અધ્યાત્મ કલ્પદ્રુમને તમે જાણો છો?

આજે અહીં ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ નામના ગ્રંથની વાત કરવી છે.

જૈન દર્શન - ચીમનલાલ કલાધર


આજે ઘર-ઘરમાં પ્રચલિત અને આપણા નવસ્મરણમાં સ્થાન પામનાર ‘સંતિકરં સ્તોત્ર’ના રચયિતા વિક્રમના તેરમા સૈકામાં થયેલા આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિ છે. શ્રી મુનિસુંદરસૂરિ સહસ્ત્રાવધાની હતા. દક્ષિણ ભારતના સારસ્વતોએ તેમની અપ્રતિમ વિદ્વત્તા જોઈને તેમને ‘કાલી સરસ્વતી’નું બિરુદ આપ્યું હતું. એ વખતના બાદશાહ મુઝફ્ફર ખાને તેમને ‘વાદી ગોકુળષંઢ’નું બિરુદ આપ્યું હતું. પોતાની કુશાગ્ર સ્મરણશક્તિથી, અપૂર્વ કલ્પનાશક્તિથી અને પૂર્ણ ન્યાયશક્તિથી આ મહાન જ્યોતર્ધિર સમગ્ર ભારતમાં છવાઈ ગયા હતા. તેમણે ‘ત્રિદશતરંગિણી’, ‘ઉપદેશરત્નાકર’, ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’, ‘સ્તોત્રરત્નકોશ’, ‘મિત્રચતુષ્કકથા’, ‘સંતિકરં સ્તોત્ર’, ‘તપાગચ્છપટ્ટાïવલી’, ‘શાંતસુધારસ’ વગેરે કૃતિઓનું સર્જન કર્યું હતું.

અહીં ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ની થોડી વાતો પ્રસ્તુત કરીએ છીએ. ‘અધ્યાત્મ’ એટલે આત્મસંબંધી વિચારણા અને ‘કલ્પદ્રુમ’ એટલે ઇચ્છિત વસ્તુ આપનાર કલ્પવૃક્ષ. જેમ કલ્પવૃક્ષ પાસે આવીને યાચના કરનારને ઇચ્છિત વસ્તુ મળે છે એમ ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ પાસે આત્મિક સૃષ્ટિને લગતો કોઈ પણ પદાર્થ માગનારને એ મળવાનો જ છે. આ સંસારના જીવને નિજસ્વરૂપ રમણતા પ્રાપ્ત થાય છે અને આત્માને કર્મની નિર્જરા કરાવી આ ક્રિયાને જીવનમાં સ્થાન મળે એ વાતનું વિસ્તૃત વિવેચન ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ મહાન કૃતિને કર્તાએ સોળ પ્રકારના અધિકારથી અલંકૃત કરી છે. આ સોળ અધિકારો નીચે પ્રમાણે છે:

(૧) સમતાધિકાર (૨) સ્ત્રીમમત્વમોચનાધિકાર (૩) અપત્યમમત્વમોચનાધિકાર (૪) ધનમમત્વમોચનાધિકાર (૫) દેહમમત્વમોચનાધિકાર (૬) વિષયપ્રમાદ ત્યાગાધિકાર (૭) કષાય ત્યાગાધિકાર (૮) શાસ્ત્રાગુણાધિકાર (૯) ચિત્ત દમનાધિકાર (૧૦) વૈરાગ્યોપદેશાધિકાર (૧૧) ધર્મશુદ્ધયુપદેશાધિકાર (૧૨) દેવ-ગુરુ-ધર્મશુધ્યાધિકાર (૧૩) યતિશિક્ષોપદેશોધિકાર (૧૪) મિથ્યાત્વાદિનિરોધાવિકાર (૧૫) શુભવૃત્તિશિક્ષોપદેશોધિકાર (૧૬) સામ્ય સર્વસ્વાધિકાર.

૩૬૬ શ્લોકોમાં સંસ્કૃત ભાષામાં આલેખાયેલા ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ નામના આ ગ્રંથમાં એના કર્તાએ એની સોળ શાખાઓ વર્ણવી છે. સત્યમાર્ગ તરફ લઈ જનારી અને વાંછિત ફળ આપનારી આ સોળ શાખાવાળું વૃક્ષ કંઈ નાનકડું નથી. એ તો વિરાટ વટવૃક્ષ સમું છે એમ કર્તા કહે છે. ગ્રંથકર્તાનો અધ્યાત્મ ઉપદેશ લોકોને હિતના માર્ગે વાળવાનો છે. આ સોળ પ્રકારની શાખાઓનું ટૂંકું વિવેચન અહીં પ્રસ્તુત છે:

(૧) સમતાધિકાર : આ પ્રથમ અધિકારમાં સમતાના સ્વરૂપની વિચારણા અને એનાં સાધનો બતાવવામાં આવ્યાં છે. (૨) સ્ત્રીમમત્વમોચનાધિકાર : બીજા અધિકારમાં ઐહિક પદાર્થોમાં આસક્તિ થવાનાં મુખ્ય કારણો દર્શાવી એમાંથી મુક્તિ મેળવવાની ચર્ચા કરવામાં આવી છે. (૩) અપત્યમમત્વમોચનાધિકાર : અહીં અપત્ય એટલે સંતાન, પુત્ર-પુત્રાદિ એવો અર્થ છે. કેટલાક જીવો પોતાના પુત્ર-પુત્રાદિમાં સતત આસક્ત રહે છે એટલે પોતાનાં સંતાનોના ઉછેરમાં ધર્મસંસ્કાર અને પ્રામાણિકતાના પાઠ ભણાવવાનું તો સાવ ભૂલી જાય છે. આવી મોહાંધ સ્થિતિના નિવારણ માટે અહીં ઉપાયો બતાવ્યા છે. (૪) ધનમમત્વમોચનાધિકાર : ચોથા અધિકારમાં ‘પૈસો મારો પરમેશ્વર’ની વૃત્તિની ટીકા કરીને ધનની આસક્તિ છોડવા વિશદ વિચારણા કરવામાં આવી છે. (૫) દેહમમત્વમોચનાધિકાર : પાંચમા અધિકારમાં દેહની આસક્તિ જ દુર્ગતિનું મૂળ છે. દેહ પરના મમત્વને દૂર રાખવા અહીં ચર્ચા કરવામાં આવી છે. (૬) વિષયપ્રમાદ ત્યાગાધિકાર : આ અધિકારમાં ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત ન રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. (૭) કષાય ત્યાગાધિકાર : ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો જીવનું અધ:પતન કરાવવા કારણભૂત છે એની વિશદ વિચારણા અહીં કરવામાં આવી છે. (૮) શાસ્ત્રાગુણાધિકાર : આ અધિકારમાં શાસ્ત્રાભ્યાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એમાં પંડિતો અને વિદ્વાનોમાં પ્રવર્તતી વિદ્વત્તાનો અહંકાર ઘણો હાનિકારક ગણાવ્યો છે. (૯) ચિત્ત દમનાધિકાર : ગમે એટલી ક્રિયા કરવામાં આવે, ગમે એટલી યોગસાધના કરવામાં આવે, ગમે એટલું જ્ઞાન ભણવામાં આવે, ગમે એટલી તપર્યા કરવામાં આવે; પરંતુ જીવને પોતાના મનની સ્થિરતા ન હોય તો તે પોતાનું જીવન સાર્થક કરી શકતો નથી. એની વિશદ ચર્ચા-વિચારણા આ અધિકારમાં કરવામાં આવી છે. (૧૦) વૈરાગ્યોપદેશાધિકાર : આ સંસારમાં વિષયરાગ છૂટી જાય, વસ્તુરૂપ એના યથાસ્થિત આકાર સમજાય એ હેતુથી ગ્રંથકર્તાએ આ અધિકારમાં વૈરાગ્યગર્ભિત વિચારણા આપી છે. (૧૧) ધર્મશુદ્ધયુપદેશાધિકાર : આ અધિકારમાં ધર્માચરણની શુદ્ધિના વિવિધ પ્રકારો દર્શાવી એને સ્વીકારવાનો આદેશ અપાયો છે. (૧૨) દેવ-ગુરુ-ધર્મ-શુદ્ધાધિકાર : આ અધિકારમાં દેવ-ગુરુ-ધર્મની વિશેષ વિચારણા કરવામાં આવી છે. એમાંય ગુરુપરીક્ષા અને ગુરુશુદ્ધિ પર વિશેષ ભાર મુકાયો છે. (૧૩) યતિશિક્ષોપદેશાધિકાર : આ અધિકાર સાધુભગવંતો વિશેના છે. સંસારનો ત્યાગ કરીને સંયમ જીવન સ્વીકારનાર શ્રમણ ભગવંતોને જિનાજ્ઞા પ્રમાણે જીવવાની અહીં વિશદ વિચારણા થઈ છે. (૧૪) મિથ્યાત્વાદિનિરોધાધિકાર : આ અધિકારમાં પાંચ પ્રકારના મિથ્યાત્વાદિ સંવરનો નિર્દેશ કરી જીવને મન-વચન-કાયાના યોગો પર અંકુશ મેળવવા માટે પ્રકાશ પાડવામાં આવ્યો છે. (૧૫) શુભવૃત્તિશિક્ષોપદેશોધિકાર : આ અધિકારમાં જીવને નિત્ય બે ટંકના આવશ્યક કરવા, તપર્યા કરી કર્મની નિર્જરા કરવા, શિલાંગ ધારણ કરવા, યોગ-રૂંધન કરવા, ઉપસર્ગો સહન કરવા, સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન બનવા, ઉપદેશ દેવા, આત્મનિરીક્ષણ કરવા વગેરે શુભ પ્રવૃત્તિઓનો લાભ બતાવવામાં આવ્યો છે. (૧૬) સામ્ય સર્વસ્વાધિકાર : છેલ્લા આ અધિકારમાં સમતા વિશે વિશેષ નિરૂપણ કરવામાં આવ્યું છે. સમતાથી મળતું સુખ અને એ સુખોના પ્રકારો બતાવી છેવટે સમતા જ જીવને મોક્ષે પહોંચાડી શકે એ વાત સિદ્ધ કરવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK