આજના ભણેલા-ગણેલા યુવાનો પણ જન્માક્ષરમાં માને છે એ કરુણતા છે

એક પ્રવાસમાં જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને એમાં ઊંચી ડિગ્રી મેળવેલા ભાઈનો પરિચય થાય છે.

મેરા ભારત મહાન! મગર કભી કભી - ભગવાનજી રૈયાણી


એક પ્રવાસમાં જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરીને એમાં ઊંચી ડિગ્રી મેળવેલા ભાઈનો પરિચય થાય છે. એક પછી એક કેટલાંક ભાઈ-બહેનોના હાથ જોઈને તેઓ મારો હાથ જોવા માગે છે.

‘હું મારો હાથ કોઈને બતાવતો નથી.’

‘કેમ?’

‘કારણ કે જ્યોતિષમાં હું નથી માનતો.’

મારા સ્પષ્ટ જવાબથી વિદ્વાન જ્યોતિષીને જરા માઠું લાગે છે.

જ્યોતિષ એક સંપૂર્ણ શાસ્ત્ર છે અને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ અને નક્ષત્રોનાં ગતિ અને ગણિત પ્રમાણે એ માણસનું ભવિષ્ય ભાખે છે વગેરે દલીલો તેમણે કરી, જે મારા સિવાય લગભગ બધાના ગળે ઊતરી ગઈ.

‘ધારો કે એ સાચું પડતું હોય તો પણ હું આવનાર સમયની ઘટનાઓ અગાઉથી જાણી લઈને જીવન જીવવાનો રોમાંચ નષ્ટ કરવા નથી માગતો. નાટક કે સિનેમા જોતાં પહેલાં એની વાર્તા જાણી લઈએ તો જોવાની મજા શી આવે?’ હું સ્પષ્ટતા કરું છું.

મુંબઈની ફુટપાથો પર કેટલાક જ્યોતિષીઓ તેમનાં ટીપણાં પાથરીને બેઠા હોય છે. તેમના ચહેરા, કપડાં અને પગરખાં પર ગરીબી આંટો લઈ ગઈ હોય છે. હું એકને પૂછું છું, ‘તમારું પોતાનું ભવિષ્ય કેમ નથી જોતા?’

‘પોતે પોતાનું ન જોઈ શકાય.’ એ ભાઈ જવાબ આપે છે અને તેની બાજુમાં બેઠેલો જ્યોતિષી એમાં સૂર પુરાવે છે.

‘તો તમે બન્ને એકબીજાના જોષ જોઈને પૈસા બનાવવાનું પ્લાનિંગ કેમ નથી કરતા?’ તેઓ જવાબ નથી આપી શકતા.

માનવજાત માટે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો અને ઉપગ્રહો એ બધા હજારો વર્ષ સુધી બ્રહ્માંડના વણઊકલ્યાં રહસ્યો હતાં. આપણા પંડિતો અને વિદ્વાનો પણ તારામંડળના આ સભ્યોને દેવ અને ઋષિઓનાં નામ આપી એમનાં ગતિ, સ્વરૂપ અને અંતરની કલ્પનાઓ કર્યા કરતા; પરંતુ ખગોળશાસ્ત્રના વિકાસની સાથે-સાથે એમની આસપાસ ગૂંથાયેલાં રહસ્યોનાં જાળાં ઉકેલાતાં ગયાં અને એ ગ્રહો, ઉપગ્રહો કે નભોમંડળના અન્ય ચમકતા પદાથોર્ વાયુ અને પથ્થર-ખડકોના પદાર્થોથી વિશેષ કંઈ નથી અને એમનાં ગતિ અને પરિભ્રમણો પણ એમના પરના ગુરુત્વાકર્ષણના પ્રભાવ મુજબ ચાલ્યા કરે છે એમ સાબિત થતું ગયું, પરંતુ ગ્રહોની સાથે જોડાયેલી દૈવી અને આસુરી કલ્પનાઓનાં મિશ્રણથી રચાયેલા જ્યોતિષશાસ્ત્રમાંથી માનવજીવન પર પડનાર પ્રભાવની અસરો વિશેની લોકમાન્યતાઓ અકબંધ રહી અને ઊલટું વહેમ અને ઉકેલની શોધ માટે માનવી વધુ ઉત્સુક બન્યો.

મુરત કે ચોઘડિયું જોવા સિવાય માણસની છઠ્ઠીથી માંડીને ઉત્તરક્રિયા સુધીનું કોઈ પણ કામ ન થઈ શકે એવો સજ્જડ પ્રભાવ આ જ્યોતિષશાસ્ત્રોનો છે. બાળકનું નામ પાડવું, તેને નિશાળે મોકલવું, વેવિશાળ, લગ્ન, બહારગામ જવું, નવો ધંધો શરૂ કરવો, મકાનનું ખાતમુરત કે વાસ્તુપૂજા, નવા ઘરમાં રહેવા જવું, કથાપારાયણ, રાજકારણી હોય તો ક્યારે ચૂંટણીપ્રચાર શરૂ કરવો, ચૂંટાય તો ક્યારે પદગ્રહણ કરવું વગેરે દરેક બાબતમાં જ્યોતિષની મદદ લેવાય છે.

બાળક જન્મે એ સમય, સ્થાનની નોંધણી સાથે તેની કુંડળી કે જન્માક્ષર કે હૉરોસ્કોપ તૈયાર કરવા માટે આપણે જોષી પાસે દોડી જઈએ છીએ. જેમના ઘરમાં હાંડલાં કુસ્તી કરતાં હોય એવા જોષીમહારાજ બાળકના સમૃદ્ધ ભવિષ્યનું રેખાચિત્ર એમાં દોરી આપે. સાથે અમુક-અમુક સંજોગોમાં રાહુ, મંગળ કે શનિની ઘાત આવશે એની ચેતવણી પણ આપી દેશે.

કોઈ પણ ભવિષ્યવાણીના બે જ જવાબ હોય છે - ક્યાં આમ થશે કે નહીં થાય. ફિફ્ટી-ફિફ્ટી. આગાહી સાચી પડે તો એ કરનારની વાહવાહ થઈ જાય અને ત્યાં શ્રદ્ધાળુઓની લાઇન લાગે. ખોટી પડે એ આગાહીની કોઈ દરકાર નથી કરતું. આમ મહારાજની ભાખરી શેકાતી રહે છે. લોકો સાચું પડે એ યાદ રાખે છે અને ખોટું પડે એ ઉદારતાથી ભૂલી જાય છે.

આ દૂષણ તો હવે શહેરોમાં અને ખાસ કરીને સવર્ણોમાં એટલુંબધું વધી રહ્યું છે કે આ જેટયુગમાં હવે કમ્પ્યુટર પર કુંડળીઓ બનાવીને વેપાર કરનારાઓ છાપાંઓમાં તોતિંગ જાહેરખબરો દ્વારા અઢળક ધન ઉસેટી રહ્યા છે.

કરુણતા તો એ છે કે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા આજનાં ભણેલાં-ગણેલાં યુવકો અને યુવતીઓ પણ જન્માક્ષરમાં માનવા લાગ્યાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK