આજથી શરૂ થાય છે આ જગતને અકાળ અલવિદા કહી ગયેલી મધુબાલાની દાસ્તાન

મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ જેવાં ટાઇટલ આસાનીથી જીતી શકી હોત મધુબાલા

madhubala

કિનારે-કિનારે - સલિલ દલાલ

મધુબાલા રૂપ કા તુમ હો ખઝાના - ૧


મધુબાલાનું નામ પડતાં જ ઐશ્વર્યા રાયને થાય છે એવા અન્યાયની શરૂઆત થઈ જાય. જેમ બચ્ચન બહૂએ એવો જાહેર અફસોસ એક કરતાં વધુ વખત વ્યક્ત કર્યો છે કે મોટા ભાગના લોકો તેના રૂપનાં વખાણ કરીને અટકી જતા હોય છે અને તેના અભિનયની અથવા પડદા પાછળના પરિશ્રમની નોંધ બહુ ઓછી લેવાતી હોય છે. એવું જ કંઈક મધુબાલાના કિસ્સામાં પણ થતું... હજી થાય છે. જ્યારે પણ તેમનો ઝિક્ર આવે ત્યારે મધુબાલાના અપ્રતિમ સૌંદર્ય પર સમરકંદ-બુખારા ઓવારી જવાય. નો ડાઉટ, તે વિશ્વપ્રસિદ્ધ ‘લાઇફ’ મૅગેઝિનના ફોટો-ફીચરમાં સ્થાન પામવાનું બહુમાન મેળવનાર હિન્દી ફિલ્મ-જગતની પ્રથમ હિરોઇન હતી. મધુબાલાને તેના જમાનામાં મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સમાં જવાની તક મળી હોત તો તે પોતાની નૅચરલ બ્યુટીથી એવું ટાઇટલ જીતી શકી હોત એમ આસાનીથી કહી શકાય. ૧૯૬૯માં માત્ર છત્રીસ જ વર્ષની ઉંમરે અવસાન પામનાર એ રૂપસુંદરીની ગણના આજે પણ ઑલ ટાઇમ ઇન્ડિયન બ્યુટીમાં થાય છે અને ભર યુવાનીમાં ગુજરી જવાને કારણે તેને ઇન્ડિયન મૅરિલિન મનરો પણ કહેવાય છે. વળી દુનિયા આખીમાં પ્રેમીઓના પ્રિય વૅલેન્ટાઇન્સ ડે ૧૪ ફેબ્રુઆરીએ તેનો જન્મ થયો હોવાથી મધુબાલાને વીનસ ઑફ હિન્દી સિનેમા કહેવાય છે એ પણ ખરું. પરંતુ એ બધી પ્રશંસામાં મધુબાલાને એક અભિનેત્રી તરીકે અને એક વ્યક્તિ તરીકે કદાચ યોગ્ય ન્યાય નથી કરાતો.

મધુબાલાને મોટા ભાગના સિનેમાપ્રેમીઓ ‘મુગલ-એ-આઝમ’ની અનારકલી તરીકે ઓળખતા હોય છે અને અમારો આડકતરો પ્રથમ પરિચય પણ એ ભવ્ય કૃતિથી જ થયો હતો. એ સાલ અમને અર્બન પ્રમોશન મળ્યું હતું. અમારા સાવ નાનકડા પરા જેવા ગામમાં ત્રણ ધોરણથી આગળ ભણવાનું નહોતું. તેથી અગાઉના વર્ષે જ ચોથું ધોરણ બોરસદ મોસાળમાં રહીને ત્યાંની પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરવાનું થતાં ટૉકીઝ અને ફિલ્મોનો ઉપલક પરિચય થયો હતો. ત્યાંની નટરાજ ટૉકીઝમાં રોજ સાંજે થાળીવાજા પર વાગતાં ગાયનો એક ગજબનું આકર્ષણ હતાં. રોજ એકનાં એક ગીત એ જ ક્રમમાં વાગે અને તોય એનો અભાવ ન થાય બલકે રોજ એનો ઇન્તેજાર રહે! ત્યાંથી પાંચમા ધોરણમાં બોરસદની સરખામણીએ ઘણા મોટા શહેર વડોદરામાં અમારી જ્ઞાતિની લોહાણા બોર્ડિંગમાં રહીને ભણવાનું થતાં બઢતી થયાનો ભાવ થવાનું અને સિટી લાઇફથી અંજાવાનું સ્વાભાવિક હતું. બોર્ડિંગમાં સિનિયરોના મુખે ‘મુગલ-એ-આઝમ’ની રજૂઆત પહેલાંની ચર્ચાઓ સાંભળીને ઉત્સુકતા આખા છાત્રાલયમાં હતી. પિક્ચર રિલીઝ થવાની આગલી સાંજે દૈનિક ક્રમ અનુસાર બોર્ડિંગના વિદ્યાર્થીઓ માણેકરાવ અખાડામાં જઈને પાછા ફરતા હતા ત્યારે સિનિયરોની સાથે અમે પણ શારદા ટૉકીઝ પર ગયા હતા અને ત્યાંનું દૃશ્ય જોઈ આર્યથી આંખો પહોળી થઈ ગઈ હતી.

શારદામાં ‘મુગલ-એ-આઝમ’ રજૂ થવાની આગલી સાંજે જવાનો મૂળ આશય આમ તો ત્યાંની તૈયારીઓ જોવાનો હતો. પબ્લિસિટી માટે જરી ભરેલાં રંગીન વિશાળ બોર્ડ, કલાકારોના કટ-આઉટ તથા પિક્ચરના આવેલા લેટેસ્ટ ફોટો જોવા જવાનો એ આદર્શ સમય ગણાય; કેમ કે એક વાર અખાડામાંથી પરત છાત્રાલયમાં આવ્યા પછી જમવાનું, પ્રાર્થના અને સમયસર સૂઈ જવાનું એ નિત્યક્રમ શિસ્તબદ્ધ રીતે ભારે કડકાઈથી પાળવાનો થતો. ટૉકીઝ પર પહોંચીને અમે બધાએ જોયું કે એ ગુરુવારે ચાલતા પિક્ચરના છેલ્લા શો માટેની ટિકિટબારી ખૂલવાને પણ હજી કલાકેકની વાર હતી અને ટિકિટબારીની બાજુમાં લોકો આખી રાત સૂવાની તૈયારી સાથે ધાબળા અને ઓશીકાં લઈને ‘મુગલ-એ-આઝમ’ની ટિકિટ માટે લાઇનમાં બેસી ગયા હતા! સિનેમાના એ ક્રેઝનો એ સીન ક્યારેય દિલ-દિમાગમાંથી ખસ્યો નથી. એ પિક્ચરની હિરોઇન મધુબાલા!

ભવ્ય શીશમહેલના શાહી દરબારમાં પ્યાર કિયા તો ડરના ક્યા... મોટા પડદા પર ગાતી અનારકલી અન્ય સિનેપ્રેમીઓની માફક જ આજે પણ અમારી સ્મૃતિમાં અકબંધ છે. હજીયે યુટ્યુબ પર એ ગાયન જોતાં પાછા શારદા ટૉકીઝમાં બેસી ગયા હોઈએ એમ સમગ્ર થિયેટરને ચારે બાજુથી ગજવતા પ્રેક્ષકોની તાળીઓ, સીટીઓ અને ચીસો સંભળાવા લાગે છે. એને મનોવૈજ્ઞાનિકો હલુસિનેશન અથવા ભ્રમણા કહેશે, પણ અમારા માટે એ ગાયન સિનેમા-પ્રેમની તંદુરસ્તીનો બાલચમચો પીવા સમાન છે. એ વખતે બ્લૅક ઍન્ડ વાઇટ ‘મુગલ-એ-આઝમ’માં ગણતરીની રીલ રંગીન હતી અને ૨૦૦૪માં ટેક્નૉલૉજીની કૃપાથી આખી ફિલ્મ કલરમાં બનાવીને રજૂ થઈ ત્યારે લગભગ પચાસ વરસ પછી પણ ફરીથી તાળીઓ, સીટીઓ અને ચીસો સંભળાઈ જ હતી. સિનેમાનો જાદુ પાંચમા ધોરણના કુમળા માનસ પર જે આસાનીથી છવાયો એમાં ‘મુગલ-એ-આઝમ’નો અને વિશેષ તો આગલી સાંજે આખી રાત સૂવાની તૈયારી સાથે આવેલા પ્રેક્ષકોના આર્યજનક દૃશ્યએ હાઇબ્રિડ બિયારણનું કામ કર્યું હતું. એ પિક્ચર વિશે જોકે બોર્ડિંગમાં બે ભાગ પડી ગયા હતા અને તેથી મુસ્લિમ મધુબાલાને કે દિલીપકુમારને જોવાનો નજરિયો આજની દૃષ્ટિએ તંદુરસ્ત નહોતો.

દેશ આખા માટે મુસ્લિમ અને હિન્દુ કલાકારોને બિનસાંપ્રદાયિક રીતે જોવાની શરૂઆતના એ દિવસો હતા. એ સમય હજી રામભરોસે હિન્દુ હોટેલ અને ઑનેસ્ટ ઇસ્લામી રેસ્ટોરાંના બોર્ડનો હતો. ભાગલા પડ્યાના સમયે કરાચીથી જીવ બચાવીને આવેલા અને નિરાશ્રિત તરીકે મુંબઈમાં સેટલ થયેલા એક કુટુંબના વિદ્યાર્થીની જુબાને સાંભળેલી પાકિસ્તાનમાં થયેલા હિંસાચારની કરુણ કહાણીઓએ વિદ્યાર્થીઓમાં એક ગ્રુપ કોઈ પણ મુસ્લિમ કલાકારને સારા માનવા તૈયાર નહીં. તેથી એ સાલ અમારા વડોદરા આગમન અગાઉ શારદા ટૉકીઝમાં જ રજૂ થયેલી રાજ કપૂરની ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ સારી કે ‘મુગલ-એ-આઝમ’ એ ચર્ચામાં ધર્મનું મહત્વ રાખવાની પ્રાથમિક તાલીમ પણ એ કુમળી વયે ત્યાં જ મળી. પરંતુ જેમ-જેમ સમજ વિકસી તેમ-તેમ કળાની ટૅલન્ટ અને ધર્મને અલગ કરતાં શીખાયું ત્યારે દિલીપકુમારની મુસ્લિમ નાયિકા મધુબાલા વધારે ગમે કે રાજ કપૂરની હિન્દુ હિરોઇન પદ્મિની એવા ભેદભાવ પણ દૂધના દાંતની જેમ સ્વાભાવિક ક્રમમાં ખરી પડ્યા. દિલીપકુમાર આજીવન ગમતા કલાકાર રહ્યા અને ‘મુગલ-એ-આઝમ’ સિનેમાના આકર્ષણનો મૂળબૂત પાયો રહ્યો, પરંતુ સમજણના એ પ્રારંભિક દિવસોમાં મધુબાલા માટે કોઈ બહુ સારી વાતો સાંભળવા નહોતી મળતી.

એ દિવસોમાં બોર્ડિંગમાંના એક ગ્રુપના મતે તો મધુબાલા એટલે હિન્દુ કિશોરકુમારને ધર્મપરિવર્તન કરાવવા કરીમ અબ્દુલ નામ ધારણ કરાવીને નિકાહ પઢાવનાર મુસ્લિમ હિરોઇન! એ લગ્ન વિશે પણ સમય જતાં ઘણા ખુલાસા થયા અને મધુબાલાના જીવનમાં તેમના પિતાજી અતાઉલ્લા ખાનનું મહત્વ અથવા તો તેમના આધિપત્ય વિશે ઘણું જાણવા મળ્યું. અતાઉલ્લા અફઘાની પઠાણ હતા, જે અત્યારે પાકિસ્તાનના પ્રદેશ KPKના રહેવાસી હતા અને પશ્તો ભાષા બોલતા. KPK અર્થાત ખૈબર-પખ્તુનખ્વા આજનું નામ છે, જેનું અંગ્રેજોએ પાડેલું નામ NWFP એટલે કે નૉર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ હતું અને સરહદના ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાન ત્યાંની એ લડાયક કોમને ગાંધીચીંધ્યા માર્ગે આઝાદીની ચળવળ માટે દોરવણી આપતા હતા. તેમણે પોતાના લડવૈયાઓ (?)ને ખુદાઈ ખિદમતગાર તરીકે ઓળખાવતા સંગઠનની સ્થાપના ૧૯૨૯માં કરી દીધી હતી. મુસ્લિમ લીગ દ્વારા કરાતી અલગ પાકિસ્તાન બનાવવા માટે દેશના ભાગલા કરવાની દરખાસ્તના તે વિરોધી હતા. તેમને ભારત સાથે રહેવું હતું. એ વિસ્તારમાં એ સમયનું પણ વાતાવરણ તંગ તો હતું જ. અતાઉલ્લા પેશાવરમાં ઇમ્પીરિયલ ટબૅગો કંપનીમાં કામ કરતા હતા, જેની કૅપ્સ્ટન સિગારેટ અને મોટી સાઇઝની સિગાર બહુ જાણીતી હતી. એ નોકરી છૂટી ગઈ, જેનાં એક કરતાં વધુ કારણો સંશોધનમાં મળી આવે છે.

અતાઉલ્લાની નોકરી જવાના કારણમાં તેમની સૌથી નાની દીકરી શાહિદાના હવાલાથી એમ કહેવાયું છે કે એ ગરમ મિજાજ પઠાણને બ્રિટિશ ઑફિસર સાથે ઝઘડો થતાં તાત્કાલિક પોતાની ૧૫ વર્ષ જૂની એ જૉબને લાત મારીને નીકળી ગયા હતા. જ્યારે અન્ય એક રર્પિોટમાં કહેવાયું છે કે આઝાદીના એ જંગમાં ખાન અબ્દુલ ગફાર ખાનના પક્ષે હોવાથી તેમની ખરાબ રીતે હકાલપટ્ટી કરવામાં આવી હતી. અંગ્રેજો અને ભાગલાવાદી તત્વોનું વર્ચસ્વ એવું હતું કે તેમને પેશાવરમાં અન્ય કોઈ નોકરી મળે પણ નહીં. એટલે અતાઉલ્લા દિલ્હી આવી ગયા. તેમની પત્ની આઇશા બેગમને ૧૧ સંતાનો થયાં હતાં અને તેમાંનું પાંચમું બાળક એટલે મધુબાલા. તેમનાં ભાઈ-બહેનો પૈકીનાં પાંચ એટલે કે ત્રણ બહેનો અને બે ભાઈ નાનપણમાં જ મૃત્યુ પામ્યાં હોઈ તમામ ૬ હયાત બાળકો દીકરીઓ જ હતી. એ દિવસોમાં બાળમરણ-ઇન્ફન્ટ મૉર્ટલિટી સામાન્ય વાત હતી અને મુસ્લિમ હોય કે હિન્દુ, સંતાનપ્રાપ્તિ માટે એક કરતાં વધુ લગ્ન સ્વાભાવિક હતાં. આજે આર્ય લાગે એવી બાળકોની સંખ્યા એ દિવસોમાં ગર્વનું કારણ હતી. સ્ત્રીને મોટે ભાગે પ્રજોત્પત્તિના સાધન તરીકે અને ઉત્પન્ન થયેલાં બાળકોના ઉછેર માટે જવાબદાર ગણતો એ સમય હતો. એવા દિવસોમાં દિલ્હીમાં ૧૯૩૩ની ૧૪ ફેબ્રુઆરીએ બાળકીનો જન્મ થયો અને બેબીનું નામ પડાયું મુમતાઝ, જે મોટી થતાં તેનું સિનેમા માટેનું નામ પડ્યું હતું મધુબાલા! જન્મથી જ અત્યંત ખૂબસૂરત એવી એ બાળકીને જોઈને સૌકોઈ ખુશખુશાલ હતા, પણ ભાવિ ભાખનારા નજૂમીએ એક એવી આગાહી કરી કે મા-બાપ હચમચી ગયાં.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK