુરની ગાદી પર બેઠો. સુલતાન મોહમ્મદ આદિલ શાહે દાબુલ (દાભોળનું મધ્યકાલીન નામ)ના વતની વાસ્તુકાર યાકુતને તેડાવ્યો અને તેને પોતાના માટે એક અનોખો અને અજાયબ મકબરો બાંધવા કહ્યું જેથી તેનું અને આદિલશાહી વંશનું નામ આખી દુનિયામાં ગુંજતું રહે. યાકુતે ડક્કન શૈલીમાં ગંજાવર અને બેનમૂન ઇમારત બનાવી જેનું સ્થાપત્ય આજ દિવસ સુધી બેજોડ છે. આ ઇમારત છે વિશ્વવિખ્યાત ગોલ ગુંબજ. એનો અર્ધગોળાકાર ગુંબજ એના સમયમાં વચમાં કોઈ પણ સ્તંભના આધાર વગરનો બીજો સૌથી મોટો ગુંબજ હતો. ત્યારે દુનિયાનો વચ્ચે આધારસ્તંભ વગરનો સૌથી મોટો ગુંબજ રોમમાં વૅટિકન શહેરનું સેન્ટ પીટર બૅસિલિકા હતું. થોડાં વર્ષ પહેલાં મુંબઈમાં જ ગોરાઈમાં ગોલ્ડન પગોડા નામના વચમાં આધારસ્તંભ વગરના વિશ્વના સૌથી મોટા ગુંબજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગોલ ગુંબજમાં બીજી પણ એક અજાયબી છે જે એને અતુલ્ય બનાવે છે અને એ છે એની વિસ્પરિંગ ગૅલરી. આ એક એન્જિનિયરિંગ અજાયબી છે. આ પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય તાંત્રિકી કુશળતાનું અદ્ભુત ઉદાહરણ છે.

આ ઇમારતનું બાંધકામ ૧૬૫૯માં પૂરું થયું એનાં ત્રણ વર્ષ પહેલાં જ સુલતાન મોહમ્મદ આદિલ શાહ મૃત્યુ પામ્યો હતો. તેને અહીં જ તેની પત્નીઓ અને દીકરીઓ જોડે દફનાવવામાં આવ્યો હતો.

gol1

અમારો સંઘ વહેલી સાંજે બીજાપુર પહોંચ્યો અને તરત ગોલ ગુંબજ જોવા ઊપડ્યો. દૂરથી જ અમને ગોલ ગુંબજના ગંજાવર ગુંબજનાં દર્શન થયાં. ગોલ ગુંબજનો બાહ્ય વ્યાસ ૧૪૪ ફીટ છે જેને ૧૫૬ ફીટના સમઘન (cubic) ઢાંચા પર ટેકવવામાં આવ્યો છે. આ ૧૫૬ ફીટના સમઘન ઢાંચામાં ૧૮,૦૦૦ ચોરસફીટના ક્ષેત્રફળનો વચ્ચે કોઈ પણ આધારસ્તંભ વગરનો એક મોટો ખંડ છે જેની મધ્યમાં કબરો છે. આ સમચોરસ ખંડમાં આઠ પરસ્પર વ્યાપ્ત (overlapping) ઊંચી કમાનો (arches) છે જેના પર ગંજાવર ગુંબજ ટેકવવામાં આવ્યો છે. સામાન્યત: સમચોરસની ચાર બાજુએ ચાર કમાનને ગુંબજનો આધાર બનાવવામાં આવે છે. સમઘનના ચારે ખૂણે ૧૬૫ ફીટ ઊંચો સાત માળનો અક્ટકોણીય મિનારો છે. આ મિનારાની ઉપર પણ નાના ગુંબજ છે. આ મિનારાના દાદરા ચડીને તમે ગોલ ગુંબજ સુધી પહોંચી શકો છો.

દાદરા ચડીને અમે ગોલ ગુંબજ પહોંચ્યા. એક દ્વારમાં જઈને અમે અંદરની ગોળાકાર વિસ્પરિંગ ગૅલરીમાં ગયા. અહીંના એક સિક્યૉરિટી ગાર્ડે અમને અહીંની માહિતી આપી અને એનું પ્રદર્શન કર્યું. તેણે મને ગુંબજની દીવાલને મારી પીઠ અડાડીને ઊભા રહેવા કહ્યું અને મનીષાબહેનને ગોળાકારના વ્યાસની સામે બાજુની દીવાલ પર પીઠ અડાડીને ઊભા રહેવા કહ્યું. આ લેખની શરૂઆતમાં મેં જેમ લખ્યું છે એમ અમે ધીમા અવાજે વાર્તાલાપ કર્યો છતાં એકબીજાનો અવાજ અમને એકદમ ચોખ્ખી અને સ્પષ્ટ રીતે સંભળાતો હતો. આનું કારણ છે ઍકોસ્ટિક લેન્સિંગ (acoustic lensing). જેમ અંતર્ગોળ અરીસો પ્રકાશનાં કિરણોને પરાવર્તિત કરીને એક કેન્દ્ર-બિંદુ પર ફોકસ કરે છે એમ અહીં ગોલ ગુંબજનો અર્ધગોળાકાર એની સપાટીને અથડાતાં અવાજનાં મોજાંઓને પરાવર્તિત કરીને એક બિંદુ તરફ ફોકસ કરે છે. વૈજ્ઞાનિક નિયમ અનુસાર અવાજનાં મોજાં ઘન સપાટી સાથે આપાત વખતે જે ખૂણો રચે છે એ જ ખૂણો પરાવર્તન વખતે સર્જે છે.

એક મેકૅનિકલ એન્જિનિયર, ગણિતજ્ઞ અને વૈજ્ઞાનિક હોવાથી મેં આનું અવલોકન કર્યું હતું.

આવો આને આપણે જરા વિસ્તારથી સમજીએ. હું જ્યારે બોલું છું ત્યારે મારા મોઢામાંથી નીકળતાં અવાજનાં મોજાં બધી દિશાઓમાં પ્રસરે છે અને અંતર કાપતાં પ્રમાણસર એની તીવ્રતા ઘટતી જાય છે, પણ ગોલ ગુંબજમાં ડાયાગ્રામ-નંબર ૧માં બતાવ્યા મુજબ થાય છે. અવાજનાં જે મોજાં મધ્ય પરિઘીય રેખાને અથડાય છે એ પરાવર્તિત થઈને બરોબર વ્યાસની સામેના બિંદુ જ્યાં મનીષાબહેન ઊભાં છે ત્યાં કેન્દ્રિત થશે. તેથી જ ભલે અમે ગુસપુસ અવાજે વાતો કરતાં હતાં છતાં અમે એકબીજાને સ્પષ્ટ રીતે સાંભળી શકતાં હતાં. અમારા બીજા મિત્રો ભલે મારી નજીક હતા, પણ તેઓ ફોકસથી દૂર હોવાને લીધે અમને સાંભળી નહોતા શકતા. કહે છે કે સુલતાન પણ અહીં આવીને પોતાની બેગમ જોડે આવી જ રીતે વાતો કરતો હતો.

એ પછી સિક્યૉરિટી ગાર્ડે અમને બીજું પ્રદર્શન દેખાડ્યું. ગૅલરીની વચમાં ઊભા રહીને તેઓ ધીમેથી હલો બોલ્યા. હલો... હલો... હલો... એમ અમને અનેક સ્પષ્ટ અને મોટા પડઘા સંભળાયા. પછી તેમણે અમને એક રૂપિયાનો સિક્કો ફેંકીને દેખાડ્યો. અમને એના પણ અનેક મોટા પડઘા સંભળાયા. પડઘાના અવાજથી આખો ગુંબજ ગુંજતો હતો. ગોલ ગુંબજમાં કોઈ પણ અવાજના સાતથી દસ જેટલા પડઘા સંભળાય છે. ગોલ ગુંબજના બાંધકામનો પદાર્થ એવો છે કે એ અવાજનાં મોજાંને શોષતો નથી એટલે ગુંબજની સપાટી પર ટપ્પો ખાતાં અવાજનાં મોજાં એમની તીવ્રતા જલદીથી ગુમાવતાં નથી. એટલે જ અવાજનાં મોજાં અનેક વાર ટપ્પા ખાઈને ગુંબજના અનેક ચકરાવા લે છે અને આપણને અનેક પડઘા સંભળાય છે. જુઓ ડાયાગ્રામ-નંબર ૨.

આ વિસ્મયકારી ઘટના અનુભવીને અમે એકદમ દંગ થઈ ગયા હતા. હું વાચકમિત્રોને ભલામણ કરીશ કે તેઓ એક વાર તો આ ઇમારતને સાંભળવા જરૂર જાય.

(આ વિભાગ દર ૧૫ દિવસે પ્રગટ થાય છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK