શશી કપૂરની યાદમાં

૧૮ માર્ચ શશી કપૂરનો જન્મદિન છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


આ અભિનેતાએ ઘણી યાદગાર ફિલ્મો આપી ચાહકોનાં દિલમાં રાજ કર્યું હતું. આજે તેમની કેટલીક ફિલ્મોનાં નામ સાથે રિલેટ કરી શકાય અથવા એની અર્થછાયા ઝીલતા હોય એવા શેરોનું આચમન કરીએ. 

ફિલ્મ ‘આવારા’ અને ‘આગ’માં તેમણે બાળકલાકાર તરીકે કામ કર્યું હતું. અમર પાલનપુરી ઉંમર સાથે કરવટ લેતી આગની વાત છેડે છે...

અંતર હંમેશાં પ્રેમમાં અંતરાય થાય છે

રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ

ટાઢક વળે છે દિલને મોહબ્બતની આગથી

જોવાને એ કમાલ, જરા તો નજીક આવ

પ્રેમમાં દુનિયાથી દૂર થઈ એકમેકની નજીક આવવાનું હોય છે. નજીક આવવા માટે આપ-લે કરવી પડે. નજરોથી વાતોનો દોર સાંધવો શક્ય ન હોય એટલે વાત પત્ર પર આવે. એકવીસમી સદીમાં પત્રોનું સ્થાન મોબાઇલે લઈ લીધું છે. ધીમા પોસ્ટકાર્ડનું સ્થાન ઝડપી ચૅટિંગમાં વિલીન થઈ ગયું. બિમલ રૉય દિગ્દર્શિત ‘પ્રેમપત્ર’ ફિલ્મ બહુ ચાલી નહોતી, પણ પ્રેમપત્રની ખુશ્બૂ તો પ્રત્યેક લખનારના જીવનમાં અકબંધ રહે છે. જોગી જસદણવાળા જૂની કસકને આહ્વાન આપે છે...

કોઈ ગમતા નામમાં ભીંજાઈ જાઓ એટલે

તાવડીમાં રોટલો ને લાપસી આંધણ બળે

કાન માંડો તો કહું હું પ્રેમપત્રોની કથા

એક છૂપું દર્દ ભીતર શૂળ થઈને સળવળે


દર્દ આંસુમાં વહી જાય તો સચવાતું નથી, પણ શબ્દોમાં ઠરે ત્યારે યાદગાર સર્જન થતું હોય છે. જે લોકો વ્યક્તિગત દદર્થીઆ આગળ જઈને સૃષ્ટિના દર્દ વિશે વિચારી શકે એ જ લોકો પરિવર્તન લાવે. આપણે શું? આ સવાલ આપણી સંવેદનાને હીણી બનાવે છે. આચાર્ય ચતુરસેનની નવલકથા પરથી યશ ચોપડાએ ‘ધર્મપુત્ર’ ફિલ્મ બનાવી. હિન્દુસ્તાન-પાકિસ્તાનના ભાગલા થયા એ પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં શશી કપૂરે હીરો તરીકે વિધિવત પદાર્પણ કર્યું. આ ફિલ્મને શ્રેષ્ઠ રાષ્ટ્રીય ફિલ્મનો અવૉર્ડ મળ્યો હતો. ‘જય જનની જય ભારત મા’ ગીત ગાતી શશી કપૂરની મુદ્રા હજી મનમાં અંકાયેલી છે. ફિલ્મમાં જે હાર્દ વણાયું છે એ રતિલાલ મકવાણાની પંક્તિઓમાં તાદૃશ થાય છે...

વાર્તા નહીં વાત લઈને આવ્યો છું

વીછળેલી જાત લઈને આવ્યો છું

ધર્મ, ભાષા, જાત રાખો બાજુએ

માણસોની નાત લઈને આવ્યો છું


‘કભી કભી’ ફિલ્મમાં શશી કપૂર એક સંવાદ બોલે છે : ઇસ દુનિયા મેં આદમી ઇન્સાન બન જાએ તો બડી બાત હૈ. આગળ વધવા માટે ટાંટિયાખેંચની રમત ચાલતી જ રહે છે. સફળતા માટે સંબંધને પણ દાવ પર લગાવવામાં આવે છે. કેટલીક વાર આદર્શના મુદ્દે ઘર્ષણ થાય. ઇતિહાસ સર્જનાર ‘દીવાર’ ફિલ્મમાં શશી કપૂર અમિતાભને કહે છે : ઝ્યાદા પૈસા આયે તો નિંદ નહીં આતી, નિંદ આયે તો ઝ્યાદા પૈસા નહીં આતા. સંબંધમાં દીવાલ ઊભી થવી સાહજિક છે, પણ આ દીવાલ પાણીપગી થવાને બદલે હાથીપગી થઈને અડિંગો જમાવે એનો રંજ છે. ફિલ્મી ગીતોના માતબર રસિક હર્ષ બ્રહ્મભટ્ટનો શેર છે...

બિચારું ઘર આ જોઈ થરથરે છે

દીવાલોને દીવાલો છેતરે છે!

મજા આવે કશું ત્રીજું કરે તો

ફક્ત લોકો જીવે છે ને મરે છે


જિંદગી ઘણી વાર એટલીબધી રૂટીન બની જાય છે કે રોમાંચ સ્ય્લ્ લઈ લે. ભાઈબાપા કરીને માંડ-માંડ બોલાવો તો એકાદ રડ્યુંખડ્યું સ્મિત આપીને જતો રહે. ઘણી વાર એમ થાય કે હકીકતનું વર્ચસ જિંદગી પર આટલુંબધું કેમ હશે. ‘સત્યમ શિવમ સુંદરમ’માં શશી કપૂરનો એક સંવાદ છે : ખ્વાબ જિંદગી સે ઝ્યાદા ખૂબસૂરત હોતે હૈં. શશી કપૂરની ફિલ્મ ‘મુક્તિ’માં એક ગીત બહુ લોકપ્રિય થયું હતું : ‘સુહાની ચાંદની રાતેં હમેં સોને નહીં દેતી.’ આદિલ મન્સૂરી મુક્તિની ઝંખના કરે છે...  

માણું નિરાંત બે ઘડી તક આપતી નથી

આ જિંદગી જરાયે મચક આપતી નથી

ઘેરી વળી છે કેવી હવા ચારેકોર જે

મુક્તિના શ્વાસ લેવાનો હક આપતી નથી


આજના યુગમાં શ્વાસ લેવાનું બહુ અઘરું બનતું જાય છે. શશી કપૂર પ્રસ્તુત અને શ્યામ બેનેગલ દિગ્દર્શિત ‘કલયુગ’ ફિલ્મ મહાભારતનાં પાત્રો અને ઘટનાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી. ૧૯૮૨માં આ ફિલ્મને ફિલ્મફેર અવૉર્ડ મળેલો. જૈમિન ઠક્કર પથિકની પંક્તિ એને સાંપ્રત સંદર્ભ સુધી લઈ આવે છે... 

ભલા માણસ, હજી કળિયુગ શરૂ પણ ક્યાં થયો છે જો?

થશે જ્યારે શરૂ તો સૂર્ય ઠંડોગાર રહેવાનો

કરે સરકાર હર દિન ફેરફારો કાયદાઓમાં

છતાં સામ્રાજ્યમાં તો રોજ ભ્રષ્ટાચાર રહેવાનો


ઉસૂલોને બાજુ પર મૂકીને ‘ત્રિશૂલ’ ફિલ્મમાં પોતાનો હક મેળવવા અમિતાભ બચ્ચન સંજીવકુમાર સામે જંગે ચડે છે. વાત વ્યક્તિગત જંગ સુધી હોય તો ઠીક છે, પણ વાત ધર્મના જંગ સુધી પહોંચે તો સમાજ અને રાષ્ટ્ર માટે ઘાતક બને છે. કીર્તિકાન્ત પુરોહિત ધર્મના નામે થતા ઝનૂનની વાત છેડે છે...

આ ગમો ને અણગમો શું છે?

લાગણીનો કહે પનો શું છે?

ધર્મની નિરપેક્ષ વાતોમાં

ત્રિશુલો ને ખંજરો શું છે? 


શશી કપૂર નિર્મિત ‘ઉત્સવ’ ફિલ્મ સંસ્કૃત નાટ્યરૂપક ‘મૃચ્છકટિકમ્’ પર આધારિત હતી. સંસ્થાનકનો કિરદાર પહેલાં અમિતાભ બચ્ચન કરવાના હતા, પણ બૅન્ગલોરમાં તેમનો અકસ્માત થવાને કારણે શશી કપૂરે આ ભૂમિકા ભજવી હતી. પ્રવીણ શાહના બે શેર સાથે શશી કપૂરને માનભેર યાદ કરીએ... 

રોજ તડકો હશે ને છાંયો પણ

રોજ ઉત્સવ મનાવ તો આવું

ક્યા બાત હૈ


સાંજ તલે ગગન તલે

હમ કિતને એકાકી

છોડ ચલે નૈનોં કો

કિરણોં કે પાંખી

પાંખી કી જાલી સે ઝાંક રહી થી કલિયાં

ગંધ ભરી ગુનગુન મેં મગન હુયી થી કલિયાં

ઇતને મેં તિમિર ધંસા સપનીલે નૈનોં મેં

કલિયોં કે આંસુ કા કોઈ નહીં સાથી

છોડ ચલે નૈનોં કો

કિરણોં કે પાંખી

જુગનૂ કા પટ ઓઢે આયેગી રાત અભી

નિશિગંધા કે સુર મેં કહ દેગી બાત સભી

કંપતા હૈ મન જૈસે ડાલી અંબુવા કી

છોડ ચલે નૈનોં કે

કિરણોં કે પાંખી

(‘ઉત્સવ’ ફિલ્મનું ગીત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK