૨૦૧૪-૨૦૧૮ જીતેલા જાદુગરોનો જાદુ હવે આટલાં વર્ષે ઓસરી રહ્યો છે અને પપ્પુનું રાહુલ ગાંધી ધ કૉન્ગ્રેસ પ્રેસિડન્ટમાં રૂપાંતર થઈ રહ્યું છે

હું પોતે જ દરેક સમસ્યાનો ઉકેલ છું. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણે જે રીતે મોઢું ખોલીને અજુર્નને વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું એમ. હું ગરીબોનો બેલી છું, પાકિસ્તાનનો સંહારક છું, ચીન માટે ચુનૌતી છું,   ભ્રષ્ટાચારીઓનો દુશ્મન છું, બીમારો માટે તબીબ છું, દરેક બીમારીનો ઇલાજ છું, ગંદકી સામે ઝાડુવાળો છું વગેરે. મી (એટલે કે હું), મની, મીડિયા અને મૅનેજમેન્ટ નામના ચાર M સામે અરવિંદ કેજરીવાલ હારી ગયા અને રાહુલ ગાંધી પપ્પુ બની ગયા હતા

rahul

નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

આજે અહીં બે જાદુગર અને એક પપ્પુની વાર્તા કહેવી છે.

થોડાં વરસ પહેલાંની વાત છે. અતીતમાં બહુ દૂર જવાની જરૂર નથી. ૨૦૧૦ની સાલ સુધી તમારી સ્મૃતિને રિવાઇન્ડ કરો. દિલ્હીમાં યોજાનારી કૉમનવેલ્થ ગેમ માટે કરવામાં આવતી તૈયારીમાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યાં હતાં. કૌભાંડોના આર્કિટેક્ટ કૉન્ગ્રેસના નેતા અને ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિએશનના અધ્યક્ષ સુરેશ કલમાડી હતા. એ જ અરસામાં ૨૦૧૦ની સાલના નવેમ્બર મહિનામાં નીરા રાડિયાની ઑડિયોટેપ બહાર આવી હતી. ૨ઞ્ સ્પેક્ટ્રમના અલૉટમેન્ટમાં કેવડું મોટું કૌભાંડ હતું એની વિગતો એ ટેપ દ્વારા બહાર આવી હતી. ડૉ. મનમોહન સિંહની સરકારમાં ડી. રાજાને ટેલિકૉમ ખાતાના પ્રધાન બનાવવામાં આવે એ માટે ઉદ્યોગપતિઓ આતુર હતા અને નીરા રાડિયા દ્વારા તેઓ લૉબિંગ કરતા હતા. લૉબિંગ કરનારાઓમાં પત્રકારો પણ હતા.

વિનોદ રાયનું નામ હજી તમે ભૂલ્યા નહીં હો. ૨૦૦૮ની સાલમાં એ વખતના નાણાપ્રધાન પી. ચિદમ્બરમે તેમની કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (CAG -કૅગ) તરીકે નિયુક્તિ કરી હતી. તેમની મુદત પાંચ વરસની એટલે કે ૨૦૧૩ સુધી હતી. ૨૦૦૮થી ૨૦૧૧ સુધી વિનોદ રાય કહ્યાગરા હતા. ૨૦૧૧ પછી અચાનક વિનોદ રાય ક્રૂઝેડર બની ગયા અને એક પછી એક કૌભાંડોના ફુગ્ગાઓ ચગાવવા લાગ્યા હતા. અતિશયોક્તિ એટલે કેવી અતિશયોક્તિ. દસ-દસ ગણી અતિશયોક્તિ કરવામાં આવી હતી. દસ રૂપિયા ખવાયા હોય તો સો રૂપિયા કહેવાના. તેમણે પોતે જ કબૂલ કર્યું હતું કે દેશની પ્રજાનું ભ્રષ્ટાચાર તરફ ધ્યાન આકર્ષવા તેમણે અતિશયોક્તિ કરી હતી. ધ્યાન તો આકર્ષાવાનું જ હતું, કારણ કે કૅગનો અહેવાલ આવતો હતો; પછી ભલે અતિશયોક્તિયુક્ત ખોટો હોય. દરેક કૌભાંડ બે-અઢી લાખ કરોડ રૂપિયાનું.

અહીં ભૂતપૂર્વ કૅગ ત્રિલોકી નાથ ચતુર્વેદીની યાદ આવે છે. કૅગ તરીકે તેમની નિયુક્તિ રાજીવ ગાંધીએ ૧૯૮૪માં કરી હતી. તેઓ પણ પ્રથમ ચાર વરસ કહ્યાગરા રહ્યા હતા અને પછી છેલ્લાં બે વરસમાં અચાનક ક્રૂઝેડર બની ગયા હતા. એ જ કાર્યપદ્ધતિ. ભ્રષ્ટાચારના અતિશયોક્તિભર્યા આંકડા. ૧૯૮૯માં કૉન્ગ્રેસના પરાજયમાં કૅગનો મોટો હાથ હતો જેમ ૨૦૧૪માં કૉન્ગ્રેસના પરાજયમાં હતો. કૅગના અહેવાલનું એક વજન છે જેને લોકો સાચું માની લેતા હોય છે. કૉન્ગ્રેસ સરકારના પતન પછી ટી. એન. ચતુર્વેદીને ગવર્નર બનાવવામાં આવ્યા હતા જે રીતે વિનોદ રાયને ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જો ચતુર્વેદી અને રાયે સરકારી લાભના હોદ્દાઓ ન લીધા હોત તો સ્વીકારી લેત કે તેમનો કોઈ એજન્ડા નહોતો. અત્યારે શશિકાંત શર્મા નામના કોઈ ભાઈ કૅગ છે. તમે તેમનું નામ પણ સાંભળ્યું છે? શું એકાએક ગંદકી સોથી શૂન્ય પર આવી ગઈ છે?

૨૦૧૦ પહેલાં શ્રી શ્રી રવિશંકર નામના બાબાજી અમનની વાત કરતા હતા. શાંતિ અને સૌહાર્દ માટેની એ ભાઈમાં તાલાવેલી એટલી હતી કે તેમણે આતંકવાદીઓને સમજાવવા અને ભારત સાથે ભાઈચારો વિકસાવવા પાકિસ્તાન જવાની તૈયારી બતાવી હતી. ૨૦૧૦ પછી શ્રી શ્રીની જીભ લપસવા લાગી. તેમને સમજાઈ ગયું હતું કે હવે ઉદારમતવાદ સામે સંર્કીણ પ્રતિક્રિયા પેદા થઈ રહી છે. જ્યારે હિન્દુ હિન્દુ બનવા માગતો હોય અને હિન્દુ આપણો માંડવામાં ઘરાક હોય ત્યારે જે માલ વેચાતો હોય એ રખાય. આજકાલ મોટા ભાગના બાવાઓનાં ભગવાં/સફેદ વસ્ત્રો સેલ્સમૅનના યુનિફૉર્મ છે. એમાં સંન્યાસત્વ દૂર-દૂર સુધી નથી.

૨૦૧૦ પહેલાં બાબા રામદેવ મંચ પર દયાનંદ સરસ્વતી અને ગાંધીજીની તસવીર રાખીને યોગાસન કરાવતા હતા. માનસિક અશાંતિના યુગમાં જેમ-જેમ યોગાસનો પૉપ્યુલર થવા લાગ્યાં એમ-એમ બાબાની વગ વધવા લાગી અને હજી વધુ વગ મેળવવાની તરસ પણ વધવા લાગી. તેઓ પણ દેશપ્રેમી બની ગયા અને સ્વચ્છ જાહેર જીવનના યજ્ઞમાં સમિધા બનીને આવી પહોંચ્યા.

૨૦૧૦ પહેલાં અરવિંદ કેજરીવાલ ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં નોકરી કરતા હતા. નોકરીની સાથે-સાથે તેઓ સ્વચ્છ જાહેર જીવન માટે તેમ જ ગરીબોને ન્યાય મળે એ માટે કામ કરતા હતા. તેમણે પોતાની સંસ્થા સ્થાપી હતી અને અરુણા રૉય અને બીજાઓ સાથે મળીને રાઇટ ટુ ઇન્ફર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન, પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં સુધારો જેવાં કામો કરતા હતા. ૨૦૧૦ પછી જ્યારે કૌભાંડો બહાર આવવા લાગ્યાં અને વિનોદ રાયે એને ફુગાની જેમ ફુલાવવાનું ચાલુ કર્યું ત્યારે તેમણે ભ્રષ્ટાચાર નિમૂર્લંન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અરુણા રોય જેવા બીજા ઍક્ટિવિસ્ટો પ્રચારનું કામ કરતા હતા પણ રસ્તા પર નહોતા ઊતરતા. અરવિંદ કેજરીવાલ રસ્તા પર ઊતરવા માગતા હતા.

દિલ્હીમાં વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશન નામની સંસ્થા છે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંસ્થા છે અને એની સ્થાપના ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કરી હતી. BJP અને સંઘના નેતાઓને જ્યારે ખાતરી થઈ ગઈ કે ડૉ. મનમોહન સિંહની સરકારની વિરુદ્ધ વાદળો ઘેરાઈ રહ્યાં છે અને ઘેરાઈ રહેલાં વાદળોને એકઠાં કરીને અંબર ખડકી શકાય છે ત્યારે સંઘે પાછળ રહીને આ બધા પારકી છઠ્ઠીના જાગતલોને એકઠા કર્યા હતા. શ્રી શ્રી રવિશંકર, બાબા રામદેવ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, સ્વામી અગ્નિવેશ વગેરે વિવેકાનંદ કેન્દ્રમાં એકઠા થતાં હતાં અને દેશને ભ્રષ્ટાચારમુક્ત કરવા માટેની યોજના બનાવતાં હતાં.

બાબા રામદેવને લાગતું હતું કે વિદેશોમાં પડેલાં કાળાં નાણાંને મુદ્દો બનાવીને રસ્તા પર ઊતરવામાં આવે. અરવિંદ કેજરીવાલને એમ લાગતું હતું કે લોકપાલને મુદ્દો બનાવીને રસ્તા પર ઊતરવામાં આવે. એની વચ્ચે ૨૦૧૧ના પ્રારંભમાં આરબ દેશોમાં લોકોએ રસ્તા પર ઊતરીને પ્રચંડ આક્રોશનું પ્રદર્શન કર્યું. અમેરિકામાં લોકોએ ઑક્યુપાઇ વૉલ સ્ટ્રીટનું આંદોલન શરૂ કર્યું. આ બધાં આંદોલનો નેતાઓ વિનાનાં અથવા કોઈ મોટી ઓળખ ન ધરાવતા નેતાઓના નેતૃત્વમાં થયાં હતાં. આ જોઈને વિવેકાનંદ ફાઉન્ડેશનમાં જમા થનારા નેતાઓને સમજાઈ ગયું હતું કે ભારતમાં પણ આવું આંદોલન થઈ શકે એમ છે અને એ માટે કોઈ જયપ્રકાશ નારાયણની જરૂર નથી. એને માટે વ્યવસ્થા-પરિવર્તનના સાર્વત્રિક કાર્યક્રમની જરૂર નથી, લોકપાલ નામના અકસીર ઇલાજથી કામ ચાલી શકે એમ છે.

હવે હોડ શરૂ થઈ. આરબ સ્પ્રિંગની જેમ ઇન્ડિયન સ્પ્રિંગ માટે સમય પાકી ગયો છે અને મોટી હેડીના નેતાની કોઈ જરૂર નથી. ફરક એટલો હતો કે બાબા રામદેવ પાસે ભગવાં કપડાં હતાં, ખૂબ પૈસા હતા, પોતાની ચૅનલો હતી અને સંઘનું પીઠબળ હતું. અરવિંદ કેજરીવાલ પાસે આમાંનું કંઈ નહોતું એટલે તેમણે અણ્ણા હઝારેને શોધી કાઢ્યા હતા જે પવિત્ર અને પ્રામાણિક હોવાની ઇમેજ ધરાવે છે. અરવિંદ કેજરીવાલ અણ્ણા પાસે ગયા એ પહેલાં અમદાવાદમાં સર્વોદયી નેતા ચુનીભાઈ વૈદ્ય પાસે ગયા હતા અને કહ્યું હતું કે આંદોલન કરવા માટે અમને એક નેતાની જરૂર છે. ચુનીભાઈએ વાત સાંભળીને કહ્યું હતું કે પ્રશ્નોનું સરળીકરણ કરવાથી જટિલ અને સડેલી વ્યવસ્થામાં સુધારા થતા નથી; સરકારને બદનામ કરીને બદલી શકાય છે, વ્યવસ્થા નથી બદલાતી. ખેર, અરવિંદ કેજરીવાલને હઝારે મળી ગયા અને પહેલા રાઉન્ડમાં અરવિંદ કેજરીવાલ જીતી ગયા.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી ૨૦૦૨માં કરવામાં આવેલા મુસલમાનોના નરસંહારના કેસોમાં અને બીજા એન્કાઉન્ટરના કેસોમાં ફસાયેલા હતા. ઘણા સમયથી તેમની નજર દિલ્હી પર હતી, પરંતુ જ્યાં સુધી તેમને ક્લીન ચિટ ન મળે ત્યાં સુધી તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશી શકે એમ નહોતા. ૨૦૧૨માં તેમને ક્લીન ચિટ પણ મળી ગઈ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય પણ મળી ગયો. ૨૦૧૩થી નરેન્દ્ર મોદીએ નાવ દિલ્હી તરફ હંકારી. નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ અને બાબા રામદેવથી બે વરસ પાછળ હતા. વળી અરવિંદ કેજરીવાલ પહેલા રાઉન્ડમાં વિજેતા હતા. તેમનું આક્રમક રાજકારણ યુવાનોને આકર્ષતું હતું. આની વચ્ચે નરેન્દ્ર મોદીએ જગ્યા બનાવવાની હતી.

નરેન્દ્ર મોદીએ સમસ્યાઓના સરળીકરણનું પણ સરળીકરણ કરી નાખ્યું. હું પોતે જ દરેક સમસ્યાનો ઉકેલ છું. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણે જે રીતે મોઢું ખોલીને અજુર્ન ને વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું એમ. હું ગરીબોનો બેલી છું, પાકિસ્તાનનો સંહારક છું, ચીન માટે ચુનૌતી છું, ભ્રષ્ટાચારીઓનો દુશ્મન છું, બીમારો માટે તબીબ છું, દરેક બીમારીનો ઇલાજ છું, ગંદકી સામે ઝાડુવાળો છું વગેરે. મી (એટલે કે હું), મની, મીડિયા અને મૅનેજમેન્ટ નામના ચાર M સામે અરવિંદ કેજરીવાલ હારી ગયા અને રાહુલ ગાંધી પપ્પુ બની ગયા હતા.

આ બાજુ રાહુલ ગાંધી કલાવતીઓના ઘરે ભોજન આરોગતા હતા અને ગરીબોના ઘરે રાતવાસો કરતા હતા. તેમને એમ હતું કે ભારતની બહુમતી પ્રજા ગામડાંઓમાં વસે છે અને ગરીબ છે એટલે ગાંધીજીની માફક ગ્રામીણ ગરીબો સાથે તાર સાંધી લીધો એ પછી કોઈ પ્રતિસ્પર્ધીથી ડરવાની જરૂર નથી. ભારતમાં મોટો થતો જતો મધ્યમ વર્ગ, એની એષણાઓ, બદલાતો જતો ગ્રામીણ સમાજ, નિષ્પ્રાણ થઈ ગયેલી વ્યવસ્થા, એમાં પેઠેલો સડો, જાગતિક મંદી અને હાંફી ગયેલો વિકાસ, ભારતનું રાજકીય ચારિત્ર્ય અને એની સમસ્યાઓ, ભારતીય રાજકારણનું ચોવીસે કલાક ખડે પગે રાખનારું સ્વરૂપ વગેરે તેમને સમજાતું જ નહોતું. શરદ પવારે તેમને સલાહ આપી હતી કે તેમણે કેન્દ્રમાં પ્રધાન બનવું જોઈએ જેથી ખ્યાલ આવે કે વ્યવસ્થા અને વાસ્તવિકતા વચ્ચે કેટલું અંતર છે. રાહુલ ગાંધીએ પવારની સલાહ નહોતી માની. હું અને મારો હરિની જેમ હું અને મારા ગરીબ બાંધવો એમ રાહુલ ગાંધી બેસી રહ્યા હતા. તેમને એ પણ જાણ નહોતી કે વિવેકાનંદ ફાઉન્ડેશનમાં, રામલીલા મેદાનમાં અને ગાંધીનગરમાં શું ચાલી રહ્યું છે અને જો જાણ હતી તો એને ગંભીરતાથી લીધી નહોતી. એટલે તો રાહુલ ગાંધીને પપ્પુ તરીકે ઓળખાવવાનું શરૂ થયું.

આજે આટલાં વર્ષે જીતેલા જાદુગરોનો જાદુ ઓસરી રહ્યો છે અને પપ્પુનું રાહુલ ગાંધી ધ કૉન્ગ્રેસ પ્રેસિડન્ટમાં રૂપાંતર થઈ રહ્યું છે. યાદ રહે, રાહુલ ગાંધીનું રૂપાંતર રાહુલ ગાંધીને કારણે નથી થયું. તેઓ થોડા પરિપક્વ થયા છે, પરંતુ ખરા અર્થમાં પરિપક્વ રાજકારણી થવા માટે હજી ઘણી મજલ કાપવાની છે. તેમનું રૂપાંતર મુખ્યત્વે નરેન્દ્ર મોદીએ કરી આપ્યું છે. માત્ર અને માત્ર જાદુગરી અને વાતમાં કોઈ માલ નહીં. આજે કૉન્ગ્રેસ મહાસમિતિ રાહુલ ગાંધીના અધ્યક્ષપદને બહાલી આપશે. રાહુલ ગાંધી વિધિવત કૉન્ગ્રેસ-અધ્યક્ષ બનશે અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદીનો અને BJPનો મુકાબલો કરશે. આવા સિનારિયોની કલ્પના કોઈએ ૨૦૧૪માં કરી હોત તો લોકોએ હસી કાઢ્યા હોત, પરંતુ આજે એમાં સંભવના નજરે પડી રહી છે.

આવી સ્થિતિ ૨૦૧૪ના વિજેતા જાદુગરે તેમ જ રનર-અપ જાદુગરે પેદા કરી આપી છે અને રાહુલ ગાંધી ખાસ કંઈ કર્યા વિના લાભાર્થી છે. હા, સભ્યતા, સંસ્કારિતા અને સરોકારની મૂડી તેઓ ધરાવે છે અને એ તેમની પોતાની છે એટલે ઝાંખી પડે એમ નથી. પંચતંત્રમાંની કાચબા અને સસલા વચ્ચેની હરીફાઈની વાર્તા તો તમે વાંચી જ હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK