ટોક્યોનાં ટ્રિપલ ઍટ્રૅક્શન્સ મંદિરો, ગાર્ડન્સ અને મ્યુઝિયમ્સ

ટોક્યોમાં પરંપરાગત બૌદ્ધ અને શિન્તો ધર્મનાં પ્રાર્થનાસ્થળો ઘણી મોટી સંખ્યામાં છે.

tokyo

ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

અમે બધે તો ગયા નહીં, પણ શિબુયામાં મેઇજી જિંગુ ધર્મસ્થળે ગયા. આ વિખ્યાત મંદિર જપાનના રાજા મેઇજી અને રાણી શોકેનની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું છે. ૧૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. એ વખતે એક લાખ સ્વયંસેવકોએ એક લાખ રોપા વાવ્યા હતા. મેઇજીનું નવું મંદિર બનાવવા માટે પવિત્ર વનની રચના કરવા જપાનના વિવિધ ભાગોમાંથી લોકોએ રોપા સ્વરૂપે યોગદાન આપ્યું હતું. આ રીતે ટોક્યોના મધ્ય ભાગમાં વ્યસ્ત શિબુયા વિસ્તારમાં એક બાજુ હારાજુકુ અને ઓમાતોસાંડો નામના અત્યાધુનિક વિસ્તારો છે અને બીજી બાજુ રમણીય યોયોગી પાર્ક છે. આમ મહાનગર ટોક્યોના કૉન્ક્રીટના વનમાં મેઇજીનું સુંદર મજાનું હરિયાળું વન પણ છે. ટોક્યોના અત્યંત શાંતિપૂર્ણ વિસ્તારોમાંનો આ એક વિસ્તાર છે.

મેઇજીના પ્રાર્થનાસ્થળ તરફ જતા માર્ગ પર સાકે નામના જપાની શરાબનાં સુંદર ડ્રમ ગોઠવાયેલાં છે. સાકેનું ઉત્પાદન કરનારા લોકોએ રાજા મેઇજીને ભેટ આપેલાં દારૂનાં એ ડ્રમ છે. અન્ય શાસકોએ તથા વિશ્વના બીજા અનેક રાજાઓએ પણ તેમને આપેલાં દારૂનાં જૂનાં અને મોંઘાં ડ્રમ પણ રાખવામાં આવ્યાં છે. આ વિસ્તારના મધ્ય ભાગમાં કપૂરનાં બે ઝાડ છે, જેને વિશિંગ ટ્રી એટલે કે ઇચ્છાપૂર્તિ વૃક્ષ પણ કહેવાય છે. એકમેકમાં ઓગળીને એક થઈ ગયેલાં સ્ત્રી-પુરુષના પ્રતીકરૂપે આ વૃક્ષો ત્યાં ઊભાં છે. આથી જ યુગલો પોતાના

જનમ-જનમના સાથ માટે અહીં આર્શીવાદ માગે છે, અમે પણ માગ્યા.

tokyo1

સંગ્રહની વસ્તુઓનો શોખ ધરાવતા લોકો માટે ટોક્યો જન્નત સમાન છે. અહીં ચિત્રકળાથી માંડીને ફોટોગ્રાફી અને ઇતિહાસથી લઈને વિજ્ઞાન, પ્રાણીસંગ્રહાલયોથી લઈને મત્સ્યાલય અને ટ્રાન્સર્પોટેશનથી લઈને કૉમર્સ સુધીના વિષયોનાં મ્યુઝિયમ આવેલાં છે એટલું જ નહીં, અહીં ડોરેમોન મ્યુઝિયમ અને ઘિબ્લી મ્યુઝિયમ પણ છે. જો તમે યુએનો પાર્ક તરફ જાઓ તો એક જ રસ્તા પર ટોક્યો નૅશનલ મ્યુઝિયમ, ટોક્યો મેટ્રોપૉલિટન આર્ટ મ્યુઝિયમ, નૅશનલ સાયન્સ મ્યુઝિયમ વગેરેની મુલાકાત લઈ શકો છો.

મ્યુઝિયમ જોવાનો તો મને પણ શોખ છે અને મને ઘિબ્લી મ્યુઝિયમ (ઘિબ્લી સ્ટુડિયો જપાનનું જાણીતું ટીવી અને ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે. એણે અનેક લોકપ્રિય ઍનિમેટેડ ટીવીસિરિઝનું નિર્માણ કર્યું છે. ભારતમાં જે રીતે બૉલીવુડ ફિલ્મો માટે પ્રખ્યાત છે એ જ રીતે જપાનમાં ઘિબ્લી સ્ટુડિયો નામવંત છે) જવાનું ગમ્યું હોત, પરંતુ મારી ડૉટર અને હસબન્ડને એવીબધી બાબતોમાં રસ નહીં હોવાથી અમે ત્યાં જવાનું માંડી વાળ્યું.

જપાનીઓએ બાગકામ અને લૅન્ડસ્કેપિંગની કળા એટલી હદ સુધી વિકસાવી છે કે બીજો કોઈ દેશ એની તોલે આવી શકે એમ નથી. ટચૂકડાં વૃક્ષોની બૉન્સાઇ અને પુષ્પસજ્જાની ઇકેબાના કળા ઉપરાંત ચેરી બ્લૉસમ ફેસ્ટિવલ જપાનનાં આકર્ષણો છે. ટોક્યોમાં પણ યોયોગી પાર્ક, ઇમ્પીરિયલ પૅલેસ ગાર્ડન્સ વગેરે જેવાં અનેક રસપ્રદ બગીચાઓ છે. તમે કદાચ સમયના અભાવે ત્યાં જવાનું માંડી વાળો, કારણ કે એ બગીચા ઘણા વિશાળ છે. જોકે એની સુંદરતા અનેરી છે. હું તો કહીશ કે તમારે ગાર્ડન્સની મુલાકાત લીધા વિના પાછા આવવું જ નહીં. એનાં કારણો પણ છે...

tokyo2

ટોક્યોના ધમધમતા શિન્જુકુ અને શિબુયા વિસ્તારની વચ્ચોવચ શિન્જુકુ ગ્યોએન (ગ્યોએન એટલે ગાર્ડન) છે. રણમાં મીઠી વીરડી હોય એમ શહેરમાં હરિયાળી ધરાવતો ટોક્યોનો આ સૌથી મોટો બાગ છે. આ ગાર્ડનની અંદર બીજા ત્રણ બગીચા છે એ એની ખાસિયત છે. એક છે પરંપરાગત જપાની ગાર્ડન, જેમાં મોટાં-મોટાં તળાવો અને નાના-નાના પુલ છે. કળાત્મક રીતે સજાવેલા છોડ અને ગોળ-ગોળ પથ્થરો ગોઠવીને રમણીય પગદંડીઓ બનાવવામાં આવી છે. અમે એમાં એકાદ-બે ટી-હાઉસ પણ જોયાં.

આ ટી-હાઉસ એટલે શું? જપાની પરંપરા મુજબ યજમાન ગૃહિણીઓ મહેમાનો માટે વિધિપૂર્વક જપાની ગ્રીન ટી - માચા બનાવતી હોય છે. જપાની પરોણાગતનું એ ઉત્તમ ઉદાહરણ છે. ચા બનાવીને એને વિશેષ વાસણોમાં પીરસવી, ટેબલ ગોઠવવું, ચાની કડવાશ સામે સંતુલન રહે એ માટે પરંપરાગત જપાની મીઠાઈ આપવી એ બધી વિધિ એવા લાલિત્ય સાથે પાર પાડવામાં આવે છે કે મહેમાનોને મહત્વ મળ્યા જેવું લાગે. મેં કહ્યું એ ટી-હાઉસમાં પર્યટક જાય અને નસીબ હોય તો આ વિધિનો લાભ મળી શકે છે. બીજાં બે ગાર્ડન્સમાં એક છે ફ્રેન્ચ ગાર્ડન અને બીજું છે ઇંગ્લિશ ગાર્ડન. ફ્રેન્ચ ગાર્ડનમાં વિવિધરંગી ગુલાબના છોડ અને મેપલનાં વૃક્ષોની હારમાળા છે તથા ઇંગ્લિશ ગાર્ડનમાં યુરોપિયન દેશોમાં જોવા મળતું લૅન્ડસ્કેપિંગ કરાયું છે. આ નજારો મનને મોહી લેનારો છે. ઉપરાંત ઘણા ઓછા જોવા મળતા અમુક પ્રકારના છોડનું ગ્લાસ હાઉસ/ગ્રીન હાઉસ પણ અહીં ઊભું કરાયું છે.

tokyo3

જો તમે ચેરી બ્લૉસમની મોસમમાં જપાન ગયા હો તો આ ગાર્ડનમાં જવાનું ચૂકવું નહીં, કારણ કે ત્યાં સફેદ અને ગુલાબી રંગની ઝાંય ધરાવતાં ફૂલોનાં ૧૫૦૦થી વધુ ઝાડ મનોહારી દૃશ્ય ખડું કરે છે.

હું હામા રિક્યુ ગાર્ડનમાં જવાની પણ ભલામણ કરું છું. એ ટોક્યો બેની કોરે બનાવવામાં આવ્યું છે. એમાં દરિયાના પાણીથી તળાવો બનાવાયાં છે, જેમાં ભરતી-ઓટ પ્રમાણે પાણીની માત્રામાં વધઘટ થયા કરે છે. બીજાં ગાર્ડન્સની જેમ આ પણ સુંદર છે. વળી ત્યાં જવા માટેનું એક બીજું કારણ પણ છે. આ બગીચો સુમિદા નદીમાં કરાતી ટોક્યો ક્રૂઝમાં બેસવા જવા માટેનાં સ્થળોમાં સામેલ છે. એક કાંકરે બે પક્ષી મારવા જેવું કરવું હોય તો તમે હામારિક્યુ ગાર્ડનની સાથે-સાથે અસાકુસા મંદિરની મુલાકાત પણ લઈ શકો છો.

ક્રમશ:

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK