પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં આજ મૈં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં


મહેસાણા જિલ્લામાં આવેલા થોળ સરોવર અને ત્યાંના પક્ષી અભયારણ્યની મુલાકાત લેવા જેવી છે

bird

અતુલ્ય ભારત - ચંદ્રહાસ હાલાઈ

હસરત જયપુરીએ લખેલું, લતાજીએ ગાયેલું અને શંકર જયકિશન દ્વારા રચેલું સંગીત. આ ગીત ૧૯૫૬માં બનેલી ફિલ્મ ‘ચોરી ચોરી’નું છે.

આ ફિલ્મની નાયિકા (નર્ગિસ) પોતાના ઘરેથી પલાયન કરે છે અને આ ગીત દ્વારા પોતાની (આઝાદીની) ભાવનાઓ વ્યક્ત કરે છે. 

રોજબરોજના જીવનનાં દુ:ખો અને તાણતનાવથી, દંભી રીતિ-રિવાજોથી, રૂઢિચુસ્ત સમાજનાં બંધનોથી મુક્ત થઈને જીવવાની કલ્પના અને આશા હરકોઈ મનુષ્ય કરતો હોય છે. અમુક એવા સૌભાગ્યવાળા કાં તો હિમ્મતવાળા મનુષ્ય હોય છે જે આવું જીવન જીવતા હોય છે. એવા લોકો માટે આપણે એવું કહીએ છીએ કે એ તો ખુલ્લા આકાશમાં મુક્ત પંખીની જેમ ઊડે છે.

૧૯૫૮માં સામ્યવાદી ચીનના પ્રમુખ માઓએ એવું ફરમાન બહાર કાઢ્યું હતું કે તમામ ચકલીઓને મારી નાખવામાં આવે, કારણ કે તેઓ ખેતરોમાં ઊગતા અને ગોદામોમાં મૂકેલા અનાજને ખાઈ જાય છે. ચીની પ્રજાએ કરોડો નિર્દોષ ચકલીઓનું નિકંદન કર્યું. માઓની અપેક્ષા હતી કે હવે લાખો ટન અનાજ બચશે, પણ હકીકતમાં એનાથી ઊલટ થયું. ચીનમાં ખૂબ જ ગોઝારો દુકાળ પડ્યો. ભૂખમરામાં આશરે બેથી સાડાચાર કરોડ ચીની લોકો માર્યા ગયા.

નિર્દોષ નાનકડી ચકલીઓ થોડા અનાજ સાથે ઘણાબધા કીટકો અને ઈયળો પણ ખાય છે. ચકલીઓના નિકંદનથી ઈયળો અને કીટકોની (એમાંય ખાસ તો તીડની) વસ્તી પર નિયંત્રણ રાખવાવાળું કોઈ કુદરતી પરિબળ નહોતું. ઈયળો, કીટકો અને તીડનાં ઝુંડ ખેતરોને ફોલીને ખાઈ જતાં હતાં. પ્રકૃતિનું સંતુલન (ecological balance) ખોરવાઈ ગયું હતું. માઓને તેમની ભૂલ સમજાઈ અને તેમણે પોતાનું ફરમાન પાછું લઈ લીધું. પ્રકૃતિનાં પરિબળોનું સંતુલન ફરી સ્થાપિત કરવા માટે યુરોપી દેશોથી લાખો ચકલીઓને આયાત કરવામાં આવી હતી.

આ વાર્તાથી તમને આ વસુંધરામાં નાનકડી ચકલી અને પક્ષીઓનું મહત્વ સમજાઈ ગયું હશે.

પક્ષીઓ એટલે પીંછાંધારી ઊડતાં પ્રાણીઓ. તેમણે મનુષ્યને આકાશને આંબવાની પ્રેરણા આપી છે. પંખીઓથી પ્રેરિત થઈને મનુષ્યએ ઍરોપ્લેન અને રૉકેટનો આવિષ્કાર કર્યો. હું પોતે પંખીઓ, મારા સ્વર્ગસ્થ એન્જિનિયર પિતા અને આપણા સ્વર્ગસ્થ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામથી પ્રેરિત થઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રિસર્ચ-જર્નલ્સમાં રૉકેટોની કાર્યપ્રણાલી પર શોધનિબંધ પ્રકાશિત કરી ચૂક્યો છું.

પક્ષીઓની ઉત્ક્રાન્તિ ડાયનોસૉરમાંથી થઈ હતી એટલે કે પંખીઓ ડાયનાસોરના જીવતા વંશજો છે.

પક્ષીઓની પણ અજાયબ દુનિયા છે. પક્ષીઓના પરિવારમાં વિવિધતા અચરજ પમાડે એવી છે.

એક તરફ માણસના અંગૂઠા જેટલું નાનકડું હમિંગ બર્ડ છે તો બીજી તરફ માણસથી પણ ઊંચું શાહમૃગ છે.

એક તરફ માઉન્ટ એવરેસ્ટને પણ આંબી જાય એવી ઊંચાઈએ (૯૧૪૪ મીટરની ઊંચાઈએ) ઊડીને હજારો કિલોમીટરોનો ઋતુપ્રવાસ કરતા પટાયત માથાવાળા હંસ (Bar-headed Goose) છે તો બીજી તરફ દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં વસતાં જરા પણ ન ઊડી શકતાં પેન્ગ્વિન (Penguin) પક્ષી છે.

એક તરફ સુગરી છે જેનાં નરપક્ષી સંસાર માંડવા, પોતાનાં બચ્ચાંઓ માટે વિસ્તૃત માળો બાંધશે તો બીજી તરફ એવાં પણ પક્ષી છે જે સીધા જમીન પર જ ઈંડાં મૂકશે.

સુગરી શબ્દ સુગ્રહીનો અપભ્રંશ છે. સુગ્રહી એટલે કે જે સારું ઘર બનાવે. માદા સુગરી પ્રજનનની ઋતુમાં ખરી રીતે તો પોતાનાં બચ્ચાંઓ માટે એક સારું ઘર પસંદ કરતી હોય છે.

એક તરફ એવાં પંખીઓ છે જે ખાવાની બાબતમાં ખૂબ ચોકસાઈ વર્તે છે તો બીજી તરફ કાગડાઓ છે જે ધાતુ સિવાય બધું જ આરોગી જાય છે તો ગીધડાંઓ પણ છે જે ફક્ત મુડદાલ માંસ જ આરોગે છે.

આગળ જણાવ્યું એમ પટાયત માથાવાળા હંસ નિયમિતપણે વર્ષમાં બે વખત હજારો કિલોમીટર લાંબો ઋતુïપ્રવાસ ખેડે છે તો બીજી તરફ એવાં પણ પક્ષીઓ છે જે પોતાનું આખું જીવન એક જ બગીચામાં વિતાવી દેશે.

bird1

પ્રજનનની ઋતુ વખતે અમુક પ્રજાતિનાં નર પંખીઓ માદાને રીઝવવા કોયલની જેમ સુરીલું ગીત ગાશે તો અમુક પંખીના નર મોરની જેમ માદાને આકર્ષવા રંગબેરંગી નવાં પીંછાં ધારણ કરશે. મોરની જેમ અમુક પ્રજાતિનાં નર નૃત્ય પણ કરશે.

આખા વિશ્વમાં પક્ષીઓની લગભગ ૮૬૫૦ પ્રજાતિઓ છે. ભારતમાં વિવિધ મૌસમી ભૌગોલિક વિસ્તાર હોવાથી અહીં ૧૨૦૦ જેટલી પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી ૩૦૦ જેટલી પ્રજાતિઓ લાંબો પ્રવાસ ખેડી શિયાળો ગાળવા ભારત આવે છે.

થોડો વખત પહેલાં જ્યારે હું અમદાવાદ ગયો હતો ત્યારે મારા કૉલેજકાળના પ્રિય મિત્ર આશિષ શર્મા સાથે રિવૉલ્વિંïગ રેસ્ટોરન્ટ ‘પતંગ’માં સવારે જમતી વખતે હું તેને મારા પક્ષીનિરીક્ષણના શોખ વિશે અને પક્ષીજગતની રસપ્રદ વાતો કહેતો હતો. જમ્યા પછી મને આશિષે કહ્યું, ચાલ, હું તને કોઈ સરસ જગ્યાએ ફરવા લઈ જાઉં. આશિષ મને પોતાની ગાડીમાં અમદાવાદ રેલવે-સ્ટેશનથી ૩૨ કિલોમીટર દૂર મહેસાણા જિલ્લામાં સ્થિત થોળ સરોવર અને પક્ષી અભયારણ્ય લઈ ગયો.

વૉટ અ સરપ્રાઇઝ, યાર. થૅન્ક યુ!

આશિષે મને ખુશીથી ચોંકાવી દીધો હતો.

વિવિધ પંખીઓના મધુર કલરવે અમારું સ્વાગત કર્યું હતું. હરિયાળાં ઝાડ વચ્ચે સુંદર મોટું થોળ સરોવર છે, જે અનેક જાતનાં પક્ષીઓને એની તરફ આકર્ષે છે.

૧૯૧૨માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે સિંચાઈ હેતુથી થોળ ગામ નજીક ૧૭૦૦ એકર વર્ગ મોટી પાણીની ટાંકી બંધાવી હતી. આજુબાજુનાં ખેતરોમાં ઉપલબ્ધ ખોરાકે અનેક પ્રજાતિનાં પક્ષીઓને અહીં આકર્ષિત કર્યાં છે. અહીં ૧૫૦ જેટલી પ્રજાતિનાં પંખીઓ જોવા મળે છે, જેમાં ૬૦ જેટલાં પક્ષીઓ જલાશ્રયી છે. એટલે જ ૧૯૮૮માં આ વિસ્તારને પક્ષી અભયારણ્ય ઘોષિત કરવામાં આવ્યો હતો.

અહીં જોવા મળતાં પક્ષીઓમાં મુખ્યત્વે બે જાતિનાં પક્ષીઓ છે - સારસ અને સુરખાબ.

અહીં હજારોની સંખ્યામાં સુરખાબ જોવા મળ્યાં છે.

bird2

અહીં જોવા મળતાં જલાશ્રયી પક્ષીઓમાં નીચેના જાતિસમૂહોનો સમાવેશ થાય છે :

બતકો - સપાટી પરથી ખોરાક મેળવતી તથા ડૂબકી મારીને ઊંડા પાણીમાંથી ખોરાક મેળવતી  - જેમ કે ગાજહંસ (Graylag Goose) અન્ય તરવૈયા - જેમ કે ડૂબકીઓ, કાજિયાં (Cormorant), સર્પગ્રીવ (Darter), ભગતડાં (Gull) મોટા કદના કાદવ/પાણી ખૂંદનાર - બગલા, ઢોંક/ધોમડાં (Gull), કાંકણસારો (Ibis) તથા ચમચા (Eurasian Spoonbill)  નાના કદના કાદવ/પાણી ખૂંદનારા - ગજપાઉં (Black-winged Still), તુતવારીઓ (Sandpiper), કીચડિયા, ટીટોડીઓ હવાઈ શિકારી - વબગલીઓ, ઘોમડા જળાશયો પર જોવા મળતાં શિકારી પક્ષીઓ - પાનપટ્ટાઇ (Eurasian Marsh Harrier), મત્સ્યભોજ વૈશ્વિક સ્તરે જોખમમાં મુકાયેલી અમુક જાતિ જે અહીં જોવા મળે છે - પીળીચાંચ ઢોંક, સારસ, સફેદ કાંકણસાર (Black-headed Ibis)

વાચકમિત્રોને ગુજરાતની આ પ્રાકૃતિક સંપદા નિહાળવા માટે થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લેવાની હું જરૂરથી ભલામણ કરીશ.

- તસવીરો : ચંદ્રહાસ હાલાઈ


 (આ વિભાગ દર ૧૫ દિવસે પ્રગટ થાય છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK