હેમંતકુમાર કહેતા કે સચિનદા એક જ ગીત માટે એકથી વધારે સિંગર્સ પાસે રિહર્સલ કરાવતા

૧૯૫૧માં સચિનદાના સંગીતથી સજાવેલી ૬ ફિલ્મો રિલીઝ થઈ;

hemant

વો જબ યાદ આએ - રજની મહેતા

૧૯૫૧માં સચિનદાના સંગીતથી સજાવેલી ૬ ફિલ્મો રિલીઝ થઈ; શાહીદ લતીફની ‘બુઝદિલ’, ઓ. પી. દત્તાની ‘એક નઝર’, મહેશ કૌલની ‘નૌજવાન’, એમ. વી. રામનની ‘બહાર’, ફલી મિસ્ત્રીની ‘સઝા’ અને નવકેતનની ‘બાઝી.’

‘બાઝી’ ફિલ્મથી  એસ. ડી. બર્મન  અને સાહિર લુધિયાનવીની જુગલબંદીની શરૂઆત થઈ. સચિનદાના કહેવાથી જ નવકેતન માટે સાહિરની પસંદગી થઈ હતી. સાહિરની કલમ પર સચિનદાને ભરોસો હતો અને નવકેતનને વિશ્વાસ હતો સચિનદાની ગીત-સંગીતની સૂઝબૂઝ પર. આ જોડીએ આપણને એકથી એક ચડિયાતાં બેનમૂન ગીતો આપ્યાં.

‘બાઝી’ ઉપરાંત ‘જાલ’, ‘ટૅક્સી ડ્રાઇવર’, ‘ફન્ટૂશ’, ‘હાઉસ નંબર ૪૪’ અને ‘પ્યાસા’ ફિલ્મો માટે આ જોડીએ જે ગીતો બનાવ્યાં એ અમર છે. પાંચ વર્ષ સુધી આ જોડીએ સાથે કામ કર્યું. ત્યાર બાદ આ જોડી છૂટી પડી એનો અફસોસ કદાચ એ બન્નેને પણ હશે જ.

એ માટેનાં કારણો શું હતાં એ બાબતે એક મુલાકાતમાં સાહિર કહે છે, ‘ફિલ્મ ‘પ્યાસા’ની રજૂઆત પછી એવું કંઈક બન્યું જે સમય જતાં સચિનદા ભૂલી ગયા અને હું પણ. જ્યારે અમે મળતા ત્યારે પ્રેમથી મળતા. એકમેક માટે અમને પુષ્કળ આદર હતો, પણ કોણ જાણે કેમ બન્નેના મનમાં કદાચ એવો ડર હશે કે ‘પ્યાસા’માં અમે અમારું સર્વોત્તમ આપી ચૂક્યા છીએ, આ કારણસર આનાથી બહેતર કામ હવે નહીં થાય. કદાચ એટલે જ અમે ફરી પાછા સાથે કામ કરવાની વાતોનો ઉલ્લેખ જ નહોતા કરતા.’

જોકે સાહિર હંમેશાં એમ માનતા કે ફિલ્મોનાં ગીતોની સફળતા માટે તેમની કલમ વધારે જવાબદાર છે. એટલા માટે તેમને સંગીતકાર કરતાં વધુ પૈસા મળવા જોઈએ. જે હોય તે, આ જોડી છૂટી પડી એનું સૌથી મોટું નુકસાન ફિલ્મસંગીતને અને સંગીતપ્રેમીઓને થયું એમાં બેમત નથી.

ફિલ્મ ‘બાઝી’માં કિશોરકુમારે ગાયેલું ‘મેરે લબોં પે દેખો આજ ભી તરાને હૈં’ ખૂબ લોકપ્રિય બન્યું અને આમ કિશોરકુમાર અને સચિનદાની ઘનિષ્ઠ મૈત્રીની શરૂઆત થઈ. ત્યાર બાદ કિશોરદા સચિનદાના સંગીતના અવિભાજ્ય અંગ બની ગયા.

ફિલ્મ ‘બહાર’માં રાજેન્દ્ર કૃષ્ણ લિખિત શમશાદ બેગમના ‘સૈયાં દિલ મેં આના રે, આકે ફિર ના જાના રે, છમ છમા છમ છમ’ અને ‘દુનિયા કા મઝા લે લો, દુનિયા તુમ્હારી હૈ’ અને કિશોરકુમારનું ‘કુસૂર આપકા, હુઝૂર આપકા, મેરા નામ લીજિએ, ના મેરે બાપ કા’ લોકપ્રિય બન્યાં. આજની તારીખમાં પણ ‘સૈયાં દિલ મેં આના રે’નું રીમિક્સ-વર્ઝન ઓરિજિનલ ગીત જેટલું જ લોકપ્રિય છે એ આ વાતનો પુરાવો છે કે સચિનદાનું સંગીત કાળને અતિક્રમીને આજે પણ એટલું જ તરોતાજા છે.

ફિલ્મ ‘બુઝદિલ’માં ‘ઝન ઝન ઝન પાયલ બાજે, કૈસે જાઉં પી કે મિલન કો’ (લતા મંગેશકર-શૈલેન્દ્ર) અને ‘રોતે રોતે ગુઝર ગઈ રાત રે, આઇ યાદ તેરી હર બાત રે’ (લતા મંગેશકર-કૈફી આઝમી), ફિલ્મ ‘નૌજવાન’માં ‘ઠંડી હવાએં લહરાકે આએં, ઋત હૈ જવાં, તુમકો યહાં કૈસે બુલાએં’ (લતા મંગેશકર-સાહિર લુધિયાનવી) ગીતોએ ફરી એક વાર એ સાબિત કર્યું કે સચિનદા ઇઝ કિંગ ઑફ મેલડી.

‘ઠંડી હવાએં, લહરાકે આએં’ની જે ધૂન પહેલાં બની હતી એ ડાયરેક્ટર મહેશ કૌલને નહોતી ગમી. એ પછી સચિનદાએ બીજી ચાર-પાંચ ધૂન તેમને સંભળાવી પણ વાત આગળ ન વધી. અકળાઈને સચિનદા પોતાની જાત પર ગુસ્સો કરતાં બહાર નીકળીને જુહુ બીચ પર આંટો મારવા જતા રહ્યા. મનમાં ને મનમાં તેઓ એક પછી એક નવી ધૂન ગણગણતા હતા. થોડી વાર પછી એક હોટેલમાં તેઓ ચા પીવા અંદર ગયા.

ચા પીતા બેઠા હતા ત્યાં અચાનક પિયાનો પર તેમણે એક ધૂન સાંભળી; ‘સા રે સા સા પ’. એક વેઇટર પિયાનો પર એકની એક કી દબાવીને ‘સા રે સા સા પ’ વગાડ્યા કરતો હતો અને આ સ્વર પરથી તેમને ‘ઠંડી હવાએં’ની ધૂન મળી ગઈ. આ ધૂન સાંભળતાં જ ડાયરેક્ટર ખુશ થઈ ગયા. મજાની વાત એ છે કે ૧૫ વર્ષ બાદ સંગીતકાર રોશને ફિલ્મ ‘મમતા’ માટે આ જ ધૂન પર એક ગીત બનાવ્યું ‘રહેં ના રહેં હમ’ અને ૨૦ વર્ષ બાદ આર. ડી. બર્મને ફિલ્મ ‘સાગર’ માટે ગીત બનાવ્યું ‘સાગર કિનારે, દિલ યે પુકારે.’

ફિલ્મ ‘સઝા’ માટે સાહિરે લખેલાં ગીતો કેમ ભુલાય; ‘તુમ ન જાને કિસ જહાં મેં ખો ગએ, હમ ભરી દુનિયા મેં તન્હા હો ગએ’ (લતા મંગેશકર) અને ‘આ ગુપચુપ ગુપચુપ પ્યાર કરેં, છુપ છુપ આંખેં ચાર કરેં’

(હેમંતકુમાર-સંધ્યા મુખરજી). આ ફિલ્મથી હિન્દી ફિલ્મસંગીતને એક નવા પ્લેબૅક સિંગર મળ્યા હેમંતકુમાર. હેમંતકુમાર મુખોપાધ્યાય અને સંધ્યા મુખરજી. બંગાળી સંગીતનાં બે પ્રભાવશાળી કલાકારોને મોકો આપનાર સચિનદા માટે સંધ્યા મુખરજી કહે છે, ‘ફિલ્મ ‘સઝા’ના ગીતના રેકૉર્ડિંગનો સમય ખૂબ જ મસ્તીભર્યો હતો. તેમની સેન્સ ઑફ હ્યુમર જોરદાર હતી. તેમને આ ગીતમાં કંઈક નવું જોઈતું હતું. તેમણે ‘ગુપચુપ ગુપચુપ પ્યાર કરેં’ ગીતની શરૂઆતમાં કોરસના અવાજમાં બે-ત્રણ અર્થહીન પંક્તિઓ ઉમેરી દીધી, ‘હાથે મુકે ચુનકલી, નાકે મુકે ચુનકલી.’ આને લીધે આ ગીતનો ઉઠાવ વધારે સુંદર બન્યો અને આ ગીત સુપરહિટ થયું. કોઈ પણ જાતના અર્થ વિનાની આ પંક્તિઓ હકીકતમાં ત્રિપુરાના એક લોકગીત પરથી તેમણે જોડી દીધી હતી.

સચિનદાના સંગીતનો પર્પલ પૅચ આવ્યો જ્યારે ફિલ્મ ‘જાલ’નાં ગીતોએ ધૂમ મચાવી. ગુરુ દત્તના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને કારણે ન કેવળ ગુરુ દત, દેવ આનંદ કે સાહિર લુધિયાનવી, પરંતુ હેમંતકુમાર પણ રાતોરાત લોકપ્રિય કલાકારની શ્રેણીમાં આવી ગયા. યાદ કરીએ એ ગીતોને...

યે રાત યે ચાંદની ફિર કહાં,

સુન જા દિલ કી દાસ્તાં (લતા મંગેશકર-હેમંતકુમાર)

દે ભી ચુકે હમ દિલ નઝરાના દિલ કા (કિશોરકુમાર-ગીતા રૉય)

ચોરી ચોરી મેરી ગલી આના હૈ બુરા (લતા મંગેશકર-કોરસ)

સોચ સમઝ કે દિલ કો લગાના, દેખો બુરા હૈ ઝમાના (ગીતા રૉય)

હંસ લે ગા લે, ધૂમ મચા લે, દુનિયા ફાની હૈ (લતા મંગેશકર-કોરસ)

પિઘલા હૈ સોના, દૂર ગગન પર ફૈલ રહે હૈં રાત કે સાએ (લતા મંગેશકર-કોરસ)

સચિનદા ફિલ્મના પ્રોડ્યુસર પાસે એક જ માગણી કરતા કે તેમના કામમાં તેઓ કોઈની દખલ નહીં ચલાવી લે, એક સંગીતકાર તરીકે તેઓ નક્કી કરશે કે કયા સિંગરના અવાજમાં ગીત રેકૉર્ડ કરવું. એ દિવસોમાં લગભગ દરેક સંગીતકાર મોહમ્મદ રફી અને લતા મંગેશકરના અવાજમાં જ મોટા ભાગનાં ગીતો રેકૉર્ડ કરતા હતા.

સચિનદાને આ બન્ને કલાકારો પ્રત્યે માન હતું, પરંતુ તેમના નામથી અંજાયા વિના બીજા યોગ્ય કલાકારોને મોકો આપવામાં માનતા હતા, ભલે પછી તે નવા કેમ ન હોય. કોઈની  શેહશરમમાં આવ્યા વિના કે ગીતની ગુણવત્તામાં બાંધછોડ કર્યા વિના તેઓ યોગ્ય અવાજની પસંદગી કરતા.

આજે કદાચ આ વાત માની ન શકાય, પરંતુ એ સમયના સિંગર્સ ખેલદિલીથી તેમનો આ આગ્રહ સમજતા. તેમને આ બાબતે કોઈ ફરિયાદ નહોતી. એ વિશે વાત કરતાં હેમંતકુમાર કહે છે...

‘હું સચિનદાને ત્યાં રિહર્સલ માટે જતો ત્યારે મને એ ખબર નહોતી કે છેવટે આ ગીત મારા જ અવાજમાં રેકૉર્ડ થશે કે મન્ના ડે કે રફી કે તલતના અવાજમાં. સચિનદા એક જ ગીત માટે એકથી વધુ સિંગર્સ પાસે રિહર્સલ કરાવતા. ત્યાર બાદ તેમને જે અવાજ એ ગીત માટે સંપૂર્ણપણે યોગ્ય લાગે તેના અવાજમાં જ રેકૉર્ડ કરાવતા. અમારા સૌ માટે સચિનદા મોટા ભાઈ સમાન હતા. અમે આ પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર કર્યો હતો એટલે અમને તેમના વિશે કોઈ ફરિયાદ નહોતી રહેતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK