ચક્રની સફળતાનો યશ સ્મિતા પાટીલના જાહેર સ્નાનના સીનને આપવામાં આવેલો

સ્મિતા પાટીલને ‘તીવ્ર મધ્યમ’માં લેતા અગાઉ ખોપકરે શબાનાનો વિચાર એટલા માટે કર્યો હતો કે તે બન્નેએ (શબાના અને અરુણ ખોપકરે) એક જ સાલ ઇન્સ્ટિટ્યૂટમાં ઍડ્મિશન લીધું હતું.

smita

કિનારે-કિનારે - સલિલ દલાલ

વળી શબાનાએ બે વર્ષના અંતે ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો, જ્યારે ખોપકરનો ર્કોસ ત્રણ વર્ષનો હતો. શબાનાએ પાસ થયા પછી ત્યાં ઍક્ટિંગના ર્કોસમાં ભણાવવાનું કામ સ્વીકારી લીધું હતું. (અગાઉ અસરાનીએ પણ મુંબઈમાં ઢંગનું કામ મળે એ અગાઉ આ જ રીતે અભિનયના કોચની નોકરી કરી હતી અને જયા ભાદુરી સરખા ઘણા કલાકારો ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત થયા પછી પણ તેમને સર કહેતા રહ્યા હતા. તેમ જ તેમની ફિલ્મો માટે ભલામણ કરતા). કોઈ પણ ટીચરને ર્કોસની પરીક્ષાના પ્રોજેક્ટમાં ન લઈ શકાય એવા ઇન્સ્ટિટ્યૂટના નિયમને કારણે શબાનાને બદલે સ્મિતાને લેવાનો નિર્ણય થયો. બાય ધ વે, સ્મિતાની ભલામણ કોણે કરી હતી જાણો છો? ૭૦ના દાયકામાં વિવેચકોના લાડીલા અને આર્ટ ફિલ્મોના અગ્રેસર એવા ડિરેક્ટર મણિ કૌલે!

તેમણે મરાઠી સમાચાર વાંચનાર એક આકર્ષક છોકરીને લેવાનો સુઝાવ મૂક્યો, કેમ કે વીસ મિનિટની એ શૉર્ટ ફિલ્મમાં નાયિકાની આંખો પર પણ કૅમેરા સ્થિર થવાનો હતો. મણિ કૌલને ખાતરી હતી કે ટીવીની માફક જ સિનેમાના કૅમેરા પણ એ ન્યુઝરીડરની વેધક આંખોના પ્રેમમાં પડશે જ. એ સમયની ફિલ્મોમાં વેપારી ચલચિત્રોની સામે વાસ્તવિકતાનું ચિત્રણ કરવાનો શરૂ થયેલો નવો પ્રવાહ, જેને ન્યુ વેવ તરીકે ઓળખવામાં આવતો હતો એ સર્કિટમાં પુણેમાં ટ્રેઇન થયેલા ટેãક્નશ્યનો અને ઍક્ટરોને લેવાની વણલખી પ્રથા હતી, કેમ કે વર્ષોની માગણી છતાં ફિલ્મોને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો ન હોઈ બૅન્કો લોન આપતી નહોતી. ખાનગી નાણાં ધીરનારા મુદ્દલ અને નફા જેવું વ્યાજ પરત મળવાની ખાતરી ન હોય તો કોથળી ઢીલી કરતા નહોતા. તેથી સરકારે ફિલ્મ ફાઇનૅન્સ કૉર્પોરેશન (FFC) શરૂ કર્યું હતું, જે એવાં લીક સે હટકર ચલચિત્રોના સર્જનને આર્થિક સહાય કરે. એ સંસ્થા ૧૯૭૫માં મોટા પાયે નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (NFDC)માં રૂપાંતરિત થઈ. આમ કરવાનો આશય એ હતો કે સરકારે શરૂ કરેલા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરો, ટેãક્નશ્યનો અને અભિનેતા-અભિનેત્રીઓને પોતાની અલગ પ્રકારની ફિલ્મો અને ટૅલન્ટ બતાવવાની તક મળે; એ સૌ મળીને જે વિશ્વકક્ષાની ફિલ્મો તેમને ભણાવવામાં આવતી એ સ્તરની કૃતિઓ બનાવે અને એ વિવિધ ઇન્ટરનૅશનલ ફિલ્મ-ફેસ્ટિવલ્સમાં ભારતનું નામ રોશન કરે. સ્વાભાવિક હતું કે એવી ઓછા રોકાણની ન્યુ વેવ ફિલ્મોમાં સ્થાપિત સ્ટાર્સ નહીં પણ નવા કલાકારો લેવાથી જ બજેટ મૅનેજ થાય. નવા આર્ટિસ્ટ્સ માટે સિનેમાની દુનિયાના વિશાળ બંધ દરવાજામાં ખૂલેલી એ નાનકડી બારીમાંથી જ સ્મિતા પાટીલ જેવી બિનપરંપરાગત દેખાવવાળી હિરોઇનોની એન્ટ્રી શક્ય હતી. એ સમય યાદ કરો તો કમર્શિયલ ફિલ્મોની અગાઉના દાયકાની આશા પારેખ, નંદા, મુમતાઝ, સાધના, સાયરા બાનુ, શર્મિલા ટાગોર કે પછી ૭૦ના દશકમાં હેમા માલિની, રાખી, ઝીનત અમાન, પરવીન બાબી, પૂનમ ઢિલ્લન વગેરે જેવી દેખાવડી હિરોઇનો સામે સમાંતર સિનેમાની શબાના કે રામેશ્વરી અથવા રેહાના સુલતાનને કોણ તક આપત? એ સમયના સમાંતર પ્રવાહમાં તાજા પ્રવેશેલા શ્યામ બેનેગલે બાળકો માટેની પોતાની ફિલ્મ ‘ચરણદાસ ચોર’માં સ્મિતાને લઈને સાચા અર્થમાં એન્ટ્રી કરાવી.

‘ચરણદાસ ચોર’ પહેલાં વિકિપિડિયાના જણાવ્યા મુજબ ‘મેરે સાથ ચલ’ અને જબ્બાર પટેલની પ્રથમ ફિલ્મ ‘સામના’ (મરાઠી) પણ સ્મિતાના નામે છે. જોકે ૧૯૮૭ની બીજી જાન્યુઆરીના ‘સ્ક્રીન’માં હમીદુદ્દીન મહમૂદે પોતાના એક લેખમાં જણાવ્યા અનુસાર તો સ્મિતા પાટીલની પ્રથમ રિલીઝ ફિલ્મ મરાઠી ભાષાની ‘રાજા શિવ છત્રપતિ’ હતી. અત્યારે એ પિક્ચર જુઓ તો સમજાય કે એમાં સ્મિતા પાટીલની ભૂમિકા શિવાજી મહારાજનાં એક પત્ની સઈબાઈ તરીકેની સાવ નાની છે. એ પણ પહેલી ૨૫ મિનિટ દરમ્યાન બેત્રણ નાના સીન પૂરતી જ છે. આ પ્રથમ રિલીઝ ફિલ્મ હોય તો રસપ્રદ વાત એ છે કે એમાં સ્મિતાને સગર્ભા દેખાવાનું હતું અને એક પુત્રને જન્મ આપ્યા પછી ચિરવિદાય લેવાની હતી (જે તેમની અસલી જિંદગીનો પણ છેલ્લો સીન હતો). જ્યારે પ્રથમ હિન્દી ફિલ્મ ‘ચરણદાસ ચોર’માં પણ તે રાણીના જ રોલમાં હતાં. કેટલાકના મતે રાણી કલાવતીનું એ પાત્ર કટોકટીનાં ઇન્દિરા ગાંધી પર આધારિત હતું.

એ પૉલિટિકલ સટાયરમાં પસંદગી થવા પાછળ જવાબદાર હતા પેલા પુણે ઇન્સ્ટિટ્યૂટના સાઉન્ડ-રેકૉર્ડિસ્ટ મિત્ર હિતેન્દ્ર ઘોષ, જે પોતાનો ડિપ્લોમા મેળવ્યા પછી શ્યામ બેનેગલ સાથે જોડાયા હતા. એ પણ નોંધવું જરૂરી છે કે સમગ્ર પાટીલપરિવાર અને નજીકના મિત્રો પ્રેમથી જેમને હિતુ કહેતા હતા તેમની ફાઇનલ એક્ઝામમાં પરીક્ષક તરીકે શ્યામ બેનેગલ હતા. એ રીતે જોઈએ તો એ દિવસોમાં સર્જકો પુણેના ઇન્સ્ટિટ્યૂટમાં કૅમ્પસ-ઇન્ટરવ્યુ કરતા હતા જેમ આજે ત્વ્ જેવા ફીલ્ડમાં નવા ગ્રૅજ્યુએટને બોટી લેવા મોટી-મોટી કંપનીઓ કૉલેજોમાં પહોંચી જાય છે એમ જ તો! પણ જ્યારે ‘નિશાંત’ માટે દરખાસ્ત મૂકવાનું કામ આવ્યું ત્યારે મુશ્કેલી એ હતી કે સ્મિતા પાટીલનો માસ કમ્યુનિકેશનનો અભ્યાસ મુંબઈની સેન્ટ ઝૅવિયર્સમાં ચાલતો હતો. તેથી તેમનાં મમ્મી-પપ્પાને મનાવવાની સાથે-સાથે કૉલેજના પ્રિન્સિપાલની પણ પરવાનગી લેવાની હતી.

એ પરમિશન લેવા ખુદ શ્યામ બેનેગલ કૉલેજ ગયા. તેમની પ્રથમ ફીચર ફિલ્મ ‘અંકુર’ને નૅશનલ અવૉર્ડ સહિતનાં માન-સન્માન મળ્યાં હોઈ શિક્ષિતોમાં તે ખાસા જાણીતા થયા હતા. ‘નિશાંત’માં મુખ્ય ભૂમિકા તો શબાનાની હતી, કેમ કે પહેલી ટેસ્ટમાં સેન્ચુરી મારનાર બેટ્સમૅનની અદામાં પ્રથમ જ ફિલ્મમાં બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ તેમણે અંકે કરી લીધો હતો. પણ સેકન્ડ લીડમાં સ્મિતા પાટીલની એક અભિનેત્રી તરીકે એન્ટ્રી કરાવી... સ્ટાઇલમાં. મતલબ કે અત્યાર સુધી ટાઇટલમાં નામ અન્ય કલાકારોની સાથે આવતું હતું, જ્યારે ‘નિશાંત’ના નંબરિયા પડ્યા ત્યારે આવ્યું જુદી જ રીતે. સ્ક્રીન પર લખાયું ઇન્ટ્રોડ્યુસિંગ સ્મિતા! એ માર્ક કરવા જેવી વાત છે કે પહેલી ફિલ્મમાં નામ સાથે પાટીલ અટક નહોતી. શું એ મિનિસ્ટર પિતાથી અલગ એવી પોતાની જુદી ઓળખ ઊભી કરવાનો પ્રયાસ હશે? કે પછી કોઈની ભૂલ હશે? કારણ કે બેનેગલની જ એ પછીની ‘મંથન’ના ટાઇટલમાં આખું નામ સ્મિતા પાટીલ આવ્યું અને એ ઠેઠ સુધી રહ્યું. બલકે એ જ નામ પર ફિલ્મો વેચાવા લાગી હતી.

‘મંથન’ના સર્જનના દિવસોમાં અમારી નોકરી અમૂલની કણજરી ગામે આવેલી દાણ ફૅક્ટરીમાં હતી. એની મુલાકાતે ડૉ. કુરિયનની સાથે શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાની આવવાના હતા એની જાણકારીની સાથે એ પણ ખબર આવ્યા હતા કે અમૂલ તરફથી એક પિક્ચર બનાવવાનું છે. ત્યારે લાગ્યું કે અમૂલ દાણ પશુ આહારની કોઈ ઍડ-ફિલ્મ બનવાની હશે. એવી તો કલ્પના જ નહોતી કે એ ફિલ્મ ઓસ્કર અવૉડ્ર્સઆમાં બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મની કૅટેગરીમાં ભારત તરફથી મોકલી શકાય એવી જબરદસ્ત બનવાની હતી. ‘મંથન’માં પ્રીતિ સાગરને મેરો ગામ કાઠા પારે... એમ ગાતાં સાંભળો કે સ્મિતા પાટીલને ગુજરાતી લહેજામાં અમેરે ગામ મેં... જેવા સંવાદો સાંભળવાની મજા જ કંઈ ઓર હતી. જોકે ‘મંથન’માં પણ શ્યામ બેનેગલની પ્રથમ પસંદગી શબાના પર હતી. પરંતુ બેનેગલના શબ્દોમાં ત્યાં સુધીમાં શબાના સ્ટાર બની ચૂકી હતી અને વ્યસ્ત પણ, કારણ કે ત્યાં સુધીમાં તેણે શશિ કપૂર સાથે ‘ફકીરા’નું શૂટિંગ કરવા માંડ્યું હતું. એ વ્યસ્તતાનો ખ્યાલ એ હકીકત પરથી પણ આવી શકશે કે એના પછીના જ વર્ષે ૧૯૭૭માં શબાનાની ‘અમર અકબર ઍન્થની અને ‘પરવરિશ’ સહિતની ૧૦ કમર્શિયલ ફિલ્મો આવી હતી.

 ‘મંથન’ના એક સીનમાં સ્મિતા પમ્પથી આવતા પાણીના પ્રવાહે ખેતરમાં પોતાના પગ ધૂએ છે ત્યારે અસલ ગામઠી રીતે કપડાં ઊંચાં કરીને બેસે છે. એ વખતે સામે ઊભેલા ગિરીશ કર્નાડ બિંદુ બનેલી સ્મિતા પાટીલના ઢીંચણથી નીચેના ખુલ્લા ભીંજાતા ખૂબસૂરત પગને જોયા કરે છે. ત્યારે સ્મિતા તમારી ઘરવાળી રૂપાળી હૈ? એમ પૂછીને પોતાના રૂપને તાકી રહેલા ડૉક્ટરને મોઘમ રીતે ઠપકારે છે. પણ ‘ચક્ર’માં ઝૂંપડપટ્ટીની રહેવાસી તરીકે ખુલ્લી જગ્યામાં નહાતી વખતે એવો શિક્ટાચાર રાખવાને બદલે લાલચભરી નજરે જોનારા સફાઈ- કામદારને સંભળાવે છે : હરામી, તેરી આંખેં ફુટ જાએગી. એ ફિલ્મ અમે અમદાવાદમાં પહેલી વાર જોઈ અને અમ્મા બનતાં સ્મિતાજી અને લુકાના પાત્રમાં નસીરુદ્દીન શાહથી એટલાબધા પ્રભાવિત થવાયું હતું કે ૧૨થી ૩નો શો જોઈને નીકળ્યા પછી તરત ત્રણ વાગ્યાના શોમાં એ જ ફિલ્મ ફરીથી જોઈ હતી!

એટલું જ નહીં, ૧૯૮૨ના વર્ષના અંતે ફિલ્મફેર અવૉર્ડï્સના વાચકોએ કરવાના મતદાનમાં નસીરભાઈ અને સ્મિતાજી બન્નેને શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીના વિભાગમાં નૉમિનેટ કર્યાં. એ વખતે એ નૉમિનેશનમાં જોખમ એ હતું કે પંદર વર્ષ પહેલાં ૧૯૬૭માં ‘ગાઇડ’ને બાદ કરતાં ત્યાં સુધીમાં એક જ પિક્ચરનાં હીરો અને હિરોઇન બેઉને અવૉર્ડ્સ એ અગાઉ કદી નહોતા મળ્યા, પરંતુ આનંદની વાત એ હતી કે અંતિમ પરિણામ આવ્યું ત્યારે નસીર-સ્મિતા બન્નેને ‘ચક્ર’ માટે પુરસ્કાર મળ્યો અને અમને તમામ કૅટેગરીમાં અમારા નૉમિનેટ કરેલા ઉમેદવારો પુરસ્કૃત થતાં ફિલ્મફેર તરફથી ઇનામનો (૨૫૦૦ રૂપિયાનો) ચેક મળ્યો! ‘ચક્ર’ સમાંતર પ્રવાહની ફિલ્મ હોવા છતાં ટિકિટબારી પર ખૂબ સફળ રહી હતી, જેનો યશ હરીફો સ્મિતા પાટીલના પેલા જાહેર સ્નાનના સીનને આપતા હતા. જ્યારે હકીકત એ હતી કે એ સીનમાં પણ સ્મિતાજીને છેતરાવાનું જ થયું હતું. એને લીધે પિક્ચર રિલીઝ થવાના દિવસોમાં સ્મિતા પાટીલ ભારે ગુસ્સામાં હતાં.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK