અર્ધસત્ય ખરેખર તો અસત્ય જ છે

નરો વા કુંજરો વા. આ ઉક્તિ અને એની પાછળ રહેલી મહાભારતની કથા ભારતમાં સુવિખ્યાત છે.

મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા


ગુરુ દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પૂછ્યું કે અશ્વત્થામા હણાયો છે કે કેમ? યુધિષ્ઠિરે કહ્યું, હા હણાયો છે. પછી ધીમા અવાજે કહ્યું, નરો વા કુંજરો વા (કુંજર એટલે હાથી). દ્રોણને અશ્વત્થામા એટલે કે પોતાનો પુત્ર અભિપ્રેત હતો. એ વખતે અશ્વત્થામા નામનો હાથી પણ હતો. ખરી રીતે તો એ હાથી જ ભીમના હાથે માર્યો ગયો હતો અને યુધિષ્ઠિરે હાથીના સંદર્ભમાં જ કહ્યું હતું કે અશ્વત્થામા માર્યો ગયો છે.

આપણને ખબર છે કે યુધિષ્ઠિરે નરો વા કુંજરો વા એમ શા માટે કહ્યું. દ્રોણાચાર્ય કૌરવોના આધારસ્તંભ હતા અને તેમણે અશ્વત્થામા હણાયાનું સાંભળ્યું ત્યારે ભાંગી પડ્યા. દ્રોણને વિશ્વાસ હતો કે યુધિષ્ઠિર ક્યારેય ખોટું નહીં બોલે. વાસ્તવમાં યુધિષ્ઠિરે પણ એક ક્ષણ માટે પોતાનો ધર્મ છોડ્યો અને ધીમા અવાજે નરો વા કુંજરો વા કહીને પોતાની જાતને અધર્મમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો. તેમનું નૈતિક પતન ભલે ક્ષણભર માટે હતું, પરંતુ અધ:પતન થયું એ વાત સાચી.

આપણા બધાનો અનુભવ છે કે ઘણી વાર બાળક પુસ્તક લઈને ક્યાંક જતું હોય અને જતી વખતે મમ્મીને કહે કે મિત્રના ઘરે જાઉં છું. તેના હાથમાં પુસ્તક જોઈને મમ્મીને એમ લાગે કે દીકરો ભણવા જ જતો હશે. જોકે શક્ય છે કે એ પુસ્તકની આડમાં બાળક રમવા, મૂવી જોવા કે બીજે ક્યાંક જ જતું હોય. બાળક ખોટું નથી બોલ્યું, પણ તેના હાથમાંનું પુસ્તક એવો આભાસ કરાવે છે જે હકીકત કરતાં જુદું છે.

લોકોને ગેરમાર્ગે દોરવાના ઘણા રસ્તા હોય છે. આંકડાઓની બાબતે આવું ઘણી વાર થાય છે, કારણ કે બધાને ગણતરીઓ ફાવતી નથી. ધારો કે ક્રિકેટનું કોચિંગ કરાવતી બે સંસ્થાઓનો દાવો છે કે તેમના બૅટ્સમેનોનો સરેરાશ સ્કોર ૫૦ રન છે.

૫૦ રનની ઍવરેજ ખરેખર સારી કહેવાય, પરંતુ હકીકતમાં એક ઇન્સ્ટિટ્યૂટના અડધા બૅટ્સમેન શૂન્ય પર આઉટ થયા હોય છે અને બાકીના અડધાએ સેન્ચુરી ફટકારી હોય છે. સરેરાશની દૃષ્ટિએ ૫૦ બરોબર કહેવાય, પરંતુ મુખ્ય યોગદાન તો ફક્ત અડધા ખેલાડીઓનું જ છે. બીજી ઇન્સ્ટિટ્યૂટમાં અડધા ખેલાડીઓએ દરેકે ૪૦-૪૦ રન અને બાકીના અડધાએ ૬૦-૬૦ રન ફટકાર્યા છે. તેમની પણ સરેરાશ ૫૦ રનની થાય, પરંતુ એમાં બધા ખેલાડીઓ સારું રમીને આ ઍવરેજ સુધી પહોંચ્યા હોય છે. આમ સાતત્ય અને બધા ખેલાડીઓની ક્ષમતાની દૃષ્ટિએ બીજી ઇન્સ્ટિટ્યૂટની કામગીરી સારી કહેવાય.

હવે આપણે કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટની વાત કરીએ. દસ વર્ષ માટે રખાયેલા ૧૦૦ રૂપિયા પાકતી મુદતે ૨૨૦ રૂપિયા થઈ જાય તેથી દર વર્ષની ઊપજ ૧૨ ટકા તરીકે દર્શાવવામાં આવે છે. મુદ્દલમાં ૧૨૦ રૂપિયાનો વધારો થયો હોવાથી ૧૨૦ રૂપિયાનો દસ વડે ભાગાકાર કરીને ૧૨ રૂપિયાની રકમ મળે. ૧૦૦ ઉપર બાર રૂપિયા એટલે ૧૨ ટકાનું વળતર. આ રીતે સામાન્ય ગણતરી કરવામાં આવે છે. જોકે તમે ફાઇનૅન્સ ક્ષેત્રના કોઈ જાણકારને પૂછો તો તેમની પાસેથી સત્ય જાણવા મળે. ખરેખર તો આ ડિપોઝિટ પર ૮.૨૦ ટકાના દરે જ વળતર મળ્યું કહેવાય. ૧૨ ટકાનું વળતર તો સામાન્ય વ્યાજની ગણતરીએ થાય. હકીકતમાં કોઈ પણ વળતરની ગણતરી વાર્ષિક ચક્રવૃદ્ધિ આધારે થવી જોઈએ. ચક્રવૃદ્ધિની દૃષ્ટિએ ૮.૨૦ ટકા જ વળતર મળ્યું કહેવાય. ૧૨ ટકા વળતર મળ્યું એમ કહીએ તો અર્ધસત્ય કહેવાય. ૧૨ ટકાનું વળતર સામાન્ય વ્યાજ છે એવું ન કહીએ તો એ અસત્ય જ કહેવાય. અહીં નરો વા કુંજરો વા જેવી જ સ્થિતિ હોય છે.

હાલમાં મેં HDFC લાઇફ ઇન્શ્યૉરન્સની જાહેરખબર જોઈ. એમાં ડિફર્ડ પેન્શન પ્લાનમાં ૫૦ વર્ષની વયની વ્યક્તિ માટે ૧૦ વર્ષ મુદતના સિંગલ પ્રીમિયમ ઇન્વેસ્ટમેન્ટની વાત હતી. એમાં વાર્ષિક ઍન્યુઇટી રેટ ૧૨.૫૪ ટકા દર્શાવાયો હતો.

ઍન્યુઇટીમાં આટલો ઊંચો દર મળે એ ઘણી સારી વાત કહેવાય, કારણ કે બીજે ક્યાંય મળતો નથી. પણ શું હકીકતમાં આટલો આકર્ષક દર કોઈ ઑફર કરી શકે ખરું? હું પ્રીમિયમની રકમના સ્વરૂપે જે ઇન્વેસ્ટમેન્ટ કરું એની દસ વર્ષમાં થનારી વૃદ્ધિનું શું? સામાન્ય સંજોગોમાં જો હું ૭.૨૦ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે દસ વર્ષ માટે રોકાણ કરું તો મારા પૈસા બમણા થઈ જાય. ૧૨.૫૪ ટકાની ઍન્યુઇટીની ગણતરી ખરેખર તો મૂળ રોકાણ પર કરવામાં આવે છે, વધેલા મૂલ્ય (બમણા) પર નહીં. આમ ઍન્યુઇટી ખરેખર તો ૧૨.૫૪ ટકાના અડધા ટકા અર્થાત ૬.૨૭ ટકા જ થાય. તમે જોઈ શકશો કે જે વળતર સરસ મજાનું લાગતું હતું એ હવે ફીકું લાગવા માંડ્યું છે.

જો HDFC લાઇફ ઇન્શ્યૉરન્સ કંપનીએ દસ વર્ષ બાદ વધેલું મૂલ્ય દર્શાવ્યું હોત અને એ મૂલ્યના આધારે ઍન્યુઇટીની ગણતરી દર્શાવી હોત તો મને વધારે ગમ્યું હોત. વળી પ્લાન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે મૂળ રકમ વત્તા ૧૦ ટકાનું મૂલ્ય જ પાછું આપવામાં આવે છે, વધેલું મૂલ્ય આપવામાં આવતું નથી.

મને નવાઈ લાગે છે કે ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટર ઑથોરિટી ઇરડાએ આવી જાહેરાત માટે હામી ભરી કઈ રીતે હશે? જો રેગ્યુલેટરના આવા હાલ હોય તો બાયર્સે કે કસ્ટમર્સે કેટલું ચેતીને રહેવું?

ટૂંકમાં એટલું જ કહેવાનું કે રોકાણકારો ફાઇનૅન્શ્યલ ઍડ્વાઇઝરની સલાહ લે તો એ તેમના માટે જ સારું કહેવાય. 

(લેખક CA, CPM અને FRM છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK