એક મુઠ્ઠી અજવાળું - વેર, વહાલ અને વિશ્વાસના ત્રિભેટે ઊભેલા પુરુષની પ્રેમકથા - પ્રકરણ - ૨૬

સવારના પહોરમાં છાપું આવતાંની સાથે પ્રણવની છાતીના ધબકારા વધી ગયા. તે સડસડાટ પગથિયાં ઊતરીને નીચે આવ્યો. ગેસ્ટરૂમમાં સૂતેલા સોહમને તેણે ઢંઢોળીને જગાડ્યો.

નવલકથા - કાજલ ઓઝા વૈદ્ય

‘શૂટઆઉટ, શૂટઆઉટ...’ તેણે બૂમો પાડી.

સોહમ સફાળો બેઠો થયો, ‘ક્યાં છે? ક્યાં થયું શૂટઆઉટ?’

તેણે ઊંઘમાંથી ઊઠીને પૂછ્યું.

‘પોલીસ-સ્ટેશનમાં શૂટઆઉટ થયું.’ પ્રણવે છાપું છુટ્ટું ફેંક્યું. ‘આ દેશમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ જ નથી. આવી રીતે જાહેર રસ્તા પર શૂટઆઉટ થાય ને પોલીસ બંગડી પહેરીને બેસી રહે એવું તો આ દેશમાં જ થાય.’

તેણે ગુસ્સામાં પલંગ પર મુક્કો પછાડ્યો, ‘કહે છે કે કોઈને ખબર જ નથી કે શૂટઆઉટ કોણે કર્યું ને કેમ કર્યું?’

‘કામ ડાઉન...’ સોહમ પલંગમાંથી ઊભો થયો, ‘કયા પોલીસ-સ્ટેશનમાં શૂટઆઉટ થયું?’

તેને હજી એક ને એક બે થતા નહોતા. ઊંઘમાંથી હમણાં જ જાગેલા સોહમનું મગજ કામે લાગે એ પહેલાં તો પ્રણવે બૂમાબૂમ કરી મૂકી હતી.

‘અરે! જાહ્નવી જે પોલીસ-સ્ટેશનમાં છે ત્યાં.’

પ્રણવની આ વાત સાંભળતાં જ સોહમની ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ. ‘તેને વૅનમાંથી ઉતારીને અંદર લઈ જતા હતા ત્યારે...’ કહીને પ્રણવે પલંગ પર પડેલું છાપું ઉઠાવીને સોહમ તરફ ફેંક્યું, ‘લે વાંચ.’

સોહમે છાપું પોતાના હાથમાં લીધું. પ્રણવ બેચેનીમાં આંટા મારવા લાગ્યો. ‘મારી પત્ની પર કોઈ રિવૉલ્વરમાંથી ગોળી છોડે છે ને એના સમાચાર મારે છાપામાં વાંચવા પડે. આનાથી વધારે કમનસીબી બીજી કઈ હોય? આઇ હેટ ધિસ કન્ટ્રી. આઇ હેટ ધ સિસ્ટમ... સાલા પૈસાખાઉ ભ્રષ્ટાચારીઓ... દર્શન પટેલને પૂછ, કેટલા પૈસા જોઈએ છે? હું તૈયાર છું. હવે એમ તો એમ, આમાંથી છૂટીએ બસ.’

પ્રણવ આંટા મારી રહ્યો હતો અને લગભગ સ્વગત બોલી રહ્યો હતો. પ્રણવે ફેંકેલું છાપું હાથમાં લઈને સોહમ એક-એક લીટી ધ્યાનથી વાંચી રહ્યો હતો. તેના ચહેરાના હાવભાવ પળેપળ બદલાઈ રહ્યા હતા.

‘શૂટઆઉટ જાહ્નવી પર નથી થયું.’ તેણે છાપું મૂક્યું, ‘પેલા હરામખોર શરણના બચ્ચા પર થયું છે.’ તેણે નિર્ણય જાહેર કર્યો.

‘તને એક લાફો મારી દઈશ હું.’ પ્રણવ ગુસ્સામાં સોહમ તરફ ધસી ગયો, ‘કોના પર થયું એ અગત્યનું નથી, જાહ્નવી એ શૂટઆઉટમાં મરી ગઈ હોત તો?’

‘તો આપણે બન્ને છૂટત.’ સોહમ પણ સામે ગુસ્સે થઈ ગયો. બાળપણની દોસ્તીમાં બન્ને એકબીજા સાથે આવી છૂટ લઈ લેતા.

લડી-ઝઘડીને, એકબીજાને ગાળો દઈને, એકબીજાનો વિરોધ કરીને, ગરમાગરમ દલીલો કર્યા પછી પણ એ બે જણ ક્યારેય એકબીજાથી દૂર નહોતા થયા. ‘અહીં બેસીને શું કરી શકીએ આપણે?’ તેણે સહેજ શાંત થઈને પૂછ્યું.

‘પેલા વકીલે સાચું કહ્યું હતું. જાહ્નવીના માથે ખતરો છે.’ પ્રણવે કહ્યું, ‘મારે જાહ્નવીને મળવું જોઈએ. તેણે એ બ્લુ ફાઇલ લીધી છે કે નહીં એ સમજી લેવું પડે. બ્લુ ફાઇલ મળે તો ખબર પડે કે એમાં એવા કયા કાગળો છે જેના માટે કોઈક માણસ મજીઠિયા પરિવારના બધાનો જીવ લેવા બેઠો છે.’

‘જાહ્નવી પોલીસ-કસ્ટડીમાં છે, રિમાન્ડ પર...’ સોહમે કહ્યું, ‘એમ મળવા નહીં દે તને.’

‘તું રિક્વેસ્ટ કર દર્શનને, પાંચ મિનિટ મળવું છે.’ પ્રણવે કહ્યું. અત્યાર સુધી પ્રણવે કોઈ કાયદાનાં યુદ્ધો જોયાં જ નહોતાં. પાસપોર્ટ ઇન્ક્વાયરી સિવાય તે કોઈ દિવસ પોલીસ-સ્ટેશનમાં પણ નહોતો ગયો એટલે તેને લાગતું હતું કે દર્શનને વિનંતી કરવાથી તે જાહ્નવીને મળવા દેશે. સોહમ આ બધી ગૂંચ સમજતો હતો, પણ પ્રણવને કોઈ રીતે ગળે ઉતારી શકતો નહોતો.

‘એમ રિક્વેસ્ટ કરવાથી કંઈ ન થાય.’ સોહમ સ્લિપરમાં પગ નાખીને બાથરૂમ તરફ જવા લાગ્યો, ‘ઑફિશ્યલ પરમિશન લેવી પડે. જજ પાસે જઈને કાગળો કરાવવા પડે. વૅલિડ કારણ જોઈએ.’

‘આ ફાઇલ નહીં મળે તો કોઈ જાહ્નવીનો જીવ લેશે એ વૅલિડ કારણ નથી?’ પ્રણવે પૂછ્યું.

‘છે.’ સોહમે કહ્યું. તે પ્રણવની નજીક આવ્યો. તેણે પ્રણવની આંખમાં આંખ નાખી, તેને ખભેથી પકડીને હચમચાવ્યો. ‘જાગો ડૉક્ટર... તારા કહેવાથી કોઈ કારણ વૅલિડ નથી થતું. આવી કોઈ બ્લુ ફાઇલ હતી એવું કેવી રીતે સાબિત કરી શકીશ? આ હુમલો જાહ્નવી પર થયો એમ તું કહે છે, જજ શું કામ માને?’ તેણે જરા જોરથી કહ્યું, ‘જરા સમજવાની કોશિશ કર. એક અઠવાડિયા સુધી તું હવે કંઈ નહીં કરી શકે.’

‘તો?’ પ્રણવ ડઘાઈ ગયો. તેણે પૂછ્યું, ‘તો એક અઠવાડિયા સુધી...’

‘હું મારા ઘરે જઈશ. મારાં કામ પતાવીશ.’ સોહમે કહ્યું. આજે ઘણા દિવસ પછી તેણે પોતાના વિશે કોઈક વાત કરી, ‘તને સમજાય છે? હવે આ મહિનાઓ, વર્ષો સુધી ચાલશે. હું અહીં નહીં રહી શકું. મારે જવું પડશે.’

પ્રણવનો ચહેરો એકદમ સફેદ થઈ ગયો. સોહમે નોંધ્યું કે તેની વાત સાંભળીને પ્રણવ જાણે રિયલિટીની દુનિયામાં આવી ગયો. સોહમે એ તકનો લાભ લઈને આગળ કહી જ નાખ્યું, ‘તું પણ આવતી કાલથી ક્લિનિક જવાનું શરૂ કર.’

પ્રણવ તેની સામે જોઈ રહ્યો હતો. તેની આંખોમાં એક વિચિત્ર જાતનો અવિશ્વાસ, સોહમની વાત માન્યામાં ન આવતી હોય એવો ભાવ હતો. સોહમે એ ભાવને અવગણીને આગળ કહ્યું, ‘ભારતની કોર્ટમાં દાખલ થયેલા કેસો સદીઓ સુધી ચાલે છે. બાપ મરી જાય, તેના દીકરા મરી જાય તોય કેસના ચુકાદા ન આવે એવા કિસ્સા છે; સમજ્યો? એને માટે કામધંધો છોડીને ઘરે ન બેસાય.’

‘આ તું કહે છે?’ પ્રણવે નંખાઈ ગયેલા અવાજે પૂછ્યું.

‘હા, હું કહું છું. કાળજું કઠણ કરીને સાંભળી લે. તું ડિપ્રેશનમાં આવી જઈશ કે ઘરે બેસીને ચોવીસ કલાક આ જ વિચાર કર્યા કરીશ એથી ઇન્ડિયન જુડિશ્યરીના પાયા હચમચી નહીં જાય.’

‘ને જાહ્નવી?’ પ્રણવે છેલ્લા પ્રયત્નની જેમ સવાલ કર્યો, ‘તેનું શું?’

‘ફ...હર...’ સોહમે કહ્યું, ‘પેલા હરામખોરને ઘરમાં બોલાવીને તેની સાથે સૂતી વખતે તારી બૈરીએ તારો વિચાર કર્યો?’ સોહમે પૂછ્યું, ‘ને તું વેવલાની જેમ ચોવીસ કલાક તેના નામની માળા જપે છે. પ્રેમમાં પડ્યો એ દિવસથી હું તને કહેતો હતો, પણ તેં મારું સાંભળ્યું નહીં.’

છેલ્લાં ત્રણ વર્ષથી મનમાં સંઘરી રાખેલી વાત સોહમના હોઠ પર આવી ગઈ, ‘તે તને પ્રેમ જ નથી કરતી. તારી સાથે તેણે જબરદસ્તી લગ્ન કર્યાં છે. લીલાધર શ્રીવાસ્તવના ડરથી.’ તેણે કહ્યું.

પ્રણવે આ સાંભળીને ‘ના’માં ડોકું ધુણાવ્યું, ‘એવું નથી.’ તેણે કહ્યું. તેની આંખોમાં પોતે જે કહી રહ્યો હતો એ દૃઢપણે માને છે એવો આત્મવિશ્વાસ સ્પષ્ટ વંચાતો હતો.

‘તો મર.’ સોહમે ગુસ્સામાં કહ્યું, ‘કોઈનું માનતો જ નથી. કોણ જાણે એવું શું છે તે બાઈમાં!’ સોહમનું વાક્ય પૂરું થાય એ પહેલાં પ્રણવે તેને કૉલરમાંથી પકડી લીધો.

સોહમ સહેજ ઝંખવાયો, પણ હવે સત્ય કહી જ દેવું જોઈએ એમ વિચારીને તેણે હિંમતપૂર્વક કહ્યું, ‘આંખો ઉઘાડ... તારા પૈસા, મહેનત, વર્ષો... બધું બરબાદ થઈ જશે. સ્વીકારી લે કે આ બાઈ ખૂન કરી શકે.’

‘નોઓઓઓ...’ કૉલરમાંથી પકડેલા સોહમને ભયાનક રીતે હચમચાવતાં પ્રણવે રાડ પાડી, ‘નેવર... જાહ્નવી કોઈને મારી શકે જ નહીં.’ કહીને તેણે સોહમને ધક્કો માર્યો, તેના કૉલર છોડી દીધા. ‘મારે માટે તે મારી પત્ની છે. કોઈ પણ સંજોગોમાં અને કોઈ પણ સ્થિતિમાં.’ સોહમ કંઈ બોલ્યો નહીં. પ્રણવે છેલ્લું વાક્ય બોલતો હોય એમ કહ્યું, ‘તું કહે છે એમ કદાચ તે મને પ્રેમ ન કરતી હોય તો પણ હું તો તેને પ્રેમ કરું છુંને?’ તેણે કહ્યું. ï

સોહમ નવાઈથી તેની સામે જોઈ રહ્યો હતો. પ્રણવ આગળ બોલતો રહ્યો, ‘તે મને પ્રેમ નથી કરતી એવું જાણીને મારો પ્રેમ મરી પરવારે તો એ પ્રેમ ન કહેવાય, બીજું જ કંઈ કહેવાય.’ પ્રણવે કહ્યું, ‘પ્રેમના બદલામાં પ્રેમ મળે એ બધા નસીબદાર કહેવાય, પણ ન મળે એથી આપણો પ્રેમ ખતમ થઈ જાય એ કેવું?’

‘તું કઈ માટીનો બન્યો છે?’ સોહમે નજીક જઈને પ્રણવના બન્ને ખભે હાથ મૂક્યા, ‘સતયુગમાં જનમવું જોઈતું હતું તારે, મારા રામ!’ તેણે કહ્યું.

સોહમનું ગળું ભરાઈ આવ્યું. તેની આંખોમાં પાણી આવી ગયાં. તે પ્રણવની સામે જોતો રહ્યો.

‘રામ-બામ કંઈ નહીં.’ પ્રણવ હજી એટલો જ સ્વાભાવિક હતો. તેના અવાજમાં સત્યનો રણકો હતો. ‘એક વાતનો જવાબ આપ. મેં આવું કર્યું હોત... એટલે કે કોઈ સ્ત્રી સાથે રાત વિતાવી હોત ને જાહ્નવીએ મને માફ કર્યો હોત તો એ નૉર્મલ હોત.’

સોહમની આંખો પહોળી થઈ, ‘એક સ્ત્રીએ તો આવું કરવું પડે, કરવું જ જોઈએ; રાઈટ?’ પ્રણવે પૂછ્યું. પછી ઉમેર્યું, ‘પણ પુરુષ પોતાની પત્નીને આવી નાનીસરખી બેવફાઈ માટે માફ કરે તો એ બહુ મોટી ઘટના કહેવાય. પુરુષ રામ થઈ જાય...’

‘એવું નહીં પણ...’ સોહમે બોલ્યો. આગળ શું કહેવું એ તેને સૂઝ્યું નહીં.

‘એવું જ.’ પ્રણવે પોતાની વાત પૂરી કરી, ‘હું જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધી આ વાર્તાની જિગ્સૉના કેટલાક પીસ મિસિંગ છે. એ પીસ જાહ્નવી પાસે છે જ નહીં અથવા તો તે આપણાથી છુપાવે છે.’ પ્રણવે સ્વગત, પોતાની જાતને જ કહેતો હોય એમ કહ્યું, ‘હજી આ વાતમાં કેટલાંક અધૂરાં સત્યો છે. આપણે એ સત્યો શોધવાં પડશે.’

પછી સોહમ સામે જોઈને સુધાર્યું, ‘મારે! મારે શોધવાં પડશે એ સત્યો.’

તેણે સ્નેહથી સ્મિત કર્યું, ‘તું સાચો છે. તારે ઘરે જવું પડશે...’ પ્રણવે ઉમેર્યું, ‘જવું જોઈએ.’

‘તને આમ મૂકીને જવાનું મન નથી થતું.’ સોહમ આગળ વધીને પ્રણવને ભેટી પડ્યો.

‘હું ઠીક છું.’ પ્રણવે પોતાના બન્ને હાથ સોહમની પીઠ પર લપેટી દીધા, ‘ધીમે-ધીમે વધુ ઠીક થઈ જઈશ.’

તેણે સોહમને બન્ને ખભેથી પકડીને સહેજ દૂર કર્યો. પછી તેની સામે જોઈને સહજ સ્મિત કરીને કહ્યું, ‘તારી વાત સાચી છે, હું આવતી કાલથી ક્લિનિક પણ જઈશ.’

સોહમે રાહતનો શ્વાસ લીધો. પ્રણવે ઉમેર્યું, ‘આજે એક વાર... જાહ્નવીને મળવાનો પ્રયાસ કરીશ હું.’ કહીને તેણે ફોન ઉઠાવ્યો, ‘દર્શન પટેલને પૂછી જોઈશ. તે હા પાડે તો...’

ફોન ડાયલ કરીને પ્રણવ કિચન તરફ જવા લાગ્યો. સોહમ તેને જતો જોઈ રહ્યો. પછી માથું ધુણાવીને તેણે વિચારો ખંર્ખેયા ને બાથરૂમ તરફ ચાલ્યો ગયો.

€ € €

‘ગુડ મૉર્નિંગ.’ જમીન પર ચાદર પાથરીને સૂતેલી જાહ્નવી અચાનક દર્શન પટેલનો અવાજ સાંભળીને ચોંકી. તેને ઊંઘ તો આવી જ નહોતી, પણ વહેલી સવારની ઠંડકમાં જરાક ઝોકું આવ્યું હતું એ પણ દર્શનનો અવાજ સાંભળીને તૂટી ગયું, ‘ઊંઘ તો નહીં જ આવી હોય.’ દર્શને કહ્યું, ‘ચા આવી છે, પી લો.’

એક બાર-તેર વર્ષનો છોકરો હાથમાં પકડેલા સ્ટૅન્ડમાં મૂકેલા કાચના પ્યાલા અને બીજા હાથમાં કીટલી પકડીને ઊભો હતો. દર્શનની વાત સાંભળીને તેણે કીટલી જમીન પર મૂકી કાચના પ્યાલા ફટાફટ ટેબલ પર ગોઠવી દીધા ને અભ્યાસુ હાથે એમાં ચા રેડવા લાગ્યો. ‘હું સવાલ-જવાબ શરૂ કરું એ પહેલાં તમારે ફ્રેશ થવું હોય તો પાછળ લેડીઝ ટૉઇલેટ છે. નહાવાની સગવડ નથી અમારે ત્યાં.’

દર્શને સ્મિત કર્યું. તેનો રૂક્ષ ચહેરો અને જાડી મૂછો નીચે દેખાતા હોઠ, આછી દંતપંક્તિ સામે જાહ્નવી જોઈ રહી. ‘શરણ?’ તેણે પૂછ્યું.

‘જીવે છે.’ દર્શનનું સ્મિત અકબંધ હતું, ‘આજથી તેના ક્લાસ શરૂ થશે.’ એનું સ્મિત સહેજ ફેલાયું, ‘તમારી સાથે જ ક્લાસ લઈશુંને તેના?’

‘એક વાત પૂછું?’ દર્શનની એક લેડી કૉન્સ્ટેબલે ખોલેલા દરવાજામાંથી વાંકી વળીને બહાર આવતાં જાહ્નવીએ પૂછ્યું, ‘તમે સાચે જ માનો છો કે મેં ખૂન કર્યું છે?’ ï

તેણે આખી રાત આ વિચારીને આ સવાલ દર્શનને પૂછવાનું નક્કી કર્યું હતું. ગઈ કાલની આખી રાત જાહ્નવીએ પાછલા ત્રણ દિવસમાં બનેલી બધી જ ઘટનાઓને એક પછી એક ગોઠવીને જોવાનો, સમજવાનો, એમાંથી અર્થ તારવવાનો અને પોતાના બચી શકવાની શક્યતાઓ તપાસવાનો પ્રયાસ કર્યો હતો. આખી રાતના મનોમંથન પછી જાહ્નવીને એક વાત સમજાઈ હતી. દર્શનના મનમાં શું છે એ સમજવું બહુ જરૂરી હતું. તેણે જો મનોમન જાહ્નવીને ખૂની માની લીધી હશે તો તે મારીમચડીને જાહ્નવીને ખૂની સાબિત કર્યા વગર રહેશે નહીં, પણ જો તે બેનિફિટ ઑફ ડાઉટ આપવા તૈયાર હોય તો હજીયે બચવાની શક્યતાઓ બાકી રહેતી હતી. આ બધું વિચાર્યા પછી જાહ્નવીએ સીધો સવાલ દર્શન તરફ ફેંક્યો.

‘મારા માનવાથી શું થાય છે?’ દર્શને જવાબ ટાળ્યો, પરંતુ જાહ્નવીનો સવાલ તેના મન અને મગજમાં ઊંડો ઊતરી ગયો હતો. તેને પણ સમજાયું કે આજથી જે સવાલ-જવાબ શરૂ થવાના હતા, ઇન્ટરોગેશન કે રિમાન્ડ શરૂ થવાના હતા એ પહેલાં પોતે પોતાની જાતને આ સવાલ પૂછવો જ પડે એમ હતો. તેનું આખુંય તંત્ર જાહ્નવીના સવાલથી હચમચી ઊઠ્યું.

‘તમે જે માનતા હશો એ સાબિત કર્યા વગર નહીં રહો.’

જાહ્નવીની બેબાક સ્પષ્ટતાથી દર્શન થોડોક વધુ હચમચી ગયો, ‘હવે એટલા ઓળખી શકી છું તમને.’

જાહ્નવીએ કહ્યું, ‘તમે ખરાબ માણસ નથી, પણ જીદ્દી છો.’

દર્શન તેના તરફ જોઈ રહ્યો. ‘ધાર્યું કરશો એ દેખાય છે, પણ શું ધારો છો એ સમજાતું નથી.’

કહીને જાહ્નવીએ ચાનો પ્યાલો ઉપાડ્યો. ‘નવાઈ લાગે છેને?’

તેણે સહજતાથી સ્મિત કર્યું. ‘મેં ગઈ કાલે રાત્રે નક્કી કરી લીધું છે. હવે જે થાય તે, સ્વીકારી લેવાનું. નસીબ, સમય અને પરિસ્થિતિ સામે નહીં લડું હું.’

કહીને તે શાંતિથી ચા પીવા લાગી.

આનો કોઈ નવો દાવ, નવી ચાલ છે કે શું? દર્શન વિચારવા લાગ્યો. વિચિત્ર બાઈ છે. ક્યારેક રડે છે, કરગરે છે, ઢીલી થઈ જાય છે તો ક્યારેક એવો આત્મવિશ્વાસ બતાવે છે કે આપણને હલાવી નાખે. તેણે મનોમન ઍનૅલિસિસ કરવા માંડ્યું, મલ્ટિપલ પર્સનાલિટી છે? સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ હશે કે શું?

‘શું વિચારો છો?’ જાહ્નવીએ પૂછ્યું, ‘હું કોઈ ચાલ નથી ચાલતી.’

જાણે દર્શનના મનની વાત સમજી ગઈ હોય એમ તેણે કહ્યું, ‘મારા ઘરમાં, મારા ડ્રેસરમાં જે વૉર્ડરોબ છે એના ત્રીજા ખાનામાં મારાં લેગિંગ્સ મૂક્યાં છે. બધાં લેગિંગ્સની થપ્પીમાં નીચેનાં ત્રણ લેગિંગ્સ છોડીને બાકીની થપ્પી ઊંચી કરશો તો તમને મમ્મીના કબાટની ડુપ્લિકેટ ચાવી મળી જશે.’

તેણે કહ્યું, ‘બ્લુ ફાઇલ એની નીચેના ખાનામાં, મારી સિલ્કની સાડીઓનાં પ્લાસ્ટિકના કવર્સમાંથી પહેલાં બે કવર છોડીને ત્રીજા કવરની બીજી સાડી નીચે મૂકી છે.’ દર્શન ડઘાઈને સાંભળતો રહ્યો. ‘બીજી સાડીની નીચે અને ત્રીજીની ઉપર.’

જાહ્નવીએ ચા પૂરી કરીને ગ્લાસ ટેબલ પર મૂકી દીધો, ‘કેટલાં વર્ષો પછી બ્રશ કર્યા વગર ચા પીધી.’

તેણે સ્વાભાવિકતાથી કહ્યું, ‘હૉસ્ટેલમાં હતી ત્યારે આવું કરતી.’

કહીને તે પાછી લૉક-અપ તરફ જતી હતી ત્યારે સહેજ અટકી. તેણે પાછા ફરીને દર્શન તરફ જોયું, ‘એક બીજી વાત.’

હવે આ કયું રહસ્ય ખોલવાની છે? દર્શને વિચાર્યું. તેને સ્વપ્નેય કલ્પના નહોતી કે જાહ્નવી આટલી સરળતાથી તેને ડુપ્લિકેટ ચાવી અને ફાઇલ આપી દેશે.

‘તમે મારી પૂછપરછ શરૂ કરો એ પહેલાં એક બીજી વાત કહી દઉં તમને.’ જાહ્ન્વીએ સ્વસ્થતાથી કહ્યું, ‘એ ફાઇલ મેં શરણને બતાવી જ નહીં. મને સમજાઈ ગયું કે શરણ એ ફાઇલ જોયા પછી પણ મારી મદદ નહીં કરી શકે.’

તેણે કહ્યું, ‘હું નીચે ઊતરી ત્યારે મમ્મીને પડખું ફરીને સૂતેલાં જોયાં મેં. તેમને ઊંઘી ગયેલાં જોઈને મેં કબાટ ખોલ્યું, ફાઇલ કાઢી. ફાઇલ કાઢીને પાછાં ફરતી વખતે મારી નજર મમ્મી તરફ ગઈ. તે લોહીમાં લથપથ હતાં. બે ક્ષણ માટે મને સમજાયું નહીં કે મારે શું કરવું જોઈએ. તેમના રૂમની સ્લાઇડિંગ વિન્ડોનો દરવાજો ખુલ્લો હતો.’

દર્શન કંઈ પૂછવા જાય એ પહેલાં જાહ્નવીએ કહ્યું, ‘મેં કોઈ અવાજ સાંભળ્યો નહોતો.’

દર્શનના શ્વાસ થંભી ગયા હતા. એક અઠવાડિયું મહેનત કરીને પણ કદાચ જે માહિતી તેને મળી ન શકી હોત એ માહિતી જાહ્નવી તેને સાવ સ્વાભાવિકતાથી, લગભગ વગર માગ્યે જ આપી રહી હતી, ‘હું તો રાહ જ જોતી હતી કે મમ્મી ઊંઘી જાય. હું એ જોવા ઊતરી હતી કે મમ્મી ઊંઘી ગયાં કે નહીં...’

દર્શન કંઈ જ બોલ્યો નહીં. ‘પાણી લેવા કે બીજા કોઈ કામે નહોતી ઊતરી નીચે.’ જાહ્નવીએ કહી નાખ્યું.

‘હંમ્...’ દર્શને ડોકું ધુણાવ્યું.

આટલું કહીને જાણે પોતાનું એક મહત્વનું કામ પત્યું હોય એમ જાહ્નવી ચૂપચાપ મક્કમ પગલે લૉકઅપના દરવાજા પાસે જઈને ઊભી રહી. લેડી કૉન્સ્ટેબલે દર્શન સામે જોયું. દર્શન કંઈ બોલી શકે એવી સ્થિતિમાં જ નહોતો રહ્યો જાણે. લેડી કૉન્સ્ટેબલે લૉકઅપનો દરવાજો ખોલ્યો. જાહ્નવી નીચી નમીને દાખલ થઈ. છેક ખૂણામાં જઈને દીવાલને ટેકો દઈને તે નિરાંત જીવે બેસી ગઈ. તેણે પોતાનાં બન્ને ઘૂંટણ વાળીને પગ સંકોચી લીધા. પોતાના બન્ને હાથ ઘૂંટણની આજુબાજુ લપેટીને માથું ઢાળી દીધું.

દર્શન તેને ટૂંટિયું વાળીને બેઠેલી જોઈ રહ્યો.

€ € €

‘હું શું કરું ? તમે મને હેરાન કરશો એનાથી કંઈ નહીં વળે.’ અભિષેક ઝવેરી ફોન પર કોઈકની સાથે ઝઘડી રહ્યો હતો, ‘મારાં આટલાં વર્ષની કરીઅરમાં મને ધમકી આપવાની કોઈની હિંમત નથી થઈ. સરકારી વકીલ છું, નોકર નથી તમારો...’ અભિષેકની બૂમો સાંભળીને તેની પત્ની બહાર આવી. વાપુર વિસ્તારમાં આવેલી ફાઇવ ગ્ણ્ધ્ની ભવ્ય વિલાની પહેલા માળની બાલ્કનીમાં તે ઊભો હતો. અભિષેકના ચહેરા પર ચિંતા અને ઉશ્કેરાટ હતાં. જાહ્નવીના રિમાન્ડ મંજૂર થયા પછી છેલ્લા ચોવીસ કલાકમાં તેના પર વીસથી પચીસ ફોન આવ્યા હતા, જેમાં જાહ્નવીના રિમાન્ડ મંજૂર થવા માટે તે જવાબદાર છે એવું કહીને તેને ધમકીઓ આપવામાં આવી રહી હતી. પહેલા બે-ચાર ટેલિફોનથી તો અભિષેક ડર્યો, પણ પછી તેને સમજાયું કે ડરવાથી કંઈ નહીં થાય. તેણે છેલ્લા ત્રણ-ચાર ફોનમાં તો પૂરી હિંમત અને તાકાતથી બૂમાબૂમ કરીને જવાબ આપવા માંડ્યા હતા, ‘હું તમારી કોઈ મદદ કરી શકું એમ નથી. જે ધમકી તમે મને આપો છો એ જજસાહેબને આપી હોત તો તમારું કામ થઈ ગયું હોત.’

તેણે લૉજિકલ દલીલ કરી.

સામેના છેડે દરેક વખતે જુદા અવાજ અને જુદા માણસ હતા એ અભિષેકની કુશાગ્ર બુદ્ધિ અને ઝીણી નજરની બહાર નહોતું. ‘જુઓ,’ તેણે જરાક ગંભીર થઈને કહ્યું, ‘એક અઠવાડિયા માટે જાહ્નવી પોલીસ-કસ્ટડીમાં છે. એ લોકો જાહ્નવી પાસે શું માહિતી કઢાવશે એવી તમને બીક લાગતી હોય તો તમારે પોલીસ-કસ્ટડીમાં...’ તેણે વાક્ય અધૂરું છોડ્યું. પછી ધીમે રહીને ઉમેર્યું, ‘દર્શન પટેલ તો નહીં તૂટે.’

તેણે કહ્યું, ‘રઘુવીરસિંહ મોંઘો છે, પણ અવેલેબલ છે.’

અભિષેકની પત્ની આ સાંભળીને સહેજ અચકાઈ. સામેથી કોણ જાણે શું વાત થઈ, એ તો અભિષેકની પત્નીને સમજાયું નહીં. તે સહેજ આગળ વધીને અભિષેકની બાજુમાં ઊભી રહી. તેની હાજરીનો એહસાસ થતાં જ અભિષેક ઝવેરીએ વાત પૂરી કરી, ‘રઘુવીરસિંહ ઝાલાનો પ્રાઇસ ટૅગ વાંચી લો. કામ પતી જશે.’ 

તેણે છેલ્લું વાક્ય કહ્યું, ‘જાહ્નવી મજીઠિયા મારી ક્લાયન્ટ નથી, મારી સામે છે. તેને બચાવવામાં મને જરાય રસ નથી બલકે તેને સજા થાય તો હું જ જીતુંને?’

આટલું કહીને તેણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. બાજુમાં ઊભેલી પત્ની તેના તરફ જોઈ રહી.

‘શું?’ અભિષેકે પત્નીની આંખો વાંચીને પૂછ્યું, ‘શું છે? શું જુએ છે? પહેલાં કોઈ દિવસ મને કેસની વાતો કરતો નથી સાંભળ્યો?’

પત્નીએ થોડીક ક્ષણ કશું કહ્યા વગર અભિષેકની આંખોમાં જોયા કર્યું. પછી ધીમેથી, પણ દૃઢતાથી કહ્યું, ‘તમને ખરેખર લાગે છે કે જાહ્નવીએ ખૂન કર્યું હશે?’

‘શું ફેર પડે છે?’ અભિષેકે ખભા ઉલાળ્યા, ‘તેને ખૂની સાબિત કરવી એ મારી જૉબ છે.’

‘નિર્દોષ હોય તો પણ?’ તેની પત્નીએ પૂછ્યું. અભિષેકની પત્ની ભાગ્યે જ તેના કામમાં કે કેસમાં રસ લેતી. અભિષેક અને તેની પત્નીની ઓળખાણ જ લૉ કૉલેજમાં થઈ હતી. લગ્ન પછી તેણે ક્યારેય કાયદા કે બંધારણની વાત ઘરમાં કરી નહોતી. LLBની ડિગ્રી ધરાવતી તે સીધીસાદી ગૃહિણી અચાનક આ સવાલ પૂછી બેઠી એનાથી અભિષેકને એટલું ચોક્કસ સમજાયું કે જાહ્નવીનો કેસ હવે માત્ર કોર્ટરૂમ ડ્રામા નથી રહ્યો બલકે એક સામાન્ય માણસની કન્સર્ન, તેનો રસ બની ગયો છે.

‘તે નિર્દોષ હોત તો તેના પર શૂટઆઉટ ન થાત એટલું તો તમને સમજાતું જ હશે.’ તેની પત્નીએ કહ્યું.

અભિષેક તેની પત્ની સામે જોઈ રહ્યો, ‘શૂટઆઉટ તેના પર થયું જ નથી. એ તો શરણને મારવા...’

‘આઇ ડોન્ટ બિલીવ!’ તેની પત્નીએ કહ્યું, ‘અભિષેક, હું કોઈ દિવસ તમારા બિઝનેસમાં, તમારા કામમાં કશું બોલી નથી.’ અભિષેક સાંભળતો રહ્યો, ‘પણ એક પત્ની તરીકે કહું છું કે આપણા જેવા ભણેલા-ગણેલા સમજદાર પરિવારોમાં સ્ત્રીી ખૂન કરે એ વાત માન્યામાં નથી આવતી. ગરોળી કે વાંદો ન મારી શકતી અમારા જેવી સ્ત્રીઓ માણસને કેવી રીતે મારી નાખે? માણસને મારી નાખવા માટે બહુ મજબૂત કાળજું જોઈએ. આપણા ઘરોમાં દીકરીઓને આવા કાળજા સાથે ઉછેરવામાં નથી આવતી.’

તે બોલતી રહી, ‘આપણી દીકરી કે હું... ખૂન કરીએ એવાં લાગીએ છીએ તને?’

‘આમાં તારી વાત ક્યાં આવી?’ અભિષેક અકળાયો.

‘હું કરી શકું કે નહીં?’ એની પત્નીએ પૂછ્યું.

‘વાહિયાત સવાલ છે.’ અભિષેક જવાબ આપવા તૈયાર નહોતો, પણ તેના મન અને મગજમાં જવાબ મળી ચૂક્યો હતો.

‘છતાં આ વાહિયાત સવાલનો જે જવાબ તમને મળે એ જ જવાબ સાચો છે અભિષેક.’ તેની પત્નીએ કહ્યું. તે આગળ વધીને બાલ્કનીના કઠેડા પર પોતાની કોણી મૂકીને ઊભી રહી. સામે દેખાતા ક્લબ હાઉસની હરિયાળી લૉન તરફ, આકાશ તરફ જોતાં તેણે કહ્યું, ‘ભારતીય બંધારણ કહે છે કે સો ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ.’

‘તો?’ અભિષેકે જોરથી પૂછ્યું.

‘તો...’ તેની પત્નીએ આકાશ તરફથી નજર હટાવીને સીધું અભિષેક તરફ જોયું. અભિષેક એ નજરનો સામનો ન કરી શક્યો. ‘બસ, એટલું યાદ રાખજો.’ તેણે કહ્યું. અભિષેક પાસેથી કોઈ જવાબ કે પ્રતિભાવની અપેક્ષા ન હોય એમ તે ધીમા પગલે બાલ્કનીમાંથી રૂમમાં થઈને ઘરની અંદર ચાલી ગઈ.

અભિષેક કશું કહી ન શક્યો. તે પોતાની પત્નીની પાછળ જવા ડગલું ઉપાડે એ પહેલાં તેનો ફોન રણક્યો. તેણે હાથમાં પકડેલા ફોન તરફ જોયું. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર ચમકી રહ્યો હતો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK